AMI EK JAJABAR

“અોપિનિયન” પુરસ્કૃત

મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મૃિત વ્યાખ્યાનમાળા

એને ય હવે તેર સાલ થયા.

એ 2002ની સાલ હતી. મનુભાઈ પંચોળી મોટે ગામતરે સિધાવ્યા તેને ય માંડ ચારેક મહિના થયા હતા. 11-12 જાન્યુઆરીએ, સણોસરા ખાતે, લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં, 40મા નાનાભાઈ ભટ્ટ સ્મૃિત પ્રવચનમાળાનો અવસર હતો. અતિથિ વક્તા રઘુવીર ચૌધરી હતા. સદ્દનસીબે એમની સંગાથે જ મારો ય ઊતારો હતો. વળતે દિવસે સવારે ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલાથી અનિલભાઈ ભટ્ટ રઘુવીરભાઈને મળવા પધારેલા. બન્ને વડેરી વ્યક્તિઓ વચ્ચેની વાતચીત ચાલતી હતી. શ્રોતા તરીકે નિરાંતવા બન્નેને સાંભળતો હતો. એમાં અનિલભાઈએ મનુભાઈ પંચોળી ‘દર્શક’ના સ્મરણમાં, કાયમી ધોરણે, એક વ્યાખ્યાનમાળા ઊભી કરવાનુ સૂચન કરેલું તે સ્પષ્ટ સાંભરે છે. તેમાં ચર્ચવાને સારુ વિવિધ વિષયો સમેતનો એક આછેરો નકશો ય એમણે દર્શાવી અાપેલો. બન્નેએ, એ વિચારોની આપ-લે જોડાજોડ, આ બાબતમાં સહમતી દર્શાવેલી.

અનિલભાઈ વિદાય થયા, અને રઘુવીરભાઈ સમક્ષ મન ખોલ્યું. જણાવ્યું કે ભારત બહારના ગુજરાતીઓ કનેથી, મનુભાઈ પંચોળી પ્રેમીજનો પાસેથી, આવું ભંડોળ ઊભું કરવાનું મુનાસિબ છે.

વિશ્વ ફલકે વિસ્તરી ગયેલા આ પ્રજાપુરુષ સાહિત્યકારે પરદેશે વસી ગુજરાતી વસતીને મબલખ વહાલ કર્યું છે અને ફાંટું ભરીને સમજણવાળું માર્ગદર્શન આપ્યું છે. જગતભરમાં પથરાયેલી ગુજરાતી આલમની એક અદકેરી ટૂંક એટલે પણ મનુભાઈ પંચોળી ‘દર્શક’. એ ટૂંકેથી ‘દર્શકે’ ગુજરાતી ડાયસ્પોરાને ઘડવાનું સુપેરે કામ કરેલું છે. વિલાયત માંહેના એમના વિવિધ પ્રવાસો વેળા ય, એમણે અહીંતહીં આપેલાં વ્યાખ્યાનો આની સબળ સાહેદી પૂરે છે. એમના આવાઆવા અનેક નરવા જગપ્રવાસો દરમિયાન, મનુભાઈ પંચોળીએ લોકકેળવણીનું પણ ચોમેર સુપેરે કામ કર્યું છે.

આપણા એક વરિષ્ટ વિચારક, અને કર્મશીલ લેખક દિવંગત કાન્તિભાઈ શાહને નામ આ અવતરણ હાલે ક્યાંક વાંચ્યું : ‘સાહિત્યરસથી જેટલી રસતરબોળ એમની (મનુભાઈ પંચોળી ‘દર્શક’ની) કલમ એટલી જ તરબોળ એમની જીભ. એમને બોલતા સાંભળવા એ એક અનેરો લહાવો હતો.’

સુરેશ દલાલે, એક દા, કહેલું, ‘ગોવર્ધનરામ, મુનશી, પન્નાલાલ પટેલ પછી તરત જ કોઈનું નામ લેવાતું હોય તો તે નવલકથાકાર ‘દર્શક’નું. ‘દર્શક’ પાસે કાળવેધી ઇતિહાસદૃષ્ટિ છે. ગાંધીજીના આદર્શો તથા લોકભારતી જેવી શિક્ષણસંસ્થાના અનુભવે સર્જકને માતબર ભાથું જ હશે. ‘દર્શક’ નાટ્યકાર, ચિંતક અને વિચારક છે. એ જે કંઈ બોલે કે લખે તે અનુભવના નિચોડ રૂપે જ પ્રકટે. જીવનલક્ષી આ સાહિત્યકારનું ઉપનામ અત્યંત સૂચક છે. એમની કથા-કલાકૃતિમાં પ્રચારશૂન્ય ધન્યતાની સઘન અને ગહન અનુભૂિત થાય છે. … ‘દર્શક કવિતાના ચાહક છે અને લોકસાહિત્યના ભાવક છે.’  

આમ આ અંગે, આ મુઠ્ઠી ઊંચેરા ગુજરાતી લોકપુરુષ, સાહિત્યકાર, કેળવણીકાર, કર્મશીલ તેમ જ વિચારકની સ્મૃિતમાં, વિલાયતમાંના સાથીસહોદરો અને તેમાં ય ખાસ કરી વડીલ મિત્ર હીરજીભાઈ ધરમશી શાહ સાથે મસલત કરી નક્કર કરવાની વાત છેડી. મનુભાઈના એક વેળાના વિદ્યાર્થી તથા આજીવન મિત્ર દિવંગત હીરજીભાઈ શાહના સહયોગમાં, બહાર પાડેલી સહિયારી ટહેલને પરિણામે, ‘પરિવાર કમ્યુિનકેશન્સ’ હેઠળ પ્રગટ થતા, તથા મારા તંત્રીપદે નીકળતા “અોપિનિયન” સામિયકના વાચકોએ અત્રતત્રથી એકઠું કરેલું આ ભંડોળ છે.

આ પ્રકલ્પ માટે દિવંગત હીરજીભાઈનો ઉત્સાહ પૂરો વિધેયક થયો. એક અરસા સુધી ચાલેલી વાટાઘાટ કેડે, અમે બન્નેએ 02 ફેબ્રુઆરી 2004ના રોજ, ‘ગુજરાતી ડાયસ્પોરાનાં દરેક ભાંડુંનાં માંહ્યલાંને વિનવણી’ કરતું  નિવેદન તૈયાર કર્યું. રસિકજનો તેમ જ અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને માહિતગાર કર્યાં. હૂંફટેકોનો સરવાળો પોરસાવતો ગયો; અને અમે “ઓપિનિયન” સામિયકમાં જાહેર અપીલ મુકવા તેમ જ જગત ભરે અન્યત્ર લગી ટહેલની અપીલ પહોંચાડવાનું નક્કી કર્યું.

સમય લાગ્યો. 13 અૉગસ્ટ 2004થી 26 સપ્ટેમ્બર 2006 સુધીમાં તો રકમનો આંક £8,900.17 સુધી પહોંચી ગયો. ચોમેરથી નાનીમોટી રકમ આવતી હતી. તેની રજેરજની વિગતો “અોપિનિયન”નાં પાને અંકિત થતી રહેલી. એક પાઉન્ડ સમેતની દરેક નાનીમોટી રકમની અધિકૃત પાવતીઓ પણ ફાટેલી.

દરમિયાન, એક તરફે ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ના અગ્રેસરો અને બીજી તરફે આ ભંડોળના યોજકો વચ્ચે આરોહઅવરોહ સમેતના વાટાઘાટ, પત્રવ્યવહાર થતાં રહ્યાં. તે વચ્ચાળે હીરજીભાઈ મોટે ગામતરે સિધાવી ગયા. જવાબદારી એકને શિરે રહી. અને પરિસ્થિતિ બાબત હીરજીભાઈનાં શેષ વારસદારો - મણિબહેન તેમ જ નીલેશભાઈને માહિતગાર પણ રાખતો થયો.

અને હવે મેનેજિંગ ટૃસ્ટી અરુણભાઈ દવે સાથેની ડિસેમ્બર 2014 દરમિયાનની આખરી રૂબરૂ મુલાકાતને અંતે, બનતી ત્વરાએ, આ ભંડોળ મોકલી આપવાનું તથા ઉચિત વ્યાખ્યાન-શ્રેણી માટેની વ્યવસ્થા કરવાનું ગોઠવાઈ રહ્યું.

આ મે માસ દરમિયાન જ, મૂળ રકમમાં £ 1,099.83 જેવડું નિજી ઉમેરણ કરી, કુલ £ 10,000, અંકે દશ હજાર પાઉન્ડ, ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ને મોકલી અપાયા છે. તે લોકભારતીના ‘ફોરિન એઇડ’ ખાતામાં જમા થયા છે. રૂપિયામાં વિનિમયે ફેરવાતા, સંસ્થાના ખાતામાં રૂ. 9,89,200/- જમા થયા છે. આ દાનની રકમ ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠે’ કોર્પસ [corpus] તરીકે અનામત રાખવાની છે અને તેના વ્યાજમાંથી આ અંગેનો ખર્ચા કરવાનો છે. મૂળ રકમ વાપરવાની નથી.

દરમિયાન, 2016થી આ વ્યાખ્યાનમાળા આરંભી શકીએ. પહેલું વ્યાખ્યાન, અલબત્ત, સણોસરા ખાતે મનુભાઈ પંચોળીની પ્રાણપ્રિય પ્રયોગશાળા − લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં જ હોય.

આ વ્યાખ્યાનમાળા સંપૂર્ણતયા સર્વલક્ષી હોય અને તંતોતંત સર્વાંગી હોય. ગુજરાતમાં, ભારતમાં સઘળે તેમ જ જગતભરમાં કંઈ કેટલા ય દેશોમાં દાયકાઓથી અહીંતહીં વસતા તમામ ગુજરાતીઓને કેન્દ્રમાં રાખીને આ વ્યાખ્યાનમાળાનું આયોજન હોય. મનુભાઈ પંચોળી ‘દર્શક’ને કેન્દ્રસ્થ કરતી કોઈ પણ પ્રવૃત્તિ કે પછી અક્ષરસૃષ્ટિને આવરતી તેને ક્ષિતિજ વિસ્તરતી હોય. ગુજરાત, ભારત અને વળી જગતને ચોક ધૂણી ધખાવીને પડ્યા તપસ્વી વ્યાખ્યાતાને વ્યાખ્યાન આપવાનું ઈજન હોય. મનુદાદાના જન્મદિવસ આસપાસ કે પછી અવસાનદિવસ ચોપાસ, ઓચ્છવ મનાવવા, આ વ્યાખ્યાનમાળા ગોઠવી શકાય.

અા વ્યાખ્યાનમાળા તેમ જ તેના સંચાલન અંગે અમે અારંભથી કેટલીક લક્ષ્મણરેખા દોરી છે, જે અા પ્રમાણે છે :

• શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ને જે મુખ્ય પાંચ વિષયોમાં (નાગરિકધર્મ, પાયાની કેળવણી, સાહિત્ય, ઇતિહાસ તથા ગ્રામસુધાર અને વિકાસ) ઊંડો રસ હતો, તેને કેન્દ્રગામી ગણીને વ્યાખ્યાન-વિષયનું અાયોજન કરવું.

• વિશ્વ ફલકે વિસ્તરી ગયેલા અા પ્રજાપુરુષની, અા સ્મૃિત વ્યાખ્યાનમાળાને સારુ ગુજરાત, ભારત અને જગતમાંથી, અનુક્રમે, ફરતા ફરતા વિદ્વાન, અભ્યાસુ વ્યાખ્યાતાને શોધી, પસંદ કરી નિમંત્રવા. ઉદાહરણ તરીકે, એક વરસ ગુજરાતમાંથી લેવાયા હોય તો બીજે વરસે ભારત વિસ્તારમાંથી નિમંત્રાયા હોય. તો ત્રીજી સાલ, જગત ભરમાંથી જે તે વિષયના નિષ્ણાત વ્યાખ્યાન માટે પધારે.

• અા સ્મૃિત - વ્યાખ્યાનમાળા માટે ગુજરાતી માધ્યમ રહે તે સ્વાભાવિક હોવા છતાં, હિન્દી તથા અંગ્રેજી માધ્યમનો પણ બાધ રહેવો જરૂરી નથી. જે તે વિષયના અભ્યાસુ વ્યાખ્યાતા એમનું વ્યાખ્યાન ઠીક ઠીક અાગોતરું લખીને મોકલે કે જેથી તેનો ગુજરાતી અનુવાદ, વેળાસર વ્યાખ્યાન પહેલાં, તૈયાર કરવામાં અાવે. અાથી, બહુ જ અાગોતરા, જે તે વ્યાખ્યાતાની પસંદગી કરવામાં અાવે તેમ ગોઠવવું.

• વ્યાખ્યાતાને વાટખર્ચી અને પુરસ્કારની સંતોષકારી જોગવાઈ અા ભંડોળનાં વ્યાજમાંથી કરી શકાય તેમ છે.

• અા સ્મૃિત વ્યાખ્યાનમાળાની સમૂળી રકમ, ‘એન્ડાવમેન્ટ’ જેવા કોઈક નામ હેઠળ બેન્કખાતામાં જમે રાખવી. તેનાં વ્યાજમાંથી જ અા સ્મૃિત વ્યાખ્યાનમાળાનો સર્વાંગી ખર્ચ કાઢવો રહે. અા મૂળ રકમને તેમ જ તેના વ્યાજને અા સ્મૃિત વ્યાખ્યાનમાળા સિવાયની બીજી કોઈ પણ બાબત પેટે ઉપયોગમાં લેવામાં ન જ અાવે.

• અા સ્મૃિત વ્યાખ્યાનમાળાને સારુ છ જણની વ્યવસ્થાપક સમિતિ હોય, જે તેનો સમૂળો કારોબાર ચલાવે. સર્વશ્રી પ્રકાશ ન. શાહ, વિપુલ કલ્યાણી, પ્રફુલ્લ બા. દવે, અરુણ દવે, સંજય શ્રીપાદ ભાવે તેમ જ ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ના નિયામક એમ અા વ્યવસ્થાપક સમિતિના છ સભાસદો રહે.

• અા સ્મૃિત વ્યાખ્યાનમાળાનું સુપેરે સંચાલન, અન્યથા, ‘લોકભારતી ગ્રામવિદ્યાપીઠ’ હેઠળ જ હોય.

• અા સ્મૃિત વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનોને સંચયરૂપે તેમ જ અન્યથા પ્રકાશિત કરી, લોકો સુધી પહોંચાડવાની તજવીજ કરવી.

• અા સૂચિત વ્યાખ્યાનને, એકાંતરા વરસે, લોકભારતી, સણોસરાના તેમ જ અાંબલાના પરિસરની બહાર, ગુજરાતના અન્ય મુખ્ય મુખ્ય નગરોમાં, પાટનગર ગાંધીનગર અને અમદાવાદ ઉપરાંત મુંબઈમાં ય લઈ જવાનો મનસૂબો રાખવો. અામ થતાં અાપણે મનુભાઈ પંચોળી ‘દર્શક’ની વાતને અાવાં અાવાં વ્યાખ્યાન વાટે દૂરસુદૂર પણ લઈ જઈ શકીશું.

અા વ્યાખ્યાનમાળા, વખત જતા, ચોક્કસપણે ભારે અગત્યની સાબિત થઈ શકે છે અને તેનું સ્થાન અને માન અાપણી ઉત્તમ વ્યાખ્યાનશ્રેણીમાં, અાગલી હરોળે હોઈ શકે છે, એવી શ્રદ્ધા છે.

પાનબીડું :

“મનુભાઈનું હૃદય સાહિત્યકારનું છે, હાથપગ રચનાત્મક કાર્યકરના છે અને માથું વિચારક - ચિંતકનું તથા રાજકારણીનું છે. મનુભાઈના જીવન અને કાર્યમાં એમના નીખરેલા વ્યક્તિત્વનાં આ ત્રણેય પાસાં જોવાં મળે છે.”

− આચાર્ય દાદા ધર્માધિકારી

હેરો, 28 મે 2015

e.mail : [email protected]

Category :- VK / Ami Ek Jajabar

“ફૂલ ખીલેંગે બાગો મેં જબ તક ગુલાબ કા પ્યારા
તબ તક ઝીંદા હૈ ધરતી પર નેહરુ નામ તુમ્હારા”

મારી શિશુ વયથી પૂર્વ આફ્રિકાના દેશોમાં, હિન્દવી જમાતના ઘરોમાં, મહદ્દ અંશે મહાત્મા ગાંધી, પંડિત નેહરુ તેમ જ નેતાજી બોઝની છવિઓ જોવા મળતી. ક્યારેક સરદાર પટેલની તથા ભારતમાતાની પણ છબી તે હારમાળામાં સામેલ દેખાતી. પરદેશ કમાવાધમાવા ગયેલી જમાતના રાષ્ટૃપ્રેમની આ સાહેદી છે. આ બાકી હોય તેમ, આફ્રિકા ખંડના મોટા ભાગના દેશોની સ્વાતંત્ર્ય લડતમાં જવાહરલાલ નેહરુ અને મહાત્મા ગાંધી પણ અગ્રેસર લેખાતા. મોટા ભાગના નેતાઓ, વળી, આ બન્નેથી પૂરા ભાવવિભોર વર્તાતા. દક્ષિણ આફ્રિકાની રાષ્ટૃીય હિન્દી કાઁગ્રેસની વિવિધ શાખાઓ તેમ જ પૂર્વ તથા કેન્યાની રાષ્ટૃીય હિન્દી કાઁગ્રેસ પરે ય આ મહાનુભાવો છવાયા રહેતા.

આવી આ આદર્શ પ્રતિમાઓ (રૉલ મૉડેલ્સ) તે સમયથી જ મારા પરાક્રમી પુરુષો તરીકે સ્થપાઈ ચુક્યા છે. તે દિવસોમાં આફ્રિકામાંથી પ્રગટ થતાં ગુજરાતી, અંગ્રેજી અખબારોમાં તેમ જ ભારતથી આવતાં સમસામયિકોમાં આ આગેવાનોની વાતો, એમના સમાચારો દેખતો અને મને જોમજોસ્સો ચડતા. મારું, મારા વિચારોનું, મારી સમજણનું ઘડતર કરવામાં આ ત્રિપુટીનો ઝાઝેરો ફાળો રહ્યો છે.

સન 1936માં લખનઉ ખાતે મળેલી કાઁગ્રેસમાં જવાહરલાલ નેહરુએ આપેલા ભાષણ બાદ, વિદેશ અંગેની બાબતોને અગત્ય મળવા લાગ્યું. જગતના સ્તરે જે ગતિવિધિ હતી તેની જાણકારી મેળવાતી ગઈ. સંસ્થાનવાદ, સામ્યવાદની માહિતીવિગતો પણ મેળવાતી ગઈ. બ્રિટનના અન્ય સંસ્થાનો અને તેમાં રહેતા હિન્દીઓની બાબતો પણ તેમાં અગ્રતા મેળવતી રહી. આમ આફ્રિકામાં વસતા હિન્દીઓના પ્રશ્નોની છણાવટ થતી રહી. સરોજિની નાયડુ, મૈથિલીશરણ ગુપ્ત, દીવાન ચમનલાલ, અપ્પા પંત, કાકા કાલેલકર સરીખાં આગેવાનોની સમયસમયની આફ્રિકા-યાત્રાએ, તેમ જ એમનાં સક્રિય માર્ગદર્શનથી પણ નેહરુ - ગાંધીની આગેવાનીવાળા આંદોલનથી હિન્દવી વસાહતને સાંકળાવાનું સહેલું બનતું હતું. વળી, અપ્પા પંતની સક્રિયતાને કારણે આફ્રિકી રાજકારણીઓ તેમ જ નેહરુના વડપણવાળી સરકાર વચ્ચે ઘનિષ્ટતા મજબૂત બનતી થયેલી.  

હમણાં હમણાં અપ્પા બી. પંત લિખિત ‘અનડિપ્લોમેટિક ઇન્સિડન્ટ્સ’માંથી પણ પસાર થવાનું બન્યું. એમણે જવાહરલાલ નેહરુ માટેનાં સ્થાન અને માનની અનેક સાહેદી આપી છે. ગઈ સદીના પાંચમા દાયકા વેળા અપ્પા સાહેબ પૂર્વ આફ્રિકા ખાતે ભારતના રાજદૂત હતા અને એમણે જે તે મુલકોની નેતાગીરી સાથે જે ઘનિષ્ઠતા સેવી હતી અને ઊભી કરી હતી તેની આ ચોપડીમાં વિગતે નોંધ લેવાઈ છે. આફ્રિકાના આ સઘળા મુલકમાં જવાહરલાલજી માટે ભારે અગત્યનું સ્થાન રહેતું. દરેક આગેવાન એમનાં માર્ગદર્શન માટે આતુર રહેતા. અને આની સહજ ઝાંખી મારા એ દિવસોમાં મેં ઉપરછલ્લી તો ઉપરછલ્લી જાણી છે, જોઈ છે.

દરમિયાન, ગઈ સદીના પાંચમા દાયકામાં માવતરે મને ગુજરાતમાં ભણવા મુક્યો. સત્તાવનના અરસામાં સાર્વત્રિક ચૂંટણીઓ આવી અને જવાહરલાલજીની કાઁગ્રેસનો દબદબો જોઈને રાજીના રેડ બનતો. એ દિવસોમાં જામનગરમાં દાનવીર શેઠ મેઘજી પેથરાજ શાહની સખાવતથી મેડિકલ કૉલેજ શરૂ થવામાં હતી. જવાહરલાલજી અવસરે જામનગર પધારેલા. બહુ નજીકથી એમને સાંભળવાનો લ્હાવો મળેલો. કેટલીક પરિસ્થિતિઓને લીધે, દરમિયાન, ઘેર પરત થવાનું બન્યું અને એકસઠમાં, મુંબઈ ઉચ્ચ અભ્યાસ માટે જવાનું થયું. રહેવાનું ગામદેવીમાં હતું. ચૌપાટી નજીકનું મથક. કાઁગ્રેસ હાઉસ પણ ખૂબ નજીક. જાણે કે પગડે ઘા ! વળી તે જ અરસે, બાંસઠની ચૂંટણીઓના પડઘમ વાગવા શરૂ થયા, તેથી તેવાકમાં આવા સ્થળોએ નેહરુજી સહિતની અનેક જંગી સભાઓ યોજાતી અને તે દરેકને રૂબરૂ માણતો થઈ ગયેલો. એની વચ્ચે આપણા એક આદરમાન કવિ, રમેશ ગુપ્તાની જોમભરી કવિતાઓ, આવી આવી સભાઓમાં, એમને કંઠે ય ગુંજતી સાંભળતો. એમને મળતો, એમની સાથે વાતો કરતો અને મને શેર શેર લોહી ચડી આવતું.

1962માં ચીને આદરેલા યુદ્ધ વેળા, કવિ ‘પ્રદીપે’ (રામચન્દ્ર નારાયણજી દ્વિવેદી) લખેલું ગીત અને સી. રામચન્દ્રના સંગીત નિર્દેશન હેઠળ લતા મંગેશકરને કંઠે ઝૂમી ઊઠેલું એ ગીત : ‘એ મેરે વતન કે લોગોં …’ સૌ પહેલાં સાંભળવાનો ય મોકો મળેલો. ઓપેરા હાઉસ વિસ્તારના કેનેડી પૂલ પડખે આવેલી ક્વિન મેરી સ્કૂલના પ્રાગંણમાં, એક ખીચોખીચ પણ જંગી સભા મળેલી. જવાહરલાલજી તેમાં હાજર. લતાજીનાં ગાનથી દડદડ આંસુએ રડતા પંડિતજીને બહુ જ નજીકથી જોયાનું પણ સાંભરણ છે.

સન 1964ની 27 મેએ પારિવારિક પ્રસંગે જામખંભાળિયા હતો. પિતરાઈ બહેનનું લગ્ન હતું. વિધિ પતવામાં હતી, ત્યાં જવાહરલાલજીના અવસાનના સમાચાર મળ્યા. તાકીદે જામનગર જવા નીકળી ગયો અને શોકમગ્ન રહી. તે સંબંધક રોજિંદા સમાચારોમાં ખૂંપ્યો રહ્યો. … ખેર !

રફિક ઝકરિયાની સંપાદિત એક ચોપડી છે : ‘અૅ સ્ટડી અૉવ્ નેહરુ’. જવાહરલાલજીની સિત્તરેમી વર્ષગાંઠ નિમિત્ત, જીવનવૃત્તાન્ત સંબંધક નિબંધોની આ ચોપડીમાં કહેવાયું છે :

‘એમણે એમને વ્યામોહિત કર્યા છે; એમણે એમનો પરમ આદર કર્યો છે. દુર્ગમ આદિવાસી વિસ્તારોમાં જ્યાં પહોંચવું જ અઘરું છે, ત્યાં પણ એમનું નામ ઘરેઘરે પ્રચલિત છે; અભણ ગ્રામ્યવાસીઓમાં તો એમનું સ્થાન દેવ સરીખું બની ગયું છે. મોટા ભાગના ભારતીયોમાં એ સમગ્ર જીવનના રૂડા, ખાનદાન તેમ જ સુન્દર પ્રતીક છે. એમની ભૂલો માટે ય એ પ્રશસ્ય રહ્યા છે; એમની નબળાઈઓ માટે ય ચાહના છે. વીરપુરુષોની પૂજાઅર્ચના કરવાવાળા આ મુલકમાં એ વીરપુરુષોના ય પરાક્રમી પુરુષ રહ્યા છે. એમની ટીકાટિપ્પણ કરવી અયોગ્ય લેખાય છે; એમને વખોડવું એ અનાદર-સૂચક છે. … એમના પક્ષથી એ સૌ નારાજ હશે, એમના શાસન હેઠળ એ સૌ દુ:ખી હશે, એમ છતાં એ સૌને એમના પ્રતિ એટલો બધો અનન્યભાવ છે કે એમને કશા ય સારુ જવાબદાર લેખવામાં આવતા નથી.’

વારુ, એક જ કૉલેજમાં ભણતા સહાધ્યાયી ધીરેન મરચન્ટ અને હું, યુવાવસ્થાએ, જવાહરલાલ નેહરુની કોઈ જાતની આલોચના સહી જ શકતા નહીં. ટીકાખોરનો સામનો કરતા કરતા અમે બાખડી ય પડતા ! …  વરસો જતાં, આ પ્રકૃતિમાં ફેર પડ્યો છે અને વિચાર, વાણી અને વર્તન હવે વિશેષ વિધેયક તેમ જ ઉદ્દિષ્ટ લક્ષ્ય બન્યાં છે. … ખેર !

વારુ, અબ્રાહમ કાઉલીને ટાંકીને આરંભાયેલી ‘મારી જીવનકથા’ ખૂબ જ અસરકારક લાગી છે. ‘પોતે પોતાના વિષે લખવામાં મજા તો છે, પણ મુશ્કેલી પણ છે; કારણ, પોતાને વિષે કશું ખરાબ લખતાં પોતાને ખટકે અને સારુ કહેતાં સાંભળનાર કે વાંચનારને ખટકે.’ અને નહેરુએ લખ્યાં બીજાં પુસ્તકો, ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’, ‘મારું હિંદનું દર્શન’ તેમ જ ‘કેટલાક જૂના પત્રો’માંથી પણ પસાર થવાનું બન્યું છે ત્યારે જવાહરલાલ નેહરુએ આ લખાણોમાં ‘હું’ને વામન કરી નાંખ્યાનું ચોખ્ખું દેખાતું રહ્યું.

આપણી જબાનના એક ઉત્તમ તંત્રી એટલે દિવંગત યશવંત દોશી. “ગ્રંથ”નામે એક બહુ સરસ સામયિક એ ચલાવતા હતા. ‘પરિચય ટૃસ્ટ’ હેઠળ નીકળતા આ સામયિકના જૂન 1964ના અંકમાં ‘સંસ્કૃિતઓનો સેતુ’ નામે દિવંગત વાડીલાલ ડગલીનો મજેદાર લેખ પણ સામેલ છે. એમાંથી આ બે ફકરા જોઈએ :

‘1936માં નહેરુએ એમની આત્મકથા પ્રસિદ્ધ કરી અને ઇંગ્લેન્ડમાં ખળભળાટ મચી ગયો. એમની આત્મકથામાં ક્યાં ય વંધ્ય રાષ્ટૃવાદનાં દર્શન નહોતાં થતાં. પશ્ચિમની પ્રજાને એક સંવેદનશીલ આંતરરાષ્ટૃીયવાદી વિચારકના એમાં દર્શન થયાં. આત્મકથાએ એકીસાથે અનેક કામ કર્યાં. અંગ્રેજોને થયું કે આ તો આપણા જેવો જ એક માણસ સામ્રાજ્યવાદની નિરર્થકતા વિશે લખી રહ્યો છે. અંગ્રેજો સમજી શકે એવી વાણી(ઈડિયમ)માં નહેરુએ ભારતના સ્વાતંત્ર્યની અનિવાર્યતા સમજાવી. સમાજવાદ, લોકશાહી, વૈજ્ઞાનિક દૃષ્ટિ અને ઉદ્યોગીકરણ વિના ભારતની દશા નહિ બદલી શકાય એ પણ એમણે આત્મકથામાં કહ્યું. ગાંધીજીની કલ્પનાનો સમાજ એમને કેમ પૂરેપૂરો ગળે ઊતરતો નથી એ પણ એમણે પોતાના દેશવાસીઓને કહ્યું. પંડિતજીએ પોતે આત્મકથા લખીને આંતરરાષ્ટૃીય ક્ષેત્રે અસાધારણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. આઝાદી આવી અને નહેરુ વડા પ્રધાન થયા ત્યારે દુનિયાને નવાઈ એટલા માટે ન થઈ કે પેલી મહાન આત્મકથાના લેખક જ સત્તા પર આવ્યા હતા.

‘આમ તો, એમના પ્રકાશકે પંડિતજીને ભારતની રાષ્ટૃીય ચળવળનો ઇતિહાસ લખવાનું કહ્યું હતું પણ એમણે એક કળાકારની ખુમારીથી એમની આગવી શૈલીમાં જ આ ઇતિહાસ લખ્યો. એમનું જીવન અને રાષ્ટૃનું જીવન એકબીજા સાથે એટલાં બધાં ઓતપ્રોત થઈ ગયાં હતાં કે એકને મૂકીને બીજા વિશે લખવા જાય તો તે કથા અધૂરી જ રહી જાય. આત્મકથા દ્વારા, ખરી રીતે તો, જવાહરલાલજીએ ભારતના મુક્તિસંગ્રામનું એક મહાકાવ્ય લખ્યું છે.’

“ગ્રંથ”ના અૉગસ્ટ 1964ના નેહરુ વિશેષાંકમાં, રવિશંકર સં. ભટ્ટનો સરસ લેખ છે. એ આરંભે લખે છે : ‘પંડિત જવાહરલાલ નેહરુની ‘આત્મકથા’ના પ્રકાશન પ્રસંગે તેમને અભિનંદન આપવા મુંબઈમાં એક સભા મળી હતી, તેમાં સુપ્રસિદ્ધ અમેરિકન લેખક જૉન ગન્થરે એ ગ્રન્થની ‘સાંપ્રતકાળની − બલકે સદાકાળની - સૌથી વિશેષ હૃદયંગમ આત્મકથા’ તરીકે પ્રશંસા કરી હતી. એ સર્વાંશે યથાર્થ હતી કારણ કે આત્મકથાએ લાખો હિંદીજનોના તેમ જ જુદા જુદા દેશોના યુવાન અને પ્રગતિશીલ જનોના મનને ગાઢ અને પ્રેરણાદાયી અસર કરી છે. તેનાં ભાષાંતરો જગતની આશરે 29 ભાષાઓમાં થયાં છે અને તેને પરિણામે પંડિતજીને એક અગ્રગણ્ય લેખક અને વિચારક તરીકે આંતરરાષ્ટૃીય ખ્યાતિ મળી છે. ‘આત્મકથા’નાં ભાષાંતરો હિંદની પ્રદેશિક ભાષાઓમાં થયાં છે અને ગુજરાતીમાં સ્વ. મહાદેવભાઈ દેસાઈનો અનુવાદ સુંદર છે.’

ગગનવિહારી મહેતા આ અંગે જણાવે છે તેમ, ‘મહાદેવભાઈએ કેવી રીતે એનો અનુવાદ કર્યો હતો એનો ઉલ્લેખ અહીં અપ્રસ્તુત નથી; એમણે પોતે એની વાત કહી હતી. પોતે રેંટિયો કાંતતા જાય, સામે ‘Autobiography’નું પુસ્તક ટેકવીને રાખે અને અનુવાદ કરતા જાય જે એમના પુત્ર નારાયણ લખી લે ! અતિશય સરસ આ અનુવાદ છે એ કહેવાની જરૂર નથી.’

આ અનુવાદના આરંભે, મહાદેવભાઈએ ચૌદ પાનમાં પથરાયો અભ્યાસુ ઉપોદ્દઘાત આપ્યો છે. કોઈ પણ અનુવાદક માટે, કોઈ પણ અભ્યાસુ માટે આ પાનાંઓ દીવાદાંડીની ગરજ સારે છે. આરંભમાં જ અનુવાદક ફોડ પાડીને કહે છે : ‘પંડિત જવાહરલાલનું પુસ્તક નથી ગાંધીજીની વિરુદ્ધ પ્રચાર, કે નથી ‘ગાંધીવાદ’ની સામે પડકાર. પ્રસંગે પ્રસંગે ગાંધીજીના જીવન અને વિચારનું પૃથક્કરણ કરતાં જવાહરલાલે ગાંધીજીને ઊભરાતા પ્રેમથી ભરેલી અને શુદ્ધ ભક્તિથી જે અંજલિ આપી છે, તેની બરોબરી પણ કરવાની કોઈ ગાંધીજીના અનુયાયી કે ભક્તની મગદૂર નથી, એમ મારું  હૃદય સાક્ષી પૂરે છે.’

વાડીલાલ ડગલી કહે છે તેમ, આત્મકથામાં એ સ્પષ્ટ થયું કે નહેરુ પશ્ચિમના પ્રશંસક હતા પણ પશ્ચિમના આંધળા ભક્ત ન હતા. પશ્ચિમની આંખે જ બધું જોવાય અને મૂલવાય એમાં એમનું સ્વમાન ઘવાતું હતું. આત્મકથા લખી એ પહેલાં એમણે 1934માં ‘ગ્લિમ્પસિઝ અૉફ વર્લ્ડ હિસ્ટરી’ (જગતના ઇતિહાસનું રેખાદર્શન) પ્રગટ કર્યું હતું. તેની પાછળ પણ પ્રધાન ઉદ્દેશ એ હતો કે માનવસંસ્કૃિતના વિકાસની કથા એશિયાના દૃષ્ટિકોણથી પણ નિહાળવી જોઈએ. પશ્ચિમની ક્રિયાશીલ સંસ્કૃિતનું પાસું જવાહરલાલે ભારતની પ્રજા સમક્ષ છતું કર્યું પણ ભારતની સંસ્કૃિત શું છે એ પ્રશ્ન એમને મૂંઝવતો હતો. આપણો  અધ્યાત્મ વારસો શું છે એ સમજવાનો પંડિતજીએ પ્રયત્ન કર્યો ‘ધ ડિસ્ક્વરી અૉફ ઇન્ડિયા’(મારું હિન્દનું દર્શન)માં. 1946માં પ્રસિદ્ધ થયેલા આ ગ્રંથમાં આપણને પંડિતજી અને ભારતની સંસ્કૃિત એમ બંનેના પ્રાણતત્ત્વનાં દર્શન થાય છે. ‘ડિસ્ક્વરી અૉફ ઇન્ડિયા’માં કમળા નહેરુના છેલ્લા દિવસોનું જે વર્ણન છે તે વર્ણનનાં થોડાં પાનાં વિશ્વસાહિત્યના ઉત્તમ પ્રતિનિધિ સાથે બેસી શકે તેમ છે.

એક અતિશય કાર્યરત, બહુશ્રુત અને સંસ્કારવાંછુ પિતાએ પોતાની ઉંમરલાયક થતી જતી પુત્રીના માનસઘડતર માટે જગતના મહાનુભાવો અને પ્રશ્નોનો તેને પરિચય કરાવવા માટે જગતનો ઇતિહાસ અંગત અને અનૌપચારિક પત્રો દ્વારા રજૂ કર્યો. પ્રાધ્યાપક નગીનદાસ સંઘવીએ વધુમાં નોંધ્યું છે તેમ, ‘ઊંચે આસને બેસીને વિદ્યાર્થીને પઢાવીને પોપટ બનાવી મૂકવા ઇચ્છતા પંડિતનું આમાં ક્યાં ય દર્શન થતું નથી. વાત્સલ્યથી માથે હાથ ફેરવતાં ફેરવતાં ઇતિહાસના રસનું સિંચન પોતાના સંતાનમાં કરતા વડીલનું ચિત્ર અહીં દેખાય છે. અહીં વિદ્વતા છે પણ તેનું ભારેખમ ગાંભીર્ય નથી. સંસકારની ઝંખના છે પણ અમુક જ સંસ્કારનો આગ્રહ નથી.’

‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’, વળી, ઇતિહાસનું પાઠ્યપુસ્તક નથી અને ઇતિહાસની તમામ હકીકતોનું વિગતવાર જ્ઞાન આપવું એ તેનો હેતુ પણ નથી.

જવાહરલાલ નેહરુનું ‘મારું હિન્દનું દર્શન’ પુસ્તક અત્યન્ત મહત્ત્વનું અને નોંધપાત્ર છે, એમ કા.ના. સુબ્રમણ્યમ્ નોંધે છે. એમના મતાનુસાર, જવાહરલાલની સાથે ઊછરેલી આખી પેઢીના હિન્દ દર્શન કરતાં એ ભિન્ન હતું.

પુસ્તક તરીકે જોઇએ તો નેહરુનું આ છેલ્લું પુસ્તક છે. આ પુસ્તકમાં જવાહરલાલની ઊંડી સૂઝ અને આંતરદર્શનની વાચકને પ્રતીતિ થાય છે. ‘ડિસ્ક્વરી અૉફ ઇન્ડિયા‘ લખ્યા પછી નેહરુ બીજું કોઈ પુસ્તક લખી ન શક્યા તે રંજની વાત છે. … જ્ઞાનેશ્વર કુલકર્ણી કહે છે તેમ, પણ આવું કોઈ પુસ્તક ન લખાયાના આશ્વાસનરૂપે ‘અૅ બન્ચ અૉફ અૉલ્ડ લેટર્સ‘ (કેટલાક જૂના પત્રો) પુસ્તકમાં નેહરુનો જીવન - ઘડતરકાળ આલેખવામાં આવ્યો છે અને તે આલેખનારાં છે તેમનું જીવન ઘડનારાં સ્ત્રી-પુરુષો.   

‘મહાદેવભાઈની ડાયરી’માં નોંધાયું છે : ‘એમના પુસ્તકના પાને પાને એક વસ્તુ રહી છે : “જ્યાં આદર્શો જ્વલંત રહે અને હૈયાં અડગ હોય ત્યાં નિષ્ફળતા હોય જ નહિ. ખરી નિષ્ફળતા તો સિદ્ધાંતના ત્યાગમાં, પોતાનો હક જતો કરવામાં, અને અન્યાયને ભૂંડી રીતે વશ થવામાં છે.”’ બીજી તરફ, સર્વપલ્લી રાધાકૃષ્ણન્ લખતા હતા : ‘નેહરુ એક ઉચ્ચ કોટિના લેખક હતા. તેમની આત્મકથા આપણા જમાનાની એક અત્યન્ત નોંધપાત્ર કૃતિ છે. કાંઈ પણ રોદણાં રોયા વિના કે આપવડાઈ વિના તેમણે એમાં તેમના જીવનની અને આઝાદીજંગની કથા આલેખી છે.’

‘સંસ્કૃિતઓનો સેતુ’ નામક પોતાના નિબંધમાં વાડીલાલ ડગલી આ ફકરા સાથે નિબંધને આટોપે છે :

‘વિજ્ઞાને અંતરને નાથ્યું છે. દૂરદૂરના ખંડો હવે પાડોશી બની ગયા છે. ગઈ કાલની ભૌગોલિક સરહદો નકામી બની ગઈ છે. અંતર ઘટ્યું છે પણ ભય વધ્યો છે. આવા ભયની આબોહવામાં માનવસંસ્કૃિત કરમાઈ રહી છે એમ કહી જવાહરલાલજીએ દુનિયાની મહાસત્તાઓના અંતરાત્માને જગાડવા પ્રયત્ન કર્યો. ક્યારેક ભારતનું કામ એક બાજુ હડસેલીને પણ પંડિતજીએ માનવજાતની આ મહાત્ત્વાકાંક્ષી સેવા કર્યે રાખી. આ કારણે જ આવા વિધાયક વિચારકના જવાથી ખંડેખંડેમાં વિષાદ ફેલાયો હતો. જવાહરલાલજીના અવસાનને દિવસે ભારત અને દુનિયા વચ્ચેનું અંતર નામશેષ થયું હતું.’

શશી થરૂરે આપી અનેક ચોપડીઓમાં એક ગમતી ચોપડી છે : ‘નેહરુ ધ ઇન્વેન્શન અૉફ ઇન્ડિયા’. આ પુસ્તકનો આખરી ફકરો, અનુવાદે, અહીં લેતા લેતા વિરામીએ :

‘એમના મેજ પર, જવાહરલાલ બે ગણચિહ્ન રાખતા — મહાત્મા ગાંધીની સોનેરી નાની મૂર્તિ અને અબ્રાહમ લિંકનના હાથની કાંસ્ય પ્રતિમા. સમય સમય પર એમને સ્પર્શતાં સ્પર્શતાં એ ઉષ્માહૂંફ મેળવી લેતા. એમને સારુ પ્રેરણાનો પટ ક્યાં લગી લંબાતો તેની ઝાંખી આપણને એમાંથી મળી જાય છે : મહાત્માના અંતર સુધીની પહોંચ મેળવીને તેમ જ લિંકનના હાથ સમ શક્તિ પ્રાપ્ત કરી કોયડાઓના ઉકેલ સારુ એ મથતા રહે, તેમ એમણે વારંવાર કહ્યું જ છે. નેહરુનો સમય, અલબત્ત, ક્યારનો પસાર થઈ ગયો છે; પરંતુ દેશની બૌદ્ધિક વિરાસત કેટકેટલી ટૂંકાઈ છે તેની સાહેદી આપણે આમાંથી જડે છે − આ બન્ને ચીજને હવે સંગ્રહાલયમાં મૂકી દેવાઈ છે અને એમના વારસદારોએ ફક્ત મેજનો વપરાશ રાખ્યો છે.’  

પાનબીડું :

સરોજિની નાયડુનો પત્ર

હૈદરાબાદ (દક્ષિણ),
દિવાળી,  1939

પ્રિય જવાહર,

તમારી પહેલી અર્ધી સદીનું જીવન ક્યારનુંયે ઇતિહાસ, લોકગીતો તથા લોક કથાનો વિષય બની ચૂક્યું છે. હવે પછીની અર્ધી સદીનાં આરંભનાં વરસો તમારાં સ્વપ્નો તથા તમારી કલ્પનાઓને ફળીભૂત કરનારાં નીવડો તથા માનવપ્રગતિના ઇતિહાસમાં તમને એક સર્વોત્કૃષ્ટ મુક્તિદાતા તરીકે અમરત્વ આપનારાં થાઓ …

હું તમને રૂઢિગત ‘સારી ભેટો’થી નથી નવાજી શકતી. અંગત સુખ, સગવડો, આરામ, સંપત્તિ તથા સામાન્ય માનવીની પૂંજીરૂપ એવી બીજી વસ્તુઓને તમારા જીવનમાં ઝાઝું સ્થાન છે, એમ મને નથી લાગતું. … દુ:ખ, યાતનાઓ, બલિદાન, ગમગીની, ઘર્ષણ … હા, આ બધી તમારે માટે વિધિનિર્મિત ભેટો છે. પરંતુ તમે કોઈ ને કોઈ રીતે તેમને રોમહર્ષણ આનંદ, વિજય − સ્વતંત્રતામાં પલટી નાખશો … તમે વિધિના સંતાન છો − જનસમુદાયની વચ્ચે એકાકી રહેવાને, તેમના અખૂટ પ્રેમપાત્ર થવાને, પરંતુ તેમને માટે કોયડારૂપ રહેવાને સરજાયા છો …

તમારો ખોજની યાત્રાએ નીકળેલો આત્મા તેના લક્ષ્યને પામો તથા સચ્ચિદાનંદનો સાક્ષાત્કાર કરો.

તમારી કવિ બહેન તથા ખોજની સહયાત્રી બહેનના આ આશીર્વાદ છે.

સરોજિની નાયડુ

(‘કેટલાક જૂના પત્રો’, અનુવાદક : મણિભાઈ ભ. દેસાઈ, નવજીવન પ્રકાશન મંદિર, જૂન 1962, પૃ. 458)

હૅરો, ફેબ્રુઆરી - 20 માર્ચ 2015

e.mail : [email protected]

Category :- VK / Ami Ek Jajabar