AMI EK JAJABAR

સ્વરાજ્ય ? ક્યાં છે સ્વરાજ ??

વિપુલ કલ્યાણી
09-04-2019

પાંચાભાઈ દાજીભાઈ પટેલ ઊર્ફે પાંચાકાકાનું નામ, ભલા, આજે કેટલાંને સાંભરે ?

અને આ કોઈ લોકવારતાનું પાત્ર લગીર નથી. મારા સાહેબ, પાંચમાં પૂછાય તેવું એમનું કામ અને સ્થાન છે. સને ૧૮૭૬માં જન્મેલા, પાંચાકાકાએ ૧૯૩૭, ૧૯૪૬, ૧૯૪૭માં એમણે જ ખુદ મહાત્મા ગાંધીને પૂછેલું : તમે ઈચ્છ્યું છે તેવી પૂર્ણ સ્વરાજવાળી આઝાદી મળી છે કે ? … માનશો ? તે દહાડે ય ગાંધીજી એમની સાથે જ સહમત હતા.

અમદાવાદથી પ્રકાશિત “ગુજરાત સમાચાર”માંની પોતાની તત્કાલીન કોલમમાં, આપણા એક વરિષ્ટ વિચારશીલ અને કર્મશીલ પત્રકાર દિવંગત નીરુભાઈ દેસાઈએ ‘દેશના અદ્વિતીય સત્યાગ્રહી’ નામે એક લેખ કર્યો હતો. તેમાંનો આ ફકરો આની સાહેદી પૂરશે :

‘પણ પાંચા પટેલના જીવનની સુવાસ એ તેમની ટેકને લીધે છે. ઇ.સ. ૧૯૨૧માં સ્વરાજ માટેની લડત ગાંધીજી બારડોલીથી શરૂ કરવાના હતા. તેમાં જમીન મહેસૂલ ન ભરવાનો પણ એક કાર્યક્રમ હતો. પાંચા પટેલે સ્વરાજ ન મળે ત્યાં સુધી જમીન મહેસૂલ ન ભરવાની તે વેળા પ્રતિજ્ઞા લીધી હતી. ચૌરીચૌરાના હત્યાકાંડથી ગાંધીજીએ એ લડત મોકૂફ રાખી, પણ પાંચા પટેલે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે મહેસૂલ ન ભર્યું. લડત શરૂ થઈ ન હોવાથી કૉંગ્રેસ કાર્યકર્તાઓએ તેમને મહેસૂલ ભરી દેવાની સલાહ આપી. પણ એમની સલાહથી પાંચા પટેલના મનનું સમાધાન ન થયું. તેથી સાબરમતી આશ્રમમાં ગાંધીજીની સલાહ લેવા ગયા. વાતચીત દરમિયાન ગાંધીજીએ તેમને પૂછ્યું, ‘તમે કોની સલાહથી પ્રતિજ્ઞા લીધી ?’

પાંચા પટેલ − ‘તમે જ “નવજીવન”માં લખ્યું હતું કે અન્યાય સામે જે કાયદાનો વ્યક્તિગત સવિનય ભંગ કરે છે, તેને જગતમાં કોઈ દબાવી શકે શકે નહીં. એ વાંચીને મેં મારી જાતે જ નિર્ણય કરી લીધો.’

ગાંધીજી - ‘તમારી સાથે કોઈ ન હોય તોયે તમે લડત ચાલુ રાખશો ?’

પાંચા પટેલ - ‘હા.’

ગાંધીજી - ‘પણ એકલા પડી જશો એવો ડર ન લાગે ?’

ટાગોરના ‘એકલો જાને’ ગીતનો ઉલ્લેખ કરી તે બોલ્યા કે, ‘હું એકલો લડીશ.’

ગાંધીજીએ હસીને તેમને શાબાશી આપી અને બોલ્યા કે, ‘મારા તમને આશીર્વાદ છે; તમે મહેસૂલ નહીં ભરતા.’

ઇ.સ. ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મી તારીખે હિંદને સ્વરાજ મળ્યું પછી પાંચા પટેલને જમીનનો કબજો લેવાની વિનંતી કરવામાં આવી. જેમ હિંદના રાજકારણમાં સ્વરાજનો અર્થ ક્રમે ક્રમે વિકસતો ગયો, તેમ પાંચા પટેલની સ્વરાજની કલ્પના પણ વિકસતી ગઈ. તેમણે જણાવ્યું કે, ‘જ્યાં સુધી દેશમાં લશ્કરની મદદથી રાજ ચાલે છે ત્યાં સુધી તે સાચું સ્વરાજ નથી. મારું સ્વરાજ હજી આવ્યું નથી. માટે હું મહેસૂલ નહીં ભરું અને એ જમીન પણ મારે ન જોઈએ.’ ગાંધીજીએ જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે લખ્યું કે, ‘પાંચા પટેલની ટેક અદ્વિતીય જ રહેશે.’

આ લેખના પ્રત્યુત્તરમાં, કાંઠા વિસ્તારના એક મુઠ્ઠી ઊંચેરા કર્મશીલ દિવંગત દિલખુશ દિવાનજીએ, વિશેષ વિગત પૂરી, લખેલું :

૧૯૩૭-૩૮માં દેશભરમાં પ્રાંતોમાં કૉંગ્રેસ સરકારો સ્થપાઈ. મુંબઈ સરકારના મહેસૂલ પ્રધાન મોરારજીભાઈ (દેસાઈ) હતા. જે જમીનો જપ્ત થયેલી તે બધી જ સત્યાગ્રહી ખેડૂતોને પાછી આપી. તલાટી અને ગામના અગ્રણી પાંચાકાકાના ઝૂંપડામાં પહોંચ્યા. પાંચાકાકાએ સ્પષ્ટ જણાવી દીધું. મારી પ્રતિજ્ઞાનું પાલન થતું નથી. તલાટી ગામનેતાઓ મૂંઝાયા. છેવટે એમના ભત્રીજા વાલજીભાઈને નામે એ જમીન નોંધાઈ. ભત્રીજાએ પણ એ જમીનનું મહેસૂલ ન ભરવાનો નિર્ણય તલાટીને જણાવી દીધો. મામલો હરિપુરા કૉંગ્રેસમાં આવેલા ગાંધીજી પાસે ગયો. પાંચાકાકા એ અધિવેશનમાં સફાઈ સેવક તરીકે પહોંચી ગયા હતા. બાપુએ એમને સમજ આપી કે કૉંગ્રેસ સરકારને જમીન મહેસૂલ આપવું જોઈએ.

અભણ ગણાતા પાંચાકાકાએ બાપુને સમજ આપી કે એ પ્રાંતીય સ્વરાજ્ય તો રમકડા જેવું સ્વરાજ્ય છે. બાપુએ જણાવ્યું - ‘તમારી વાત સો ટકા સાચી.’

મોરારજીભાઈ તે વખતે હાજર હતા. બધા મૂંઝાયા. બાપુ કંઈ પ્રતિજ્ઞાભંગની સલાહ ન જ આપે. પ્રતિજ્ઞા તો સંપૂર્ણ સ્વરાજ્યની હતી.

બાપુ તો સત્યના શોધક અને ઉપાસક. એમને સૂઝી ગયું. ‘દિલખુશભાઈ તમારે ત્યાં ખાદીનું કામ કરે છે. સંપૂર્ણ સ્વરાજ્ય મળે ત્યાં સુધી મહેસૂલ એ ભરશે. તમારી જમીન એમને ખાદીકાર્ય માટે આપી દો.’

પાંચાકાકાની પણ મૂંઝવણ હતી. ગાંધીકુટિરને તે વાપરવા આપી. અમે ત્યાં બાવળનાં ઝાડ કપાવી દઈ જમીન ચોખ્ખી કરી. પાંચાકાકાને કહ્યું કે લાકડા લઈ જાઓ. એમનો જવાબ હતો કે ‘સત્યાગ્રહીને જમીનનું તણખલું પણ ન ખપે.’

૧૯૪૨ની લડત આવી. એમાં પણ પાંચાકાકાએ શિક્ષાત્મક દંડ ન ભર્યો. કોઈકે ભરી દીધો. સત્યાગ્રહી પાંચાકાકાને સરકારે કશી શિક્ષા કરવી ન હતી એટલે બીજા પાસે દંડ ભરાવી દીધો.

પાંચાકાકા ભલે અભણ ગામડિયા, પણ એમનામાં સ્વતંત્ર ભારતને શોભે એવું ખમીર હતું. જમીન ન જ લીધી.

મેં ફરી સમજ આપી. ‘પાંચાકાકા, મારી કે તમારી હયાતીમાં એવું સ્વરાજ્ય નહીં મળે.’

‘તે હું જાણું છું, તેથી કંઈ મારી હયાતીમાં જમીન ખેડવી નથી.’

બાપુને મેં પત્ર લખી જણાવ્યું કે પાંચાકાકા હજી અણનમ છે. રામરાજ્ય સ્થપાય તો જ જમીન મહેસૂલ ભરે.

બાપુએ “હરિજનબંધુ”માં નોંધ લખી : ‘હિન્દુસ્તાનભરમાં પાંચાકાકાની ટેક અદ્વિતીય જ રહેશે.’

ચાર માસ પછી એમના ભત્રીજા વણાટ શીખવતાં હૃદયરોગથી મૃત્યુ પામ્યા.

બાપુએ “હરિજનબંધુ”માં અંજલિ આપી કે ‘પવિત્ર કામ કરતાં ચાલ્યા ગયા તો ધન્ય મૃત્યુ છે.’

માંડ માંડ સમજાવી શક્યા કે તમારી આવી મુશ્કેલીમાં અમે તમારા મિત્રો અનાજ કપડાંની મદદ કરીએ તો સ્વીકારો.

‘તું શું કામ ચિંતા કરે છે ? વાલજી વર્ષો સુધી કાંતેલા સૂતરની ખાદી વણી ગયા છે તે ચાલશે. અનાજ માટે મારું ફોડી લઈશ.’

પરંતુ આખરે એટલી સંમતિ આપી કે સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લઈ આવશે. તેનું બિલ ખાદીકેન્દ્રે ચૂકવવું.

થોડાં વર્ષો બાદ (૧૫ ફેબ્રુઆરી ૧૯૫૧ના રોજ) પાંચાકાકા અવસાન પામ્યા.

આવા હતા કરાડીના અણનમ સત્યાગ્રહી પાંચાકાકા.

‘કેળવણીનો કીમિયો’, પુસ્તકના ‘વડ તેવા ટેટા’ પ્રકરણમાં (પાનું ૮૫-૮૬), ઉમાશંકર જોશીએ નોંધ્યું છે તે ય રસ પડે તેવું છે :

‘બપોરે અમે કરાડી-મટવાડની શહીદભૂમિ તરફ જવા નીકળ્યા. વચ્ચે પાંચાકાકાનું ઘર આવતું હતું, એમના દર્શને ગયા. સરકાર સામે અણનમ રહી ઝૂઝનાર વૃદ્ધ પાંચાકાકાનું દર્શન પાવનકારી હતું. સરળ ઉમળકાથી એમણે અમને આવકાર્યા. મજામાં તો છો ને ? એ બાજુ વરસાદ બધે કેવોક છે ? − એમ કુશળ સમાચાર પૂછ્યા. વરસાદ બધે જ નથી એ ઉપરથી દેશની સ્થિતિ પર વાત ચાલી : જુઓને, લોક પૈસો પૈસો કરે છે, કાળાંબજાર કરે છે. બાપુજીની વાત આપણે માની નહિ. ગાંધીજી માટેની એમની ભક્તિ શ્વાસે શ્વાસે વરતાતી હતી, ઓશરીને છેડે ગાંધીજીની છબી હતી. ત્યાં ગાંધીજીની ૭૮મી વરસગાંઠ પછી રોજ સવારસાંજ દીવો થાય છે. ધર્મની વાત પાંચાકાકા નરી સ્વાભાવિકતાથી કરતા હતા, વચ્ચે એકબે કડી સંતવાણી ગાઈ સંભળાવે. ‘દીનદયા ઔર આતમપૂજા, એ સિવાય ધરમ નહીં દૂજા’ − એટલું આપણે તો જાણીએ છીએ એમ કહી એમને દેખાતું નથી તે વાતે વળ્યા. એમને બંને આંખે મોતિયા વળ્યા છે. એટલામાં બીજી મંડળી પાંચાકાકાને મળવા આવી પહોંચી. એ વખતે પાંચાકાકાનો સાચો પરિચય તો થયો. એ અકળાઈ ઊઠ્યા. કપાળે બેત્રણ વાર હાથ અડાડી કહે : મને આંધળાપણું શીદ આવ્યું ? હું શાળા ઉપર નહિ જાત ! આ સૌને અહીં શું કરવા આવવાની તસ્દી લેવી પડે ? અંદરના મોટા પડાળિયામાંથી કેડથી વાંકાં વળી ગયેલાં ડોશી બહાર આવ્યાં અને સૌને બેસાડવાની વ્યવસ્થા કરવા લાગ્યાં. નવા આવેલાઓની સાથે પાંચાકાકા વાતે લાગ્યા. અમે વિદાય લીધી. એક વીર પુરુષની સ્વાભાવિક કોમળતાનું દર્શન કરી અમે આગળ ચાલ્યા.’

એક વાર સરદાર વલ્લભભાઈ પટેલને પાંચાકાકાએ કહેલું, ‘ગરીબોને રોટલો મળે તેવું સ્વરાજ્ય સ્થાપજો.’ સ્વરાજ્યની તેમની કલ્પના કેટલી ઉદ્દાત ભાવનાથી રંગાયેલી હતી, તેનો ખ્યાલ તેમના આ વાક્ય પરથી આવશે. ૧૯૪૬માં આરઝી હકૂમત સ્થપાઈ. જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ દિલ્હીના પ્રધાનમંડળમાં ગયા. એ પ્રસંગે ય જમીન પાછી લેવાની પાંચાકાકાને વિનંતી થઈ. ૧૯૪૭માં આઝાદી આવી. ફરી તે જ વિનંતી. એમણે ના પાડી અને સામે કહ્યું : ‘જ્યારે પોલીસ - લશ્કરની મદદ વિના પ્રજા રહેતાં શીખશે ત્યારે જ સ્વરાજ્યની મારી ટેક પૂરી થશે. બાપુ ક્યાં સાબરમતી પાછા ગયા છે ? બાપુ સાબરમતી જશે ત્યારે જમીન ખેડીશ અને મહેસૂલ ભરીશ.’

આખરે બાપુ પણ ગયા. પાંચાકાકાએ પોતાની સંપૂર્ણ સ્વરાજ્યની જ્વલંત ટેક છેવટ સુધી - મરણ પર્યન્ત - જાળવી. જમીન ન જ ખેડી અને મહેસૂલ ન જ ભર્યું.

આજે, આટઆટલાં વર્ષે, આ પાંચાકાકાવાળો તે મહાભારત સવાલ તેમનો તેમ ઊભો છે - નિરુત્તર. ક્યાં ય ‘સ્વરાજ્ય’ની ભાળ મળે છે ખરી કે ? − શું ભારતમાં, શું અમેરિકામાં કે શું વિલાયત સમેતના યુરોપમાં. સઘળે આમ આદમીને કેન્દ્રમાં રખાયો હોય તેમ અનુભવવા મળતું નથી. હા, લોકશાહી છે, અને તેની રસમમાં મતવાળી કરવાની છે, માટે ‘લોક’ની વાત કરવી સહજ હોય છે. પરંતુ તે લોક, તે આમ આદમી, તે છેવાડાનો માણસ, તે દરિદ્રનારાયણ, ભલા, છે ક્યાં ? બોલબાલા તો રાજકારણીઓની, વેપારવણજના લોકોની, ધરમકરમના ધણીધોરીઓની અને દાણચોરોની - રુશવતખોરોની - આતંકવાદીઓની જોવા મળે છે ! ક્યાં ય ‘ગરીબોને રોટલો મળે તેવું સ્વરાજય’ દેખવા મળે છે કે ?

માનવ ઇતિહાસ તપાસીએ છીએ ત્યારે સમજાય છે કે સમય સમયે અનેક સ્વપ્નસેવીઓ આવ્યા છે અને તે દરેકે ચેતનાનો સંચાર કર્યો છે. તે દરેકે બોલવાનું રાખ્યું છે, લખવાનું રાખ્યું છે અને કહેવાનું રાખ્યું છે. અને તેમ છતાં, પછી, તેની અસર કેમ ઓસરતી ભાળીએ છીએ ?

સ્વરાજ્યની લડત વેળા, દાદાભાઈ નવરોજીના ગાળાથી, કે પછી તે પહેલાંના વારાથી પણ, એકમેકથી ચડિયાતા સ્વપ્નસેવીઓ હિંદે દીઠા છે. મહાત્મા ગાંધીના સમયગાળામાં, વળી, સમાજને દરેક સ્તરે આવા આગેવાનોની મોટીમસ્સ ફોજ કામ કરતી હતી. ગુજરાતમાં હમણાં હમણાં સુધી આવા અનેક તપેશરીઓનું તપ આપણને ઉજાગર કરતું હતું. અને છતાં આવું કેમ ?

નેવુંના દાયકાથી નવ્ય ધનવાનોનો એક વર્ગ અહીંતહીં ચોમેર ઊભો થયો છે. પશ્ચિમના દેશો સહિતના દુનિયાના સમૂળા પટમાં, તેમના ધંધાધાપાની સ્વાભાવિક બોલબાલા છે. દૂંદાળા કોરપોરેટ સેક્ટરની તાકાત વિસ્તરતી ચાલી જ છે. આપણે અચરજે આ જોયા જ કરીએ છીએ. તેમાં ખેડૂતો, નાના વેપારીઓ, નાના અમથા કલકારખાનેદારો, અનેક પ્રકારના કામદારો ડૂબી રહ્યા છે. ગરીબો વધુ ગરીબ બનતા ચાલ્યા છે, ધનવાનો વિશેષ ધનવાન. અને આ બધું, મારા મહેરબાન, વિકાસને નામે પારાયણ ચાલે છે !

આપણામાંનાં પાંચાકાકાને, હવે, પરિણામે, જગવવાની તાતી જરૂરત છે. આપણે ય ખુદ સવાલ ઊભા કરવા છે અને જવાબ ખોળવા કર્મશીલ બનવાનું હવે ટાણું જગવવા જેવું છે.

પાનબીડું :

वन्दे मातरम् । 

आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
एक नया झण्डा रँगना है अपने रक्त सलोने में
आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
 
यह झण्डा न इसका होगा न उसका कहलायेगा
जिसको भी है प्यार वतन से वही इसे उठायेगा
दुश्मन पर टूटेगा तो यह बिजली बनकर कड़केगा
अपनों पर छायेगा तो सुख का बादल बन जायेगा
आओ वक़्त गँवाओ ना आपस के रोने धोने में
 
आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
एक नया झण्डा रँगना है अपने रक्त सलोने में
आज लपेट दो सारे झण्डे और रख दो इक कोने में
                                                        ~ प्रेम धवन

e.mail : [email protected]

(સંવર્ધિત)

હેરૉ, 07 ઍપ્રિલ 2019

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar

‘યૂ આર માય ન્યૂ ફૅમિલી’

વિપુલ કલ્યાણી
04-11-2018

મહમ્મદ ગઝનવી સત્તર વાર ગુજરાત પર ચડી આવ્યો. જો એ હકીકત હોય તો આ યુગમાં સત્તર વર્ષમાં એક દિવસની મુસાફરીનો મામલો હોવા છતાં આપણે અમેરિકાથી ભારત સત્તર વાર નથી જઈ શક્યા તો તે જમાનામાં લાખનું સૈન્ય લઈ પગપાળા હજાર માઈલ આવતાંજતાં મહિનાઓ લાગે તેમ સત્તર વાર કરવું. મન ગણગણે છે, ‘ઇઝ ઇટ સો ? ઇઝ ઇટ પોસિબલ ? ઇઝ નોટ સમથિંગ રોંગ ?’ મન માનતું નથી, પરંતુ ઇતિહાસ ખોટો ન હોઈ શકે.

મહમ્મદે સેનાપતિને બોલાવ્યો. કહ્યું, ‘ચડાઈ કરવાની તૈયારી કરો.’

સેનાપતિ કહે, ‘આ વરસે ક્યાં જઈએ છીએ ?’

મહમ્મદ કહે, ‘સોમનાથ લૂંટવા.’

સેનાપતિ કહે, ‘અગેઈન ? આપણા સૈનિકો ગુજરાતથી હવે કંટાળ્યા હશે. આ વખતે મથુરા જઈએ તો કેવું ?’

મહમ્મદ કહે, ‘જે લોકો ગુજરાતથી થાક્યા હોય તેમને મથુરા મોકલો અને બાકીનાને સાથે ગુજરાત આવવા દો.’

સેનાપતિ થોડી વારમાં પાછો આવે છે. ‘જહાંપનાહ, સૈનિકો બધા ગુજરાત જવા રાજી છે, કારણ કે ત્યાં મોટી લડાઈ નહીં થાય તેની ગેરંટી છે. ઘણાને પોતાની પત્નીઓ માટે, માશૂકાઓ માટે પાટણનાં પટોળાં અને વાસણોની ખરીદી કરવી છે.’

મહમ્મદનું લાખ માણસનું લશ્કર રાજસ્થાનમાંથી પસાર થાય. રાજસ્થાનના લોકોએ નોંધ્યું કે મુલતાનના દરેક સૈનિકે લાંબા લાંબા બ્લૅન્કેટ ઓઢ્યાં છે.

‘ઓ અફઘાનભાઈ, તમારે બ્લૅન્કેટ વેચવાં છે ?’

અફઘાન સૈનિકોને લાગ્યું કે વેપારની સારી શક્યતા છે. હવે તો રાજસ્થાનના લોકો પણ મહમ્મદભાઈનું લશ્કર પોતાના ઘર પાસેથી કૂચ કરે તો સારું એવું ઇચ્છતા હતા.

(‘ફ્રીક્વન્ટ રાઈડર’)

••••••

‘સુશીલા’નો સર્વોત્તમ નિબંધ ‘ફ્રીક્વન્ટ રાઈડર’ છે, તેમ પ્રાદ્યાપક મધુસૂદન કાપડિયા માને છે, તેમાં ભારોભાર સત્ય છે. હરનિશ જાનીના નિબંધોમાં તેનું પહેલી હરોળે સ્થાન છે, તેમ સતતપણે લાગ્યા કર્યું છે.

દલીલ પુરવાર કરવા મધુસૂદનભાઈનું નિરીક્ષણ’ ટાંક્યા વિના ચાલે એમ નથી. એમણે લખ્યું છે :

‘આનું શીર્ષક જ લાજવાબ છે. મહમ્મદ ગિઝનીએ પ્રભાસપાટણના સોમનાથમંદિર પર 17 વાર ચઢાઈ કરી હતી, તેથી લેખક ભીમદેવ બાણાવળી અને મહમ્મદ ગિઝનીની મુલાકાત પણ ગોઠવે છે. આ મુલાકાત હાસ્યરસથી છલોછલ છે. ભીમદેવ મહમ્મદ ગિઝનીને કહે છે, ‘આ મારો ભાઈ ભરુચ રહે છે, પણ આ આઠ વરસમાં એક જ વાર મળ્યો; જ્યારે તમે સેંકડો જોજન દૂર રહેવા છતાં દર વર્ષે મળવા આવો છો. યૂ આર માય ન્યૂ ફૅમિલી.’ ભીમદેવ એમ પણ કહે છે, ‘મહમ્મદભાઈ, ભારતમાં ઘણાંબધાં મંદિરો છે. ત્યાં પણ જવાનું રાખો અને એકાદ વાર અમને બ્રેક આપો. પોરો ખાવા દ્યો. દ્વારકા જવાનું રાખો. તે પણ સોનાની નગરી છે.’ મહમ્મદે નવમી વાર નહીં આવવાનું વચન આપવા છતાં તે તો પ્રભાસપાટણના પાદરે આવીને ઊભો રહે છે અને લેખક મહમ્મદ ગિઝનીના મુખમાં ભીમદેવને ઉદ્દેશીને આ શબ્દો મૂકે છે, ‘માફ કરજો, વચનભંગ કરવા બદલ. જવું હતું તો દ્વારકા, પણ જૂનાગઢથી બંને મંદિર જતાં રસ્તા ફંટાણા હતા. પણ ઘોડા એટલા તો ટેવાઈ ગયેલા.’ [‘સુશીલા’, પૃ. 69]

હરનિશ જાનીએ 20 અૉગસ્ટ 2018ની સાંજે વિદાય લીધી. આ સમાચારે જબ્બર આઘાત પહોંચાડ્યો છે. ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય જગતને, હકીકતે, પહેલી હરોળે ગૌરવભેર સોહે તેવા સાહિત્યકારની ખોટ હવે પછી વેઠવાની રહી. એમણે નવલિકાઓ આપી, નિબંધો આપ્યા, ચરિત્રચિત્રણો આપ્યા અને લેખો પણ કર્યા. એમના નામે ચારેક પુસ્તકો બોલે છે : હાસ્યવાર્તાઓનું પુસ્તક “સુધન”, હાસ્યનિબંધોનું સંકલન “સુશીલા”, લેખોનું પુસ્તક “તીરછી નજરે અમેરિકા” તેમ જ બળવંત જાની સંકલિત “હરનિશ જાનીનું હાસ્યરચના વિશ્વ”.

ઇન્ટરનેટ પર હરતીફરતી માહિતી મુજબ, અંદાજે, 1992માં તેમણે અમેરિકામાં પહેલો ગુજરાતી ટી.વી. કાર્યક્રમ ચાલુ કર્યો હતો અને 1994 સુધી ડાયરેક્ટર, રાઈટર અને પ્રેઝન્ટર તરીકે કામ કર્યું હતું. 1961માં તેમની પ્રથમ વાર્તા 'ચાંદની' સામયિકમાં પ્રગટ થઈ હતી. તેમની વાર્તાને ચિત્રલેખાનો વાર્તા પુરસ્કાર પણ મળ્યો હતો. ઉપરાંત તેમના લેખો 'કુમાર', 'નવનીત સમર્પણ', ‘ઓપિનિયન’ 'ગુર્જરી', 'ગુજરાત દર્પણ' અને 'ગુજરાત મિત્ર' જેવાં સમસામયિકોમાં પ્રસિદ્ધ થયા છે.

એમના પુસ્તક "સુધન"ને ‘ગુજરાત સાહિત્ય અકાદમી' દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ.સ. 2007નો) દ્વિતીય પુરસ્કાર, “સુશીલા” પુસ્તકને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા હાસ્ય વિભાગમાં (ઇ.સ. 2009નો) પ્રથમ પુરસ્કાર અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ દ્વારા (ઇ.સ. 2009નું) શ્રી જ્યોતિન્દ્ર દવે પારિતોષિક પ્રાપ્ત થયાં છે. આ ઉપરાંત તેમને ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નોર્થ અમેરિકા તરફથી (ઇ.સ. 2013નો) વેલજી મહેતા પુરસ્કાર પણ એનાયત થયો છે.

હરનિશભાઈનો જન્મ ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં રાજપીપળામાં 05 એપ્રિલ 1941ના થયો હતો. 1962માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી અને ટેક્સટાઈલનો ડિપ્લોમા મેળવીને, 1969માં વધુ અભ્યાસ માટે હરનિશભાઈ અમેરિકા ગયા. ત્યાં પ્લાસ્ટિક ટેકનોલોજીનો અભ્યાસ કરી, ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક કલર કંપનીઓમાં ત્રીસ વરસ રિસર્ચ સાયન્ટિસ્ટ અને ટેકનિકલ ડાયરેકટર તરીકે કામ કરીને નિવૃત્ત થયા પછી લેખન કાર્ય ચાલુ કર્યું. આમ એ 1969થી અમેરિકા ખાતે વસવાટ કરતા હતા, અને હળુહળુ અમેરિકાના સાહિત્ય આકાશના એ અગત્યના તારક બનીને રહ્યા. કેટલાય અવસરોનું સુપેરે સંચાલન કરતા રહ્યા અને સભાખંડે સભાખંડે શ્રોતાઓને જકડી રાખતા રહ્યા. આનો જોટો હવે જડવો સહેલો નથી.

મધુ રાયને સન્માનવાના 1996ના એક અવસરે એક મહેમાનરૂપે જવાની તક સાંપડી ત્યારે હંસાબહેન - હરનિશભાઈ જાની મારા યજમાન હતાં. આ દંપતીને મળવાનો, જાણવાનો અને ચાહવાનો આમ એક ધોરી માર્ગ કંડારાયો.

મધુ રાયે “સુધન”માં લખ્યું છે, ‘બાય ગૉડ, જાનીની બાનીને માણવાની સાચી રીત છે એમની સાથે બાય રોડ ફરવા જવામાં. રસ્તાનો વળાંક, રેડિયોનું ગીત, રાહદારીનો ડગલો, કોફીનો સ્વાદ કંઈ પણ એમને કશાકની યાદ દેવડાવે અને અધધધધ વરસતા એમના કથાપ્રપાતમાં હક્કાબક્કા આપણે નહાઈ ઊઠીએ. એમની વાતો સાંભળતાં સાંભળતાં હસ્યા જ કરીએ.’ (પૃ. 12) આવા અનેક અનુભવો એમની જોડે માણવાનો મોકો મને ય મળ્યો છે. અમેરિકાની મારી એ ત્રણ મુલાકાતો વેળા એ જ મારા મેજબાન. એમની સંગાથે અમેરિકાના ઊગમણા કાંઠા વિસ્તારે પથરાયા ન્યૂ યોર્ક, ન્યુ જર્‌સી અને પેન્સિલવેનિયા રાજ્યોના અનેક પ્રવાસો માણ્યા છે. પ્રિન્સટન યુનિવર્સિટીનાં પ્રાંગણનો જેમ ચક્ષુભોગ કર્યો તેમ જ્યોર્જ વૉશિંગ્ટને જે નદી કિનારે બ્રિટિશ હકુમત સામે જુદ્ધ આદરેલું તે વિસ્તારે લટાર મારેલી તે ય સાંભરે છે. એમની આંગળીએ મહાલતા મહાલતા અમેિરકા વસ્યા ગુજરાતી સાહિત્ય જગતના અનેક તારલાઓની મૈત્રી બંધાઈ.

હરનિશ જાની હંસાબહેન જોડે વળતાં વિલાયતના ત્રણેક વખત પ્રવાસે આવી ગયા. પહેલી કહેતી અનુસાર, હરનિશભાઈ માટે કહી શકાય : ‘he came, he saw, he conquered’. જ્યાં જ્યાં એમના કાર્યક્રમો થયા ત્યાં ત્યાં એમણે મિત્રોનું, ચાહકોનું એક વર્તુળ મજબૂતાઈથી જમાવ્યું જાણ્યું. “ઓપિનિયન”ના દશવાર્ષિક અવસરે પધારેલાં મહેમાનોમાં એ અગ્રેસર હતા, તો વળી, અમારી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સાતમી ભાષા-સાહિત્ય પરિષદમાં ય એમણે ગૌરવભેર જમાવટ કરી હતી. બૃહદ્દ લંડનમાં વિવિધ સ્થળોએ એમની નિજી બેઠકો જેમ થઈ, તેમ પાટનગરની બહાર પણ કાર્યક્રમો પાર પડ્યા.

અમે સાથે રહ્યાં, આનંદ પણ કર્યો. ‘ગુર્જરી’માં હરનિશ જાનીનું લખાણ પ્રગટ થતું. જોતો. માણતો. એમની કલમે આકર્ષણ ઊભું કર્યું. અમેિરકાના વસવાટ દરમિયાન, એમનાં અપ્રગટ લખાણો જોયાં. એની પકડ જાણી અને ‘ઓપિનિયન’ માટે શ્રેણીબદ્ધ આપતા રહેવાનું બીડું ઝડપ્યું. “સુધન” માંહેના થોડાક લેખો, “સુશીલા”માંના મહદ્દ લેખોનું વાયા ‘ઓપિનિયન’ અવતરણ થયું તેનું સુખદ ગૌરવ પણ છે. આ સામિયકના હરનિશ જાની પહેલી હરોળે અગત્યના કલમકશ બનીને રહ્યા.

વારુ, ’ગુર્જરી’ ડાયજેસ્ટના તંત્રી કિશોરભાઈ દેસાઈ લખે છે તેમ, ‘હરનિશ જાની આપણી અંદર વસી ગયેલું એક યાદગાર પાત્ર છે. તેમની સાથે આપણો કેટલાં ય વર્ષોનો સહવાસ છે.’ તો બીજી પાસ, ’સૂરસાધના’ નામક બ્લૉગ પર ડૉ. કનક રાવળ લખે છે, ‘પ્યારો હરનિશ જાની તાળી દઈને રવાના થઈ ગયો પણ તેનો હસતો ચહેરો, નામ, વાક્પટ્ટુતા અને અજોડ વિનોદ વાતો અને લખાણો કાયમ આપણી પાસે જમા રાખી ગયો. નામ જાની પણ રહ્યો દિલોજાન જાની. ઉપરવાળાને પણ હસાવીને પેટ દુખાડતો હશે. પણ તે સારી કંપનીમાં હશે જેવા કે બકુલ ત્રિપાઠી, કિશોર રાવળ, વિનોદ ભટ્ટ વગેરે, આપણને યાદ કરતો હશે. આ વાંચતા હેડકી આવે તો માનજો કે, તે આપણને અને કુટુંબીજનોને યાદ કરતો હશે. વર્ષો પહેલાં પહેલી મુલાકાતમાં પાંચ જ મિનિટમાં  લાગ્યું કે આ તો જૂનો ગોઠિયો મળ્યો.’

પાનબીડું :

“હાસ્યની ઝીણી સૂઝ, સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને વક્ર દૃષ્ટિ, પ્રથમ પેઢીના ‘અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ’ ગુજરાતી વસાહતીઓનું વિનોદી આલેખન, કોઈ પણ જાતના અભિનિવેશ વિના દંભી ધર્માચરણીઓ અને તેનાથી વધારે દંભી ધર્મગુરુઓનું નિર્મમ છતાં માર્મિક નિરૂપણ હરનિશ જાનીની હાસ્યરસની કૃતિઓની ગુણસંપત્તિ છે.”

− મધુસૂદન કાપડિયા

(‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો’, પૃ. 53)

હૅરો, 17- 21 સપ્ટેમ્બર 2018

e.mail : [email protected]

[1,178]

(પ્રગટ : "ગુર્જરી" ડાયજેસ્ટ; અૉક્ટોબર 2018)

Category :- Ami Ek Jajabar / Ami Ek Jajabar