SAMANTAR GUJARAT

ગાંધી આપણા સાહિત્યને, આપણી આખી સંસ્કૃતિના સારને કોસિયા સુધી, સામાન્યજન સુધી પહોંચાડવા માગતા હતા. સામાન્યજન સુધી કઈ ભાષા, કયું સાહિત્ય પહોંચે? માત્ર સરળ ભાષા? પ્રોઢ શિક્ષણ સારુ ભાષાને સરળ બનાવીને તૈયાર કરેલું સાહિત્ય કે સામાન્યજન સુધી પહોંચતું નથી? અને કબીર, જ્ઞાનેશ્વર, ત્યાગરાજ અને નરસિંહની ભાષા હંમેશાં સરળ નહોતી, છતાં એ કેમ સામાન્યજન સુધી પહોંચી? કારણ એમની વાણી માત્ર સરળ ભાષા નહોતી, સરળ દયની ભાષા હતી. ઋજુ દય ઉપર ઝિલાયેલું જ્ઞાન ઋજુ દયના સામાન્યજન સુધી પહોંચે છે. સામાન્યજન સુધી પહોંચવા માત્ર ભાષાને જ નહિ, અંતરને સ્વચ્છ કરવાની જરૂર હોય છે. કોસિયા પાસે પહોંચનાર સાહિત્ય માત્ર કોસના દોરડા સુધી જ પહોંચનાર નહિ, પણ કોસિયાના અંતરને સીંચનાર હોવું જોઈએ.

મારી જનોઈ પ્રસંગે ગાંધીબાપુ તરફથી મને મળેલાં પુસ્તકો પર એમણે કરેલું લખાણ મને આજે સિત્તેર વર્ષ પછી પણ યાદ છે. 'અનાસકિતયોગ' પર લખેલો સંદેશ કોઈ સૂત્ર જેવો અર્થગંભીર હતો. તેમાં લખ્યું હતું: ''તારે વિષે જે આશાઓ રાખી છે તે પૂરી કરજે.'' જીવનના દરેક વળાંક વખતે આ સૂત્રે મને પડકાર્યો છે. આજે ગુજરાતી સાહિત્યના પ્રમુખ પદેથી બોલી રહ્યો છું ત્યારે આજના સંદર્ભમાં બાપુની એ આશા, આકાંક્ષા, અપેક્ષા શી હશે? એ અપેક્ષાને જરા ગૌરવશાળી શબ્દોમાં રજૂ કરવી હોય તો એમ કહી શકાય કે ગિરાગુર્જરીને આપ સૌ મળી વિશ્વગુર્જરી બનાવો. જે ભાષા સામાન્યજનના અંત:સ્તલ સુધી પહોંચી શકે એ જ વિશ્વની ક્ષિતિજો આંબી શકે. ગુજરાતી ભાષાને આપણે વિશ્વની ક્ષિતિજો માપનાર કેમ ન બનાવી શકીએ?

વિશ્વની ક્ષિતિજો માપનાર સાહિત્ય કેવું હોય? એ એવું હોય કે જેની આડે કોઈ વંડી કે વાડ ન આવતી હોય. જે ભાષાનું સાહિત્ય જાતિના, સંપ્રદાયના, ધર્મના, રંગના, લિંગના, સ્વાર્થના કે રાષ્ટ્રના ભેદોને ભૂંસી શકે તે ભાષા વિશ્વની ભાષા બને. વિશ્વસાહિત્યકારનું સાહિત્ય વિશ્વના બરનું હોવું જોઈએ અને એને માટેની મુખ્ય શરત એ છે કે સાહિત્યકારનું વ્યકિતત્વ અ બરનું હોવું જોઈએ. આપણે ત્યાંની ભાષાઓમાં વ્યાસ, વાલ્મીકિ, કબીર, તુલસી, જ્ઞાનેશ્વર, ચૈતન્ય વગેરે અવા વ્યકિતત્વવાળા થઈ ગયા કે જેમનું વાડંમય જાગતિક સ્તરનું હતું. સાહિત્યકાર કરતાં એનું સાહિત્ય ઊંચું હોઈ શકે કે નહીં અ વિવાદમાં પડ્યા વિના અને સાહિત્ય અને સાહિત્યકારના ચારિત્ર્યને કશો સંબંધ હોય કે નહિ એ પ્રશ્ન તમારા નિર્ણય પર છોડી, હું અહીં મારો અ વિશ્વાસ વ્યકત કરવા માગું છું કે આપણે જો ગુજરાતી સાહિત્યને વિશ્વસ્તરનું બનાવવું હશે, અને બનાવવું છે - તો આપણે આપણા વ્યકિતત્વ પણ વિશ્વસ્તરનાં કરવા પડશે, આપણા સંકુચિત વાડા તોડવા પડશે. તેમ કરવામાં આપણી અસ્મિતા ઘટવાની નથી, બલકે તે વધુ ઊંચી ઊઠશે.

આપણને એકબીજાંથી અલગ રાખનારી વાડો ગમે તેટલી સગવડવાળી હોય, ગમે તેટલી લોભામણી હોય, પણ તે આપણને સીમિત અને સંકુચિત જ રાખે છે. વાડો તોડવાનું કામ આપણને ક્રાંતિકારી લાગી શકે. આ ક્રાંતિ એવી છે કે જેની શરૂઆત આપણી જાતથી જ થાય છે અને આગળ જતાં એ વર્તુળ વધતું જશે. આપણે જાણ્યે-અજાણ્યે આપણી આસપાસ કૂંડાળાં બનાવતાં હોઈએ છીએ. એ કૂંડાળું પોતાના અહંકારનું હોઈ શકે, બીજી વિષે દ્વેષનું કે ઇર્ષ્યાનું હોઈ શકે, પ્રતિસ્પર્ધાનું હોઈ શકે. જે સાહિત્યકાર, કર્મચારી કે હોદ્દેદાર આવાં સંકીર્ણ કૂંડાળામાં ફસાયેલો રહેશે તે ગમે તેટલી નામના સાથે પણ કૂપમંડૂક જ રહેશે. એને પૃથ્વીની ક્ષિતિજ સૂઝશે જ નહીં. ગાંધી આપણને કહી ગયા છે કે સત્યને પ્રેમ સિવાય બીજી કોઈ રીતે પહોંચવું અશકય છે. પ્રેમ પૂરેપૂરો ત્યારે જ વ્યકત થઈ શકે જયારે માણસ પોતાની જાતને શૂન્યવત્ બનાવી દે. આ પહેલું સોપાન.
આદિવાસી સાહિત્ય અને બિનઆદિવાસી સાહિત્ય, દલિત સાહિત્ય કે બિનદલિત સાહિત્ય, મુસ્લિમ સાહિત્ય-બિનમુસ્લિમ સાહિત્ય-આ અને આવાં વિશેષણો જે બધાનું વિશેષ્ય, 'સાહિત્ય' છે, તેને સંકુચિત કરે છે, સીમિત કરે છે. એ તમામ સીમાઓથી મુકત થઈ અને તમામનો ઉમળકાભેર સમાવેશ કરી આપણે ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ અને સમર્થ બનાવવું છે. વિશ્વસ્તર પર જવા માટેનું એ બીજું સોપાન હશે.

ત્રીજું સોપાન આપણું ઓશિયાળાપણું કાઢવાનું છે-ખાસ કરીને શાસન પ્રત્યેનું ઓશિયાળાપણું. શાસન આપણને આર્થિક મદદ આપતું હોય, માન-મરતબા કે પુરસ્કારો આપતું હોય તો એની ગરજ આપે. તેથી આપણે સ્વતંત્રતા ગીરવી મૂકી ન શકીએ. વિશ્વગુર્જરી બનાવનાર સાહિત્યકાર ખમીરવંતો તો હોવો જ જોઈએ ને? (ગાંધીનગર ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૪મા અધિવેશમાં તારીખ ૨૧ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ આપેલા અઘ્યક્ષીય ભાષણના સંકલિત અંશો)
આવતી કાલે: સાહિત્યકારના ખમીર અને સમાજના ગંભીર પ્રશ્નો અંગેની સાહિત્યકારની અપેક્ષિત  નિસબત અંગેના નારાયણભાઈ દેસાઈના વધુ વિચારો.

Category :- Samantar Gujarat / Samantar

પરંપરાગત માન્યતાઓ ફગાવીને જ્ઞાનનો નવો રસ્તો ચીંધનારાં વૈજ્ઞાનિક સંશોધનોમાં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઉત્ક્રાંતિવાદની ૧૫૦મી અને (૧૨ ફેબ્રુઆરીના રોજ) ડાર્વિનની ૨૦૦મી વર્ષગાંઠ નિમિત્તે કર્તા અને કૃતિ બન્નેનું સ્મરણ.

‘ચાર્લ્સ ડાર્વિન એટલે લાંબી દાઢીવાળો માણસ, જેણે એવું શોધી કાઢ્યું હતું કે માણસના પૂર્વજ વાનર હતા. ‘સર્વાઇવલ ઑફ ધ ફીટેસ્ટ’ તરીકે જાણીતો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ એટલો મહત્ત્વનો છે કે તેમાંથી ટૂંકનોંધ પૂછાઇ શકે.’

આટલી યાદગીરી સ્કૂલમાં પહેલી અને છેલ્લી વાર ઉત્ક્રાંતિ વિશે ભણી લીધા પછી મોટા ભાગના લોકોના મનમાં હોય છે. વઘુ રસ કે ઇતર વાચનનો શોખ ધરાવતા લોકોને ગાલાપાગોસ  ટાપુ, તો કોઇને ડાર્વિનના પુસ્તકનું નામ ‘ઓરિજિન ઑફ સ્પીસીઝ’ યાદ રહી ગયું હોય. પણ ડાર્વિનના જીવન અને તેની કામગીરીની વાર્તારસ ધરાવતી વિગતો પાઠ્યપુસ્તકમાં સ્થાન પામતી નથી.

ઘણા મહાન સંશોધકોની જેમ ચાર્લ્સ ડાર્વિન ભણવામાં સામાન્ય હતો. પણ તેના ધનાઢ્ય પિતા રોબર્ટ ડાર્વિનને અભરખો હતો કે છોકરો ડોક્ટર બને. તેમણે ચાર્લ્સને મેડિકલ કોલેજમાં મોકલ્યો, પણ ઠંડા કલેજે પશુપંખીઓના શિકાર કરતા ચાર્લ્સને માણસના શરીરની ચીરફાડ ફાવી નહીં. પરિવાર સુખી હોવાથી જીવનનિર્વાહનો સવાલ ન હતો. પણ જુવાનજોધ છોકરાએ કંઈક તો કરવું ને! એમ વિચારીને પપ્પાએ ચાર્લ્સ ડાર્વિનને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં ધર્મશાસ્ત્ર ભણવા મોકલ્યો.  એ કોર્સની ડીગ્રી મળી જાય તો ડાર્વિન બાકાયદા પાદરી બની શકે. એમાં પણ ડાર્વિનનું ચિત્ત ચોંટ્યું નહીં. એટલે ૧૮૩૧માં સર્વેક્ષણ માટે દુનિયાની સફરે જતા બ્રિટિશ જહાજ ‘એચએમએસ બીગલ’માં પ્રકૃતિના અભ્યાસી તરીકે ડાર્વિન પણ જોડાઇ ગયો. એ વખતે તેની ઊંમર માંડ ૨૨ વર્ષની હતી.

‘બીગલ’ જહાજની ૫૭ મહિનાની મુસાફરી દરમિયાન ડાર્વિનમાં રહેલા પ્રકૃતિશાસ્ત્રીને મોકળું મેદાન મળી ગયું. તેણે અનેક વિષયો પર મન મૂકીને નોંધો કરી. નમૂના એકઠા કર્યા. પાંચ વર્ષથી થોડા ઓછા સમયગાળામાં તેણે ૧,૫૨૯ નમૂના આલ્કોહોલ ભરેલી બોટલમાં અને ૩,૯૦૭ નમૂના સૂકવીને ભેગા કર્યા હતા. લેખનમાં ૭૭૦ પાનાંની ડાયરી ઉપરાંત પ્રાણીશાસ્ત્ર વિશે ૩૬૮ પાનાંની અને ભૂસ્તરશાસ્ત્ર વિશે ૧,૩૮૩ પાનાંની નોંધ તૈયાર થઇ હતી. આ આંકડા ગોખવા માટે નહીં, પણ ડાર્વિનના અભ્યાસની વ્યાપકતાનો ખ્યાલ આપવા માટે મુક્યા છે.

‘બીગલ’ના સમગ્ર પ્રવાસમાં ગાલાપાગોસ ટાપુ સૌથી જાણીતું સ્ટેશન બની રહ્યો. પાંચેક વર્ષની જ્ઞાનયાત્રામાં ગાલાપાગોસ પર ડાર્વિનને માંડ પાંચ અઠવાડિયા માટે રોકાવાનું થયું, પણ માનવવસ્તી વગરના એ ટાપુ પર ડાર્વિનને જાણે ઉત્ક્રાંતિનું જીવતુંજાગતું સંગ્રહસ્થાન મળી ગયું. ત્યાંના એક કાચબાને નમૂના લેખે જહાજમાં સાથે લઇ લેવામાં આવ્યો.

ઉત્ક્રાંતિવાદનો વિચાર ડાર્વિનના મનમાં તેજલિસોટાની માફક નહીં, પણ ધીમે ધીમે તેજ વધારતા દીવાની જેમ ઉદ્ભવ્યો. એ જમાનામાં જે કંઈ છે તેનું સઘળું શ્રેય ભગવાનને આપવામાં આવતું હતું. પણ કેટલાક અભ્યાસીઓ બઘું ભગવાનભરોસે છોડવાને બદલે વિજ્ઞાનના રસ્તે આગળ વધી રહ્યા હતા. એવા એક વિદ્વાન ભૂસ્તરશાસ્ત્રી ચાર્લ્સ લાઇલે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે પૃથ્વીની સપાટી આસમાની ફેરફારોથી એક ધડાકે નહીં, પણ કુદરતી પરિબળોથી ક્રમે ક્રમે બદલાઇને વર્તમાન સ્થિતિમાં આવી હશે. બીગલની મુસાફરી દરમિયાન ડાર્વિનને લાઇલના પુસ્તકના અભ્યાસ પરથી સૂઝ્યું કે ક્રમિક પરિવર્તનનો સિદ્ધાંત ફક્ત જમીનસપાટીને જ નહીં, જીવસૃષ્ટિને પણ લાગુ પાડવો જોઈએ.

ઉતરતી કોટિના સજીવોમાંથી ક્રમિક વિકાસ દ્વારા ચડિયાતી કોટીના સજીવો પેદા થયા હશે, એવું માનનારા એ વખતે બીજા લોકો પણ હતા. તેમના મતે સજીવોનો વિકાસ એટલે કોઇ પણ ખાંચાંખૂંચી કે ભૂલ વગર  સીધી લીટીમાં થયેલી પ્રગતિ. ડાર્વિને પોતાનાં નિરીક્ષણો પરથી ફાંટાબાજ વિકાસનો સિદ્ધાંત રજૂ કર્યો. એટલે કે એક સજીવમાંથી અનેક ફાંટા પડે અને એ દરેક ફાંટામાંથી પણ બીજા સંખ્યાબંધ ફાંટા પડે. એ રીતે સૃષ્ટિ આગળ ચાલે. પોતાની દલીલ સમજાવવા માટે ડાર્વિને વૃક્ષ જેવી સીધીસાદી આકૃતિ દોરી બતાવી, જે ૪૯૧ પાનાંના પુસ્તક ‘ઓરિજિન ઓફ સ્પીસીઝ’માં મુકાયેલું એકમાત્ર ચિત્ર બની રહી.

યાત્રાનાં બે વર્ષ પછી ૧૯૩૮માં ડાર્વિનના મનમાં ‘સર્વાઇવલ ઓફ ધ ફીટેસ્ટ’ તરીકે ઓળખાયેલો વિચાર સ્પષ્ટ બન્યો. પશુઓની સંકર જાતો તૈયાર કરનારા ઉત્તમ લક્ષણ ધરાવતાં પશુઓ પસંદ કરે એવી રીતે નહીં, પણ તેનાથી સાવ જુદી જ રીતે કુદરત પ્રતિકૂળ લક્ષણો ધરાવતાં સજીવોને ખતમ કરી નાખે છે. એટલું જ નહીં, એક જ જાતિના બે સભ્યો જુદા જુદા વાતાવરણમાં રહે તો લાંબા ગાળે તેમાંથી બે સાવ જુદી જ જાતિ પેદા થાય છે, જેમનો મેળાપ અને તેમાંથી સંતતિનું સર્જન શક્ય બનતું નથી.

ડાર્વિનની થીયરી એ સમયે પ્રચલિત સિદ્ધાંતો કરતાં એટલી જુદી અને ક્રાંતિકારી હતી કે તેને એકદમ પ્રકાશિત કરવાને બદલે ડાર્વિને રાહ જોવાનું પસંદ કર્યું. રાહ પણ કેટલી? એક-બે-પાંચ નહીં, પૂરાં વીસેક  વર્ષ! દરમિયાન એક એવો અકસ્માત બન્યો કે આલ્ફ્રેડ રસેલ વૉલેસ નામનો સંશોધક બિલકુલ પોતાની રીતે ડાર્વિન જેવાં જ તારણો પર પહોંચ્યો. વિશ્વપ્રવાસ અને ત્યાર પછી થયેલી ચર્ચાને કારણે ડાર્વિનનું નામ સંશોધનજગતમાં જાણીતું બની ચૂક્યું હતું. એટલે વૉલેસે આદરભાવથી પોતાની થીયરી ડાર્વિનને જોવા માટે મોકલી. એ જોઈને ડાર્વિનના આશ્ચર્યનો પાર ન રહ્યો. વૉલેસે પણ ઉત્ક્રાંતિની વાત ડાર્વિનની જ ઢબે આલેખી હતી.

ડાર્વિને આખરે બે દાયકાથી ઘરમાં પડી રહેલાં લખાણો કાઢ્યાં અને ૧૮૫૯માં પુસ્તક પ્રકાશિત કર્યું. તેનું આખું નામ હતું ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ બાય મીન્સ ઑફ નેચરલ સિલેક્શન ઓર ધ પ્રીઝર્વેશન ઑફ ફેવર્ડ રેસ ઇન ધ સ્ટ્રગલ ઑફ લાઇફ.’ (કુદરતી પસંદગી થકી વિવિધ જાતિઓનો ઉદ્ભવ  અથવા જીવતરના સંઘર્ષમાં કુદરતી તરફેણ ધરાવતી જાતિઓનું રક્ષણ). ડાર્વિન પોતાનાથી પહેલાં સંશોધન કરી ચૂક્યા છે એ જાણતા વૉલેસે મોટું મન રાખીને પોતાની થીયરી પાછી ખેંચી લીધી. ‘ઓરિજિન ઓફ સ્પીસીઝ’ પછી પ્રકાશિત પુસ્તક ‘ધ ડીસેન્ટ ઓફ મેન એન્ડ સિલેક્શન ઇન રિલેશન ટુ  સેક્સ’ માં ડાર્વિને પહેલી વાર વાનરને મનુષ્યના પૂર્વજ તરીકે રજૂ કર્યો.

ઉત્ક્રાંતિવાદ અને વાનરને પૂર્વજ તરીકે રજૂ કરતાં ડાર્વિનનાં સંશોધનોથી ધર્મસંસ્થા ખળભળી ઉઠી. રૂઢિચુસ્તોએ ભારે વિરોધ કર્યો. કોપરનિકસે પૃથ્વીકેન્દ્રી સૃષ્ટિને બદલે સૂર્યકેન્દ્રી ગ્રહમાળાનો વિચાર રજૂ કર્યો, ત્યારે તેને આકરી કિંમત ચૂકવવી પડી હતી. ડાર્વિનને એવી તકલીફ ઓછી પડી, પણ નાદુરસ્ત તબિયતને કારણે તે ‘બીગલ’ના પ્રવાસ પછી કદી બીજી સંશોધનયાત્રા ન કરી શક્યા. ૧૮૮૨માં ૭૩ વર્ષની વયે તેમનું મૃત્યુ થયા પછી લેડી એલિઝાબેથ હોપ નામનાં એક ધર્મપ્રચારકે દાવો કર્યો કે ‘મરણપથારીએ ડાર્વિને ઉત્ક્રાંતિના સિદ્ધાંતને તજી દીધો હતો.’ પરંતુ ડાર્વિનની દીકરીએ વેળાસર સ્પષ્ટતા કરી કે હું છેવટ સુધી તેમની સાથે હતી અને એમણે પોતાના વૈજ્ઞાનિક વિચારો બાબતે કદી પીછેહઠ કરી નથી.’

જિનેટીક્સ, મોલિક્યુલર બાયોલોજી અને એમ્બ્રિઓલોજી જેવાં ક્ષેત્રો વિકસતાં ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ માટે હવે પીછેહઠનો પ્રશ્ન જ રહેતો નથી. ‘સર્વાઇવલ ઑફ ધ ફીટેસ્ટ’નો સિદ્ધાંત પોતે ગમે તેટલો કુપ્રચાર ખમી શકે એટલો ‘ફીટ’ છે.

(ડાર્વિન અને તેની કામગીરીમાં વઘુ રસ ધરાવતા વાચકો www.darwin-online.org.uk પરથી ડાર્વિનની તમામ કૃતિઓ અને સંબંધિત દુર્લભ સામગ્રી મૂળ સ્વરૂપે વિના મૂલ્યે જોઈ શકે છે.)

Category :- Samantar Gujarat / Samantar