SAMANTAR GUJARAT

પરંપરાગત માન્યતાઓ ફગાવીને જ્ઞાનનો નવો રસ્તો ચીંધનારાં વૈજ્ઞાનિક સંશોધનોમાં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ઉત્ક્રાંતિવાદની ૧૫૦મી અને (૧૨ ફેબ્રુઆરીના રોજ) ડાર્વિનની ૨૦૦મી વર્ષગાંઠ નિમિત્તે કર્તા અને કૃતિ બન્નેનું સ્મરણ.

‘ચાર્લ્સ ડાર્વિન એટલે લાંબી દાઢીવાળો માણસ, જેણે એવું શોધી કાઢ્યું હતું કે માણસના પૂર્વજ વાનર હતા. ‘સર્વાઇવલ ઑફ ધ ફીટેસ્ટ’ તરીકે જાણીતો ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ એટલો મહત્ત્વનો છે કે તેમાંથી ટૂંકનોંધ પૂછાઇ શકે.’

આટલી યાદગીરી સ્કૂલમાં પહેલી અને છેલ્લી વાર ઉત્ક્રાંતિ વિશે ભણી લીધા પછી મોટા ભાગના લોકોના મનમાં હોય છે. વઘુ રસ કે ઇતર વાચનનો શોખ ધરાવતા લોકોને ગાલાપાગોસ  ટાપુ, તો કોઇને ડાર્વિનના પુસ્તકનું નામ ‘ઓરિજિન ઑફ સ્પીસીઝ’ યાદ રહી ગયું હોય. પણ ડાર્વિનના જીવન અને તેની કામગીરીની વાર્તારસ ધરાવતી વિગતો પાઠ્યપુસ્તકમાં સ્થાન પામતી નથી.

ઘણા મહાન સંશોધકોની જેમ ચાર્લ્સ ડાર્વિન ભણવામાં સામાન્ય હતો. પણ તેના ધનાઢ્ય પિતા રોબર્ટ ડાર્વિનને અભરખો હતો કે છોકરો ડોક્ટર બને. તેમણે ચાર્લ્સને મેડિકલ કોલેજમાં મોકલ્યો, પણ ઠંડા કલેજે પશુપંખીઓના શિકાર કરતા ચાર્લ્સને માણસના શરીરની ચીરફાડ ફાવી નહીં. પરિવાર સુખી હોવાથી જીવનનિર્વાહનો સવાલ ન હતો. પણ જુવાનજોધ છોકરાએ કંઈક તો કરવું ને! એમ વિચારીને પપ્પાએ ચાર્લ્સ ડાર્વિનને યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં ધર્મશાસ્ત્ર ભણવા મોકલ્યો.  એ કોર્સની ડીગ્રી મળી જાય તો ડાર્વિન બાકાયદા પાદરી બની શકે. એમાં પણ ડાર્વિનનું ચિત્ત ચોંટ્યું નહીં. એટલે ૧૮૩૧માં સર્વેક્ષણ માટે દુનિયાની સફરે જતા બ્રિટિશ જહાજ ‘એચએમએસ બીગલ’માં પ્રકૃતિના અભ્યાસી તરીકે ડાર્વિન પણ જોડાઇ ગયો. એ વખતે તેની ઊંમર માંડ ૨૨ વર્ષની હતી.

‘બીગલ’ જહાજની ૫૭ મહિનાની મુસાફરી દરમિયાન ડાર્વિનમાં રહેલા પ્રકૃતિશાસ્ત્રીને મોકળું મેદાન મળી ગયું. તેણે અનેક વિષયો પર મન મૂકીને નોંધો કરી. નમૂના એકઠા કર્યા. પાંચ વર્ષથી થોડા ઓછા સમયગાળામાં તેણે ૧,૫૨૯ નમૂના આલ્કોહોલ ભરેલી બોટલમાં અને ૩,૯૦૭ નમૂના સૂકવીને ભેગા કર્યા હતા. લેખનમાં ૭૭૦ પાનાંની ડાયરી ઉપરાંત પ્રાણીશાસ્ત્ર વિશે ૩૬૮ પાનાંની અને ભૂસ્તરશાસ્ત્ર વિશે ૧,૩૮૩ પાનાંની નોંધ તૈયાર થઇ હતી. આ આંકડા ગોખવા માટે નહીં, પણ ડાર્વિનના અભ્યાસની વ્યાપકતાનો ખ્યાલ આપવા માટે મુક્યા છે.

‘બીગલ’ના સમગ્ર પ્રવાસમાં ગાલાપાગોસ ટાપુ સૌથી જાણીતું સ્ટેશન બની રહ્યો. પાંચેક વર્ષની જ્ઞાનયાત્રામાં ગાલાપાગોસ પર ડાર્વિનને માંડ પાંચ અઠવાડિયા માટે રોકાવાનું થયું, પણ માનવવસ્તી વગરના એ ટાપુ પર ડાર્વિનને જાણે ઉત્ક્રાંતિનું જીવતુંજાગતું સંગ્રહસ્થાન મળી ગયું. ત્યાંના એક કાચબાને નમૂના લેખે જહાજમાં સાથે લઇ લેવામાં આવ્યો.

ઉત્ક્રાંતિવાદનો વિચાર ડાર્વિનના મનમાં તેજલિસોટાની માફક નહીં, પણ ધીમે ધીમે તેજ વધારતા દીવાની જેમ ઉદ્ભવ્યો. એ જમાનામાં જે કંઈ છે તેનું સઘળું શ્રેય ભગવાનને આપવામાં આવતું હતું. પણ કેટલાક અભ્યાસીઓ બઘું ભગવાનભરોસે છોડવાને બદલે વિજ્ઞાનના રસ્તે આગળ વધી રહ્યા હતા. એવા એક વિદ્વાન ભૂસ્તરશાસ્ત્રી ચાર્લ્સ લાઇલે પોતાના પુસ્તકમાં લખ્યું હતું કે પૃથ્વીની સપાટી આસમાની ફેરફારોથી એક ધડાકે નહીં, પણ કુદરતી પરિબળોથી ક્રમે ક્રમે બદલાઇને વર્તમાન સ્થિતિમાં આવી હશે. બીગલની મુસાફરી દરમિયાન ડાર્વિનને લાઇલના પુસ્તકના અભ્યાસ પરથી સૂઝ્યું કે ક્રમિક પરિવર્તનનો સિદ્ધાંત ફક્ત જમીનસપાટીને જ નહીં, જીવસૃષ્ટિને પણ લાગુ પાડવો જોઈએ.

ઉતરતી કોટિના સજીવોમાંથી ક્રમિક વિકાસ દ્વારા ચડિયાતી કોટીના સજીવો પેદા થયા હશે, એવું માનનારા એ વખતે બીજા લોકો પણ હતા. તેમના મતે સજીવોનો વિકાસ એટલે કોઇ પણ ખાંચાંખૂંચી કે ભૂલ વગર  સીધી લીટીમાં થયેલી પ્રગતિ. ડાર્વિને પોતાનાં નિરીક્ષણો પરથી ફાંટાબાજ વિકાસનો સિદ્ધાંત રજૂ કર્યો. એટલે કે એક સજીવમાંથી અનેક ફાંટા પડે અને એ દરેક ફાંટામાંથી પણ બીજા સંખ્યાબંધ ફાંટા પડે. એ રીતે સૃષ્ટિ આગળ ચાલે. પોતાની દલીલ સમજાવવા માટે ડાર્વિને વૃક્ષ જેવી સીધીસાદી આકૃતિ દોરી બતાવી, જે ૪૯૧ પાનાંના પુસ્તક ‘ઓરિજિન ઓફ સ્પીસીઝ’માં મુકાયેલું એકમાત્ર ચિત્ર બની રહી.

યાત્રાનાં બે વર્ષ પછી ૧૯૩૮માં ડાર્વિનના મનમાં ‘સર્વાઇવલ ઓફ ધ ફીટેસ્ટ’ તરીકે ઓળખાયેલો વિચાર સ્પષ્ટ બન્યો. પશુઓની સંકર જાતો તૈયાર કરનારા ઉત્તમ લક્ષણ ધરાવતાં પશુઓ પસંદ કરે એવી રીતે નહીં, પણ તેનાથી સાવ જુદી જ રીતે કુદરત પ્રતિકૂળ લક્ષણો ધરાવતાં સજીવોને ખતમ કરી નાખે છે. એટલું જ નહીં, એક જ જાતિના બે સભ્યો જુદા જુદા વાતાવરણમાં રહે તો લાંબા ગાળે તેમાંથી બે સાવ જુદી જ જાતિ પેદા થાય છે, જેમનો મેળાપ અને તેમાંથી સંતતિનું સર્જન શક્ય બનતું નથી.

ડાર્વિનની થીયરી એ સમયે પ્રચલિત સિદ્ધાંતો કરતાં એટલી જુદી અને ક્રાંતિકારી હતી કે તેને એકદમ પ્રકાશિત કરવાને બદલે ડાર્વિને રાહ જોવાનું પસંદ કર્યું. રાહ પણ કેટલી? એક-બે-પાંચ નહીં, પૂરાં વીસેક  વર્ષ! દરમિયાન એક એવો અકસ્માત બન્યો કે આલ્ફ્રેડ રસેલ વૉલેસ નામનો સંશોધક બિલકુલ પોતાની રીતે ડાર્વિન જેવાં જ તારણો પર પહોંચ્યો. વિશ્વપ્રવાસ અને ત્યાર પછી થયેલી ચર્ચાને કારણે ડાર્વિનનું નામ સંશોધનજગતમાં જાણીતું બની ચૂક્યું હતું. એટલે વૉલેસે આદરભાવથી પોતાની થીયરી ડાર્વિનને જોવા માટે મોકલી. એ જોઈને ડાર્વિનના આશ્ચર્યનો પાર ન રહ્યો. વૉલેસે પણ ઉત્ક્રાંતિની વાત ડાર્વિનની જ ઢબે આલેખી હતી.

ડાર્વિને આખરે બે દાયકાથી ઘરમાં પડી રહેલાં લખાણો કાઢ્યાં અને ૧૮૫૯માં પુસ્તક પ્રકાશિત કર્યું. તેનું આખું નામ હતું ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ બાય મીન્સ ઑફ નેચરલ સિલેક્શન ઓર ધ પ્રીઝર્વેશન ઑફ ફેવર્ડ રેસ ઇન ધ સ્ટ્રગલ ઑફ લાઇફ.’ (કુદરતી પસંદગી થકી વિવિધ જાતિઓનો ઉદ્ભવ  અથવા જીવતરના સંઘર્ષમાં કુદરતી તરફેણ ધરાવતી જાતિઓનું રક્ષણ). ડાર્વિન પોતાનાથી પહેલાં સંશોધન કરી ચૂક્યા છે એ જાણતા વૉલેસે મોટું મન રાખીને પોતાની થીયરી પાછી ખેંચી લીધી. ‘ઓરિજિન ઓફ સ્પીસીઝ’ પછી પ્રકાશિત પુસ્તક ‘ધ ડીસેન્ટ ઓફ મેન એન્ડ સિલેક્શન ઇન રિલેશન ટુ  સેક્સ’ માં ડાર્વિને પહેલી વાર વાનરને મનુષ્યના પૂર્વજ તરીકે રજૂ કર્યો.

ઉત્ક્રાંતિવાદ અને વાનરને પૂર્વજ તરીકે રજૂ કરતાં ડાર્વિનનાં સંશોધનોથી ધર્મસંસ્થા ખળભળી ઉઠી. રૂઢિચુસ્તોએ ભારે વિરોધ કર્યો. કોપરનિકસે પૃથ્વીકેન્દ્રી સૃષ્ટિને બદલે સૂર્યકેન્દ્રી ગ્રહમાળાનો વિચાર રજૂ કર્યો, ત્યારે તેને આકરી કિંમત ચૂકવવી પડી હતી. ડાર્વિનને એવી તકલીફ ઓછી પડી, પણ નાદુરસ્ત તબિયતને કારણે તે ‘બીગલ’ના પ્રવાસ પછી કદી બીજી સંશોધનયાત્રા ન કરી શક્યા. ૧૮૮૨માં ૭૩ વર્ષની વયે તેમનું મૃત્યુ થયા પછી લેડી એલિઝાબેથ હોપ નામનાં એક ધર્મપ્રચારકે દાવો કર્યો કે ‘મરણપથારીએ ડાર્વિને ઉત્ક્રાંતિના સિદ્ધાંતને તજી દીધો હતો.’ પરંતુ ડાર્વિનની દીકરીએ વેળાસર સ્પષ્ટતા કરી કે હું છેવટ સુધી તેમની સાથે હતી અને એમણે પોતાના વૈજ્ઞાનિક વિચારો બાબતે કદી પીછેહઠ કરી નથી.’

જિનેટીક્સ, મોલિક્યુલર બાયોલોજી અને એમ્બ્રિઓલોજી જેવાં ક્ષેત્રો વિકસતાં ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ માટે હવે પીછેહઠનો પ્રશ્ન જ રહેતો નથી. ‘સર્વાઇવલ ઑફ ધ ફીટેસ્ટ’નો સિદ્ધાંત પોતે ગમે તેટલો કુપ્રચાર ખમી શકે એટલો ‘ફીટ’ છે.

(ડાર્વિન અને તેની કામગીરીમાં વઘુ રસ ધરાવતા વાચકો www.darwin-online.org.uk પરથી ડાર્વિનની તમામ કૃતિઓ અને સંબંધિત દુર્લભ સામગ્રી મૂળ સ્વરૂપે વિના મૂલ્યે જોઈ શકે છે.)

Category :- Samantar Gujarat / Samantar

અરુણ શૌરી સરખા અભ્યાસીના કિસ્સામાં આમ કેમ થયું હશે, વારુ? ગુજરાત લૉ સોસાયટીના ઉપક્રમે વ્યાખ્યાન આપતાં એમણે મુદ્દો તો દેખંતો ઠીક કીધો કે નાગરિક સ્વાધીનતા અને રાષ્ટ્રીય સલામતી વચ્ચે આપણી બંધારણીય લોકશાહીએ સંતુલન જાળવવાનો અભિગમ લીધો છે. આ મુદ્દો કર્યા પછી એ સહસા આગળ વધ્યા અને એમણે ઉમેર્યું કે આતંકવાદીઓ સાથે કામ પાડવાનો સવાલ ઊભો થાય ત્યારે કાનૂનબાજીમાં અટવાયા વગર રાષ્ટ્રીય સલામતીને અગ્રતા આપવાપણું છે. કબૂલ. પણ પછી એમણે કહેતાં શું એવુંયે કહી નાખ્યું કે સર્વોચ્ચ અદાલતે તે સબબ આપેલ માર્ગદર્શક રૂપરેખામાં આવી કાળજી લેવાઇ નથી. તો શૌરીના આ અંગેના ઉદ્ગારો એમના કાકુ અને અંગભંગી સાથે આપણે ક્યાંથી ઉતારી શકવાના હતા, પણ એક સંવાદદાતાએ નોંધ્યા પ્રમાણે આ સંદર્ભમાં એમણે સર્વોચ્ચ અદાલતની લગભગ હાંસી ઉડાવવાની રીતે બોલી રહ્યાની છાપ આપી હતી. સદ્બાગ્યે, શ્રોતાગણમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એમ. એસ. શાહ હાજર હતા, અને એમણે સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શક નોંધના એક ચોક્કસ ફકરાનો હવાલો આપી સમજાવ્યું હતું કે આતંકવાદી કિસ્સામાં નાગરિક સ્વાધીનતા ને વ્યક્તિસ્વાતંત્ર્યને ધોરણે છટકબારીની શક્યતા અહીં નથી.

શૌરીએ અલબત્ત વિવેકસર ( સાંભળ્યા પ્રમાણે કંઈક છોભીલા પડીને) કહ્યું પણ ખરું કે એ હું ફકરો ચૂકી ગયો હોઈશ. ખરું જોતાં, અમારે વાતે વાત અહીં પૂરી નથી થતી, પણ અહીંથી જ શરૂ થાય છે. કડક કાયદો અને લોખંડી હાથ, એ એક મંત્ર અને તે ધોરણે રાષ્ટ્રીયસુરક્ષા તે અમારો અગ્ર અધિકાર બલકે એકાધિકાર, એ અરુણ શૌરી જે રાજકીય મંડળીના બૌદ્ધિક બ્રેઈન ટ્રસ્ટ પૈકી છે એનો ખાસંખાસ ઓળખમુદ્દો છે. પ્રિવેન્શન ઑફ ટેરર ઍક્ટ ( પોટા) પાછો આણો કે હજુ ઓર કડક કાનૂન કરો એ એનો ધ્રુવમંત્ર છે. એટલે એને વ્યક્તિસ્વાતંત્ર્ય કે નાગરિક સ્વાધીનતાની વાત કેવળ ને કેવળ ઠાલી લાગે છે. આ વસ્તુ એ હદે એના બ્રેઈન ટ્રસ્ટનાય મગજનો કબજો લઈ બેઠી છે કે સર્વોચ્ચ અદાલતે આતંકવાદીઓ સાથે કામ પાડવામાં કાનૂનબાજીમાં ન અટવાઈ જવાય તે માટે આપેલું માર્ગદર્શન એના જોવાસાંભળવામાં આવતું જ નથી.

જોતે છતે નહીં જોઈ શકવાનો, લગભગ નિયતિ શો આ અભિશાપ કટોકટી સામેની લડાઈમાં દેશના બૌદ્ધિકે વચ્ચે કોઈક તબક્કે મેટિની આઈડોલ શા ઉભરેલા અરુણ શૌરી સરખાઓની કરપીણ કારુણિકા છે. જોગાનુજોગ જુઓ કે શૌરી ગુજરાત લૉ સોસાયટીના ઉપક્રમે એક પ્રકારે એલાને જંગ મુદ્દામાં વાત કરી રહ્યા હતા ત્યારે જ ગુજરાત સરકાર પર ગોધરા પ્રકરણમાં પોટાના અકારણ પ્રયોગ ઉપર હાઈકોર્ટમાં પસ્તાળ પડી રહી હતી. ગોધરાની નિઘૃણ ઘટના એક કોમવાદી કારવાઈ હતી અને નસિયતપાત્ર છે તેમજ રહેશે; પણ એ કોઈ આતંકવાદી ઉત્પાત નહોતો કે ત્યાં પોટાસ્ત્ર પ્રયોજવામાં કશું ઔચિત્ય હોય. આ વાત છેક માર્ચ ૨૦૦૨માં જ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે રાજ્ય સરકારને કહી હતી, પણ -

આપણી પરંપરામાં, ગીતાની મદદ લઈને જેને ‘શુચિર્દક્ષ’ કહી શકીએ - આજકાલ અમેરિકામાં જેને ‘સ્માર્ટ’ અભિગમ કહેવાય છે - તે રીતે વ્યક્તિસ્વાતંત્ર્ય અને રાષ્ટ્રીય સલામતી વચ્ચેનું સંતુલન કેવી રીતે બનાવી શકાય એ જતીઆવતી સૌ સરકારો માટે વખતોવખત વણભેદ્યો કોઠો રહ્યો છે એ સાચું છે. કૉંગ્રેસે અને ભાજપે અનુક્રમે ટાડા તેમજ પોટાના મોઈદાંડિયે ખેલી આ બાબતે કોઈ રાસ રચી જાણ્યો નથી એ પણ સાચું છે. પણ કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં સૈકાઓ પહેલાં જે એક એકદમ એકદમ ‘સ્માર્ટ’ વાત કરાઈ હતી કે રાજ્યે ન તો તીક્ષ્ણદંડ રહેવું જોઈએ, ન મૃદુદંડ રહેવું જોઇએ; પણ યથાર્હદંડ અવશ્ય હોવું જોઈએ તેમાં ભાગ્યે જ બેમત હોઈ શકે. માત્ર, એટલું જ કહીશું આપણે કે કાયદાના શાસનની રગ હોય તો એમાં ‘સ્માર્ટ’ કારવાઈને પૂરતો અવકાશ હતો, છે અને રહેશે.

અહીં લાંબા ઇતિહાસમાં નહીં જતાં એ એક વિગત અંકે કરી લઈએ કે નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન ( પિયુસિએલ) સાથેનો સંબંધ શૌરીએ પંજાબમાં આતંકવાદે ઉપાડો લીધો ત્યારથી છોડ્યાનું સ્મરણ છે. પછી તો એ શાસનમાંયે રહ્યા છે, પણ પેલું સંતુલન હજુ એમણે શોધવું રહે છે. પંજાબમાં કે બીજે ચમકેલા ઍન્કાઉન્ટર માર્તંડ સુપરકોપ ગિલને ૨૦૦૨માં ગુજરાતની જવાબદારી સોંપાઈ અને તેઓ બધું થાળે પાડી રવાના થયા ત્યારેય એમની લાગણી હતી કે ગુજરાતના મુખ્ય પ્રજાવર્ગને સમ્રાટ અશોકને થયો હતો તેવો કોઈ કલિંગબોધ થયો નથી. અરુણ શૌરીની હેડીના બૌદ્ધિકને, ગિલ જેટલી પણ સુધબુધ ન રહે ત્યારે શું કહેવું. જોતે છતે ન જોવું, એ જ નિયતિ હશે?

Category :- Samantar Gujarat / Samantar