SAMANTAR GUJARAT

રજનીકુમાર પંડ્યા

વિખ્યાત વાર્તાકાર-નવલકથાકાર- કટારલેખક અને સંગીતપ્રેમી વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે...

જૂઓ વિડીયો

Category :- Samantar Gujarat / Samantar

૧૮મી ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં લેખાનુદાન પ્રસ્તાવ રજૂ કરતી વેળાએ જે સત્તાવાર આંકડો અપાયો તે પ્રમાણે ૨૦૦૮-૦૯ ના નાણાકીય વરસના અંતે ૨૫૮૩.૮૬ કરોડ રૂપિયાની ખાધ રહેશે. બને કે ૩૧મી માર્ચે આ અંદાજનેય અતિક્રમી જવાય! ગમે તેમ પણ, અગાઉ અંદાજેલ ૮૭૬.૨૦ કરોડની ખાધ આમ સહેજે ત્રણ ગણી કે એથી વધુ થવા જાય તો એનો અર્થ એ થયો કે વાઇબ્રન્ટનાં ઢોલત્રાંસાં વચ્ચે વાસ્તવિકતા કંઈક જુદી છે. એમઓયુનો અંજાપો, બને કે, ઇંદિરા ગાંધીની 'નઈ રોશની'ના કૂળનો હોય. વીસ રત્ન કલાકારોની આત્મહત્યાની સત્તાવાર સ્વીકૃતિ કે ગ્લોબલ સમિટના હૉર્ડિંગ્ઝ પાછળ ૭.૩૯ કરોડ રૂપિયાનો ધૂમ ખર્ચો : લેખાનુદાન પ્રસ્તાવ સાથે જ બહાર આવેલી આ બધી વિગતોની સહોપસ્થિતિ થકી જે ચિત્રસંકેત મળે છે તે પોતે પણ વાસ્તવિકતા વિશે પૂરતું મુખર હોઈ શકે છે.

પણ હમણાં નિર્દેશી એવી બધી સહોપસ્થિતિઓથી હટીને જો એક લાંબા પટ ઉપર વિચારીએ તો, બને કે, વાસ્તવિક /વૈકલ્પિક/ સમાંતર ગુજરાત વિશેની આપણી સમજ અને એમાંથી ફલિત થતા અભિગમવ્યૂહને આપણે ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં મૂકી શકીએ.

એક તો વિકાસની વાર્તા કે મિથક. પહેલી વિગત, ખાસ તો, વિકાસવાર્તાને નમો શાસનની વિશેષ લબ્ધિ ગણાવવા સંદર્ભે. રમેશ. બી. શાહે આ મુદ્દો ચર્ચતાં ગુજરાતમાં ઉદ્યોગક્ષેત્રે અભ્યાસી લેખે સુપ્રતિષ્ઠ જયનારાયણ વ્યાસને આબાદ ટાંક્યા છે: "૧૯૬૦ના ઔદ્યોગિક ગુજરાતનું ચિત્ર રાજ્યની સ્થાપનાની સાથે સાથે જ એકદમ ઝડપથી પરિવર્તિત થવા માંડે એવી જબરજસ્ત ઘટના લગભગ રાજ્યની રચના સાથે જ આકાર લઈ ચૂકી હતી. આ ઘટના એટલે વડોદરા નજીક કોયલી ખાતે ગુજરાત રિફાઈનરીની સ્થાપના." આ પ્રક્રિયા ગુજરાતને ક્યાં લઈ ગઈ એ વિશે જયનારાયણ વ્યાસની ટિપ્પણી છે : "એવું કહેવાય છે કે હજીરાનું ગંજાવર મૂડીરોકાણ આવ્યું ત્યાં સુધી વડોદરાથી નંદેસરી સુધીની પટ્ટીમાં જે ઔદ્યોગિક રોકાણ થયું તે દર ચોરસ કિલોમીટરે ભારતમાં તો સૌથી વધારે હતું, પણ જાપાનને બાદ કરતાં એશિયાના કોઈ દેશમાં આટલું મોટું રોકાણ થયું નહોતું."

આગળ ચાલતાં, ગુજરાત રસાયણ રાજ્ય તરીકે વિકસ્યું. ૧૯૯૧માં મનમોહન સિંહની નવી આર્થિક નીતિએ દેશનાં રાજ્યોમાં ઔદ્યોગિક મૂડીરોકાણોની  દૃષ્ટિએ ગુજરાતને કદાચ સર્વાધિક 'બુસ્ટર ડોઝ' આપ્યો. રાજ્યમાં રાજકીય અસ્થિરતા વચ્ચે પણ વિકાસ તો ચાલુ જ રહ્યો. રમેશ બી. શાહને સંભારીને કહીએ તો "ગુજરાતમાં મૂડીરોકાણ ન કરે તે ઉદ્યોગપતિ મૂર્ખ ગણાય એ સત્ય રતન તાતાને છેક ૨૧મી સદીના પ્રથમ દસકામાં લાધ્યું, પણ દેશના અને ગુજરાતના ઘણા ઉદ્યોગપતિઓને તો એ સત્ય વીસમી સદીના છેલ્લા દસકામાં જ લાધી ચૂક્યું હતું.

ઉલટ પક્ષે, ગુજરાતમાં ગ્રામીણ અને શહેરી આવકો વચ્ચેની અસમાનતા વધી છે. ગ્રામવિસ્તારમાં માથાદીઠ વપરાશ ખર્ચનો હિસાબ મૂકીએ તો કેરળ, હરિયાણા અને પંજાબ કરતાં ગુજરાત પાછળ છે. સ્ત્રીઓના સરેરાશ આયુષ્યમાં કેરળ (૭૬), પંજાબ (૭૦), કરતાં ગુજરાત (૬૫) પાછળ છે. બાળ મૃત્યુદરમાં કેરળ(૧૫), મહારાષ્ટ્ર (૩૫), બંગાળ (૩૭) કરતાં ગુજરાત (૫૩) આગળ એટલે કે પાછળ છે.

વળી જ્યાં સુધી રોકાણો અને રોજગાર વચ્ચેના સંબંધનો સવાલ છે, ગુજરાત સરકારે પ્રકાશિત કરેલ 'સ્ટેસ્ટિકલ આઉટલાઈન, ૨૦૦૭'ના ઉજાસમાં રોહિત શુક્લે દર્શાવ્યું છે તેમ આપણે 'જૉબલેસ ગ્રોથ' તરફ જઈ રહ્યા છીએ. ઘટતી રોજી, ઘટતાં દામ અને વધતાં કામની ફોર્મ્યુલા અમલમાં છે.

આ ચર્ચાનો સાર એ કે જેને વિકાસ કહેવાય છે તે નમો શાસનની વિશેષતા નથી. પણ એથી અગત્યનો મુદ્દો આ વિકાસવાર્તાનું જે મથક છે તે છે. હમણાં ઉતાવળે જે અન્ય વિગતો આપી તેના પરથી એવા તારણને અવકાશ છે કે સિત્તેર ટકા ગુજરાતીઓ આ વિકાસલાભથી વંચિત છે. તો, રાજ્ય વિધાનસભામાં રજૂ થયેલ લેખાનુદાન પ્રસ્તાવ પ્રમાણે ૨૦૦૮-૦૯ની અંદાજિત ખાદ્ય ત્રણ ગણી કે વધુ થઈ જવાની હોય એ વિગત અલપઝલપ પોઇન્ટ સ્કૉર કરવામાં ખપ આવે એમ હોય તોપણ સીમાન્ત ગુજરાતની - જે બહુમતીમાં છે પણ મધ્ય પ્રવાહમાં નથી, તેની - વાસ્તવિકતા તો ક્યાંય ભેંકાર છે. 

Category :- Samantar Gujarat / Samantar