SAMANTAR GUJARAT

એક મોટું કારણ એ પણ છે કે ત્યાં છેલ્લા બેત્રણ દસકાથી સાહિત્યકારો સામાજિક પ્રશ્નો સાથે શ્વસે છે. સાહિત્ય જયારે સામાજિક સમસ્યાઓની સાચી અભિવ્યકિત કરતું થાય છે ત્યારે જ તે સમૃદ્ધ ને ઉદાત્ત બને છે અને પોતાના સમયનો પડકાર ઝીલવાને કાબેલ બને છે. સમાજના પ્રશ્નો સાહિત્યને જીવંત બનાવે છે અને સમાજાભિમુખ સાહિત્ય સમાજને ટટ્ટાર બનાવે છે.

આપણે આત્મશકિતનું ભાન કેળવવું પડશે. આપણે એવું વિચારીએ છીએ ખરા કે શાસન કરતાં સાહિત્ય વધુ શાશ્વત છે? શેકસપિયરે પોતાનું પ્રથમ કાવ્ય 'વીનસ એન્ડ એડોનિસ' સાઉથમહનના જે અર્લને અર્પણ કર્યું હતું અને આજે તેને કોણ યાદ કરે છે? રાજા ભોજ કરતાં કાલિદાસની ખ્યાતિ વધુ ચિરંજીવી છે. અકબર બાદશાહ કરતાં તુલસીદાસ આજે ઘણા વધારે મોટા સમુદાયના હૈયામાં વસે છે. સાહિત્યનું ગૌરવ સાહિત્યની ગુણવત્તાથી વધે છે. તત્કાલીન શાસન દ્વારા એને અપાયેલ સમ્માનથી નહિ, એટલું જો સાહિત્યકાર સમજી જશે તો એ સાહિત્યની સાચી સેવામાં મન પરોવશે અને ઘણા ક્ષુદ્ર રાગદ્વેષોથી બચી જશે.

સમાજના સળગતા પ્રશ્નોમાં જયારે સાહિત્યકાર રસ લેવા માંડશે ત્યારે એ કાંઈ જરૂરી નથી કે એ જાતે કર્મશીલ બને. વિકટર હ્યુગો કે ગોર્કીના સાહિત્યે અનેક કર્મશીલોની ગરજ સારી હતી. કર્મશીલનું જોમ જેટલું સાહિત્યકારની કૃતિમાં દેખાશે એટલી એની કૃતિઓ તેજસ્વી બનશે અને સાહિત્યકારની સંવેદનશીલતા અને લાલિત્ય જેટલા કર્મશીલમાં આવશે તેટલી તેના કર્મમાં સુસંસ્કારિતા આવશે. કર્મશીલ અને સાહિત્યકાર વચ્ચે પારસ્પરિકતાને અભાવે ઘણી વાર સાહિત્ય નિસ્તેજ અને કર્મશીલતા સંસ્કારિતામાં ઊણી ઊતરતી દેખાય છે. આખી પ્રજાની વેદના જયારે આપણા સાહિત્યમાં સ્થાન પામે છે ત્યારે એ સાહિત્ય ધરતી પર નક્કર પગલાં માંડતું છતાં ઊચે આકાશમાં મસ્તક રાખી દૂર દૂરની ક્ષિતિજો ભાળતું જણાય છે.

આજની જટિલ અને કુટિલ દુનિયામાં વ્યકિતનું વ્યકિતત્વ કુંઠિતથાય છે. પહેલાં કદી નહોતાં અનુભવ્યાં એટલાં માનસિક દબાણો, સમસ્યાઓ અને રોગો આજે જગતનો નાગરિક અનુભવી રહ્યો છે. આજનો સાહિત્કાર પોતાના જીવન અને સર્જન દ્વારા જગતના સરેરાશ નાગરિકને, સામાન્યજનને કાંઈ શાંતિ, સ્ફૂર્તિ અને આનંદની અનુભૂતિ કરાવી શકશે? આરંભ આપણે આપણી જાતથી કરવાનો છે, પણ પહોંચવાનું છે આપણે જગત સુધી. ભીતર આત્મનિરીક્ષણ, પરીક્ષણ અને શોધન અને બહાર સ્વાઘ્યાય, પરિશ્રમ અને સંશોધન કરીને તે આ દિશામાં આગળ વધી શકે છે.

સમાજ આજે ખંડ ખંડ થઈ ગયો છે. એના એક અંગને બીજા અંગની કાંઈ પડી નથી. આજે જયારે જાગતિક સ્તર પર આખી માનવતા હિતનો વિચાર કરવો જરૂરી થઈ ગયો છે ત્યારે સંકુચિત હિત પરસ્પર ટકરાય છે, તેમાંથી નીપજે છે હિંસા, આતંક, કલહ અને યુદ્ધ. ગુજરાતી સાહિત્યકાર જગતને માનવીય હિતૈકયની દિશામાં લઈ જવામાં કાંઈક સહાયક, કાંઈક માર્ગદર્શક, કાંઈક સંકેતસૂચક પણ બની શકે?

સૃષ્ટિ સાથેનો માનવનો સંબંધ પણ આજે ઊંડી વિચારણા માંગી લે છે. સૃષ્ટિનો ધણી થવા માગતો માનવી આજે ધરતીને ધૂળધાણી કરવા લાગ્યો છે. વસુંધરાના વસુઓ આજે માણસનાં કરતૂતોથી વસુકાવા લાગ્યા છે. શું આપણે આપણા સાહિત્ય દ્વારા માણસના પોતાના જાતના સાથેના, માણસના સાથી માણસ સાથેના, માણસના સૃષ્ટિ સાથેના પ્રશ્નોના જવાબ આપવામાં સહાયક થઈ શકીએ ખરા? આજથી શરૂ થતી ભાવિ દુનિયાના આ યક્ષપ્રશ્નો છે. આ યક્ષપ્રશ્નો ઉકેલવામાં આપણો સાહિત્યકાર કેટલો ફાળો આપી શકે એ પ્રશ્નના જવાબ ઉપર આધાર રાખે છે-ગિરાગુર્જરીનું વિશ્વગુર્જરી થવું. સાહિત્ય હંમેશાં માત્ર સમાજનો આયનો થઈને બેસી નહીં રહી શકે. માનવતાની આગેકૂચમાં સાહિત્યે પણ પોતાનો ફાળો આપવો પડશેને? દુનિયાના યક્ષપ્રશ્નો બાબત સાહિત્ય જો કાંઈ ઇંગિત પણ કરી શકશે તો આપણું સાહિત્ય વિશ્વસાહિત્યમાં સ્થાન પામશે.

ગુજરાત, દેશ અને દુનિયા જે કોયડાઓનો અનુભવ કરી રહ્યાં છે તેને ઉકેલવામાં સાહિત્યકાર તરીકે આપણો શો ફાળો હશે, એ આપણને પડકાર આપતો પ્રશ્ન છે. ગાંધી તો આપણને એમ કહેતા ગયા કે આ દુનિયા જ એક થવાની નહીં હોય તો એમાં જીવવાનું એમને નહીં ગમે. આપણે જાણીએ છીએ કે દુનિયાને એક કરવા સારુ ગુજરાતે એક થવું પડશે, ભારતે એક થવું પડશે. ગાંધીજીએ જે વાકય કવિ અંગે કહ્યું હતું તે સૌ સાહિત્યકારોને પણ લાગુ પડે એવું છે: આપણામાં જે સારી ભાવનાઓ સૂતેલી હોય તેને જાગૃત કરવાની શકિત જે ધરાવે છે તે કવિ છે. સાહિત્યના સેવકો તરીકે આપણી સામે પડકાર મોટો છે. પરંતુ ગાંધીજીએ પોતાના જીવનમાં મોટા મોટા પડકાર સામે આવ્યા છતાં એને ઝીલવા અંગે સ્વાનુભવને આધારે જે ઉપાય સૂચવ્યો તે આપણને કામ લાગે એમ છે. તેમણે કહ્યું હતું 'મને તો કદીયે નાસીપાસીનો અનુભવ થયો જ નથી. નાસીપાસી તો આપણી પોતાની કમજોરી અને અશ્રદ્ધામાંથી જ ઉદભવે છે. જયાં સુધી આપણે આપણી જાતમાંથી શ્રદ્ધા ન ખોઈ બેસીએ ત્યાં સુધી હિંદનું કુશળ જ છે.' પોતાના જીવનઆપણે વાત (ગાંધીનગર ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ૪૪મા અધિવેશમાં તારીખ ૨૧ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ આપેલા અઘ્યક્ષીય ભાષણના સંકલિત અંશો)

નોંધ: આમ તો આ આખી વાત ગુજરાતી સાહિત્યકારને કહેવામાં આવેલી છે, પરંતુ સમગ્ર વાતમાં રહેલું તત્ત્વ સૌ કોઈને સ્પર્શી શકે એવું છે અને એટલે જ અહીં મૂકવાની પ્રાસંગિકતા જણાઈ છે.

Category :- Samantar Gujarat / Samantar

રજનીકુમાર પંડ્યા

વિખ્યાત વાર્તાકાર-નવલકથાકાર- કટારલેખક અને સંગીતપ્રેમી વાત કરે છે ઉર્વીશ કોઠારી સાથે...

જૂઓ વિડીયો

Category :- Samantar Gujarat / Samantar