PROFILE

भाई हो तो ऐसा हो

અાશા બૂચ
09-04-2013

ઇસ્વી સન ૧૯૬૯ની આ વાત છે. મારા પિતાશ્રી દિવંગત નરેન્દ્ર્ભાઈ અંજારિયા (હવે પછી, ‘ભાઈ’ના સંબોધનથી ઉલ્લેખ કરીશ) પોતાના કામ સબબ તેવાકમાં ભાવનગર ગયા હતા. ત્યાં તેમની ઓળખાણ મિસ્ટર જોહ્ન વુડ સાથે કરાવવામાં આવી. તેઓ ‘The Political Integration of British and Princely Gujarat’ − વિષય પર મહાનિબંધ લખવા માટે ફિલ્ડ વર્ક (ક્ષેત્ર અધ્યયન) કરતા હતા. અને પછી બન્ને વચ્ચે સેતુ બંધાયો. અામ ૧૯૬૯થી તેઓ અમારા પરિવારના અંતરંગ મિત્ર બની ગયા છે. જોહ્નભાઈને ૧૯૭૨માં પી.એચડી.ની ઉપાધિ મળી.

કેનેડાના એ યુવાન ભારત ભૂમિ પર કેવી રીતે પહોંચ્યા, એ ય ઘટના રસપ્રદ છે. ૧૯૬૨માં સારાવાક – મલેશિયા કામ કરવા માટે જવા ઉપડેલા જોહ્નભાઈને, તેને બદલે જૂનાગઢ નજીક શારદાગ્રામ જવાનું કહેવામાં આવ્યું. ગુજરાત રાજ્ય હજુ ૧૯૬૦માં અસ્તિત્વમાં આવેલું એટલે નકશામાં ક્યાં ય જોવા ન મળે ! એટલે મુંબઈ ઉતર્યા. ત્યાં સુધી ક્યાં જવાનું છે, અને ત્યાં શું હશે તેની કોઈ જાણકારી વિના જોહ્નભાઈ પહોંચ્યા શારદાગ્રામ. ટોરોન્ટોથી લંડન એરોપ્લેઇનમાં, અને લંડનથી મુંબઈ પેસેન્જર શીપમાં (ઉતારુ જહાજમાં) પોર્ટ સાઈદ, ઈજિપ્ત અને એડન થઈને, પંદર દિવસની રોમાંચક મુસાફરી કરીને ભારત આવ્યા ! એ દરમ્યાનમાં જોહ્નભાઈએ ગાંધીજીની આત્મકથા, નહેરુનું ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’ અને ઈ.એમ.ફોરેસ્ટરનું ‘પેસેજ ટુ ઇન્ડિયા’ વાંચી લીધેલાં. (આપણામાંથી આ ત્રણ પુસ્તકો કેટલા લોકોએ વાંચ્યાં હશે, એ પૂછવાની હિંમત નથી થતી !) ભાથામાં હિન્દી લિપિની કક્કાવારી અને થોડા શબ્દપ્રયોગો લઈને અમદાવાદ ઊતરેલા જોહ્નભાઈ એમના મિત્ર સ્ટીવ વુલ્ક્મ, કે જેને ગુજરાતીનું થોડું જ્ઞાન હતું, તેમની સલાહથી, ગુજરાતી શીખવા માટે તત્પર થઈને, કેશોદથી શારદાગ્રામ પહોંચ્યા. જોહ્નભાઈના શબ્દોમાં કહું તો, ‘I thought I'd reached the end of the world.’

ટોરોન્ટોથી બહાર જઈને દુનિયા જોવા નીકળેલા એ યુવાનને ગરીબ દેશોની શકલ બદલાવી નાખવાના ઓરતા જાગેલા, જે ભારત આવતાં શમી ગયા. ભારતીય લોકોનો ઉષ્માભર્યો વર્તાવ અને મહેમાનગતિ માણ્યા પછી, એમને ભારતના ઇતિહાસ અને સંસ્કૃિત જાણવા પ્રત્યે રુચિ થઈ. શારદાગ્રામમાં ગૃહપતિ તરીકે કામ કરવા મળ્યું, પણ ગુજરાતીના પૂરતા જ્ઞાન વિના અંગ્રેજી શીખવવાનું કામ ન મળે. એક શિક્ષક પાસેથી ‘મને કામ કરવું ગમે છે’, એ શબ્દપ્રયોગ શીખી લીધો. અને નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂત શિવાભાઈ રબારી પાસે તેનો ઉપયોગ કર્યો. શિવાભાઈએ જોહ્નભાઈને પાવડો પકડાવી દીધો, પણ સાથે સાથે શિક્ષક બનવા માટે જરૂરી ગુજરાતીનું શિક્ષણ પણ આપી દીધું ! ત્યારથી શિવાભાઈ પણ જોહ્નભાઈના દોસ્ત બની ગયા.

માંગરોળમાં રહેતા, ત્યારે તેમના મગજને પણ ખોરાક મળી રહેવા લાગ્યો. જૂનાગઢના નવાબના રાજ્યને ભારતમાં સામેલ કરવા લશ્કરે દરમ્યાનગીરી કરવી પડી; એ વિષે અને નવાબની શોષણખોર નીતિ વિષે ખેડૂતો પાસેથી ઘણી માહિતી મેળવી. તેવે સમયે તેમને ખ્યાલ આવ્યો કે ભારતમાં વિકાસને લગતા બધા નિર્ણયો પાછળ રાજકારણ કામ કરે છે, તેથી રાજકારણનો અભ્યાસ કરવો જરૂરી છે. એ બે વર્ષો દરમ્યાન, જોહ્નભાઈ દિલ્હીમાં જવાહરલાલ નહેરુ અને સર્વપલ્લી રાધાકૃષ્ણન્, તેમ જ ગુજરાતમાં જયપ્રકાશ નારાયણ, બળવંતભાઈ મહેતા અને વજુભાઈ શાહ જેવા રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના નેતાઓને મળેલા. આ તબક્કે રાજકારણને સમજવા રાષ્ટ્રીય ચળવળ વિષે જાણવું અને માત્ર આર્થિક જ નહીં, પણ સામાજિક અને રાજકીય વિકાસ વિષે પણ જાણવું અત્યંત જરૂરી છે, એમ તેમને ભાસ્યું. આથી જ તો ન્યુયોર્ક જઈ, તેઓએ ભારતના ઇતિહાસ, રાજકારણ, નૃવંશશાસ્ત્ર, હિન્દી અને ઉર્દૂનો અભ્યાસ આદર્યો. ભારત છોડ્યું, ત્યારે મોગલ સ્થાપત્ય અને જ્ઞાતિ પ્રથાથી માંડીને, ભારતની વિદેશ નીતિ સુધીની ઘણી જાણકારી મેળવેલી. પરંતુ એ બધું અપરિપક્વ દશામાં હતું. એમ.એ અને તે પછી પી.એચડી.ના અભ્યાસથી એને અધિકૃત ઓપ મળ્યો. અને ખરું જોતાં, એ માટેની ભૂખ ઉઘડી, જે જીવનપર્યંત પ્રજ્વળિત રહી છે.

અહીં મારે નમ્રતાપૂર્વક મારા પિતાશ્રીના જોહ્નભાઈના અભ્યાસમાં આપેલ યોગદાનનો ઉલ્લેખ કરવો રહ્યો. તેમના જ શબ્દોમાં કહું તો સ્વાતંત્ર્યની ચળવળમાં ભાગ લીધેલા અને તે પછીથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં આગેવાની લીધેલા નેતાઓ તથા કાર્યકરો ભાઈને ખૂબ આદર આપતા, અને તેમના પર અડગ વિશ્વાસ મૂકતા. ભાઈના તટસ્થ અને વસ્તુલક્ષી દ્રષ્ટિકોણ અને ઘટનાઓના સ્પષ્ટ અર્થઘટનને કારણે, જોહ્નભાઈ રાજકોટના ૧૯૩૮ના સત્યાગ્રહનો વિગતે અભ્યાસ કરી શક્યા. રસ ધરાવનારાઓ Robin Jeffery લિખિત Princes, People and Paramount Powerમાં જોહ્નભાઈનો રાજકોટ સત્યાગ્રહ પરનો લેખ વાંચી શકશે.

ભાઈ સાથે પરિચય થયો, ત્યારે જોહ્નભાઈ પોતાનો અભ્યાસ પદ્ધતિસર શરૂ કરી ચુક્યા હતા. તેથી રાજકોટ આવીને કેટલાક આગેવાન સ્વાતંત્ર્ય સેનાનીઓની મુલાકાત લેવા માગતા હતા. ‘રાજકોટમાં ક્યાં ય રહેવાની સુવિધા ન થાય, તો મારે ઘેર અવશ્ય રહી શકશો.’ એવું આમંત્રણ ભાઈએ આપ્યું હતું. જેનો સ્વીકાર કરીને, ૧૯૬૯માં જોહ્નભાઈ અમારે ઘેર આવ્યા.

હું નાની હતી ત્યારે ઘણા વિદેશી મુલાકાતીઓને જોવાની/સાંભળવાની તક મળેલી, પરંતુ પોતાના જ ઘરમાં એકથી વધુ દિવસ માટે રહેવા આવનાર જોહ્નભાઈ પહેલા જ હતા. તે વખતે મારા માતુશ્રી સરોજબહેનને (હવે પછી ‘બેન’ના સંબોધનથી ઉલ્લેખ કરીશ) ટાઈફોઇડ થયો હોવાને કારણે ગૃહ સંચાલનની જવાબદારી મારે શિરે હતી. પણ બેનના માર્ગદર્શનથી ઘણી સરળતા રહેતી હતી. મહેમાન અને તેમાં ય વિદેશીની જરૂરિયાતો અને ખાવા-પીવાની અનુકુળતાઓ જાણવી એ અમારી ફરજ હતી. પરંતુ ‘મને ખીચડીથી માંડીને ખીર સુધી બધું ભાવે છે’ (તે પણ શુદ્ધ ગુજરાતીમાં) જણાવીને જોહ્નભાઈએ પોતાની રુચિ-અરુચિ વિષે અમને તદ્દન નિશ્ચિંત  કરી દીધાં. એટલું જ નહીં બ્રેડ-બટર જેવો નાસ્તો એક બાજુ રાખીને, ઘરના બનાવેલ ખાખરા-રોટલી પર ઘરમાં ઉતારેલ માખણ ‘હું માખણ લગાવું છું’ જેવા રૂઢ પ્રયોગ સાથે આનંદે અારોગવા લાગ્યા.

રાજકોટના ગણમાન્ય નાગરિકોની મુલાકાત લઈને સાંજે ઘેર આવતાં જોહ્નભાઈ બેન માટે ફૂલોનો ગુચ્છ અથવા એ સહેલાઈથી ન મળે તો છેવટ વેણી લાવે. (કેમ કે દર્દી માટે ફૂલો લઈ જવાની વિદેશમાં પ્રથા ખરીને?) અને તબિયતના ય ખબર પૂછે. મારી નાની બહેન સાથે એના અભ્યાસ વિષે, નાની મોટી પ્રવૃત્તિઓ વિષે અને એને ગમ્મત પડે એવી ઘણી વાતો કરે. મારા કોલેજના અભ્યાસની રસપૂર્વક ચર્ચા કરે, મને રસોઈમાં મદદ કરે અને ક્યારેક મારી મજાક પણ કરી લે. જમતી વખતે ભાઈ સાથે સૌરાષ્ટ્રના રાજકારણની, રચનાત્મક કાર્યોની તથા વિવિધ સંસ્થાઓના સંચાલનની છણાવટ કરતા અને કેટલીક જાણીતી હસ્તીઓની કાર્ય પદ્ધતિઓનું વિશ્લેષણ ચાલતું. વળી જમ્યા પછી ફળો ખાવાની અને કોફી પીવાની આદત ખરી, તો અધિકારપૂર્વક એ પણ માગી લેતા.

આમ અમારે ઘેર માત્ર બે-ત્રણ અઠવાડિયા રહીને, પોતાના સંશોધનને વેગ આપવા આવેલ જોહ્નભાઈ, કાયમ માટે કુટુંબના અવિભાજ્ય અંગ બની ગયા. તેમનાં પત્ની મેરીબહેન અમારા ભાભી તરીકે સરખો જ અધિકાર પામ્યાં. પોતાના અભ્યાસકાળ દરમ્યાન જોહ્નભાઈ અવારનવાર રાજકોટ આવ્યા, અને ત્યારે અમારું ઘર તેમનું થાણું બની રહેતું. મેરીબહેન તેમની સાથે આવે, અમારી પાસે સાડી પહેરતાં શીખે, બીજા શિષ્ટાચાર અપનાવે, ગુજરાતી રસોઈ કરતાં શીખે અને અમારી મીઠી મશ્કરી માણે. આ સંબંધ એટલો તો ઘનિષ્ઠ થયો કે તેમનાં માતા-પિતા અમદાવાદ આવ્યાં, ત્યારે એમને પણ જોહ્નભાઈ અમારે ઘેર લઈ આવેલા.

પી.એચડી.ની ઉપાધિ મેળવ્યા પછી, જોહ્નભાઈ કેનેડા ગયા. અને વાનકુવરની બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીમાં ‘ઇન્ડિયન પોલિટીક્સ’ના કોર્સીસ ભણાવવાની જવાબદારી ગ્રહણ કરી. ભારતના રાજકારણ અને શિક્ષણ સાથે તેમનું આદાન-પ્રદાન ચિરંજીવી બન્યું. ‘Shastri Indo-Canadian Institute’ – દિલ્હીના રેસિડેન્ટ ડાયરેક્ટર તરીકે તેઓએ ’૭૩-’૭૫, ’૮૯-’૯૦ અને ’૦૪-૦૬માં સેવાઓ આપી. તેમની નિમણૂક  થતી ત્યારે ભાઈ અવારનવાર તેમને ઘેર દિલ્હી જતા. મારાં માસી અને અમે સપરિવાર દિલ્હીમાં જોહ્નભાઈ-મેરીબહેનની ચાર દિવસ માટે મહેમાનગતિ માણી આવ્યાં.

અમને પોતાની નાની બહેનો ગણીને જોહ્નભાઈ રાખડી બાંધતા, ભેટ આપતા અને અમારા અભ્યાસ તથા કાર્યની બાબતમાં સક્રિય રસ લેતા. મારા પહેલા પુત્રનો જન્મ થયો, પછી અમે લિવરપૂલ રહેતાં. હું હજુ ભારત તેને લઈને નહોતી જઈ શકી. જોહ્નભાઈને તે અરસામાં ભારત જવાનું થયું, તો જપાન તરફથી જવાને બદલે અમને મળીને ગયા. એટલું જ નહીં, તેને માટે અને મારે માટે ભેટ લાવ્યા, ખાસ બ્લેક એન્ડ વ્હાઈટ રોલ નાખીને ફોટા પાડ્યા, જેથી મારા પરિવારના લોકો તરત જોઈ શકે. એવી જ રીતે થોડા વર્ષો પછી મારી બહેનના તેની નવજાત પુત્રી સાથેના ફોટા પણ જોહ્નભાઈએ જ પહેલાં મોકલ્યા !

જોહ્નભાઈનો અમારા કુટુંબ સાથે અતૂટ સંબંધ બંધાયો એથી જ તો જ્યારે મારી નાની બહેનનું અકાળે અવસાન થયું, મારા પિતાશ્રીને પાર્કિન્સનની વ્યાધિ લાગુ પડી અને તેમનું અવસાન થયું, ત્યારે જોહ્નભાઈ ખૂબ જ વ્યથિત થયા અને મારી કે મારી મા સાથે વાત કરવાની હિંમત ન કરી શક્યા. સદ્દનસીબે એ તંતુ ફરી જોડાઈ ગયો છે. ૨૦૦૫માં પોલિટીકલ સાયન્સ શીખવવામાંથી નિવૃત્તિ લીધી, પરંતુ બ્રિટિશ કોલમ્બિયા યુનિવર્સિટીમાં ‘Institute of Asian Research’માં માનદ્દ પ્રોફેસર તરીકે પદ ગ્રહણ કર્યું. લગભગ ૭૦ની ઉમરે પહોંચવા આવ્યા છે, ડાયાબિટીસ અને બીજી વ્યાધિઓથી શરીર પીડાય છે, છતાં ભારત પ્રત્યેનો એમનો અનુરાગ એટલો જ ઘનિષ્ઠ છે. અને ડોક્ટરોની મનાઈ હોવા છતાં, Community Natural Resource Management in Gujarat and Madhya Pradesh વિષય પર એક પ્રકલ્પ કરવા માટે ગ્રાન્ટ મેળવીને અમદાવાદમાં કામ કર્યું. કહે, ‘આ મારી છેલ્લી ઇચ્છા હતી, ભારત માટે કામ કરવાની.’

નોંધવાની વાત તો એ છે કે પોતાના જીવનમાં આવેલા ચડાવ-ઉતાર વિષે પણ, અંગત કુટુંબીજન હોઈએ એટલી નિખાલસતાથી વાત કરે છે.

આવા વિદેશી યુવાન કે જે અભ્યાસાર્થે ગુજરાતમાં આવી ચડ્યા, એમની સાથે આવો ઘરોબો થાય, અને સાડાચાર દાયકા સુધી માત્ર અમારી સાથે જ નહીં, અમારા બાળકો સુધી ટકી રહે, ત્યારે ઋણાનુબંધ જેવી કોઈ ચીજ છે એમ માનવાનું મન થાય.

e.mail : [email protected]

Category :- Profile

‘હિંદી યુવાનોમાં હિંદી સંસ્કાર, સ્વદેશ પ્રેમ, અને રાષ્ટૃીય ભાવનાની ઊર્મિઅો જગાડી વ્યાયામ, લેખનકલા, ચિત્રકલા અને વાણી વિકાસ સાધી સમસ્ત હિંદી કોમની સેવા કરવી.’

અાવા ઉદ્દાત ઉદ્દેશ સાથે, 25 નવેમ્બર 1943ના રોજ, પૂર્વ અાફ્રિકાના યુગાન્ડા દેશના પાટનગર કમ્પાલા ખાતે, ‘શ્રી યુવક સંઘ - કમ્પાલા’ની સ્થાપના કરવામાં અાવી. અને તેના દૂરંદેશ અગ્રગામી સ્થાપક હતા તુલસીદાસ રૂગનાથ માણેક. અા ટાંકણે બહાર પડેલી પત્રિકામાં તેના અા અાગેવાન વાંચકને અનુલક્ષી કહે છે : ‘અા પત્રિકા વાંચી, ગડી કરી ખીસામાં કે ફાડી ફેંકી દેશો નહીં. પરંતુ તેનું મનન કરી યુવકના કાર્યમાં યથા-શક્તિ સહકાર અાપશો એવી અાશા.’

અા ઘટનાને અા સાલ 70 વર્ષનું છેટું થયું છે. ત્યારે અા યુવાનનું વય હતું : ફક્ત 21 વર્ષ.

તત્કાલીન યુવક સંઘ માંહેના એક સાથીદાર તેમ જ મંત્રી તરીકે તુલસીદાસભાઈના અનુગામી બનેલા જયંતભાઈ કારિયાની નોંધ અનુસાર, પ્રથમ પહેલા મંત્રીની જવાબદારી સ્વીકાર કરતા, તુલસીદાસ માણેકે કહેલું, ‘ … અા સંસ્થા ઊભી કરવા પાછળ અાપણું ધ્યેય અમુક યુવકોને ભેગા કરી ચર્ચા કે ઠરાવો કરી કાગળિયા અભેરાઈ ઉપર ચડાવવા તે નહીં; પરંતુ સંસ્થાનું મુખ્ય ધ્યેય રચનાત્મક કાર્યક્રમો યોજી હિન્દી યુવાનોમાં હિન્દી સંસ્કારો, સ્વદેશપ્રેમ અને રાષ્ટૃીય ભાવનાની ઊર્મિઅો જગાડી વ્યાયામ, લેખનકળા, ચિત્રકલા અને વાણીવિકાસ સાધવાનો તેમ જ તેમના અભ્યુદય માટે યથા શક્ય પ્રયત્ન કરવાનો છે.’

અા ઉદ્દેશોને લક્ષમાં રાખી, અા યુવાન પોતાની જવાબદારી સમજીને ઉદ્દેશને એક પછી એક પાર પાડવા સંસ્થાના કાર્યમાં તલ્લીન બની ગયા હતા, તેમ જયંત કારિયા લખે છે.

તુલસીદાસભાઈને યુવક સંઘમાં મદનગોપાળ ચત્રથ પ્રમુખ બની સાથ અાપે છે તો, હરિલાલ સામાણી ઉપ પ્રમુખપદે રહ્યા. સહમંત્રી તરીકે નવનીત શાહનો સહકાર હતો અને કોષાધ્યક્ષ તરીકે અમૃતલાલ દેવચંદનો સાથ હતો. વળી, સમિતિ પર ડાહ્યાભાઈ અા. પટેલ, સૂર્યકાન્ત સી. દેસાઈ, અંબાલાલ ભાવસર તથા મનસુખ ત્રિવેદી સભ્યો તરીકે હતા. મૂળ કાર્યવાહક સમિતિ ઉપરાંત, વ્યાયામ-શાળા સમિતિ ને ઉત્સવ સમિતિ પણ સક્રિય બનેલી.

‘અ ગિફટેડ યન્ગ મૅન - માય બ્રધર તુલસીદાસ’ નામની પ્રભુદાસભાઈ માણેકની નોંધ અનુસાર, 1938ના અરસામાં, તુલસીદાસભાઈ હિંદથી ભણી ગણી યુગાન્ડા પરત થાય છે. વધુ અભ્યાસ સારુ કમ્પાલાની માધ્યમિક શાળામાં દાખલ થાય છે. ત્યાં એમના કેટલાક સાથીસહોદરો - વનુભાઈ વી. રાડિયા, અમૃતલાલ જી. મહેતા (જે પાછળથી કમ્પાલાના નગરપતિ બનેલા), અમૃતલાલ રણછોડ સેજપાળ, પુરુષોત્તમ નાથાલાલ મોરઝરિયા, હરિદાસ કાનજી મેઘજી રાડિયા, વલ્લભદાસ દેવીદાસ અાશર, જનાર્દન એસ. પટેલ, સૂર્યકાન્ત જશભાઈ પટેલ અને ઇન્દુભાઈ જોશી સાથે મળીને એમણે ‘કિશોર મંડળ’ની પહેલવહેલી રચના કરેલી. યુગાન્ડાની ધારાસભામાં પાછળથી સભાસદ બનેલા એમ. એમ. પટેલ અા જૂથના અધ્યક્ષપદે હતા.

‘કિશોર મંડળ’ હેઠળ એ સૌએ સાહિત્યિક પ્રવૃત્તિ ચલાવેલી. તેમાં “કિરણ” નામે હસ્તલિખિત ત્રૈમાસિકનો ય સમાવેશ અગત્યનો હતો. અા સામયિકને સફળતા મળતાં, તેને મુદ્રિત કરવાનું નક્કી થયેલું. કેટલાક સાથીમિત્રો ભણતર પૂરું થતાં નિશાળ છોડીને ગયા તેથી અા મુદ્રિત પત્રિકાની યોજનાને પડતી મૂકવી પડેલી. પરિણામે, ‘કિશોર મંડળ’ને વીંટી લેવું પડેલું.

સ્થાનિક બેન્કમાં નોકરીએ લાગ્યા કેડે, કમ્પાલા લોહાણા સમાજના પુસ્તકાલયની પ્રવૃત્તિમાં તુલસીદાસભાઈ પ્રવૃત્ત બની રહ્યા. દરમિયાન, 1942ના અરસામાં નવનીતભાઈ શાંતિલાલ શાહ હિંદથી યુગાન્ડા અાવી વસ્યા. બંને વચ્ચે મૈત્રી કેળવાઈ. નવનીતભાઈ વ્યાયામ તેમ જ સાંસ્કૃિતક પ્રવૃત્તિમાં પાવરધા હતા. બંને વચ્ચે લંબાણથી ચર્ચાવિચારણા થતી રહી, અને અા બન્ને નરબંકા યુવકોએ ‘યુવક સંઘ’ની રચના કરવાનો નિર્ણય કર્યો. તુલસીદાસભાઈને માથે સંસ્થાના મંત્રીપદની જવાબદારી અાવી રહી અને એમણે મનસા, વાચા, કર્મણા તેને સુપેરે નિભાવી જાણી.

અહીં પણ સાહિત્યિક પ્રવૃત્તિઅોને પ્રધાન સ્થાન મળવા લાગ્યું. ફરી એક વાર હસ્તલિખિત ત્રૈમાસિક કાઢવાનો મનસૂબો રાખ્યો. નામ રખાયું : “હાકલ”. કવિ ડાહ્યાભાઈ પટેલ, ઉમાકાન્ત ટી. પટેલ, અંબાલાલ વી. ભાવસાર અને બીજા તેમાં તુલસીદાસ માણેક જોડાજોડ અગ્રેસર રહ્યા. તુલસીદાસભાઈને સુશોભનકળા હસ્તગત હતી, પરંતુ સામિયકને રૂપકડું બનાવવાની જવાબદારીઅો પોપટલાલ વાલજી ગજ્જર, અરવિંદ દામોદર અોઝા તથા પ્રભુદાસ માણેકને ફાળે હતી.

એક તરફ તુલસીદાસભાઈના વડપણ હેઠળ સાહિત્યિક પ્રવૃત્તિઅો ધમધમતી થઈ, તો બીજી પાસ, નવનીતભાઈ શાહની અાગેવાની હેઠળ અખાડા - વ્યાયામ - પ્રવૃત્તિએ જોર પકડ્યું. એન્ટેબી રોડ પર અાવેલા સનાતન મંદિરના પ્રાંગણમાં એ ફૂલી ફાલતી રહી. તો ત્રીજી તરફ, સાંસ્કૃિતક પ્રવૃત્તિઅો મજબૂત બનવા લાગી. તેમાં ચર્ચાસભા, સંગીત અને નાટકને કેન્દ્રગામી સ્થાન મળવા લાગ્યું. જયંતભાઈ કારિયા, મનસુખભાઈ ત્રિવેદી તેમ જ કેટલેક અંશે અમૃત ગજ્જર તેમ જ જયન્ત ભાવસાર તેમાં પૂરેવચ્ચ રહ્યા.     

અા લવરમૂછિયાને કુટુંબીઅોમાં અને મિત્રવર્તુળમાં, સૌ કોઈ બચુભાઈના હૂલામણા નામે જાણે. અાશરે 16 માઈલના અંતરે, કમ્પાલા પાસેના એક નાના ગામડે - મુકોનોમાં - તુલસીદાસભાઈનો જન્મ 22 અૉગસ્ટ 1922ના રોજ થયો હતો. એમના માતા દિવાળીબહેન અને પિતા રૂગનાથ જેરાજ માણેક. ગુજરાતના હાલ જામનગર જિલ્લામાં અાવ્યા જામજોધપુરના એ મૂળ વતની. અા દંપતીનું એ સૌથી વડેરું સંતાન. એમના ઉપરાંત દંપતીને પ્રભુદાસભાઈ (બાબુભાઈ), શાન્તાબહેન, પ્રાણલાલભાઈ (છોટુભાઈ), શારદાબહેન, રમેશભાઈ, દિનેશભાઈ તથા ઇન્દુબહેન નામે સંતાનો હતાં. … ખેર !

પ્રભુદાસ માણેકના જણાવ્યા અનુસાર, ગણતરીના ગાળામાં ‘યુવક સંઘ’ યુગાન્ડાની અને તેમાં ય ખાસ કરીને કમ્પાલાની એક ગૌરવવંતી અગ્રગણ્ય સંસ્થા બની ગઈ. પુસ્તકાલય સહિતની અા તમામ સાંસ્કૃિતક પ્રવૃત્તિઅોને સારુ એક કાયમી મથક હોય, તેમ તુલસીદાસભાઈને સબળ અોરતા. અને તેને ચરિતાર્થ કરવાને સારુ એમને ન જોયા દિવસ, ન જ જોઈ રાત. સંસ્થાના કલ્યાણ સારુ એમણે લાંબા કલાકો અાપવાના રાખ્યા. … અને તેને કારણે શરીર પર તેના શેરડા દેખાવા લાગ્યા. હવે શરીર ઝાઝું ખમી શકે તેમ હતું નહીં અને સારવાર અર્થે એમને હિંદુસ્તાન મોકલવાનું પરિવારે નક્કી કર્યું. પરિણામે, એમણે પોતાની જવાબદારીઅોનો હવાલો જયંતભાઈ કારિયાને સુપ્રત કર્યો.

પિતા, રૂગનાથભાઈ માણેકે, અભૂતપૂર્વ કહી શકાય તેમ, જ્યેષ્ઠ પુત્રની માંદગી તેમ જ તે પછીની પીડાકારી પરિસ્થિતિ અંગે વિગતે બ્યાન કર્યું છે. રૂગનાથભાઈએ તુલસીદાસભાઈની બાળ વયે થયેલા ન્યૂમોનિયા(કફજ્વર)ના દરદની વિષદ વિગતો ય અાપી છે. પિતા લખે છે : ‘બાલ્યાવસ્થામાં, પોણા બે વર્ષની ઉંમરમાં, નિમોનિયાની બીમારીમાં પટકાઈ પડેલ ત્યારે કુદરતે યારી અાપી તેની જીવનયાત્રા લંબાવી માતાપિતાની મીઠી છાયા તળે લાડકોડમાં ઉછરેલ તુલસીદાસે બાલપણમાં પાંચ વરસ પસાર કરી શિક્ષણ લેવાની શરૂઅાત કરી.’ રૂગનાથભાઈનો ગુજરાતી ભાષા પરનો કાબૂ પોરસાવે છે. અા સમગ્ર લખાણ અંગત, પારિવારિક હોવા છતાં તર્કની એરણે પાર પડે તેવું છે. એમણે સતત સમથળ રહેવાનું ઉચિત માન્યું હોય, તેવી છાપ અા લખાણમાં સતત ઝવતી જોવા સાંપડે છે.

1928ની શરૂઅાતમાં, કમ્પાલા ઇન્ડિયન એસોસિયેશનના અાશરા હેઠળ ચાલતી ‘ઇન્ડિયન પબ્લિક સ્કૂલ’માં કિશોર તુલસીદાસને દાખલ કરવામાં અાવેલા. બરાબર કાળજીપૂર્વક અભ્યાસ કરી લીધા બાદ, 1930માં નાઇરોબીમાં સ્થપાયેલા ‘શ્રદ્ધાનંદ બ્રહ્મચર્ય અાશ્રમ’માં નજીવો સમય પસાર કરી, ગુજરાતના ભાવનગર પાસે અાવેલા સોનગઢના અાર્ય ગુરુકૂળમાં એમણે અભ્યાસ અાદર્યો. થોડો વખત જામજોધપુરમાં ય શિક્ષણ લીધું અને 1938 વેળા એ કમ્પાલા પાછા ફરેલા.

અાપણે અાગળ જોયું તેમ, જયંતભાઈ કારિયાને હવાલો સુપ્રત કરીને તુલસીદાસ માણેકને, સન 1945ના અરસામાં, સારવાર સારુ મોકલવાનું નક્કી થયું, ત્યારે ‘યુવક સંઘ’ હેઠળ, કમ્પાલા ખાતે, એક જાહેર દબદબાભર્યો વિદાય સમારોહ યોજવામાં અાવેલો. વેપારવણજના અાગેવાનો, સામાજિક, ધાર્મિક સંસ્થાઅોના અગ્રેસરો, સુધરાઈ સભ્યો, સરકારી અાગેવાનો સહિતના તે મેળાવડામાં વક્તાઅોએ ઉમળકાભેર તુલસીદાસભાઈના કર્તૃત્વને બીરદાવી જાણેલી. એમની અદ્વિતીય સેવાની નોંધ લઈને એક માનપત્ર પણ એનાયત કરવામાં અાવ્યું હતું. અાવડી નાની વયે અાવું માનપત્ર મેળવનાર એ પહેલવહેલા જ યુવાન હતા, તેમ જાણકારોનું કહેવું છે.

ભાવિની ગર્તામાં શું પડ્યું છે તે ક્યાં કોઈને ખબર હતી ? … પોતાની માંદગીની સારવાર સારુ તુલસીદાસભાઈને મુંબઈ - પૂણેની દક્ષિણે અાવેલા મિરજ ખાતે સારવાર સારુ લઈ જવાનું ગોઠવાયું. અને પછી બાપીકા વતન જામજોધપુર, જ્યાં, એમણે 27 જાન્યુઅારી 1947ના રોજ દેહ છોડ્યો. ત્યારે એમનું વય માત્ર 24 વર્ષનું જ હતું. 

તુલસીદાસભાઈના અકાળે નિધનને લીધે, કમ્પાલાના જાહેરજીવનમાં અને ખાસ કરીને ‘યુવક સંઘ’માં જાણે કે સોપો પડી ગયો. યુગાન્ડાના લોહાણા મહાજને તેમ જ યુવક સંઘે તાત્કાલીક શોકસભાઅો યોજી અા દિવંગત યુવા અાગેવાનને શ્રદ્ધાંજલિ અર્પી. એમની સ્મૃિતમાં સંઘે થોડા દિવસ પોતાની સઘળી પ્રવૃત્તિઅો સ્થગિત કરીને ય નિવાપાંજલિ અાપી. યુવક સંઘનું જ્યારે ઉચિત ભવન બાંધવામાં અાવે તે વેળા તેના સભાખંડને ‘તુલસીદાસ માણેક સ્મૃિત ખંડ’ નામ અાપવાનો પણ જાહેરમાં ઠરાવ કરવામાં અાવેલો. જો કે, વિપરિત પરિસ્થિતિઅોને કારણે અા યોજના અમલી બની શકી નહોતી.

પોતાની અથાગ સેવાઅોને કારણે, સમાજમાં અને સરકારમાં જે માનમરતબો મેળવાયો હતો, તેને કારણે અૉલ્ડ કમ્પાલાના એક જાહેર રસ્તા પરે સંઘ સારુ ઉચિત મકાન બંધાવી શકાય તેને સારુ જમીનનો એક ટૂકડો સરકાર પાસેથી મેળવવાને તુલસીદાસ માણેક સફળ રહ્યા હતા. ત્યાં એક વિશાળ સભાગૃહ બંધાવવાના એમને અોરતા હતા.

વારુ, … જાહેર અાગેવાનો, સરકારી અધિકારીઅો અને પોતાના નજીકના અનેક સાથીસહોદરોએ દવંગત તુલસીદાસભાઈને દિલ ભરીને અંજલિઅો અાપેલી. તેમાં જયંતભાઈ કારિયા, કવિ ડાહ્યાભાઈ અા. પટેલ, ઘનશ્યામભાઈ અાર. પટેલનો સમાવેશ હતો. એ દરેકે અા ખોટને જીરવવી અઘરી બનવાની છે, તેમ કહ્યું હતું.

પોતાના દિલોજાન મિત્ર તુલસીદાસને સ્મરણાંજલિ અાપતું એક સૉનેટ કાવ્ય, શિખરિણી છંદમાં, કવિ ડાહ્યાભાઈ પટેલે લખેલું. તે પ્રસ્તુત છે :

અમારા મિત્રોના ઉપવન મહીં સૌરભ ભર્યું,

હતું તું તો પ્યારું રસભર મૃદુ પુષ્પ હસતું;

અમોને પ્રેરતું રજનીદિન કર્તવ્ય કરવા,

સુકાતી ઊર્મિને સિંચન કરતું પ્રેમ ઝરણું.

સખા ! શક્તિથી તું સભર વળી શી બુદ્ધિધીમતા,

હતી તારી પાસે જીવન પથ સાચો સૂચવવા;

કરી સેવા તેં તો તન મન અને સ્નેહધનથી

અહા યોગીઅોને પણ અગમ, નિસ્વાર્થ હૃદયે.

 

અરેરે શેં પ્યાસ ! પ્રણયભર મૈત્રિ સકલ અા,

અમારાં હૈયાંની વિસરી દૂર ચાલ્યો, ક્રૂર બની.

વહી ચાલ્યો કિન્તુ દરદ દિલમાં હા વિરહનું

અને મીઠ્ઠી મોંઘી સ્મરણ સુરભિ તું દઈ ગયો.

ભલે પ્યારા ચાલ્યો જગત કદિકેય છો વિસરતું

અમારાં હૈયાંમાં પણ અમર થૈ તું રમી રહ્યો.
   

("અોપિનિયન", 26 માર્ચ 2013)

Category :- Profile