PROFILE

દાદાને ગયાને આજે સાત વર્ષ પૂરાં થયાં, અને સાત વર્ષમાં દાદા ખૂબ યાદ આવતા રહ્યા. આ સાત વર્ષોમાં ફરક એટલો પડ્યો કે, પહેલાં દાદા અમને ઘણી વાર્તાઓ કરતા, અને હવે, અમે અમારા નાનકાઓને દાદાની વાર્તાઓ કરીએ છીએ. અમારાં જીવનમાં એ વાર્તાઓ પણ અકબંધ છે અને દાદા પણ!

અમારા ઘરમાં અમારી બા અત્યંત પ્રભાવક વ્યક્તિ, એટલે બાના વ્યક્તિત્વની નીચે દાદા હંમેશાં કચડાતા રહ્યા. એમ કહી શકાય કે દાદા અંડરરેટેડ રહ્યા ... પણ દાદાએ એ બાબતે ન તો ક્યારે ય ફરિયાદો કરી કે નહીં એમણે પોતાનું પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કર્યો. એવું અનેક વખત બન્યું છે કે, અમારા પાંચ ભાઈ-બહેનોમાંથી કોઈએ કોક વખત દાદા પ્રત્યે વધુ સ્નેહ દાખવ્યો હોય કે એમની તરફદારી કરી હોય તો બા વિરોધ નોંધાવે કે, 'તમને દેહું તમારા બપાવા વતી બો લાગી આવતું ..' પણ જો અમે બધા મોટેભાગે બા તરફી હોઈએ ત્યારે દાદા ક્યારે ય એવો વિરોધ નહીં નોંધાવે. કદાચ એટલે જ અમે બધા 'બાવાદીઓ' હોવા છતાં અમારા બાળપણની શ્રેષ્ઠ યાદો દાદા સાથે સંકળાયેલી છે.

તસવીરમાં ઊભી છે એ હીરલ દેસાઈ, દાદાના ખોળામાં હું અને બાના ખોળામાં કેયૂર દેસાઈ

દાદા સાથે વીતાવેલો શ્રેષ્ઠ સમય એટલે અમારા ઉનાળું વેકેશનો. ઉનાળા માટે ડોસો ખાસ પાટીવાળી એક ખાટલી ઓટલા પર રાખી મૂકતો. અને સાંજે કેરીના રસ સાથે કાંદા-કાકડીના પૂડા અથવા વડા કે ઢોકળાં ઝાપટીને ચોકમાં ખાટલી ઊતારી પાડતો. દાદા ચોકમાં આડા પડે એટલે અમે બધા પણ એમની આસપાસ જ્યાં મેળ પડે ત્યાં ગોઠવાઈએ અને દાદા પાસે, 'દાદા કોઈ જૂની વાતો કરો ...'ની ફરમાઈશ કરીએ. ફરમાઈશને માન આપી એક તરફ દાદા કોઈ વાતની શરૂઆત કરે અને સાથે સભાપતિ મહોદય અમારી બા એની એક્સ્ટ્રા કમેન્ટરી શરૂ કરે. ઇન્દિરા ગાંધીથી લઈ મોરારજી દેસાઈ અને વર્ષો પહેલાં મરી ગયેલા અમારા કોઈ મારકણા બલ(બળદ)થી લઈ ગામમાં આવેલાં પૂર સુધીની વાતો આભની નીચે સૂતા સૂતા થતી રહે. દાદાના બાપુજીએ સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપેલું, એટલે એમના બાપાની વાતો કરતી વખતે કે મોરારજીની વાતો કરતી વખતે એમનું ગળું ભીનું થઈ જાય. અને આ બધામાં ક્યારેક ડોસો પોતે ઉપજાવી કાઢેલી ખોટી વાતો પણ કરી નાંખે એટલે બા દાદાને ટોકી કાઢે, 'કાય હારો પોયરાએ હો જૂઠું બોલ્યા કરે ... હારો જૂઠ્ઠો તદન ....'

બા અને દાદાની કોઈ વાતે કચકચ થાય તો અમે પાંચ બંને પક્ષે વહેંચાઈ જઈએ અને બંને પક્ષે ઘાસતેલ છાંટીએ. બાનું મગજ જાય એટલે ગાળો સાથે ધાણીફૂટ વાક્યોપ્રયોગો થતાં રહે અને સામે છેડે દાદા માત્ર ‘ઉંમમમમમ’ જેવો ઊંહકારો કરીને કે ‘હા રે હા ભાઈ…’માં જવાબ આપે. બા-દાદાની લડાઈમાં મજા એ વાતની આવે કે, બા જે વાતને સવાલ કે આક્ષેપરૂપે રજૂ કરે એ જ વાતને દાદા જવાબમાં રજૂ કરે. એક-બે ઉદાહરણો જોઈએ તોઃ

‘કોણ જાણે મૂઓ કાંથી મારે કપાળે ચોટેલો?’ બાનો સવાલ.

‘હા રે હા ભાઈ, ઉં તારે કપાળે ચોટેલો …’ દાદાનો જવાબ.

‘આ મૂઆ હાથે તો મેં જ જિંદગી કાયળી …’ બાનો આરોપ.

‘હા રે હા ભાઈ, તેં જ મારી હાથે જિંદગી કાયળી …’ દાદાનો જવાબ.

જો કે આટલી બધી લડાઈઓ અને એકબીજાંના સ્વભાવમાં અત્યંત વિરોધાભાસ હોવા છતાં એ બંનેનો એકબીજાં પ્રત્યેનો પ્રેમ અને આદર અત્યંત ઊંડો અને ઉત્કટ. બાનો એ અફર નિયમ કે, એ ભલે દાદાને કંઈ પણ કહે, પરંતુ અમારામાંથી જો કોઈએ ડોસા સાથે ઉદ્ધતાઈથી વાત કરી તો બા એની છાલ ઉતરડી નાંખે.

દુનિયાદારીના સામાન્ય નિયમો દાદાએ ક્યારે ય નહીં પાળ્યા. સંગ્રહ કરી લ્યો કે નાનાંમોટા સ્વાર્થને ખાતર સ્વજનોનો દગો કરો કે સાવ તુચ્છ વાતો માટે ઓટલે બેસીને કાવતરા કરતા રહો જેવા અનાવલા સ્વભાવથી દાદા હંમેશાં છેટાં રહ્યા. વાડી કે રસ્તાના અનેક કાગળિયા માત્ર દાદાને નામે હતા, પણ કોઈની એવી તાકાત સુદ્ધાં નથી કે, એવો આક્ષેપ પણ કરે કે, મારા દાદાએ કોઈના હકનું ખાધું હોય! સારા અને નિરુઉપદ્રવી માણસને દુનિયા નબળો માણસ જાહેર કરતી હોય છે એ હું મારા દાદાના ઉદાહરણ પરથી જ શીખ્યો છું!

જીવનભર મારા ડોસા માટે એ ભલો અને સિઝન પ્રમાણેનો એનો ખોરાક ભલો રહ્યો. શિયાળો ચાલુ થાય એટલે ડોસાને વડી, ખીચું પાપડી, ઉબાિળયું કે ઊંધિયું જોઈએ. ડિસેમ્બરમાં લાલ વાલની પાપડી સો રૂપિયા કિલો હોય ત્યારથી ખાવાનું શરૂ કરે તે છેક માર્ચ મહિના સુધી એ ખાય. માર્ચ બેસે ત્યારથી કેરીની ચટણી ખાવાની શરૂ, અને મે-જૂનના મહિનાઓમાં કેરી અને રસની રમઝટ જમાવે. ઉનાળામાં મળસકે પાંચ વાગ્યે ઊઠીને કેરી ખાનારો દુનિયામાં નહીં જડે, પણ મારા દાદાનો અનાવલો જીવ મળસકે ય લહેરથી કેરી ખાઈ જાણે! તો ચોમાસું જાત-જાતની ભાજીઓ, પાનકી અને પાતરાથી વીતે. અધૂરામાં પૂરું અનાવલી વાનગીઓ પર બાની પણ હથોટી એટલે ડોસો સિઝન સિઝને બજારમાંથી બધું લેતો આવે અને બા બબડતી બબડતી બનાવી આપે. કોઈક વાર બા નનૈયો ભણી દે તો દાદા અમને ડિપ્લોમેટ તરીકે બા પાસે મોકલે અને ખાવા બાબતે અમારી કોઈ ફરમાઈશ હોય એટલે બા હોંશેહોંશે બનાવે.

દાદાએ અમને પ્રત્યક્ષરૂપે એવું ક્યારે ય નથી કહ્યું પણ એમના જીવન પરથી હું એટલું શીખ્યો છું કે, જીવનમાં અમુક ગણતરી ક્યારે ય નહીં કરવી અને હંમેશાં ગમતું જ કરવું.

બાને હંમેશાં એવી ઈચ્છા હતી કે, દાદા પહેલાં મૃત્યુ પામે અને એ પછી જાય. મજાક મજાકમાં તે એવું પણ કહેતી કે, ‘મને એવી ઈચ્છા છે કે, દાદા જાય ત્યારે તમે ચોતરા પરથી રડતા આવે અને મને ભેટી પડે …’ દાદા એની પેટર્ન સ્ટાઇલમાં જવાબ પણ આપતા કે, ‘હા રે હા ભાઈ હું પેલા જાવા … પછી તું મજા કરજે…’

જો કે 2009મા દાદા પડી ગયા અને થાપાનું હાડકું ખસી ગયું, ત્યારથી એમને ખાટલો આવ્યો અને મહિનાઓ સુધી તેઓ ચાલી નહીં શક્યા. દાદાની ચાકરીમાં બા ધીમે ધીમે તવાઈ ગઈ અને માંદી પડી ગઈ. એક સવારે એ અમને અલવિદા કહીને નીકળી પણ ગઈ અને અમે ચોતરાએથી પોક મૂકતા દાદાને બાઝી પડ્યા. આંખ મીંચીને સૂતેલી બાને ફરિયાદ કરેલી કે, ‘અમારા અપંગ દાદાને મૂકીને કેમ ચાલતી થઈ? હવે અમારા દાદાનું કોણ?’

એ માંદી હતી ત્યારે એણે કીધેલું પણ કે, ‘આ મૂઓ મને ઉપર પણ ઠરવા દેવાનો નથી.’ બાને ત્યારે ય ખબર હતી કે, એના વિના દાદા એક વર્ષ પણ આખું નહીં જીવી શકે. આખરે થયું પણ એવું જ. બાને ગયાને હજુ તો અગિયાર મહિના થયા હતા, ત્યાં દાદાએ પણ એમનો ડાયરો સંકેલી લીધો અને એમને ગયાને આજે પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં. બા અને દાદા બંને બાબતે મને એવો વસવસો ખરો કે, બંને પાંચેક વર્ષ વધુ જીવ્યાં હોત તો લીલી-વાડી અને દેવ જેવા પાંચ નાના દીકરા (ચીકુ + દ્રવ્ય + વત્સ + અથર્વ + સ્વર)ને જોઈને ગયા હોત. એમના પાંચ બાળકોને પોતાની આવડતથી 'સ્વબળે' પોતપોતાના ક્ષેત્રોમાં આગળ વધતા જોવાનું થાત તો બંનેના જીવને ખૂબ આનંદ થાત ...

જો કે મરણ જેને દૂર કરી ગયું, એ સ્વજન સ્મરણમાં હજુ ય એવું જ અકબંધ છે. આજે ય ક્યારેક સો-બસોનું છૂટું ગણવામાં ગોથું ખાઈ જવાય તો મલકી પડાય છે કે, ડોસાનો વારસો હજુ જાળવી રાખ્યો છે. કેરીગાળો શરૂ થાય ત્યારથી ડોસાની યાદ આવે છે અને રોજ એક કેરી ઈરાદાપૂર્વક વધુ ખાઉં છું કારણ કે, ડોસાને કેરી બહુ ભાવતી!

મમ્મીને ઘણી વાર ટોણા પણ મારું છું કે, પાતરાં ને પાનકી તો ૨૭ ડિસેમ્બરે ડોસાની સાથે જ ગયા કેમ? ગાંધી ટોપી અને કફની-ધોતીમાં સજ્જ કોઈ ડોસો એક હાથમાં થેલી અને બીજા હાથમાં ધોતિયાનો છેડો પકડીને ઉતાવળી ચાલે જતો હોય તો ભલભલું કામ પડતું મૂકીને એ ચહેરામાં દાદાનો ચહેરો જોવા મથું અને ઝૂરું છું કે, કાશ! આ ડોસો મારા દાદા હોત. જો કે દાદા નામનો એ ડોસો હવે એના ચહેરા પરનું સ્મિત અકબંધ રાખીને છેલ્લાં સાત વર્ષથી અમારા ઘરની દીવાલો પર તસવીર બનીને ઝૂલી રહ્યો છે અને અમારા દિલમાં પણ!

https://www.facebook.com/ankit.desai.923/posts/10205487626305958  

Category :- Profile

પાંચ સવાલ, જવાબ એક

દીપક મહેતા
01-12-2018

પાંચ સવાલ:

૧. ૧૮૫૭માં સ્થપાયેલી યુનિવર્સિટી ઓફ બોમ્બેની પહેલવહેલી સ્ત્રી-ગ્રેજ્યુએટ કોણ?

૨. અમદાવાદની ગુજરાત કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે નીમાનાર પહેલી બિન-અંગ્રેજ સ્ત્રી કોણ?

૩. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરનાર પહેલી સ્ત્રી કોણ?

૪. ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ પૂરો કર્યા પછી જેને ન તો ડિગ્રી અપાઈ કે ન તો વકીલાત કરવાની પરવાનગી અપાઈ – એવી એક સ્ત્રી તે કોણ?

૫. સાડી પહેરીને ગ્રેટ બ્રિટનની મહારાણીની મુલાકાત લેનાર પહેલી સ્ત્રી કોણ?

સવાલ પાંચ, પણ જવાબ તો એક જ છે. આ અને બીજાં અનેક ક્ષેત્રોમાં પહેલ કરનારી સ્ત્રી તે કોર્નેલિયા સોરાબજી.

આવી એક અનોખી સ્ત્રી વિષે જરા વિગતે વાત: ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના થઇ ત્યારે એ અંગેના કાયદામાં બધે જ વિદ્યાર્થી માટે ‘હી’નો પ્રયોગ થયો હતો. એટલે કોઈ પણ સ્ત્રી મેટ્રિકની પરીક્ષા ય આપી શકતી નહોતી. (એ વખતે મેટ્રિકની પરીક્ષા યુનિવર્સિટી લેતી હતી.) ૧૮૭૫માં બેળગાંવના પોસ્ટ માસ્તરે યુનિવર્સિટીને પત્ર લખી પૂછાવ્યું કે મારી દીકરી ફીરોઝા મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહિ? જવાબ મળ્યો: ના. કારણ? કારણ પેલો કાયદામાં વપરાયેલો ‘હી’. પોસ્ટ માસ્તરે અને તેની દીકરીએ વાત પડતી મૂકી. પણ યુનિવર્સિટીની સિન્ડિકેટના કેટલાક સભ્યો જ આ વાતથી નાખુશ હતા. તેમણે આઠ વર્ષ સુધી કાયદામાં ફેરફાર કરાવવા માટે પ્રયત્નો કર્યા. છેવટે કાયદામાં એક નવી કલમ ઉમેરવામાં આવી: ‘જો તેમની ઈચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે.’ જાણે આવી તકની રાહ જોઇને જ બેઠી હોય તેમ પૂનાની એક છોકરીએ તરત જ પોતાનું નામ ડેક્કન કોલેજમાં નોંધાવ્યું. ડિસેમ્બર ૧૮૮૭ની બી.એ.ની પરીક્ષા તેણે પહેલા વર્ગમાં પાસ કરી અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. યુનિવર્સિટી ઓફ બોમ્બેની જ નહિ, આખા પશ્ચિમ ભારતની તે પહેલી ગ્રેજ્યુએટ સ્ત્રી. કોર્નેલિયા સોરાબજી. યુનિવર્સિટી ઓફ બોમ્બેના જે કોન્વોકેશન હોલમાં તેમને ડિગ્રી મળી હતી તે જ કોન્વોકેશન હોલમાં બરાબર સો વર્ષ પછી, ૧૯૮૮માં, કોર્નેલિયા સોરાબજીનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું.

બી.એ.ની ડિગ્રી તો મળી. પણ પછી શું? અમદાવાદની ગુજરાત કોલેજમાં સરકારે ‘ટીચિંગ ફેલોશિપ’ની ઓફર કરી. પણ છોકરીઓના શિક્ષણ માટે કામ કરવાનો ઈરાદો હતો એટલે પહેલાં તો એ ઓફર નકારી. પણ પછી વિચાર આવ્યો કે એક છોકરીના હાથ નીચે ભણવાથી છોકરાઓનું પણ ભલું થશે, એટલે ઓફર સ્વીકારી. ત્યાં જઈ પ્રિવિયસ અને બી.એ.નો અભ્યાસ કરતા છોકરાઓને (એ વખતે કોઈ છોકરી ત્યાં ભણતી નહોતી.) અંગ્રેજી ભણાવ્યું. જોડાયા પછી ત્રણ મહિને તેમની નિમણૂંક અંગ્રેજીના પ્રોફેસર તરીકે કરવામાં આવી. અગાઉ આ જગ્યાએ કોઈને કોઈ બ્રિટિશરની જ નિમણૂક થતી. એટલે કોર્નેલિયા પહેલાં બિન-બ્રિટિશ અધ્યાપક બન્યાં.

પણ એટલાથી સંતોષ નહોતો કોર્નેલિયાને. વધુ અભ્યાસ કરવા માટે ગ્રેટ બ્રિટન જવું હતું. હિન્દુસ્તાનની બ્રિટિશ સરકારની એક સ્કોલરશિપ માટે અરજી કરી. જવાબ મળ્યો કે તમે બધી જ લાયકાત ધરાવો છો, પણ આ સ્કોલરશિપ માત્ર પુરુષો માટે જ છે, એટલે તમને તે આપી શકાય તેમ નથી. હવે? ૧૮૮૯ના જૂન ૧૨ના અંકમાં ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'એ આર્થિક સહાય માટે જાહેર અપીલ કરી. તેને સારો એવો પ્રતિસાદ મળ્યો. પોતાની ૬૦ પાઉન્ડની બચત તો હતી જ. ચાલો લંડન! ઓક્સફર્ડની સમરવિલ કોલેજમાં કાયદાનો અભ્યાસ કરવા. ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કરનારી કોર્નેલિયા પહેલી જ સ્ત્રી હતી. એટલે મુશ્કેલીઓ તો ઘણી વેઠવી પડી. બેચલર ઓફ સિવિલ લોઝની પરીક્ષા આપવાનો વખત આવ્યો ત્યારે યુનિવર્સિટીના સત્તાવાળાઓ કહે કે છોકરાઓની સાથે બેસીને પરીક્ષા નહિ આપી શકાય! અલગ રૂમમાં એકલાં બેસીને પરીક્ષા આપવી પડશે. આ વાતનો કોર્નેલિયાએ ઉગ્ર વિરોધ કર્યો. છેવટે વાઈસ ચાન્સેલર વચમાં પડ્યા અને યુનિવર્સિટીએ નમતું જોખ્યું. છોકરાઓ સાથે જ બેસીને પરીક્ષા આપી.

પરીક્ષામાં પાસ થવા છતાં કોર્નેલિયાને ડિગ્રી અપાઈ નહિ! અને વકીલાત કરવાની મંજૂરી પણ ન મળી. કેમ? કારણ ૧૯૧૯ પહેલાં ઇન્ગલંડમાં કોઈ સ્ત્રી બેરિસ્ટર બની શકતી નહિ. છતાં લી એન્ડ પેમ્બર્ટન નામની સોલિસિટરની કંપનીમાં તાલીમ લેવા જોડાયાં. પણ ફરી સોલિસિટર માટેની પરીક્ષા વખતે બારણાં બંધ! સ્ત્રીઓને પહેલી વાર બારની મેમ્બરશિપ અપાઈ તે પછી, ૧૯૨૩માં કોર્નેલિયા લિન્કન્સ ઇનનાં મેમ્બર બન્યાં. ગ્રેટ બ્રિટનના લોકો હવે કોર્નેલિયાને ‘ન્યૂ વુમન ફ્રોમ ઇન્ડિયા’ તરીકે ઓળખવા લાગ્યા.

વધતાં વધતાં કોર્નેલિયાની નામના રાણી વિક્ટોરિયા સુધી પહોંચી. એટલે રાણીએ મુલાકાત માટે આમંત્રણ આપ્યું. પણ રાણીના અધિકારીઓને કોર્નેલિયાએ કહ્યું કે રાણીસાહેબાને મળવા તો હું જરૂર આવું, પણ એક મુશ્કેલી છે: મુલાકાત વખતે હું પશ્ચિમી ઢબનો પોશાક નહિ પહેરું. મારા દેશના રિવાજ પ્રમાણે સાડી જ પહેરીશ. ‘નહિ રાણીજીનો હુકમ પણ પાછો કદિ ફરે’ એ નિયમથી ટેવાયેલા અધિકારીઓ મૂંઝાયા. શું કરવું? થોડી હિંમત કરી રાણીસાહેબાને કાને વાત નાખી. ઉદારતા અને સૌજન્યપૂર્વક મહારાણી વિક્ટોરિયાએ સંદેશો મોકલ્યો કે તું તારા દેશનો પોશાક પહેરીને આવે તેનો મને વાંધો નથી. આ સંદેશો પહોંચાડતી વખતે અધિકારીઓએ દબાતે અવાજે એક અરજ કરી: ‘આપ રોજ પહેરો છો તેવી સફેદ સાડી નહિ, પણ રંગીન સાડી પહેરો તો સારું. કોર્નેલિયાએ આ વાત સ્વીકારી અને પીળાશ પડતા ગુલાબી રંગની સાડી પહેરીને મહારાણીને મળવા ગયાં.

૧૮૯૪માં કોર્નેલિયા હિન્દુસ્તાન આવવા નીકળ્યાં. તે જ સ્ટીમરમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પણ મુસાફરી કરી રહ્યા હતા. કોર્નેલિયાનો પરિચય થતાં ગાયકવાડે પોતાના રાજ્યમાં બધે ફરી શિક્ષણ અંગેની ‘બ્લુ-બુક’ તૈયાર કરવા આમંત્રણ આપ્યું. આમંત્રણ સ્વીકારી સ્વદેશ પાછા ફર્યા પછી કોર્નેલિયાએ તે કામ કરી આપ્યું. સ્વદેશ પાછા ફર્યા પછી કોર્નેલિયાએ એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી. પણ દેશની હાઈકોર્ટોમાં પ્રેક્ટિસ કરવાની પરવાનગી મળી નહિ. કારણ? કારણ તે સ્ત્રી હતી. જો કે, ૧૯૦૪માં બંગાળ, બિહાર, આસામ, અને ઓરિસ્સાનાં રાજ્યો માટે પરદાનશીન સ્ત્રીઓને કાનૂની સલાહ આપવા માટે સરકારે ‘પરદાનશીન સલાહકાર’ તરીકે તેમની નિમણૂંક કરી. પહેલાં તો કચવાતે મને આ કામ સ્વીકારેલું, પણ પછી એટલું તો પસંદ પડી ગયું કે પૂરાં ત્રીસ વર્ષ સુધી તેઓ આ પદ પર રહ્યાં.

આ કામને કારણે સ્ત્રીઓના જીવનની જાતભાતની વાતો જાણવા મળતી. તેને આધારે કોર્નેલિયાએ કથાઓ લખવાનું શરૂ કર્યું. આ કથાઓ બ્રિટન અને અમેરિકાનાં સામયિકોમાં પ્રગટ થઇ. પછીથી તે પુસ્તકાકારે પણ પ્રગટ થઇ: લવ એન્ડ લાઇફ બીહાઈન્ડ ધ પરદા (૧૯૦૧), બિટવીન ધ ટવાઈલાઈટ્સ (૧૯૦૮) અને પરદાનશીન (૧૯૧૭). ૧૯૨૯માં કાનૂની સલાહકારના પદેથી નિવૃત્ત થયા પછી કોર્નેલિયાએ બીજાં બે પુસ્તકો પ્રગટ કર્યા: ઇન્ડિયા કોલિંગ (૧૯૩૪) અને ઇન્ડિયા રિકોલ્ડ (૧૯૩૬). આ ઉપરાંત પોતાનાં માતા-પિતા અંગેનાં સંસ્મરણોનું પુસ્તક ધેરફોર: એન ઇમ્પ્રેશન ઓફ સોરાબજી ખરસેતજી લંગડાના એન્ડ હીઝ વાઈફ ફ્રાંસીના (૧૯૨૪) તથા પોતાની બહેન અને શિક્ષણશાસ્ત્રી સુસી સોરાબજીનું જીવનચરિત્ર સુસી સોરાબજી: ક્રિશશ્ચન પારસી એજ્યુકેશનિસ્ટ ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા (૧૯૩૨) પણ તેમણે લખ્યું છે.

હિન્દુસ્તાનની સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી કોર્નેલિયાએ બ્રિટનમાં કાયમી વસવાટ કરવાનું મુનાસીબ માન્યું. નિવૃત્તિ પછી બ્રિટન અને અમેરિકામાં તેમણે હિન્દુસ્તાન વિષે સંખ્યાબંધ ભાષણો પણ આપ્યાં. એ વખતના બીજા ઘણા લોકોની જેમ કોર્નેલિયા પણ હિન્દુસ્તાન પરના અંગ્રેજ રાજને ઈશ્વરનો ઉપકાર માનતાં હતાં, અને તેથી દેશની આઝાદી માટેની લડત પ્રત્યે તેઓ ક્યારે ય સહાનુભૂતિ ભરી નજરે જોઈ શક્યાં નહિ. ૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી લંડનમાં હતા ત્યારે કોર્નેલિયાએ તેમની લાંબી મુલાકાત લીધી હતી અને અંગ્રેજો અને તેમની રાજવટ અંગે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. આ મુલાકાતનો વિસ્તૃત અહેવાલ લખીને બોસ્ટનથી પ્રગટ થતા ધ એટલાંટિક મન્થલીના એપ્રિલ ૧૯૩૨ના અંકમાં કોર્નેલિયાએ પ્રગટ કર્યો હતો. તે વાંચતાં જણાય છે કે આ મુલાકાત પછી પણ કોર્નેલિયાના મનનું સમાધાન થયું નહોતું. ગાંધીજી અને આઝાદી માટેની તેમની લડતથી ઉફરા ચાલવાને કારણે તે વખતે તેમ જ દેશને આઝાદી મળી તે પછી પણ કોર્નેલિયાના કામની જોઈએ તેટલી નોંધ લેવાઈ નહિ. આનો અર્થ, અલબત્ત એવો નથી કે તેઓ પોતાના દેશને કે દેશવાસીઓને ચાહતાં નહોતાં. બ્રિટનમાં સ્થાયી થયા પછી પણ તેમણે કાયમ પારસી ઢબે સાડી પહેરવાનું ચાલુ રાખ્યું હતું. તેમની વિચારણામાં જરથુસ્તી ધર્મ, હિંદુ ધર્મ, અને ખ્રિસ્તી ધર્મનાં ઉત્તમ તત્ત્વોનો સમન્વય જોવા મળતો હતો.

૧૯૪૪થી તબિયત લથડવા લાગી. અંધાપાની સંભાવનાથી કોર્નેલિયા આકુળવ્યાકુળ થઇ ગયાં. અમેરિકા જઈને મેરીલેન્ડની પ્રખ્યાત હોસ્પિટલમાં આંખનું ઓપરેશન પણ કરાવ્યું. છતાં આંખનું અજવાળું આથમવા લાગ્યું. તેમાં વળી સ્મૃતિલોપ અને ચિત્તભ્રમની તકલીફ ઉમેરાઈ. ૧૯૪૯ સુધીમાં તો આ બિમારી એટલી વણસી કે તેમને ગાંડાઓ માટેની હોસ્પિટલમાં દાખલ કરવા પડયાં. છેવટે ૧૯૫૪ના જુલાઈની ૬ઠ્ઠી તારીખે કોર્નેલિયા સોરાબજીનું અવસાન થયું.

હવે છેલ્લી એક વાત: કોર્નેલિયાના પિતા ખરસેતજી લંગડાના મૂળ તો પારસી-ગુજરાતી, પણ પછી તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો. માતા ફ્રાન્સીના મૂળ હિંદુ, પણ એક બ્રિટિશ દંપતીએ તેને દત્તક લઈને ઉછેરી હતી. પણ પોતાના બાળપણનાં સંસ્મરણોમાં કોર્નેલિયાએ લખ્યું છે કે તે નાની હતી ત્યારે ઘરમાં ગુજરાતી ભાષાનું ચલણ હતું. નાશિકમાં જન્મ અને પુણેમાં વસવાટ, એટલે મરાઠીથી પણ ઘરોબો. ઘણાં પારસી કુટુંબોની જેમ રહેણીકરણી, ખાણીપીણી પશ્ચિમનાં. પણ હાડ તો પારસી ગુજરાતીનું. એટલે હિન્દુસ્તાન અને બ્રિટનમાં અનેક ક્ષેત્રે પહેલ કરનાર કોર્નેલિયા સોરાબજી એક ગુજરાતી સ્ત્રી હતી તે આપણે માટે ખાસ આનંદ અને અભિમાનનો વિષય હોવો જોઈએ.

xxx xxx xxx

[ગુજરાત સમાચાર (લંડન)ના દિવાળી અંકમાં પ્રગટ થયેલો મારો લેખ]

e.mail : [email protected]

Category :- Profile