PROFILE

‘મરણ સ્મરણની દુનિયા ખોલે છે’, તેમ અાચાર્ય જયેન્દ્ર ત્રિવેદીએ એક દા લખેલું. વાત ખરી લાગે છે. રતિલાલ ચંદરિયાની એકાણુમે વરસે લીધી અા વિદાયને હવે અા કેડે જ મુલવવી રહી.

એ 1985ના અરસાની વાત હશે. ચંદરિયા પરિવારના એક નબીરા કપૂરચંદભાઈને ક્યારેક ક્યારેક મળવા જવાનું બનતું. અને દિવંગત દેવચંદભાઈ ચંદરિયાને ય તે પહેલાં મળવા હળવાના અવસરો થયેલા. અા મુલાકાતોના સિલસિલામાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નાં વિધવિધ કામો કેન્દ્રસ્થ રહેતાં. એક દિવસે, કપૂરભાઈની સાથે હતો અને રતિભાઈ અાવી ચડ્યા. કહે : તમારું કામ પતે, તે પછી, થોડોક વખત મને મળી શકશો ? અને અામ હું મળવા ગયો.

તે દિવસોમાં, ટાઇપરાઇટરના ઉપયોગમાંથી રતિભાઈ કમ્પ્યૂટર યુગમાં ફેરવાઈ રહ્યા હતા. એમણે ગુજરાતીનું એમનું કામ વિગતે દેખાડ્યું. પોતાના મનનો નકશો ચીતરી દેખાડ્યો. ક્યાં ક્યાં ધા નાખી છે અને કેવડું ગંજાવર કામ છે તે બતાડી દીધું. મારો અભિપ્રાય જાણ્યો અને પછી એમને બનતી સહાય કરવા એમણે મને વિનંતી કરી.

બસ, ત્યારથી એમના અા કામોને પોરસાવતો રહ્યો. મળવાહળવાનું થાય ત્યારે પ્રગતિ બાબત તરતપાસ કરતો રહું. અને અામ અમારું મળવાનું વધતું ચાલ્યું. તે દરિમયાન, 1995ના અરસામાં, “અોપિનિયન” સામયિક શરૂ કર્યું. તે તદ્દન સીધાં ચઢાણ જ હતાં તેની પાકી સમજણ. પણ સતત મંડ્યા રહેવાનું થયું. તેમાં રતિભાઈ ગ્રાહકરૂપે જોડાયા અને સાથેસાથે એમના સમગ્ર પરિવારને ય એમણે જોતરી અાણ્યાં. “અોપિનિયન”ના મુદ્રિત અંકના પંદર વરસ દરમિયાન એમણે સામૂકી હૂંફ જ અાપી. “અોપિનિયન”ના અંકોના દરેક લેખ વાંચે, અને પાછા મન મેલીને અાનંદ વ્યક્ત કરતા રહે. એમને મળવા જવાનું થાય, ત્યારે ત્યારે “અોપિનિયન”ની એમણે જાળવી ફાઇલ બતાવે અને રાજીપો વ્યક્ત કરતા રહે.

દરમિયાન, “અોપિનિયન”નો, 1998ના અૉક્ટોબર માસનો અંક, ‘જોડણી અને ભાષાશુદ્ધિ અંક’ તરીકે પ્રગટ કર્યો. અંકને છેલ્લે પાને, ‘કમ્પ્યૂટર પર ગુજરાતી ભાષા ને જોડણીનો શબ્દકોશ’ નામે રતિલાલ ચંદરિયાનો એક લેખ પણ પ્રગટ થાય છે. જાન્યુઅારી 1999 વેળા, ઊંઝા ખાતે જોડણી પરિષદ મળી રહી હતી, તેને ધ્યાનમાં રાખી અા ખાસ અંક પ્રકાશિત કરેલો. અા પરિષદના એક અાગેવાન એટલે ભારે નિષ્ઠાવાન તેમ જ વિદ્વાન રામજીભાઈ પટેલ. રામજીભાઈ તથા તેમના સાથીસહોદરોને અાને કારણે રતિભાઈનાં કામોમાં ય રસ પડ્યો. રામજીભાઈ પટેલના સાથીસહોદરોમાંથી ઉત્તમભાઈ ગજ્જર અને પાછળથી બળવંતભાઈ પટેલ પણ રતિભાઈની ત્રિજ્યામાં ગોઠવાઈ ગયા.  

રતિભાઈ અામ તપેશરી. દેવચંદભાઈ પાછા થયા પછી એ જ ચંદરિયા ફાઉન્ડેશનના મુખી. તેની જબ્બર જવાબદારીઅો, પરંતુ દેશદેશાવરમાં પથરાઈ પેઢીને ભાઈઅો, નાનેરાંઅો વિકસાવતા રહેતાં. તેથી હળવાશે ધંધાધાપા પર નજરઅંદાજ થયા વિના, એમણે કમ્પ્યૂટર ક્ષેત્રે ગુજરાતી લિપિને ઢાળવાનું કામ જારી રાખ્યું. તેના વિવિધ શબ્દકોશોને ડિજિટલ રૂપ અાપવામાં પરોવાયેલા રહ્યા. અાને સારુ એમણે અનેકોની સહાય લીધી છે.

કહે છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના માંધાતાઅોએ એક દા અા કામની જવાબદારી લેવાની તૈયારીઅો દર્શાવેલી, પણ તેની સફળતા સાંપડી નહોતી; એથી એમણે નજર અન્યત્ર કરી લીધી. તેવાકમાં અશોક કરણિયા અને તેમના સાથીદારો કાંદિવલીમાં ગુજરાતી લિપિ સાથે કામ પાડતાં પાડતાં ભાષાશિક્ષણના અોજારો બનાવવામાં મચેલા હોય તેમ જણાતા, રતિભાઈએ, 2005ના અરસામાં, તેમનો સંપર્ક કર્યો. ‘અૅ બ્લૉગ લેસ અૉર્ડિનરી’ નામે પોતીકા બ્લૉગમાં અશોક કરણિયા, ‘માઈ લાઈફ વીથ રતિકાકા’ને નામે લેખમાં, લખે છે તેમ, જુલાઈ 2005માં રતિભાઈ અા યુવાનોને મળ્યા, અને પછી, ઈન્ટરનેટની દુનિયામાં ગુજરાતીનું સ્થાન અદકેરું બનવા બાબતનું સોનેરી પૃષ્ઠ કંડારવાનું અારંભાયું.

તત્કાલીન ‘મેગનેટ ટેકનૉલોજીસ પ્રાઇવેટ લિ.’ના અા યુવાનોએ, પોતાની મસે અા કામ જોયું, તપાસ્યું. અશોકભાઈ તેમ જ સાથીમિત્રોને તેના વ્યાપનું સુખદ અાશ્ચર્ય થયું. અા યુવાનોએ તે દિવસોમાં, ‘ઉત્કર્ષ’ નામે એક ‘સરળ-સુરક્ષિત-સ્વતંત્ર’ પ્રૉગ્રામ વિન્ડોસ કમ્પ્યૂટર માટે ગુજરાતીમાં જાહેર કરેલો. તેમને રતિભાઈના ગંજાવર કામથી પુષ્ટિ જ નહોતી મળતી, તેમને જબ્બર ચાલક બળ પણ પ્રાપ્ત થતું હતું. એક બાજુ અનુભવ તો બીજી તરફ યુવાનીનું અા સાયુજ્ય હતું.

તે સાલ ડિસેમ્બરમાં, ભારત જવાનો અવસર થયો. અા યુવાન મિત્રોને ય મળવાનું બન્યું. તેમની નિષ્ઠા, દૂરંદેશી જોઈ તપાસી અને રતિભાઈને અા સમૂળો પ્રકલ્પ જાહેર જનતાને સારુ અર્પણ કરવાને તૈયાર કર્યા. લંબાણભરી બેઠકો કરી. વરિષ્ટ સાહિત્યકાર ધીરુબહેન પટેલને જોડવાનો નિર્ધાર કર્યો. અને 13 જાન્યુઅારી 2006ના રોજ ગુજરાતી ભાષા સાહિત્યને ક્ષેત્રે એક ભગીરથ કામ મુકાયું. મુંબઈના ‘ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બર’ના સભાખંડમાં ઠેરઠેરથી માનવમેદની હાજર રહી હતી. ચંદરિયા પરિવારના અગ્રેસરો હતા, વાણિજ્ય-ઉદ્યોગના અાગેવાનો ય હતા. ભાષા સાહિત્ય ક્ષેત્રનાં ધુરીણો ય હતાં. અતિથિ વિશેષ ધીરુબહેન પટેલે અા ઉદ્દાત કામને જાહેર મુક્યું. ધીરુબહેનને જે સમજાતું હતું, જે દેખાતું હતું તો જો, તે વેળા, સાબરમતીના કાંઠાળ વિસ્તારનાં ભાષા-સાહિત્યનાં અગ્રેસરોને વર્તાતું હોત તો ! … ખેર.  અા અવસરનું સંચાલન કરવાનો સુભગ સંયોગ મારે શિરે હતો, તેનું મને ભારે ગૌરવ છે.

મુંબઈના અા ઐતિહાસિક અવસરની પૂંઠેપૂંઠે, લંડનમાં, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, 09 જુલાઈ 2006ના ‘ગુજરાતીલેક્સિકૉન ડૉટ કૉમ’નું જાહેર સ્વાગત થયું. ગુજરાતી ડિજિટલ ડિક્શનરીના સર્જક અાધુનિક એકલવ્ય રતિલાલ ચંદરિયાનું જાહેર સન્માન કરવાનો ય યોગ અમને થયો હતો. એ ભાતીગળ અવસરે પ્યારઅલી રતનશી અને ભીખુભાઈ પારેખ સરીખા વિદ્વાનોએ પોરસાવતાં વક્તવ્યો અાપ્યા હતા. જ્યારે ધીરુભાઈ ઠાકર સરીખા વરિષ્ટ કર્મઠ સાહિત્યકારની પોરસાવતી ઉપસ્થિતિ ય હતી. તત્કાલીન ‘મેગનેટ ટેક્નોલોજીસ’ના તે વેળાના અાગેવાન અશોક કરણિયા ખાસ હાજર હતા. અા અવસરને ધ્યાનમાં રાખી, “અોપિનિયન”નો એક ખાસ અંક પ્રગટ થયો હતો, જેમાં અા સઘળાં પ્રવચનો અામેજ કરાયા હતાં. બીજી પાસ, ‘ગુજરાતીલેક્સિકોન’ની વેબસાઇટ પરે અા અવસરની વિગતે વીડિયો જોવા ય પામીએ છીએ.

‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ને અા ડિજિટલ શબ્દકોશમાં અધિકૃતપણે સામેલ કરી શકાય તે સારુ વરસોથી ‘ગૂજરાત વિદ્યાપીઠ’ના કુલસચિવ તેમ જ કુલનાયક જોડે ચર્ચાવિચારણા કરતો રહેતો. ‘સાર્થ ગૂજરાતી જોડણીકોશ’ને ડિજિટલ કરવાનો અા અવસર છે અને અા તક ઝડપવા સારુ એમને સમજાવી શકાયા તેનો મને ભારે સંતોષ છે. ગૂજરાત વિદ્યાપીઠના પરિસરમાં દફતર ખડું કરી, ગુજરાતીલેક્સિકૉને‘ યજ્ઞ માંડેલો અને અા કોશને ડિજિટલસ્વરૂપ અાપવાનો ઉપક્રમ અાટોપી શકાયો. અશોક કરણિયા સાથે રહીને, અનેકવિધ પ્રવાહોને ખાળતા રહી, રતિભાઈની અાશાનિરાશાને સમજી સાંચવી લઈ, મહા મહેનતે, અા ભાતીગળ પ્રકલ્પ અાટોપાયો જ અાટોપાયો. અા કામને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના ગાંધીનગર અધિવેશન ટાંકણે, વિધિવત્ લોકઅર્પિત કરાયો તેનું સ્મરણ પણ એવું ને એવુ તાજું છે.

સને 1940માં, પહેલી વાર, પ્રકાશિત થયેલા ભગવદ્ગોમંડળના કુલ નવ ગ્રંથોમાં 2.82લાખ શબ્દોની, કુલ 8.22લાખ શબ્દોમાં, અત્યંત વિસ્તૃત સમજ આપવામાં આવી છે. હિમાંશુ કીકાણીએ ‘સાયબરસફર - અરાઉન્ડ ધ વેબ’માં, તાજેતરમાં, લખ્યું છે તે મુજબ, ‘ગોંડલના મહારાજાને ગ્રંથ તૈયાર કરતાં 26 વર્ષ લાગ્યાં હતાં. રતિકાકાને ગુજરાતી લેક્સિકૉનની પહેલી આવૃત્તિ તૈયાર કરવામાં 20 વર્ષ લાગ્યાં હતાં અને એ અનુભવ પછી, ભગવદ્ગોમંડલનું કામ 11મહિનામાં પૂર્ણ કરી શકાયું! તેમના પ્રયાસોએ હવે ગુજરાતી ભાષાને ડિજિટલ દુનિયામાં વિશ્વની પ્રમુખ ભાષાઓની હરોળમાં મૂકી દીધી છે.’

‘અક્ષરની અારાધના’ નામે “ગુજરાતમિત્ર” માંહેની પોતાની સાપ્તાહિકી કટારમાં અાપણા વરિષ્ટ સાહિત્યિક પત્રકાર  દીપક મહેતાએ લખ્યું છે, ‘નહોતા એ સર્જક, નહોતા વિવેચક, નહોતા અધ્યાપક, અરે ! એ પત્રકાર પણ નહોતા. અને છતાં ગુજરાતી ભાષાને એકવીસમી સદીમાં લઈ જવા માટે તેમણે એ સૌ કરતાં વધુ પુરુષાર્થ કર્યો.’ બીજી પાસ, િહમાંશુભાઈએ ‘સાયબરસફર - અરાઉન્ડ ધ વેબ’માં લખ્યું છે તે મુજબ,‘જ્યારે ગુજરાતીમાં કમ્પ્યુિટંગ માટે યુનિકોડ શબ્દ તો હજી જન્મ્યો જ નહોતો, અને ગુજરાતી ઇલેક્ટ્રોનિક ટાઇપરાઇટરનું પણ અસ્તિત્વ નહોતું, છેક ત્યારે, એક વ્યક્તિએ આવનારી પેઢી માટે, જમાનાને અનુરૂપ એવી કોઈક રીતે, અત્યંત સમૃદ્ધ ગુજરાતી ભાષાના અગણિત શબ્દોને સુલભ કરી આપવાનું સ્વપ્ન જોયું. જે એણે વીસ વર્ષની મહેનત પછી પાર પાડ્યું.’ ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી કમ્પ્યૂટર સાથ, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતીલેક્સિકૉન’ શા સૂત્ર સાથે શબ્દકોશ, સ્પેલચેકર, ભગવદ્ગોમંડળવાળી કૉમ્પેટ્ક્ટ ડિસ્ક બહાર પડાઈ. હજારોની સંખ્યામાં તેની જગતભરમાં વહેંચણી કરવામાં અાવી છે. અાટલું કમ હોય તેમ, યુનિકૉડ ફોન્ટ પોતાના કમ્પ્યૂટરમાં ઊતારી લેવાની પણ સગવડ અાપવામાં અાવી. મધુ રાય “દિવ્ય ભાસ્કર” માંહેની ‘કળશ’ પૂર્તિમાં લખે છે તેમ, ગુજરાતીલેક્સિકૉન ડૉટ કૉમ, અને તે પછી ક્રમશ: સ્પેલચેકર, ભગવદ્દગોમંડળ કોશ, લોકકોશ જેવાં ભાષાકીય ઉપકરણોએ અાકાર લીધો, તેની પાછળ પ્રેરકબળ હતા શ્રેષ્ઠી રતિલાલ ચંદરિયા.

‘ભગવદ્ગોમંડળ’નું કામ હાથ ધરાય ત્યાં સુધીમાં તો તાનસા, સાબરમતી અને ટૅમ્સમાં પારાવાર પાણી વહી ચૂક્યાં હતાં. વિપરીત સંજોગોમાં, ‘ગુજરાતીલેક્સિકૉન’ જૂથને અમદાવાદ જવાનું અને સ્થાયી થવાનું અાવ્યું. અા ડામાડોળ દિવસોમાં રતિભાઈની ટાઢક, દૂરંદેશી તેમ જ સમજણ સરાણે હતાં. તે દરેકનો જયવારો થયો અને ધીમેધીમે ફરી એક વાર ગાડું રાંગમાં અાવ્યું. અારંભથી જ અા જૂથમાં મારી સક્રિયતા રહી હતી. હજારો જોજનો દૂર હોવાને કારણે રોજ-બ-રોજની સક્રિયતા નિભાવી શકાઈ નથી. પરંતુ રતિલાલ ચંદરિયા, અશોક કરણિયા, ઉત્તમભાઈ ગજ્જર, બળવંતભાઈ પટેલ તથા મનસુખભાઈ શાહના બનેલા વડીલ સલાહકાર મંડળમાં સક્રિયપણે સામેલ રહ્યો છું.

રતિભાઈના દૂરંદેશ પરિઘમાં યૂનિકૉડ ફૉન્ટની વાત હંમેશ રહેવા પામી છે. ગુજરાતી ફૉન્ટના સર્વત્ર થતા રહેતા ઉપયોગમાં મોટે ભાગે અાજે અરાજકતા જોવા પામીએ છીએ. મોટા ભાગના વપરાતા ફૉન્ટ ‘નૉન-યૂનિકૉડ’ ઘરાણાના છે. તેમાં એકરૂપતા અાણવા માટે ‘ગુજરાતીલેક્સિકૉન’ હેઠળ મથવાનું થયું છે. તેને સારુ કાર્યક્રમ ઘડાયો છે, અમલબજાવણી ય થઈ છે. અને છતાં, તે કામ ત્યાંનું ત્યાં ઊભું છે ! ગુજરાતીના અાપણા પ્રકાશનગૃહો, અાપણા સમસામયિકોના માલિકો - સંચાલકો તેમ જ ભાષા-સાહિત્યના રખેવાળો અા યૂનિકૉડને અારેઅોવારે પોતાનું કામ પાર પાડે તે જોવાનું ય એમનું સ્વપ્ન હતું. તેને પાર પાડવું જ રહ્યું. અાપણે સૌ કોઈ અા ક્ષેત્રે હાથ બટાવી શકીશું ખરા કે ?!

વરસો પહેલાં, સન 2008 દરમિયાન, ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’ નામે એક ઇતિહાસમૂલક ગ્રંથ તૈયાર કરવાને સારુ સંશોધનકામ કરવા શિરીનબહેન તથા મકરન્દભાઈ મહેતા શી ઇતિહાસકારબેલડી વિલાયત અાવેલી. અા કામ “અોપિનિયન” વિચારપત્ર, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ તેમ જ ‘ચંદરિયા ફાઉન્ડેશન’ના સંયુક્ત નેજા હેઠળ થઈ રહ્યું હતું. અારંભથી જ રતિભાઈએ અા કામમાં સક્રિયતા જાળવેલી અને ડગલે ને પગલે કામનો અંદાજ જાણતા અને ઉચિત સલાહસૂચન પણ કરતા રહેતા. અા પુસ્તકની અંગ્રેજી અાવૃત્તિ થાય તેવા તેમને ભારે અોરતા હતા. અા ઇતિહાસકાર દંપતીએ તેનો વાયદો રતિભાઈને અાપ્યો છે તે હવે એમણે પરિપૂર્ણ કરવો જોઇએ, એમ લાગી રહ્યું છે.

‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ તેના ત્રીસ વરસના અસ્તિત્વ ટાંકણે, દશા અને દિશા બાબત ઝીણવટે તપાસ અાદરવા, તળ ગુજરાતે, અમદાવાદમાં, જાન્યુઅારી 2009માં બે દિવસની બેઠક યોજી હતી. તેનો સઘળો ભાર રતિલાલ ચંદરિયાની નિગાહબાની હેઠળ, ‘ગુજરાતીલૅક્સિકૉન’ હેઠળ પાર પાડવામાં અાવેલો. તે દ્વિ-દિવસીય બેઠક ફળીભૂત બને તેને સારુ રતિભાઈ સતત કાર્યપ્રવૃત્ત રહ્યા હતા. તે સઘળી બેઠકમાં ખુદ હાજર ને હાજર હતા.

રતિલાલ ચંદરિયા સતત પ્રગતિને પંથે રહ્યા. એમનો વિકાસ ઊર્ધ્વગામી જ રહ્યો. એમનું નામ સાંભળતો થયો તે દિવસોમાં એ વીસા અોસવાળ સમાજમાં સેવારત હતા. સર્વોપરી સ્થાને પણ ગયા અને પારાવાર સુવાસ પાથરતા ગયા. એમણે ‘ઇન્સ્ટિટ્યૂટ અૉવ્ જૈનોલોજી’ની રચના જ ન કરી, તેમાં છેવટ લગી ખૂંપી ગયા અને માતબર કામ અંકે કરતા ગયા. લંડનના ‘ભારતીય વિદ્યા ભવન‘ માંહેનું એમનું યોગદાન અાજે ય ચમકારા મારે છે. ગુજરાતી અાલમનું સંગઠન કરવામાં ય અગ્રગામી રહ્યા. ‘નેશનલ કૉન્ગ્રેસ અૉવ્ ગુજરાતી અૉર્ગનાઇઝેશન્સ’ની સ્થાપનામાં પણ અગ્રેસર હતા. કેટલાકોની ‘અાત્મમુગ્ધતા’ સામે ટકવું સહેલું નહીં લાગ્યું હોય, અને કદાચ, ત્યાંથી રતિભાઈ ફંટાઈ ગયા હોય તેમ પણ બને. અને પછી ગુજરાતી લેક્સિકૉન ક્ષેત્રે એ તનમનધન સાથે પૂરેપૂરા છવાઈ ગયા. ગુજરાત અને ગુજરાતીઅો કલ્પી ન શકે એવું અા વામને વિરાટ કામ અાપણને અને અાપણી વિરાસતને અાપ્યું છે. અને તેથી જ એ સર્વત્ર અાદરભેર પોંખાતા રહ્યા અને રહેવાના.   

અંગત જીવનમાં, રતિકાકા, અમારે મન પિતાતૂલ્ય વડીલ રહ્યા. લંડન અાવ્યા હોય ત્યારે વખત કાઢીને ઘેર અાવે અને ખબરઅંતર પૂછે. કુન્તલના લગ્નપ્રસંગે મુંબઈથી ખાસ હાજર રહેવા અાવી પહોંચેલા ! અાવા અાવા અનેક નિજી પ્રસંગોને અંગત અંગત રહેવા દઈ, મિત્ર દીપક મહેતાએ “ગુજરાતમિત્ર” માંહેની, 21 અૉક્ટોબર 2013ની ‘અક્ષરની અારાધના’ નામે સાપ્તાહિકીમાં યોગ્યપણે લખ્યું છે, તેને વાગોળતાં વાગોળતાં કલમને વિરામ અાપીએ :

‘આપણી સાહિત્યની સંસ્થાઓ, તેનાં સત્તાસ્થાનો પર બેઠેલાઓ, હજી ગઈ કાલ સુધી કમ્પ્યૂટર માટે સૂગ ધરાવતા હતા, આજે ય ખુલ્લા દિલે ને હાથે તેને આવકારનારા બહુ ઓછા. એટલે તેમનો સાથ-સહકાર ધારેલો તેટલો મળ્યો નહીં. ઘણા તો ભોળા ભાવે પૂછતા : પણ કમ્પ્યૂટરના સ્ક્રીન પર કાંઈ પુસ્તકો ઓછાં જ વાંચવા બેસવાનું છે કોઈ ? આવડું મોટું પી.સી. સાથે કોઈ રાખવાનું છે ? ચોપડી તો બગલ થેલામાં લઈ જવાય. આજે એ જ બગલથેલામાં એક ડિવાઈસમાં લોડ કરીને ૨૦૦ પુસ્તકો સાથે ફેરવી શકાય છે ! આ બધી શક્યતાઓ રતિભાઈએ વર્ષો પહેલાં પારખી લીધેલી. એ વખતે હજી ઇન્ટરનેટ તવંગરોની મોજશોખની વસ્તુ હતી. પણ આવતી કાલે નાનું છોકરું પણ નેટ સેવી હશે એ તેમણે જોઈ લીધું હતું. અને ૨૧મી સદીના નાગરિકો સાથે જો વાત કરવી હોય તો જમાનાઓ જૂનાં સાધનોથી નહીં, તેમનાં સાધનોથી જ કરવી જોઇએ એ વાત રતિભાઈ સમજી શક્યા હતા. તેમના જવાથી આપણને એક નિત્ય યુવાન ભાષાના ભેખધારીની ખોટ પડી છે. તેમના કામને આગળ ને આગળ ધપાવતા રહીએ એ જ તેમને સાચી અંજલી હોઈ શકે.’

પાનબીડું :

મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો
,

તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો,


રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો,


શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો −


દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
,

એક મંજિલની લગન આંખે ઊતરવા દઈને
,

ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,


‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.


જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વને કળવા,


જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,


દૂર દુનિયાનાં રહસ્યોનો તાગ મેળવવા,


દૃષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.


શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,


ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,


દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
,

કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.


                                                      — હરીન્દ્ર દવે

(હૅરો, 24 અૉક્ટોબર 2013)

e.mail : [email protected]

ગુજરાતી લેક્સિકોન ડોટ કોમ વેબસાઈના સર્જક અને એના દ્વારા ગુજરાતી ભાષા માટે ખૂબ દૂરંદેશીભર્યું અને ભગીરથ કરનાર રતિલાલ ચંદરિયાનું ઓક્ટોબર ૨૦૧૩ના રોજ નિધન થયું. "ઓપિનનિયન" ગુજરાતી સામયિકના તંત્રી અને લંડનની 'ગુજરાતી સાહિત્ય અકાદમી'નાં પ્રમુખ વિપુલ કલ્યાણીએ, અૉસ્ટૃલિયાસ્થિત ગુજરાતી રેડિયો "સૂર સંવાદ"માં આપેલી શબ્દાંજલિ …

http://www.sursamvaad.net.au/gujarati/

Category :- Profile

પાંત્રીસ લાખ જેટલા ગુજરાતી શબ્દોને કમ્પ્યૂટર થકી વિશ્વવ્યાપી બનાવનાર ઉદ્યોગપતિના વિરાટ કાર્યની ઝલક

‘ગુજરાતી ભાષા જીવશે કે નહીં?’, ‘વિદેશમાં તો ઠીક; આપણા દેશમાં ય તેનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે.’ આવી ચિંતા, આશંકા અને ભીતિ છેલ્લા થોડા સમયથી અનેક લોકો દ્વારા સેવાઈ રહી છે.

પણ તેરમી જાન્યુઆરી, 2006ના રોજ મુંબઇમાં, અને ત્યાર પછી નવમી  જુલાઈ, 2006ના રોજ, યુનાઇટેડ કિંગ્ડમના વેમ્બલી ખાતે, બે અભૂતપૂર્વ સમારંભો યોજાઈ ગયા, જેમાં આવી તમામ આશંકાઓનો સમૂળો છેદ ઊડી ગયો. આ સમારંભમાં ગુજરાતીની સૌ પ્રથમ ડિજીટલ ડિક્શનેરી ‘ગુજરાતી લૅક્સિકોન ડૉટ કૉમ’ની વેબસાઈટનું લોકાર્પણ થયું અને આ અનોખા પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા રતિલાલ ચંદરયાનું અભિવાદન પણ કરવામાં આવ્યું. રતિલાલ ચંદરયા એટલે સાચા અર્થમાં વિશ્વવ્યાપી એવા ચંદરયા પરિવારના મોભી. ચંદરયા પરિવારના ઉદ્યોગો પાંસઠેક દેશોમાં ફેલાયેલા છે અને એલ્યુિમનિયમ, સ્ટીલ, પ્લાસ્ટિક, ઇલેકટ્રોનિક્સ જેવા બહુવિધ ક્ષેત્રોમાં તેમનો વ્યાપ છે. આજે સત્યાંશી વટાવી ચૂકેલા રતિલાલ ચંદરયાની, માતૃભાષા માટે આવું અનોખું કામ પાર પાડવા સુધીની સફરની વાતો પણ; એમની જીવનસફર જેવી જ રસપ્રદ છે. પણ પોતાના વિશે નહીં જ લખવા માટેનો તેમનો આગ્રહ એટલો પ્રબળ કે અનેક વાતો તેમણે ખુલ્લા દિલે કરી હોવા છતાં; અહીં તેનો ઉલ્લેખ માત્ર કરીને, લૅક્સિકોનના સંદર્ભે જ તેમની વાત લખવાનો ઉપક્રમ રાખ્યો છે. તેમના આ આગ્રહમાં જ તેમના ઉમદા અને કર્મઠ વ્યક્તિત્વનો અંદાજ આવી શકે એમ છે. એક કામ લીધા પછી તે સંપન્ન ન થાય ત્યાં સુધી મચ્યા રહેવું એ ચંદરયા પરિવારનો મંત્ર છે.

પ્રેમચંદ પોપટ ચંદરયા જામનગર નજીક ખેતીનું કૌટુંબિક કામ સંભાળતા હતા. એ સમયે વેપાર માટે સૌરાષ્ટ્રમાંથી ઘણા લોકો વહાણવટું ખેડતા અને મુખ્યત્વે મોમ્બાસા, ઝાંઝીબાર, માજુંગા જેવા બંદરો સાથે વહેવાર રાખતા. ખોજા, મેમણ, લોહાણા જેવી જ્ઞાતિઓના ઘણા લોકો વેપાર અર્થે આ સ્થળોએ સ્થાયી પણ થયા હતા. પ્રેમચંદભાઈ પણ 1916માં ઊપડ્યા નાઇરોબી. ત્યાં જઈને તેમણે થોડો સમય નોકરી કરી અને છએક મહિનામાં જ પોતાનો છૂટક વેચાણનો વ્યવસાય શરૂ કર્યો. તેઓ નાઇરોબીમાં જ સ્થાયી થઈ ગયા. ધીમે ધીમે તેમણે પત્ની, બાળકો તથા ભાઈ ભાંડુઓને પણ બોલાવી લીધાં અને અહીં જ તેમનો પરિવાર વિસ્તર્યો. પ્રેમચંદ અને પૂંજીબહેનનાં કુલ આઠ સંતાનો – દેવચંદ, રતિલાલ, કેશવલાલ, મણિલાલ, કસ્તૂરબહેન, મંજુબહેન, સુષ્માબહેન તેમ જ રમિલાબહેન, જેમાંના રતિલાલનો જન્મ પણ નાઇરોબીમાં જ 24મી ઓક્ટોબર, 1922ના દિવસે થયો.

રતિલાલનું શાળાકીય શિક્ષણ નાઇરોબી તેમ જ મોમ્બાસાની શાળાઓમાં થયું. ત્યાંની શાળાઓમાં એક ગૌણ વિષય તરીકે ગુજરાતી ભણવા મળ્યું હોય એટલું જ ગુજરાતી તેઓ ભણી શક્યા. પણ માતૃભાષા પ્રત્યેના બેહદ લગાવનાં મૂળિયાં આ ગાળામાં નંખાયાં. આ મૂળિયાં વરસો પછી ક્યાંનાં ક્યાં ફેલાવાનાં હતાં, તેની કલ્પના ખુદ રતિલાલને ય ક્યાંથી હોય ! 


1940માં રતિલાલે જુનિયર કૅમ્બ્રીજની પરીક્ષા પાસ કરીને સિનિયર કૅમ્બ્રીજમાં પ્રવેશ મેળવ્યો, જે મૅટ્રિકની સમકક્ષ ગણાતું. આ અરસામાં જ બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જતાં સૌ કુટુંબકબીલા સહિત જામનગર પાછા આવી ગયા. રતિલાલે ભારત આવ્યા પછી અભ્યાસને મૂક્યો પડતો અને ઝંપલાવ્યું વ્યવસાયમાં. પોતાની સૂઝબૂઝ વડે તેમણે ધારી સફળતા મેળવવા માંડી. ગાંધીનો પ્રભાવ તેમના પર એટલો પડેલો કે 1943માં જામનગરમાં તેમનાં લગ્ન વિજયાલક્ષ્મી સાથે લેવાનું નક્કી થયું ત્યારે તેમણે ભાવિ પત્ની માટે પણ ખાદીની જ સાડી ખરીદી હતી. 


આ અરસામાં જ તેમણે ગુજરાતી ટાઇપ કરી શકાય એવું એક જૂનું રૅમિંગ્ટન ટાઇપરાઇટર ખરીદ્યું અને ટાઇપ શીખવાના પ્રયત્નો આરંભ્યા. દરમ્યાન બીજા વિશ્વયુદ્ધનો ખોફ ઊતરતાં ચંદરયા પરિવાર 1946માં નાઇરોબી પાછો ફર્યો અને પોતાનો મૂળ વ્યવસાય સંભાળી લીધો. થોડા સમયમાં તેમણે ઉદ્યોગોમાં ઝંપલાવ્યું. ચંદરયા પરિવારની ત્યાર પછીની આગેકૂચ વણથંભી હતી. આફ્રિકાના દેશોમાં, ત્યાર પછી યુરોપમાં, અમેરિકામાં, દક્ષિણપૂર્વ એશિયામાં અને એમ વિશ્વભરમાં ચંદરયા પરિવારના ઉદ્યોગો સ્થપાવા માંડ્યા. એ કથા વળી અલાયદું આલેખન માંગી લે એવી દીર્ઘ, રસપ્રદ અને રોમાંચક છે. 


દુનિયાભરમાં વિસ્તરીને પણ પોતાની ઓળખ અકબંધ રાખનાર આ પરિવારના રતિલાલના દિલમાં ગુજરાતી ભાષા એ હદે વસેલી હતી કે તેઓ ગુજરાતી લખાણ શી રીતે સરળતાથી ટાઇપ કરી શકાય તે અંગે સતત કંઈ ને કંઈ વિચાર્યા કરતા. તેમના કુટુંબની બીજી પેઢીએ ધીમે ધીમે વ્યવસાય સંભાળ્યો. દરમ્યાન ઇલેક્ટ્રિક ટાઇપ રાઇટરનો જમાનો આવ્યો એટલે રતિલાલે એવા ટાઇપરાઇટરની શોધ આરંભી કે જેની મદદથી સહેલાઈપૂર્વક ગુજરાતીમાં ટાઇપ કરી શકાય. પણ પરિણામ શૂન્ય. દરમ્યાન કમ્પ્યૂટરનું આગમન થતાં ટાઇપરાઇટર કરતાં અનેકગણી સુવિધા સહેલાઈથી પ્રાપ્ય બની. 


આમ છતાં, તેમાં ફોન્ટના અભાવે ગુજરાતી લેખનની સુવિધા ઉપલબ્ધ નહોતી. આથી રતિલાલે ગુજરાતી ફોન્ટ વિકસાવી આપે એવી કંપનીની શોધ આદરી. તાતા કંપનીએ દેવનાગરીના ફોન્ટ બનાવ્યા હોવાની પણ તેમને જાણ થઈ. જો કે, ક્યાંયથી નક્કર પરિણામ નીપજ્યું નહીં. કેડીઓ અનેક દેખાતી હતી, પણ તે આગળ જઈને માર્ગ બને એવી શક્યતા જણાતી નહોતી. 


દરમ્યાન તેમનો ભત્રીજો રાજ અમેરિકામાં એમ.બી.એ.નો અભ્યાસ પૂરો કરીને લંડન આવ્યો. તેણે રતિલાલને ઍપલનું કમ્પ્યૂટર આપીને તે વાપરતાં શીખવ્યું અને સાઠી વટાવી ચૂકેલા રતિકાકાએ આ નવા સાધનનો પરિચય કેળવવા માંડ્યો. આ કમ્પ્યૂટરમાં પણ તમામ વ્યવહાર અંગ્રેજીમાં હતો, એટલે ફરી એક વાર તપાસ ચાલુ થઈ ગુજરાતી ફોન્ટની. 


દરમ્યાન રતિકાકાને ભારત આવવાનું થતાં ગુલાબદાસ બ્રોકર થકી જાણ થઈ કે અમેરિકામાં મધુ રાય આને લગતું કંઇક કામ કરે છે. મધુ રાય સાથે થોડા સમય પછી મુલાકાત થતાં ખબર પડી કે તેઓ ગુજરાતી ફોન્ટ બનાવવામાં સફળ થયા હતા, એટલું જ નહીં, તેમનું કીબોર્ડ પણ ઉચ્ચાર આધારિત ( ફોનૅટિક ) હોવાથી વાપરવામાં ઘણું સુવિધાયુક્ત હતું. આમ, રતિલાલ ચંદરયાની મહાશોધનો જાણે દાયકાઓ પછી સુખદ અંત આવ્યો. પણ તે પૂર્ણવિરામ નહીં; અલ્પવિરામ હતું. 


ગુજરાતીનું ટાઇપીંગ કમ્પ્યૂટર પર શરૂ તો થયું.  એનાથી મુસીબત અવશ્ય ઘટી; પણ મૂંઝવણ તો અનેકગણી વધી. કેમ કે સાચી જોડણી લખવાની મોટી સમસ્યા હતી. તેમણે અંગ્રેજીના સ્પેિલંગ આપોઆપ સુધારી આપતા સોફ્ટ્વેર ‘સ્પેલચૅકર’નો ઉપયોગ કર્યો ત્યારે થયું કે આ જ રીતે ગુજરાતી સ્પેલચૅકર કેમ ન બની શકે ? તેમણે ઍપલ મેકિન્તોસ અને માઇક્રોસોફ્ટનો સંપર્ક કર્યો, અનેક સામયિકોમાં લેખો પ્રસિદ્ધ કર્યા, હિન્દીમાં રસ ધરાવતા કેટલાક પ્રૉફેસરોનો પણ સંપર્ક કર્યો. અરે ! અરેબીક ભાષા માટે સ્પેલચૅકર બનાવનાર ફ્રેંચ નિષ્ણાતને ય તેઓ મળ્યા. પણ આ બધાનું કશું પરિણામ નીપજ્યું નહીં. 


આ શોધયાત્રા દરમ્યાન તેમને હૃદયની બાયપાસ સર્જરી પણ કરાવવી પડી, પણ તેઓ પાછા પડ્યા નહીં. ગુજરાતી લિપિ કમ્પ્યૂટર પર લખાય એટલું પૂરતું નથી; તેના શબ્દો, સાચી જોડણીઓ, રૂઢિપ્રયોગો જેવી અનેક સામગ્રીઓ પણ કમ્પ્યૂટર પર આસાનીથી ઉપલબ્ધ થાય તો જ ગુજરાતી ભાષાનો વ્યાપ કમ્પ્યૂટર પર વિસ્તરી શકે અને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓ તેનો આસાનીથી ઉપયોગ કરી શકે. સાચી ગુજરાતી લખવાની રતિકાકાની પોતાની મૂંઝવણ તો તેમના પરમ મિત્ર બનેલા સુરતના ઉત્તમ ગજ્જરને કારણે ઊકલી ગઈ, કેમ કે ઉત્તમભાઈ થકી તેમને પરિચય થયો એક જ ‘ઉ’ અને એક જ ‘ઈ’ ધરાવતી ઉંઝા જોડણીનો. 


દરમ્યાન પૂનાના બે યુવાનોએ હિન્દી સ્પેલચૅકર બનાવ્યું હોવાની માહિતી મળતાં, તેમણે એ બનાવનાર સ્વામી અસંગ અને તેમના સાથીદારોનો સંપર્ક કર્યો. સ્વામી અસંગ પાસે મુખ્ય સમસ્યા હતી સમયની. તકલીફ ત્યારે (અને આજે ય ) એ હતી કે ગુજરાતીમાં કોઈ સ્ટાન્ડર્ડ કીબોર્ડ વપરાશમાં નહોતું. તેથી રતિકાકાના કીબોર્ડ પર કામ કરવા કોઈ રાજી નહોતું. આ બધી જળોજફા દરમ્યાન ગુજરાતી સાહિત્ય તેમ જ શબ્દકોશ સાથે સંકળાયેલી સંસ્થાઓને મળવાનું અને આ પ્રકારનો, માળખાકીય સવલતો ધરાવતી કોઇ મોટી સંસ્થા જ હાથ ધરી શકે એવો  ગંજાવર પ્રોજેક્ટ ઉપાડી લેવા માટેની સમજાવટ કરવાનું ચાલુ જ હતું; પણ કોઇ સંસ્થા તૈયારી બતાવતી નહોતી. છેવટે ‘કરે એનું કામ’ એ ન્યાયે રતિકાકાએ પોતે જ આ કામ આગળ વધારવાનું નક્કી કરી લીધું.

ઉંમર અને આરોગ્ય ઉપરાંત આ પ્રોજેક્ટનું વિરાટ કદ જોતાં તેમની પરિસ્થિતિ ‘ ઓછી મદિરા અને ગળતા જામ ’ જેવી હતી. આટલું ઓછું હોય એમ તેમના કમ્પ્યૂટરના મધરબોર્ડ પર ગજા ઉપરાંતનો બોજો આવી જતાં તે બળી ગયું ! પણ રતિકાકા હિંમત ન હાર્યા. બલકે પૂરા જોશથી તેઓ મચી પડ્યા. ‘સ્પેલચૅકર’માં જોવા માટે શબ્દો તો જોઈએ ને! એટલે સૌ પ્રથમ તેમણે ગુજરાત વિદ્યાપીઠના ‘ખિસ્સાકોશ’ અને ‘સાર્થ જોડણીકોશ’ના શબ્દોને ડિજીટલાઈઝ્ડ સ્વરૂપે કમ્પ્યૂટરમાં ફેરવ્યા. આ ઉપરાંત કે.કા.શાસ્ત્રીના ‘બૃહદ ગુજરાતી શબ્દકોશ’ ના શબ્દો પણ તેમાં ઉમેર્યા. પૂનાના સ્વામી અસંગને આ કામમાં રસ પડતાં તેમણે થોડી મદદ કરી અને સૂચન પણ કર્યું કે બધો જ ડેટા ‘જાવા’માં અને ‘યુનિકોડ’માં ફેરવી દેવામાં આવે તો કામ સરળ થઈ શકશે. આમ, ‘લોગ આતે ગયે, કારવાં બનતા ગયા’ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા લાગ્યું. એક સમયે જે પ્રોજેક્ટ અસંભવ જણાતો હતો, તે હવે બબ્બે દાયકાની જહેમત પછી નજીકના ભવિષ્યમાં જ સાકાર થાય એમ જણાવા લાગ્યું. રતિકાકાનું પોતાનું કમ્પ્યૂટર વિશેનું તકનિકી જ્ઞાન તો સાવ મર્યાદિત હતું; પણ તે ‘અલ્પજ્ઞાન’ જ આખા કાર્યક્રમનું ચાલકબળ બની રહ્યું અને સ્વામી અસંગ, હિમાંશુ મિસ્ત્રી ( સુરત), અલકા છેડા, માધવી,  અંજલિ(તમામ મુંબઇના), મેહરુ સિધવા (લંડન), વિપુલ મોતીવરસ(મુંબઈ), રોહિત( મેંગ્લોર)  ઉપરાંત ગુજરાતીનો ‘ગ’ પણ ન જાણનાર ત્રિવેન્દ્રમનાં રેવતી શ્રીધરન જેવા સાથીદારોની સહાય મળી રહી. આ સૌના પ્રયાસોથી આગળ જણાવેલાં કોશ–ગ્રંથો ઉપરાંત પાં.ગ. દેશપાંડેના ‘ગુજરાતી-અંગ્રેજી કોશ’ અને ‘અંગ્રેજી-ગુજરાતી કોશ’, નરહરિ કે. ભટ્ટનો ‘ગુજરાતી વિનયનકોશ’, પ્રબોધ પંડિત રચિત ‘ફોનૅટિક એન્ડ મોર્ફેમિક ફ્રિક્વન્સી ઓફ ગુજરાતી લેન્ગ્વેજ’, શાંતિલાલ શાહનો ‘વિરુદ્ધાર્થ કોશ’ તેમ જ ડો. ઇશ્વર દવેનો ‘થિસોરસ’ જેવા કોશ–ગ્રંથોને પણ ડિજીટલાઈઝ સ્વરૂપમાં ફેરવીને ગુજરાતી ભાષાની સૌપ્રથમ ઓનલાઇન ડિક્શનેરી ‘ગુજરાતી લૅક્સીકોન’ ખુલ્લી મૂકવામાં આવી, જેમાં પોણા ત્રણ લાખ કરતાં ય વધુ શબ્દોના અર્થ આપવામાં આવેલા છે.

મુંબઇ પછી તેનું લોકાર્પણ ઇંગ્લેન્ડ, કેનેડા તેમ જ અમેરિકામાં પણ એ જ વરસે કરવામાં આવ્યું. 
આ લખાય છે ત્યાં સુધીમાં આ વેબસાઇટ પર તેત્રીસ લાખ કરતાંય વધુ મુલાકાતીઓ નોંધાયા છે , જે તેની ઉપયોગિતા સૂચવે છે. અત્યંત સરળતાપૂર્વક તેને ઓનલાઇન કે ઓફલાઇન વાપરી શકાય છે. તેને વિના મૂલ્યે http://www.gujaratilexicon.com  પરથી ડાઉનલોડ કરવાની સુવિધા ઉપરાંત તેની સી.ડી.નું પણ વિશ્વ આખામાં ‘ચંદરયા ફાઉન્ડેશન’ દ્વારા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને તે કામ હજી ચાલી રહ્યું છે. રતિલાલ ચંદરયાની આ સંઘર્ષગાથાની ઝલકનો અંદાજ ઉત્તમ ગજ્જર અને બળવંત પટેલ દ્વારા સંપાદિત પુસ્તિકા ‘કમ્પ્યૂટરની ક્લિકે’માંથી મળી રહે છે, જેની આ ત્રણ વરસમાં પંદર હજાર નકલોનું વિતરણ કરવામાં આવ્યું છે. રતિકાકાની પ્રકૃતિ એવી કે પોતે મહામુશ્કેલીએ એવરેસ્ટ પર પહોંચે પછી પહેલું કામ પોતાની આ સિદ્ધિના પુરાવારૂપે તેના પર ફોટો પડાવવાનું નહીં, પણ બીજાઓ માટે વધુ સરળ હોય એવો માર્ગ બનાવવાનું કરે, જેથી એવરેસ્ટ સૌ કોઇની પહોંચમાં આવી શકે. 
આ જ રીતે ગુજરાતી લૅક્સીકોનનું એવરેસ્ટ સર કર્યા પછી તેમનું બીજું લક્ષ હતું ગુજરાતી ભાષાના નવ લાખ શબ્દો, નવ હજાર પાનામાં સમાવતા નવ ભાગના અભૂતપૂર્વ ગ્રંથ ‘ભગવદ્ગોમંડળ’ના ડિજીટલાઇઝેશનનું.

પહેલી નજરે આ કામ અશક્ય લાગે, પણ અશક્ય લાગતા કામને શક્ય બનાવીને સૌ માટે સુલભ કરવું એ જ ચંદરયા પરિવારનો મંત્ર છે. આ કામ હાથ ધરવા માટે અમદાવાદમાં જ નવી ઑફિસ શરૂ કરવામાં આવી. અશોક કરણિયાની રાહબરી હેઠળ, કાર્તિક મિસ્ત્રી, સુમૈયા વોહરા, મૈત્રી શાહ, દેવળ વ્યાસ, પદ્મા જાદવ, શ્રુતિ અમીન માત્ર ટેકનિકલ નિષ્ણાતો જ નહીં, ખંતીલા અને સમર્પિત સાથીદારો બની રહ્યાં, જેમની મદદથી આ આખો પ્રોજેક્ટ ફક્ત સાડા અગિયાર મહિનાના વિક્રમ સમયમાં સંપન્ન થયો. અમદાવાદમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે તમામ અગ્રણી અંગ્રેજી-ગુજરાતી અખબારો-સામયિકોએ આ સીમાસ્તંભ સમી ઘટનાને મથાળે ચમકાવી હતી. લૅક્સિકોન અને ભગવદ્ગોમંડળની સી.ડી.માં બધું મળીને પાંત્રીસેક લાખ શબ્દો ડિજીટલ સ્વરૂપે સમાવાયેલા છે.  


આ પ્રોજેક્ટ અંગે રતિકાકા હળવાશથી કહે છે, “ખરેખર તો આ કામ કોઈ સાહિત્યની સંસ્થાનું, યુનિવર્સિટી કે સરકારનું છે, મને એ હજી નથી સમજાતું કે આમાં રતિલાલ ચંદરયા ક્યાંથી વચ્ચે આવી ગયા !”  


ઉંમરને કારણે શ્રવણશક્તિ તેમ જ દૃષ્ટિ ક્ષીણ થઈ હોવા છતાં, તેમના જુસ્સામાં જરા ય ઓટ આવી નથી. ટેલિફોનને બદલે લેપટૉપના સ્ક્રીન પાસે કાનનું કામ લેવાનું એમને ફાવી ગયું છે. મુંબઇમાં હોય ત્યારે જયેશભાઈ તેમની જરૂરતોનું ધ્યાન રાખે છે. સાદગીના પ્રતીક જેવા રતિકાકા અનેક દેશોમાંના પોતાનાં નિવાસસ્થાનોમાંથી ક્યાં ય પણ રહેતા હોય, આજે પણ પોતાનો મોટા ભાગનો સમય કમ્પ્યૂટર પર ગાળે છે અને ઇ-મેઇલના માધ્યમ થકી પોતાના પરિવારજનોના તેમ જ ઉત્તમ ગજ્જર, તુષાર ભટ્ટ, બળવંત પટેલ, વિપુલ કલ્યાણી, મનસુખલાલ શાહ જેવા અનેક સાથીમિત્રોના જીવંત સંપર્કમાં રહે છે.  


હવે પછીનો તેમનો પ્રકલ્પ છે ‘લોકકોશ’નો, જેનો વિધિવત આરંભ 27 ઓક્ટોબર, 2009ના રોજ કરવામાં આવ્યો. ગુજરાતીમાં વ્યાપક રીતે વપરાતા, પણ કોઈ પણ કોશમાં હજી સ્થાન ન પામેલા અન્ય ભાષાના શબ્દોને લોકસહકારથી વીણી વીણી સમાવવાનો તેનો ઉપક્રમ છે. કોઈ પણ શબ્દપ્રેમી એમાં ભાગ લઈ ફાળો આપી શકશે. નિષ્ણાતોની સમિતિ આ શબ્દોને, તેના અર્થને ચકાસીને  તેમને યોગ્ય લાગશે તો એ શબ્દો મોકલનાર(શબ્દદાતા)ના નામ સાથે ‘લોકકોશ’માં સ્થાન આપશે. આ પ્રોજેક્ટ અંગે આપણે સાશંક થઈને પૂછવા જઈએ તો રતિકાકા તેમના ટ્રેડમાર્ક જેવું મૃદુ હાસ્ય કરતાં તરત કહે છે, “મેં એક જ વાત મનમાં રાખી છે, અને તે એ કે, કોઈ પણ બાબતમાં ‘ના’ સ્વીકારવી નહીં.” તેમના મૃદુ હાસ્ય પછવાડે રહેલી તેમની  ‘ભીષ્મવિચારદૃઢતા’નો ખ્યાલ ત્યારે જ આવે છે !

(માહિતીવિશેષ: ઉત્તમ ગજ્જર, સુરત)

(‘ગુર્જરરત્ન’ સ્થંભ, “અહા ! જીંદગી”, ડિસેમ્બર 2009)

http://birenkothari.blogspot.com

e.mail : [email protected]

A/403, Saurabh Park, B/h Samta Flats, Subhanpura, Vadodara-23.(Gujarat) India. 

Category :- Profile