PROFILE

કરમશી Chronicle

બાબુ સુથાર
09-01-2020

“… Memory takes us into the environing world as well as into our individual lives.”

— Edward S. Casey

Remembering : A Phenomenological Study

સ્મૃતિનું પણ એક રાજકારણ હોય છે.

સૌથી પહેલું રાજકારણ તે અનુપસ્થિતિનું. આપણે જેને પણ યાદ કરતા હોય એ યાદ કરવાના સમયે અને સ્થળે અનુપસ્થિત હોવું જોઈએ. આપણી સમક્ષ ઉપસ્થિત હોય એને આપણે યાદ ન કરી શકીએ.

આ અનુપસ્થિતિનું પણ એક રાજકારણ હોય છે.

ક્યારેક એ નિશ્ચિત સમય માટે હોય તો ક્યારેક અનિશ્ચિત સમય માટે. જે અનિશ્ચિત સમય માટે હોય છે એને મરણ સાથે સંબંધ હોય છે.

મરણ જે તે વ્યક્તિની સ્મૃતિને અમર બનાવતું હોય છે; અવિસ્મરણીય બનાવતું હોય છે. મરણ જીવનના બદલામાં આવી સ્મૃતિની ભેટ આપતું હોય છે પણ જે મરણ પામે છે એને નહીં. અન્યોને. મરણની આ ક્રૂરતાનો કોઈ જ વિકલ્પ નથી. ક્યારેક એવું લાગે કે સ્મૃતિ અને મરણની વચ્ચે પણ કોઈક સમજૂતી થયેલી છે.

સ્મૃતિનું એક બીજું રાજકારણ પણ છે.

આપણે કોઈકને યાદ કરીએ ત્યારે આપણે આપણને પણ યાદ કરવા પડે. બીજા શબ્દોમાં : આપણે આપણને ભૂલી જઈને બીજાને યાદ ન કરી શકીએ. એથી સ્મૃતિ એકની જીવનકથા અને બીજાની આત્મકથા બની જતી હોય છે.

સ્મૃતિનું આ ભયસ્થાન સ્મૃતિનું ઘરેણું છે. ‘કરમશી Chronicle’ એક અર્થમાં કરમશી પીરની જીવનકથા છે; તો મારી આત્મકથા પણ છે.

જેમ સ્મૃતિનું એમ શોકાંજલિનું પણ રાજકારણ હોય છે :

આભાર દેરિદાનો.

Politics of Friendshipમાં એ કહે છે : બે મિત્રોમાંથી એક પહેલાં જાય તો જ બીજો એને શોકાંજલિ આપી શકે. એ કહે છે : આ law છે મૈત્રીનો. હું માનું છું : અમારા બન્નેમાંથી કોઈ એક પહેલાં જશે એ શરતે જ બે વ્યક્તિઓ વચ્ચે મૈત્રી શક્ય બનતી હોય છે.

સ્મૃતિ અને શોકાંજલિ વચ્ચે પણ કોઈક સમજૂતિ થયેલી છે. એથી જ મરણ પામેલા મનુષ્યની સ્મૃતિકથા શોકાંજલિ પણ બની જતી હોય છે.

મને એ તારીખવાર યાદ નથી. પણ એ દિવસ યાદ છે : હું ભરત નાયક અને ગીતા નાયકનો મહેમાન હતો. એ દંપતી એમનાં બે ભૂલકાં – આકાશ અને આલોક – સાથે મુંબઈના પૂર્વ ધાટકોપરમાં રહેતાં હતાં. હું ત્યાં પહોંચ્યો એ દિવસે જ ભરતભાઈ મને કહે : આપણે સાંજે કરમશી પીરને મળવા જવાનું છે. કરમશીભાઈ પણ પૂર્વ ઘાટકોપરમાં જ રહેતા હતા. ભરતભાઈના ઘેરથી એમનું ઘર તદ્દન નજીક. ચાલતાં દસ કે પંદર મિનિટ લાગે. ભરતભાઈ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં સુરેશ જોષીના હાથ નીચે પીએચ.ડી. કરતા હતા ત્યારે હું એમને મળેલો. એ વખતે એમણે મને કરમશીભાઈની વાતો કરેલી. ત્યારે મને એ કોઈક પુરાકથાના પાત્ર જેવા લાગેલા. ભરતભાઈ જ્યારે પણ એમની વાત કાઢતા ત્યારે હું મનોમન એમનું ચિત્ર બનાવતો. એમણે મને વારંવાર એક વાત કરેલી : “બાબુડિયા, બૌ મોટા વિદ્વાન હોં. સુરેશભાઈ જેવા જ. પણ લખે નહીં. બૌ બોલે પણ નહીં. ક્યારેક તો સુરેશભાઈને પણ નવાં પુસ્તકો સૂચવે.” ત્યારે હું ભરતભાઈ પર પૂરો ભરોસો મૂકતો. એ જે કહેતા એ હું માની લેતો. જો કે, એ દિવસોમાં હું સુરેશભાઈના એટલા બધા પ્રભાવ હેઠળ હતો કે કોઈ માણસ સુરેશ જોષી જેવો વિદ્વાન હોય અને એ ગુજરાતી હોય એ વાત તરત જ મારા ગળે ઊતરતી નહીં. હું જાણું છું કે, એ માન્યતાને મારી સમજણ કરતાં તો મારી મુગ્ધતા સાથે વધારે સંબંધ હતો. એથી જ તો એ દિવસે જ્યારે ભરતભાઈએ મને કહ્યું કે આપણે આજે સાંજે કરમશીભાઈને મળવા જવાનું છે ત્યારે હું મનોમન મારી જાતને તૈયાર કરવા લાગેલો.

હું કરમશીભાઈને મળવા માટે મારી જાતને તૈયાર કરી રહ્યો હતો એ દરમિયાન ભરતભાઈએ મને કરમશીભાઈની ઘણી બધી વાતો કરેલી. સૌ પહેલાં તો એમણે એમના ફોટોગ્રાફીના વ્યવસાયની વાત કરેલી. પણ, એ વાત કરતાં ભરતભાઈએ મને ભારપૂર્વક કહેલું કે કરમશીભાઈ સામાન્ય ફોટોગ્રાફર નથી. કળાકાર છે અને ફિલસૂફ પણ. એમણે એમ પણ કહેલું કે કરમશીભાઈ સુરેશભાઈ કરતાં પણ સારું બંગાળી જાણે છે. સત્યજિત રે અને બીજા ઘણા બંગાળી ફિલ્મ દિગ્દર્શકો પણ એમને અંગત રીતે ઓળખે છે. એમણે બોર્હેસ પણ વાંચ્યો છે. સુરેશભાઈનાં તો એમણે એકેએક લખાણ વાંચેલાં છે. પછી, એમણે ખાસ ઉમેરેલું, “કરમશીભાઈ બહુ બોલે નહીં. એ મૌનના માસ્ટર છે. ઝેન માસ્ટર જેવા. ઝેન માસ્ટર કેવા silenceથી વાત કરે. કરમશીભાઈ પણ એ જ રીતે silenceથી વાત કરે.” એ જમાનામાં મેં ઝેન માસ્ટરો વિષે ખાસ વાંચેલું નહીં. પણ, ત્યારે ખૂબ પ્રખ્યાત બનેલું ‘Zen Flash, Zen Bones’ પુસ્તક વાંચેલું. એની પ્રસ્તાવનામાં કે બીજે ક્યાંક મેં ઝેન માસ્ટરની એક વાત વાંચેલી. એના પરથી મેં ઝેન માસ્ટરની આવી કંઈક ઇમેજ બનાવેલી : એની દાઢી હવામાં લહેરાતી હોય. એનું પેટ જરાક મોટું હોય. એ ખડખડાટ હસતો હોય. એ કદી પણ ઇરેઝરનો ઉપયોગ ન કરે. કેમ કે એ માસ્ટર હોય છે. માસ્ટર કદી પણ ભૂલ ન કરે. મેં કરમશીભાઈને પણ ઘડીભર તો એવા જ ધારી લીધેલા.

સાંજ થઈ એટલે ભરતભાઈ મને લઈને કરમશીભાઈના ઘેર જવા નીકળ્યા. ત્યારે મને મહાનગરોનો ખાસ અનુભવ ન હતો. મેં અમદાવાદ જોયેલું. વડોદરા જોયેલું. હકીકતમાં તો હું એ બન્ને શહેરોમાં રહેલો પણ ખરો. જો કે, અમદાવાદમાં તો કેવળ ત્રણ જ મહિના. એથી મારું મુંબઈ થોડુંક નિરંજન ભગતની કવિતાથી અને થોડુંક ચંદ્રકાન્ત ટોપીવાળાની કવિતાઓથી ઘડાયેલું. જો કે, એ બન્ને કવિઓએ મુંબઈમાં રસ્તો ઓળગંવાની મુશ્કેલીઓ પર કોઈ કવિતા ન હતી લખેલી. એટલે મારી કલ્પનાના મુંબઈમાં એ મુશ્કેલીઓનો કોઈ જ સમાવેશ થયેલો ન હતો. જ્યારે ભરતભાઈ મને કરમશીભાઈના ત્યાં લઈ જવા નીકળ્યા ત્યારે મને એ મુશ્કેલીઓનો અનુભવ થયેલો. મને હજી પણ થાય છે કે કેમ આ બન્ને કવિઓએ મુંબઈમાં રસ્તો ઓળંગવાની મુશ્કેલીઓ પર કોઈ કવિતા નહીં લખી હોય. ઉરુગ્વેના લેખક ગાલેઆનોએ એક મહાનગરમાં રસ્તો ઓળંગવાની રાહ જોઈ રહેલા એક માણસની વાત કરી છે. હમણાં ટ્રાફિક ઓછો થશે ને હમણાં હું રસ્તો ઓળંગીશ એમ માનતો માણસ ખાસ્સી રાહ જોયા પછી એક માણસને પૂછે છે : આ ટ્રાફિક ક્યારે ઓછો થશે? મારે રસ્તો ઓળંગવો છે. પેલો માણસ કહે છે : ખબર નહીં. હું જનમ્યો ત્યારનો અહીં એની જ રાહ જોતો બેઠો છું. ગાલેઆનો લેટિન અમેરિકાનો ઇતિહાસ આવા રમૂજી ટૂચકાઓથી લખે છે. ભરતભાઈ તો સરળતાથી રસ્તો ઓળંગતા. પછી રસ્તાની પેલી બાજુએ ઊભા રહી અકળાતા મારી રાહ જોતા. એ અનુભવ હજી પણ એટલો જ તાજો છે. એનો ઉલ્લેખ કરતી વખતે મને હજી ઘાટકોપરના રસ્તાઓ પર દોડતી રિક્ષાઓનાં હોર્નનો અવાજ સંભળાતો હોય છે.

એમ કરતાં અમે કરમશીભાઈના ઘેર પહોંચ્યા. ભરતભાઈએ ડૉરબેલનું બટન દબાવ્યું. સામેથી બારણું ખૂલ્યું. ભરતભાઈએ કહ્યું : દાદુ, હું મારી સાથે બાબુ સુથારને લઈને આવ્યો છું. મેં બહાર ઊભા ઊભા કરમશીભાઈ પર સહેજ નજર નાખી. એમને પેલા ઝેન માસ્ટર જેવી દાઢી ન હતી. એ પેલા ઝેન માસ્ટર જેવા જાડાતગડા પણ ન હતા. મેં એ બાબતની નોંધ લીધી. પછી અમે અંદર ગયા. એમની બેઠકરૂમમાં બેઠા. ભરતભાઈએ એ દરમિયાન મારો પરિચય આપવાનું ચાલુ રાખેલું : “બાબુ, સુરેશભાઈનો વિદ્યાર્થી છે. એને પણ અસ્તિત્વવાદ, ફિનોમિનોલોજી, બધામાં રસ છે. એ પણ વાંચે છે બહુ.” કરમશીભાઈએ મારી સામે જોયું. મેં એમની સામે. અમારી નજર એક થઈ. પણ એ કશું બોલ્યા નહીં અને હું પણ. મારા મનમાં એ વખતે ભરતભાઈનું પેલું વાક્ય ગુંજતું હતું : કરમશીભાઈ ઝેન માસ્ટર જેવા છે. બહુ બોલે નહીં. મૌનથી જ વાત કરે. મારે એમના મૌનને સાંભળવાનું હતું. પણ, એ ક્ષમતા ત્યારે મારામાં ન હતી.

કરમશીભાઈના બેઠકખંડમાં બેઠા બેઠા મારી નજર એમનાં પુસ્તકો પર ગઈ. પછી હું બેઠો બેઠો એ પુસ્તકોનાં નામ વાંચવા લાગ્યો. કદાચ મને પુસ્તકો જોતાં જોઈને જ એમણે મને કહ્યું હશે : “જુઓ પુસ્તકો. વાંધો નહીં.” મારા માટે આટલું વાક્ય પૂરતું હતું. હું તરત જ ઊભો થઈ એમનાં પુસ્તકો પાસે ગયો. ત્યારે હું પણ પુસ્તકો વસાવતો. પણ, દેખીતી રીતે જ ત્યારે મારી ખરીદક્ષમતા અને વાંચનક્ષમતા પણ ઘણી ઓછી હતી. એની તુલનામાં કરમશીભાઈનાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી હતી. એમણે મોટા ભાગનાં પુસ્તકો વ્યવસ્થિત રીતે ગોઠવ્યાં હતાં. જો કે, કેટલાંક આડાં હતાં, કેટલાંક અવળાં પણ. કેટલાંકની ઉપર બદામી કે ખાખી રંગનાં પૂઠાં ચડાવેલાં હતાં. કેટલાંકનાં પૂંઠાં ક્યાંકથી બહાર આવી ગયેલાં હતાં. કેટલાંકનાં સહેજ ફાટી ગયેલાં. એમાં કવિતાનાં પુસ્તકો હતાં. ફિલસૂફીનાં પણ. એમાં મેર્લો પોન્તિનું The Phenomenology of Perception પણ હતું. સુરેશભાઈએ એ પુસ્તકની પ્રસ્તાવના અને એનાં આરંભનાં બેત્રણ પ્રકરણો મારી સાથે બેસીને વાંચી સમજાવેલાં. ત્યારે મેં એકાદબે વાર એ પુસ્તકને સ્પર્શ કરેલો. એ જમાનો જુદો જ હતો. ત્યારે અમુક પુસ્તકોને સ્પર્શવા જેવી ઘટના પણ જીવનની એક મહાન ઘટના ગણાતી. એ જ પુસ્તક કરમશીભાઈના ત્યાં જોઈને મને ભરતભાઈનું પેલું વાક્ય યાદ આવી ગયેલું : સુરેશભાઈ જેવા જ વિદ્વાન છે કરમશીભાઈ. ખાલી લખતા નથી એટલું જ. મેં એ પુસ્તક કરમશીભાઈના કબાટમાંથી કાઢ્યું. મને એમ કરતાં જોઈને કરમશીભાઈ કહે : “જે જોવું હોય તે કાઢીને જુઓ. બધાં આડાંઅવળાં છે.”

દેખીતી રીતે જ, કરમશીભાઈનાં પુસ્તકો જોતી વખતે મને થયેલું કે મારી પાસે પણ ક્યારે આવાં પુસ્તકો આવશે. પછી હું એમાંથી બેત્રણ પુસ્તકો કાઢીને પાછો ભરતભાઈ અને કરમશીભાઈ પાસે આવ્યો. મેં જોયું તો બન્ને મૌન બેઠા હતા. મને આવેલો જોઈને ભરતભાઈ કરમશીભાઈનાં પુસ્તકો પર ગૌરવ લેતાં કહે : “છે ને. કેવાં લાગ્યાં કરમશીભાઈનાં પુસ્તકો?” મારે ‘અદ્દભુત’ સિવાય બીજો કોઈ શબ્દ વાપરવાનો ન હતો. પણ, એમ કહીને મેં ઉમેરેલું : “જે પુસ્તકો વિષે સાંભળ્યું હોય એ જ પુસ્તકો જોવા મળે, એમને સ્પર્શવા મળે એટલે કોને આનંદ ન થાય?”

પછી ભરતભાઈએ એમના થેલામાંથી એક ફોટો કાઢીને કરમશીભાઈને આપ્યો. એ ફોટા વિષે કદાચ એ બન્નેએ અગાઉ ફોન પર કરી હશે. એ ફોટો ભરતભાઈએ પાડેલો હતો પણ કોણ જાણે કેમ એમને એ ફોટો કળાની દૃષ્ટિએ ક્યાંક ઊતરતો લાગતો હતો. કરમશીભાઈએ એ ફોટા પર નજર નાખી. પછી, એ ઊભા થયા. ત્યારે એમના ઘરમાં જ ફોટો લેબોરેટરી હતી. એ ત્યાં ગયા અને એક કાતર લઈને પાછા આવ્યા. પછી કંઈ પણ બોલ્યા વગર એમણે કાતરથી એ ફોટાની કેટલીક બાજુઓ કાપી નાખી અને ત્યાર બાદ એ ફોટો ભરતભાઈને આપ્યો. એ ફોટો જોતાં જ ભરતભાઈ બોલી ઊઠેલા,“માસ્ટર જ આવું કરી શકે.” કરમશીભાઈએ કાતર વડે એ ફોટાની, એમને વધારાની લાગેલી જગ્યા, કાપી નાખેલી. એ પણ ભરતભાઈને પૂછ્યા વિના. એમની સાથે એ વિષે કોઈ ચર્ચા કર્યા વિના. એને કારણે એ ફોટાની ઇમેજ ખસીને યોગ્ય જગ્યાએ આવી ગઈ હતી. એ જોઈને ભરતભાઈએ ખાલી નાચવાનું જ બાકી રાખેલું. પછી એમણે એ ફોટો મને બતાવેલો. મારે તો માથું હલાવવા સિવાય કંઈ કરવાનું ન હતું. કેમ કે ત્યારે એવી કોઈ કળાસૂઝ ત્યારે મારામાં ન હતી. હું પુસ્તકો વાંચી જાણતો એટલું જ. પણ, કરમશીભાઈને એ રીતે ફોટાની બાજુઓ કાપતાં મને ફિલસૂફ વિત્ગેન્સ્ટાઈનના જીવનનો એક પ્રસંગ યાદ આવી ગયેલો. એક વાર ફિલસૂફ એનસ્કૉમ્બે એમનો નવો જ કોટ પહેરીને વિત્ગેન્સ્ટાઈન પાસે આવ્યાં અને પૂછ્યું, “કેવો લાગે છે આ કોટ?” વિત્ગેન્સ્ટાઈને ઊભા થઈ, કાતર લાવી, એ કોટને નીચેથી કાપી નાખીને કહેલું કે હવે સારો લાગે છે. કરમશીભાઈએ પણ એમ જ કરેલું અને કહેલું, “હવે, સારો લાગે છે.”

કરમશીભાઈ સાથેની આ મારી પહેલી મુલાકાત.

પછી તો હું જ્યારે પણ મુંબઈ જતો ત્યારે અચૂક કરમશીભાઈને મળવા જતો. ક્યારેક ભરતભાઈની સાથે, ક્યારેક એકલો.

ત્યાર પછી મને સંતરામપુરની આદિવાસી આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલજમાં અધ્યાપકની નોકરી મળી. હું વડોદરા છોડીને ત્યાં ગયો. એ સાથે મારું મુંબઈ જવા-આવવાનું પણ ઓછું થઈ ગયું. પણ, એવું બેએક વરસ જ ચાલ્યું. પછી મને મુંબઈના વિલે પાર્લેમાં આવેલી મણિબેન નાણાવટી વિમેન્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપકની નોકરી મળી એટલે હું સંતરામપુર કૉલેજમાંથી રાજીનામું આપી દઈ મુંબઈ આવ્યો.

એ નોકરીના શરૂઆતના દિવસો દરમિયાન હું ભરતભાઈની સાથ ઘાટકોપરમાં રહેતો હતો. દેખીતી રીતે જ, ત્યારે હું કરમશીભાઈને અવારનવાર મળવા જતો. રવિવારે સાંજે તો ખાસ. કેમ કે દર રવિવારે સાંજે એમના ત્યાં સાહિત્યકારો, કળાકારો, સિનેરસિયાઓની એક અનૌપચારિક મંડળી મળતી. એ મંડળીમાં ભરતભાઈ, વીરચંદભાઈ, પ્રાણજીવન મહેતા, કમલ વોરા, ચિત્રકાર અતુલ ડોડિયા, પીયૂષ શાહ, પ્રબોધ પરીખ, રતિકાકા અને બીજા કેટલાક મિત્રો તથા વડીલો આવતા. રતિકાકા કરમશીભાઈના ખાસ ભાઈબંધ. એમને પણ વાંચનનો શોખ. એ અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર પરનાં પુસ્તકો વાંચતા. એમને શિક્ષણમાં પણ ઘણો રસ. એ મંડળીમાં મોટે ભાગે સાહિત્યની અને કળાની વાતો થતી. કોઈક રસ પડે એવું લખાણ પ્રગટ થયું હોય તો ત્યાં એની પણ ચર્ચા થતી. બધી અનૌપચારિક. વીરચંદભાઈ હંમેશાં કોઈકને કોઈક નવી વાત લઈ આવતા. ત્યારે એ આખા મુંબઈની પુસ્તકોની દુકાનોએ ફરતા અને આપણે કલ્પના પણ ન કરી હોય એવાં સામયિકો કે એવાં પુસ્તકો લઈ આવતા. એમના અંગત પુસ્તકાલય વિશે એક સ્વતંત્ર લેખ કરવો પડે. કેમ કે એ કેવળ પુસ્તકાલય જ નથી. એ એક archive પણ છે. એ મંડળીમાં ચાપાણી પણ થતાં. કરમશીભાઈના બન્ને ભત્રીજા, રાજુભાઈ અને ઉલ્લાસભાઈ, સતત બધાની સેવા માટે હાજર રહેતા. કરમશીભાઈ મંડળીમાં બેઠા બેઠા જોરથી રાજુભાઈના નામની કે એમનાં પત્ની જયશ્રીબેનના નામની બૂ઼મ પાડે અને જાણે કે બધું પહેલથી ગોઠવી રાખ્યું હોય એમ ચાનાસ્તો પણ આવી જતાં. છેલ્લે, એ બેઠકમાં જે બેચાર જણ બચ્યા હોય એ નજીકમાં જ આવેલી કોઈક રેસ્ટોરાંમાં જતા અને સાંજનું વાળુ કરતા. એમાં વીરચંદભાઈની હાજરી અવશ્ય રહેતી.

મને વડોદરા કરતાં મુંબઈમાં વધારે ફાવતું હતું. ખાસ કરીને સુરેશભાઈના અવસાન પછી. વડોદરામાં મિત્રો હતા, વડીલો પણ હતા પણ જ્યારે પણ હું એમને મળવા જતો ત્યારે કોણ જાણે કેમ કશું જ બનતું ન હોય એવો અનુભવ થતો. કદાચ, હું સુરેશભાઈની વધારે નિકટ હતો એ પણ એક કારણ હોઈ શકે. કેમ કે એ વરસો દરમિયાન સુરેશભાઈના ઘણા મિત્રો એમનાથી દૂર થવા લાગ્યા હતા. કદાચ બધા પોતપોતાની ઓળખની શોધમાં હતા. મને વડોદરામાં એવું લાગતું હતું કે મારે હજી સાબિત કરવાનું છે કે હું છું. પણ, મુંબઈમાં મારે એવું કશું સાબિત કરવાનું ન હતું. બધા મને સ્વીકારી લેતા હતા કે હું સુરેશભાઈનો વિદ્યાર્થી છું અને મને સાહિત્યમાં તથા ફિલસૂફીમાં રસ છે.

એ જ દિવસો દરમિયાન અતુલ એનો અભ્યાસ પૂરો કરીને ત્યાં ઘાટકોપરમાં જ આવેલા એના સ્ટુડિયોમાં વ્યસ્ત થઈ ગયો હતો. કરમશીભાઈ મને ઘણી વાર અતુલના સ્ટુડિયો પર લઈ જતા. કરમશીભાઈના ઘેરથી અતુલનો સ્ટુડિયો ઘણો નજીક હતો. પણ, કરમશીભાઈ રિક્ષા કરતા. એમને પૂર્વ ઘાટકોપરથી પશ્ચિમ ઘાટકોપર જવા માટેનો પુલ ઓળંગવાનું ગમતું નહીં. હું એમને ક્યારેક કહેતો કે સમીસાંજે આ પુલ કાફ્કાની નવલકથામાં આવે એવો લાગતો હશે. એમને ટ્રાફિકની અડફેટમાં આવી જવાનો ડર પણ લાગતો હતો. મને તો આમે ય મુંબઈના રસ્તા ઓળંગવાની તકલીફ હતી. એટલે કરમશીભાઈ રિક્ષા કરે તો મને એ વધારે ગમતું. અતુલના સ્ટુડિયોમાં ચિત્રો જોઈને ઘેર આવતાં કરમશીભાઈ એ ચિત્રોની વાત કરતા. મોટા ભાગનાં ચિત્રો વિશે એક કે બે વાક્યો કહેતા પણ એટલાં વાક્યો પૂરતાં હતાં. એક વાર એમણે અતુલના ‘કુર્લા’ ચિત્રની વાત કરેલી. મેં એમને કહેલું કે એમાં મને તો ખૂબ ‘હિંસા’ દેખાય છે. અતુલ એમાં signifier અને signified વચ્ચેનો ભેદ ભૂંસી નાખીને representation કે mimesisના ખ્યાલને જ ભૂંસી નાખે છે. કરમશીભાઈએ કહેલું, “તમે અતુલને આ વાત કરજો. એને ખૂબ ગમશે.” પણ એ વખતે મને આવી વાત કરવા જેટલો આત્મવિશ્વાસ ન હતો.

પછી હું ઘાટકોપરથી વિલે પાર્લે રહેવા ગયો. ત્યાં ગયા પછી પણ હું લગભગ દર રવિવારે કરમશીભાઈને ત્યાં જતો.

મણિબેન નાણાવટી કૉલેજમાં મેં એક સત્ર નોકરી કરી અને પાછી મારી નોકરી ગઈ. કારણની હજી ય મને ખબર નથી. મને કહેવામાં આવ્યું કે સરકાર તમારી નિમણૂક મંજૂર કરતી નથી. જે હોય તે. મને હવે અત્યારે એમાં રસ નથી. એ જ સમયગાળામાં મુંબઈમાં ‘ગુજરાત સમાચાર’ શરૂ થઈ રહ્યું હતું. મને એમાં સબ એડિટરનું કામ મળી ગયેલું. તદ્ઉપરાંત, હું મણિબેન નાણાવટી કૉલેજમાં પાર્ટ ટાઈમ તો ભણાવતો જ હતો.

એ દિવસો દરમિયાન હું અને કરમશીભાઈ ક્યારેક સાથે મુંબઈમાં પુસ્તકોની દુકાનોએ જતા. ક્યારેક વીરચંદભાઈ તો ક્યારેક રતિકાકા તો ક્યારે એ બન્ને અમારી સાથે આવતા. કરમશીભાઈ પુસ્તકો ખરીદવામાં સહેજ પણ સંકોચ નહોતા રાખતા. શરત માત્ર એટલી કે એ પુસ્તક એમને ગમી જવું જોઈએ. એ મોટે ભાગે ચિન્તનાત્મક પુસ્તકો ખરીદતા. હવે તો અમારી વચ્ચેનો સંબંધ વધારે ગાઢ બન્યો હતો. એ મને પુસ્તકો વાંચવા માટે પણ આપતા.

મુંબઈમાં બીજું સત્ર પૂરું થયું પછી હું મુંબઈથી પાછો વડોદરા આવ્યો. ત્યારે ગુજરાતમાં ગુજરાતી વિષયના અધ્યાપકની નોકરી સરળતાથી મળે એમ ન હતું. કેમ કે સરકારે શિક્ષણની નવી પદ્ધતિ અપનાવેલી. એના કારણે ગુજરાતી વિષયના ઘણા અધ્યાપકો ફાજલ પડ્યા હતા. એટલે મેં વડોદરાથી શરૂ થઈ રહેલા ‘સંદેશ’માં સબ-એડિટરની નોકરી લીધેલી. એ જ દિવસોમાં મને લાગેલું કે ગુજરાતી વિષયમાં મારું કોઈ ભાવિ નથી એથી મારે મારી દિશા બદલી નાખવી જોઈએ. મેં ગુજરાતી વિષય સાથે એમ.એ. કર્યા પછી ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા કરેલો. એને કારણે પણ મને ભાષામાં ઘણો રસ હતો. એટલે મેં ભાષાશાસ્ત્ર સાથે બીજું એમ.એ. કરવાનું નક્કી કર્યું અને એ માટે એમ.એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં પ્રવેશ લઈ લીધો.

ત્યારે પણ હું અવારનવાર મુંબઈ જતો. ખાસ કરીને પુસ્તકો ખરીદવા માટે. ત્યારે હું ભરતભાઈના ત્યાં રોકાતો. પછી શનિવારની કે રવિવારની સવારે હું કરમશીભાઈના ત્યાં જતો. એ ક્યારેક મારી સાથે મુંબઈ આવતા. રાબેતા મુજબ અમે સાથે પુસ્તકોની દુકાનોમાં ફરતા. એટલું જ નહીં, અમે ઘણી વાર એમની કેટલીક માનીતી રેસ્ટોરાંમાં પણ જતા. એ મોટે ભાગે કૉફી પીતા. હું પણ. ક્યારેક દક્ષિણ ભારતીય વાનગી ખાતા. આ લખતી વખતે પણ મને એ બધી રેસ્ટોરાં દેખાય છે, એમનાં ટેબલ દેખાય છે અને એ ટેબલ પરના પાણીના ગ્લાસ પણ દેખાય છે. પણ, એમનાં નામ યાદ આવતાં નથી. કરમશીભાઈ એક વાર મને હોંશે હોંશે એક ગુજરાતી થાળી ખવડાવવા એક રેસ્ટોરાંમાં લઈ ગયેલા. ‘પુરોહિત’ કે ‘ગુજરાત’ કે એવું કંઈક નામ હતું એનું. એ રેસ્ટોરાંનો માહોલ પરંપરાગત હતો. મને એમાં પ્રવેશતાં જ પેલો ‘આંધળી માનો કાગળ’ યાદ આવી ગયેલો. મને થયેલું કે ગીગાએ આવી જ કોઈક રેસ્ટોરાંમાં ખાધું હશે. પછી થાળી આવી. મેં ધારી’તી એના કરતાં બમણા કદની. એમાં છસાત વાડકીઓ. પિરસણીયો દાળ પણ શાકની જેમ ‘નાખતો’. ખાવાનું કંઈ એટલું બધું સારું ન હતું. પણ, અમે બન્નેએ ધરાઈને ખાધેલું. ખાધા પછી કરમશીભાઈએ કહેલું, “હવે મુંબઈ બગડી ગયું. એક જમાનામાં આ રેસ્ટોરાંનો દબદબો હતો. આ ગુજરાતી ખાવાનું ગુજરાતી લાગ્યું જ નહીં. હવે પછી આપણે બીજી કોઈક રેસ્ટોરાંમાં જઈશું.” મુંબઈમાં રહેતા ગુજરાતીઓના ઘરઝુરાપાનાં અનેક સ્વરૂપો હોય છે. કચ્છમાં વરસાદ પડે તો મુંબઈમાં વસતા કચ્છીઓ એની ઉજવણી કરે. આ એક ઘરઝુરાપો. અને મુંબઈની પરંપરાગત ગુજરાતી વીશીઓનું ખાવાનું ‘બગડી જાય’ તો એનો ય એમને ઘરઝુરાપો. મને ઘણી વાર લાગે છે કે મુંબઈમાં વસતા ગુજરાતીઓનાં એક વિશિષ્ટ અર્થમાં એક નહીં, અનેક ઘર હોય છે અને એ જ રીતે અનેક ઘરઝુરાપા પણ.

ઘણી વાર કરમશીભાઈ અને હું સાથે ચાલવા જતા. ખાસ કરીને સવારે. એમના ઘરની નજીકમાં જ એક બગીચો હતો. અમે ત્યાં બેસતા. રતિકાકા પણ ત્યાં આવતા. ક્યારેક પ્રાણજીવનભાઈ પણ. ક્યારેક કરમશીભાઈના બીજા મિત્રો પણ. પછી વળતી વખતે એમની એક ખાસ ચાની દુકાન આવતી. ત્યાં એ ચા પીવા રોકાતા. હું પણ એમને સાથ આપતો. ત્યાંથી પછી ઘેર આવતાં રસ્તામાં ‘એમની’ પાનની દુકાન આવતી. એ ત્યાં ઊભા રહે એટલે દુકાનવાળો એમનાં પાન બનાવી દે. કરમશીભાઈએ કંઈ કહેવું ન પડે. એ ખાલી મારા ભણી નિર્દેશ કરીને એટલું બોલે : “એક આમનું પણ.” આ એમનો કાયમનો ક્રમ. ઘણી વાર ભરતભાઈ કરમશીભાઈના ત્યાં જતા ત્યારે એ જ પાનની દુકાને જતા ને કરમશીભાઈનું નામ બોલતા. કરમશીભાઈનાં પાન તૈયાર થઈ જતાં.

કરમશીભાઈ ઘણી વાર મારી સાથે પુસ્તકોની દુકાને નહોતા આવતા. મુંબઈની ટ્રેનોમાં પ્રવાસ કરવાનું કામ આમે ય અઘરું હતું. એ ક્યારેક કહેતા પણ ખરા : “હવે મારી ઉંમર નથી રહી. એક જમાનામાં મેં લટકી લટકીને બહુ પ્રવાસ કર્યો છે.” ઘણી વાર એ ટેક્સી કરતા અને અમે સાથે ટેક્સીમાં મુંબઈ જતા. પછી વળતા ટ્રાફિક ઓછો થાય ત્યારે ટ્રેનમાં પાછા આવતા. ક્યારેક રતિકાકા એમની કાર લઈને અમારી સાથે આવતા. એ પણ, મેં અગાઉ નોંધ્યું છે એમ, પુસ્તકોના શોખીન જીવ. ક્યારેક અમે મુંબઈ પહોંચીએ પછી વીરચંદભાઈ અમારી સાથે જોડાતા. એ વખતે એ લગભગ રોજ મુંબઈની એશિયાટિક લાયબ્રેરીમાં આવતા. ત્યાં બેસતા ને કામ કરતા. ત્યાં એમનું એક અલગ ટેબલ હતું. ત્યારે તો મોબાઇલ ફોન હતા નહીં એટલે કરમશીભાઈ પહેલેથી ફોન કરીને આખું ટાઈમટેબલ ગોઠવી દેતા. અમે નક્કી કરેલા સમયે નક્કી કરેલી પુસ્તકોની દુકાને કે રેસ્ટોરાં પર પહોંચી જતા. પછી બધા ત્યાં ભેગા થતા.

ઘણી વાર હું વડોદરાથી મુંબઈ જાઉં, ભરતભાઈના ત્યાં ઊતરું. સવારે ચાનાસ્તો કરું અને પછી તરત જ કરમશીભાઈના ત્યાં પહોંચી જાઉં. જો એ મારી સાથે મુંબઈ ન આવવાના હોય તો હું નીકળું ત્યારે એ હળવેથી ઊભા થઈ, બીજા ઓરડામાં જઈ, ક્યારેક હજાર, ક્યારેક બે હજાર અને ક્યારેક પાંચ હજાર રૂપિયા લાવીને મારા હાથમાં મૂકતા અને કહેતા, “તમને જે પુસ્તકો ગમે એ લઈ આવજો.” હું પહેલાં બાન્દ્રા જતો. ત્યાં પુસ્તકોની એક સરસ દુકાન હતી. એ જમાનામાં સિદ્ધાન્તચર્ચાનાં પુસ્તકો એ દુકાનમાં મળતાં. જો કે, ત્યાં બધાં જ મૂળ કિંમતમાં. મેં ભાગ્યે જ ત્યાંથી બેત્રણ પુસ્તકો ખરીદ્યાં હશે. પણ નવાં નવાં પુસ્તકો જોવાનું બહુ ગમતું, જીવ બાળવાનું પણ બહુ ગમતું. એક વાર એક જુવાનિયો ત્યાં આવીને મારી નજર સમક્ષ દેરિદા, ફુલો, વગેરેનાં વીસ પુસ્તકો ખરીદીને ચાલ્યો ગયેલો ત્યારે મને એની પારાવાર ઇર્ષ્યા આવેલી. આ બધી વાતો પાછો હું કમરશીભાઈને કરતો. ત્યાંથી હું ટ્રેન લઈ ચર્ચગેટ તરફ જવા નીકળતો. હું ગ્રાન્ટરોડ, ચર્ની રોડ, મરીન લાઈન્સ બધે જ ઊતરતો અને ત્યાં આવેલી પુસ્તકોની નાનીમોટી બધી જ દુકાનોમાં જતો. ત્યારે એ દુકાનોમાં અંદર પ્રવેશતાં બગલથેલો કેશિયર પાસે મૂકી દેવો પડતો. ત્યાર બાદ સ્ટ્રાંડમાં પછી સ્મોકર્સ કોર્નર, પછી બુક પોઈન્ટ. પછી ખૂણે ખાંચરે આવેલી બીજી દુકાનો પણ ખરી. છેલ્લે મુંબઈના ફૂટપાથ પરની પુસ્તકોની દુકાનોમાં જતો. બેપાંચ પુસ્તકો મારા માટે ખરીદતો. પાંચ છ કરમશીભાઈ માટે. એ બધાં જ પુસ્તકો લઈને હું સીધો કરમશીભાઈ પાસે જતો. કરમશીભાઈ એકેએક પુસ્તકને ઝીણવટથી જોતા. એ પુસ્તકોની ઘનતા અને વિશિષ્ટ ઘનતા બધું જ અનુભવતા. ક્યારેક મારી હાજરીમાં જ કેટલાંક પુસ્તકોની પ્રસ્તાવના પણ વાંચતા. પછી એમાંનાં કેટલાંક વાક્યો ટાંકીને એ વાક્યોની મારી સાથે ચર્ચા પણ કરતા. એ જે કંઈ વાંચતા એના એકેએક શબ્દ પર એ રોકાતા. જાણે કે ત્યાં જ એ પડાવ ન નાખવાના હોય.

એમની વાંચન પદ્ધતિ જુદા પ્રકારની હતી. એ દરેકેદરેક શબ્દને માણસને જુએ એ રીતે જોતા. એની સાથે ઓળખાણ બાંધવાનો પ્રયાસ કરતા. એક વાર મેં એમને કહેલું કે હું તો ઘણી વાર ટ્રેનમાં બેઠેલો પ્રવાસી બહારનાં વૃક્ષોને જુએ એ રીતે પુસ્તકમાંના શબ્દોને જોતો હોઉં છું. જવાબમાં એમણે કહેલું : “એ ન ચાલે. દરેક વૃક્ષ આગળ તમારે ઊભા રહેવું પડે. દરેક વૃક્ષને જાણવું પડે. એનો ઇતિહાસ પણ સમજવો પડે.” મને એમાં કેવળ નિકટવર્તી વાંચન જ નહોતું દેખાતું. મને એમાં અર્થઘટનશાસ્ત્ર પણ દેખાતું. કરમશીભાઈને ફિનોમિનોલોજી ઉપરાંત અર્થઘટનશાસ્ત્રમાં પણ રસ હતો. એમણે ઘણી વાર ગાડામેર અને પૉલ રીકરની વાતો કરી છે. એ બન્ને ફિલસૂફોનાં કેટલાંક પુસ્તકો પણ એમની પાસે હતાં. મુંબઈથી લાવેલાં પુસ્તકો બતાવીને હું પાછો ભરતભાઈના ઘેર આવવા નીકળતો ત્યારે એમાંનાં બેત્રણ પુસ્તકો એ એમના માટે રાખતા અને કહેતા, “બાકીનાં તમે રાખો. મારે જોઈશે ત્યારે હું માગીશ.” શરૂઆતમાં તો મને સંકોચ થતો. પણ પછી તો એ એક નિયમ બની ગયેલો.

ત્યાર પછી મારું લગ્ન થયું. આરંભમાં હું અને મારાં પત્ની – રેખા - વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલા ‘કેન્યાકુંજ’ નામના એક બંગલાના ગરાજમાં રહેતાં હતાં. જો કે, એ દરમિયાન મારું ભાષાશાસ્ત્રનું એમ.એ. પૂરું થઈ ગયું હતું અને મને એમ.એસ. યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર વિભાગમાં Teaching Assistantની નોકરી મળી ગઈ હતી. તદ્ઉપરાંત, હું ‘સંદેશ’માં પણ કામ કરતો હતો. ક્યારેક સબ-એડિટર તરીકે તો ક્યારે ચીફ-સબ-એડીટર તરીકે. લગ્ન પછી, દેખીતી રીતે જ, મારી મુંબઈની મુલાકાતો ઓછી થવા લાગેલી. પણ, પછી કરમશીભાઈની વડોદરાની મુલાકાતો વધવા લાગેલી. અમે ગરાજમાં રહેતાં હતાં ત્યારે એ એકાદબે વાર રતિકાકાની સાથે આવેલા. રહેલા બીજે ક્યાંક. ત્યારે પણ અમારી વચ્ચે વાતો તો પુસ્તકોની જ થતી. અમે વડોદરામાં આવેલી બેચાર પુસ્તકોની દુકાને પણ જતા.

પછી અમને ‘પ્રમોશન’ મળ્યું. અમારા મકાન માલિકે અમને ગરાજમાંથી મૂળ મકાનમાં ખસેડ્યાં. ત્યાં એક રૂમ એક રસોડું અમારા માટે ફાળવેલું. યોગાનુયોગ જેમ જેમ અમે ઘર બદલતાં ગયાં એમ એમ કરમશીભાઈની વડોદરાની મુલાકાતો વધવા લાગેલી. પછી મને એમ.એસ. યુનિવર્સિટીના જ ભાષાશાસ્ત્ર વિભાગમાં પૂર્ણ કક્ષાના અધ્યાપકની નોકરી મળી. એને કારણે મને યુનિવર્સિટીની ‘અધ્યાપક કુટીર’માં મકાન મળ્યું. અમે ત્યાં રહેવા ગયાં. ત્યાં અમારી પાસે એક વધારાનો રૂમ હતો. એટલે કરમશીભાઈ આવે તો એમને કોઈ તકલીફ પડતી નહીં. એ વરસમાં બેત્રણ વાર આવતા. અમારી સાથે રહેતા. ઘણી વાર એ મારા દીકરાને - હેતુને - લઈને ચાલવા પણ જતા. પછી એકાદબે વરસમાં જ અમે ‘અધ્યાપક કુટીરમાં’થી યુનિવર્સિટીના બીજા એક ક્વાટરમાં રહેવા ગયાં. અમારા ત્રણ જણ માટે એ ઘર ખૂબ મોટું હતું. કરમશીભાઈ ત્યાં પણ આવતા. ત્યાં એમને ખૂબ ગમતું. મોટું ઘર, બહાર વૃક્ષો, આગળ રમણ સોનીનું ઘર. ચારે બાજુ ખુલ્લાં હવા ઉજાસ. વળી કોઈ ઘોંઘાટ પણ નહીં. એમને મુંબઈમાંથી છૂટકારો મળ્યો હોય એવું લાગતું.

જ્યારે પણ કરમશીભાઈ વડોદરા આવતા ત્યારે રેખા એમની ખૂબ કાળજી લેતી. મને એમની ખાવાપીવાની ટેવોની બરાબર જાણ હતી. મેં એની સઘળી વિગતો રેખાને આપી રાખેલી. એ પ્રમાણે રેખા રોજ સવારે ગરમ ગરમ નાસ્તો બનાવતી. બપોરે ગુજરાતી ભાણું. એમાં છાસ અવશ્ય હોય. કરમશીભાઈના કારણે અમારા ઘરમાં પણ ખાધા પછી છાસ પીવાનો ચાલ શરૂ થયેલો. કરમશીભાઈ સાંજે જમતા નહીં. ફળાહાર કરતા.

એ જ્યારે પણ વડોદરાથી પાછા મુંબઈ જતા ત્યારે મારા હાથમાં થોડાક પૈસા મૂકતા. કહેતા : “મારે જે વાપરવાના હતા એ ન વપરાયા. હવે તમે એનાં પુસ્તકો લઈ આવજો.” મને ખૂબ સંકોચ થતો. પણ કોઈ મને પુસ્તકો માટે કંઈક આપે તો હું ના ન પાડું. એ મારી નબળાઈ છે. પછી હું એ પૈસાનાં પુસ્તકો લઈ આવતો અને કરમશીભાઈ ફરી વાર આવતા ત્યારે એ પુસ્તકો બતાવતો.

એક વાર એ વડોદરા આવ્યા ત્યારે મને કહે : “ચાલો, આપણે એકબે ફ્લેટ જોઈએ. મને થાય છે મારે એકાદો ફ્લેટ ખરીદવો જોઈએ.” અમે ફતેગંજમાં નવા બની રહેલા કેટલાક ફ્લેટ જોવા ગયા. ત્યાં એક ફ્લેટ એમને ગમી ગયો. ખાસ્સો મોટો હતો. ત્રણ બેડરૂમનો. કિમત પાંચ લાખ રૂપિયા. કરમશીભાઈએ બિલ્ડર સાથે એ ફ્લેટની ખરીદીની વિધિ અંગે થોડી ચર્ચા પણ કરી. પછી ત્યાંથી ઘેર આછા આવતાં એ મને કહે, “કેવો લાગ્યો એ ફ્લેટ?” મેં કહ્યું, “ફ્લેટ તોસરસ છે. હવાઉજાસ પણ સારાં છે. જગ્યા પણ ઘણી મોટી છે.” પછી એ કહે, “રેખાને એ ફ્લેટ ગમશે ખરો?” મેં કહ્યું, “રેખાને ક્યાં એમાં રહેવાનું છે? રહેવાનું તો તમારે છે.” તો એ કહે, “ના. આ ફ્લેટ હું તમારા માટે લઉં છું. હું બધાં કાગળિયાં બરાબર કરીશ. તમે આ ફ્લેટમાં રહેજો. એમાં એક રૂમ મારો. હું કાંઈ કાયમ માટે તમારી સાથે રહેવા આવવાનો નથી. પણ વરસમાં બેચાર વાર આવું ત્યારે હું તમારી સાથે રહીશ. રેખા મારી ખૂબ કાળજી રાખે છે. મને તમારી સાથે પણ ખૂબ ફાવી ગયું છે.” હું એક ક્ષણ પૂરતા તો મૌન થઈ ગયો. મને સમજાતું ન હતું કે મારે શું કહેવું જોઈએ. પછી એ કહે, “તમે કેમ મૌન થઈ ગયા? હું તમારી સાથે રહું તો તમને નહીં ગમે?” એ વાક્યની સાથે જ હું ઝબકીને જાગી ગયો. મેં કહ્યું, “ના ના. એવું નથી. મને ગમે જ. ખૂબ ગમે. પણ રેખાને પૂછવું પડે. કેમ કે આખરે ઘર તો એણે ચલાવવાનું છે.”

મેં ઘેર આવીને રેખાને વાત કરી. રેખાએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. એ કહે : “ભેટ ભલે હોય. બધું પ્રમાણમાં હોવું જોઈએ.” પછી અમે બધાં સાથે બેઠાં ત્યારે વાતમાંથી વાત નીકળી તો કરમશીભાઈ કહે, “આપનારે લેનારને થોડું પૂછવાનું હોય?” પછી એમણે એક વાક્ય ઉમેરેલું, “ઝાડને ટોચથી નહીં, છોડને મૂળમાં પાણી પીવડાવવાની જરૂર હોય છે. તો જ છોડ ઊછરે.” આ કરમશીભાઈની શૈલી હતી. ક્યારેક એ આવાં રૂપકો વડે વાત કરતા.

ત્યાર બાદ મારા જીવનમાં પણ અનેક ઊથલપાથલો આવી. નાનાભાઈએ દેવું કર્યું. એમાં અમારી જમીન વેચાઈ. મારા ભાગમાં જે પૈસા આવ્યા એમાંથી મેં માબાપનું દેવું ચૂકવ્યું અને જે પૈસા બચ્યા એમાંથી એક ફ્લેટ ખરીદ્યો. મેં કરમશીભાઈને કહેલું કે હવે મેં ફ્લેટ લીધો છે. તમને મુશ્કેલી નહીં પડે. તમે ગમે ત્યારે અમારી સાથે રહેવા આવી શકો અને ગમે એટલું રહી શકો. એક રૂમ તમારો જ છે. એ ફ્લેટ ખરીદતી વખતે કરમશીભાઈએ પણ આર્થિક મદદ કરેલી.

અમારો બે બેડરૂમનો ફ્લેટ ત્રીજા માળે આવેલો હતો. કરમશીભાઈ ત્યાં પણ અનેક વાર આવેલા. કરમશીભાઈની ઘણી બધી સ્મૃતિઓ એ ઘર સાથે સંકળાયેલી છે. એ જ્યારે પણ રતિકાકા સાથે આવતા ત્યારે રતિકાકા છેક નીચેથી રેખાના નામની બૂમ પાડતા. હું રેખાને મશ્કરીમાં કહેતો : “જો તારા સસરા આવી ગયા છે.” કરમશીભાઈ વ્યવહારની વાતોમાં ખાસ બોલતા નહીં. રતિકાકા એવી અનેક બાબતે અમને સલાહ આપતા. એટલે સુધી કે ઘણી વાર તો કરમશીભાઈ અમને રતિકાકાની સલાહ લેવાનું કહેતા. રતિકાકાના કારણે આખું ઘર જરા જુદી જ રીતે જીવતું થઈ જતું. હવે અમે ‘કરમશીભાઈ’ને ‘કરમશીદાદા’ કે કેવળ ‘દાદા’ કહેવા લાગેલાં. હેતુ પણ એમને દાદા કહેતો.

 જ્યારે પણ વડોદરા આવતા ત્યારે અમે અમારા એક મિત્ર, ઇકબાલ પીરઝાદાના ત્યાં, જતા. અમે એમને પીરઝાદા સાહેબ કહેતા. એ તાલુકા વિકાસ અધિકારી હતા. પહેલાં વડોદરા પાસે આવેલા ડભોઈમાં, પછી વડોદરામાં. કરમશીભાઈને એમની સાથે પણ ફાવતું. બીજા એક મારા મિત્ર હતા. અર્જુનસિંહ ખાંટ. એ પણ કરમશીભાઈ આવે ત્યારે ખડે પગે એમની સેવામાં હાજર થઈ જતા. એ શિક્ષણ ખાતામાં અધિકારી હતા. જો કે, દાદાને વડોદરામાં જ વસતા સાહિત્યકારોને ત્યાં જવાનું ખાસ ગમતું નથી. તો પણ અમે લગભગ દરેક વખતે જયેશ ભોગાયતાને ત્યાં જતા. કરમશીભાઈ સરળતાથી મારા મિત્રોને એમના મિત્ર બનાવી લેતા. જેમ હું એમના મિત્રોને મારા મિત્ર બનાવી લેતો એમ. જો કે, સાહિત્યકારોને ઓછું મળવા પાછળ કોઈ અંગત કારણ ન હતું. એ કહેતા કે એ લોકો બહુ કામમાં હોય. આપણે એમને હેરાન ન કરવા જોઈએ.

ત્યારે વડોદરામાં મારું એક નાનકડું પુસ્તકાલય હતું. એમાં ચારસો પાંચસો અંગ્રેજી પુસ્તકો હશે. થોડાં ગુજરાતી પણ ખરાં. એમાંનાં મોટા ભાગનાં ફિલસૂફી અને સાહિત્યિક વિવેચનનાં. દાદા એમાંથી એકાદ પુસ્તક લઈને બેસતા. વાંચતા અને પછી એ પુસ્તક પર ચર્ચા કરતા. એમની ચર્ચા કરવાની રીત જુદા જ પ્રકારની હતી. એ ઘણી વાર એ પુસ્તકના એક કે બે શબ્દો લઈ ગુજરાતીમાં એમના માટે કયા શબ્દો વાપરવા જોઈએ એની વાત કરતા. એમ કરતી વખતે એ મોટે ભાગે તત્સમ શબ્દ પસંદ કરતા. હું બને ત્યાં સુધી તદ્‌ભવ કે દેશ્ય શબ્દ પસંદ કરતો. પછી એ શબ્દોની યોગ્યતા અયોગ્યતા પર અમારે ખૂબ લાંબી ચર્ચા ચાલતી. ઘણી વાર તો સવારે શરૂ થયેલી ચર્ચા હું સાંજે કૉલેજેથી પાછો આવું પછી પણ શરૂ થતી. એ પૂછતા, “પછી પેલા શબ્દનું શું કર્યું.” એ જ્યારે પણ એવું કરતા ત્યારે મને ફિલસૂફ વિત્ગેન્સ્ટાઈન યાદ આવી જતો. એ પણ જે પ્રશ્ન હાથમાં લે એને છોડતો નહીં. અને જો એ પ્રશ્નનો જવાબ ન મળે તો અકળાઈને ભગવાનને પ્રાર્થના કરતો કે આ પ્રશ્નનો જવાબ આપ અથવા તો મરણ આપ. વિત્ગેનસ્ટાઈનની શૈલી પણ એવી. એક ફિલસૂફે કહ્યું છે કે વિત્ગેનસ્ટાઈનની શૈલી ખૂબ હિંસક. બિલાડી જેવી. બિલાડી ઉંદરને એકદમ નહીં મારી નાખે. પહેલાં પંજો મારશે પછી છોડી દેશે. પછી પાછો ફરીથી પંજો મારશે અને પાછી છોડી દેશે. એ ઉંદરને રિબાવી રિબાવીને મારશે. હું કરમશીભાઈને કહેતો કે તમે પણ વિત્ગેન્સ્ટાઈનની જેમ જે પ્રશ્ન હાથમાં લો છો એ છોડતા નથી. એ કહેતા કે અમે જૈનો આમ તો અહિંસામાં માનીએ પણ ફિલસૂફીમાં આવી હિંસા કરવી પડે. ત્યારે મારી પાસે સાવ સામાન્ય કહી શકાય એવો એક અંગ્રેજી શબ્દકોષ હતો. એ વાંચતી વખતે શબ્દકોષ સાથે રાખતા. એક દિવસ મને કહે, “તમારે સારામાંનો શબ્દકોશ રાખવો જોઈએ. આવા શબ્દકોષ ન ચાલે.” મુંબઈમાં, એમના ઘેર પણ, ઘણા શબ્દકોષ હતા. ઘણી વાર કોઈ શબ્દની ચર્ચા થાય તો એ બેત્રણ શબ્દકોશ લઈને બેસી જતા અને પછી એ શબ્દોના અર્થની તુલના કરતા. એ વડોદરા આવતા ત્યારે રોજબરોજની ક્રિયાઓમાં જરા આળસાઈ જતા. રેખા એમને પૂછતી, “દાદા, હવે નાહી લેવું છે કે?” એ કહેતા, “હિન્દુડાઓ વધારે નહાય. જૈનો નહીં.”

મને સતત એવું લાગતું કે કરમશીભાઈ આપણે વાંચીએ છીએ એમ ન હતા વાંચતા. એ વાંચતી વખતે એક સાથે અનેક universeને એકબીજા સાથે અથડાવતા. જો એમ ન કરતા હોત તો મેં ક્યારે ય કલ્પના ન કરી હોય એવા પ્રશ્નો એમણે કદી પણ મને પૂછ્યા ન હોત.

એ ઘણી વાર પુસ્તકોમાં કોઈને કોઈ વાક્યો પકડીને પછી મને પૂછતા : “તમે આનો શો અર્થ કરશો?” એમાંનાં મોટા ભાગનાં વાક્યો ખૂબ જ પડકારરૂપ. એ કસોટી કરવા આવા પ્રશ્નો ન’તા પૂછતા. પણ જે તે ચિન્તકને બરાબર સમજવાના આશયથી એવા પ્રશ્નો પૂછતા. હાઈડેગર, માર્લો પોન્તિ, વિત્ગેન્સ્ટાઈન એમના પ્રિય ફિલસૂફો હતા. એ જ્યારે પણ કોઈક વાક્ય વિષે મને પૂછતા ત્યારે એના પર બોલવાનું મોટે ભાગે તો મારા માથે આવતું. પણ, હું બોલી રહું પછી જ્યારે એ પ્રતિપ્રશ્ન કરતા ત્યારે હું ઘણી વાર મૂંઝાઈ જતો. મને ઘણી વાર એમની પ્રશ્નો પૂછવાની શૈલી પુરાતત્ત્વવિદ્દની શૈલી જેવી લાગતી. અમે ચર્ચામાં કદી પણ સામસામે તલવારો ખેંચી નથી. અમે કદી પણ પક્ષપ્રતિપક્ષ બન્યા નથી. અમે બન્ને જાણે કે કોઈ એક જગ્યાએ પુરાતત્ત્વવિદ્દની જેમ ખોદકામ ન કરી રહ્યા હોય એ રીતે ચર્ચા કરતા. અમારા બન્નેની જિજ્ઞાસા એક સરખી રહેતી હતી. ક્યારેક મને એમના પ્રશ્નો અર્થહીન લાગતા. ત્યારે હું એમને પૂછતો કે તમને લાગે છે કે આ પ્રશ્ન ચર્ચવા જેવો છે. એ હા કે ના ન હતા કહેતા. એને બદલે કહેતા કે ચર્ચા તો કરીએ. જોઈએ શું હાથ લાગે છે. પછી ચર્ચા દરમિયાન મને ખ્યાલ આવતો કે મેં એ પ્રશ્નને અર્થહીન ગણવાની ભૂલ કરી છે. એમને આવી ચર્ચાઓ કરવાનું ખૂબ ગમતું. મેં જીવનમાં કેટલીક ભૂલો કરી છે એમાંની એક ભૂલ એમની સાથે થયેલા સંવાદો ન નોંધી રાખવાની. જો મેં એ સંવાદો નોંધી રાખ્યા હોત તો કદાચ એનો એક મોટો ગ્રંથ બની શક્યો હોત.

કરમશીભાઈ જૈન ધર્મનાં પુસ્તકો પણ વાંચતા. પંડિત સુખલાલજી એમના પ્રિય લેખક, ચિન્તક હતા.

પછી તો ધીમે ધીમે અમારી વચ્ચેનો સંબંધ જુદાં જ પરિમાણો ધારણ કરતો ગયો. હવે એ અમારા કુટુંબીજન બની ગયા હતા અને અમે એમના. હું મુંબઈ જતો ત્યારે ઘણી વાર ભરતભાઈના ત્યાં ઊતરવાને બદલે કરમશીભાઈના ત્યાં ઊતરવા લાગેલો. હવે મારે કરમશીભાઈના ભત્રીજાઓ – રાજુભાઈ અને ઉલ્લાસભાઈ - તથા એમનાં કુટુંબીઓ સાથે અંગત સંબધ બંધાઈ ગયેલો. દાદા ઘેર ન હોય તો પણ હું એમના ત્યાં જઈ શકતો, રહી શકતો. મેં રાજુભાઈ અને ઉલ્લાસભાઈ સાથે બેસીને ઘણી વાર વાતો કરી છે. કરમશીભાઈ એવું ઇચ્છતા કે હું બેપાંદડે થાઉં. મારી જમીન વેચાઈ પછી જે કંઈ નાણાં મને મળેલાં એમાંથી એમણે દસેક હજાર રૂપિયા સ્ટોકમાં રોકવા માટે રાજુભાઈને આપેલા. એકાદબે વરસ દરમિયાન એમાં વધારો થવાને બદલે ઘટાડો થયો તો કરમશીભાઈ રાજુભાઈને કહે, “બાબુને એના પૂરતા પૈસા પાછા આપવાના.” હવે એ મને ‘બાબુ’ કહેવા લાગેલા. રાજુભાઈએ મને એકબે વાર કહેલું કે દાદા તમારી સાથે આટલી બધી વાતો કરે છે એ જોઈને અમને બધાંને આશ્ચર્ય થાય છે. બાકી તો એ મૌન જ રહેતા હોય છે. કામ સિવાય ભાગ્યે જ બોલતા હોય છે. જો કે, સાવ એવું ન હતું. એ રાજુભાઈની દીકરી મારીશા સાથે અને ઉલ્લાસભાઈના દીકરા ઈશાન સાથે અઢળક વાતો કરતા. શરૂઆતમાં રાજુભાઈ અને ઉલ્લાસભાઈનાં કુટુંબો સાથે રહેતાં. પછી ઉલ્લાસભાઈ અલગ ફ્લેટમાં રહેવા ગયા. એ ફ્લેટ પણ દાદા રહેતા હતા એ મકાનમાં જ હતો. દાદા લંચ ઉલ્લાસભાઈને ત્યાં લેતા. ઉલ્લાસભાઈનો દીકરો ઈશાન નાનો હતો ત્યારે લંચ વખતે કમરશીભાઈને એમનો હાથ ઝાલીને લંચ માટે લઈ જતો. એ દૃશ્ય એ પેટ ભરીને માણતા. હું ઘણી વાર એ દૃશ્યનો સાક્ષી બન્યો છું.

પછી મારે વધુ અભ્યાસ અર્થે અમેરિકા આવવાનું થયું. એ અંદરથી ખૂબ ખુશ હતા, પણ દુ:ખી પણ. પણ કરમશીભાઈ આવી બાબતોમાં કદી સ્વાર્થી બન્યા નથી. એ ઇચ્છતા હતા કે મને કશુંક પડકારે એવું કંઈક મળે. અને એમ થયું. હું ૧૫મી ઓગસ્ટ ૧૯૯૭ના રોજ અમેરિકા આવ્યો. એ પછી કરમશીભાઈ સાથેના સંબંધનાં સ્વરૂપ ઘણાં બદલાઈ ગયાં.

મને હજી યાદ છે : મેં અમેરિકા આવ્યા પછી પહેલીવાર કૉમ્પ્યુટર પર ગુજરાતીમાં ટાઈપ કરેલો પત્ર એમને લખેલો. ત્યારે ઍપલના કૉમ્પ્યુટર પર ગુજરાતી ફૉન્ટ્સ હતા. જો કે, એ વખતે ટેલિફોન સેવા ખૂબ મોંઘી હતી. ભારત વાત કરવાના મને મિનિટના પંચાસી સેન્ટ લાગતા. મારી આવકના પ્રમાણમાં એ ઘણા વધારે હતા. તો પણ હું મહિને દસેક મિનિટ માટે એમને ફોન કરી લેતો. મેં એમને પત્ર લખ્યો પછી દસેક દિવસે ફોન કર્યો. એમણે કહ્યું કે એમને પત્ર મળ્યો છે અને એ પત્ર એમણે વાંચ્યો પણ છે. પણ એમના અવાજમાં જરાક નિરાશા હતી. મોટે ભાગે હું કંઈક લખું ત્યારે મારા લખાણની એ ઉત્સાહથી વાત કરતા. એ કહે કે તમે મને કૉમ્પ્યુટરથી નહીં, હાથથી કાગળ લખો. મારે હસ્તાક્ષરમાં કાગળ જોઈએ છે. એ દિવસે અમારી વચ્ચે હસ્તાક્ષર અને યંત્રાક્ષર વચ્ચેના ભેદની ખાસ્સી વાત થયેલી. એમણે કહેલું કે યંત્રાક્ષરમાં તમે ઉપસ્થિત હો એવું મને નથી નથી લાગતું. મને એમાં તમે ગેરહાજર હો એવું લાગતું હોય છે. “એવા અક્ષરોમાંથી તમારો અવાજ નથી સંભળાતો” એમણે કહેલું. એમણે એમ પણ કહેલું કે યંત્રાક્ષરમાં લખેલો કાગળ મને સરકારી કાગળ જેવો લાગતો હોય છે. એમાં અંગત વાત પણ સાર્વજનિક લાગે. આ કરમશીશૈલીનું બીજું લક્ષણ. કોઈ પણ ઘટનાને એ દાર્શનિક ચિન્તનની ઘટનામાં ફેરવી નાખતા. યંત્રાક્ષર સૌ પહેલાં તો લખનારની ઓળખને દબાવી દે. અથવા તો એમ પણ કહી શકાય કે યંત્રાક્ષર હસ્તાક્ષરનું સામાન્યીકરણ કરી નાખે. એ સામાન્યીકરણને સહેલાઈથી સાર્વજનિકતા સાથે જોડી શકાય. એમણે કહેલું કે હું તમારો કાગળ વાંચું છું ત્યારે તમે જાણે કે મારાથી કપાઈ ગયા હોય એવું લાગે છે.

પછી મેં હાથેથી કાગળ લખવાનું શરૂ કરેલું. પણ, એ તો કદી કાગળનો જવાબ કાગળથી નહોતા આપતા. એથી જ તો કાગળ લખ્યા પછી મારે દસ બાર દિવસે એમને ફોન કરવો પડતો. પછી એ ફોન પર મને મારા કાગળનો જવાબ આપતા. હું એમને કહેતો કે હું તમને લખીને મારી વાત કહું છું, તમે મને બોલીને એનો જવાબ આપો છો. આને કારણે પ્રત્યાયનના પાયાના એક સિદ્ધાન્તનો ભંગ થાય છે. એ સિદ્ધાન્ત છે : પ્રત્યાયનનું માધ્યમ એકસરખું જ હોવું જોઈએ. એ કહેતા કે આપણે શા માટે એ લોકોનું માનવાનું?

પછી ૧૯૯૮માં રેખા અને હેતુ અમેરિકા આવ્યાં. હું ભારતમાં ન હતો ત્યારે પણ કરમશીભાઈ રેખાને ફોન કરતા અને એમની કાળજી રાખતા. પણ જ્યારે રેખા અને હેતુ અમેરિકા આવવાની તૈયારી કરવા લાગ્યાં ત્યારે કરમશીભાઈ અને રતિકાકા બન્ને વડોદરા ગયેલા અને રેખાને મારું અંગત પુસ્તકાલય સમેટવામાં મદદ કરેલી. એ બન્ને વડીલોએ મારાં પુસ્તકોને ખોખાંમાં ગોઠવી, એમાં ક્વિનાઈનની ગોળીઓ મૂકીને, વ્યવસ્થિત રીતે ગોઠવેલાં! રેખાએ કહેલું કે મેં ક્યારે ય એવી કલ્પના ન હતી કરી કે દાદા અને રતિકાકા આ પ્રકારનું કામ કરશે.

એ દરમિયાન ડિજિટલ ક્રાન્તિ થઈ. એને પગલે આંતરરાષ્ટ્રીય ટેલિફોન સેવાઓ ઘણી સસ્તી થઈ ગઈ. એ સાથે જ પત્રલેખન કાં તો ઈ-મેઈલમાં, કાં તો ટેલિફોનિક પ્રત્યાયનમાં વહેંચાઈ ગયું. હું પણ કરમશીભાઈ તથા બીજા મિત્રોને પણ કાગળ લખતો બંધ થઈ ગયો. હું એમને કાં તો ફોન કરતો, કાં તો ઈ-મેઈલ. કરમશીભાઈને હજી ઈ-મેઈલ જોતાં ફાવતું ન હતું. એથી હું અવારનવાર ફોન કરતો. અઠવાડિયે એક વાર તો ખરો જ. જો વચ્ચે એકાદ અઠાવડિયું ફોન ન હતો કરતો તો એ તરત જ ફરિયાદ કરતા. કહેતા, “ઘણા વખતથી ફોન નથી.”

કરમશીભાઈ સાથેના ફોન ઘણી વાર તો બેથી પણ વધારે કલાક ચાલતા. અમે મોટા ભાગે સાહિત્યની અને કળાની વાતો કરતા. થાકી જતા તો મિત્રોની અને છેલ્લે ભારતના રાજકારણની. જો કે, આરંભમાં અને અન્તમાં તબિયતની વાત તો હોય જ. એ એમની તબિયતનો આલેખ આપતા. હું મારી. મારી તબિયતની વાત હું મોટે ભાગે દવાઓના વધતા જતા પ્રમાણે સાથે આપતો. કહેતો કે પહેલાં લોહીના ઊંચા દબાણ માટે હું દસ મિ.ગ્રા. ગોળી લેતો હતો, હવે પચાસ મિ.ગ્રા. થઈ. માંદગીને આ રીતે માપવાની મારી રીત સામે દાદા હસતા. હું કહેતો હવે મરણ પણ quantifiable બનવા તરફ જઈ રહ્યું છે.

દરેક ફોનમાં દાદા સૌ પહેલાં તો એમણે એક અઠવાડિયા દરમિયાન જે વાંચ્યું હોય એની વાત કરતા. ક્યારેક કોઈક લખાણ ન ગમે તો એ કહેતા : “એણે દાટ વાળ્યો છે.” જો ગમી જાય તો એ કહેતા : “તમારે વાંચવું જોઈએ.” હું કહેતો કે હું એ સામયિક નથી મંગાવતો. તો એ મને ઠપકો આપતા. પછી કહેતા : “હું જોઉં છું જો રાજુ તમને ઇ-મેઈલ કરી શકે તો. પણ તમે વાંચીને મને તમારો અભિપ્રાય આપજો.” એ મારા કરતાં સમકાલીન ગુજરાતી સાહિત્યના વધારે સંપર્કમાં હતા. અમારા દરેક ફોનમાં ભરતભાઈની તથા અતુલની વાત અવશ્ય નીકળતી. ભરતભાઈ એમને મળવા આવ્યા હોય તો એની વાત કરતા. જો ભરતભાઈએ કોઈ નવી કવિતા વાંચી સંભળાવી હોય તો એનો પણ ઉલ્લેખ કરતા. ક્યારેક કહેતા, “કવિતા સારી લખે છે. પણ એની કેટલીક વાતો બોરીંગ હોય છે.” પણ ભરતભાઈ અને ગીતાબેન માટે એમને અપાર માન. ભરતભાઈને ભા.જ.પ. સરકાર માટે માન. કરમશીભાઈ કહેતા, “બહુ રોમેન્ટિક છે એ. કવિતામાં ચાલે. રાજકારણમાં નહીં.” ભરતભાઈએ હાઈડેગરની કવિતાઓના અનુવાદો કરેલા. એ અમે ‘સન્ધિ’માં પ્રગટ કરેલા. કરમશીભાઈએ મને કહેલું, “હાઈડેગરના અનુવાદ ભરત જ કરી શકે.” મારી ભૂલ ન થતી હોય તો ભરતભાઈએ એ અનુવાદો કરમશીભાઈને વાંચી બતાવેલા અને એકેએક કવિતા પર કરમશીભાઈએ ટિપ્પણી પણ કરેલી.

જ્યારે ‘ગદ્યપર્વ’ ચાલતું હતું ત્યારે એ મને ‘ગદ્યપર્વ’નો અંક મળે ત્યાં સુધી રાહ જોતા. પછી ફોન કરું ત્યારે એ હાથમાં ‘ગદ્યપર્વ’ લઈને વાત કરતા. એ જ રીતે જ્યારે ‘એતદ્’ આવે ત્યારે પણ અને ‘તથાપિ’ આવે ત્યારે પણ. છેલ્લે છેલ્લે ભરત નાયક કાંદિવલી રહેવા ગયા. દેખીતી રીતે જ એને કારણે એમની કરમશીભાઈની મુલાકાતો ઓછી થઈ ગયેલી. તો પણ જો ભરતભાઈ એમને મળવા ગયા હોય તો કરમશીભાઈ મને એમની મુલાકાતનો સારાંશ કહેતા. એક અઠવાડિયા દરમિયાન એમને કોણ કોણ મળવા આવેલું અને જે કોઈ મળવા આવેલું એની સાથે શી વાત થયેલી એની વાત એ અવશ્ય કરતા. કહેતા : “ગયા રવિવારે કમલ આવેલો. વૃદ્ધો પર સરસ કવિતાઓ લખી છે.” “ગઈ કાલે પ્રાણજીવન આવ્યા હતા. એમની તબિયત હવે બહુ સારી રહેતી નથી.” “વીરચંદભાઈ આવેલા. એમનું ભગવાનદાસ પરનું કામ હજી ચાલે છે.” “વચ્ચે પ્રબોધ આવેલો. ખાસું બેઠેલો. સિમોન વેઈલની વાતો કાઢેલી.” ટૂંકમાં, અમારા સહિયારા મિત્રો શું કરતા હતા એની જાણ મને મિત્રો પાસેથી નહોતી થતી પણ કરમશીભાઈ પાસેથી થતી.

અમારી દરેક વાતમાં અતુલ ડોડિયાનો ઉલ્લેખ હોય હોય ને હોય જ. એ અતુલનાં તાજેતરમાં ચિત્રોની વાતો કરતા. એમાં અતુલે શું નવું કર્યું છે એ વાત પણ કરતા. એ કહેતા કે અતુલમાં તો સર્જનાત્મકતાનો જ્વાળામુખી ફાટ્યો છે. એ કદી ટાઢો પડવાનો નથી. અતુલ પરદેશ ગયો હોય કે ભારતમાં ક્યાંક ગયો હોય તો એની વાત પણ એ કરતા. પછી કહેતા : “એ એટલો બધો કામમાં રહે છે કે હવે પહેલાંની જેમ મળાતું નથી.” હું એમને મશ્કરીમાં કહેતો : “અતુલે છાપામાં જાહેરાત આપવી જોઈએ : પેઈન્ટરબાબુ બહારગામ ગયા છે. સ્ટુડિયો પર મળશે નહીં.” હું એમની સાથેની વાતચીતમાં અતુલને ક્યારેક ‘પેઈન્ટરબાબુ’ કહેતો. એ હસતા. અતુલનું કોઈક નવું કૅટલૉગ આવ્યું હોય તો કરમશીભાઈ એ કૅટલૉગની વાત કરવામાં જ અરધોપોણો કલાક કાઢી નાખતા. પછી હું તરત જ અતુલને સંદેશો મોકલતો કે મને એ કૅટલૉગ મોકલો. અતુલ મને એનું કૅટલૉગ મોકલી આપતો.

હું યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં સિનેમા સ્ટડીઝમાં એમ.એ. કરતો હતો ત્યારે દેલ્યુઝનાં સિનેમા પરનાં બન્ને પુસ્તકો અને ચિત્રકાર બેકન પરનું પુસ્તક મારા અભ્યાસક્રમમાં હતાં. હું જેમ જેમ બેકન પરનું પુસ્તક વાંચતો જતો હતો એમ એમ મારી નજર સમક્ષ અતુલનાં ચિત્રો આવી જતાં. ક્યારેક ભૂપેન ખખ્ખરનાં પણ અને ક્યારેક ગુલામ મોહમ્મદ શેખનાં પણ. એક વાર મેં કરમશીભાઈને બેકન પરના એ પુસ્તકની વાત કરેલી અને એ સંદર્ભમાં અતુલનાં એકબે ચિત્રોની પણ વાત કરેલી. એ સાંભળીને એ કહે : “હવે તમે અતુલ પર એક પુસ્તક લખો. હું મરી જાઉં એ પહેલાં પૂરું થાય એમ કરજો.” અત્યાર સુધીમાં કરમશીભાઈએ મારી સાથેની વાતચીતમાં કદી પણ મરણનો ઉલ્લેખ ન હતો કર્યો. હા, એકાદબે વાર જૈન પરંપરાની કોઈક વાત નીકળેલી ત્યારે એમણે સંથારાની વાત કરેલી અને એવો પણ નિર્દેશ કરેલો કે એમને એ પ્રકારનું મૃત્યુ વધારે ગમે. મેં અતુલનાં ચિત્રોની વાત કરતી વખતે કહેલું કે મને અતુલનાં ચિત્રોમાંથી ઊભી થતી ફિલસૂફીમાં વધારે રસ પડે છે. ઘણી વાર કરમશીભાઈ મને કહેતા કે તમે આપણી વચ્ચે જે વાતચીત થાય છે એને રેકોર્ડ કરી લો. એ મારા કેટલાક વિચારોની, કેટલાંક નિરીક્ષણોની પ્રસંશા કરતા અને કહેતા કે આ બધું આપણા બે જ જણ વચ્ચે રહી જાય એ ન ચાલે. મને પણ ક્યારેક એવું થતું. હું કેટલાક મિત્રો સાથે વાત કરતો ત્યારે ઘણી વાર ખૂબ જ દાર્શનિક બની જતો. એવા મિત્રોમાં કરમશીભાઈ તથા જયેશ ભોગાયતાનો સમાવેશ થતો. મને પણ કરમશીભાઈ સાથે વાતો કરવાનું વધારે ગમતું. કેમ કે એ ઘણી વાર મને ગૂંચવી/મૂંઝવી નાખે એવા પ્રશ્નો પૂછતા. એ વખતે મારે કહેવું પડતું કે હવે પછી આપણે વાત કરીશું ત્યારે આ મુદ્દા પર વાત કરીશું. અત્યારે તો મને કંઈ સૂઝતું નથી. કરમશીભાઈની એક ખાસિયત એ હતી કે એ મારે જે દિશામાં વળવું હોય એ દિશામાં મને વળવા દેતા. રોકતા નહીં. મારી સાથે અસંમત હોય તો પણ એ દિશામાં મને વળાવવા આવતા. એમને ખાતરી હતી કે હું ચોક્કસ કોઈક નવો વિચાર લઈને એમની પાસે હાજર થઈ જઈશ.

કરમશીભાઈ ઘણી વાર ‘પરબ’ અને બીજાં કેટલાંક સામયિકોમાં આવેલા ગુજરાતી કવિતાના અંગ્રેજી અનુવાદોથી નારાજ થઈ જતા. એ કહેતા કે એ અનુવાદોમાં અર્થ સચવાય છે પણ કવિતા સચવાતી નથી. એ દૃઢપણ઼ે માનતા હતા કે આવા અનુવાદોનો કોઈ અર્થ નથી. હું પણ એમની વાત સાથે સંમત હતો. હું એક ડગલું આગળ જઈને કહેતો કે કેવળ અનુવાદો જ નહીં, અનુવાદ સ્વરૂપે પ્રગટ થયેલાં પુસ્તકો પણ જો આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે ન હોય તો વિદેશમાં એની કોઈ નોંધ ન લેવાય. મેં ઘણી વાર એમને ચેકોસ્લોવેકિયાનાં પ્રકાશનોનાં ઉદાહરણો આપેલાં. મારા અંગત સંગ્રહમાં ચેકોસ્લોવેકિયામાં પ્રગટ થયેલાં ચેક કવિતા/નવલકથાના અનુવાદનાં કેટલાંક પુસ્તકો છે. એમનું production જોતાં જ આપણને ખ્યાલ આવી જાય કે એ લોકો કઈ રીતે આંતરરાષ્ટ્રીય ધોરણો જાળવે છે. કેટલાક અનુવાદોથી કરમશીભાઈ એટલા બધા નારાજ થઈ જતા કે એ ફરી એક વાર એ કવિતાઓના અનુવાદ કરતા અને પછી એ બન્ને અનુવાદ મને મોકલતા અને ફોન પર પૂછતા, “તમારી દૃષ્ટિએ કયો અનુવાદ સારો છે?”

કરમશીભાઈએ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ઘણા અનુવાદો કર્યા છે. એમાંના મોટા ભાગના અનુવાદો કવિતાના છે. એ અનુવાદોમાં એ કવિતાની બાની જાળવવાનો ખૂબ પ્રયાસ કરતા. કરમશીભાઈએ કરેલા એવા કેટલાક અનુવાદો વિદેશી સામયિકોમાં પણ પ્રગટ થયા છે. મને લાગે છે કે એ અનુવાદોનું પણ એક પુસ્તક થવું જોઈએ. હું અમેરિકા આવ્યો પછી એમણે કાનજી પટેલ, કમલ વોરા અને ભરત નાયકની કેટલીક કવિતાઓના અંગ્રેજીમાં અનુવાદો કરેલા. એમાંના મોટા ભાગના અનુવાદો એમણે મને બતાવેલા. મને યાદ નથી આવતું કે મેં એમને કોઈ અનુવાદ સુધારવાનું કહ્યું હોય. ક્યારેક એ એમના જ અનુવાદના એકાદ શબ્દને કે એકાદ વાક્યને પકડીને કહેતા : “મને અહીં શંકા જાય છે. તમને શું લાગે છે?” મારે એ શબ્દ કે વાક્ય વિશે પુન: વિચાર કરવો પડતો. મને ઘણી વાર થાય છે કે એમણે એમની અનુવાદપ્રવૃત્તિ વિશે નહીં લખીને એમણે એમને પોતાને પણ અન્યાય કર્યો છે. કોઈકે એમની મુલકાત લઈ એમને અનુવાદમાં કેવી મુશ્કેલીઓ પડે છે અને એ મુશ્કેલીઓની સામે એ કઈ રીતે લડે છે એ વિશે પૂછવા જેવું હતું. મને હંમેશાં લાગ્યું છે કે એ અનુવાદ કરતી વખતે મૂળ કૃતિ અને લક્ષ્ય કૃતિની વચ્ચે મધ્યસ્થીનું કામ કરતા હતા. એ બન્ને કૃતિઓની સાથે સંઘર્ષ કરીને ફ્રેંચ ફિલસૂફ પૉલ રીકર કહે છે એવી એક ‘ત્રીજી કૃતિ’ ઊભી કરતા. મૂળ સર્જકને એ કૃતિ એની પોતાની કૃતિની નજીક લાગતી અને એ જ રીતે વાચકને પણ એ કૃતિ પોતાની ભાષાની નજીક લાગતી. જો કે, એમણે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં કરેલા કેટલાક અનુવાદોમાં એવું નથી બન્યું. જ્યારે હું એમને કહેતો કે તમારો અનુવાદ અહીં અઘરો બની જાય છે તો એ કાં તો એનો બચાવ કરતા, કાં તો સુધારતા. પણ બચાવ કરતી વખતે મોટે ભાગે મૂળ કૃતિને ન્યાય કરવાનો મુદ્દો રજૂ કરતા. એ કહેતા કે હું મૂળ કૃતિને બધી જ રીતે વફાદાર રહેવા માગું છું અને હું કહેતો કે અનુવાદકે મૂળ કૃતિને નહીં, લક્ષ્ય કૃતિને વધારે વફાદાર રહેવાનું હોય. એ કહેતા કે હું માનું છું કે અનુવાદકે મૂળ કૃતિને injury ન કરવી જોઈએ. મને આ injuryનો ખ્યાલ ખૂબ ગમી ગયેલો.

મેં એમને કદી મારી કવિતાઓના કે વાર્તાઓના અનુવાદોનું કામ સોંપ્યું નથી. જો કે, ભરતભાઈના કહેવાથી એમણે મારી ‘ધૂળિયો’ વાર્તાનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો. એક દિવસે એમણે મને ફોન પર કહેલું કે એ મારી એકબે કવિતાઓના અનુવાદ કરવા માગે છે પણ એમને એ કામ ખૂબ અઘરું પડે છે. એમને મારી કવિતાનાં કલ્પનો અઘરાં પડતાં. એમ છતાં એમણે મારી એકબે કવિતાઓના અનુવાદ કરેલા પણ ખરા પણ એમને અને મને પણ એ બહુ ફ્લેટ લાગેલા.

એ દરમિયાન એ હવે ધીમે ધીમે ઇ-મેઈલ જોતા થઈ ગયેલા. જો કે, શરૂઆતમાં તો એ ના પાડતા હતા. કહેતા કે મને આ કૉમ્પ્યુટરો ન ફાવે. પણ પછી રાજુભાઈ પણ કામમાં હોય, ઉલ્લાસભાઈનો દીકરો ઇશાન પણ કામમાં હોય, અને રાજુભાઈની દીકરી મારીશા પણ કામમાં હોય તો એમને ઇ-મેઈલ કોણ જોઈ આપે? હું ઘણી વાર એમને ઇ-મેઈલ કરતો પછી ફોન કરીને કહેતો કે મેં તમને ઇ-મેઈલ મોકલ્યો છે. જરા જોઈ લેજો. હું મોટા ભાગના ઈ-મેઈલમાં એમને કોઈક લેખ કે કોઈક પુસ્તક મોકલતો. પણ, એમણે કોઈ નવરું પડે અને મદદ કરે એ માટે રાહ જોવી પડતી. એ જે તે લેખોનો પ્રિન્ટ આઉટ કાઢતા અને પછી વાંચતા. પછી હું જ્યારે પણ ફોન કરું ત્યારે પાછા એ લેખોની વાત કરતા. રાબેતા મુજબ એ કેટલાંક વાક્યો નીચે લીટી દોરી રાખતા. એમને ખબર હોય કે મારો ફોન વહેલા મોડા આવશે ત્યારે એ જ વાક્યોની ચર્ચા કરવાની છે.

જો કે, હું એમને એ લેખો મારા સ્વાર્થને કારણે મોકલતો. હું ઇચ્છતો હતો કે કરમશીભાઈ એ લેખોના અનુવાદ કરે અને નવી પેઢી એ અનુવાદ વાંચે. એમાંના ઘણા લેખો હવે ‘બહુવચન’માં સમાવવામાં આવ્યા છે. જો કે, હું કેટલાક લેખોના અનુવાદની ભાષા સાથે સંમત ન હતો. કાન્ટના What is Enlightenment? લેખનો અનુવાદ એમાંનો એક. એમણે enlightenment માટે જૈન પરિભાષા વાપરેલી. એ ખાસ ચલણમાં ન હતી. પણ કરમશીભાઈ કહે, “ભલે ચલણમાં ન હોય. આપણે એને ચલણમાં મૂકીએ. એ જ સંજ્ઞા બરાબર છે.” મેં એમને મોકલેલા ઘણા લેખોના એમણે કરેલા અનુવાદો કાં તો ‘તથાપિ’ કાં તો ‘સન્ધિ’માં પ્રગટ થયા છે. જયેશ ભોગાયતા ઘણી વાર મને મજાકમાં કહેતો, “આપણે બન્ને સ્વાર્થી છીએ. કરમશીભાઈનો ઉપયોગ કરીએ છીએ.” પણ, એ એક મજાક હતી. કરમશીભાઈને પણ એ પ્રવૃત્તિ ગમતી હતી. જો કે, પાછળથી એમની તબિયત લથડી ત્યારે રાજુભાઈએ અમને કહેવું પડેલું કે તમે દાદાને ઓછું કામ સોંપો તો સારું. એમનાથી હવે ઝાઝું કામ થતું નથી. વળી એ વધારે પડતો સ્ટ્રેસ લે છે. મેં એમને કામ સોંપવાનું બંધ કરી દીધેલું. જો કે, ત્યાર પછી પણ હું કંઈકને કંઈક મોકલ્યા તો કરતો પણ reformat કરીને. એના ટાઈપ મોટા કરતો જેથી એમને એ લખાણો વાંચતાં ઝાઝી તકલીફ ન પડે. જ્યારે પણ હું એમને ફોન કરતો ત્યારે એ કહેતા કે કશુંક વાંચવા તો જોઈએ જ. પછી કહેતા કે મારાથી વાંચી શકાય છે, લખાતું નથી. હું એમને કહેતો કે હવે તમે આરામ કરો. ઘણું કામ કર્યું છે. તો એ જીવ બાળતા ને કહેતા કે જો કોઈક લખનાર મળી જાય તો હું એને અનુવાદ dictate કરી શકું. એક બે વાર એમણે મને પૂછેલું પણ ખરું કે હું કોઈ એવા વિદ્યાર્થીને જાણું છું જે આ કામ કરવા તૈયાર થાય. એમણે એ કામ પેટે મહેનતાણું આપવાની પણ વાત કરેલી. પણ, આ બાબતમાં મેં અને રાજુભાઈએ કરમશીભાઈ ન જાણે એમ નક્કી કરેલું કે દાદાને હવે વધારે તકલીફ નથી આપવી. એમને કોઈ જ કામ નહીં સોંપવાનું.

એક વાર મેં એમને ફ્રેંચ ફિલસૂફ Francois Laruelleનો On the Black Universe : In the Human Foundations of Color લેખ મોકલેલો. આ લેખ પર જ અહીં અમેરિકામાં ક્યાંક સેમિનાર થયેલો અને એ સેમિનારમાં રજૂ થયેલાં પેપર એક પુસ્તકમાં પ્રગટ થયેલાં. એમાંનું મુખ્ય પેપર મારા જ એક પ્રોફેસરનું હતું. મને થયું કે આ લેખનો ગુજરાતીમાં અનુવાદ થાય તો સારું. પણ, મારે એ માટે કરમશીભાઈને તકલીફ આપવી ન હતી. એ લેખ વાંચીને દાદા કહે, “આનો તમે અનુવાદ કરો.” મેં કહ્યું કે આપણે એક કામ કરીએ. હું દર રવિવારે તમને ફોન કરીશ. આપણે ફોન પર આનો અનુવાદ કરીશું. એ કહે : “ચાલો, આજે એનું પહેલું સૂત્ર લો.”Laruelleનો એ લેખ નાનાં નાનાં સૂત્રોનો બનેલો હતો. મેં એનું પહેલું સૂત્ર વાંચી બતાવ્યું : “In the foundations of color, vision sees the Universe; in the foundations of the Universe, it sees man; in the foundations of man, it sees vision.” એ સાંભળીને કહે, ‘Universe’નું ગુજરાતી શું કરશો? મેં કહ્યું, “વિશ્વ.” એ કહે, “ન ચાલે. વેદો કે ઉપનિષદોમાં જુઓને. આ સૂત્ર ઉપનિષદના સૂત્ર જેવું છે. પછી કહે, “અઘરું છે. અહીં Universeનો U કૅપિટલમાં છે. ગુજરાતીમાં એ ભાવ કઈ રીતે લાવીશું? હું મુંઝાઈ ગયો. મેં કહ્યું, “આપણે એટલું Bold બનાવીશું.” એ કહે, “ચાલશે, પણ visons sees the Universeનું શું કરશો? હું થાકી ગયેલો. મને એ કહે કે મૂળમાં જે mysticism છે એવો mysticism અનુવાદમાં આવે તો જ મજા પડે. મેં એમને પૂછેલું, “દાદા, ગુજરાતીમાં કોઈને આ બધાની પડી હશે ખરી?” તો એ કહે, “કોઈને ય નહીં. પણ મને અને તમને તો ખરી જ.” અમારી એ અનુવાદ પ્રવૃત્તિ પછી બહુ લાંબી ચાલી ન હતી.

એ ઘણી વાર પૂછતા, “તમે ક્યારે ભારત આવો છો?” અમે એમને પૂછતાં, “તમે અમેરિકા ક્યારે આવો છો?” ઘણી વાર રેખા એમને કહેતી કે હું ટિકિટ મોકલું છું અને તમારે આવવાનું છે. તમારી તબિયતની ચિન્તા ન કરતા. અમે અહીં બેઠાં છીએ. એ ના પાડતા. ઘણી વાર એ રેખાને એવું કહેતા કે જો તમે ભારતમાં હોત તો મારી તબિયત કદાચ સારી હોત. દાદા અને રેખા વાત કરતાં ત્યારે હું ભાગ્યે જ હાજર રહેતો. ક્યારેક કરમશીભાઈ એના દાદા બની જતા ક્યારેક પિતા. રેખા દાદાની જન્મ તારીખ કદી ભૂલતી નહીં. દર વરસે એ ફોન કરીને એમને શુભેચ્છાઓ આપતી.

કરમશીભાઈએ સતત મારી સર્જનપ્રવૃત્તિમાં અને intellectual પ્રવૃત્તિમાં પણ રસ લીધો છે. મારી ‘ધૂળિયો’ વાર્તા એમને ખૂબ ગમી ગયેલી. એનાં કેટલાંક દૃશ્યો લઈને એમણે મને ઘણી વાર એમાં રહેલું ‘સૌંદર્ય’ બતાવેલું. એમાં રહેલી homosexualityની બાબતમાં એ કહેતા કે આવું બહુ બને છે પણ ગુજરાતી સાહિત્યમાં ઓછું. મેં મારી ‘કાચંડો અને દર્પણ’ કૃતિ ૧૯૯૦/૧૯૯૧માં લખેલી અને ભરતભાઈને ‘ગદ્યપર્વ’ માટે મોકલેલી. ભરતભાઈને એ કૃતિ ગમી ગયેલી પણ એમને ડર હતો કે મેં કદાચ પશ્ચિમમાં લખાયેલી કોઈક કૃતિનું અનુકરણ કર્યું હશે. એટલે એમણે એ કૃતિ કરમશીભાઈને આપીને એમને પૂછ્યું કે આ કૃતિ પ્રગટ કરવા જેવી છે ખરી? કરમશીભાઈએ લીલી ઝંડી આપી પછી જ ભરતભાઈએ એ કૃતિ પ્રગટ કરવાનું જોખમ લીધેલું. ત્યાર પછી હું ભારતમાં હતો ત્યાં સુધી કોઈ પુસ્તક પ્રગટ કર્યું ન હતું. અમેરિકા આવ્યા પછી મારી સર્જકતાને એક પ્રકારનો વેગ મળ્યો. મેં ક્યાંક લખ્યું છે એમ મને મારા હસ્તાક્ષરનો ફોબિયા હતો. એને કારણે હું ઝાઝું લખી શકતો ન હતો. પણ અમેરિકા આવ્યા પછી હું મારું મોટા ભાગનું કામ કૉમ્પ્યુટર પર કરતો થઈ ગયો. એથી પેલો ફોબિયા ચાલ્યો ગયેલો.

મારી મોટાભાગની કૃતિઓ પ્રગટ થતા પહેલાં કરમશીભાઈએ વાંચેલી અને એ પ્રગટ કરવા જેવી છે કે નહીં એ વિશે અભિપ્રાયો આપેલા. ‘વળગાડ’ અને ‘ગુરુજાપ અને માંલ્લું’ મેં એમને મોકલી ત્યારે એમણે મને કહેલું કે તમે એક મિસાઈલ પછી બીજી મિસાઈલ છોડી રહ્યા છો. એમને એ બન્ને કૃતિઓ ખૂબ ગમેલી. કરમશીભાઈ હયાત હતા ત્યાં સુધી મેં એક નિયમનું પાલન કરેલું : હું મારી દરેક કૃતિ પ્રગટ કરતાં પહેલાં કરમશીભાઈને મોકલતો અને કરમશીભાઇ સારો અભિપ્રાય આપે તો જ પ્રગટ કરતો. જો કે, આ memoir એ કદી પણ વાંચવાના નથી એનું મને અપાર દુ:ખ છે. મેં છેક ૨૦૦૯માં ‘અથાતો ઇલિકાજિજ્ઞાસા’ નામના એક કાવ્યસંગ્રહની હસ્તપ્રત તૈયાર કરેલી. એમાંની કેટલીક કવિતાઓ ‘એતદ્’, ‘સન્ધિ’ તથા ‘તથાપિ’માં પ્રગટ થયેલી. પણ, કોણ જાણે કેમ મને એમ લાગતું હતું કે હજી આ કવિતાઓમાં કશુંક ખૂટે છે. મેં એની હસ્તપ્રત કરમશીભાઈને મોકલી અને સાથે મોકલેલા કાગળમાં લખ્યું કે આ સંગ્રહને હું હવે કચરાપેટીમાં ફેંકી દેવા માગું છું પણ એ પહેલાં તમારો અભિપ્રાય આપજો. એમણે કહેલું કે “જેમ છે એમ પ્રગટ કરો તો પણ સરસ છે. પણ જો થોડુંક વધારે કામ કરો તો કદાચ એક નવા જ પ્રકારનું કામ થાય.” આ વાતને દસ વરસ થયાં. હજી મને એના પર કામ કરવાનો સમય મળતો નથી.

મેં અને ઇન્દ્ર શાહે ‘સન્ધિ’નું સંપાદન શરૂ કર્યું ત્યારે પણ એ મને સતત માર્ગદર્શન આપતા રહેલા. ‘સન્ધિ’ના પહેલા અંકની સામગ્રી મેં ધારેલી એ પ્રમાણે હતી પણ એનું પ્રોડક્શન મેં ધારેલું એના કરતાં તદ્દન વિપરીત. કેટલાક મિત્રોએ એ બદલ સામયિકની અને મારી પણ અંદોરઅંદર ટીકા કરેલી. મેં કરમશીભાઈને પૂછ્યું તો એ કહે, “ચિન્તા ન કરો. પ્રોડક્શન તમારા હાથની વાત ન હતી. તમે આટલે દૂર બેસીને બધું કામ ન કરી શકો. પણ હવે એ પણ તમે તમારા નિયંત્રણમાં લઈ લો.” પછી તો જ્યારે પણ ‘સન્ધિ’નો નવો અંક પ્રગટ થાય પછી કરમશીભાઈ એ અંકને જુએ અને એને પ્રમાણિત કરે તો જ મને અને ઇન્દ્રભાઈને એમ થાય કે આ વખતનો અંક સારો થયો છે. ઇન્દ્રભાઈ પણ મને ફોન કરીને પૂછતા, “કરમશી શું કહે છે? આ અંક એમને કેવો લાગ્યો?” જો મેં દાદા સાથે વાત ન કરી હોય તો એ મને ટોકતા ને કહેતા, “આવું લાહરિયું ખાતું તમારું. કાલે જ ફોન કરીને વાત કરો.” મારે બીજા જ દિવસે કરમશીભાઈને ફોન કરવો પડતો. ઇન્દ્રભાઈ પણ કરમશીભાઈનું પ્રમાણપત્ર અંતિમ ગણતા!

હું અને કરમશીભાઈ એકબીજાના પરિચયમાં આવ્યા પછી જેમ મારા જીવનમાં અનેક ઘટનાઓ બની એમ એમના જીવનમાં પણ. સૌ પહેલાં એમના ભાઈનું અવસાન થયું. પછી એમનાં ભાભીનું. ત્યારે હું ભારતમાં હતો. હું અમેરિકા આવ્યો પછી એમના ભત્રીજા ઉલ્લાસભાઈનું અવસાન થયું. એ ઘટનાએ એમને તથા એમનાં કુટુંબીઓને પણ હચમચાવી નાખ્યાં. હું પણ કરમશીભાઈ સાથે એ વિષે વાત પણ કરી શકું એમ ન હતો. તો પણ મેં મારામાં હતી એટલી હિમંત ભેગી કરીને એમની સાથે વાત કરેલી. એ દિવસે અમે બન્ને યોગ્ય શબ્દો માટે, યોગ્ય વાક્યો માટે તરફડતા હતા. અમને અમારી પરિસ્થિતિનું વર્ણન કરી શકે એવી ભાષા જડતી ન હતી. ફોનની શરૂઆતમાં તો અમે મૌન રહેલા. એ મૌન પર મરણના હસ્તાક્ષર હતા. એ વખતે રેખાએ મને ઊભાઊભ કરમશીભાઈ પાસે પહોંચી જવાની સલાહ આપેલી. પણ, એ કામ ખૂબ અઘરું હતું. મેં હવે પછી પ્રગટ થનારી મારી આત્મકથામાં લખ્યું છે એમ અમેરિકામાં હોઈએ ત્યારે ભારતમાં સ્વજનોનાં થતાં મરણનાં પરિમાણો જુદા જ પ્રકારનાં હોય છે.

ત્યાર પછી પણ એમના કુટુબમાં એક એવી ઘટના બની જેને કારણે એ પુષ્કળ વ્યથિત હતા. જો કે, એમાંથી એમનું કુટુંબ બહાર આવી ગયેલું. પણ, એમની ચેતના પર એ ઘટનાના પડેલા નહોર કોણ જાણે કેમ ભૂંસાતા ન હતા. એક તો વધતી જતી વય, બીજું ઉલ્લાસભાઈનું અવસાન, અને આ ત્રીજી ઘટના – આ બધાંને કારણે એમનો જીવન પરત્વેનો અભિગમ પણ ઘણો બદલાઈ ગયો હતો. એ હવે અંદરથી સંકોચાતા જતા હતા. મારે ફોન પર વાત થતી પણ હવે એ વાતમાં પહેલાંના જેવો ઉલ્લાસ દેખાતો ન હતો. ઘણી વાર અમે બન્ને પાંચ પાંચ મિનિટ સુધી ફોન પકડીને બેસી રહેતા. ન હું બોલતો, ન એ બોલતા. ક્યારેક એ કહેતા, “બાબુ. ફોન કપાઈ ગયો કે?” ક્યારેક હું કહેતો, “દાદા, તમે લાઈન પર છો કે?” એ કહેતા, “હા. હલો. બીજા શું ખબર છે?”એ ‘ખબર’ને ‘સમાચાર’ ગણતા અને એ રીતે એને પુલ્લિંગમાં વાપરતા. પણ, હવે અમારા ફોનનો સમય ઓછો થવા લાગેલો. બે કલાકમાંથી એક કલાક અને એક કલાકમાંથી દસ કે પંદર મિનિટ પણ આવી ગયેલો. એટલું જ નહીં, અમારી ફોનની frequency પણ ઘટી ગયેલી. છેલ્લે છેલ્લે, તો અમે વાત પણ કરી શકતા ન હતા. એમની શ્રવણશક્તિ ખાસી ઘટી ગઈ હતી. રાજુભાઈએ એમને સારી ગુણવત્તાવાળું શ્રવણયંત્ર લાવી આપ્યું હતું. પણ એમને એ યંત્ર વાપરવાનું ઝાઝું ફાવતું ન હતું. એ હવે બહાર પણ ખૂબ ઓછું જતા હતા. મને ફોન પર કહેતા, “હવે નીચે પણ બહુ ઊતરાતું નથી.” અર્થાત્, ઘરની બહાર જવાતું નથી. હું એમને વધારે નહીં તો થોડીક પણ કસરત કરવા કહેતો. પણ મને લાગતું હતું કે એમણે એમની જાત સાથે એક પ્રકારનું અસહકાર આંદોલન શરૂ કરી દીધું હતું.

એ દરમિયાન, મારે પણ પાપી પેટ માટે ફિલાડેલ્ફિયા છોડીને કેલિફોર્નિયાના પાલો આલ્ટોમાં આવવું પડ્યું. હું કેટલાંક સંરચનાગત કારણોસર એમને અવારનવાર ફોન નહોતો કરી શકતો. તો પણ દર પંદર દિવસે હું ફોન કરતો. પણ ઘણી વાર એમને સંભળાતું નહીં. મારે રાજુભાઈને વચ્ચે રાખવા પડતા. પણ, એથી અમારી વચ્ચે માહિતી સિવાય બીજા કશાની આપલે નહોતી થતી. તો ય બે વરસ તો આમ ચાલ્યું. પછી મારે પાલો આલ્ટોથી એની નજીકમાં જ આવેલા બીજા એક શહેર ફ્રિમોન્તમાં આવવું પડ્યું. એ પણ પાપી પેટ માટે જ. ફ્રિમોન્તમાં સંરચનાગત મર્યાદાઓનો કોઈ પાર ન હતો. ભારત ફોન કરવાનો સમયગાળો હોય ત્યારે હું જે કુટુંબમાં રહું છું એ કુટુંબનાં સભ્યો બધાં ઊંઘતાં હોય. એથી ફોન થાય નહીં. બહાર જઈને ફોન કરી શકું. પણ અમે જેમની કાળજી લેવાનું કામ કરીએ છીએ એ માજી જાગી જાય તો બહાર જવાય નહીં. કેમ કે એમને આલ્ઝાઈમેરનો રોગ છે. એક માણસ કામ કરે તો બીજા માણસે એમની પાસે બેસવું પડે. એને કારણે હું વચ્ચે વચ્ચે રાજુભાઈને ફોન કરતો અથવા ભરતભાઈને ફોન કરતો. ભરતભાઈ પણ હવે કરમશીભાઈથી દૂર રહેવા ગયા છે. વળી એમણે ત્યાંથી દૂર આવેલા ભાંભરડા ગામમાં ખેતીવાડી રાખી છે. એ ત્યાં પણ ગયેલા હોય. બહુ બહુ તો હું કમલને ફોન કરી શકતો. અતુલ તો આમે ય ખૂબ જ વ્યસ્ત. છેલ્લે છેલ્લે કમલ, ભરતભાઈ અને બીજા મિત્રો લગભગ નિયમિત કરમશીભાઈના ત્યાં જતા અને કમલ મને દરેક વખતે કરમશીભાઈના ફોટા પાડીને મોકલતો. હું દરેક ફોટાને ધારી ધારીને જોતો પણ કોણ જાણે કેમ હું એ ફોટાઓમાં દેખાતા કરમશીભાઈને સરળતાથી સ્વીકારી શકતો ન હતો. એમનું શરીર લેવાઈ ગયું હતું. એમની આંખો સહેજ ઊણી ઊતરી ગયેલી હતી. મોઢા પર સ્મિત હતું પણ જાણે કે ફોટો પડાવવા માટે જ ક્યાંકથી ખેંચી લાવ્યા ન હોય એવું. કરમશીભાઈ જ્ઞાની પુરુષ હતા. એમને ખબર હતી કે બધા હવે એમને કેમ અવારનવાર મળવા આવે છે. પણ, હું સમજું છું ત્યાં સુધી એમને પણ ખબર હતી કે એ ક્યાં જઈ રહ્યા છે. કદાચ એ સ્વેચ્છાએ એ માર્ગ પર જઈ રહ્યા હતા. જૈન પરંપરા પ્રમાણે.

અમેરિકા આવ્યા પછી હું ત્રણ વાર ભારત ગયો છું. પહેલી વાર ઑગસ્ટ ૨૦૦૫માં. બીજી વાર જુલાઈ ૨૦૧૩માં અને ત્રીજી વાર ફેબ્રુઆરી ૨૦૧૭માં. ત્રણેય વાર હું કરમશીભાઈના ત્યાં રહેલો. પહેલી બે મુલાકાતો વખતે હું એમના માટે ખાસાં બધાં પુસ્તકો લઈને ગયેલો. ત્રીજી મુલાકાત વખતે એમણે કહેલું : કંઈ ન લાવતા. મારાથી કશું વંચાતું નથી. હું એમના માટે થોડીક DVD લઈ ગયેલો. તદ્ઉપરાંત, થોડીક ઑડિયો સામગ્રી પણ. એમાં કેટલાંક પુસ્તકો ઉપરાંત અમેરિકાની ખૂબ લોકપ્રિય એવા ગ્રેટ કોર્સિસની કેટલીક ઑડિયો સામગ્રીનો પણ સમાવેશ થતો હતો. ત્યારે એ પથારીવશ તો ન હતા. પણ, એ ઓછું ચાલતા. મોટા ભાગનો સમય બેસી રહેતા કે સૂઈ રહેતા. હું મારી કેટલીક Blue Ray DVD લઈ ગયેલો. એ માટે હું અને રાજુભાઈ એક સ્ટોરમાં જઈને Blue Ray DVD player પણ ઊભાઊભ લઈ આવેલા. એમણે થોડીક ફિલ્મો જોયેલી પણ આખી તો એક પણ નહીં. થોડીક જ ફિલ્મ જોઈને એ થાકી જતા હતા. ક્યારેક એ ટેકનોલોજી હેન્ડલ નહોતા કરી શકતા. એકાદ બે વાર એ ખિજાઈ પણ ગયેલા. પણ, અમારા પર નહીં. ટેકનોલોજી પર. હું મારી સાથે iPod લઈ ગયેલો. એમાં પણ ઘણીબધી ઑડિયો સામગ્રી હતી. એમણે મને કહ્યું કે પ્રબોધ પણ મારા માટે એક iPod લઈ આવ્યો છે. એમાં પણ ઘણી સામગ્રી છે. પણ એમને એ iPod ચલાવતાં ફાવતું ન હતું. મને કહે, “તમારું બરાબર ફાવે એવું છે.” આમ તો બન્ને એકસરખાં હતાં. ફરક એટલો જ હતો કે મારા iPodની ક્ષમતા વધારે હતી અને એનું કદ પણ જરા મોટું હતું. મેં કહ્યું કે તો તમે આ પણ રાખો. કેમ કે મારે એની કોઈ જરૂર ન હતી. હું સાથે એક સારામાંનો Sony કંપનીનો હેડફોન લઈ ગયેલો. એના પર અવાજ સાંભળીને એ કહે : બસ, આવો અવાજ સાંભળવો હતો મારે. કેટલા સમયે મેં આવો અવાજ સાંભળ્યો. મેં એમને કહ્યું કે આ પણ તમે રાખો. એમની ઇચ્છા પ્રમાણે મેં એને એમના ટી.વી.ને પણ લગાડી આપ્યું. પણ, એ બધી ટેકનોલોજી ચલાવવાનાં steps ભૂલી જતા હતા. હું જોઈ શકતો હતો કે એમણે એમની મરજીના વિરુદ્ધમાં જઈને ઘણો સંઘર્ષ કરવો પડતો હતો. એ છેલ્લી મુલાકાત વખતે જ મને ખ્યાલ આવી ગયેલો કે હવે અમે કદાચ ફરી વાર નહીં મળી શકીએ. અને એવું જ બન્યું.

જ્યારે કમલે મને એક સંદેશામાં જણાવ્યું કે કરમશીભાઈ હવે લાંબું ખેંચી શકે એમ લાગતું નથી ત્યારે મેં તરત જ રેખાને કહ્યું કે હું જાઉં છું ભારત. દાદાને મળીને પાછો આવું છું. એકાદ બે મિત્રોએ એવી સલાહ પણ આપી કે હું પહોંચીશ ત્યારે કદાચ ખૂબ મોડું થઈ ગયું હશે. હું એમની એ સલાહ સ્વીકારવા તૈયાર ન હતો. મને હતું કે એક વાર જો એમને કોઈ કહેશે કે હું એમને મળવા માટે આવી રહ્યો છું તો એ ચોક્કસ થોડુંક તો રોકાઈ જ જશે. મેં ભારત જવા માટે માનસિક તૈયારી કરવા માંડી પણ ત્યાં જ એક અડચણ આવી. અમે જેમની કાળજી લઈ રહ્યાં છીએ એ માજીનાં દીકરીને કોઈક નાણાંકીય વહીવટના કામ માટે મુંબઈ આવવાનું થયું. એ કહે, “હું જઈ આવું પછી તમે જાઓ.” મુક્ત અર્થતંત્રના જમાનામાં મરણ રાહ જોઈ શકે પણ નાણાંકીય નિર્ણયો રાહ ન જોઈ શકે. હું એમની સાથે સંમત થયો. દસ દિવસ થયા, પંદર દિવસ થયા. મહિનો થયો તો પણ અમારાં દર્દીનાં દીકરી મુંબઈ ન ગયાં અને એક રાતે કમલે વૉટ્સઅપ પર સંદેશો મોકલ્યો : કરમશીભાઈ હવે નથી રહ્યા. સમય રાતનો. ઘર બીજાનું. બધાં ઊંઘતાં હોય. એ સંજોગોમાં પોકે પોકે રડી પણ ન શકાય. રેખા અમારા દર્દીના રૂમમાં સૂતી હતી. મેં એને જગાડી. હું એને સમાચાર પણ આપી શકતો નથી. પણ એ સમજી ગઈ. એ બોલી : કરમશીભાઈ? મેં માથું હલાવ્યું. અમે બન્ને રડ્યાં. બન્નેએ એકબીજાને સાંત્વન આપ્યું. અમેરિકા આવ્યા પછી મેં મા ગુમાવ્યાં, પછી બાપુજી, પછી ઇન્દ્ર શાહ અને હવે કરમશીભાઈ. ઘણી વાર મને લાગે છે કે માણસ સૌ પહેલાં તો પોતાના અને પછી સ્વજનના મરણની તૈયારી કરવા માટે જ જનમ લેતો હોય છે. 

કરમશીભાઈના અવસાન પછી મેં રાજુભાઈ સાથે વાત કરી. રાજુભાઈએ કહ્યું : “દાદા છેલ્લે છેલ્લે તમને ખૂબ યાદ કરતા હતા. એટલે સુધી કે કોઈ માણસ આવે તો એને પણ ‘બાબુ’ કહી દેતા. એમની સેવા કરવા રાખેલા માણસને પણ એ ઘણી વાર ‘બાબુ’થી બોલાવતા અને ‘બાબુ આવ્યો’ એવું પણ પૂછતા.

એમના અવસાનની પળે એમની સાથે ન હોવાનો વસવસો કદાચ સાત જનમ સુધી રહેશે.

e.mail : [email protected]

સૌજન્ય : “એતદ્દ”, 223; સપ્ટેમ્બર 2019; પૃ. 62 - 86

છબિસૌજન્ય: “નવનીત સમર્પણ” તંત્રી દીપકભાઈ દોશી તેમ જ “એતદ્દ” સંપાદક કમલભાઈ વોરા.

Category :- Profile

કેળવણીના કીમિયાગર

રમેશ સંઘવી
05-09-2019

યાત્રા : દક્ષિણામૂર્તિથી ગ્રામ દક્ષિણામૂર્તિ

(11મી જુલાઈએ જેમનું અવસાન થયું, તે અનિલભાઈ ભટ્ટ નઈતાલીમના અગ્રયાત્રી, પ્રયોગશીલ, ઉત્તમ - અનોખા કેળવણીકાર હતા. ગુજરાતનું શિક્ષણજગત તેમનાથી પરિચિત હશે, પણ તેમના જીવન, કેળવણી દર્શન અને કેળવણીના પ્રયોગો વિશેની જાણકારી અને સમજ ઓછી વ્યાપક છે. નમ્રતા, સહજતા અને કાર્યને જ સમર્પિત અનિલભાઈએ તેની ખેવના પણ નથી કરી. અહીં તેમના વિશે સંક્ષેપમાં થોડી વાત મૂકવી છે.)

છબિ સૌજન્ય : "કોડિયું", ઑગસ્ટ 2019

1945-46ની વાત છે. અનિલભાઈ પંદર-સોળ વરસના. ‘ઘરશાળા’માંથી દસમું ધોરણ પાસ કરેલું. વેડછીથી જુગતરામભાઈ દવે ભાવનગર આવેલા અને અનિલભાઈના ઘરે જ તેમના ધામા હતા. જુકાકાએ સહજ જ આ કિશોરને પૂછ્યું : ‘હવે શું કરવું છે ?’ અને કિશોર અનિલભાઈનો ફટાક જવાબ આવ્યો : ‘ગાંધીનું કામ !’

તેમના માટે આ જવાબ સહજ હતો. કારણ, અનિલભાઈ એટલે સ્વરાજ આંદોલનનું, ગાંધીયુગનું સંતાન. દેશના તાર તારમાં સ્વાતંત્ર્યનો, ત્યાગનો, બલિદાનનો, ગાંધીની ગૂંજનો પ્રબળ પ્રભાવ. વાતાવરણ આઝાદીના અને ગાંધીના તરંગોથી તરંગિત. પિતા આત્મારામભાઈ તો નરવીર, અનૂઠા સત્યાગ્રહી. ટેક અને નિર્ભયતાની પ્રતિમૂર્તિ. અન્યાય અને અસત્યનો રોમ રોમ પ્રતિકાર કરે. માતા દુર્ગાબહેન પણ સત્યાગ્રહી, વાત્સલ્યમૂર્તિ. મનુભાઈ પંચોળી ‘દર્શકે’ લખ્યું છે : ‘આત્મારામભાઈ જેવા નિર્ભય ભાગ્યે જ કોઈ હોય અને દુર્ગાબહેન જેવાં શાંત, ધીરજવાળાં, વહાલસોયાં પણ થોડાં જ હોય.’

જન્મ 10 જાન્યુઆરી, 1930. દાંડીકૂચને બસ બે જ મહિનાની વાર હતી. મીઠા સત્યાગ્રહના સવિનય કાનૂનભંગના એ આંદોલનમાં માતા-પિતાની ધરપકડ થઈ અને નવ-દસ મહિનાના અનિલને તેડીને માતા-પિતા જેલમાં ! અનિલભાઈ હજુ વરસના ય માંડ થયા છે, બોલવા-ચાલવાનું ય શીખતા હશે અને બ્રિટિશરાજ કૃપાએ શૈશવના એ મહત્ત્વના કાળમાં જેલાનુભવ કરાવ્યો ! સાલ હતી - 1931.

પછી ત્રણેક વર્ષની ઉંમરે, 1933માં મૂછાળી મા ગિજુભાઈના બાલમંદિર - દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં પગ મૂક્યો. એ બાળકોનું સ્વર્ગ, જાણે જાદુનગરી ! ત્યાં રમાડાતી શાંતિની રમતને અનિલભાઈ આજીવન સંભારતા રહ્યા અને નવમા દાયકામાં પણ તેઓ કહેતા : ‘આજે ય ક્યાંક મૂંઝવણ થાય કે કોઈ ન ગમતી ઘટના બને ત્યારે બાળપણમાં ગિજુભાઈએ રમાડેલી એ શાંતિની રમત રમું છું !’ એ વખતે દક્ષિણામૂર્તિનો દબદબો હતો. નવી કેળવણીની ઉષાનાં રશ્મિઓ ઊઘડતાં - ફેલાતાં જતાં હતાં. ભય, સજા, સરખામણી, માર, લાલચ, ઈનામ, સ્પર્ધાથી મુક્ત, પ્રેમ છલકતું - મોકળું વાતાવરણ ત્યાં હતું. નાનાભાઈ, હરભાઈ, ગિજુભાઈની ત્રિપુટીએ કેળવણીની નવી અને ખરી દિશાઓ ખોલી આપેલી. અને કેળવણીની નવી-તાજી હવા ત્યાંનાં વાતાયનોમાંથી પ્રસર્યા કરતી. ગિજુભાઈ દ્વારા અનિલભાઈનું પ્રારંભિક શિક્ષણ અને પછી દક્ષિણામૂર્તિમાં જ પ્રાથમિક શિક્ષણ. અનિલભાઈનો માંહ્યલો પિંડ અદીઠ રીતે ત્યાં બંધાયો. પછી સમર્થ કેળવણીકાર હરભાઈની ‘ઘરશાળા’માં 1941માં પ્રવેશ અને માધ્યમિક શિક્ષણ. 1943માં બાપુજી આત્મારામભાઈ ભાવનગર જેલમાં હતા, ત્યાં બીમાર પડ્યા એટલે પુન: બા સાથે જેલમાં, ત્યાંથી દફતર ખભે ભેરવી ‘ઘરશાળામાં’ ભણવા જાય ! અને માધ્યમિક શિક્ષણ હજુ પૂરું નથી થયું ત્યાં જુકાકા સાથે એ મુલાકાત-સંવાદ.

બાળપણનું એક વિશિષ્ટ સ્મરણ તેમના અનુજ મહેન્દ્રભાઈએ વાગોળ્યું છે. લખે છે : અમારા ભાવનગરના ઘર પાસે વીજળીનો થાંભલો અને વીજળીના તાર ઉપર રોજ એક પોપટ આવીને બેસે. અનિલભાઈ બારી પાસે ઊભા રહે, હાથમાં થોડાં શીંગચણા હોય. પોપટ વીજ રેશેથી ઊતરી, બારીમાંથી પ્રવેશે અને પ્રથમ અનિલભાઈના ખભે બેસે અને પછી હળવેકથી હથેળી પર બેસી ટેસથી શીંગચણા આરોગે ! બંનેની આ દોસ્તી ભાવનગર રહ્યા ત્યાં સુધી રહી. કવિવર રવિ ઠાકુરની એક સુંદર કવિતા છે : ‘શુકેર શિક્ષા’. લાગે છે પિંજરવાસી એ પોપટ છૂટીને અહીં આવી ચડ્યો હશે અને અનિલભાઈના ખભે બેસી કાનમાં કહેતો હશે : ‘દોસ્ત, આજની કેળવણીની જેલમાંથી બાળકોને છોડાવજે હોંને !’ જાણે અનિલભાઈના ભાવિ કાર્યની રૂપરેખાના મંત્રની ફૂંક મારતો હોય !

પરિવાર, દક્ષિણામૂર્તિ, ઘરશાળા, થોડું ઈધણ તો ઘર અને હવે આ યુવાન, બસ, હજુ વીસીમાં પ્રવેશ્યો નથી ત્યાં 1947માં જુકાકાએ દીધેલ આમંત્રણને સંભારી વેડછી પહોંચે છે. ત્યાં બે વર્ષ ગ્રામસેવાની તાલીમ લઈ, થોડો સમય શિક્ષક તરીકે ત્યાં જ જોડાય છે. પછીથી લોકભારતીમાં અધ્યાપક રહી ચૂકેલા યોગેશભાઈ ભટ્ટ એ વખતે ત્યાં હતા. વેડછીના તે દિવસો સાંભરતાં તેઓ લખે છે : "ત્યારના ‘ફાનસઘર’ની બાજુના ઘરમાં એક યુવાન નીચે બેઠો બેઠો ભીંતે ટેકવેલ એક નાના કાળા પાટિયામાં વારંવાર ઝડપથી કંઈક લખે છે ને ભૂંસે છે.” યોગેશભાઈ તો નાના. પૂછે છે : "તમે આ શું કરો છો ?” યુવક જવાબ આપે છે : "મારે રાત્રિ-શાળામાં ભણાવવા જવું છે ને તેથી આ પાટિયામાં લખતાં શીખું છું.” અને પછી એ જ યુવાન વેડછી આશ્રમના ‘મહાભારત ચોક’માં ગરીબીના કાર્યક્રમ વખતે ‘કુંજલડી રે સંદેશો અમારો ....’ રણકતી મીઠી હલકથી ગાય છે અને ‘સ્વરાજ સાધના’ માટેના આ સ્વરાજ આશ્રમોમાં રાષ્ટ્રગીતો કે ભજનોને બદલે એક નવા જ પ્રકારના ગીતના સ્વર રેલાય છે ! ‘સ્વરાજ આશ્રમ’ની એ રંગોળીમાં એક જુદી ભાત ઊપસી આવે છે. દર્શક એવોર્ડની સ્વીકાર વેળા પોતાનાં પ્રેરણાસ્થાનો વિશે વાત કરતાં તેમણે સંભારેલું :

‘સૌથી પહેલાં પ્રણામ માતાપિતા, બાળમિત્રો, બાલમંદિરનું શિક્ષણ, શિશુવિહાર, દક્ષિણામૂર્તિનું વાતાવરણ જેમાં ભય, માર, સજા, લાલચ, સ્પર્ધા નહોતાં. સ્વાતંત્ર્ય અને નવસર્જન દ્વારા સ્વનિયમનના માર્ગે સફળ રીતે કેળવણી ત્યાં અપાતી હતી. બીજા પ્રણામ : ઋષિસમા પૂજ્ય જુગતરામભાઈને, જેઓએ દેશના અવગણાયેલા લોકોની સેવામાં જીવન અર્પણ કર્યું. અને અમને એ સેવાના જીવનમાં ઉત્કર્ષ અને આનંદ માણવાનું શીખવ્યું. અને પછી : ત્રીજા પ્રણામ દર્શકજીને .... સંસ્થામાં આવવાનું નિમંત્રણ, પ્રાથમિક શાળા સોંપી, ઉપનિયામક, નિયામકનાં કાર્યો સોંપ્યાં અને લોકવિદ્યાલયના પ્રયોગમાં સાથીદાર બનાવ્યો.’

અને તેમના ત્રીજા આ ચરણની તો એક વિશિષ્ટ - ભાતીગળ કથા છે, પણ એ પહેલાં આ પ્રયોગવીરની ‘શ્રમ કરી આજીવિકા મેળવવી’ તેની વાત કરવી રહી. વેડછી હતા ત્યાં જ તેઓ ભાવિ જીવનનો વિચાર કરવા લાગેલા. ટોલ્સ્ટોયનું ‘ત્યારે કરીશું શું ?’ પુસ્તક તાજેતરમાં જ વાંચેલું. અને તે પુસ્તક તેમના માટે ‘જીવનની ગીતા’ રૂપ બની ગયેલું. અનિલભાઈ નોંધે છે : ‘ટોલ્સ્ટોય કહે છે, તમારે હૈયે જો દલિતો, પીડિતો પ્રત્યે સહાનુભૂતિ હોય, તમારું જીવન તમે ન્યાયી, પ્રેમમય બનાવવા ઇચ્છતા હો તો પહેલું કામ એ કરવું રહ્યું કે તમે તરત જ પીડિતોની પીઠ ઉપરથી નીચે ઊતરી જાવ.’ આ ઉપરાંત ટોલ્સ્ટોયના બીજા પુસ્તક ‘ઈવાન, ધ ફૂલ’, ‘મૂરખરાજ’નો પણ જબરો પ્રભાવ પડ્યો. અનિલભાઈએ નોંધ્યું છે :  "કેળવણીના મારા ચિત્રમાં આવા પાગલો ‘મૂરખરાજ’ વધે તેમ કરવાની નેમ છે !” ગાંધીજી પર પણ ટોલ્સ્ટોયના વિચારોનો પરિવર્તનકારી પ્રભાવ પડેલો જ અને ઈશુકથન ‘તું તારા પસીનાની રોટી ખાજે’ તેમણે ય વાંચીને તુરત અમલમાં મૂકેલું.

ટોલ્સ્ટોયના આ વિચારોની એવી અસર પડી કે તેમણે શરીરશ્રમ દ્વારા જ આજીવિકા મેળવવાનું અને સાથે સાથે ગ્રામસેવા કરવાનું નક્કી કર્યું. ગાંધી સંસ્કારો તો હતા જ. સમજાયું તે મુજબ જીવવાનું. શ્રમ કરીને જીવન ગુજારવું, કોઈનું શોષણ કરવું નહીં અને ગામડાંની સેવા અને તે દ્વારા રાષ્ટ્રની સેવા કરવી - આ હતો તેમનો આગળનો નકશો. આ ભાવ હૈયે ભરી વેડછીથી આવી ભાવનગર જિલ્લાના તળાજા ગામની પાસેના એક ગામડામાં 1950માં ચાલીસ વીઘા જમીન મેળવી ખેતી શરૂ કરી. સખત પરસેવો પાડે. પણ એમની વાડીના કૂવે તેમણે હરિજનોને પાણી ભરવા દીધું અને ગામનો જે વિરોધ થયો તે કોઈ દાડીએ ન આવે! બહિષ્કાર ! આટલી જમીન, ગાય-બળદ, પાર વગરનું કામ. અનિલભાઈ ખેડ કરે. કોસ હાંકે, પાણી વાળે, ઢોર ચારે, રાત્રે રોઝડાં તગેડે ! કાળજાતૂટ મહેનતથી શરીર ભાંગી પડ્યું. વૈધ કહે : ‘હવે ખેતી છોડો, સ્વાસ્થ્ય સુધારો. આમ ખેતી કરશો તો બચવું મુશ્કેલ થશે.’ સ્વાસ્થ્ય માટે ખેતી છોડવી પડી પણ છેલ્લે સુધી તેમને ખેતી કરવાની ઝંખના હતી. થોડાં વર્ષ પૂર્વે એટલે તેમની 86-87 વર્ષની ઉંમરે તેમની સાથે ગોષ્ઠિ કરી ત્યારે કહેલું : "આવતો જન્મ મળે તો મને ખેડૂતનો અને મજૂરનો મળે તેમ માંગવું છે.” પાંચ વર્ષ ખેતી કરી એ વિશિષ્ટ અનુભવ બની રહ્યો. દરમ્યાન 1954માં મધુબહેન સાથે લગ્ન.

છબિ સૌજન્ય : "કોડિયું", ઑગસ્ટ 2019

અને સ્વાસ્થ્ય સુધારણાના એ ગાળા દરમ્યાન જ દર્શક સાથે ભાવનગર જ મળવાનું થયું. દર્શક કહે : ‘આંબલા આવો’. અનિલભાઈએ કંઈક અવઢવ સાથે તે સ્વીકાર્યું. 1955માં આંબલામાં. ત્યાં ચાલતા પંચાયત તાલીમ વર્ગમાં ગૃહપતિ અને અધ્યાપક તરીકેનું કામ. કામ જામ્યું. અઢી વરસ થઈ ગયાં ત્યાં એક દિવસ અચાનક દર્શક કહે : ‘અનિલ, આપણી પ્રાથમિક શાળા સંભાળ. ત્યાં ઘણું કામ કરવા જેવું છે. તારાથી થઈ શકશે.’ અનિલભાઈ માટે તો સાવ જ અનપેક્ષિત દરખાસ્ત ! બાળ શિક્ષણનું સીધું કોઈ કામ કરેલું જ નહીં, કે તેની તાલીમ લીધેલી નહીં. શું કરવું એવી ગડમથલ અનિલભાઈના મનમાં ચાલી. થયું : ‘સમગ્ર કેળવણીની દૃષ્ટિએ વિચારવાનું, કામ કરવાનું રહે. જ્યારે પોતે જ એવું કશું ભણ્યો નહોતો, વિચાર્યું પણ નહોતું.’ પણ પડકાર ઝીલી લેવાની વૃત્તિએ હા પાડી. હેલન કેલરનું એ પ્રસિદ્ધ કથન : ‘જિંદગી એ પડકાર આપતું સાહસ નથી તો કંઈ નથી.’ બસ, 1958થી આંબલાની પ્રાથમિક શાળા સંભાળી અને કેળવણીના - નઈતાલીમના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું.

અનિલભાઈ લખે છે : ‘તે દિવસથી મારી કેળવણી શરૂ થઈ અને હજુ પણ ચાલે છે.’ અસ્તિત્વએ જે કામ તેમની પાસેથી લેવા ધાર્યું હશે, કાળ દેવતાએ તે સામે જ ધર્યું. અને ગુજરાતને નઈતાલીમની શક્યતા અને સંભાવનાનો અનોખો આવિષ્કાર અનુભવાયો.

ગ્રામ દક્ષિણામૂર્તિ પ્રાથમિક શાળા. આંબલાના કેળવણીના એ અદ્ભુત પ્રયોગો. જેમ મહાત્મા ગાંધીનું જીવન એટલે ‘સત્યના પ્રયોગો’ તેમ અનિલભાઈનું જીવન એટલે ‘કેળવણીના પ્રયોગો !’ ગાંધીજીએ પણ પચીસી પછી જાગૃતિપૂર્વક રોમરોમથી સત્યના પ્રયોગો કર્યા. જે કર્યું તે સત્યની કસોટીએ કસીને જોયું, તેમ અનિલભાઈએ પણ પોતાની પચીસી પછી કેળવણીના પ્રયોગો કર્યા અને જે કંઈ કરવાનું આવ્યું તે કેળવણીની દૃષ્ટિએ જ કર્યું અને તે કસોટીએ કસ્યું. તેમણે જ કહ્યું કે : ‘ગિજુભાઈના બાલમંદિરે જે આપ્યું હતું, તે હૃદયના કોઈક ખૂણામાં છુપાયું હતું તે જાગી ઊઠ્યું.’ અને શાળાના પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓને પોતાના કરવાની ગુરુચાવી મેળવી લીધી. અનિલભાઈ લખે છે : ‘તરતાં આવડતું ન હોય પણ બીજાને તરતા જોઈને એમ થાય કે તરવું તો સાવ સહેલું છે, જો એમ સમજીને નદીમાં ભૂસકો મારે અને જેવી સ્થિતિ થાય તેવી કાંઈક સ્થિતિ પહેલા દિવસે શાળામાં ગયો ત્યારે મારી હતી. નાનાં નાનાં વિદ્યાર્થીઓ મારા મોઢા સામે ઉત્સુકતાભર્યા કૌતુકથી જોતાં હસુ હસુ થઈ રહ્યાં હતાં. જાણે પૂછતાં હતાં કે ‘અમારી સાથે વાત કરવી છે ?’ ‘અમારા દોસ્ત બનશોને ?’ અને અનિલભાઈએ આ પડકાર ઝીલી લીધો. શરૂ થઈ જાગૃતિપૂર્વકની તેમની કેળવણી-સફર. એટલે જ યશવંતભાઈ ત્રિવેદી કહે છે તેમ : ‘નઈતાલીમના તેઓ અગ્રયાત્રી’ બની શક્યા.

અનિલભાઈ એટલે ગુજરાતી પાયાની કેળવણીયજ્ઞના અનોખા અધ્વર્યુ. નઈ તાલીમ વિચારને શાસ્ત્રીય સ્વરૂપ આપનાર ડૉ. ઝાકીર હુસેન દેશભરની બુનિયાદી શાળાઓ અને તેની સ્થિતિ જોઈને ખૂબ નિરાશ બનેલા અને એ મતલબનું બોલી ઊઠેલા : ‘બુનિયાદી શિક્ષણ એ હવે મૃત બાળક છે.’ પણ તેઓ જ્યારે ઉપરાષ્ટ્રપતિ હતા અને આંબલા આવેલા ત્યારે ત્યાંનું શિક્ષણ, ત્યાંના પ્રયાગો અને ત્યાંનું વાતાવરણ, આંબલાનું કામ જોઈને રાજી થઈ બોલી ઊઠેલા : ‘હું નઈ તાલીમમાં વિશ્વાસ અને શ્રદ્ધા લઈને જાઉં છું.’ નળાખ્યાનમાં આવે છે કે દમયંતીના હાથમાં મરેલાં માછલાં પણ જીવંત થઈ જતાં, જાણે તેવું જ થયું. દેશભરમાં નાભિશ્વાસે પડેલી નઈતાલીમ અહીં અનિલભાઈની નિશ્રામાં જીવંતપણે ધબકતી - શક્તિથી, સ્ફૂર્તિથી કાર્યરત હતી.

વિનોબાજી નઈતાલીમને ‘નિત્ય નઈતાલીમ’ કહેતા. તેઓ કહેતા: ‘જે આજે છે તે કાલે નહીં રહે.’ કેળવણીએ યુગાનુરૂપ નવો અવતાર ધારણ કરવો પડે. આજની જરૂરિયાત અને પડકારોને કેળવણી દ્વારા ઉકેલવાં જ પડશે. દર્શક કહેતા : ‘સનાતન સાથે નૂતનની કલમ કરો.’ સનાતનતા અને સામયિકતાના મણિકાંચન-યોગથી નિત્યનૂતનતા પાંગરે છે. ગ્રામ દક્ષિણામૂર્તિ-આંબલા તો આમ્રકુંજો વચ્ચે સોહંતી દશાંગુલ સંપુટશી નાની-શી શાળા. સાદાં-થોડાં-કાચાં મકાનો અને થોડા નીમપાગલો એ તેનો અસબાબ! પણ ત્યાંનું સર્જન, આનંદ અને મૈત્રીથી છલકતું વાતાવરણ જ અનોખું હતું. આંબલાનું શિક્ષણ એટલે જલસો ! બાળક કેન્દ્રમાં. તેનાં રસ અને રુચિ, તેનાં કુતૂહલ અને જિજ્ઞાસા, તેની સર્જનશીલતા અને મૌલિકતા, તેનાં તત્ક્ષણતા અને તત્પરતા કેન્દ્રમાં. બાળકની ભોમભીતરનો રસ, ખોજ અને સાહસને અનુકૂળ વાતાવરણ. ચાર દીવાલો વચ્ચેનું શિક્ષણ નહીંવત્. નાનાભાઈ તો કેળવણીના ઋષિ. તેમણે જે કેળવણીનું દર્શન આપ્યું તે અહીં પાયામાં હતું. દર્શક તેમની વાત આમ  મૂકતા : ‘નાનાભાઈ માટે કેળવણી એ મહાત્મા ગાંધીની સત્ય અને અહિંસાની શોધને શિક્ષણ ક્ષેત્રમાં કેમ લાગુ પાડવી તેની મથામણ હતી. એ કેળવણી કેવી હોય?’ દર્શક કહે છે : ‘એ કેળવણી જીવન સાથે નાડી સંબંધ ધરાવનારી હોય. તેમાં ઉત્પાદિત પરિશ્રમ, જ્ઞાન-વિજ્ઞાન અને કાવ્ય-સાહિત્યનો સમન્વય થયો હોય. તેમાં સહશિક્ષણ હોય, દંડને સ્થાન ન હોય. તેમાં વિદ્યાર્થી-અધ્યાપક વચ્ચે માત્ર સંપર્ક જ નહીં પણ કુટુંબભાવના હોય. તે વિદ્યાર્થીની રુચિ અને વયની જરૂરિયાતોને લક્ષમાં રાખીને ચાલતી હોય.

અભ્યાસની પ્રેરણા અંદરથી આવતી હોય. તે કોઈને આશરે ન હોય. તેમાં સૌથી નીચેની કક્ષાની કેળવણીમાં સૌથી ઉત્તમ માણસો અને ઉત્તમ સાધનો રોકાતાં હોય. સામાજિક અને અન્ય ઉચ્ચનીચના ભેદ-ભાવને તેમાં પ્રવેશ ન હોય.’ આવી કેળવણી આ દેશ માટે અમૃત સંજીવનીરૂપ બને.

‘માસ્તર ! આને ભણાવવો છે’ એમ કહી એક વૃદ્ધ માએ પોતાના પુત્રને અનિલભાઈને સોંપ્યો. ‘એનો બાપ જંગલમાંથી મધ, કેરડા લાવે, દાડીદપાડી કરે પણ આને ભણાવવો છે. લ્યો તમને સોંપ્યો. હું જાઉં છું ત્યારે. આ છોકરો તમને ભળાવ્યો !’

અને આ રીતે અનિલભાઈ પાસે બાળકો આવતાં રહ્યાં.

એક છોકરો સુખી કુટુંબનો, શહેરનો. 13-14 વર્ષનો. અનિલભાઈને સોંપતાં તેના પિતા કહે : ‘સાવ ઠોઠ છે, ભણતો જ નથી. આખો દિવસ રખડ્યા કરે છે. ટ્યુશન રાખ્યાં તો ય ભણતો નથી. ખાવા ન આપું, ઓરડીમાં પૂરી રાખું, કશી અસર જ નહીં. મીંઢો છે. સાવ મીંઢો, ઢોર જેવો !’

અનિલભાઈ કહે : ‘તમે એને અહીં મૂકી જાઓ. દસેક દિવસ પછી આવો ત્યારે ખ્યાલ આવશે કે તેને અહીં ફાવશે કે નહીં.’ પિતા તો હસમુખને સોંપીને જતા રહ્યા. પણ હસમુખ કોઈની સાથે ન બોલે. અનિલભાઈએ વાત કરવાનો પ્રયત્ન કર્યો તો ય અસહકાર જ. કંઈક તિરસ્કાર પણ ખરો. જમવાની ના. રમવાની ના.

પણ પછી તો હસમુખ સાચે જ હસ-મુખ બની રહ્યો. અનિલભાઈએ તેનાં રસ-રુચિ મુજબ તેની સર્જનશક્તિને આવિષ્કૃત કરી. તેને આનંદ આનંદ વરતાઈ રહ્યો. સુંદર-માર્ગદર્શક કથા છે.

જાતજાતનાં બાળકો. મારંમારી થાય. ચોરી થાય. કોઈ લાચાર બાળક, કોઈ એકલસૂરું, - કોઈ ભયભીત, હોય. પણ સર્જનશક્તિ, સ્વાવલંબન અને સ્નેહથી બાળકો નવજીવન પામ્યાં.

હંસા તો ચોથા ધોરણમાં. સૌથી નાની અને નબળું કાઠું. તેને રેંટિયા દ્વારા વસ્ત્ર સ્વાવલંબનમાંથી પ્રેરણા મળી કે ‘મારે તો મારા મોટાભાઈ માટે ખમીશ અને રુમાલ તૈયાર કરવાં છે.’ તેણે ગણતરી માંડી. રક્ષાબંધનને હવે આટલા દિવસ છે, દરરોજ 530 તાર કાંતવા પડે. હંસા એકધ્યાનથી કાંતે અને તેનું આયોજન પૂરું થયું. રક્ષાબંધનને દિવસે બહેને મોટાભાઈને પહેરામણી કરી !

આંબલા પ્રાથમિક શાળામાં વર્ગખંડોની કમી. બહાર ખુલ્લામાં ઝાડ નીચે બેસીને ભણવાનું. પણ પછી અનિલભાઈએ પ્રેરણા આપી તો સુંદર ચોરસ વાંસના લતામંડપ થયા. જમીન સફાઈ, પાયો ખોદવો, પથ્થર લાવવા, ચણવું, વાંસના વિવિધ આકાર કરવા, ફૂલછોડ વાવવાં - બધું જ બાળકોએ કર્યું ! પણ પછી બાળકોને થયું, બધી શાળામાં ઓરડા છે અને આપણે કેમ નહીં ? સહુ અનિલભાઈને કહે : ‘ગામની શાળામાં સરકારે ઓરડો બાંધી આપ્યો છે, તો અનિલભાઈ તમે સરકારને કહો ને કે આપણે ત્યાં ય બાંધી આપે.’ બસ, અનિલભાઈને કેળવણીનો મુદ્દો મળી ગયો. અનિલભાઈએ ભાવનગર જિલ્લા પંચાયતમાં બાળકો પાસે અરજી કરાવીને મોકલી, પણ એમ કંઈ મંજૂરી થોડી મળે ! આખરે બાળકો કંટાળ્યાં અને અનિલભાઈએ ખેલ પાડ્યો. બાળકો જ કહે, ‘અનિલભાઈ ! હવે સરકારની આશા છોડો, આપણે જ બાંધીએ તો કેમ ?’ અનિલભાઈ આ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. કેટલા ચોરસફૂટ જમીન જોઈએ, ક્યાં કરીશું, માટી ક્યાંથી લાવીશું, ઈંટ પાડવી, ચણવી .... કેટકેટલાં કામો ? અને 60’ x 40’માં બે ઓરડા બાળકોએ ચણ્યા ! ભૂગોળ, ઇતિહાસ, નાગરિક શાસ્ત્ર, ગણિત, વિજ્ઞાન, ઈજનેરી વિદ્યા, ભાષાઓ - શું શું ન શીખવા મળ્યું આ પ્રોજેક્ટથી !

વાલીઓને જરૂર હતી બાળકોને ટપાલ-લખતાં વાંચતાં આવડે અને હિસાબ રાખતાં આવડે તેની. અને તેમાંથી શરૂ થઈ પોસ્ટ ઓફિસ ! પ્રત્યેક શિક્ષકે વિદ્યાર્થીને પત્ર લખવાના અને વિદ્યાર્થી શિક્ષકને લખે. એક હોય પોસ્ટ માસ્ટર, એક હોય પોસ્ટ મેન ! ટપાલપેટીઓ લાગી ગઈ અને બાળકો ટપાલ લખતાં-વાંચતાં સરસ શીખી ગયાં. અને ગણિતને ‘નામાપ્રધાન ગણિતશિક્ષણ’માં ફેરવી નાખ્યું. રોજબરોજની આવક-જાવક, ખરીદ-ખર્ચ. બસ તેની નોંધ અને પછી નામું લખવાનું. તેમાંથી જ સરવાળા-બાદબાકી, ગુણાકાર-ભાગાકાર, નફો-તોટો કેટલું ય આવડી ગયું ! શિક્ષણને શી રીતે સમાજોપયોગી બનાવી શકાય તેની આ રીત. ગાંધીજીએ કહેલું : ‘જ્યાં સુધી હિંદુસ્તાનમાં નિશાળો અને આપણાં ઘરો વચ્ચે અનુસંધાન (અનુબંધ) નહીં હોય, ત્યાં સુધી નિશાળિયાવ ઉભયભ્રષ્ટ થશે.’ અનિલભાઈએ સહજતા-સ્વાભાવિકતામાં કુતૂહલ-વિસ્મય, હૃદયના ભાવો ઉમેરીને આ કાર્ય કરી બતાવ્યું. બાળકોમાં આ ભાવો પ્રધાનપણે છે જ, અનિલભાઈએ તેનો વર્તમાનમાં, કેળવણીમાં સરસ વિનિયોગ કર્યો.

શિક્ષણના આ પ્રયોગોની અજીબોગરીબ દાસ્તાં છે. દીકરો ચૈતન્ય સાવ નાનો. પહેલા કે બીજા ધોરણમાં. ત્યાં મીનાને તેણે ધક્કો માર્યો, મીના પડી અને થોડું વાગ્યું. અનિલભાઈને ખબર પડી. ચૈતન્ય તો દોડતો દોડતો આવે, બાપુજી હમણાં તેડી લેશે. પણ બાપુજી કહે : ‘તારી સાથે હું નથી બોલતો !’ અને તેમાંથી ચૈતન્યને શિક્ષણ આપ્યું કે આ રીતે ધક્કો ન મરાય. અને જા, મીનાને કહી આવ કે ‘હવે હું આવું નહીં કરું.’

સ્વાવલંબનના પણ કેટકેટલા પ્રયોગો ! છાત્રાલય પાસે જ ઊબડખાબડ જમીન હતી. અનિલભાઈની સર્જક દૃષ્ટિએ તે જોઈ લીધું. તેમણે બાળકો દ્વારા જમીનને નવસાધ્ય બનાવી અને લીલી નાઘેર રચી દીધી ! મકાઈના ડોડા, કાકડી, ટામેટાં, રીંગણાં, વાલોળ, દૂધી-તુરિયાં ખાધાં ન ખૂટે ! તેમાં ખાતર નાખવું, ગોડ કરવી, ક્યારા કાઢવા, વાવણી-રોપણી, નિંદવું-પારવવું, પાણી વાળવું - બધાં કામો વિદ્યાર્થીઓ કરે અને સાથે સાથે ગણિત-વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ભાષા, પર્યાવરણ બધું પામતાં રહ્યાં. ત્યાં એક વખત પપૈયાં વાવ્યાં અને અઢળક થયાં. બાળકોએ પેટ ભરીને ખાધાં અને પછી હિસાબ માંડ્યો તો લાગ્યું કે બજારભાવે તો આપણને ખોટ ગઈ ! ખાતર, પાણી, બિયારણ અને શ્રમનાં કલાકો બધું ગણતાં ! ભલે આર્થિક ખોટ ગઈ પરંતુ શીખવાનું મળ્યું અને સર્જનનો-ઉત્પાદનનો-સ્વાશ્રય અને સ્વાવલંબનનો જે આનંદ માણ્યો તે જુદો ! કેટકેટલી કેળવણી થઈ, કૌશલ્યો કેળવાયાં તેનો હિસાબ કેમ માંડવો ?

છબિ સૌજન્ય : "કોડિયું", ઑગસ્ટ 2019

અનેક અનેક પ્રસંગોને, બાળકોની કલ્પનાને, તેમની ઇચ્છાઓ અને જરૂરતોને અનિલભાઈએ કેળવણીમાં ફેરવ્યાં છે. કોઈ બાળક વેકેશનમાં ગામમાં આઈસ્ક્રીમ બનતો જોઈને આવે અને આંબલાના અંબર ચરખાની પૂણી માટેના સાધન બેલણીમાં તેનો પ્રયોગ કરે, અનિલભાઈ ઉત્તેજન આપે, ખામી સમજાય અને તેનું સંશોધન ચાલે અને છેવટે સફળ થાય! લક્ષ્મણ નામનો વિદ્યાર્થી ત્યાં ભણતી વખતે વાયરિંગ શીખ્યો અને પછી ભણીને મોટર બાંધવાનો અને આગળ વધીને મોટર બનાવવાનો ઉદ્યોગ જ શરૂ કર્યો અને તેમાં નામના મેળવી.

એવો જ પ્રયોગ છાયા નાટકનો. ગામમાં ભવાયા આવ્યા. બાળકોને થાય આપણે જોવા જઈએ. અનિલભાઈએ છાયા નાટક દ્વારા રામાયણ ભજવવાની વાત કરી, અને પછી તો નાની હોડી બની, તીર-કામઠાં બન્યાં. નાનાં-નાનાં બાળકો રામ-લક્ષ્મણ-સીતા બન્યાં. કોઈ હનુમાન તો કોઈ વાનરસેના ! પડદો સિવાયો, તેની પાછળ પ્રકાશની એવી ગોઠવણ કે દૃશ્ય છાયાચિત્ર રૂપે પ્રેક્ષકોની સામે ઊપસે ! કેટકેટલું શીખવા મળ્યું ? ક્ષેત્રફળ કાઢવું, માપણી કરવી, સ્કેલ માપ, સુથારીકામ, દરજી કામ સાથે રંગકામ અને કળા-સંગીત-નૃત્ય. ઇતિહાસનું જ્ઞાન, સંસ્કૃતિ અને ભાષાનું જ્ઞાન. સમગ્ર શાળા આ સર્જનયાત્રામાં જોડાય. પ્રત્યેક ઘટના કે પ્રસંગ કેળવણી કેવી રીતે આપી જાય તે શોધી કાઢવું એ અનિલભાઈની વિશેષતા. ડૉ. અરુણભાઈ દવે અનિલભાઈના વિદ્યાર્થી. તેઓ લખે છે : ‘આનંદ, મોજ અને રચનાત્મક સર્જનશીલતા જ્યારે ઉત્પાદક બની જાય ત્યારે તેમાંથી સમગ્ર વિશ્ર્વના, માનવજાતના પ્રશ્નો ઉકેલી શકાય તેવી સક્ષમ કેળવણીનો જન્મ થાય છે.’ આગળ લખે છે : ‘હું બાલમંદિરથી ડોક્ટરેટ સુધીનું ભણ્યો, ભારતની પંદર પૈકી એક એવી રાષ્ટ્રીય સંશોધન સંસ્થામાં પણ અભ્યાસ કર્યો. અમેરિકા, ઈઝરાયેલ, યુરોપ-આફ્રિકાના દેશોમાં જવાનું થયું. ઘણાં બધાં શિક્ષકો, પ્રોફેસરો, વિદ્વાનો, અનુભવીઓ, તજ્જ્ઞોના સંપર્ક-પરિચયમાં આવવાનું થયું છે - આ બધામાં મને કોઈ એક શિક્ષક વધારે જીવંત અને રુંવાડે રુંવાડે શિક્ષક લાગ્યો હોય તો તે છે અનિલભાઈ ભટ્ટ !’

અનિલભાઈએ અમદાવાદની શ્રેયસ શાળાના વિવિધ દેશ-પ્રદેશના મેળા જોઈ આંબલા પ્રાથમિક શાળામાં પણ તે પરંપરા શરૂ કરી. જે દેશ કે પ્રદેશનો મેળો હોય, તેને સમગ્ર રીતે જીવતો કરવાનો. લોકજીવન, ભાષા, સંસ્કૃતિ, ભૂગોળ, ઇતિહાસ, કવિઓ, લેખકો, સંતો-મહાપુરુષો, મંદિરો-સ્થાપત્યો : બધું જ. એક વર્ષે મૈસૂરનો મેળો, આજનું કર્ણાટક. રમેશભાઈ વીરમગામી ત્યાં શિક્ષક અને તેમની ટીમને ભાગે મૈસુરના ભવ્ય શિલ્પ બાહુબલીનું સર્જન કરવાનું આવ્યું હતું. તેઓ લખે છે : ‘ધોરણ 6-7ના વિદ્યાર્થીઓ છગન, તુલસી, રઝાક વગેરેએ શિલ્પના સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો. ભારતમાં મૈસુર ક્યાં, એમાં હળેબીડ બેલુર ટેકરી પર આવેલા બાહુબલી કોણ, એ મૂર્તિની ઊંચાઈ-પહોળાઈ વગેરેનો અભ્યાસ કર્યો. હવે તે મૂર્તિ બનાવવાની. તેનું સ્કેલમાપ કાઢ્યું. અઠ્ઠાવન ફૂટની મૂર્તિ નવ ફૂટમાં સમાવવાની. રાત જાગી તે બનાવી અને સવારે જોવા ગયા તો બાહુબલી પડી ગયેલા ! અનિલભાઈને વાત કરી, તે સમજાવે છે : શરીરમાં હાડકાં, પાંસળાં ન હોય તો તે ટટ્ટાર રહે ખરું ? આપણે બાહુબલીના શરીરમાં વાંસ-લાકડાનું માળખું ઊભું કરીએ તો કેમ ? પછી માળખું ઊભું કરીને આસપાસ ગારો ચડતો ગયો અને મૂર્તિ તૈયાર થઈ ત્યારે સર્જકતાનો સાચો આનંદ બાળકોની નસેનસમાંથી નીતરતો હતો !

જાપાનના મેળાની વાત પણ આંતરરાષ્ટ્રીય સમજ અને એકતા માટે મહત્ત્વની બની રહી. તેને માટે ભારત ખાતેના જાપાનના પ્રતિનિધિઓને આમંત્રણ અપાયું. સાદો છતાં પ્રભાવક અદ્ભુત મેળો. જાપાની મહેમાનોનું તેમના રાષ્ટ્રગીતથી વિદ્યાર્થીઓએ સ્વાગત કર્યું. એ પહેરવેશ અને માહોલ. આવેલ પ્રતિનિધિઓ ગદ્ગદ. આંખો છલકાઈ ઊઠી.

એવો જ પંજાબનો મેળો. થોડાં વર્ષો પછી અમૃતસરના સુવર્ણ-મંદિર પર બોમ્બ પડ્યો અને પંજાબના મેળામાં સુવર્ણમંદિર બનાવનારી બાળકી ઘવાઈ ઊઠી : ‘મારા સુવર્ણમંદિર પર બોમ્બ પડ્યો છે !’

દર્શકે કહેલું : ‘અનિલે આ શાળાને વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયોગો દ્વારા નમૂનેદાર બનાવી, હું કેળવણીકાર ખરો પણ શિક્ષક તો અનિલ જ. તે નસીબદાર શિક્ષક છે.’

અનિલભાઈના પ્રયોગોની લાંબી યાદી થાય તેમ છે. શાળા પંચાયતો અને તે દ્વારા લોકશાહીની, નાગરિકતાની કેળવણી, સૂતર કેન્દ્ર દ્વારા જરૂરી વસ્તુઓ મેળવવી અને બેન્કિંગનો અનુભવ, રીસાઈકલીંગ કરવું, ઉત્સવોની ઉજવણી, પગપાળા પ્રવાસો, પૂનમની ગરબી અને સમૂહભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ગ્રામશિબિર, ખજાનાની શોધમાં, બીડમાં બોર ખાવા અને ધોધમાં નહાવા જવાનું, દાંડિયા રાસ, નૃત્ય નાટિકાઓ, ભાષાશિક્ષણ, પુસ્તક પરિચય, અને વાંચન, સ્વાધ્યાય, પરીક્ષાને બદલે મહાસ્વાધ્યાય, સ્વાવલંબનના પ્રયોગો - પ્રયોગો જ પ્રયોગો. આ બધા વચ્ચે શાલેય શિક્ષણ પણ ચાલ્યું જ. સાથે સાથે બાળકોમાં રહેલી શક્તિઓ - સર્જનશક્તિ અને સામાજિકતાનો વિકાસ, અનુભવ અને અનુબંધ દ્વારા કેળવણી. પગાર, સલામતી, ઇન્ક્રીમેન્ટ, સમય કે સિન્યોરિટીની કોઈ વાત નહીં. બસ, કેળવણીને સમર્પણ. અનિલભાઈને ય પરિવાર હતો, જરૂરિયાત હોય જ પણ ક્યારે ય તેવી વાત નહીં. ત્યાં ભણેલા દિનેશ સંઘવી નોંધે છે : ‘એમના ઘરની તેઓ કેવી અને કેટલી ચિંતા કરતા એ તો રામ જાણે, પણ છાત્રાલયમાં બાળકોને દૂધ અને છૂટથી ગોળ મળે તે માટે સદા ચિંતિત. દૂધ ને દૂધની મીઠાઈ ઉપરાંત ગોળ-ઘી આખું ય વર્ષ અખૂટપણે ચાલ્યા કરે. આ લખનારે પણ ત્યાં શિક્ષણ લીધું છે, અને ખૂબ વાંચ્યું, માણ્યું છે. આજે શિક્ષણકારો જીવનશિક્ષણની વાત કરે છે, આંબલામાં તો એ સિવાય કાંઈ નહોતું જાણે !

આવા અનિલભાઈને કોઈએ કસબી કહ્યા, તો કોઈએ જાદુગર. રમેશભાઈ વીરમગામી કહે છે, ‘તેઓ મારા ઘડતર સ્વામી’ હતા. મનસુખભાઈ સલ્લા તેમને ‘પ્રયોગધર્મી જન્મજાત શિક્ષક’ તરીકે ઓળખાવે છે. તો યોગેશભાઈ ભટ્ટ કહે છે, ‘અનિલભાઈ એટલે શિક્ષણ ત્રિવેણી સંગમના સમન્વયી નવોન્મેષી તીર્થયાત્રી.’ છ દાયકા સુધી સાથે કામ કરનાર લાલજીભાઈ નાકરાણી તેમને ‘આંતરબાહ્ય શિક્ષક’ કહે છે. તો મીરાબહેન ભટ્ટ ‘માળી જેવા શિક્ષક’ કહે છે. નયનાબેન શાહ તેમની પાસે સીધાં ભણેલાં ન હોવાથી પોતાને ‘અનિલભાઈની જીવનશાળા વિદ્યાર્થિની’ તરીકે ઓળખાવે છે. હાજીભાઈ બાદી ‘બાળશિક્ષણના મારા દીક્ષાગુરુ’ કહી એક પ્રસંગ ટાંકે છે : "એક દિવસ શ્રમ કરીને આવતાં જોયું કે અનિલભાઈએ મધુબહેનની સાડીમાંથી એક નાનકડી ઝૂંપડી બનાવી હતી. વિગત જાણતાં ખ્યાલ આવ્યો કે પૌત્રી કૂજનનો આજે જન્મદિવસ હોઈ દાદાએ દીકરી માટે નાનકડી ઝૂંપડી બનાવી છે ! બાળકોને આ રીતેય વહાલ કરી શકાય તે શીખવા મળ્યું.” કેળવણીમાં આંતરિક આનંદ પ્રાણરૂપ છે. સત્ય, શિવ, સુંદર અને આનંદ એ જ કેળવણી.

આંબલાની શાળામાં કોઈ નિયત પાઠ્યપુસ્તકો નહીં, બેલ પડે ને વર્ગ બદલાય તેવું ય નહીં, પરીક્ષા જ નહીં તો ચોરી કેવી ?

તો, આવા અનિલભાઈનું કેળવણીનું દર્શન શું હતું ? તેમણે પોતાના પુસ્તક ‘મુક્તશીલા કેળવણી'માં વિગતે તે વિચારો અને પોતાના અનુભવો આપ્યા છે. ગાંધી તો એમના માટે શ્રદ્ધા સ્થાને - પ્રેરણાપુરુષ હતા જ, પણ તેઓ ઘડાયા હતા અને પુષ્ટ થયા હતા નાનાભાઈ, ગિજુભાઈ, હરભાઈની ધારામાં અને પછી દીક્ષિત થયા હતા મનુભાઈ, મૂળશંકરભાઈ અને બુચભાઈની ધારાથી. દર્શક કહેતા : ‘નઈ તાલીમનાં બે માધ્યમો  સમાજ અને ઉદ્યોગ.’ પછી દર્શક આગળ કહે છે કે ‘બહુ ઓછા લોકોએ તેની શક્તિ પિછાણી છે.’ અનિલભાઈએ તેની શક્તિ પિછાણેલી અને તેમણે સમાજ-ઉદ્યોગમાં કેળવણી સાથે ખોજનું અને મોજનું તત્ત્વ ઉમેરેલું. ‘આનંદ વિના, સાહસ વિના કેળવણી નથી. તે જ તેનો પાયો છે અને પ્રાણ છે.’ અનિલભાઈની આ વાત જેમણે અનુભવી હોય તે જ જાણે. અનિલભાઈએ કહેલું : ‘સેવી તો છે મનુષ્યની અંદર પડેલી ચેતનાને, રચનાત્મક સર્જન કરવાની વૃત્તિને, ને તેને જ કેળવણીનું માધ્યમ માન્યું છે.’ તેઓ ‘જીવન સાથે કેળવણીને જોડવા’ ઇચ્છે છે અને ‘બાળકોને પ્રકૃતિ, સમાજ તેમ જ રોજનાં સમાજોપયોગી કાર્યો સાથે જોડી આનંદપૂર્વક જીવન જીવવાની કળા આપવા’ ઇચ્છે છે. અનિલભાઈ ઉમેરે છે. ‘આ પ્રયોગ(નઈ તાલીમ)માં મારો વિશ્વાસ દૃઢ થયેલો છે.’ અનિલભાઈએ કેળવણી અંગે તલબગાહી વાંચ્યું છે અને ઊંડાણથી વિચાર્યું છે. તેઓ કેવળ પ્રયોગવીર હતા તેમ કહેવું તે અધૂરું ગણાશે. તેઓ નઈ તાલીમના, જીવનની કેળવણીના ચિંતક પણ હતા. એટલે તેમના પ્રયોગોની પાછળ એક દર્શન હતું, એક સમજ હતી. તે વિચારને અમલીકૃત કરવા માટેનું માધ્યમ તેમના વિવિધ પ્રોજેક્ટ્સ - પ્રયોગો હતા.

અનિલભાઈએ કેળવણી અંગે વ્યાખ્યાનો આપ્યાં છે અને લખ્યું પણ છે. તેમની પ્રસિદ્ધ વ્યાખ્યાનમાળા ‘નિર્ભયતા, અનુભૂતિ અને સર્જન’ એ કેળવણીએ જે કામ કરવા જેવું છે તેનો પાયો છે. કેળવણીની બુનિયાદ છે આનંદ. નિર્ભયતા, અનુભૂતિ અને સર્જનના ત્રિરત્નમાં અનિલભાઈએ કેળવણીનું આગવું દર્શન આપ્યું છે. અનિલભાઈનાં આ વ્યાખ્યાનો પૂરાં થયા પછી એ સમયના લોકભારતીના નિયામક કુમુદભાઈએ પૂછેલું, ‘તમારી વાત તો સાચી, પણ ચાલુ કેળવણીમાં આ નિર્ભયતા, અનુભૂતિ અને સર્જન આવે કેમ ?’ અનિલભાઈએ જાણે પગથિયાં ઊતરતાં ટૂંકો જ જવાબ આપેલો : ‘પ્રયોગો, પ્રયોગો, સતત પ્રયોગો.’

નિર્ભયતા એટલે સ્વનિયમન અને સ્વાધિનતા. દર્શક એવોર્ડ સ્વીકારતી વખતે તેમણે કહેલું, ‘ગિજુભાઈએ ભય, લાલચ, સ્પર્ધા સિવાય સર્જન અને સ્વનિયમન દ્વારા નવા શિક્ષણની કેડી કંડારી આપી છે. તેનાં મીઠાં ફળ શિક્ષક જીવનમાં મેં અનુભવ્યાં છે.’ પ્રવૃત્તિ દ્વારા ‘સ્વાધીનતા’ અને ‘આનંદ પ્રાપ્તિ’ની વાત મોન્ટેસરીએ કરી જ હતી. તેને જ અનિલભાઈએ માધ્યમ બનાવ્યું અને ‘આનંદ એ તેનો પાયો છે, પ્રાણ છે’ તેમ સમજાવ્યું.

નિર્ભયતા, અનુભૂતિ અને સર્જનનું શિક્ષણ શબ્દથી ન આપી શકાય. એવોર્ડ સ્વીકારતાં આગળ કહેલું, ‘ચાલુ શિક્ષણ તો શબ્દ ઉપર બધો મદાર રાખી કેળવણી આપવા મથે છે. તેમાં પરિવર્તન કર્યા વગર કેળવણી બોજરૂપ રહેવાની. ભાર વગરનું શિક્ષણ કરવું હોય તો કેળવણીએ આચરણ અને અનુભૂતિને કેન્દ્રમાં લાવવાં પડશે.’ પછી મહત્ત્વની વાત ઉમેરતાં કહે છે કે, ‘સાથોસાથ શબ્દ પહેલાં અનુભવને મૂકવો પડશે. કારણ કે શબ્દ જેનું પ્રતીક છે તે પદાર્થ, ભાવ કે ઘટનાનો ‘અનુભવ’ તે પહેલી જરૂરી વસ્તુ છે. ‘અનુભવ’ વગરનો ‘શબ્દ’ તે માત્ર તૂંબડીના કાંકરા જ રહેવાના.’

શાંતિનિકેતનના આચાર્ય ક્ષિતિબાબુના એક કથનનો ઉલ્લેખ મનુભાઈ કરતા રહેતા : ‘આપણા દેશની સમસ્યા શી છે ?’ ક્ષિતિબાબુએ કહેલું : ‘જ્યાં જીવન છે ત્યાં શબ્દ નથી અને શબ્દ છે ત્યાં જીવન નથી.’ એટલે મનુભાઈએ સૂચવેલું : ‘આનો સાર એ છે કે બાળકને પ્રાથમિક શિક્ષણમાં બને તેટલા અનુભવો આપવાનું ગોઠવીએ.’

આ નિર્ભયતા, અનુભૂતિ અને સર્જન માટે અનિલભાઈએ પ્રયોગો કર્યા. ગાંધીજીએ કેળવણીના ત્રણ પાયા પ્રબોધેલા. પ્રકૃતિ - કુદરત, સમાજ અને ઉદ્યોગ. ગાંધીજીનું આ દર્શન ટુકડા ટુકડામાં, ખંડ ખંડમાં સમજાયું અને ક્રિયામાં મુકાયું અને તેથી લક્ષ્ય ચુકાયું. આંબલાના શિક્ષણમાં આ ત્રણેયનો અદ્ભુત સમન્વય હતો. આંબલામાં તો કેવો શ્રમ ? ખેતી, ગૌશાળા, મકાન બાંધકામ - જમીન સમથળ કરવી, વાવવું, વાઢવું, લણવું, ઉપણવું ! વૃક્ષોનાં ખામણાં કરવાં, પ્રુનિંગ કરવું, જાતજાતનું કામ. પણ અનિલભાઈએ આ કાર્યોમાં ‘સર્જન’, ‘શિક્ષણ’, અને ‘ખોજ’નું તત્ત્વ એવું તો ઉમેરેલું કે કામ કરનારને કદી થાક નથી લાગ્યો. શિક્ષકો સાથે ને સાથે. અને આ શ્રમ-ઉદ્યોગો દ્વારા જે શીખવાનું મળે, નિર્ભયતા - આત્મવિશ્વાસ આવે તે અન્યથા ન આવે. ઉદ્યોગ દ્વારા કેળવણીનો અનુભૂત - અદ્ભુત પ્રયોગ ત્યાં ચાલ્યો. આ શ્રમ પણ ઉત્પાદક અને સમાજોપયોગી. અનિલભાઈએ લખ્યું છે : ‘ઉદ્યોગ પ્રવૃત્તિને હું સર્જન કહું છું. અને તેને કેળવણી સાથે જોડવા મથ્યો છું. વિદ્યાર્થી સ્વાશ્રયી બને તે પ્રક્રિયા જ ખુમારી પેદા કરે છે. આ પ્રક્રિયાથી વિદ્યાર્થીની અંદરની ઊર્જાને સર્જનમાં પલટાવી શકાય છે. વિદ્યાર્થીઓને પોતાની જાત વિશેનો આત્મવિશ્વાસ આપી આનંદપૂર્વક જીવતો કર્યો છે.’

અનિલભાઈએ શ્રમનો વિદ્યાર્થીની કેળવણી માટે વિશિષ્ટ રીતે વિનિયોગ કર્યો, તેવો જ છાત્રાલય જીવનનો-સમૂહજીવનનો કર્યો. છાત્રાલય એ પણ નઈતાલીમનો મહત્ત્વપૂર્ણ પાયો. વિદ્યાર્થીઓને સહજીવન, સમૂહ જીવન, સમાજ જીવનનો અનુભવ છાત્રાલય દ્વારા મળે. સ્વાશ્રય અને સ્વાવલંબનનાં કૌશલ્યો, સંસ્કારો અને મૂલ્યો વ્યક્તિગત તેમ જ પ્રજાજીવનમાં અનિવાર્ય છે. આંબલાનું છાત્રાલય એટલે પરિવાર જીવન જ. પરિવારના જ ભાવ, મૂલ્યોને કેળવણીમાં સંક્રાંત કરવાનાં. પરિવાર એટલે કાળજી, ચિંતા, વિશ્વાસ, ભરોસો, હેત, હૂંફ, સ્વીકાર, સ્વતંત્રતા, પરસ્પરાવલંબન.

કોઈ ઔપચારિકતા, કૃત્રિમતા નહીં. સહજતા અને સાદગીનું સૌંદર્ય. એકલી ચડ્ડી પહેરીને રખડી શકાય. ભણવા બેસી શકાય ! એમાં કશું અજુગતું, અનુચિત લાગે નહીં. નાહવા માટે બાથરૂમ નહીં, સ્નાન ઘાટ પર જવાનું અને ત્યાં જ કપડાં ધોવાનાં. જીવન એટલે જ સંબંધો. દૃષ્ટિપૂર્વક ચાલતું છાત્રાલય એ સંબંધોની કેળવણી આપી રહે. નાનાભાઈએ કહેલું, ‘આપણે પશુ મટી વધારે ઊંચા માણસ થવાનું છે.’ કેળવણી દ્વારા આ જ કાર્ય કરવાનું રહે અને તે માટે સાથે રહેતા શીખવું પડે. વિદ્યાર્થી- વિદ્યાર્થી વચ્ચે, વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે, વિદ્યાર્થી-વાલી વચ્ચે પ્રેમનું, અભયનું સામ્રાજ્ય નહીં હોય તો મોન્ટેસરી કહેતાં હતાં તેવો ‘ડંખ વગરનો માણસ’ પેદા નહીં કરી શકે. છાત્રાલય એટલે વ્યાપક બૃહદ્દ પરિવાર જીવન. આપણા જીવનનો, સંસ્કૃતિનો પાયો પરિવાર છે. કેળવણી દ્વારા આ પરિવારભાવને જ પુષ્ટ કરવાનો છે અને તેની બુનિયાદ છે સ્નેહ, સ્વતંત્રતા, વિશ્વાસ, સર્જનાત્મકતા, સ્વાવલંબન.

આંબલા પ્રાથમિક શાળામાં પરિવારનું જ વાતાવરણ અને તેને પુષ્ટ કરવામાં અનિલભાઈનાં પત્ની સ્વર્ગસ્થ મધુબહેનનું મહત્ત્વનું યોગદાન. ભરતભાઈ ભટ્ટ લખે છે : ’અનિલભાઈ-મધુબહેને પોતાની ગૃહસ્થીને સંસ્થામાં એકરૂપ કરી દીધી હતી’. અનિલભાઈ હલકથી ભાવભરી રીતે ગાય અને મધુબહેન પણ. આંબલા પ્રાથમિક શાળામાં ગીત-સંગીતનું સુંદર વાતાવરણ મધુબહેનને લીધે. બુચભાઈએ નોંધ્યું છે : ‘અનિલભાઈ-મધુબહેનનાં બાળકો અને તેમના વિદ્યાર્થીઓ વધુ સ્વસ્થ અને સમતોલ બન્યાં - રહ્યાં હોય તો તે અનિલભાઈ અને મધુબહેનના સ્વસ્થ, સહકારભર્યા, સહજીવનના પરિણામે.’ અનિલભાઈના સાથી શિક્ષક ફાજલભાઈ લખે છે : ‘અનિલભાઈ અને મધુબહેન પાસેથી હું અને જેનબ ઘડાયાં.’

અનિલભાઈનું મહત્ત્વનું પ્રદાન એટલે કેળવણીનું તેમનું આ દર્શન - ચિંતન અને તેને ધરાતલ પર લાવવા પ્રયોગો-પ્રવૃત્તિઓ. તેની બહુ થોડી વાત અહીં મૂકી છે. આ લખનાર દ્વારા સંપાદિત અને ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા દ્વારા પ્રકાશિત અનિલભાઈના કેળવણીવિષયક લેખોનો ગ્રંથ ‘મુક્તશીલા કેળવણી’ અને અનિલભાઈના પ્રયોગોના સાક્ષીઓએ તેમના વિશેના લેખોનો ગ્રંથ ‘હૃદયકોષે અનિલભાઈ’ વાંચવા વિનંતી છે. અનિલભાઈ 1962માં ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલાના ઉપનિયામક અને એ જ વર્ષે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગરના અધ્યક્ષ પદે રહ્યા. સાથે ‘કોડિયું’ માસિકના સંપાદક અને ગુજરાત નઈતાલીમ સંઘના મંત્રી બન્યા. 1970માં તેઓને ગ્રામદક્ષિણામૂર્તિનું નિયામક પદ સોંપ્યું. 1978થી 10 વર્ષ લોક વિદ્યાલય માતૃધારાના સંચાલક રહ્યા. 1997માં ગુજરાત નઈ તાલીમ સંઘના પ્રમુખ બન્યા અને તે જ વર્ષે તેમને દર્શક એવોર્ડ મળ્યો. 2007 પછી સંસ્થાગત પદો, વૈધાનિક કાર્યોમાંથી નિવૃત્તિ લીધી. પણ પોતાની રીતે પ્રવૃત્ત રહે. વચ્ચે-વચ્ચે થોડાં વર્ષ લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી પણ રહ્યા. અને આ બધી સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે તો સેવા આપતા જ રહ્યા.

શિક્ષક થવું અને હોવું એ જ જબરું ઉત્તરદાયિત્વ છે. અનિલભાઈએ પણ લખ્યું છે : ‘જેને સારું ભણાવવું છે તેણે સતત ભણતાં રહેવું જોઈએ.’ અને તેમણે અન્યત્ર કહેલું તેમ : ‘નઈતાલીમ માટે પરીક્ષાના ગુણ કરતાં નઈતાલીમનું જીવન જીવતા હોય તેવા શિક્ષકો જરૂરી છે. અનિલભાઈમાં નમ્રતા અને સહૃદયતા એવાં કે પોતાનો ઢોલ પીટવામાંથી સદાય દૂર રહ્યા. જીવન દ્વારા જીવનનું શિક્ષણ અને તે સચ્ચાઈ, સહજતા, સમભાવ અને સ્વાચરણ વિના સંભવે નહીં. અનિલભાઈએ પૂરી નિષ્ઠા અને નિસબતથી લગાવ અને લાગણીથી, પૂરા હૃદય ભાવે સમર્પણ ભાવે બુનિયાદી પ્રાથમિક કેળવણીની ઉપાસના કરી. તેમનો હૃદયધર્મ જ કેળવણી. એક શ્રદ્ધાપૂર્વક, સમજણપૂર્વક અને સાતત્યપૂર્વક કરેલા પ્રયોગો અને તેનાં મેળવેલાં સુખદ પરિણામોની આ દાસ્તાન કેળવણીની સંભાવના અને ખોજને, ખોજ અને ઉજાસને, ભીતરી શક્યતા અને શક્તિને ઉપસાવી શકશે; તેમ જ ધરપત, હિંમત, વિશ્વાસ અને પ્રેરણા આપશે. કેળવણી આખરે તો જાત અને જગત સાથે, ખંડ અને અખંડ સાથે સ્વ-પર અને પરમ સાથે જોડતી અવિરત યાત્રા છે. અનિલભાઈની એ યાત્રા અદીઠ રીતે દક્ષિણામૂર્તિથી શરૂ થઈ અને પ્રત્યક્ષ રીતે ગ્રામદક્ષિણામૂર્તિમાં વિરમી. ક્યાંક વાંચેલું : ‘જીવવું બહુ સહેલી વાત છે, પણ કોકને જ જીવતાં આવડે છે. મોટાભાગના માત્ર શ્વાસ લે છે.’

એક જીવંત શિક્ષક અને કેળવણીના આચાર્યને, મારા તો ગુરુને હૃદયથી શ્રદ્ધાપૂર્વક આદરાંજલિ.

e.mail : [email protected]

(રમેશભાઈ સંઘવી, “શાશ્વત્‌ ગાંધી” સામિયકના તંત્રી છે તેમ જ ભુજસ્થિત ‘અક્ષરભારતી પ્રકાશન’ના કેન્દ્રસ્થ આગેવાન છે.)

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર, “ભૂમિપુત્ર”, વર્ષ 66, અંક 22, 01 ઑગસ્ટ 2019; પૃ. 12 - 17, તેમ જ પાન 20 

Category :- Profile