PROFILE

ગુજરાતી પત્રકારત્વનાં બસો વર્ષ નિમિત્તે થોડાક વરિષ્ઠ ગુજરાતી પત્રકારો વિશે લખાય તો સારું, એવો વિચાર આવતાં છેલ્લા સાડા પાંચ દાયકા કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત વરિષ્ઠ પત્રકાર, લેખક ને કર્મશીલ પ્રકાશ ન. શાહ વિશે વ્યક્તિગત સંસ્મરણાત્મક થોડું લખ્યું છે. તેમણે તેમના આઠ દાયકા કરતાં વધુ સમયના આયખામાં સાડા પાંચ દાયકા જેટલો સમય અધ્યાપન, લેખન, પત્રકારત્વ, જાહેરજીવન અને વિવિધ આંદોલનોમાં વિતાવ્યો છે.

પ્રકાશભાઈ સાથેની પ્રથમ મુલાકાતનું વર્ષ યાદ કરું તો લગભગ ૧૯૭૫ના વર્ષનું સ્મરણ થાય છે. હીમાવન પાલડી ને લાલ દરવાજા નશાબંધી કંપાઉન્ડની લોક સમિતિની ઓફિસ અમારા પ્રથમ પરિચયનાં સ્થળો. સર્વોદય અગ્રણી પ્રકાશભાઈ શાહ, હસમુખ પટેલ, પરણ્યા પહેલાંનાં મંદાકિની દવે ને પરણ્યા પછીનાં મંદા હસમુખ પટેલ, પ્રો. રાજેન્દ્ર દવે, નીતા પંડ્યા, (પરણ્યા પછીનાં નીતા વિદ્રોહી, હાલના પત્રકારો મુકુન્દ પંડ્યા ને કાંતિ પટેલ, વકીલ દીપક દવે, હાલના ખેડૂત અગ્રણી સાગર રબારી ને ભીમજી નાકરાણી સહિત અનેક મિત્રોને સાંકળતું ‘સુકેતુ સ્ટડી સર્કલ’ આજે ય યાદોમાં અકબંધ છે. ૧૯૭૫માં હું મીઠાખળી છ રસ્તા પાસેથી સરદાર પટેલ સેવા સમાજ હોસ્ટેલમાં દાખલ થયો તેની નજીકમાં જ ‘પ્રકાશ’ બંગલો પોસ્ટ ઓફિસની પાછળ હતો. મારી હોસ્ટેલ એવી જગ્યાએ હતી કે ભૂગોળના ભાસ્કરરાવ વિદ્વાંસ, કવિ ઉમાશંકર જોશી, પૂર્વ સાંસદ પુરુષોત્તમ માવળંકર, કે.કા. શાસ્ત્રી, આર.કે. અમીન સહિત અનેક જાહેર જીવનના અગ્રણીઓ સવારના મોર્નિગ વોકમાં હોસ્ટેલ આગળથી પસાર થતા હતા.

આજે સફેદ ઝભ્ભા-લેંઘાના લગ્ન ને બેસણા બંનેમાં ચાલે તેવા યુનિફોર્મમાં દેખાતા પ્રકાશભાઈ સવારે પેન્ટ-બુશર્ટમાં અર્ધાંગિની નયનાબહેન સાથે મોર્નિગ વૉકમાં હોસ્ટેલ આગળથી નીકળે. અમે સાથે સવારે ઘણીવાર ‘બિનાકા’ની ચાની લારીની લૉ ગાર્ડનની ચા પણ અમે પીધી હશે.

તે સમયે ગામડેથી આવેલો એટલે હૃદયના સંબંધો હોય તેવા ખાસ કોઈ પરિચય અમદાવાદમાં ન હતા. પહેલો પરિચય ૧૯૭૪માં નવગુજરાત કૉલેજના ગાંધીવાદી અધ્યાપક પ્રો. બાલુભાઈ પટેલ પછી બીજો પ્રકાશભાઈનો. કશા શિષ્ટાચાર વિના હું હોસ્ટેલથી આવતાં જતાં પ્રકાશભાઈના ઘેર પહોંચી જતો. પ્રકાશભાઈ હોય કે ન હોય મોટાં બહેન ઇન્દુબહેન એટલે કે તેમનાં માતુશ્રી ને ભાઈ એટલે કે પિતાજી નવીનભાઈ તો હોય જ. હું તેમની સાથે વાતો કરું. કેટલી વાર મોટાં બહેનના હાથનો નાસ્તો કર્યો હશે તેની ગણતરી કરવી આજે મુશ્કેલ છે. તે સમયે તેમના પિતાનો કાપડનો વેપાર એટલે આર્થિક સ્થિતિ ઘણી સારી છતાં જીવન સાદગીપૂર્ણ હતું. પ્રકાશભાઈના પિતા સ્વ. નવીનભાઈ એટલા સ્વસ્થ ને મજબૂત કે મારી પેઠે કોઈપણ માણસ તેમને પ્રકાશભાઈના પિતાને તેમના મોટા ભાઈ માનવાની ભૂલ કરી જ બેસે. તેઓ મને હંમેશાં ‘કંકોતરી’વાળા તરીકે બોલાવતા. તે સમયના ગુજરાતના અનેક લેખકો, સાહિત્યકારો, કવિઓ ને જાહેરજીવનના જુદા જુદા ક્ષેત્રોના મહાનુભાવો મને પ્રકાશભાઈના ઘેર જ મળી જતા. જેમાં ઉમાશંકર, માવળંકર, ઈશ્વર પેટલીકર, મનુભાઈ પંચોલી, જોસેફ મેકવાન જેવા સંખ્યાબંધ મહાનુભાવો હતા. તેમનું ઘર સાહિત્ય, લેખન, કલા ને સંસ્કૃતિના રસિકોનું મિલન સ્થળ જેવું હતું. બધાં નામો તો આજે યાદ પણ નથી. ને યાદી બનાવું તો ઘણી લાંબી થઈ જાય. ત્યાંથી હીમાવન ને લોક સમિતિનો નાતો બંધાયો હોવાનું આછુંપાતળું યાદ છે. ૧૯૭૭માં પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કર્યો એટલે એક સવારે તેમના ઘેર પ્રકાશભાઈએ મને પૂછ્યું કે, પ્રોફેસર, હવે શું કરવું છે? મેં કહ્યું કે ગામડાનો માણસ છું. કામ તો કરવું છે. તેમણે કહ્યું કે, તમે મજૂર મહાજનમાં ઈલાબહેન ભટ્ટને મળો. ત્યાં ‘મજૂર સંદેશ’ અર્ધ સાપ્તાહિક તેમનું મુખપત્ર છે. તેના સંપાદક દાંડીયાત્રી ભાનુભાઈ દવે હવે નિવૃત્ત થઈ રહ્યા છે. હું ઈલાબહેનને મળ્યો તો તેમને મને અરવિંદ બૂચ પાસે મોકલ્યો. આમ વિધિવત્‌ પહેલી નોકરીનું શ્રેય પ્રકાશભાઈને આપું તો તેમાં જરાયે ખોટું નથી.

૧૯૭૮માં મેં ‘મજૂર સંદેશ’ની કામગીરી સંભાળી ત્યારે હું માત્ર ૨૧ વર્ષનો ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતો યુવક હતો. તે સમયે પ્રકાશભાઈ એક્સપ્રેસ જૂથના ‘નૂતન ગુજરાત’ સાપ્તાહિકનું તંત્રીપદ સંભાળતા હતા. ‘નૂતન ગુજરાત’માં કૌશલ ઠાકોર, ભરત દવે, હસમુખ પટેલ, (કુમાર મિહીર) મધુસુદન મિસ્ત્રી ને મારા જેવા અનેક નવા કટારલેખકોની કટાર તેમણે શરૂ કરી હતી. ૧૯૭૫-૭૬નાં વર્ષોમાં શરૂ થયેલી. અમારી સંબંધોની સદ્‌ભાવ યાત્રા ૨૦૨૧ સુધી કશા ય અંતરાય, અવરોધ કે વિરોધ વિના અવિરત ચાલુ છે.

આયખાના આઠમા દાયકે પ્રકાશભાઈ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. ચૂંટણી પ્રચાર ટાણે પ્રકાશભાઈ સામે એક એવું આરોપનામું સ્પર્ધકોએ ફરમાવ્યું કે તેમણે એક પણ પુસ્તક લખ્યું નથી. તો તેઓ સાહિત્યકાર-લેખક કેવી રીતે કહેવાય. પણ પ્રકાશભાઈએ સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનું જે વાંચન કર્યું છે અને પત્રકારત્વની સાડા પાંચ દાયકા કરતાં વધુ સમયની કારકિર્દીમાં જે લખ્યું છે તેનાં જો પુસ્તકો લખાય તો આજના લેખકો કે સાહિત્યકારો કરતાં પણ મોટી સંખ્યા થાય. હા, એમણે લેખનમાં ધ્યાન આપ્યું, પણ પ્રકાશભાઈ હોવા છતાં પુસ્તકોના પ્રકાશન તરફ નહીં. પ્રકાશ હોવા છતાં પ્રકાશક કેમ ન બન્યા. એ વાત તેમના અલગારી સ્વભાવને સાચી રીતે જાણનારાને જ ખબર પડે. તેમનાં પુસ્તકો કરવા મહેનત કરનારા ડંકેશ ઓઝા, ચંદુ મહેરિયા ને ઉર્વીશ કોઠારી જેવાના હૃદયપૂર્વકના પ્રયાસો પ્રકાશભાઈની નિ:સ્પૃહતા કે ઉદાસીનતા જે કહો તે કારણસર સફળ ન થયા.

જેઓ આજના પ્રકાશભાઈને જાણે છે તેમને કદાચ ખબર પણ નહીં હોય કે મણિનગરની સરસ્વતી હાઇ સ્કૂલમાં ૧૯૫૧-૫૨માં આઠમા ઘોરણમાં ભણતા ત્યારે તેમના શિક્ષક ને પાછળથી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનેલા સ્વ. હરિશ્ચંદ્ર પટેલ તેમને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખામાં લઈ જતા હતા ને કિશોર પ્રકાશનો આ સંઘ-સંગ માંડ પાંચેક વર્ષ ચાલ્યો ને પ્રો. માવળંકરની લૅસ્કી ઇન્સ્ટિટયૂટને રાધાકૃષ્ણનના ‘હિંદુ વે ઓફ લાઈફ’ પુસ્તકે પ્રકાશભાઈ ને નવી ને કાયમી દિશા ચીંધી ને સેકયુલારિઝમનું કાયમી સરનામું બની ગયા. વ્યંગમાં ઘણા તેમને સેકયુલારિઝમના સફેદ પોપ પણ કહેવા લાગ્યા. પ્રકાશભાઈને સમજવા અઘરા છે. વ્યક્તિ તરીકેની નહીં પણ વિચારધારાના મક્કમ હિમાયતીની તેમની સાચી ઓળખ છે.

પરિષદનું પ્રમુખપદ સંભાળતાં તેમણે પોતાની જાતને પરિષદના સ્થાપક રણજીતરામની પરંપરાના સિપાઈ તરીકે ઓળખાવી હતી. પણ તેમનો સાચો પરિચય સ્વરાજની બાકીની લડાઈના સિપાઈ તરીકેનો છે. તેમને માત્ર પત્રકાર, તંત્રી, કર્મશીલ કે વિચારપત્ર નિરીક્ષક’ના તંત્રી કહેવા તે તેમની સાચી ઓળખ નથી. પણ તેઓ કહે છે કે લોકશાહીમાં સરકારો તો આવે ને જાય પણ આપણા નાગરિક અધિકારો, લોકશાહી મૂલ્યો, ન્યાયિક સમાજરચના ને સ્વતંત્રતા માટેની લડાઈ તો કાયમ ચાલુ જ રહેવાની છે. એટલે જ પ્રકાશભાઈ કોઈ રાજકીય પક્ષના ચોકઠામાં ન ગોઠવાયા પણ ગુજરાતમાં ૧૯૭૫માં કાઁગ્રેસ સામે જનતા મોરચાનો વિકલ્પ ઊભો કરવામાં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જે રાષ્ટ્રીય કક્ષાએ ૧૯૭૭માં જનતા પક્ષ સ્વરૂપે કાઁગ્રેસ સામે રાષ્ટ્રીય વિકલ્પ બન્યો.

લોકશાહીમાં સમયની માંગ મુજબ જનતા મોરચામાં જનસંઘ સાથે મેળ પાડનાર પ્રકાશભાઈ સરકારો તો આવે ન જાય - એ ન્યાયે વાજબી મુદ્દે ભા.જપ. સરકાર સામે પણ મોરચો માંડવાનું આજે.ય ચૂકતા નથી. ચૂંટણી લડ્યા વિના રાજ્ય કે દેશમાં ઈચ્છયું હોત તો ૧૯૭૫થી ’૭૯ના ગાળામાં પ્રકાશભાઈ કોઈ મોટું રાજકીય પદ કે સમ્માન મેળવી શક્યા હોત. મોરારજીભાઈ દેસાઈ એલિસબ્રિજમાંથી તેઓ ધારાસભા લડે તેમ ઈચ્છતા હતા. પણ તેમને તે સમયે તે યોગ્ય ન લાગ્યું ને હંમેશાં ‘વોચ-ડોગ’ની લોકશાહીમાં પ્રહરીની ભૂમિકા ભજવી. સારા માણસોએ રાજકારણથી દૂર ન રહેવું જોઈએ, તે વિચારે પક્ષીય નહીં પણ લોકઉમેદવાર તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડ્યા ને હાર્યા. તે સમયે એલ.એ. શાહ લૉ કોલેજના જી.એસ. મહેન્દ્ર દેસાઈ ને મેં તેમના પ્રચાર માટે અમારા સ્વખર્ચે એક પત્રિકા પણ બહાર પાડી હતી. તેનું આજે ય સ્મરણ છે. આમ લોકશાહીમાં એક નવો વિચાર મૂક્યો ને નવો અભિગમ અપનાવ્યો. તેઓ હંમેશાં કહે છે કે કશામાં બંધાઉ એવું મારું વલણ નથી અને એકેયમાં હું પૂરાતો નથી. એટલે જ તો તેઓ સ્વયં પ્રકાશિત છે, પરપ્રકાશિત નહીં.

નામ પ્રમાણે ગુણ ઓછા લોકોમાં હોય છે. પણ ‘પ્રકાશ’ આપવાનો તેમનો ગુણ નામ પ્રમાણે છે. પ્રકાશભાઈની ભાષા વિશે જાતજાત ને ભાત-ભાતનાં વ્યંગબાણો ચારે દિશામાંથી હંમેશાં આવતાં રહે છે. મુરબ્બી મિત્ર જિતેન્દ્ર દેસાઈએ એકવાર મનુભાઈ પંચોળીના શબ્દો ટાંકીને મને કહેલું કે, પ્રકાશ વિદ્વાન બહુ પણ લોકભોગ્ય ઓછો. વિદ્વતામાં પ્રકાશભાઈ સાહિત્ય ને પત્રકારત્વ બંનેનું એક પૂછવા ઠેકાણું છે. વૈચારિક પાટલી કદી બદલી ન હોય તેવા અણીશુદ્ધ વિચારક છે જે તેમની આલોચનાનો એક માત્ર મુદ્દો પણ બની રહેતો હોય છે.

બોલવાનો આરંભ તેમણે ૧૯૬૦માં જયંતી દલાલને પૂર્વ શિક્ષણ મંત્રી સી.એન. વિદ્યાલયનાં ઈન્દુમતીબહેન શેઠના નિર્ણાયકપદે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં સ્પર્ધક વક્તા તરીકે કર્યો હતો. ને ૧૯૬૨માં ગૂજરાત યુનિવર્સિટીની બધી કૉલેજોની મહાદેવ દેસાઈ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે સુવર્ણચંદ્રક મેળવ્યો તે ચીન યુદ્ધ સમયે સંરક્ષણ ફંડમાં આપી દીધો હતો.

કટોકટી સામેની લડાઈમાં ગુજરાતમાં ત્રણેક પત્રકારોએ જેલવાસ વેઠ્યો. તેમાં પ્રકાશ ન. શાહ, તત્કાલીન ‘સાધના’ના તંત્રી વિષ્ણુ પંડ્યા અને વડોદરાના કિરીટ ભટ્ટ હતા. રાષ્ટ્રીય કક્ષાના પત્રકારોમાં લગભગ કુલદીપ નાયર જ હતા. પકડાયા પહેલા કટોકટીમાં જ્યોર્જ ફર્નાન્ડીઝ તેમના ઘેર અજ્ઞાતવાસમાં રહ્યા હતા. કટોકટીમાં નિર્ભય ને નીડરના તંત્રીપદે ભૂગર્ભ પત્રિકા પણ કાઢતા હતા.

પ્રકાશભાઈની મિત્રબેલડી ગણો કે બંધુ બેલડી ભાઈદાસભાઈ પરીખ ને પ્રકાશભાઈ મોટા ભાગે સાથે હોય ને બંને રંગ, વેશ-પહેરવેશને દેખાવે સગા ભાઈ જેવા લાગે. અને તેમને સંબંધ પણ તેવો. ૧૯૭૧માં એચ.કે. આર્ટસ કોલેજનું અધ્યાપન કાર્ય છોડ્યા પછી ભોગીભાઈ ગાંધી સાથે જ્ઞાનગંગોત્રીના સંપાદન કાર્યમાં જોડાયા. આજે વિશ્વકોશના જે ગ્રંથો દેખાય છે તે એક રીતે તો જ્ઞાનગંગોત્રીનું નવું સ્વરૂપ છે. તેમના કારણે ૩૦ જેટલા જ્ઞાનગંગોત્રીના સમૃદ્ધ ગ્રંથો ગુજરાતને મળ્યા.

પત્રકાર તરીકે પ્રકાશભાઈ પત્રકારોના પત્રકાર યા પત્રકારોનું પૂછવા ઠેકાણું જેવા રહ્યા છે. તેમનો નાતો એકસપ્રેસ જૂથના અખબારો નૂતન ગુજરાત, લોકસત્તા-જનસત્તા, ટાઇમ્સ જૂથના ગુજરાતી ટાઈમ્સ અને છેલ્લે દૈનિક ભાસ્કર જૂથના દિવ્ય ભાસ્કરના સંપાદકીય પૃષ્ઠના સલાહકાર તરીકે રહ્યો. દૈનિકમાં તેમના તંત્રીલેખો તથા સમયના ડંકાને દિશાન્તર જેવી કોલમોએ પત્રકારત્વમાં એક અનોખી ભાત પાડી. જનસત્તામાં વાસુદેવ મહેતા, ઈશ્વર પંચોલી, જયંતી શુક્લ, વિષ્ણુ પંડ્યા, ગુણવંત શાહ ને કાંતિ રામી જેવા તંત્રીઓના સહયોગી સહતંત્રી તરીકે ને ત્યારબાદ લોકસત્તા-જનસત્તાના તંત્રીની જવાબદારી પણ સંભાળી. જનસત્તાની કામગીરીનો તેમનો ગાળો મારો ‘મજૂર સંદેશ’ના આરંભનો ગાળો હતો. બપોરે ૧૨થી ૪ મારે વિશ્રામકાળ હતો એટલે હું બપોરે જનસત્તામાં બિનવેતન કર્મચારીની પેઠે જતો. પત્રકારત્વના અભ્યાસનો બે માસનો તાલીમી કાળ પણ મેં જનસત્તામાં ગાળ્યો. શેખઆદમ આબુવાલા, ઈશ્વર પંચોલી, નરભેરામ સદાવ્રતી, ભાનુભાઈ અધ્વર્યુ, ધનવંત ઓઝા, દેવેન્દ્ર ઓઝા (વનમાળી વાંકો), દિગંત ઓઝા, જેવા અનેકનું સાંનિધ્ય મને તે સમયે ત્યાં સાંપડ્યું. તો નરેન્દ્ર ત્રિવેદી, કીર્તિ ખત્રી ને દિવ્યેશ ત્રિવેદી તે સમયે એક કેબીનમાં બેસતા. દિવ્યેશ ત્રિવેદીએ મારું ઉપનામ ‘વિશ્વદેવ પટેલ’ પાડ્યું હતું. તે સમયે રતિલાલ જોગી, રમણભાઈ ભાવસાર, દિનેશ બ્રહ્મભટ્ટ વગેરે અનેક મિત્રો થયા. આ બધાં મિત્રો સાથે ૧૨થી ૪નો ચા ને નાસ્તાનો તથા વિચારગોઠડીનો સમય હતો. ધનવંત ઓઝા કેળા લાવતા.

પ્રકાશભાઈએ શિષ્ટ ને સંસ્કારી પારિવારિક સામયિક ‘અખંડ આનંદ’ના તંત્રી તરીકે પણ કામગીરી કરી એ જ રીતે મુંબઈના એક્સપ્રેસ જૂથનાં દૈનિક સમકાલીન, સુરતના ગુજરાત મિત્ર, અમદાવાદના દિવ્ય ભાસ્કર અને ગુજરાતી ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પણ કટારલેખન સમયાંતરે કર્યું. હાલ વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી ઉપરાંત ‘ગુજરાત ટુડે’, દૈનિકમાં પણ કટારલેખન કરી રહ્યા છે. ભોગીભાઈ ગાંધી સાથે વિશ્વમાનવના કામમાં પણ જોડાયા હતા. પરિષદ સાથેનો તેમનો નાતો કિશોરાવસ્થાથી જ બૌદ્ધિક, સંસ્થાકીય ને વહીવટી રહ્યો છે. તે પરિષદની મધ્યસ્થ સમિતિ, કારોબારી, મંત્રી, ઉપપ્રમુખ અને હાલમાં પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ગૂજરાત વિદ્યાપીઠમાં આચાર્ય કૃપાલાણી અધ્યયન કેન્દ્રના માનદ્દ નિયામક છે.

લોક સ્વરાજ આંદોલન, ગુજરાત લોકસંઘર્ષ સમિતિ, જનતા મોરચો, જનતાપક્ષ, લોક સમિતિ, લોક સ્વરાજ સમિતિ, નાગરિક સમિતિ, સેક્યુલર લોકશાહી આંદોલન અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી જેવી નાગરિક-સામાજિક ચળવળની સંસ્થાઓ સાથે પ્રકાશભાઈ હંમેશાં કશી વિચારધારાની બાંધછોડ વિના મક્કમપણે રહ્યા છે. હારવા નાગરિક સમિતિ દ્વારા ઈલાબહેન પાઠક, હસમુખ પટેલ ને કશ્યપ દલાલ સાથે મ્યુનિસિપાલિટીની ચૂંટણી લડવાની હોય, આંદોલન માટે માનવસાંકળ રચવાની હોય, મીઠાખળીમાં શાળાની લડાઈ હોય, કટોકટીમાં જેલ જવાનું હોય, લોક સ્વરાજમાં સુકેતુ સ્ટડી સર્કલ કે મેઘાણી લાઈબ્રેરીમાં વક્તવ્ય આપવાનાં હોય કે સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેનો વૈચારિક સંઘર્ષ હોય, પ્રકાશભાઈ હંમેશાં મોખરે રહ્યા છે.

પ્રકાશભાઈ જન્મે જૈન પણ તેમનું આધ્યાત્મિક વાંચન, અભ્યાસ ને જ્ઞાન બધા જ ધર્મોનું. એક વાર નવકારવાળી ગણતાં તેમનાં માતા સ્વ. ઇન્દુબહેનને મેં પૂછેલું કે, તમારો પ્રકાશ રોજ સવારે શણિયું પહેરીને દેરાસર જાય કે નહીં? તેમણે હસીને મને કહેલું કે, રામ-રામ કરો. જૈન ખરા પણ ‘જનસત્તા’ના તેમના ટેબલના પસ્તી ભંડારમાંથી સાથી સ્વ. નરેન્દ્ર ત્રિવેદીએ તેમના બેંકમાં નહીં ભરાયેલા ને એક્સપાર્યડ થઈ ગયેલા ચેક મને બતાવ્યા હતા. આવું તેમનું નાણા ખાતું હતું. એટલે એ અર્થમાં એ જૈન નહીં. તેમના મિત્ર વરિષ્ઠ પત્રકાર વ્યંગવક્રી સ્વ. તુષાર ભટ્ટ ગમ્મતમાં કહેતા કે પ્રકાશભાઈ એટલે ન પ્રકાશ — ન શાહ! તુષાર ભટ્ટના સૂત્રનો પાછળનો ભાગ સાવ યથાર્થ હતો. જો કે તુષાર ભટ્ટે આ સૂત્ર પર પોતાનો કોપીરાઈટ રાખેલો ને બીજાને વાપરવા દેતા નહતા. પણ તેની વિદાય પછી પુત્રી શિલ્પા ને જમાઈ વિવેકની મંજૂરીથી મેં એ સૂત્ર અહીં મૂક્યું છે.

મારા બંને સંતાનોનાં નામ પ્રકાશભાઈ એ આજથી ૩૦ વર્ષ પહેલાં પાડેલાં. તે સમયે બધાને ઉર્જિત ને હાર્દિકા બોલવાને ને લખવામાં અઘરાં લાગેલાં. મેં પણ ઉર્જિતમાં મોટો ‘ઊ’ આવે કે નાનો ‘ઉ’ તે શોધવા વિદ્યાપીઠનો શબ્દકોશ ફંફોળેલો.

ભલે માણસા એક જમાનામાં હિંમતસિંહજી ઑફ માણસા ને આજે અમિત શાહના વતન તરીકે ઓળખાતું હોય પણ માણસાએ પ્રકાશભાઈનું પણ મોસાળ છે. તેમનો માણસા ને માણસાઈ સાથે આજીવન નાતો રહ્યો.

પ્રકાશભાઈનો ડંખ વિનાનો વિનોદ ને વ્યંગ આ ઉંમરે પણ તેમના નિરોગી સ્વાસ્થ્યનું રહસ્ય છે. એક વાર બાબુભાઈ જ. પટેલનાં પુત્રવધૂ ગીરાબહેને મને કહેલું કે બાપુજી (બાબુભાઈ જ. પટેલ), પ્રકાશભાઈ ને હસમુખભાઈ મળે ત્યારે હાસ્યની છોળો સિવાય બીજું કંઈ ન હોય.

પ્રકાશભાઈને મોટે ભાગે ઘડિયાળ સાથે બહુ નાતો નહીં. કાંડે ઘડિયાળ રાખતા નથી. જેથી કોઈ એમની નિયમિતતા સામે આંગળી ન ચીંધી શકે. કંઈ લખવાનું કહ્યું હોય તો લખવા બેસે તો ઝડપથી લખી નાખે બાકી તો એ લખે ને લખાઈને તમારા હાથમાં આવે ત્યારે સાચું. અકાદમીએ તેમને ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ લખવાનું કામ સોંપ્યું હતું. પણ ન લખાયું ને રકમ અકાદમીને પરત કરી દીધી હતી.

તેમની પાસે લખાવવા કરતાં બોલાવવું સરળ છે. તેમનાં પ્રવચનો સાંભળવાં લહાવો છે પણ સમજવાં અઘરાં છે. ક્યાંથી ક્યાં ક્યા સમય કાળમાં, દેશમાં ને વ્યક્તિમાં કૂદકો મારે તે કળવું મુશ્કેલ છે. એ એમની વક્તૃત્વ શક્તિ ને વિદ્વતાની વિશિષ્ટતા છે. ઘણા એમનાં લખાણોનું ગુજરાતી કરાવવાનું કહે છે. પણ ઉર્વીશ કહે છે તેમ તેમને વાંચવામાં મામલો મગજને તસ્દી આપવાનો છે. તેમનાં લખાણ ને વક્તવ્યોમાંથી એક નવો પ્રકાશ શબ્દકોશ બની શકે.

હું હોસ્ટેલમાં હતો, અમે ઈશ્વર પેટલીકરનું સમાજસુધારા પર પ્રવચન ગોઠવેલું પણ પેટલીકરનો છેલ્લી ઘડીએ સંદેશ આવ્યો કે હું સ્વાસ્થ્યના કારણે નહીં આવી શકું. આયોજન તરીકે મારો તો ભવાડો થાય એટલે હું સીધો પ્રકાશભાઈને ત્યાં દોડ્યો. ચંપલ પહેરીને બહાર જવા નીકળતા હતા તે રદ્દ કરીને મારી સાથે હોસ્ટેલમાં આવ્યા. ૨૦૧૭માં મારી દીકરીના લગ્ન સમયે અમે પુસ્તકોનો કરિયાવર રાખેલો. સ્વામી સચ્ચિદાનંદ ને ડૉ. ચંદ્રકાંત મહેતા આવવાના હતા. પણ બંનેનો છેલ્લી ઘડીએ સંદેશ આવ્યો કે તબિયતને કારણે નહીં અવાય. મારી સંકટ સમયની સાંકળ પ્રકાશભાઈ હતા. મેં તે ખેંચી તો સીધા મારા ઘેર આવીને તેમની રીક્ષા ઊભી રહી. પ્રકાશભાઈ આમ સ્નેહને સંબંધોના માણસ છે.

મારે ત્યાં હું મજૂર સંદેશમાં હતો ત્યારે અરવિંદ બૂચ, પૂર્વ નાણાં મંત્રી સનત મહેતા, પૂર્વ વિધાનસભા સાંસદ નટવરલાલ શાહ, નવજીવનના મેનેજિંગ ટ્રસ્ટી જિતેન્દ્ર દેસાઈ વગેરે અનેક જાહેર જીવનના સાથીઓ જમવા આવે તેમાં પ્રકાશભાઈ પણ હોય. એક વાર તે આવા જમેલામાં જમવા આવેલા. તે સમયે અમે પ્રાઈમસ પર રાંધતા, ઘરમાં ગેસ ન હતો. પ્રકાશભાઈ જતાં જતાં રસોડામાં ગયા ને મારી પત્નીને કહે તમને ને તમારા ભમભમિયા (સ્ટવ) બંનેને સલામ!

પ્રકાશભાઈ પહેલીવાર પરદેશ ગયા ત્યારે ‘નિરીક્ષક’નું સંપાદન મને સોંપીને ગયેલા. પાછા આવ્યા પછી મેં ગમ્મતમાં કહ્યું કે હું અત્યાર સુધી નિરીક્ષકનો તંત્રી હતો. હવે તંત્રીપદ તમને સોંપું છું ત્યારે તેમણે પૂરા હાસ્ય સાથે કહેલું કે માત્ર તંત્રી નહીં તમે મારા પુરોગામી અને અનુગામી તંત્રી ગણાવ!

પત્રકારત્વમાં પ્રકાશભાઈ સાથે સીધો કામ કરવાનો મોકો નવાસવા દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ના આરંભના પ્રથમ દાયકામાં મળ્યો. ઘણીવાર અમે સાથે કારમાં ભાસ્કર જતા આવતા હતા. એ સંપાદકીય સલાહકાર ને હું સમીક્ષા સલાહકાર પણ બીજા સલાહકાર ‘ફૂલછાબ’ના પૂર્વ તંત્રી ને વરિષ્ઠ પત્રકાર દિનેશ રાજા, જયંતીભાઈ દવે, વય કરતાં વહેલા ને વધુ પરિપકવ થઈ ગયેલ વિદ્યાર્થી મિત્ર દિવ્યેશ વ્યાસ ને થોડો સમય ઉર્વીશ કોઠારી સાથે ચા-ભજિયાંની મજા માણતા ને પ્રકાશભાઈની વિદ્વત્તાની સાથે મુક્ત હાસ્ય અને ડંખ વિનાના વ્યંગની મિજબાની મફતમાં મળતી. જાહેરજીવનમાં પ્રકાશભાઈને બહોળું સંપર્કસૂત્ર ને બધા સાથે ધરોબો. એટલે અનેક સંસ્થાઓના આગેવાનો કંઈક પ્રેસનોટ લઈને પ્રકાશભાઈ પાસે આવે એટલે મારી સામે આંગળી ચીંધીને પ્રકાશભાઈ તેમને કહે કે પેલા સલાહકાર બેઠા છે તેમને મળો. ને બધી વ્યવસ્થા કરશે. આમ આબાદ રીતે છટકી જાય ને પોતાનો સમય પણ બચાવે. હું ભજિયાં ખાઉં નહીં પણ રાજાસાહેબને પ્રકાશભાઈની સંગતે ભાસ્કરમાં ભજિયાંના રવાડે થોડો ચડેલો. ને ઘેર આવીને મારાં પત્ની આગળ બચાવનામામાં પ્રકાશભાઈનું નામ પેશ કરી દેતો. ‘ભાસ્કર’નો અમારો દાયકો સ્મરણીય ને રમણીય હતો.

ઇતિહાસ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સાહિત્ય, કળા, સંસ્કૃતિ, ચિંતન, ગાંધી ને વિનોબાના ઊંડા અભ્યાસી હોવાના નાતે દરેક ક્ષેત્રમાં ભાગ્યે જ ગુજરાતમાં કોઈ એવી વ્યક્તિ હશે કે તેમના સંપર્કમાં ન આવ્યો હોય. ખાદીનાં જાડાં ધોતી-ઝભ્ભાને ટોપીવાળા બુનિયાદી શિક્ષણવાળા ગાંધીવાદીઓ, સર્વોદયવાળા સહિત સૌ કોઈ એમના સ્નેહીઓ.

સફેદ ઝભ્ભો ને લેંધો. લગ્ન, સ્મશાન કે બેસણામાં જવા કપડાં બદલવાની જરૂર જ નહીં. કોઈ કહે કે પ્રકાશભાઈ વાળ કાળા કરતા હોય તો હજુયે ૧૦-૨૦ વર્ષ નાના લાગો તો કહે કે ભાઈ ધોળા કરતાં આટલાં બધાં વર્ષો ગયાં છે. એ મહેનત ને કાળા કરીને એળે કેમ જવા દેવાય. ઉંમર વધી તેમ મિત્ર સર્કલ પણ વધતું જ રહ્યું. વધતી ઉંમરે પણ સ્મરણશક્તિ, દૃષ્ટિ, દાંત (નવા), વેશ, મિજાજ, સ્પષ્ટ વિચારધારા બધુ જ અકબંધ અને ઊંચું રક્તચાંપ કે મધુપ્રમેહ રહિત નિરામય સ્વસ્થ શારીરિક સુખના પાયામાં તેમની વ્યક્તિગત પૂર્વગ્રહ, દ્વેષ, ઇર્ષ્યા, નિરાશા કે  કડવાશ વિનાની હૃદય ને મનની સદાયે પ્રફુલ્લતા ને હાસ્યથેરાપી. તેમનાં બહેન પ્રફુલ્લા ખરાં પણ તેનાથી વધુ પ્રફુલ્લ તો પ્રકાશભાઈ!

૧૯૮૪માં મેં મારા લગ્નની કંકોત્રીમાં લખેલું કે ‘સોનેકી છડી, રૂપે કી મસાલ, મોતીકી માળા ને હાથમાં કલમ લઈને મેદાને પડેલા મણિલાલ’ હોલના દરવાજા આગળ અમારા આગમન ટાણે તમન્નાના તંત્રી જયંતિ સુબોધ સાથે ઊભેલા પ્રકાશભાઈએ પૂછેલું કે, પ્રોફેસર હાથમાં કલમ કયાં છે?

પ્રકાશભાઈને ચોકલેટ બહુ ભાવે. મારા પત્નીએ એક વાર કહ્યું કે, ચોકલેટ બહુ ખાવાથી દાંત વહેલા પડી જાય. પ્રકાશભાઈએ કહ્યું કે, દાક્તર પાડી નાખે એના કરતાં મૂવા ચોકલેટ ખાવાથી ભલે ને પડી જાય!

ઉમાશંકર જોષી ને દર્શકની વિચારધારાના ઉત્તરાધિકારી ગણીએ તો કશુંયે ખોટું નથી તો માનવઅધિકાર, કોમી એકતા, લોકશાહીનાં મૂલ્યો, સામાજિક ન્યાયમાં કદી તેમને બાંધછોડ ન કરીને ધર્મસત્તા-રાજયસત્તા કે અર્થસત્તા ભલે બદલાઈ હોય પણ ‘નો સર’ (પ્રો. માવળંકરના સંસદના કટોકટી વિરોધી પ્રવચનોના પુસ્તકનું શીર્ષક) કહેવાનું તેમણે ચાલુ રાખ્યું છે.

પ્રકાશભાઈ જાહેર સંપર્કોની પ્રાદેશિકથી રાષ્ટ્રીય કક્ષાના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની યાદી કરીએ તો અલગ પુસ્તિકા જેટલી થાય જેમાં જયપ્રકાશ નારાયણ ને આચાર્ય કૃપાલાણી, રવિશંકર મહારાજ, મોરારજી દેસાઈથી માંડીને આજના રાજનેતાઓ સુધીની લાંબીલચ યાદી થાય. પણ તેમની સામાજિક નિસબતનું માધ્યમ તો લેખનને પત્રકારત્વ જ રહ્યું. માત્ર લેખક નહીં, પણ અદ્‌ભૂત સ્મરણશક્તિ સહિતના ઉત્તમ વાચક પણ ખરા જ. આઝાદીના 50મા વર્ષમાં આઝાદીની લડત વિશે તેમની મુલાકાતને ‘ગ્રામગર્જના’નો ખાસ વિશેષાંક અમે પ્રસિદ્ધ કર્યો હતો.

તેમની પાસે લખાવવા કરતાં બોલાવવાનું સરળ લાગતાં તેવો પ્રયાસ ગૂજરાત વિદ્યાપીઠમાં ત્રણેક વર્ષથી ચાલે છે. તેમના સૌ ચાહકો ઇચ્છે છે કે પ્રકાશભાઈ સંસ્મરણો લખે તો દેશ ને ગુજરાતનો ઉત્તમ ઇતિહાસ ભાવિ પેઢીને મળે.

‘પ્રકાશ’ને માપવા ને મૂલવવા મારો પનોને ત્રાજવાં-કાટલાં બહુ ટૂંકા પડે પણ આ તો મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ખળખળ વહેતું મૂક્યું છે.

સાડા ચાર દાયકા પૂર્વે મારા બધા મિત્રો મારાથી ડબલ કરતાં વધુ ઉમંરના હતા ત્યારે મિત્ર હસમુખ પટેલે મને કહ્યું કે તું સાઈઠનો થઈશ ત્યારે તારે કોઈ મિત્રો બચ્યા નહીં હોય. એટલે પ્રકાશભાઈની પેઠે નવા - નાની ઉંમરના મિત્રો બનાવવાનું શરૂ કર. આથી મેં નવા-નાના મિત્રો બનાવવાનો પ્રકાશપંથ પકડ્યો. પણ હવે પ્રકાશભાઈ જેવા બહુ ઓછા જિંદગીના આઠ દાયકા વિતાવેલા મુરબ્બી મિત્રો છે.

પ્રકાશભાઈનું જીવન તો મહાસાગર છે. તેમાંથી એક નાની ગાગર ભરીને મૂકી છે. જેમાં મારા અંગત સંસ્મરણો હોવાથી ‘હું’ આવે છે ને આવે જ.

પ્રકાશભાઈ વિશે ભાઈ ઉર્વીશ કોઠારીએ ‘આશ્રમ ભજનાવલી’ સાઈઝનું એક નાનકડી પુસ્તિકા જેવું ૧૬૦ પાનાંનું પુસ્તક પ્રકાશભાઈ સાથેની પ્રશ્નોત્તરી સ્વરૂપે લખ્યું છે જેમાં તેમના જીવનની સફરની ઘણી ઓછી જાણીતી વિગતો છે. બાકી પ્રકાશભાઈ પાસે કંઈ લખાવવું એ હવામાં બાચકા ભરવા જેવું કપરું ને કઠિન કાર્ય છે. ગુજરાત પત્રકારત્વની બે સદીના ટાણે પ્રકાશભાઈ લખે તેમ ઈચ્છીએ પણ અત્યારે તો આ અપેક્ષા રણમાં વહાણ ચલાવવા જેવી છે.

સૌજન્ય : મણિલાલભાઈ પટેલની ફેઇસબૂક દિવાલેથી સાદ

Category :- Profile

મને યાદ આવે છે ૧૯૭૫નો એ દિવસ. તારીખ-મહિનો સ્મૃતિમાં નથી. પણ વડોદરામાં સાવ છેવાડાના લોકો માટે કંઈક કરી છૂટવા માટેની મથામણ માટેનું સંમેલન. ખાસ કરીને, ખેતમજૂરોના લઘુતમ વેતનને લઈ ઘણી-બધી ચર્ચાઓ થઈ. આ સંમેલન યોજનારા હતા જૂના સમાજવાદીઓ અને ગરીબો-વંચિતો વચ્ચે કામ કરનારી સંસ્થાઓના અગ્રણીઓ. સંમેલન રંગપુર આશ્રમના હરિવલ્લભભાઈ પરીખ અને ઝીણાભાઈ દરજીની આગેવાનીમાં મળી રહ્યું હતું. ત્યાં સનતભાઈ, અરુણાબહેન મહેતા, માધવસિંહભાઈ સોલંકી, અમરસિંહ ચૌધરી, સત્યમ્‌ પટેલ ઉપસ્થિત હતા. આ સંમેલનમાં ખેતમજૂરોના લઘુતમ વેતનને લઈ એક વિશાળ રેલી કાઢવાનું નક્કી થયું અને ‘ગુજરાત ખેત-મજદૂર વિકાસ પરિષદ’ એવું સંગઠન ઊભું કરવાની વાત થઈ.

ઇન્દુભાઈને યાદ કરતાં આ ઘટના એટલા માટે યાદ આવી કે, એ જ વર્ષે; પછી ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ સંસ્થાનો પાયો નંખાયો અને એ સંસ્થામાં પછીથી ઇન્દુભાઈ જોડાયા. ‘નયામાર્ગ’ આમ તો વર્ષો પૂર્વે ‘સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિ’નું મુખપત્ર હતું, પણ બંધ પડતાં સનતભાઈએ ચલાવ્યું. અને ૧૯૮૧થી ‘નયામાર્ગ’, ઇન્દુભાઈના વડપણ હેઠળ ચાલવા માંડ્યું અને ગુજરાતનું એક નોંધપાત્ર સામયિક બની રહ્યું.

૧૯૭૫ના એ વડોદરા સંમેલનમાં હાજર રહેનારામાંથી માધવસિંહજી અને અમરસિંહ ચૌધરી તો તે પછીના દસકામાં તાકતવર નેતાઓ બન્યા ને ગુજરાતના મુખ્ય મંત્રી પણ બન્યા. સનતભાઈ ગુજરાતના નાણાં પ્રધાન બન્યા. ઝીણાભાઈ દરજી ગુજરાતના ‘વીસ મુદ્દા કાર્યક્રમ અમલીકરણ સમિતિ’ના અધ્યક્ષ બન્યા, જે પદ પણ કેબિનટ પ્રધાન કક્ષાનું હતું. આવા સશક્ત નેતાઓના પીઠબળ સાથેની, સત્તાની નજીકની સંસ્થાના આગેવાન તરીકે ઇન્દુભાઈએ સતત ચાર દાયકા લગી કામ કર્યું. પણ સત્તા, સંપત્તિ ને હોદ્દાની ઝાકઝમાળ વચ્ચે તેઓ જળકમળવત્ રહ્યા.

ઇતિહાસ એવું કહે છે અને આપણે સૌએ અનુભવ્યું છે કે, સત્તાધારી પક્ષ સાથે જોડાયેલી સંસ્થા કે આગેવાનો ક્યાંક ને ક્યાંક પોતાના ધ્યેયથી ચલિત થઈ જતાં હોય છે તેમ જ સગવડ, સુવિધાઓ અને ભંડોળને લઈ તેમની જીવનશૈલી અને જીવનમૂલ્યો પણ બદલાતાં જોવા મળે છે. પરંતુ, ઇન્દુભાઈ આ ચાર દાયકા આપણી સાથે જીવ્યા છે, હાથમાં પ્રતિબદ્ધ કલમ ને વિવિધ પ્રવૃત્તિઓમાં આપણી સાથે ચાલ્યા છે. તેમના જીવનના અંત સુધી આપણે તેમના વ્યક્તિત્વથી નજદીકી અનુભવી છે. તેમની પાસે ન હતી ભારે સંપત્તિ કે મકાનો કે જમીનો. ખરેખર તો સત્તાધારી પક્ષના નેતાઓ સાથે જોડાયેલી સંસ્થાને કારણે તેમને આ બંને બાજુએથી સતત પીડા-યાતના જ સહન કરવાની આવી.

વંચિતો-શોષિતોની તરફદારીને લઈ, સરકાર સાથે જોડાયેલાં સ્થાપિત હિતોની સામે પડે અને બીજી બાજુથી જ્યારે વંચિતો-શોષિતોના કોઈ મુદ્દે ધાર્યું પરિણામ ન આવે તો ‘તમે તો કૉંગ્રેસી, સરકાર સાથે મેળાપીપણામાં ચાલનારા …. પછી ન્યાય ક્યાંથી અપાવવાના!’ - એવી ગાળો પણ ખાવી પડે, એવું પણ જોયું છે. ૧૯૮૩માં તો ખુદ ઝીણાભાઈને મુખ્ય મંત્રી માધવસિંહજી સામે, ‘તમે મૂડીવાદીઓ માટે કામ કરો છો’ એમ કહીને જાહેરમાં બગાવત કરવી પડેલી.

એ અરસામાં જ શેરડી કામદારો જે મોટેભાગે સ્થળાંતરિત મજૂરો જ હતા, તેમની બદતર હાલત વિશે ‘નયામાર્ગ’માં ઇન્દુભાઈએ લેખ પ્રગટ કર્યો હતો. એ લેખ અને જૉન બ્રેમાનના અભ્યાસકાર્યને લઈને ‘લોક અધિકાર સંઘ’ દ્વારા ગિરીશભાઈ પટેલની આગેવાની હેઠળ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. લઘુતમ વેતન માટેની માગણી સાથેનો આ કેસ ઘણો લાંબો ચાલ્યો. દક્ષિણ ગુજરાતના સમૃદ્ધ ખેડૂતો દ્વારા ચાલતી શેરડી ઉત્પાદન સહકારી મંડળીઓએ સંગઠિત થઈ, સરકારી તંત્રોને સાધી, આ શેરડી કામદારોનાં શોષણના ચરખા ચાલુ રાખવા તમામ પ્રકારના ખેલ પાડેલા. અમે જ્યારે શેરડી કામદારોના ઇન્ટરવ્યૂ રૅકોર્ડ કરી હાઈકોર્ટમાં મૂકવા માટે કામ કરતા ત્યારે કામદારોને મોટા ખેડૂતોનો ખૂબ ડર લાગતો. ક્યાંક હાટમાં કે દૂર લઈ જઈ તેમની સાથે વાત કરવી પડતી. ઝીણાભાઈ જે સહકારી મંડળીઓ સાથે જોડાયા હોય, એની સામે જ ઇન્દુભાઈ, એ જુલમી શોષણ સામે લેખ છાપે એ એક મોટી વિરલ ઘટના અમને તે સમયે લાગી હતી.

ઇન્દુભાઈનો પરિચય આમ તો ૧૯૮૧માં જ, અનામત સામે થયેલાં તોફાનો વખતે વધુ થયેલો. આમ તો સરકાર ચલાવનારા વંચિતો, તક-વંચિતો ને શોષિતોના મતોથી જ ચૂંટાયેલા હતા. છતાં ય અનામત વિરોધીઓ આગળ ઝૂકી રહ્યા હતા. અનામતના સમર્થકોમાં દલિતો તો હોય જ. દલિત પૅંથર સક્રિય હતું. નાગરિક અધિકારો ને લોકશાહી અધિકારો માટે લડનારા અમારા જેવા કાર્યકરો હતા અને ત્રીજા, કેટલાક ગાંધીપંથના અનુયાયીઓ ને આદિવાસીઓની વચ્ચે ધૂણી ધખાવીને બેઠેલા કર્મશીલો. દલિત પૅંથરના આગેવાનો સાથે તો અમે ૧૯૭૮થી સાથે કામ કરતા હતા ને તેમાં ગાંધીમાર્ગે ચાલનારા ભાનુભાઈ અધ્વર્યુ, ઝીણાભાઈ અને ઇન્દુભાઈની મહત્ત્વની કામગીરીનો ટેકો, ખૂબ જ લઘુમતીમાં હતા એવા અનામત સમર્થકો માટે મૂલ્યવાન બની રહ્યો.

સ્થાનિક છાપાંઓ અનામતના વિરોધીઓની સાથે રહી દલિતો સામે ઝેર ઓકતા જુઠ્ઠા સમાચારો છાપતાં હતાં. દાખલા તરીકે : ‘ગીતામંદિર પર દલિતોનાં ટોળાઓનો હુમલો’. અનામતની તરફેણમાં કામ કરવું કપરું હતું. દલિતોનાં ઘર, ચાલીઓ, ગલ્લાં-રેંકડીઓ ભડકે બળાતાં હતાં, તેવા સમયે ‘નયામાર્ગ’ સામયિકની ભૂમિકા ખૂબ નોંધપાત્ર બની. અનામત વ્યવસ્થાની માહિતી આપતી પુસ્તિકાઓ તેના ઉપક્રમે ઇન્દુભાઈએ પ્રગટ કરાવી અને દલિત-આદિવાસીઓની શિક્ષિત-નોકરિયાત પહેલી પેઢીની અભિવ્યક્તિને ‘નયામાર્ગ’નાં પાનાઓ પર સ્થાન આપવાનું કામ ઇન્દુભાઈએ કર્યું. અને એ પરંપરા ‘નયામાર્ગ’ ચાલ્યું ત્યાં લગી ચાલુ રહી. ઇન્દુભાઈ માત્ર શબ્દોમાં પ્રોત્સાહન આપનારા કે કોરી ચર્ચા કરનારા ન હતા. એ નક્કર કાર્ય કરનારા હતા.

રામજીભાઈ પટેલની આગેવાનીમાં અમે જોડણી સુધારણા આંદોલન પાંચેક વર્ષ ચલાવ્યું. ખાસ કરીને, સંસ્કૃત પર આધારિત આપણી ગુજરાતી ભાષાની જોડણીને લઈ જે નિયમો છે તેમાં, નિયમો કરતાં વિકલ્પ વધારે છે. ખાસ કરીને, હ્રસ્વ-દીર્ઘ-ઇ-ઈ, ઉ-ઊને લઈ. બાળકો જ્યારે ભાષા શીખવાનું શરૂ કરે ત્યાં જ હ્રસ્વ-દીર્ઘ, ઇ-ઈ, ઉ-ઊની ગૂંચવણમાં; ભાષા કેળવણીનો એકડો મંડાય એ પૂર્વે જ તેની મુક્ત અભિવ્યક્તિ રૂંધાય. શિક્ષકો શુદ્ધ-અશુદ્ધ જોડણીના ચક્કરમાં જ લાલ લીટાઓથી તેના ભાષા-રસને છીનવી લે. વળી, આ જોડણીનાં હ્રસ્વ-દીર્ઘને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી; એવા અભ્યાસ પરથી અમે સૌ ગુજરાતી જોડણી સુધારણાની ઝુંબેશમાં સતત મંડ્યા રહ્યા.

ઉંઝામાં ગુજરાતભરના ભાષાશાસ્ત્રીઓ, શિક્ષકો, લેખકો ને ભાષાપ્રેમીઓનું વિશાળ સંમેલન યોજાયું. જ્યાં અગ્રણીઓમાં ઇન્દુભાઈ પણ હાજર હતા. ઠરાવો મંજૂર થયા બાદ સૌથી પહેલાં ઇન્દુભાઈએ જ “હવે ઉંઝા સંમેલનમાં નક્કી થયા મુજબની જોડણીમાં જ ‘નયામાર્ગ’ છપાશે એવી જાહેરાત કરી. એ પછી અન્ય સામયિકો પણ ઉત્સાહભેર તેમાં જોડાયાં. અને એ સંકલ્પ એમણે આજીવન નિભાવ્યો. શરૂઆતમાં એમને આ સંકલ્પ પાર પાડવામાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી. સૌથી પહેલાં તો પ્રિન્ટિંગ પ્રેસમાં જ. લેખકો તો કહેવાતી અન્ય જોડણીમાં જ લેખો લખીને મોકલે. કંપોઝ કરનારા તે પ્રમાણે જ કામ કરવા ટેવાયેલા. દરેક લેખનું એક ઈ-ઉ પ્રમાણે પ્રૂફ સુધારવાનું ભારે શ્રમભર્યું કામ તો ઇન્દુભાઈના માથે જ આવ્યું!

તેમણે મને ઘણી વાર હસતાં-હસતાં કહેલું કે ‘ફલાણા લેખક ઉંઝા જોડણીથી નારાજ થઈ હવે ‘નયામાર્ગ’માં લખવાની ના પાડે છે …’ પછી ક્યારેક એમ પણ કહે કે, “હવે એ જ લેખક ‘નયામાર્ગ’ને ઉંઝા જોડણીમાં વાંચતાં-વાંચતાં ટેવાઈ ગયા છે, અને હવે ચૂપચાપ પોતાના લેખ ‘નયામાર્ગ’માં પ્રગટ કરવા મોકલી આપે છે.

આ જોડણી સુધારણા આંદોલનને વેગ આપવા અમે ‘ભાષા વિચાર’ નામનું મુખપત્ર શરૂ કર્યું હતું. જેમાં કિરણ ત્રિવેદી અને હું સંપાદક હતા. એકાદ વર્ષ પછી એ મુખપત્ર છપાવવા અને પોસ્ટ કરવા માટેના ખર્ચા પોસાઈ શકે એવા ન રહ્યા ત્યારે મને યાદ છે કે, અમારી એક મિટિંગમાં એમણે તરત જણાવી દીધું કે, ‘નયામાર્ગ’માં આઠ પાનાં હું ભાષાવિચાર માટે આપું છું.’ અને એના પ્રિન્ટિંગનો તમામ ખર્ચ ઉપાડી એમણે પૂરી સ્વતંત્રતા સાથે અમને કામ કરવાની તક આપી. ‘નયામાર્ગ’ના તંત્રી તરીકે એમણે તેમાં છપાતાં ‘ભાષા વિચાર’નાં આઠ પાનાં માટે ક્યારે ય તેમાં શું છાપવાના છો, શું છપાવું જોઈએ એવાં સૂચન પણ નથી કર્યાં. કોઈ પણ પ્રકારની દખલગીરી નહીં કરનારા એવા એમના વર્તનથી મને ઇન્દુભાઈ માટે હંમેશાં અનહદ માન રહેતું. એ જ રીતે અમારી રેશનાલિસ્ટ પ્રવૃત્તિમાં પણ ખૂબ જ સક્રિય. પ્રવૃત્તિ લેખો તો ‘નયામાર્ગ’માં છપાય જ પણ ચર્ચા સભા-સંમેલન એ બધાં માટે ખેતભવનનો હૉલ અમારા માટે કાયમ ખુલ્લો રહેતો.

કોરોના કાળ પૂર્વે છેલ્લું રૂબરૂમાં મળવાનું થયું રેશનાલિસ્ટ ડૉ. સુજાત વલીને જાનથી મારી નાંખવાની ધમકી મળી તે સમયે. ડૉ. વલીના એક લખાણને લઈ કેટલાક રૂઢિચુસ્ત કટ્ટરવાદી ધાર્મિકોએ તેમની વિરુદ્ધ ગોધરામાં સરઘસ કાઢ્યું હતું, તેમને કસ્ટડીમાં પૂરી દેવડાવી પોલીસ કેસ પણ કરાવ્યો. અને પછીથી ‘ઇન્ટેલિજન્સ’નો એવો એક રિપોર્ટ પણ આવ્યો કે, તેમની હત્યાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. અગમચેતીમાં શું થઈ શકે એ માટે એક તાત્કાલિક મિટિંગ અમદાવાદમાં યોજાઈ, જેમાં અગ્રણી રેશનાલિસ્ટ સાથીઓ ભેગા થયા હતા. તેમાં ઇન્દુભાઈની સાથે છેલ્લી રૂબરૂ વાત થઈ એવું સ્મરણમાં આવે છે.

તેઓ નિર્ણય લેવામાં, નિશ્ચિત કાર્યના અમલીકરણમાં એકદમ દૃઢ હતા, પણ એવા જ હૃદયથી ઋજુ. મને એક ઘટના કાયમ યાદ રહી ગઈ છે …. ઘણાં વર્ષો પૂર્વે એક વાર અમે અમદાવાદના પંચવટી ચાર રસ્તા પાસે આકસ્મિક ભેગા થઈ ગયા. એ વખતે ઇન્દુભાઈ સ્કૂટર પર હતા, ઘર તરફ જઈ રહ્યા હતા. થોડીક વાતો પછી એકાએક મને કહેવા માંડ્યા, ‘આ શ્રેયસ સ્કૂલવાળા પણ કમાલ છે …! મારા દીકરા અનુજ માટે કહે છે, તમે એને અમારે ત્યાંથી ઉઠાવી લો … એ ભણવામાં બરાબર નથી …!’

મને પણ નવાઈ લાગી કે, શ્રેયસ સ્કૂલવાળા ‘ભણવામાં યોગ્ય નથી’ એવી વાતે બાળકને શાળામાંથી ઉઠાડી લેવાનું કહે છે …! ગળગળા થઈ ગયેલા ઇન્દુભાઈએ આગળ કહેવા માંડ્યું … ‘આ તે કેવા સ્કૂલવાળા! હવે હું એને ક્યાં મૂકું?’ એમ કહેતાં-કહેતાં એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. રસ્તાની વચ્ચે એક વડીલમિત્રનું આમ રડવું મારા માટે દિલાસો આપવા ય મૂંઝવણભર્યું હતું. એમના જીવનના આદર્શ, માત્ર ઘરબહારની જિંદગી માટે ન હતા. મને આ ઘટનાનું સ્મરણ કરતાં હંમેશાં અનુજનો ઉછેર અને એમના આદર્શ યાદ આવી જ જાય છે. વળી, કાયમ એમને ઇસ્ત્રીવાળાં સુઘડ કપડાં, ક્લિન શૅવ અને વ્યવસ્થિત વાળ સાથે જોઉં ત્યારે મને એમના પિતાજી અમૃતભાઈ જાની પણ યાદ આવી જ જાય. હું ઘણી વાર ઇન્દુભાઈને કહું કે, ‘તમારા કરતાં તમારા પિતાજી મારા પહેલા મિત્ર!’

અમૃતભાઈ નાટકના એક ઉત્તમ કલાકાર, રાજકોટ આકાશવાણી પર એમનો અવાજ ગુંજતો. અમદાવાદમાં દીકરાઓ સાથે રહે. જશવંત ઠાકર દિગ્દર્શિત હીન્કમેનમાં તેમણે યાદગાર અભિનય કર્યો હતો. એ પણ એકદમ વ્યવસ્થિત રહે. અમદાવાદમાં નિવાસ દરમિયાન સાંજ પડે ફરવા નીકળે. ક્યારેક મારા ઘરે આવી પહોંચે. એકદમ ક્લિન શૅવ. વ્યવસ્થિત વાળ ઓળેલા હોય. સરસ ઈનશર્ટ કરેલું શર્ટ-પેન્ટ, સૌમ્ય ચહેરો. ક્યારેક જૂની રંગભૂમિનાં સંવાદો-શાયરી સંભળાવે. ઇન્દુભાઈને જોઉં-સાંભળું ત્યારે મને એમનામાં અમૃતભાઈનાં દર્શન થાય … એ જ સૌમ્ય ચહેરો, વિસ્મિત આંખો અને નિર્દોષ સ્મિત. મને કાયમ થતું રહ્યું છે કે, આવું નિર્દોષ સ્મિત …  પ્રામાણિકતા અને નિષ્ઠાને જ વ્યક્ત કરવાનું હોઈ શકે.

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”; ‘ઇન્દુભાઈ જાની સ્મૃતિ - વિશેષાંક’; 16 જૂન 2021; પૃ. 16-17

https://bhoomiputra1953.wordpress.com/2021/06/22/ભૂમિપુત્ર-૧૬-જૂન-૨૦૨૧ઇન્/   

Category :- Profile