POETRY

બચપણ

ચન્દ્રેશ ઠાકોર
28-11-2013

 

અાવ ભેરુ અાવ
મારા બચપણને પાછું તું લાવ
દોડતું ને કૂદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું અાવ
વીતેલાં વર્ષોના લાગેલા થાકને ઉતારવાનો એ જ છે પડાવ
મારા બચપણને પાછું લઈ અાવ …

અાંબલીની ડાળીએથી કૂદકા ને હિંચકા એમાં થપ્પાના સંતાયા દાવ
માવડી બિચારી તો લગીરે ટેવાઈ નહીં જોઈ કોણી ને ઘૂંટણના ઘાવ
બાળેલું રૂ અને વહાલસોયો હાથ એ ખોવાયો કિંમતી સરપાવ
મારા બચપણને પાછું લઈ અાવ …

મબલખ કોઈ પાકની પરવા નો’તી જ્યાં મળતું એક છબછબ ખાબોચિયું
વીજળીનો વેગ જાણે પગમાં ઊભરતો જેવું તૂટતું’તું પેલું સાતોડિયું*
રમતી ગઈકાલ પર લાગેલી ધૂળને મારી તું ફૂંક એક હટાવ
મારા બચપણને પાછું તું લઈ અાવ …

રંગીન લખોટીઅો ને કોડીઅો ખખડતી સાંજ પડે વિસરાતા દાવ
મીઠ્ઠા એ ઝઘડા અને ઈટ્ટા-કિટ્ટાનો કોઈ કાયમનો નો’તો ઠરાવ
અાંટી અને ઘૂંટીમાં ડૂબ્યા અા જીવને અાટા અને પાટા સમજાવ
મારા બચપણને પાછું લઈ અાવ …

દોડતું ને કૂદતું ને ભોળું એ બચપણ ખિસ્સે ભરીને તું અાવ
અાવ ભેરુ અાવ
મારા બચપણને પાછું તું લઈ અાવ …

* નળિયાના સાત ટુકડાની ઢગલીને બૉલથી તોડવાની અને ફરીથી ગોઠવવાની રમત

(કવિનો તાજાતર કાવ્યસંગ્રહ : ‘મોસમનો મોડો વરસાદ’, પૃ. 127)

Category :- Poetry

દેશાન્તરનો સાદ

જયન્ત મ. પંડ્યા
19-11-2013

 

બેસી અાજે ઘરની પરસાળે સ્મરું દેશ બીજો !
જ્યાં કોઈ ના સ્વજન સરખું, ને છતાં ના પરાયા
લોકો વચ્ચે દ્રુત ગતિલયે ચાલતી કાર સામે
અાવી પ્હોંચે નિજ જન સમી સૃષ્ટિ સ્નેહે અનન્ય !

નાની નાની ઢીંગલી સરખી ધેનુઅો શૃંગહીન,
લીલી ઝાંયે સભર ઊભર્યા ડુંગરોની પડોશે
ઝૂમી ઝૂમી ટહુકી ઊઠતાં એમ કે અોકવૃક્ષો,
સૌને વીંધી મલકી ઊઠતો સૂર્ય ઉષ્મા ભરેલો.

પાસે, દૂરે વિજનપથની મોકળી રેખ સંગે
તાલી અાપી ઝટ સરી જતાં ગામ, ખીણો નવેલી
કેડે નાનાં ઝરણ ઊંચકી, પાથરી ઘાસશય્યા
અામંત્રી દે શ્રમિત મનને, અંક તેના પ્રસારી !

સૌંદર્યોથી રસિત રમણી, બાલિકા દીપ્તનેત્રા,
મૂંગે મોઢે નિજની પ્રતિમા કોરતાં ચર્ચ - ચૈત્યો;
વચ્ચે માર્ગે ઝબક દીવડે ખેલતા વીજદીવા,
ને અોચિંતાં ટપકી પડતાં અાલયોયે સુરાનાં.

ત્યારે લાગે ઘર વતન ને ભેરુઅો છેક અાઘાં,
અાઘાં અાઘાં, જટિલ જટિયે પાંગળાં તંત્ર બાઘાં;
એમાંયે જ્યાં જનમભૂમિની હાંફતી લોકધારા
જોઉં ત્યારે, ઘરથી દૂરનાં ધામ લાગે રસાળાં.

એવું ના કૈં સઘળું તહીંનું સર્વથા દૂધધોયું,
ત્યાંયે લોકો ખરડી મૂકતા ચિત્ર રૂડાં રૂપાળાં.
કોઈ સ્વાર્થી, મલિન વળી કો, કોક તો સાવ બુઠ્ઠા;
કિન્તુ ઝાઝા જન તહીં વહે ન્યાયના દંડ સાચા

દાઝે હૈયું વતનમહીં, સોરાય ઊંડા વિજોગે
ને અાઘેરા બ્રિટન સરખા દેશમાં હૂંફ ઢૂંઢે !
ચિત્તે જ્યાં હો પિયર સરખી શાન્તિ ને શૈત્ય મીઠાં
ત્યાં સીમાડા ફસકી પડતા દેશ - દેશાન્તરોના !

(‘અામ્રમંજરી’, પૃ. 44-45)

(જન્મકાળ : 19 નવેમ્બર 1928 - 10 અૉગસ્ટ 2006)

Category :- Poetry