માણસ જેવો માણસ છું
કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું;
પોચક છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું.
આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.
આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું મર્માળો છું, માણસ જેવો માણસ છું.
ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.
ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂ ઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું.
શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું, માણસ જેવો માણસ છું.
Category :- Poetry
પાતળી હવામાં વહેતા શબ્દ
અર્થને ઝાલી
વળગણને પીડતા રહ્યા
પીગળતા રહ્યા …
હેતાળ અાશિષ કેરા
અાશ્લેશ દેતા
શીતળ શાતા:
ભીના વાતાવરણમાં
સ્મરણ ઉભરતા રહ્યા
વળગણ અાછું રડતા રહ્યા.
e.mail : [email protected]
Category :- Poetry