POETRY

એ દેશની ખાજો દયા

ખલિલ જિબ્રાન [અનુવાદક - મકરન્દ દવે]
06-01-2013

 

દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.

સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર ! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.

ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.

ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે !

જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં -
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે !

નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો !
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં ! એજ ખમ્મા, વાહ વા !

જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

મૂક, જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા !

જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.

અનુવાદ : મકરંદ દવે
 

Category :- Poetry

ક્યાંય ના જરી ક્લેશ હો; ને ક્યાંય ના જરી ક્લાન્તિ હો;
સર્વને હો તાઝગી પ્રાતઃફૂલોની, શાન્તિ હો.
વ્યોમમાંયે શાન્તિ હો, ને ભોમમાંયે શાન્તિ હો,
વ્યોમભોમની મધ્ય રોમેરોમ સોમ શી શાન્તિ હો.
પૃથ્વી તો કંપે હજી ક્યારેક; એ જંપી નથી,
હો ધરીમાં સ્નિગ્ધતા, ને ક્ષુબ્ધતાને શાન્તિ હો.
એક જે હતું પૂર્ણ તે ખુદ કણકણોમાં ચૂર્ણ છે,
એ પૂર્ણપણમાં હોય તેવી ચૂર્ણકણમાં શાન્તિ હો.
ભવભવાટવિમાં ભટકવું છે લખ્યું જો ભાગ્ય; તો
એ ભાગ્યને પણ શાન્તિ હો, એ ભ્રાન્તિને પણ શાન્તિ હો.
પંચભૂતોની મહીં, ને સર્વ ઋતુઓના ઋતે
સંક્રાન્તિઓને શાન્તિ હો, ને ક્રાન્તિમાંયે શાન્તિ હો.
શપ્ત શાં સંતપ્ત રણ, નિઃસૂર્ય અંધારાં વનો;
એ રણો શાં, એ વનો શાં સૌ મનોમાં શાન્તિ હો.
કેટલું છે દુઃખ ઉશનસ્ ! ચેતનાથી ચિત્તમાં !
એ ચેહનેયે શાન્તિ હો, એ દેહનેયે શાન્તિ હો.
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી !
ને ચરણ ક્યાં જતાકને અટકીને ઊભા રહ્યા !
ચરણો ચાલી ચાલીને પોતાનાં ઘરઆંગણે
પોતાની સામેસ્તો આવીને ઊભા રહ્યા !
છેવટે તો આ યાત્રા મુખ મુખની સુખયાત્રા હતી !
કેટકેટલાં મુખોને ચૂપચૂપ ચાહવાનું મળ્યું !
અને બધાં જ મુખોમાં તારી જ રેખાના
ઉઘાડની ઓળખ એ તો આ પ્રેમયાત્રાની ફલશ્રુતિ છે.
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો, ને હે પૃથ્વી !
ક્યાં આવતોક ને ઊભો રહ્યો ! છેવટે મારી સામે જ !
તને સમજવા નીકળ્યો હતો
ને આવીને ઊભો છું પ્રેમના એક આંસુની આગળ !
- અહંકાર થોડોકે ઓગળ્યો હોય તો સારું.
તને સમજવા નીકળ્યો હતો મોટા ઉપાડે
એક દિવસ જ્ઞાનયાત્રાએ,
ને પ્રેમયાત્રાને અંતે છેવટ ઘેર આવીને ઊભો છું !
તને તો શું સમજી શક્વાનો હતો ?
હું મને થોડોકેય સમજી શક્યો હોઉં તો સારું.

 

Category :- Poetry