POETRY

શોકોદ્ગાર

રાજેન્દ્ર શુક્લ
26-03-2013

છત્રપલંગા મૂકી છેટા રે !

પીપલ કે નીચે ક્યૂં લેટા રે !

બિથા કોઈને યે ના વહેંચી રે,

આવા તે કેવા એકલપેટા રે !

ગોકુળમાં તો ગાયું ચરાવી રે,

પછી ઠેઠ લગ હાંક્યાં ઘેટાં રે !

ભેળા થઈને નામ જ બોળ્યું રે,

વડ જેડા ના નીવડ્યા ટેટા રે !

છેલ્લું યે કાંઈ નવ બોલ્યાં રે,

એક પલ મેં અવતાર સમેટા રે !

23 માર્ચ 2013ના રોજ, ‘વલી ગુજરાતી ગઝલકેન્દ્ર’ અને ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વ્ારા આયોજિત, મુશાયરામાં, ગુજરાતી સાહિત્ય પરિષદના રા. વિ. પાઠક સભાગૃહમાં, ઋષિકવિ રાજેન્દ્ર શુકલના ઘેરા ગિરનારી કંઠે રજૂ થયેલી 'ગઝલ અને મરસિયાના સંયોજનની' એક અનોખી પ્રસ્તુતિ.

આપેલી લિન્ક પર જઈ આ સાંભળી શકાશે.

https://soundcloud.com/pancham-shukla/rajendra-shukla-kyu-leta-re-23

Category :- Poetry

બહુ બોલ બોલ કરો તમે

રાજેન્દ્ર શાહ
22-03-2013

માઘ મનોહર દિન,

ધવલ ધુમ્મસ થકી ધીરે ધીરે ઊઘડંત દ્વિતીય પ્રહર;

સદ્યસ્નાત વનસ્થલિના પ્રસન્ન અંગ પર

રવિકિરણની ઉષ્મા અડે સુકોમલ,

માધવીમુખનું સરી જાય તહીં તુષારઅંચલ;

નીખરંત સુષમા

સ્મિતોજ્જ્વલ દગે જાણે દેતી નિમંત્રણ.

જનપદ મેલી નદી તીરે તીરે

એકાન્ત નિર્જને

તેજ છાયા પથે કરું એકલ વિહાર.

તૃણ તૃણ પર ઓસબિંદુ મહીં રંગધનુલીલા;

આવળની ડાળે ડાળે રમે સોનપરી,

આકાશમાં ઊડે કીર, ઊડે જાણે હરિત કિલ્લોલ;

આછેરા તરંગ તણી આડશે ડોકાઈ જગ જુએ જલમીન.

અમરાઈ થકી આવે મંજરીની ગંધ,

એ તો કોકિલકંઠનો ટહુકાર,

કુંજની કેડીએ આપમેળે વળે સરળ ચરણ.

કંઈક ચંચલ ચાંદરણાં મહીં લહું એક તરુણ કિશોર

બાવળદંડનું છાલ-આવરણ કરી રહે દૂર,

કને કોઈ આવે એને જોયું વણજોયું કરી

અવિચલ મચી રહે નિજને જ કામ.

મૌન ધરી લઘુ લઘુ બની રહે છાંય.

કિશોરને પૂછું: ‘નહીં તારે કોઈ ભેરુ?

અહીં વન મહીં ખેલવાને કાજ?’

મીટ માંડી લઈ સહેજ

અંગુલિને મુખ મહીં ધરી

સીટી એકાએક એણે બજવી પ્રલંબ.

ચારેગમ લહું કોણ ઝીલી દે જવાબ,

નદીના નીચાણમાંથી ત્યહીં દોડી આવે એક શ્વાન,

કને જઈ કિશોરની સોડમાં લપાય,

પીઠ પર હળુ હળુ ફરે એનો કર.

અબોલ એ જાણે કહી રહ્યો મને,

‘આ જ ભેરુ મારે વનવગડે નીડર.’

‘નહીં ભાઈ-બેન તારે?’

‘બા ને બાપુ બેઉ ખેતરે જનાર.’

‘ગોઠિયું ન કોઈ?’

‘ઘરે ગાયનું વછેરું વ્હાલમૂઉં મને પજવે અપાર.’

સોડમાંથી સરી એનું સાથીદાર પ્રાણી

આવી મારી કને

પગની ગંધથી કરે મારો પરિચય.

‘ઘડી ઘડી વાતું કરે એવું કોઈ નહીં,

તને એકલું ન લાગતું લગાર?’

આછા અણગમા તણી મુખ પર આવી જતી એક લહેર,

કહે,

‘બહુ બોલ બોલ કરો તમે.’

ઉભયનું મૌન.

તરુપુંજમાંથી ભૂમિ પર ઊડી આવ્યાં ત્યહીં કપોત બે ત્રણ,

ધૂળમાંથી વીણી ચણે કણ.

સહસા કિશોરે નિજ ગજવેથી મૂઠીભરી વેરી દીધ ચણા.

વિશ્રબ્ધ ઉમંગ તણા

ઘુઉ-ઘુઉ-ઘુઉ-સૂર ઝરંત વિહંગ.

એકાકી ન કોઈ ક્યાંય,

સકલને મળી રહે સકલનો સંગ.

ચરણ ધરે છે મધ્યદિન આવરણહીન,

વળું ઘરભણી ત્યહીં

મળે એકમેકની નજર,

સરલ સ્મિતનાં બેઉને વદન રમી રહે સ્મિત ઝળહળ

(સંકલિત કવિતા : પૃષ્ઠ 944-946)

Category :- Poetry