લો,
2012નો
લજ્જાયમાન
અંતિમ સૂરજ પણ ડૂબી ગયો !
અને
છવાઈ ગયું છે -
અાહા
અાતશબાજીની
સુરમ્ય રંગશેડોથી
2013નું ઊઘડતું અાકાશ !
જાણે
જામ્યો ન હોય
રંગ-ઉમંગનો અદ્દભુત મેળો !
પાર ઊતરતો ન હોય
સ્નેહ, સાફલ્યનો તિલસ્મી બેડો !
ખુદા કરે ને
સતત જામેલો રહે
અા અદ્દભુત મેળો −
અા વરસના સામા છેડા સુધી !
શાંતિ, સલામતીના ડેરા સુધી !
Category :- Poetry
અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે !
બેલી તારો બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે !
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે.
છોને એ દૂર છે !
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે !
આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારે છાતીમાં, જુદેરું કો શૂર છે
છોને એ દૂર છે !
અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે !
બેલી તારો બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે !
Category :- Poetry