POETRY

ઓક્સિજન !

એષા દાદાવાળા
27-04-2021

તમે અનુભવ્યો છે એ તરફડાટ?
મોઢું બંધ રાખી નાક પર આંગળીઓ દાબી
થોડી પળો માટે તમે જે અનુભવશો
એના કરતાં પચાસ-પંચોતેર-પંચાણું લિટર
તરફડાટ વધારે અનુભવશે એ લોકો ...
ટોપી ઊંધી કરી પૈસા ઊઘરાવાય
એવી જ રીતે બોટલમાં ઊધરાવી શકાતો હોત
તો ભરી આપી હોત
બોટલોની બોટલો અમે …
પ્લાસ્ટિકની થેલીમાં એમનાં શરીરને પેક કરો
ત્યારે હેન્ડ ગ્લોવ્ઝ વડે પંપાળી લેજો
શ્વાસ લેવાનાં તરફડાટ વચ્ચે
સોરાઇ ગયેલી-પાડી ન શકાયેલી
સેંકડો ચીસોને …
અમે બે હાથ જોડીને માફી માંગી લઇશું
હાથે કરીને બહેરા થઇ ગયેલા અમારા કાનોની ...
ઓક્સિજન વિના તરફડીને
મરવું કેવું હશે એ તો અમે છતે
ઓક્સિજને અનુભવી લીધું છે
જેમ કોઇ માછલી
પાણીમાં જ મરતી વખતે
તરફડાટ
અનુભવે એમ !

#esha #eshadadawala

સૌજન્ય : એષા દાદાવાળાની ફેઈસબૂક દિવાલેથી સાદર

Category :- Poetry

પ્રખર બંગાળી સાહિત્યકાર શાંખો ઘોષે (1932-2021) 21 એપ્રિલ, 2021ના રોજ કોવિડ-19ને કારણે ચિર વિદાય લીધી છે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે.

બાંગલા ભાષાના અરુણવા સિંહાના અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક

૧) 

શંકા

“થોડી શંકા રહેવા દે, બહુ નિશ્ચિતતા યોગ્ય નથી”
આ અંતિમ શબ્દો સાથે તમે નિશ્ચિત દુનિયા તરફ નીકળી પડ્યાં.
ત્યારથી, તમે મને જે કહ્યું હતું તે પ્રત્યેની સ્વાભાવિક શંકાને કારણે
શું મારી મૂળ નિશ્ચિતતા મને પાછી મળી શકે છે?

૨)

નશો

એને હજુ વધુ નશો કરાવો
તે સિવાય આ જગતને
એ કેવી રીતે સાંખી શકશે?
એ હજુ નાનો છે, માલિક!
પીઢ બનાવી દો એને, પછી —
નહીં તો આ જગત સહેલાઈથી
એને કેમ સાંખી શકશે.

૩) 

બાબરની પ્રાર્થના

પશ્ચિમ ભણી અહીં ઘૂંટણે પડેલો છું હવે
વસંત ખાલી હાથે આવી છે આજે
ખતમ કરી દો મને જો એમ મરજી હોય તમારી
મારા વંશજોને મારાં સ્વપ્નોમાં રહેવા દો.
ક્યાં ખોવાયું છે એનું પારદર્શક યૌવન
સડો ક્યાં કોરી ખાઈ રહ્યો છે ગુપચુપ
મારી આંખના ખૂણામાં નીચ પરાજય
મારી ધમનીઓ, ફેફસાં ને નસોમાં ઝેર રેડે છે
કોઈ રાખોડી ખાલીપામાંથી અઝાન ભલે
શહેરની પરાકાષ્ટાઓ જગાડે
પત્થરમાં ફેરવી નાખો મને, ચૂપ કરી દો, સ્થિર
મારા વંશજોને મારાં સ્વપ્નોમાં રહેવા દો.
મારા શરીરમાં ગુનાનાં જે જીવાણું છે
એમાં ભવિષ્ય માટે કોઈ છુટકારો છે કે?
મારો બર્બર વિજય ઉજવવા
હું મારા જ ઘરમાં મોતને નોતરું છું.
કે પછી મારા મહેલમાં ઝળહળતી રોશની
શું મારાં હાડકાં ને મારું હૃદય પણ બાળી નાખે છે,
ને લાખો મૂર્ખા શલભોને
મારા ખોળિયામાં ઊંડે ઘર કરવા દે છે?
તમે મને ઘણી વસ્તુઓથી નવાજ્યો છે
હું ખંડેર બનીશ ત્યારે ક્યાં રાખશો મને
મારો ધ્વંસ કરો એ જ બહેતર રહેશે, ઓ ખુદા
મારા વંશજોને મારાં સ્વપ્નોમાં રહેવા દો.

૪)

જાહેરાતોથી મારો ચહેરો ઢંકાઈ જાય છે

સાવ એકલો તારી રાહ જોઉં છું
ગલીમાં મારી જગા શોધીને
તને ઝલક આપવા ચાહું છું
પરંતુ જાહેરાતોથી મારો ચહેરો ઢંકાઈ જાય છે

થાય છે આંખોના ઇશારાથી કહું
એક સાદું સત્ય કે કદાચ બે
જાહેરાતોની ભૂરી ઝાકઝમાળમાં
એ ચમકીને રહી જાય છે

એક માણસ બીજાને કેવી રીતે જુએ છે
એ કહેવું અઘરું છે — પ્રેમથી કે ધિક્કારથી?
પરંતુ મારી અતિશયોક્તિઓ, ઓહ
ને મારા જન્મની ભૂમિ, ઓહ

એક સમયે મારી આંખો તારી આંખો સાથે જક્ડાયેલી હતી
પરંતુ હવે મારી નજર વેચાઈ ગઈ છે
કદી જાહેર નહીં કરાયેલી ખાનગી વાર્તાઓની
નિયોન* ચીજ-વસ્તુઓનું સર્જન કરે છે

મારે જે બધું કહેવું હતું
તે પેલી ગલીમાં સબડી રહ્યું છે
પરંતુ મારું માસ્ક, સાવ લોથપોથ,
લટકી રહ્યું છે કરાઈ રહેલી જાહેરાત પરથી

*નિયોન : વાતાવરણમાં નવો શોધાયેલો એક ગૅસ જેનો મુખ્ય ઉપયોગ જાહેરખબરના પાટિયાંને રંગીન બત્તીઓ વડે શણગારવામાં થાય છે.

૫)

સજા

ધીમા અવાજે બોલવા બદલ
એને જનમટીપની સજા અપાઈ
ત્રણ રીંછ ત્રાટક્યા એની પર
આમ કહું તો રીંછ નહીં, સંત્રીઓ
આમ તો સંત્રીઓ પણ નહીં, સાચું કહું ને તો
માલિકો ને સ્વામીઓ
એની કરોડરજ્જુ પરથી માંસ ચૂંટતા
એમણે કહ્યું, ખબરદાર
આજુબાજુ નજર ફેરવવાની હિંમત કરી છે તો
ઘોઘરો બેસી જાય ત્યાં સુધી બસ બૂમો પાડતો જા

૬)

ગુરુ ને શિષ્ય

(ચાલતાં ચાલતાં બે વ્યક્તિઓ વાત કરી રહ્યાં છે)

૨ ।… ને જે લોકો વધું પડતું બોલવા ઇચ્છતા હોય તે?
જે દરેક વિષય પર બોલે છે?
એમને જનમટીપ આપી દઈએ, ગુપ્ત રાહે?
૧ ।… ના. કદાપિ નહીં. ઊલ્ટાનું એમને પોતાની તરફ ખેંચ
પ્રેમ અને ઋજુ વાણીથી
ભેટસોગાદોના હિમપ્રપાતથી મદમસ્ત કર એમને.
અભિભૂત થઈને તેઓ
વાણી માટે પર્યાય મેળવી શકશે
ને બોલશે તો ય એમની પોતાની જાત સાથે.

૨ ।… ને જે આપણો ખુલ્લેઆમ વિરોધ કરે છે?

૧ ।… વિરોધ? તમારા પારદર્શક રાજ્યમાં હોય જ શું કામ?
તમારા વિકાસશીલ રાજ્યમાં …

૨ ।… વિકાસશીલ?

૧ ।… એવું નથી? યાદ રાખજે, શિષ્ય મારા …
વિકાસશીલ રાજ્ય શબ્દોની દુનિયામાં વસે છે, રૂપકોમાં.
બીજે ક્યાં ય નહીં.
માત્ર એક ગાણિતિક શબ્દ.
આંકડાશાસ્ત્રમાંથી રેતી ટપકે છે.
ને માટે તું સાંભળવા ઉત્સુક છે એ
તારા દરબારીઓ તને કહેશે
એમના શબ્દો પર કોઈ શંકા કરે તો
ચાંપતી નજર રાખજે એના પર
ને બીજાંની નજરથી દૂર લઈ જજે એને
આ માટે તમારું રાજવી તંત્ર
કોઈ દેખીતી ફોસલામણીને વશ ન થવું જોઈએ
એક હાથમાં લલચામણી
ને બીજા હાથમાં આતંક, ક્યારેક પ્રગટ,
ક્યારેક છૂપું —
આરાધનાને યોગ્ય બીજો કોઈ ઇતિહાસ નથી.

૨ ।… અને લોકશાહી …

૧ ।… લોકશાહી? એ તો માત્ર નિયમ છે, લોકો માત્ર દેખાવ માટે
તારું અનોખું તેજ જ એને આવેગ આપી શકશે.

૨ ।… તો ય મારા વર્ગના લોકોને હું અવિચારી બનતાં જોઉં છું …

૧ ।… એ આંતરિક બાબતો છે.
યાદ રાખજે, સ્મૃતિઓ સ્વભાવે ડામાડોળ હોય છે,
શબ્દોમાં સાતત્ય કોણ શોધે છે?
દરેક જણ તાજેતર પર જ નભે છે.
એ બધાં દૂર રહી ટોળાંને ચાહે છે.
એકલા માણસથી કોઈ ડરતું નથી.
તારા અનુયાયીઓને એક એક કરીને એકલા પાડી દે
ને પછી જો કોણ હજુયે બહાદુર છે
એ લોકો એકબીજાને હણી નાખશે — એકલાં,
તે ઝાલેલી દોરી પર એ લોકો લટકે છે. લગભગ મનુષ્ય જેવો દેખાવ
અંગત મોજશોખ અને અજાણ્યા ભયને લીધે
એ લોકો ગમે તેવો અન્યાય સહી લેશે …

(વાતમાં મશગૂલ, ચાલતા જાય છે બન્ને બંદૂકના ઘોડાં પર આંગળી રાખીને.)

૭)

સ્વપ્ન

બાર શહેરો સિવાય વિશ્વમાં ક્યાં ય પંખીઓ નહીં હોય
આ સ્વપ્ન જોયું હતું મેં જાગતા પહેલાં
ભગવાથી છલોછલ આકાશમાં લાલ ધરતી કે એક અણુમાં
આગ લાગી છે
બધાં પંખીઓની હત્યાને કારણે મારી આંખોમાં કાળપ લીપાય છે
ભૂંજાયેલા પીંછા હવામાં ઊડે છે
માત્ર બાંડી તલવાર સૂર્યપ્રકાશમાં ચળકે છે
ત્રિશૂળની ત્રણેય અણીઓ હિમાલયમાં ધરબાયેલી છે
ગોકળગાયો, ગોકલગાયો, આખી ય ભૂમિ પર એમના છીપ
સ્રોતથી મુખ સુધી ડહોળાયેલું પાણી વહે છે, એક વમળ
તરંગવશ ગીધો ગગનભેદી ચીચયારીઓ કરે છે
આ તો પ્રથમ કૃત્ય છે
કૃત્યો હવામાં ઊડે છે, જમીન પર દિપડો લપાતો ફરે છે
મારાં સ્વપ્નમાં ભારતનું આપણું સ્વપ્ન કોઈ બીજાનું યુદ્ધ લડે છે.

૮)

કવિ ઈટલીમાં

ટ્રેન ફ્લૉરૅન્સથી ટ્યુરિન દોડી રહી છે
સાલ ૧૯૨૬ છે, જૂનની ૧૮મી
મિલાન સ્ટેશન પર એક ડ્યુક દેખા દે છે, ધીરેથી કહે છે
‘જે જુઓ છે એટલું જ નથી. હું માત્ર એટલું કહીશ કે
રાજકારણ વિશે ના બોલો તે જ સારું રહેશે.
વાણીની સ્વતંત્રતા નથી અહીં. ને આ બધી હત્યાઓ …’
એકાએક ટ્રેન ઉપડી જાય છે. કવિના ભાલ પર કરચલીઓ.
કોઈ અવિવેકી ભૂલ થઈ ગઈ કે શું?
એ સન્માનનીય નેતા લાગતો હતો, ઉર્જાવાન, રાષ્ટ્રને સમર્પિત
કલાકાર પણ લાગતો હતો, કલાકારોની આંખોમાં દેખાય એવો
બધું સાચું. તો પછી બૅનૅડૅટો ક્રોચ પરોઢે
શું કામ સંતાતો ઘેર પાછો ફરે છે?
આટલા બધા લોકોના ચહેરાઓ પર દબાયેલો ડર શા માટે છે?

ટ્યુરિન બાદ કવિ રોલૅન્ડને મળવા વલનુવ જાય છે
એનાં મિત્રો મૌન, રોલૅન્ડ વિમાસે : આવું શક્ય છે?
એના મુખે અમે મુક્ત વિચાર વિશે
અમારા કાર્યમાં વિચારશક્તિની સ્વતંત્રતા વિશે
સાંભળવા માગીએ છીએ
આટલો અંધ હોઈ શકે એ?

ઇતિહાસકાર સાલવૅમિની કઈ રીતે પરદેશ રહે છે
એ બહાર પાડવું જોઈએ કવિએ
શા કારણે દેશવટો પામેલા સાલવાદોરીને
ઝ્યુરૅકમાં સબડવું પડે છે
વિરોધનો ઘા ચીરી નાખે છે લોહીથી ખરડાયેલાં ચહેરાને
દેશમાં બંધ બારણાઓ પાછળ આતંક અને જોહુકમી
એણે સમજાવવું જોઈએ કે આ અસ્તિત્વનો સમય છે
જ્યારે વંચિતની ઉઠાવેલી આંગળી સામે નેતા
જાહેરમાં ચાર પગે થાય
કે આ એવો સમય  છે
જ્યારે ડૅસિબલ વધારવાથી હડહડતા જૂઠાણા
વિશુદ્ધ સત્યમાં ફેરવાઈ જાય છે
આ એવો સમય છે
જ્યારે અંધેરી નગરીમાં સરમુખત્યારની ઈચ્છા જ
એક માત્ર કાનૂન છે
આ એવો સમય છે
જ્યારે હત્યારાઓ પ્રત્યેક ઘરમાં નિર્દોષ માંસને
બલિદાનની જ્વાળાઓમાં હોમી દે છે
તમે આ બધું ક્યાં જોયું છે, કવિ
તમે તો માત્ર ઉત્સવ મનાવતું, કિકયારીઓ પાડતું,
ઝગમગતું, શણગારેલું રોમ જોયું છે.
રોલૅન્ડ ચૂપ હતો, એના મિત્રો પણ ચૂપ હતાં
શ્રોતાઓએ ભવાં ચડાવ્યાં.
ચોક્કસ એનાંથી ભૂલ થઈ હશે.
એના દર્શનમાં આવેલાં પરિવર્તન વિશે
એણે દુનિયાને જણાવવાનું હતું
પીડા ને શરમ સાથે
કવિએ પાછી કલમ ઉપાડી.

૯)

સ્વર્ગસ્થ મિત્ર માટે

આ વખતે આપણા શાંત ઉત્સવમાં
તમારા માટે ખાસ ખુરશી રખાઈ નથી
આ વખતે અર્જુન કે સાગ હેઠળ
માત્ર પ્રાચીન સંસ્કૃતિ પથરાયેલી છે
ઊંડે ઉતારાયેલા ચહેરાનું ટૅરાકૉટા
આ રીતે ભાંગી જશે એવું
ધારેલું નહોતું તમે
આજે તમે અહીં નથી એ સ્વાભાવિક છે
તમે ક્યારેક અહીં હતાં એ મનાતું નથી.
બન્ને હાથથી કુંભારાને ઉપાડવાથી
આકાશ પણ પાષાણ-લેખનમાં ફેરવાઈ જાય
સમય હૃદય પાસે આવીને થંભે છે
અડધી સાંજ જમીન પર સબડે છે
એ વખતે અમારી રાંક સ્મૃતિઓ લો
જે રીતે અમે તમને એ આપવા માગતા હતા
આજે તમે અહીં નથી એ સ્વાભાવિક છે

તમે ક્યારેક અહીં હતાં એ મનાતું નથી.

~

સ્રોત: https://scroll.in

નોંધ : કાવ્યોનો ક્રમ બદલેલો છે.

e.mail : [email protected]

Category :- Poetry