POETRY

(રાગ અાશાવરી - તીન તાલ)

વૈષ્ણવ નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે
હરિજન નથી થયો તું રે, શીદ ગુમાનમાં ઘૂમે ... વૈષ્ણવ
હરિજન જોઈ હૈડું નવ હરખે, દ્રવે ન હરિગુણ ગાતાં,
કામ ધામ ચટકી નથી પટકી, ક્રોધે લોચન રાતાં ... વૈષ્ણવ
તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે, તો તું વૈષ્ણવ સાચો,
તારા સંગનો રંગ ન લાગે, ત્યાં લગી તું કાચો ... વૈષ્ણવ
પરદુઃખ દેખી હૃદે ન દાઝે, પરનિંદા નથી ડરતો,
વહાલ નથી વિઠ્ઠલશું સાચું, હઠે ન હું હું કરતો ... વૈષ્ણવ
પરોપકારે પ્રીત ન તુજને, સ્વારથ છૂટ્યો છે નહિ,
કહેણી તેવી રહેણી ન મળે, કાંહાં લખ્યું એમ કહેની ... વૈષ્ણવ
ભજવાની રુચિ નથી મન નિશ્ચે, નથી હરિનો વિશ્વાસ,
જગત તણી આશા છે જાંહાં લગી, જગત ગુરુ, તું દાસ ... વૈષ્ણવ
મન તણો ગુરુ મન કરશે તો, સાચી વસ્તુ જડશે,
દયા દુઃખ કે સુખ માન પણ સાચું કહેવું પડશે ... વૈષ્ણવ

('અાશ્રમ-ભજનાવલિ')

Category :- Poetry

અા કૌરવ-પાંડવના સમયમાં

પ્રવીણ પંડ્યા
22-06-2014

એક પણ રસ્તો સીધો નથી
સરળ નથી ખરડાયા વિના
ક્યાંય પણ પહોંચવું.
ઇચ્છા કરો એ બધું જ
તરત જ મૂકાઈ જાય છે
પહોંચની બહાર
ભસતાં શ્વાનનાં મુખ
મોતીઓથી ભરી દેવાય છે
એકલવ્યોને અપાય છે
વધારાના અંગૂઠા
આ જ તો છે એ રમત
જેમાં
સહુ કોઈ ફસાય છે
અને
તરફડ્યા કરે છે
મત્સ્ય વિનાના જળની જેમ
આ કૌરવ-પાંડવના સમયમાં.

− પ્રવીણ પંડ્યા

Category :- Poetry