POETRY

સ્વગત સર્વોક્તિ

હરિકૃષ્ણ પાઠક
14-05-2019

માન્યો સૌએ ગહન-ગભીરો, છીછરો કાં વહું છું?
શ્રદ્ધા - જેની મુજ પર - પડી સાવ ભોંઠી લહું છું.
વાતે વાતે વળ બદલવો, છેતરું જાત પહેલા -
જેથી હૈયું લવ ન થડકે અન્યને છેહ દેતાં.

ટૂંકા સ્વાર્થે નિજ, અવરની હાણ છાની કરું છું,
દાવા પાછો પ્રબળ કરતો : શ્રેય સૌનું ચહું છું.
પામ્યો ઊંચાં પદ અવનવાં ને રળ્યો કંઈ પ્રતિષ્ઠા
ખેલ્યું ભેદી છળ, ધરી દીધી હોડમાં સર્વ નિષ્ઠા.

ભોગે-જોગે પણ પનારું પડ્યું જેમને તે
વાળી લેતાં મનઃ વરદ કેવો ફળ્યો વક્ર રીતે!
સાચી-ખોટી સમજણ ધરીને કશો બાખડ્યો છું;
આજે પાછો અચરજ કરું - શો મને સાંપડ્યો છું!
માઠું લાગ્યું કદીક પણ? - તો ચીંતવો સ્વસ્થ ચિત્તે,
નિર્ભ્રાતિનું સુખ રળવિયું લો. નજીવા નિમિત્તે..

[“પરબ” - જુલાઈ ૨૦૧૦માંથી સાભાર]

સૌજન્ય: “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 06

Category :- Poetry

“અલવિદા, એ જિંદગી!”

‘નવ્યાદર્શ’
25-04-2019

હવે એનું નામ
મારી જિંદગીની કિતાબનાં પાનાંઓમાં નથી
હું જીવું છું
મારી જિંદગી, સતત વ્યસ્તતામાં
જ્યાં મને મારા માટે જ કોઈ સમય નથી
આઝાદી?
એ કઈ બલાનું નામ છે?
મનને ગમતાં કપડાં પહેરવાનું?
કોઈએ કહ્યું આ દુનિયાની નજર બહુ બૂરી છે
જીન્સ, શર્ટ, શોર્ટ, ટોપ
અને પેલું મારું વહાલું બ્લેક ટીશર્ટ પણ
પહેર્યાં વગરનું પડ્યું છે સાવ ઉદાસ
પણ મારી નજર હવે એ તરફ નથી જતી
હું ભૂલી ગઈ છું એ ખુશીને
જે એ કપડાં પહેરતાં મારી આંખોમાં આવી જતી હતી
અને અરીસો હસી ઊઠતો હતો
આજે એ જ અરીસો જોતાં ઢળી પડે છે મારી આંખો
આમ તો હું કોઈનું સાંભળતી નહોતી
આજે હું મારી પ્યારી દીદાનું પણ સાંભળતી નથી
અને એના પત્રો એમ જ પડ્યા રહ્યાં છે
જાણે એના શબ્દો વર્ષોથી રાહ જુએ છે મારી
મને મારો જ સમય આજે નથી મળતો મારા માટે
મારી આંખોમાં ઘણીવાર આંસુ આવીને ચાલ્યાં જાય છે
કંઇક તૂટી ગયું છે અંદરથી
અને દુનિયા મને બહારથી સજાવે છે પોતાની રીતે
હું જેમ બદલું છું એમના કહેવાથી
ત્યારે એમની લાડલી બનતી જાઉં છું
પણ હકીકતમાં હું એક ઢીંગલી બનતી જાઉં છું
એક ખૂબસૂરત અને કહ્યાગરી ઢીંગલી
હવે આ ઢીંગલીને જોઇને દુનિયા ખુશ થાય છે
ઢીંગલી તો સદાય હસતી જ હોય છે ને?
એને ક્યાં ખબર હોય કે ખુશી શું અને દુઃખ શું
આઝાદી શું અને જિંદગી એ વળી શું?
આજે મારા કોઈ વિચાર નથી
ન જિંદગી છે
ન મારી પોતાની કહી શકાય એવી કોઈ ખુશી
થોડો સમય છે મારી આઝાદીનો
એ પણ આ દુનિયાને મેં આપી દીધો છે
એટલે આજે કોઈ વિચારો પણ મારા નથી
એનું નામ, એની યાદો
ક્યારેક આંખોમાં તરી આવે
અને હૃદયના ધબકારા થોડીવાર જાગી જાય
મને અહેસાસ કરાવે કે હું પણ શ્વસું છું
તમારી જેમ અને જીવું છું
પણ દુનિયાની નજર પડતાં જ હું ફરી હસી ઊઠું છું
તારું નામ
જો હવે મારી કોઈ કિતાબમાં નથી
કારણ કે,
આ જિંદગી પણ હવે મારી નથી
મારા મુખ પર સ્મિત છે,
આંખોમાં ખુશી
ઓગળી રહી છે મીણબત્તી માફક
એમની યાદોની સાથે આઝાદી
મારો હાથ હવામાં લહેરાય છે
તને, મને અને તારી યાદોને
“અલવિદા, એ જિંદગી!”

e.mail : [email protected]

Category :- Poetry