GANDHIANA

ગાંધીનું પ્રદાન એમને ઈશુ અને બુદ્ધ જેટલા મહાન અને શાશ્વત્‌ બનાવે છે. જેમણે એમની જ્વલંત પ્રેરણાને ક્ષણભર પણ ઝીલી છે, જેઓ એમની મહાનતાનો જરા સરખો સ્પર્શ પણ પામ્યા છે, તેઓ મારી સાથે સંમત થશે. નિયતિનો હું અત્યંત કૃતજ્ઞ છું કે એણે મને ગાંધી સુધી પહોંચાડ્યો

— વિલિયમ શિરર

(‘ગાંધી : અ મૅમ્વાર’)

સંત રાબિયા ઝાડ નીચે કઈંક શોધતા હતા. લોકોએ પૂછ્યું, ‘શું શોધો છો, મદદ કરીએ ?’ રાબિયાએ કહ્યું, ‘સોય શોધું છું. ઘણા દિવસ પહેલા ઝૂંપડીમાં ખોવાઈ ગઈ હતી. ત્યારે ત્યાં મળી નહીં ને, એટલે આજે અહીં શોધું છું.’

ગાંધીજીના સંદર્ભે આ ઉદાહરણ યાદ કરવા જેવું છે. ગાંધીજીને લગતો કોઈ પણ ‘દિવસ’ આવે એટલે પ્રશ્ન આવે જ, ‘ગાંધીજી આજે પ્રસ્તુત છે કે નહીં ?’ અરે ભાઈ, પહેલા એ શોધો કે આપણે પ્રસ્તુત છીએ ખરા ? આપણે આપણને, આપણા સમયને, આપણા ઇતિહાસને કે ભવિષ્યને સુસંગત છીએ ? આપણે અસંગતિઓ-વિસંગતિઓથી ભરેલા છીએ અને પાછા ગાંધીજીની સુસંગતતા શોધવા નીકળ્યા છીએ. ખોયું છે ક્યાંક, શોધીએ છીએ ક્યાંક.

ગાંધીજી શું હતા, આપણને ખબર છે? દક્ષિણ આફ્રિકામાં જ્યાં માત્ર અંગ્રેજો પ્રેકટિસ કરી શકતા ત્યાં બેરિસ્ટર ગાંધીએ ધીકતી કમાણી કરી. એવા મુત્સદી રાજનીતિજ્ઞ કે બ્રિટિશ શાસકોને હંફાવ્યા. એવા આધ્યાત્મિક સાધક કે દરિદ્રમાં નારાયણને જોયો. એવા માનવતાવાદી કે અહિંસક સમાજની કલ્પના આપી ને છેક છેવાડાના માણસનો ઉત્કર્ષ સાધવા ઈચ્છ્યું. સત્યના એવા કઠોર ઉપાસક કે સિદ્ધાંત માટે કદી બાંધછોડ ન કરી. અહિંસાના એવા પૂજારી કે દુશ્મનમાં રહેલા ઈશતત્ત્વને કદી ન વિસાર્યું. એવા પત્રકાર હતા જેનું ધ્યેય ઉત્તમ પત્રકાર બનવાનું ન હતું, પણ લોકો સુધી પહોંચવા એમણે પોતાનાં છાપાં કાઢ્યાં, દેશના ખૂણે ખૂણે પહોંચ્યા ને લોકમતને એવો આબાદ કેળવ્યો કે આજે પણ પત્રકારત્વ શીખવા માગનારે ગાંધીજીના પત્રકારત્વ વિશે ભણવું પડે છે. મેનેજમેન્ટ અને કૉમ્યુનિકેશન શીખવનારા ગાંધીજીને ટાંકે છે. કેળવણીકાર એવા કે વિદ્યાર્થી ભણવા સાથે હુન્નર શીખી સ્વાવલંબી થાય તેવી નઈ તાલીમ શોધી. સ્ત્રીઓના એવા હમદર્દ કે ઉદ્ધારક બનવાને બદલે એમનામાં સૂતેલી શક્તિને જગાડી અને દેશના કામમાં પ્રયોજી. એમનું ધ્યેય સાહિત્યકાર બનવાનું પણ ન હતું છતાં સાહિત્યના ઇતિહાસમાં એમના નામે એક યુગ બોલે છે. એવા અપરિગ્રહી કે એમની પાસે પોતાનું મકાન, વાહન, નાણું કે બૅન્કમાં ખાતું સુદ્ધાં નહીં. મૃત્યુ પછી એમની કહેવાય એવી ચશ્માં, ચાખડી, લાકડી, ગીતા, લાકડાનો વાટકો જેવી માત્ર આઠદસ ચીજો હતી.

ખૂબ મૌલિક, અત્યંત સ્પષ્ટ. જે કરે, ખુલ્લું. સામાને જાણ કરે. વિચારવાનો, પગલાં લેવાનો મોકો આપે અને પછી કરે. સંકલ્પ એવો કે મરી જઈશ પણ તાબે નહીં થાઉં. અત્યાચાર સહન કરીશ, પણ સામો હાથ નહીં ઉઠાવું. અન્યાય સામે લડીશ, પણ અન્યાય કરનારને નુકસાન નહીં કરું. માણસ થોડો પણ સિવિલાઈઝ્ડ હોય તો આ બળ એના પર અસર કરે જ. આવા ગાંધીજી આજે પણ વિશ્વના સૌથી પ્રેરણાદાયક નેતા છે. તેઓ એમના લોકો જેવા થઈને જ જીવ્યા ને એમને એવા જગાડ્યા કે એક ગરીબ, શોષિત, ગુલામ સમુદાય અજેય ગણાતા બળવાન સામ્રાજ્ય સામે ખડો થઈ ગયો.

અનેક પ્રતિભાશાળી લોકો આ આત્મબળથી આકર્ષાઈ એમના સાથીઓ બન્યા. દેશસેવકોમાં શિસ્ત અને આધ્યાત્મિક ઊર્જા આવે એટલે એમણે અગિયાર વ્રતો આપ્યાં, રચનાત્મક કાર્યો આપ્યાં. ખાદી, અસ્પૃશ્યતાનિવારણ, વ્યસનમુક્તિ, ગ્રામોદ્ધાર. લોકો નિર્ભય અને સ્વનિર્ભર ન બને તો સ્વરાજ કેવી રીતે આવે, કેવી રીતે ટકે ? એમની લડત બહાર અને અંદર બન્ને મોરચે ચાલતી ને એ શુદ્ધ હોવી જોઈએ એ એમની શરત હતી.

જીવનનાં છેલ્લાં વર્ષો એ એમની નિષ્ફળતાનાં વર્ષો હતાં. અખંડ ભારતનું સપનું રોળાયું. જીવનભર કોમી એકતા માટે કરેલી મથામણ પછી પણ હુલ્લડો ચરમસીમાએ પહોંચ્યા. ભાગલા ટાળી શકાયા નહીં. એમણે કહ્યું, વસ્તીની ફેરબદલી ન કરશો, પણ માઉન્ટબેટન, સરદાર અને નહેરુ માનતા રહ્યા કે થોડીઘણી અરાજકતા થશે, પણ પહોંચી વળીશું. ગાંધીજી આઝાદી પછી કૉંગેસને વિખેરવાનું કહેતા રહ્યા, કોઈએ સાંભળ્યું નહીં. સાદાઈ, અપરિગ્રહ વગેરે ભૂલીને એમના મોટા ભાગના અનુયાયીઓ સત્તા અને સંપત્તિ પાછળ પડી ગયા. એન્ડ્રુઝ, કસ્તૂરબા અને મહાદેવભાઈ જેવા સાથીઓ ગુમાવ્યા. ભારતમાં રહેવા માગનાર મુસ્લિમોના ભય અને આશંકાને દૂર કરવાના એમના પ્રયત્નોનો ઊંધો અર્થ થયો અને એમાં જ એમની હત્યા થઈ. સુભાષબાબુ, આંબેડકર, ઝીણા, સમાજવાદીઓ, કૉંગ્રેસી આગેવાનો બધા સાથે મતભેદો અને વિવાદો ખૂબ ચગ્યા. અનેક ગૂંચવાડાભર્યા પ્રશ્નોનો સામનો કરવાનો આવ્યો.

પણ આ જ વર્ષો એમનાં ઊર્ધ્વારોહણનાં વર્ષો પણ હતાં. સપનાં તૂટતાં ગયાં તેમ તેમ તેમની સાધના એક એકથી ઊંચાં શિખરો સર કરતી ગઈ. સત્તા તેમનું ધ્યેય કદી ન હતી. તેઓ તો ગરીબ અને દુ:ખીની વધારેમાં વધારે સેવા કરવા માગતા હતા. તેઓ સત્યને વધુ ને વધુ આત્મસાત કરતા ગયા, દરેક કસોટીમાંથી આંતરિક શક્તિ મેળવતા ગયા અને સામી છાતીએ ગોળી ઝીલતાં પણ હત્યારાને ન ધિક્કારવા અને રામનામ લેતા મરવાની કસોટીમાંથી પાર ઊતરવાની ઈચ્છા સેવતા ગયા. એમના સત્યનો આ અંતિમ પ્રયોગ હતો.  

1947ના જાન્યુઆરીમાં દિગ્ગજ પત્રકાર વિન્સટન શીન ગાંધીજીને મળવા ખાસ અમેરિકાથી ભારત આવ્યા હતા. એમને બીક હતી કે ગાંધીજીની હત્યા થશે. બીજા વિશ્વયુદ્ધ અને એટમબૉમ્બ વિશે વાત કર્યા પછી એમણે પોતાની આશંકા વ્યક્ત કરી ત્યારે ગાંધીજીએ કહ્યું, ‘એવું બને કે મારું મૃત્યુ થાય એમાં માનવજાતનું ભલું હોય.’ અને એમ થયું. ગાંધીહત્યા પછી તરત હિંસા અટકી, સરદાર-નહેરુ એક થયા.

‘ધ રાઇઝ એન્ડ ધ ફૉલ ઑફ ધ થર્ડ રિશ’ જેવું પ્રસિદ્ધ પુસ્તક લખનાર પુલિત્ઝરવિજેતા પત્રકાર-લેખક વિલિયમ શિરર 1930માં ‘શિકાગો ટ્રિબ્યૂન’ વતી ગાંધીજીને કવર કરવા આવ્યા હતા. ગાંધીજી મીઠાનો સત્યાગ્રહ કરવાના હતા. શિરર ગાંધીજી સાથે થોડું રહ્યા હતા અને ગાંધીજીના મિત્ર થઈ ગયા હતા. એમણે ગાંધીજીની અહિંસા, મુત્સદ્દીપણું, રાજનીતિ, રમૂજ, હાજરજવાબી, અને પ્રખર આત્મબળને ઉજાગર કરતી અનેક વાતો લખી છે.

‘ગાંધી : અ મૅમ્વાર’માં વિલિયમ શિરરે લખ્યું છે કે ‘ગાંધીજી સાથે વીતાવેલા દિવસો મારા જીવનનો શ્રેષ્ઠ સમય છે. બીજો કોઈ અનુભવ એટલો પ્રેરણાદાયક, અર્થપૂર્ણ અને દીર્ઘજીવી નથી રહ્યો. બીજા કોઈ અનુભવે મારા પાશ્ચાત્ય, ભૌતિકવાદી અને સાધારણ એવા અસ્તિત્વને આટલો ગહન સ્પર્શ નથી આપ્યો. ભારત છોડ્યા પછીનાં વર્ષોમાં હું અનેક ઊથલપાથલોમાંથી પસાર થયો. પશ્ચિમના દેશોની લોકશાહી જોખમમાં મુકાઈ, હિટલરનો ઉદય થયો, એને પગલે બીજું વિશ્વયુદ્ધ આવ્યું, હિટલર જીતતો ગયો અને દુનિયાએ એનાં કૉન્સન્ટ્રેશન કેમ્પોમાં 60 લાખ યહૂદીઓનો મહાવિનાશ જોયો. અમેરિકામાં બુદ્ધિહીન વિચહન્ટિંગ અને વિયેટનામની લડાઈ જેવા ન બનવા જોઈતા બનાવો બન્યા. મનુષ્યને અંદરબહારથી તોડી નાખે એવા આ અનુભવોના ચાલીસ વર્ષ દરમિયાન ગાંધી સાથે વીતાવેલા દિવસો મને અને વિશ્વને બળ આપતા રહ્યા. એમનું પ્રદાન એમને ઈશુ અને બુદ્ધ જેટલા મહાન અને શાશ્વત્‌ બનાવે છે. જેમણે એમની જ્વલંત પ્રેરણાને ક્ષણભર પણ ઝીલી છે, એમની મહાનતાનો જરા સરખો સ્પર્શ પણ પામ્યા છે તેઓ મારી સાથે સંમત થશે. નિયતિનો હું અત્યંત કૃતજ્ઞ છું કે એણે મને ગાંધી સુધી પહોંચાડ્યો.’

ખેર, ગાંધીજીનું મૃત્યુ તો એવું જ થયું જેવું એમના જેવા મહામાનવનું થવું ઘટે. વિનોબાજી કહેતા એમ મહાપુરુષો જ્યારે દેહની સીમાઓમાંથી ખસી જાય છે ત્યારે એમની ચેતના વધારે વિસ્તાર પામે છે એ પણ સાચું. પણ અંગ્રેજોએ ગાંધીજી સાથે પચાસ વર્ષ લડીને પણ એમની હત્યા નહોતી કરી અને સ્વતંત્ર ભારતે એમને એટલા અઠવાડિયાં પણ જીવવા નહોતા દીધા એ વાતનું દુ:ખ તો સૌના હૈયે રહેવાનું જ. એથી જ ઉમાશંકર જોષી લખે છે, ‘અમે ન રડીએ પિતા, મરણ આપનું પાવન. કલંકમય નિજ દૈન્યનું રડી રહ્યા જીવન.’

e.mail : [email protected]

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 30 જાન્યુઆરી 2022 

Category :- Gandhiana

ગાંધીજીને શ્રદ્ધાંજલિ

આચાર્ય વિનોબા
30-01-2022

અત્યારે આ સમયે દિલ્હીમાં યમુના નદીને કિનારે એક મહાન પુરુષના દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે જ્યારે તેઓ પ્રાર્થનામાં જવા નીકળ્યા ત્યાં જ કોઈક નવયુવાન દ્વારા તેમના પર ગોળી ચલાવવામાં આવી અને વીસ મિનિટમાં જ તેમના દેહનું જીવન સમાપ્ત થયું. સરદાર વલ્લભભાઈ તેમની સાથે લંબાણપૂર્વકની વાત કરીને પાછા જતા હતા ત્યાં રસ્તામાં જ એમને ખબર મળતાં તેઓ પાછા ફર્યા. બિરલા હાઉસ પહોંચીને એમણે જે દૃશ્ય જોયું તેનું વર્ણન તેમણે કર્યું, તેમાં એક વાત ખૂબ મહત્ત્વની હતી. તે એ કે ગાંધીજીના ચહેરા પર દયાભાવ તથા માફીનો ભાવ, એટલે કે અપરાધીને માટે ક્ષમાવૃત્તિ દેખાતી હતી. વલ્લભભાઈએ કહ્યું કે આપણને આ સમયે ગમે તેટલું દુ:ખ થયું હોય, ગુસ્સો નહીં આવવા દેવો જોઈએ. અને જો આવે તો પણ તેને રોકવો જોઈએ. ગાંધીજીએ જે વસ્તુ આપણને શીખવી તેનો અમલ એમના જીવતા તો આપણે ન કરી શક્યા, પરંતુ હવે એમના મૃત્યુ પછી તો તેનો અમલ કરીએ !

આવી જ ઘટના પાંચ હજાર વર્ષ પહેલાં ભારતમાં બની હતી. ભગવાન શ્રીકૃષ્ણ જેમણે ગાંધીજીની જેમ લોકોની નિરંતર સેવા કરી હતી, થાકીને જંગલમાં આરામ કરી રહ્યા હતા. અને એક શિકારીનું બાણ તેમના પગમાં વાગ્યું. તેને લાગ્યું કે તેણે કોઈ હરણનો શિકાર કર્યો પણ જોયું તો સાક્ષાત્‌ ભગવાન. શ્રીકૃષ્ણનું થોડા જ સમયમાં મૃત્યુ થયું. પરંતુ મૃત્યુ પહેલાં તેમણે પોતાના હાથે મોટું પાપ થયું છે એમ વિચારી રહેલા વ્યાધને કહ્યું, ‘ હે વ્યાધ ! તું ડરીશ નહીં, મૃત્યુને માટે કોઈક નિમિત્ત જોઈએ છે, તે તું બન્યો છે.’ એમ કહીને ભગવાને તેને આશીર્વાદ આપ્યા.

આમ, આવી જ ઘટના પાંચ હજાર વર્ષ પછી ફરી બની છે. ઉપર ઉપરથી જોવાથી લાગશે કે વ્યાધે તો અજ્ઞાનતામાં તીર માર્યું હતું. અહીં જ્યારે આ નવજુવાને સમજી વિચારીને ગાંધીજીને બરાબર ઓળખીને પિસ્તોલ ચલાવી હતી. આ જ કામ માટે તે દિલ્હી ગયો હતો. ગાંધીજી પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે જ બરાબર તે એમની પાસે પહોંચ્યો અને ખૂબ નજીક જઈને એણે ગોળીઓ છોડી દીધી હતી.

ઉપરથી એવું દેખાશે કે તે ગાંધીજીને ઓળખતો હતો. પરંતુ, ખરેખર એવું ન હતું. જેમ વ્યાધ અજ્ઞાની હતો તેવી જ રીતે આ યુવાન પણ અજ્ઞાની હતો. તેની એવી ભાવના હતી કે ગાંધીજી હિંદુ ધર્મને નુકસાન પહોંચાડી રહ્યા છે તેથી તેમના પર ગોળીઓ છોડી. પરંતુ દુનિયામાં આજે હિંદુ ધર્મનું નામ કોઈએ ઉજ્જવળ રાખ્યું હોય તો તે ગાંધીજીએ જ રાખ્યું છે. પરમ દિવસે (29 જાન્યુઆરી 1948) તેમણે પોતે જ કહ્યું હતું કે, ‘હિંદુ ધર્મના રક્ષણ કરવા માટે કોઈ મનુષ્યને પસંદ કરવાની જરૂર જો ભગવાનને લાગશે તો આ કામ માટે તે મને જ પસંદ કરશે.’

આવો આત્મવિશ્વાસ તેમનામાં હતો. એમને જે સત્ય લાગતું તે તેઓ ચોખ્ખે ચોખ્ખું કહી દેતા. મોટા મોટા લોકો પોતાના રક્ષણ માટે ‘બોડી ગાર્ડ’ રાખે છે. ગાંધીજીએ તેવું ક્યારે ય ન કર્યું. દેહને તેઓ મહત્ત્વ આપતા નહીં. નિર્ભયતા એમનું વ્રત હતું. જ્યાં સેના પણ જવાની હિંમત ન કરે ત્યાં તેઓ એકલા પહોંચી જવા તૈયાર રહેતા.

જે સત્ય છે, લોકોના હિતનું છે, તે જ કહેવું જોઈએ; પછી ભલે કોઈને ગમે કે ન ગમે. એવું તેઓ માનતા. તેઓ કહેતા, ‘મૃત્યુથી ડરવાનું કોઈ કારણ જ નથી. કારણ કે આપણે બધા ઈશ્વરના હાથમાં છીએ. આપણી પાસેથી એને જ્યાં સુધી કામ કરાવવું હશે ત્યાં સુધી તે કરાવશે અને જે ક્ષણે તે આપણને ઉપાડી લેવા માંગશે તે જ ક્ષણે તે આપણને ઉપાડી લેશે. તેથી જે સાચું લાગે તે કહેવું એ આપણો ધર્મ છે. આ વખતે જો હું એકલો પણ પડી જાઉં અને આખી દુનિયા મારી વિરુદ્ધ થઈ જાય તો પણ મને જે સત્ય દેખાય છે તે જ મારે બોલવું જોઈએ.’

આવી નિર્ભિક્તાપૂર્ણ વૃત્તિના હતા બાપુ. અને એમનું મૃત્યુ પણ કેવી અવસ્થામાં થયું !! તેઓ પ્રાર્થના કરવાની તૈયારીમાં હતા. એટલે કે તે સમયે ભગવાન સિવાય બીજો કોઈ વિચાર એમના મનમાં ન હતો. તેમનું સંપૂર્ણ જીવન જ આપણે સેવામય તેમ જ પરોપકારમય જોયું છે. તેમ છતાં પ્રાર્થનાનો સમય તેમ જ પ્રાર્થનાની ભાવના (વિચાર) વિશેષરૂપે પવિત્ર ગણવાં જોઈએ.

તેઓ રાજકારણથી લઈને અનેક મહત્ત્વનાં કામોમાં વ્યસ્ત રહેતા હતા. પરંતુ તેઓ પ્રાર્થનાનો સમય કદી પણ નથી ચૂક્યા. આવી પ્રાર્થનાના સમયે જ દેહથી મુક્ત થવા માટે માનો કે ભગવાને માણસ મોકલ્યો. પોતાનું કામ કરતાં કરતાં મૃત્યુ થયું એ બાબતનો તેમના હૃદયનો આનંદ અને નિમિત્ત માત્ર બનેલ ગુનેગાર પ્રત્યે દયાભાવ એવા બંને ભાવો એમના ચહેરા પર મૃત્યુ સમયે સરદારશ્રીને દેખાયા હતા.

ગાંધીજીએ છેલ્લા ઉપવાસ છોડ્યા ત્યારે દેશમાં શાંતિ રાખવાનું વચન કાઁગ્રેસ, મુસ્લિમ, સિખ, હિંદુ મહાસભા, રાષ્ટૃીય સ્વયંસેવક દળ વગેરે સૌએ મળીને આપ્યું હતું. અમે પ્રેમથી સાથે રહીશું એવું વચન તેમણે સૌએ આપ્યું અને તેમ થોડો વખત ચાલ્યું પણ ખરું. પરંતુ એક દિવસ પ્રાર્થનાસભામાં ગાંધીજી ઉપર બોંબ ફેંકવામાં આવ્યો. પરંતુ તેમને કશું થયું નહીં. તે દિવસે ગાંધીજીએ કહ્યું, ‘હું દેશ અને ધર્મની સેવા ઈશ્વરની પ્રેરણાથી કરું છું. જે દિવસે હું જતો રહું એવી તેની મરજી હશે તે દિવસે એ મને બોલાવી લેશે. તેથી મૃત્યુની બાબતમાં મને આથી વિશેષ કશું લાગતું નથી.’ બીજો પ્રયોગ ગઈકાલે થયો. ભગવાને ગાંધીજીને મુક્ત કર્યા.

આપણે બધા જ આ દેહ છોડીને જવાના છીએ તેથી મૃત્યુની બાબતમાં જરા પણ દુ:ખ માનવાનું કારણ નથી. માતાની, પોતાનાં જેટલાં બાળકો હોય તેમની બાબતમાં જે વૃત્તિ હોય છે તેવી દુનિયાના બધા લોકો વિશે ગાંધીજીની વૃત્તિ હતી. હિંદુ, હરિજન, મુસલમાન, ખ્રિસ્તી અને જે કાર્યકર્તાઓ સાથે તેઓ લડ્યા તે અંગ્રેજો, એ બધા જ પ્રત્યે તેમના દિલમાં પ્રેમ હતો. સજ્જનોને જેવી રીતે પ્રેમ કરો છો તેવો જ પ્રેમ દુર્જનો પર પણ કરો, શત્રુને પ્રેમથી જીતી લો. આવો મંત્ર એમણે આપ્યો. સત્યાગ્રહની શીખ પણ એમણે જ આપણને આપી ને ! પોતે મુશ્કેલીઓ વેઠીને સામેવાળાને જરા પણ જોખમ ન પહોંચે તેવું વર્તન કરવાની શીખ તેમણે આપણને આપી. આવી વ્યક્તિ જ્યારે દેહ છોડીને જાય છે ત્યારે એ રડવાનો પ્રસંગ નથી હોતો. આપણી મા જ્યારે આપણને છોડીને જાય ત્યારે જેવું લાગે છે તેવું જ ગાંધીજીના મૃત્યુથી લાગશે જરૂર. પરંતુ આપણે ઉદાસ નથી થવાનું.

ગાંધીજી કહેતા કે જ્યારે તેને બોલાવવો હશે ત્યારે તે મને બોલાવી લેશે − તેને માટે તૈયાર રહેવું જોઈએ, તેવું જ તેમનું મૃત્યુ થયું. આ એક ઉત્તમ અંત થયો એવું આપણે જાણવું જોઈએ. અને કામે લાગી જવું જોઈએ (ગાંધીજીએ એવું જ ઇચ્છ્યું હોત). તેઓ આપણે માટે ઘણાં કામો મૂકી ગયા છે અને તેમને પૂરાં કરવામાં આપણે લાગી જવું જોઈએ.

અસંખ્ય જાતિ અને જમાત મળીને આપણે અહીં રહીએ છીએ. ચાળીસ કરોડ(તે વખતે, આજે તો 138 કરોડ)નો આપણો દેશ એ આપણું મોટું ભાગ્ય છે. પરંતુ એકબીજાને પ્રેમ કરીને જીવીશું તો જ તે રહેશે (સદ્દભાગ્ય, દેશ …). આટલો મોટો દેશ હોવાનું ભાગ્ય ક્વચિત જ મળે છે.

આપણા દેશમાં અનેક ધર્મ છે, અનેક પંથ છે. હું તો, તેને આપણો વૈભવ સમજું છું. પરંતુ આપણે બધા પ્રેમથી સાથે રહીશું તો જ આ વૈભવ સિદ્ધ થશે. આપણે બધા પ્રેમથી એકબીજા સાથે જીવીએ એ જ વાત ગાંધીજીએ પોતાના અંતિમ ઉપવાસથી આપણને શીખવી છે. બાળકો એકબીજા સાથે પ્રેમથી રહે તેને માટે જેવી રીતે માતા ક્યારેક ભોજન છોડી દે છે તેવો જ આ ઉપવાસ હતો. બધા માનવ એકસમાન છે, આ વાત તેમણે આપણને શીખવી. હરિજન-સેવા, ખાદી-સેવા, ગ્રામ-સેવા, ભંગી કામ કરનારા સાથીઓની સેવા જેવાં અનેક સેવાકાર્યો તેઓ આપણે માટે મૂકી ગયા છે.

આ સમયે આનાથી વિશેષ કશું કહેવા નથી ઇચ્છતો. બધાના દિલ એક વિશેષ ભાવનાથી ભરેલા છે. પરંતુ મારે એ કહેવું છે કે માત્ર શોક મનાવતા બેસી રહેવાનું નથી. આપણી સામે જે કામ પડ્યું છે તે કરવા મંડી પડીએ. આ જે હું તમને કહી રહ્યો છું તેવું જ તમે મને પણ કહો. આવી જ રીતે એકબીજાને બોધ આપતા આપતા આપણે સહુ ગાંધીજીનાં ચીંધેલાં કામો કરવામાં લાગી જઈએ. ગીતા અને કુરાન બંનેમાં કહેવામાં આવ્યું છે કે ભક્ત તેમ જ સજ્જન એકબીજાને બોધ આપે છે અને એકબીજાને પ્રેમ કરે છે. તેવું આપણે કરીએ. આજ સુધી બાળકોની જેમ આપણે ક્યારેક ઝગડો પણ કરતા હતા. ત્યારે તેઓ આપણને સંભાળી લેતા હતા.

એક સહુને સંભાળનાર હવે કોઈ રહ્યું નથી. તેથી જ એકબીજાને શીખ આપતા આપતા અને એકબીજાને પ્રેમ કરતા કરતા આપણે બધા મળીને ગાંધીજીની શીખામણ પર ચાલીએ.

[પરંધામ પવનારમાં 31 જાન્યુઆરી 1948ની સાંજે સાડાચાર વાગ્યે પ્રાર્થનાસભામાં આપેલ પ્રવચન − ‘गांधीजी को श्रद्धांजलि’ પુસ્તકમાંથી અનુવાદિત]

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 જાન્યુઆરી 2022; પૃ. 06-07

Category :- Gandhiana