GANDHIANA

હું બહારના વરંડામાં બેઠી હતી. મંદિરમાં આરતી થતી હતી તે વેળા એક રમૂજી બનાવ બન્યો.

પોરબંદર તરફના એંસી વરસના એક મેર અને તેનો દીકરો, દીકરાની વહુ વગેરે આવ્યાં. તેઓ આ આરતીનો અવાજ થતો હોવાથી પહેલાં સીધાં જ ત્યાં આવ્યાં. હું તો તેઓના પોશાક પરથી ઓળખી શકી કે આ લોકો કાઠિયાવાડ તરફના છે. મેં કુતૂહલથી ગુજરાતીમાં જ પૂછ્યું કે ક્યાંથી આવ્યાં છે ? પેલાં મેરાણી કહે : “આ મારા સસરા છે, ગોકુળ મથુરાની યાત્રા કરવા આવ્યાં. તેણે વેન લીધું કે, ‘મેં સાંભળ્યું છે કે પોરબંદરના દીવાનનો છોકરો મોહન છે તે બધા સાથે રમેલા, અને મોહન આ ગાંધી બાપુજી, મોટા મહાત્મા છે તે. તપાસ કરતાં ખબર પડી કે તેઓ દિલ્હીમાં છે એટલે થયું જાત્રા કરવા નીકળ્યા છીએ તો અહીં પણ આવી જઈએ.’”

પોરબંદરનું નામ પડતાં મને જિજ્ઞાસા વધી. (મેં પહેલાં તો એ ન બતાવ્યું કે હું પણ પોરબંદરની છું.) પેલા બુઢ્ઢા બાપાની સાથે જ વાત કરવાની શરૂઆત કરી − કેમ બાપા, ક્યાં રેવું ? …

મેર બાપા − “અરે આમ આઘે આઘે રહીએ સીયે … પોરબંદર - સુદામાપુરીમાં. આ તો જાતરા કરવી નીકળ્યા સીયે. ત્યાં હાંભળ્યું કે અમારા દવાનનો દીકરો મોહનભાઈ મારી હારે રમતો એ તો બઉ મોટો માતમા થઈ ગયો સે, અને સવરાજ પણ એ લાવ્યો સે. હવે તો એ બિસારો મને કાંથી ઓળખે ? પણ આ ગોકુળ મથુરા આવ્યો તઈં મારા ભાઈના દરહન પણ કરતો જાઉં. હવે તો ખર્યું પાન સું … એ અહીં રયે સે એમ હાંભળીને અઈં આવ્યા સીયે. હાસી વાત ? એનો બાપ તો પડછંડ હતો.” (પોરબંદર તરફની ભાષા લગભગ એક નામે જ બોલાવે.) મેં કહ્યું, બાપા બેહો. હમણાં ગાંધીબાપુ અહીંથી નીકળશે એટલે તમે દરશન કરી લેજો.

પાંચેક મિનિટમાં બાપુજી આવી રહ્યા હતા. મેં કહ્યું, બાપા, આ તમારા બાળપણના મોહન આવે છે હો. એમણે પાધડી માથા પર ચઢાવી, લાકડી લીધી. હું બાપુજી પાસે સામે ગઈ. હસતાં હસતાં કહ્યું,  બાપુજી, આજે આપને બાળમિત્ર મળવા આવ્યા છે. અને બધું ટૂંકમાં કહ્યું અને અમે અમારી ભંગી કોલોનીના ઓરડા પાસેના મંડપ નીચે આવ્યાં.

પેલા બાપા ‘અરે મોહનભાઈ, તને પગે લાગવા દે’ …એમ કહી પગ પાસે નમી પડ્યા. દૃશ્ય તો એવું રોમાંચક હતું કે દુનિયામાં દોસ્તીનો નાતો પણ આવો કીમતી છે, એમ થયું.

બાપુજી પણ આગળથી મારા કહેવાથી બધું જાણી ગયા હતા, એટલે ખડખડાટ હસીને બાપાને ઊભા કર્યા. રાજેન્દ્રબાબુજી પણ જોઈ જ રહ્યા. અમને તો પેલા બાપાએ બાપુજીને ‘તું’કારથી સંબોધ્યા એમાં જે અપૂર્વ પ્રેમ નીતરતો હતો એ જ સાંભળવાની લહેર પડી.

પેલા બાપાને એમ થયું કે, બાપુજીને જેવા તેઓ નથી ભૂલ્યા તેવા જ બાપુજી પણ તેમને નથી ભૂલ્યા. (કારણ કે બાપુજીને મેં કહેલું એટલે વર્ષોની ઓળખાણ જ છે એમ જ વરત્યા.)

‘ભાઈ, તું તો બઉ મોટો માણસ થઈ ગયો, મને હવે કાંઉ કરતાં ઓળખે ? પણ ઓળખી ગ્યો ! હા, આપણે હારે રમતા. હું તો મા પાંહે કામ કરાવતો, સાઈનો રોટલો મા રોજ ખવરાવતાં. રાતે રામમંદિરમાં જતા. આ હું તો ઈનો ઈ રયો અને તું થ્યો માતમા. નહીબ જોઈએને !! બાપા પણ કેવું ભલું માણહ હતા ?”

બાપુજીને પણ આ વાતમાં ઘણો રસ પડ્યો, અને વધારે તો પોતાનાં માતાપિતાની સ્મૃતિ યાદ કરી એટલે ઘડીભર પોતે તેમ જ પેલા બાપા ફરી જાણે બાળપણના ગોઠિયા હોય અને પોરબંદર શહેરમાં હોય એવું વાતાવરણ સરજી દીધું.

પછી બાપાએ પૂછ્યું : “હં ભાઈ, મારી ભાભી પણ આઈ સેને ? એને ય પગે લાગી લઉં. હવે મારી જાત્રા પૂરી થઈ. આ સોકરાને કીધું, મારે માતમા પાંહે તો જાવું જ સે. બિસારો મને લાવ્યો.”

ઘડીભર ‘ભાભી’ શબ્દે કાનને સતેજ કર્યા, પછી તુરત જ સ્મરણ થયું કે કસ્તૂરબાની વાત કરે છે.

બાપુજી કહે, એ તો જેલમાં ઈશ્વરના દરબારમાં પહોંચી ગઈ. એ હતી તો જ હું માતમા થયો સું હો.

બાપુજી એની ભાષા બોલવા ગયા. પણ પૂરી ન બોલી શક્યા, અને અમે તો પેટ પકડીને હસ્યાં.

પછી બાપુજીએ તેમના કુટુંબના ખબર અંતર પૂછ્યા, અને પોતાની પાસે વધારે સમય ન હતો, એટલે મારો હવાલો આપતાં કહે, આ છોકરી, અમૃતલાલને ઓળખો ને? એના દીકરાની દીકરી છે. એ તમને બધું કહેશે. એમ કહી બાપુજી અંદર ગયા.

બાપાએ મને પકડી. મારા દાદાની વાતો પૂછી. કયા દીકરાની હું દીકરી છું તે બધું પૂછ્યું, અને બધું જાણી રાજી થયા. “પણ દીકરી, તેં આ સોરણો ને ખમીસ (પંજાબીપોષાક) પેર્યા તે મેં તુને કાઠિયાવાડની નોતી હમજી. આ મને નથી ગમતું.” હું સાંભળી રહી. દલીલ કરવાનો કોઈ અર્થ ન હતો. મેં જમવા વગેરેનું પૂછ્યું. તેમણે ના કહી. અને બાપુજીને ધરવા માટે પેલા મેરાણીના કાનમાં સોનાના વેઢલા હતા. તે કઢાવ્યા. કહે “આવો અવહર ફરી ફરી નહીં મળે. વેઢલા તો હું ‘પોર’ પોંછ્યા કે તરત કરાવી આપહ.” અને બાપુજી તો માલિશમાં ગયા હતા એટલે મને આપીને ગયા. જતાં જતાં પણ તેમની ભક્તિ એવી હતી કે બાપુજી જે ગાદી પર બેસે છે ત્યાં દંડવત્‌ કરીને ગયા.

હું ઘણી વાર સુધી દોસ્તીના મહિમાનો વિચાર કરતી એમને જતાં જોતી ઊભી રહી.

[‘બિહાર પછી દિલ્હી’, 24 જુલાઈ 1947; નવજીવન ટ્રસ્ટ, પુનર્મુદ્રણ જૂન 2013; પૃષ્ટ 388-390]

Category :- Gandhiana

મહાદેવભાઈ 1942માં ગયા ત્યારે મારી ઉંમર 47 વર્ષની હતી. મહાદેવભાઈ 50 વર્ષના હતા. મારાથી તેઓ 3 વર્ષ મોટા હતા.

42માં બાપુ વિચારતા હતા કે ઉપવાસની શૃંખલા ચાલે. એમણે કહ્યું હતું કે જ્યારે હું જેલમાં જઈશ, તો ઈશારો કરીશ, તો બધા લોકો પણ ઉપવાસ શરૂ કરી દે. લોકો ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા કે ઉપવાસ તો અધિકારી વ્યક્તિ જ કરી શકે. તે લોકોએ બાપુને કહ્યું કે તમારે ઉપવાસ કોઈ પણ પરિસ્થિતિમાં નહીં કરવા જોઈએ.

બાપુએ મને બોલાવ્યો અને છેલ્લા ઉપવાસની વાત કરીને મને પૂછ્યું, ‘શું આ થઈ શકે છે ? તું આ અંગે શું સલાહ આપે છે ?’ એમણે પોતાનો મત નક્કી કર્યા પછી મને બોલાવ્યો હતો અને પૂછી રહ્યા હતા.

મેં કહ્યું, ‘જે કામ જ્ઞાનપૂર્વક રામજી કરી શકે છે, તે કામ શ્રદ્ધાપૂર્વક હનુમાન કરી શકે છે. એટલે જો આપ ઉપવાસ કરશો, તો અમારા જેવા લોકો પણ આપણી સાથે ઉપવાસ કરીશું.’

આ આખી ચર્ચા મહાદેવભાઈએ સાંભળી. એમને લાગ્યું કે આ બન્ને તો હવે એકમત થઈ ગયા છે તો હવે બાપુના વિરોધમાં કોઈ પોતાનો મત કહેશે નહીં. આ એક જણ હતો જે બાપુના વિચારને ફેરવી શકે તેમ હતો અને તે તો સમ્મત થઈ ગયો. હવે તો ઉપવાસ થશે અને કદાચ મૃત્યુ પણ થશે. એમને ધક્કો લાગ્યો. અને મારો ખ્યાલ છે કે આ વેદનામાંથી જ તેઓ ચાલ્યા ગયા. તેઓ જ્યારે ગયા ત્યારે બાપુની આંખોમાં આંસુ આવ્યાં અને કહેવા લાગ્યા, ‘એમણે મારા પછી જવાનું હતું, મારા પહેલાં ચાલ્યા ગયા.’ કિશોરલાલભાઈએ કહ્યું, ‘જુવાન જુવાન લોકો લાઈન તોડીને આગળ ચાલી જાય છે. વૃદ્ધ લોકો પાછળ રહી જાય છે.’ મહાદેવભાઈ તે જ રીતે લાઈન તોડીને ગયા. જેમણે પહેલાં જવું જોઈએ નહીં તેવા પહેલાં જતા રહે તો સ્વાભાવિક જ સારું નથી લાગતું પરંતુ ભગવાનની જેવી મરજી હોય છે તેવું થાય છે.

એક વખત સાબરમતીને કિનારે હું ભજન ગાઈ રહ્યો હતો. એટલામાં ક્યાંકથી રડવાનો અવાજ સંભળાયો. મેં આમતેમ જોયું કે કોણ રડી રહ્યું છે ? તો ખબર પડી કે મહાદેવભાઈ ભજન સાંભળીને રડતા હતા. આટલી ભક્તિ, ભોળપણ, એમનામાં હતાં. એટલે મહાદેવભાઈનું સ્મરણ હું ક્યારે ય ભૂલતો નથી.

મહાદેવભાઈએ બાપુની ડાયરી લખી છે એના 25-30 ખંડ પ્રગટ થયા છે. એક-એક 400-500 પાનાંની હશે. કેટલાક ખંડો તો હજી પ્રકાશિત થવાના બાકી છે. આટલું બધું એમણે લખી રાખ્યું છે. ગુજરાતી, મરાઠી, હિંદી, સંસ્કૃત, બંગાળી અને અંગ્રેજી આટલી ભાષાઓ તે જાણતા હતા. અને બાપુના લેખોમાં સુધારો કરીને પ્રકાશકને આપતા હતા. આવું ઉત્તમ કામ તેઓ કરતા હતા. એમનામાં ઘણું જ્ઞાન હતું. છતાં તેઓ ભોળા હતા. તુકારામ મહારાજનું એક વચન છે.

भोळीवेचें तेणें विष्णुदासा साजे

‘ભોળપણ એક અલંકાર છે. એની સામે દ્વૈત ટકતું નથી. જે વિષ્ણુદાસ છે, વૈષ્ણવ છે, એમની આ શોભા છે.’ એમનો બધા લોકો અવિરોધ જ કરે છે. કોઈ વિરોધ કરતું નથી. એવા ભોળા મહાદેવભાઈ હતા.

જૂની વાત છે. એ દિવસોમાં મહાદેવભાઈનું માથું બહુ જ દુખતું હતું. મારા એક મિત્ર બાબાજી મોઘે ત્યાં હતા. એમણે કહ્યું કે મારી પાસે માથું દુ:ખે તેની દવા છે પણ તે એક મંત્રની સાથે આપી શકાય છે. મહાદેવભાઈને ત્યારે “યંગ ઇન્ડિયા”નું બહુ જ કામ રહેતું હતું. એથી બહુ જ વ્યથિત હતા. તેઓ દવા લેવા માટે તૈયાર થઈ ગયા. બાબાજીએ પાનના એક પત્તા પર થોડી રેખાઓ દોરી, પાન બનાવીને ખાવા આપ્યું. મહાદેવભાઈએ ખાધું. અને એમનું માથું દુખવાનું બંધ થઈ ગયું. તેઓ પછી જ કામ કરી શક્યા. આ પણ તેમની ભાવનાનું જ પરિણામ હતું.

જે લોકો આવા ભોળા હોય છે એમની સામે કોઈનો વિરોધ ટકતો જ નથી. હૃદય-પરિવર્તન થઈ જાય છે. તેઓ હૃદયમાં શ્રદ્ધા રાખવાવાળા હોય છે. અને સામેવાળા પર પણ શ્રદ્ધા રાખે છે. એટલે સામેવાળાને પણ એમની ઉપર શ્રદ્ધા રાખવાનું અનિવાર્ય બની જાય છે. વેદમાં એક શ્રદ્ધાસૂક્ત છે. મહાદેવભાઈને કંઠસ્થ હતું. તે સૂક્ત તેઓ હંમેશાં બોલતા હતા :

श्रद्धां प्रातर्हवामहे श्रद्धां मर्ध्यायनं परि
श्रद्धां सूर्यस्त निम्रुचि श्रद्धे श्रद्धाप्रयेह न:

અમે પ્રાત:કાળમાં શ્રદ્ધાનું આવાહ્ન કરીએ છીએ. બપોરના સમયે એ જ શ્રદ્ધાનું આવાહ્ન અમે કરી છીએ. સૂર્યાસ્તના સમયે એ જ શ્રદ્ધાનું આવાહ્ન અમે કરીએ છીએ. હે શ્રદ્ધા ! શ્રદ્ધાદેવી ! અમારી શ્રદ્ધા મજબૂત કર.

એક વાર મેં મહાદેવભાઈને પૂછ્યું, તમે તમારા દીકરાનું નામ નારાયણ કેમ રાખ્યું ? મહાદેવભાઈએ કહ્યું, ‘હું તો અજામિલ છું એટલે નારાયણ નામ રાખ્યું છે. અંત સમયે યાદ આવી જાય.’ આવી એમની નમ્રતા હતી.

[ગુણનિવેદન]

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 જાન્યુઆરી 2020; પૃ. 16

Category :- Gandhiana