GANDHIANA

ગયા શનિવારે, ૫મી જૂને ખેડા સત્યાગ્રહને ૧૦૩ વર્ષ પૂર્ણ થયાં, તે નિમિત્તે મિત્ર સાથે વાત થતી હતી, તેમાં એક વાત જાણવા મળી કે ખેડા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલને મહાત્મા ગાંધીનો ‘અસલી’ પરિચય થયો અને તેમણે ગાંધીથી પ્રભાવિત થઇને અમદાવાદમાં બેરિસ્ટરનો વ્યવસાય છોડી દીધો. ખેડા સત્યાગ્રહ દરમ્યાન જ તેમણે બેરિસ્ટરનાં યુરોપિયન કોટ-પેન્ટ ત્યજીને કોટનનું ધોતિયું અને ઝબ્બો પહેરવાનું શરૂ કર્યું હતું. એક રીતે, ખેડા સત્યાગ્રહ વલ્લભભાઈની અગ્નિપરીક્ષા હતો. એમાંથી તે એવા અણીશુદ્ધ તૈયાર થયા કે દસ વર્ષ પછી બારડોલી સત્યાગ્રહમાં ‘સરદાર’ બનીને રાષ્ટ્રીય સ્તરે ઉભર્યા. ખેડા દસમાની બોર્ડ પરીક્ષા હતી, તો બારડોલી ગ્રેજ્યુએશન હતું.

મહાત્મા અને સરદારની જોડી બની ખેડા સત્યગ્રહથી. તે પહેલાં, સરદારે ગાંધી વિશે સાંભળ્યું હતું ખરું, પરંતુ તેમને ગાંધીજીમાં દમ લાગ્યો ન હતો. ઊલટાના, તેમણે ગાંધીને હસી કાઢ્યા હતા. ઇન ફેક્ટ, એવા બે સંદર્ભ મળે છે, જે પ્રમાણે વલ્લભભાઈ ગાંધીજીને ‘ચક્રમ’ ગણતા હતા. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળ ચાલતી નેશનલ વર્ચુઅલ લાઈબ્રેરીમાં, સરદાર પટેલના જીવનચરિત્ર્યમાં અમદાવાદની ગુજરાત ક્લબનો એક પ્રસંગ છે. આ ક્લબમાં ગાંધીજી અને પટેલ સહિત ઘણા બેરિસ્ટરો સભ્ય હતા. એવું કહેવાય છે કે ૧૯૧૬માં બંને પહેલીવાર અહીં એકબીજાને મળ્યા હતા.

પ્રસંગ ૧૯૧૬ કે ૧૭નો છે. ખેડા સત્યાગ્રહ શરૂ થવાના એક વર્ષ પહેલાંનો. આફ્રિકામાં ગાંધીજીએ ગોરી હુકુમતના અન્યાય સામે ભારતીયોને અહિંસક રીતે સંગઠિત કરીને ગાંધીજી ૧૯૧૫માં ભારત પરત ફર્યા હતા, અને તેમની ચર્ચા દેશભરમાં હતી. અમદાવાદના નામી આગેવાનો તેમનાથી બહુ પ્રભાવિત હતા. એક દિવસ તેમને પ્રતિષ્ઠિત ગુજરાત ક્લબમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમને જોવા/સાંભળવા માટે મોટું ટોળું ભેગું થઇ ગયું.

વલ્લભભાઈને ગાંધીજીને જોવા/સાંભળવામાં રસ ન હતો. ઊલટાના, તેમના ટેબલ પાસે લોકો જે રીતે ધક્કા-મુક્કી કરતા હતા તેનાથી તે અકળાતા હતા. કોઈક મિત્રએ તેમને કહ્યું કે ગાંધીને સાંભળવા જેવા છે, તો વલ્લભભાઈ દાઢમાં બોલ્યા, “હું તમને કહી દઉં એ શું બોલવાના છે. એ તમને પૂછશે કે ઘઉંમાંથી કાંકરા અલગ કેમ કરવા તે આવડે છે. બહુ મોટા આઝાદી મેળવવા નીકળ્યા છે.”

વલ્લભભાઈને ગાંધીજીના અહિંસા અને સત્યાગ્રહના આદર્શોમાં રસ ન હતો. મહાત્મા ગાંધી રિસર્ચ ફાઉન્ડેશન અને બોમ્બે સર્વોદય મંડળ સંચાલિત ગાંધી વેબસાઈટમાં બાપુ અને સરદાર પરના એક પ્રકરણમાં આ જ પ્રસંગમાં થોડો ઉમેરો છે. કોટ-પેન્ટમાં સજ્જ અને સિગાર ફૂંકતા વલ્લભભાઈએ મિત્રના સૂચનને ફગાવતાં કહ્યું હતું, “મને કોઈએ કહ્યું છે કે તે સાઉથ આફ્રિકાથી આવ્યા છે. સાચું કહું તો મને એ ચક્રમ લાગે છે, અને તમને ખબર છે કે મને આવા લોકોમાં રસ નથી. આપણે ત્યાં આમ પણ બહુ મહાત્માઓ છે."

બે જ વર્ષ પછી, ૧૯૧૭માં ગોધરામાં યોજાયેલી ગુજરાત પોલિટીકલ કોન્ફરન્સમાં સરદાર પટેલ પહેલી વાર મહાત્મા ગાંધીને સીધા મળ્યા, ત્યાં સુધીમાં તેમનો અભિપ્રાય બદલાઈ ચુક્યો હતો, અને ગાંધીજીની ચળવળમાં જોડાવાનો નિર્ણય કરીને તે બોલ્યા હતા, "મને એવું લાગ્યું હતું કે મહાત્માથી છેટા રહેવું એ અપરાધ છે."

ભારતની આઝાદીની ચળવળમાં પ્રાણ ફૂંકવામાં ત્રણ આંદોલનોની મહત્ત્વની ભૂમિકા છે; ચંપારણ સત્યાગ્રહ, અમદાવાદ મિલ હડતાળ અને ખેડા સત્યાગ્રહ. આમાં ખેડા સત્યાગ્રહે એક તરફ અંગ્રેજ શાસન સામેના આક્રોશમાં લોકોને સંગઠિત કર્યા, તો બીજી તરફ તેમાંથી ગાંધીજી અને સરદાર પટેલની જુગલજોડીની શરૂઆત થઇ. પટેલે તેમની ધીખતી બેરિસ્ટરી છોડી જ ગાંધીજી અને ખેડા આંદોલન સાથે જોડાવા માટે.

વકીલાત છોડીને સત્યાગ્રહમાં જોડાવાના સરદારના નિર્ણય અંગે ગાંધીજીએ કહ્યું હતું, “વલ્લભભાઈએ મને કહ્યું કે - મારી પ્રેકટીસ ધમધોકાર ચાલી રહી છે તેમાં કોઈ શંકા નથી. મ્યુનિસિપાલટીમાં પણ હું મોટું કામ કરી રહ્યો છું, પરંતુ ખેડામાં ખેડૂતોનો સંઘર્ષ તેના કરતાં મોટો છે. મારી પ્રેક્ટીસ આજે છે અને કાલે નહીં હોય. મારા પૈસા તો કાલે ઊડી જશે, મારા વારસદારો એને ફૂંકી મારશે એટલે મારે પૈસા કરતાં મોટો વારસો મૂકીને જવું છે.” સરદારે તેમના નિર્ણય વિશે કહ્યું હતું, “મેં ક્ષણિક આવેગમાં આવીને નહીં, પણ બહુ મંથન કરીને આ જીવન પસંદ કર્યું છે.” એ નિર્ણય માત્ર એમની જિંદગી જ નહીં, રાષ્ટ્રની નિયતિને બદલી નાખવાનો હતો.

ગોધરામાં ગુજરાત પોલિટિકલ કોન્ફરન્સમાં ગાંધીજીએ સૌથી પહેલું કામ બ્રિટિશ રાજ પ્રત્યે વફાદારી વ્યક્ત કરતો ખરડો ફાડી નાખવાનું કર્યું હતું. તે વખતે એવો નિયમ હતો કે દરેક રાજકીય કોન્ફરન્સની શરૂઆત આવા ખરડાથી થતી હતી. ગાંધીજીએ ત્યાં ઉપસ્થિત નેતાઓને ભારતીય ભાષામાં બોલવા માટે સૂચન કર્યું હતું. વલ્લભભાઈને ગુજરાતીમાં બોલતાં ફાવ્યું ન હતું, પરંતુ માતૃભાષામાં કોન્ફરન્સ યોજવાનો ગાંધીજીનો વિચાર તેમનું દિલ જીતી ગયો હતો. એ મિટીંગ પછી, ગાંધીજીની વિનંતીથી પટેલ ગુજરાત સભાની કારોબારી કમિટીના સચિવ બન્યા હતા. ગાંધીજી તેના ચેરમેન હતા.

વલ્લભભાઇએ પાછળથી ખેડા સત્યાગ્રહના દિવસો યાદ કરીને કહ્યું હતું, “તે વખતના શરૂઆતના દિવસોમાં મને તેમના સિદ્ધાંતો અને હિંસા - અહિંસાના વિચારોની પડી ન હતી. મને એટલી ખબર હતી કે તેઓ પ્રતિબદ્ધ હતા અને તેમણે તેમનું સમગ્ર જીવન, તેમની પાસે જે કઈ હતું તે એક ઉચિત ન્યાય માટે સમર્પિત કરી દીધું હતું. તેઓ રાષ્ટ્રને ગુલામીમાંથી છોડાવા માંગતા હતા અને તેમને એ ખબર હતી કે તે કેવી રીતે સિદ્ધ થાય. મારા માટે આટલું પૂરતું હતું.”

૫મી જૂને ખેડા સત્યાગ્રહની પૂર્ણાહુતિનો સમારંભ યોજ્યો ત્યારે ગાંધીજીએ સરદાર વલ્લભભાઈ માટે કહ્યું “ખેડા જિલ્લાની પ્રજાની છ માસની બહાદુરી ભરી લોકલડતમાં સેનાપતિની ચતુરાઈ પોતાનું કારભારી મંડળ પસંદ કરવામાં હતી. સેનાપતિ હું હતો, પરંતુ ઉપસેનાપતિ માટે મારી નજર વલ્લભભાઈ ઉપર પડેલી. વલ્લભભાઈની મારી પહેલી મુલાકાત થઈ ત્યારે મને લાગેલું કે, આ અક્કડ પુરુષ કોણ હશે ? એ શું કામ આવશે ? પણ હું જેમ જેમ વધારે સંપર્કમાં આવ્યો તેમ તેમ લાગ્યું કે મારે વલ્લભભાઈ તો જોઈએ જ. વલ્લભભાઈ ખેડા સત્યાગ્રહ માટે ના મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત.”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 13 જૂન 2021

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાભાર

Category :- Gandhiana

શુદ્ધ ખરખરો

નારાયણ દેસાઈ
19-05-2021

એ વખતના આઝાદીની લડતના આગેવાનો - મૌલાના મહમદઅલી અને મૌલાના શૌકતઅલી એક વેળા અમદાવાદની મુલાકાતે આવ્યા. સાલ હશે 1923.

તેમની એક લાંબી મુલાકાત મહાદેવભાઈ 04-11-‘23ના नवजीवनમાં છાપે છે. તેમના જેલના અનુભવોમાં ‘મ્હાવા’ નામના એક ગુનેગાર કેદીનું ચિત્રણ તો ભલભલા પથરાને પીગળાવે તેવું છે :

‘એક ‘મ્હાવો’ કરીને ભંગી ફાંસીની સજા ખાઈને આવ્યો હતો. તેનો કિસ્સો કહેતાં મૌલાના અપાર આવેશમાં આવી જાય છે અને સામાની ઉપર પણ અજબ અસર પાડે છે. મ્હાવો બિચારો એક વાર નશામાં ચકચૂર થઈ પોતાની ગર્ભવતી સ્ત્રીનું ખૂન કરીને આવ્યો હતો. સજા પછી અપીલ વગેરે થયા પછી ફાંસીનો દિવસ નક્કી થઈ ચૂક્યો હતો. અને આ ફાની દુનિયા ઉપર રહેવા વિશે તેણે હાથ ધોઈ નાખ્યા હતા. મૌલાનાની પાસે પાસે જ તેની ખોલી હતી. તેનો મૌલાના સાથે પ્રસંગ પડતાં મૌલાનાએ આખી વાત તેને પૂછી. મૌલાના કહે છે કે સાચા પશ્ચાતાપથી તેણે બધી વાત મારી આગળ કરીને જણાવ્યું કે, ‘મને સજા થઈ છે તે વાજબી થઈ છે, હવે તો જેટલી ઘડી રહી છે તેટલી ઘડી કિરતારનું ભજન કરવામાં મજા છે.’ એક દિવસ રાત્રે પાસેથી નાચવાનો અને ગાવાનો અવાજ આવ્યો. પેલા ભાઈ કિરતારના ભજનમાં ગુલતાન થઈ નાચતાં નાચતાં ગાતા હતા :

’કર લે સિંગાર ચતુર અલબેલી,
સાજનકે ઘર જાના હોગા;
માટી બિછાના, માટી ઓઢાના,
માટી કા સિરહાના હોગા.’

આ પ્રસંગ કહેતાં મૌલાનાની આંખમાં પાણી આવી ગયાં. આ રાત પેલાની ફાંસીએ જવાની આગલી રાત હતી. ફાંસીનો હુકમ મળ્યો કે બહાદુરની માફક નીકળ્યો, જે માંચડા ઉપર જઈને ફાંસી લેવી પડે છે તેના ઉપર દોડતો દોડતો હસતો હસતો ચડ્યો, માથા ઉપર ફાંસી ખાનારની ટોપી પહેરાવવામાં આવતાં જ પોકાર કર્યો, ‘મહાત્મા ગાંધી કી જે,’ − આખી જેલમાં કેદીઓએ પડઘો આપ્યો : ‘મહાત્મા ગાંધી કી જે.’ − બીજો પોકાર કર્યો ‘શોકતઅલી બાપુ કી જે’ − મૌલાના રાજકોટમાં શૌકતઅલી બાપુ કહેવાતા. પછી ‘રામ’, ‘રામ’, ‘રામ’; ચોથે રામે તેનું ધડ મસ્તકથી જુદું થઈ ગયું હતું. બધા કેદીઓએ આવીને આ ઘટનાનું વર્ણન આપતાં મૌલાનાને કહ્યું, ‘છેલ્લાં પંદર-વીસ વર્ષમાં આવું મરણ જોયું નથી.’ સુપરિન્ટેન્ડેન્ટે પણ કહ્યું, ‘આવું બહાદુર મરણ કદી નથી જોયું.’ સુપરિન્ટેન્ડેન્ટે આશ્ચર્યથી પૂછ્યું, − ‘આવા ભંગીને પણ મહાત્માં ગાંધી સાથે શું લેવાદેવા છે ?’ મૌલાનાઓ જવાબ આપ્યો, ‘કારણ, આવતો અવતાર આપે તો ઈશ્વર મને ઢેડભંગીનો અવતાર આપજે એમ કહેનાર દુનિયામાં મહાત્મા ગાંધી એકલા છે.’

એક દિવસમાં ત્રણ વાર આ કિસ્સો મૌલાનાએ કહી સંભળાવ્યો અને કહ્યું, ‘મહાત્માં ગાંધીને પ્રથમ મારું શિર ઝૂકે છે, તે પછી મારું શિર પેલા બહાદુર મ્હાવાને પણ ઝૂકે છે. આવી રીતે હથેળીમાં માથું લઈને ફરતાં આવડવું જોઈએ. થોડા માણસ આવા નીકળે તો આપણો ઉદ્ધાર ચોક્કસ છે. મ્હાવામાં પોતાના અપરાધ માટે શુદ્ધ ખરખરો હતો, ખુદાનો બરોબર ડર હતો અને મરતાં ખુદાની આંખ તેણે જોઈ હતી. એટલે જ તે ગાતો હતો અને નાચતો હતો, એટલે જ તેને મરણ મીઠી નિદ્રામાં પડવા જેવું લાગ્યું.’

[‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’, પૃ. 308-9]

Category :- Gandhiana