DIASPORA

ડાયસ્પરા વિશે થોડું વધારે

દુષ્યન્ત પંડ્યા

ફેબ્રુઆરી ૧૬મીના “નિરીક્ષક’ના અંકમાં ડાયસ્પોરા વિશે જે લેખ પ્રકાશિત થયો હતો, તેને લંડનથી નીકળતા પ્રખ્યાત ગુજરાતી “ઓપિનિયન”ના છેલ્લા અંકમાં, એ સામયિકના તંત્રી વિપુલ કલ્યાણીએ પહેલે જ પાને સ્થાન આપ્યું છે. એ લેખ લખીને “નિરીક્ષક” માટે એના તંત્રી પ્રકાશભાઇને રવાના કર્યા પછી, એ વિષય વાગોળતાં કેટલીક બાબતો મનમાં તરી આવી છે અને તે પણ, મારે મન, અગત્યની લાગતી હોઇ ”નિરીક્ષક”નાં પૃષ્ઠોનો લાભ તે માટે લઉં છું.

યુ.એસ.એ.ના તાજા જ વરાયેલા રાષ્ટ્રપતિ પણ  એક  અર્થમાં  ‘ડાયસ્પોરા’  છે.   એમના  પિતા આફ્રિકાના પૂર્વ ભાગના કૅન્યાથી ત્યાં ગયા હતા, ત્યાં ઠરી ઠામ થયા. કોઈ શ્વેત અમેરિકી મહિલાને પરણ્યા અને એમને ત્યાં જે પુત્રનું પારણું બંધાયું તે આ બરાક ઓબામા. એમના પિતાને ત્યાંનું ડાયસ્પોરિક જીવન નહીં ગોઠ્યું હોય તેથી કે, બીજા કોઈ કારણે, એ પાછા કેન્યા ભેગા થઇ ગયા. આ બરાકકુમાર એમની માતા સાથે ત્યાં જ રહી ગયા અને ભાગ્યે એમને આજે - પ્રથમ નાગરિક પદે પ્રસ્થાપિત કર્યા.
પિતા અને પુત્ર વચ્ચેની જૂની નવી પેઢી વચ્ચેની જાણે કે અદૃશ્ય ભીંત ચણાઇ ગઇ. એ ભીંતે એમના હૃદયમાં કેન્યા વિશે જરા પણ ભાવને કદાચ ઉગવા જ ન દીધો. એમના પિતા સાથે એ કેન્યા ગયા હોત તો, એ હાર્વર્ડ યુનિર્વસિટીમાં શિક્ષણ લઈ શકયા હોત ? પિતા પુત્ર વચ્ચેની જે ખાઇ સર્જાઇ તે ભેદક છે. પોતાના બાપા સાથે બરાકકુમાર કેન્યા ગયા હોત તો એમનું શું થયું હોત, એ કેવળ કલ્પનાનો જ વિષય છે.

બે’કે દાયકા પહેલાં, અમારી દીકરીના ‘ગ્રેજયુએશન’ સમારંભમાં ભાગ લઈ, અમેરિકાથી પાછા વળતાં ઈંગ્લેન્ડમાં હું ત્રણચાર અઠવાડિયાં રોકાયો હતો. એ સમય દરમિયાન લંડનમાં દસબાર દિવસ રોકાયો હતો, યોર્ક પાસે આવેલા નાના ગામ દૂબીમાં થોડાંક દિવસ રોકાયો હતો, એડિનબરો ગયો હતો અને ત્યાંથી બ્લેકપુલમાં મારા ગુજરાતીપ્રેમી મિત્ર જોનને ત્યાં બે રાત ગાળી, ત્યાંથી રાલ્ફને ત્યાં દૂબી ફરીથી જઇ, પાછો લંડન ગયો હતો.

ત્યાં ગુજરાતીઓના એક નાના સંમેલનમાં મારાં યજમાન વિલાસબહેન મને લઈ ગયાં. અમેરિકાને પશ્ચિમ કાંઠે, સાન્ફ્રાન્સિસ્કોની કે કોઈ બીજી યુનિર્વસિટીમાં શિક્ષણકાર્ય કરતા કોઈ પ્રોફેસર જૈનના વાર્તાલાપનો કાર્યક્રમ હતો. એ પ્રોફેસર બિનગુજરાતી હતા અને હિન્દી અંગ્રેજીના મિશ્રણમાં એ વાતો કરી રહ્યા હતા. વીસેક કરતાં વધારે વર્ષોથી એ ત્યાં જ રહેતા હતા. પૂર્વપશ્ચિમના સાંસ્કૃતિક તફાવતની વાત નીકળતાં એમણે પોતાનું જ દૃષ્ટાન્ત આપ્યં. એમણે કહ્યું કે, ‘અમારે એક દીકરો છે. એ અમેરિકામાં જન્મ્યો છે અને ત્યાં જ ઉછર્યો છે. એનો અઢારમો જન્મદિવસ અમે આનંદથી ઉજવ્યો. એ દહાડે શનિવાર હતો. બપોરે ઉજવણી કરી હતી ને સારુ જમ્યા હતા. દીકરાને સારી ભેટ પણ આપી હતી. અમે જમીને બેઠા પછી થોડી વાર પછી દીકરાએ મોટરની ચાવી માંગી. ચાવી લઈ, ગાડી ચાલુ કરી એ ઉપડી ગયો.

‘સાંજ પડી. અમારો ડિનરનો સમય થયો, અમે આઠ વાગ્યા સુધી રાહ જોઇ પણ દીકરાનું દર્શન ન થયું. અમે થોડી ચિંતા સાથે ડિનર ખાધું. ટીવી ચાલુ કર્યું પણ મનમાં દીકરાની ચિંતા હતી. રાતના નવ થયા, દસ વાગ્યા, અગિયાર થયા ... અમે બંને દીકરાની ચિંતા કરતાં બેઠાં. બીજું કશું થઇ શકે એમ જ નહોતું. આખરે મધરાતે, બારને ટકોરે એ આવ્યો.
‘દુઃખ અને રોષના મિશ્રણવાળા સ્વરે મેં કહ્યું કે બેટા, ઘડિયાળમાં જો. એણે ઉત્તર આપ્યો. પપ્પા, મારી વય સામે જુઓ, હવે હું પુખ્ત થઇ ગયો છું.’
અહીંથી ગયેલી ડાયસ્પોરાની પહેલી પેઢી અને ત્યાં જન્મીને ત્યાં જ ઉછરેલી બીજી પેઢી વચ્ચે કેટલી મોટી ખાઇ પડી જાય છે ! એ બે પેઢીઓ વચ્ચે સંસ્કાર ભેદની કેટલી મોટી, અભેદ્ય દીવાલ ચણાઈ જાય છે.

વિદેશ ગયા પછી પોતાના દેશના, ધર્મના, જ્ઞાતિના, ભાષાના સંસ્કાર જાળવી રાખવા, એ દેશમાં રહેતા હોવા છતાં એ દેશની સંસ્કૃતિ સાથે એકરૂપ ન બનવું તે વલણ કેટલાં યોગ્ય છે તે વિચારવું રહ્યું આપણા દેશમાં આર્યો બહારથી આવ્યા હતા તેવો ઈતિહાસનો એક મત છે. એ મતનો સ્વીકાર કરીએ તો, આર્યોથી માંડીને ઇ.સ.ની છઠ્ઠી સાતમી સદી સુધી જે જે પ્રજાઓ આવી તે અહીંની પ્રજા સાથે એકરૂપ થઇ ગઇ. ઈસ્લામના આગમન પછી ભેદરેખા દોરાઇ ગઇ. સંસ્કારની અનેક બાબતોમાં એકરૂપતા આવ્યા છતાં ભારતવાસીઓએ ઈસ્લામથી આભડછેટનો વ્યવહાર દાખલ કર્યો. યુરોપિયનો આવ્યા ત્યારે પણ એ વ્યવહાર ચાલુ રહ્યો. સર વિલિયમ જોન્સને સંસ્કૃત શીખવવા માટે કોલકાતામાં પંડિતો રાજી ન હતા. એ ‘યવન’ને આ દેવભાષા શીખવી શકાય શું ? યુરોપિયનો પોતાના ધર્મની અને પોતાની ભાષાની ભટે આપણને આપતા ગયા.

પરદેશ વસતા ગુજરાતીઓ અને ભારતવાસીઓ, ભારતમાં આવનાર મુસલમાનો અને યુરોપિયનોની માફક જુદો ચોકો જમાવશે તો સંઘર્ષ નહીં થાય ? યુરોપ અમેરિકામાં વસતા મુસલમાનોનો એક વર્ગ તો સંઘર્ષમાં ઉતરી ચૂકયો છે. પ્રોફેસર હંટિગ્ટનની ‘ફોલ્ટ લાઈન’ પશ્ચિમ તરફ ખસીને યુરોપ અમેરિકામાં ગઇ છે. લંડનના હીથ્રો વિમાનમથકે એક વાર મુંબઇથી જતા વિમાનમાં બેસી હું ઉતર્યો તો, મને અને મારા જેવાઓને દાઢીમૂછધારી અને પાઘડીધારીઓથી જુદા તારવી અમને તરત બહાર જવા દેવામાં આવ્યા. આમ જુદા તારવવાનું કારણ પૂછતાં ત્યાંના અંગ્રેજ અમલદારે ચતુરાઇપૂર્વક થોડી આંખ મિચકારી, કહ્યું કે, ‘અમુક માણસો પ્રત્યે અમારે ખાસ ધ્યાન આપવું પડે છે.’ અને એ લોકોની આટલી તકેદારી છતાં, આપણા એક ગુજરાતી લોકસભાના સભ્ય કેટલીય વાર પરસ્ત્રીને પોતાની પત્ની બનાવી ડાયસ્પોરામાં વધારો કરતા હતા ! એમના જેવા બીજા કેટલા ય પરગજુ કામચલાઉ પતિદેવો પણ હશે તે ડાયસ્પોરાના પ્રવાહને સતત વહેતો રાખતા હશે.

યુરોપના જુદા જુદા દેશોમાંથી યુ.એસ.એ. જઇ ત્યાં વસનાર પછી રશિયન, સર્બિયન, ગ્રીક, ઈટેલિયન, આઈરિશ, સ્પેનિશ નથી રહેતો એ અમેરિકન જ બની જાય છે.
વોશિંગ્ટનની કેન્દ્રીય સરકારના શિક્ષણ વિભાગમાં કામ કરતા એક ભાષાવિદ્ને મળવાનું થયું હતું. ડૉ. એલેટિસે મને મારી માતૃભાષા વિશે પૂછ્યું ને મેં એમને ઉત્તરમાં જણાવ્યું કે ‘મારી માતૃભાષા ગુજરાતી - ગાંધીની માતૃભાષા - છે.’ પછી મેં અટકળ કરી એમને પૂછ્યું, ‘ડૉ. એલેટિસ, આપ મૂળ ગ્રીસના છો?’ જવાબમાં ‘હા’ કહી એ બોલ્યા કે, પણ હું ગ્રીક ભાષા બરાબર બોલી શકતો નથી. મારાં માતાપિતા અહીં બેતાળીસ વર્ષોથી વસે છે, પણ એ સરખું અંગ્રેજી બોલી શકતાં નથી.’

આ ડૉ. એલેટિસનો દાખલો સ્પષ્ટપણે બતાવે છે કે, યુરોપના કોઈ પણ દેશમાંથી અમેરિકા ગયેલો વસાહતી ડાયસ્પોરા બનીને રહેવા માંગતો નથી. “નિરીક્ષક”ના આગલા અંકમાં ઈલિનોઇસ રાજયના ગવર્નર બ્લેગોજેવિચનો ઊલ્લેખ કર્યો છે તે પણ પહેલી પેઢીના અમેરિકન - એમના પિતા યુરોપના કોઈ નાનકડા દેશમાંથી અમેરિકા ગયા હતા અને એમની માતા અમેરિકન જ હતાં (કે છે) - છે અને પોતાના પૈતૃક દેશને સાવ વીસરી ગયા છે.

ત્યાં આ સ્થિતિ સામાન્ય હોવા છતાં અપવાદ પણ જોવા મળે ખરા. એક યુવાનના દાદા આયર્લેન્ડ અને દાદી ઈંગ્લેન્ડથી ત્યાં ગયેલા હતાં. આજે પણ એ યુવાનને ઇંગ્લેન્ડ પ્રત્યે ધિક્કારની જોરદાર લાગણી છે અને ત્યાં બેત્રણ સદીઓથી વસતા યહૂદીઓના મોટા ભાગનાનું વલણ સ્પષ્ટપણે અરબવિરોધી છે. એમની સહાનુભૂતિ સ્પષ્ટ જ છે, પોતાનું જુદું અસ્તિત્વ જ એ લોકો ટકાવી રાખવા માગે છે. ભારતમાં પંદરસો-બેહજાર વર્ષોથી વસતા યહૂદીઓમાંથી ઈઝરાયેલ પાછા જનાર યહુદીઓની સંખ્યા પણ નાની નથી. ‘જમાલ ભાઇઆનો જુદો ચોકો’ કહેવત આવા લોકો સાચી પાડે છે.

આવા જુદા ચોકા માટે કેટલાંક કારણો અવશ્ય છે. ત્યાંનાં પુરુષો બાળકોનાં બાળોતિયાં સાફ કરે, પત્નીની ગેરહાજરીમાં અને કેટલીયેવાર હાજરીમાં પણ રસોઇ તથા એનાં બીજાં કામ કરતાં હોય છે. ત્યાં જતાં આપણા અનેક યુવાનોને રસોઇ જ આવડતી હોતી નથી. સ્વ. રામુભાઇ પંડિત કોઈ ગુજરાતી જુવાનની વાત કરતા હતા કે ત્રણચાર મહિના એ જુવાન માત્ર ડબલ રોટી અને દૂધ પર જ રહ્યો હતો. પણ આજે પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. પાપડ, ખાખરા સહિતના આપણા બધા ખાદ્ય પદાર્થો વિદેશોમાં મળતા થઇ ગયા છે. બેડેકરનાં અથાણાં મળે છે, ખાખરા મળે છે, પાપડ મળે છે, સોપારી મળે છે અને લંડનમાં તો પાન પણ મળે છે. આવી બધી ચીજવસ્તુઓ મળવાની ખબર થતાં, મારે ત્યાં શૈક્ષણિક વર્ષ રહેવાનું થયું ત્યારે, સૂડી અને સોપારીની ખરીદી મારી પ્રથમ ખરીદી હતી. ઘરમાં હીંચકો ન હતો પણ સોફા પર બેસીને સોપારી કાતરતાં અને ચાવતાં મારું મન ભારત દોડી આવતું. અમેરિકન જીવનશૈલી સાથે મેળ બેસાડવાની મારી વય મેં કયારેય વીતાવી દીધી હતી. એ ડાયસ્પોરિક જીવનમાં હું મારી જાતને ગોઠવી શકયો નહીં. ત્યાં પૌત્રપૌત્રીને કે દૌહિત્રને સાચવવા જતાં અનેક વૃદ્ધો, ત્યાંની શીતળ આબોહવાને કારણે સતત બંધ રાખવા પડતા ઘરમાં રહેવાથી બંધિયારપણાથી પીડાય છે.

અગાઉ કહેલા પ્રો. જૈનના પુત્રના કિસ્સાના ઉલ્લેખથી ડાયસ્પોરાની બે પેઢીઓ વચ્ચેની ખાઇ આપણી નજરે પડે છે. ડાયસ્પોરિક જીવનનાં અનેક પાસાં છે.

(સદ્દભાવ : “નિરીક્ષક”, ૦૧.૦૪.૨૦૦૯; “ઓપિનિયન”, ૨૬ એપ્રિલ ૨૦૦૯)

Category :- Diaspora / Features

ડાયસ્પરાની બીજી બાજુ

દુષ્યન્ત પંડ્યા

ગઈ સદીના પૂર્વાર્ધમાં પૂર્વ આફ્રિકામાં વસતા બિહારીલાલ અંતાણી અને ઉછરંગરાય ઓઝા બેઉ પોતાની રીતે લેખકો હતા. એનીયે પહેલાંથી મહાત્મા ગાંધીએ, દક્ષિણ આફ્રિકામાં પોતાની કલમ ચાલતી કરી હતી. એ ઘટના ઓગણીસમી સદીની હતી, પણ ત્યારે આ ‘ડાયસ્પરા’ની વિશેષતા ચર્ચાનો કે ગુણગાનનો વિષય ન હતો. પન્ના નાયક પણ ગઈ સદીમાં જ અમેરિકામાં રહીને ગુજરાતીમાં કાવ્યો લખતાં હતાં પણ ત્યારેયે ડાયસ્પરાનાં ગુણગાન ગાવાની આજની ફેશન ચાલુ થઇ ન હતી. પાછલાં ત્રીસ-ચાળીસ વર્ષોમાં ગુજરાતીઓએ પણ કે અમેરિકા અને ઈંગ્લંડ પર ‘આક્રમણ’ કર્યું છે. આ બંને દેશોની ગુજરાતી વસતિમાં કેટલા ટકા ગેરકાયદે ઘૂસેલા છે તે તપાસનો વિષય છે. એ પણ એક પ્રકારનું ‘પરાક્રમ’ જ ગણીએ તો, ડાયસ્પરાની સિદ્ધિઓ વધી જશે.

અમેરિકાના નવા પ્રમુખ બરાક ઓબામાએ કોઈ ગુજરાતી મહિલાનો સમાવેશ પોતાની ટીમમાં કર્યો તે ભેગો જ કેટલાક ‘દુષ્ટ’ લોકોએ તેમનો ભૂતકાળ ખોળી કાઢ્યો તો કોથળામાંથી બિલાડું નીકળ્યું કે એ સન્નારી વિશ્વ હિન્દુ પરિષદનાં અગ્રગણ્ય કાર્યકર્તા હતાં. આ જાણીને વિ.હિ.પ.ના અનેક આગેવાનોને રસોડે લાપસીનાં આંધણ મુકાયાં હશે. પણ એ આંધણમાં લાપસી ઓરાય તે પહેલાં, એ મહિલાને જાહેર કરવું પડ્યું કે, ‘હું એ સંસ્થા સાથે હવે સંકળાયેલી નથી.’ એ માનનીય મહિલાની પીછેહઠને વખાણી ડાયસ્પરા તરફથી એમનું વિશેષ સન્માન નહીં થવું જોઈએ ?

અમેરિકાની સેનેટમાંની ઈલિનોય રાજયની બેઠક પરથી બરાક ઓબામા રાષ્ટ્રપતિ ચૂંટાતાં આવી પડેલી જગ્યાની, ઈલિનોય રાજયના ગવર્નર બ્લેગોજેવિચે હરરાજી માંડી, જે વ્યકિત વધારે ડોલર આપે તેને એ ટિકિટ આપવી, એમ ગવર્નર બ્લોગેજેવિચે ઠરાવ્યું. અને એ માનનીય ગવર્નર સાહેબની સહાયમાં કોઈ ભટ્ટ દંપતી (હરીશ અને રેણુકા), કોઈ સતીશ ગાભાવાળા, કોઈ રઘુવીર નાયક અને કોઈ બાબુ પટેલ પહોંચી ગયાં અને સેનેટની ખાલી પડેલી જગ્યાની બોલી વધારે ને વધારે ઊંચી કરાવવામાં ગવર્નર બ્લોગોજેવિચને સહાય કરવા લાગ્યા. રઘુવીર નાયક ભલે ગુજરાતી નથી - એ દક્ષિણ કોંકણના છે પણ છે તો ડાયસ્પોરા જ. ગુજુભાઇઓનું આ પરાક્રમ છાપે ચઢ્યું, પણ છાપે ન ચડ્યાં હોય એવાં બીજાં કેટલાં પરાક્રમો હશે ?

અમેરિકન અખબારોમાં ચમકેલા સમાચારોમાં કેટલીક વિગતો આપી છે ઃ જેવી ઓબામાની બેઠક ખાલી પડી કે આ સમૃદ્ધ ભારતીય અમેરિકનોનો સંપર્ક બ્લેગોજેવિચે કર્યો. અમરીશ મહાજન નામના કોઈ બૅંકર અને એનાં પત્ની - એ પણ ત્યાં વેપાર કરે છે - અનિતા મહાજનનો સંપર્ક બ્લેગોજેવિચે કર્યો હતો. અમરીશ કાકા - અંકલ અમરીશ - તરીકે ઓળખાતા આ સજજનની વિશેષતા છે શિકાગોના માફિયા જગત સાથે ક્રિકટનો નાતો ધરાવતા પેરિલો ઘરાણા સાથેનો ગાઢ સંબંધ. ઈલિનોય સરકારનાં કેટલાંક કામોના કોન્ટ્રાકટ અનિતાદેવીએ લીધા હતા અને એ કોન્ટ્રાકટોના બિલોમાં વધારે રકમ - લાખ્ખો ડોલર - ચડાવવા બદલ એમની ધરપકડ કરવામાં આવી હતી.

હરીશ ભટ્ટની એક કરતાં વધારે ફાર્મસીઓ છે અને બ્લેગોજેવિચના ફંડ ઊઘરાવવાના કાર્યમાં સાથ આપવા માટે, એની પણ તપાસ પોલીસખાતું કરી રહ્યું છે.

આ બધા ભારતીય અમેરિકનો પ્રત્યે ગવર્નર બ્લેગોજેવિચને એટલો પ્રેમ છે કે ભારતના સ્વાતંત્ર્યદિન નિમિત્તની પરેડમાં એ ગવર્નર સાહેબ પણ જોડાયા હતા. ભારતીય અમેરિકનો પ્રત્યે ઈલનોયના ગવર્નરસાહેબના આકર્ષણનું એક કારણ એ છે કે કેટલાક ભારતવાસીઓની જેમ એને પણ પૈસાની મોટી તૃષ્ણા છે. બ્લેગોજેવિચનો બાપ સર્બિયાથી જઇ અમેરિકાવાસી બન્યો હતો અને ત્યાંની શ્રમજીવી વર્ગની સ્ત્રીની સાથે એણે લગ્ન કર્યા હતાં અને સમાજમાં મોભાદાર એવા કુટુંબની કન્યા સાથે લગ્ન કરી, એક જ કૂદકે એ સામાજિક સીડીના પગથિયા કુદાવી ગયો હતો.

આ ઉપરાંત, લોકસભાના ગુજરાતના સભાસદની પત્ની તરીકે પરદેશ જનાર, કોઈ સાંસ્કૃિતક મંડળી સાથે જોડાઇ પરદેશ જનાર અને પછી ત્યાં જ અઠે દ્વારકા કરનાર, મેકિસકોની સરહદેથી કે બીજી કોઈ રીતે પાસપોર્ટ વગર અમેરિકામાં કે ઈંગ્લડમાં કે યુરોપના બીજા કોઈ દેશમાં - ઘુસી જનાર પરાક્રમી ડાયસ્પરાની સંખ્યા પણ મોટી છે.

વળી ભારતના કોઈ હવાઇ મથકેથી વિદેશ જતા વિમાનમાં પગ મૂકતાં વત હરકિસનમાંથી હેરી, મંદારિકામાંથી મેંડી, ડેલીવાળામાંથી ડેલી અને કાડાપય્યામાંથી કાડી બની જનાર ડાયસ્પરા પણ છે. પોતાનાં નવાં નામ પાડવા માટે એમને ફઇબાઓની જરૂર પડતી નથી.

આ ડાયસ્પરાના કેટલાક સજજનો ત્યાંની કોઈ ગોરી યુવતીના મોહપાશમાં બંધાઇ ગયા હોય છે તે છતાં વડીલોના દબાણને કે એવે કોઈ કારણે દેશમાં આવી અહીંની કોઈ કન્યાને ભોળવી, પોતાની સાથે પરદેશ લઇ જાય છે અને ત્યાં એ ભારતીય યુવતીએ કામવાળી થઇને રહેવું પડે છે. આવી રીતે ગયેલી અને ત્યાં ગયા પછી તકલીફમાં આવી પડેલી યુવતીઓની સંખ્યા નાની નથી. આની સાથે કોઈ અમેરિકાવાસી સાથે સગવડિયાં લગ્ન કરી, એની પત્ની તરીકે ત્યાં પ્રવેશવાના અધિકાર મેળવી, ત્યાં જઇ આઝાદ થઈ જનારી યુવતીઓ પણ છે.

લંડનમાં વસતા આપણા ગુજરાતીઓમાંનો ઠીક ઠીક એવો ભાગ આફ્રિકા થઇને ત્યાં ગયેલાઓનો છે. એ લોકો અંદરોઅંદર વાતો કરતા હોય ત્યારે અંગ્રેજો અને બીજા યુરોપિયનો માટે ‘ધોરિયા’ (ધોળિયા) આફ્રિકનો માટે ‘કારિયા’ (કાળિયા) અને આરબો માટે ‘આરબા’ શબ્દ પ્રયોજે છે. એ પ્રજાઓ કરતાં આપણે ચડિયાતા છીએ એ ભાવ આ ત્રણેય પ્રયોગ પાછળ અભિપ્રેત છે. આ ગુરુતાગ્રંથિ પણ ગુજરાતી ડાયસ્પરાનું વિશિષ્ટ લક્ષણ છે.

પાછલાં પચીસપચાસ વર્ષોથી ઈંગ્લડ અને અમેરિકા વસનાર ભારતીયો કે ગુજરાતીઓ જ ડાયસ્પોરા નથી. ગુજરાતીઓ પૂરતી જ વાત કરીએ તો, સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાળ પ્રદેશોના વાસીઓ ઓછામાં ઓછાં બસો વરસોથી આફ્રિકાના વિવિધ દેશોની ખેપ ખેડતા થયા છે. આવો દરેક ડાયસ્પરા જણ પ્રથમ તો એકલો જ જાય છે. ત્યાં ગયા પછી એને ઠરીઠામ થતાં થોડો સમય વીતી જાય છે. ત્યાં સુધીના ગાળામાં એ પોતાની બધી શકિત અને બધો સમય બે પૈસા ભેગા કરવામાં ‘શેઠ’થી નોખો પડી પોતાની દુકાન માંડવામાં એ ખરચતો થતો હોય છે. એને નસીબે યારી આપી અને એણે પોતાની હાટડી માંડી કે એનું લક્ષ બીજી દિશાઓ તરફ જવા લાગે છે. કાં તો એ હજી પરણ્યો હોતો નથી કે કાં પરણ્યો હોય તો પત્નીને બોલાવવાની ત્રેવડ એનામાં હજુ આવી નથી એટલે એ એકલો જ રહેતો હોય છે અને ત્યાંની સ્થાનિક સ્ત્રીઓને પોતાના પાશમાં એ લેતો થાય છે. સને ૧૯૫૨માં આર્યસમાજી સ્વામી ભવાનીદયાળે પોતાના હિંદી પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે, એ ગુજરાતી જણ ત્યાંની શ્યામ નારીને ભોગવે છે, એના દ્વારા જન્મેલાં બાળકોનો પિતા બને છે પણ એને પોતાની પત્ની બનાવતો નથી. એ બાળકો છતે બાપે નબાપાં બની જાય છે. અને કોઈ યતીમખાનામાં જોડાઇ મુસલમાન બને છે કે કોઈ ખ્રિસ્તી અનાથાશ્રમમાં જોડાઇ ખ્રિસ્તી બને છે. ડાયસ્પરાનું આ પણ એક પરાક્રમ જ છે.

દક્ષિણ અને પૂર્વ આફ્રિકામાં કેટલાંક વર્ષો રહેલા અને ત્યાં ગયેલા અને જતા ભારતવાસીઓને એકત્રિત કરી સંસ્કારનું સિંચન કાર્ય કરનાર સ્વામી ભવાનીદયાળે આફ્રિકન શ્યામ સ્ત્રીને આર્યસમાજી ઢબે િહંદુ બનાવી તેને એક ગુજુ વેપારીએ અપનાવ્યાનો માત્ર એક જ કિસ્સો પોતાના પુસ્તકમાં ટાંકયો છે. એ પુસ્તક ૧૯૫૨માં પ્રકાશિત થયું હતું. ડાયસ્પરાનું આ પરાક્રમ પણ નોંધવું પડે.

અહીં એક જુદો વિચાર પણ આવે છે. યુરોપના કોઈ પણ દેશમાંથી અમેરિકા ગયેલો યુરોપિયન પછી આઈરીશ, ફ્રેન્ચ, જર્મન, સર્બિયન, ઈટેલિયન, હંગેરિયન, રશિયન, સ્પેિનશ કે પોર્તુગીઝ રહેતો નથી. એ અમેરિકન જ બની જાય છે. ભારતવાસીઓનો સારો એવો ભાગ રહેણીકરણીમાં અને ખાણીપીણીમાં અમેરિકન બની જતો હોવા છતાં, પૂરો અમેરિકન બની જતો નથી. અને ઈંગ્લડમાં કે અમેરિકામાં, ગુજરાતીઓનાં, મરાઠીભાષીઓનાં તામિલોનાં, કેરળવાસીઓના ... એ ય અલગ અલગ મંડળો હોય છે. અને ગુજરાતીઓમાં જ્ઞાતિવાર મંડળો પણ, કદાચ અસ્તિત્વ ધરાવતાં હશે. આમ, ત્યાં જઇને પોતાની અલગતા જાળવી રાખવાનો આ પ્રયત્ન કેટલો યોગ્ય છે ,તે વિચાર પણ કરવો પડે. અલગતાની ઓળખ જાળવી રાખવાની આ વૃત્તિ શિખ લોકોને માથેથી પાઘડી ઊતરાવતી નથી અને મુસલમાન સ્ત્રીઓને બુરખામાં જકડી રાખે છે તથા, પોતાનાં બાળકો માટે દેશની કન્યા કે દેશનો વર મેળવવાનો આગ્રહ રાખતાં કરે છે. કમ સે કમ, ભારતીય અને ગુજરાતીઓ તેમાં આવી જ જશે. ડાયસ્પોરાની આ પણ વિશેષતા છે.

ડાયસ્પોરાનો વિચાર આમ બધી બાજુઓએથી કરવો જોઈએ.
(સદ઼ભાવ : ‘કહું, મને કટેવ’; “નિરીક્ષક”, ૧૬.૦૨.૨૦૦૯; "અોપિનિયન", ૨૬.૦૨.૨૦૦૯)

Category :- Diaspora / Features