DIASPORA

‘ઓપિનિયન’ એ વિચારપત્ર છે અને એના રજત પડાવે આ અવસર રચાયો છે તેથી બે શબ્દોની વાતથી શરૂઆત કરું. એક શબ્દ છે ‘ઓપિનિયન’, એ શબ્દના ગુજરાતી પર્યાય અભિપ્રાય, મત, મંતવ્ય કરીએ. બીજો શબ્દ છે ‘વિચાર’. અભિપ્રાય અને વિચાર - આ બંને શબ્દો વિદેશમાં વસતા સમુદાય સંદર્ભે મહત્ત્વના છે. વિચાર એ અભિપ્રાયનું ઉદ્ગમસ્થાન છે. વિચાર પ્રેરવા માટે માહિતી અને સંવેદનક્ષમતા જરૂરી છે. લોકો જ્યારે દેશમાંથી પોટલાં બાંધીને વિદેશ નિવાસાર્થે ગમન કરે છે ત્યારે ઘણી બધી વસ્તુઓ સાથે લઇ જાય છે. પણ સાથે લઇ જવાની એ બધી ભૌતિક વસ્તુઓની યાદીમાં આ બે અભૌતિકો પાછળ રહી જાય છે. બાલમુકુંદ દવેનું કાવ્ય ‘જૂનું ઘર ખાલી કરતાં’ની પંક્તિ છે ‘શું શું સાથે લઇ જઈશ હું?’ − કહેવાનું તાત્પર્ય એ છે કે નવા દેશમાં જઈને ઠરીઠામ થવામાં અને રોટલો રળવામાં આપણે એવાં જોતરાઈ જઈએ છીએ કે દેશ-વિદેશના પ્રવાહો વિષેની માહિતી અને એના આધારે વિચાર, વિચારમાંથી ઉદ્દભવતા અભિપ્રાય, અને લોકશાહી ઢબે એ અભિપ્રાયની અભિવ્યક્તિ અને આદાન-પ્રદાનની પ્રક્રિયાથી આપણને છેટું થઇ જાય છે. વાંચન, વિચાર, બંને દેશોના અને દુનિયાના સાંપ્રત સામાજિક-સંસ્કૃતિક-રાજકીય પ્રવાહોની માહિતી અને વિચાર વિમર્ષમાં આપણે ક્યાંક પાછાં પડીએ છીએ એવો મારો અનુભવ છે. અને તેથી ‘ઓપિનિયન’ જેવી વેબસાઈટ એ દેશાંતરિતોની આજની અને આવતી પેઢીઓ માટે અત્યંત ઉપકારક છે.

વારસાની ભૂમિ એટલે શું? પૃથ્વીના ગોળા પર અક્ષાંશ અને રેખાંશ વચ્ચે, રેખાઓથી બનેલા કોઈક ચોક્કસ આકારનો જમીનનો એક ટૂકડો? ના, ભૂમિ એટલે જે તે ભૂમિ પર વસતા લોકો, એ લોકોનો બનેલો સમાજ, જે સંસ્કૃતિના પાયા પર એ સમાજ રચાયો છે એ સંસ્કૃતિ, અને જે પરંપરાની ધરોહર પર એ સંસ્કૃતિ ટકી છે એ પરંપરા. વળી વારસાની ભૂમિ એકથી વધુ પણ હોઈ શકે છે. ભારતીય મૂળની કોઈ વ્યક્તિ આફ્રિકાના કોઈક દેશમાં જન્મી હોય, વિલાયતમાં અભ્યાસ કર્યો હોય અને પછી જો એ ઓસ્ટ્રેલિયા આવીને સ્થાયી થાય તો એનો વારસો, એની જીવન જીવવાની તરેહ, એની વિચાર પદ્ધતિ ભારત, આફ્રિકા, વિલાયત એમ ત્રણે ભૂમિ સાથે સંકળાયેલી સંસ્કૃતિની ઉપજ હોય. વળી સમાજો પરિવર્તનશીલ છે. સમય સાથે દરેક સ્થળ અને એનું જનજીવન પરિવર્તનોમાંથી પસાર થાય છે. ડાયાસ્પોરાના લોકો જ્યારે વતન જઈને પાછા ફરે છે ત્યારે વતનના પરિવર્તનથી ક્યારેક વ્યથિત થાય છે તો ક્યારેક એના વિષે ટીકાત્મક વલણ ધરાવે છે. પણ શું પરિવર્તન સાર્વત્રિક અને અનિવાર્ય નથી? આપણે જે દેશને અપનાવ્યો છે એ દેશ પણ ક્યાં પરિવર્તનથી પર છે? હકીકત એ છે કે આપણે જ્યાં આવીને વસ્યાં છીએ એ સમાજનું પરિવર્તન આપણે વધુ સરળતાથી સ્વીકારી શકીએ છીએ કારણ કે આપણે એ પરિવર્તનના ભાગ છીએ. સમાજોની આ પરિવર્તનશીલતાને કારણે વતનઝૂરાપો એક બહુ જ જટિલ અને પેચીદો મુદ્દો બને છે. આપણને કયા વતનનો ઝૂરાપો છે અથવા હોઈ શકે? જે વતનને આપણે પાછળ મૂકીને આવ્યાં એ વતન? જો દાયકાઓ પહેલાંના એ વતનને આપણે શોધતાં હોઈએ તો એ વતન તો હવે ક્યાં ય નથી. અને વતન આજે જેવું છે એને તો આપણે ઓળખતાં જ નથી. તે વખતે પ્રશ્ન એ થાય અને કરવો રહ્યો કે આપણા વતનનો ચહેરો બદલાયો છે કે આત્મા બદલાયો છે? દેશાંતર કરીને વિદેશોમાં વસતા કોઇ પણ વ્યક્તિના જીવનમાં છેલ્લાં દસેક વર્ષમાં આવેલી ટેકનોલોજીની ક્રાંતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઈન્ટરનેટને કારણે પ્રત્યાયનની વધેલી સુવિધાઓએ ઘરઝૂરાપાને ધરમૂળથી ઉખેડવા માંડ્યો છે, અથવા ઓછો કર્યો છે. આજનો માઈગ્રન્ટ માત્ર ભૌગોલિક દૃષ્ટિએ વતનથી દૂર છે, તે સિવાય બધી જ રીતે એ વતન સાથે સંકળાઈ શકે છે.

ડાયસ્પોરાની દરેક વ્યક્તિ એ દ્વિજ છે. એને એક જન્મમાં બેવડો જન્મ મળ્યો છે. પણ તેની સાથે એનું બેવડું ઉત્તરદાયિત્વ પણ બને છે. દાખલા તરીકે હું ઓસ્ટ્રેલિયામાં વસું છું ત્યારે અહીંના સમાજમાં હું ભારતીયતાનું પ્રતિનિધિત્વ કરું છું અને જ્યારે હું ભારત જાઉં ત્યારે ઓસ્ટ્રેલિયાના સમાજમાંથી મેં જે આત્મસાત કર્યું છે એની હું વાહક બનું. ડાયસ્પોરા માટે દેશપ્રેમનું વિભાવન પણ સમજણ માંગી લે એવું છે. આપણે ભારતીયો ક્યારેક રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રપ્રેમ વચ્ચે ગૂંચવાતા હોઈએ એવું મેં જોયું છે. જો તમે રાષ્ટ્રવાદી છો તો તમે તમારા દેશબંધાવો સિવાય સર્વને ધિક્કારો છો, પરંતુ તમે જો રાષ્ટ્રપ્રેમી છો તો તમે સૌનો સ્વીકાર અને સૌને પ્રેમ કરી શકો છો.

દેશાંતર હવે સામાન્ય બનતું જાય છે ત્યારે એ રાજકારણનો, સમાજકારણનો અને મનોવિજ્ઞાનનો મુદ્દો બન્યો છે. બીજા દેશમાં જઈને વસવાટ કરીએ ત્યારે integration, assimilation જેવા શબ્દો રાજ્યકર્તાઓ પાસેથી વારંવાર સાંભળીએ છીએ. સમાનાર્થી જણાતા આ બે શબ્દો વચ્ચે એક સૂક્ષ્મ ભેદ છે. Integrationનો અર્થ પોતાનું જે છે એ જાળવીને બીજું અપનાવવું એવો થાય છે, જ્યારે assimilationમાં પોતાનું જે છે એ ત્યજીને નવા સાથે તાદાત્મ્ય સાધવાનો અર્થ સમાયેલો છે. ગુજરાતી ડાયસ્પોરા સંદર્ભે જોઈએ તો આ બંને શબ્દો સાથે સંકળાયેલો બીજો એક શબ્દ છે bi-lingualism અથવા દ્વિભાષીપણું. ભાષાવિજ્ઞાનીઓ બે જાતના દ્વિભાષીપણાની વાત કરે છે : Subtractive bi-lingualism અને additive bi-lingualism. પહેલા પ્રકારના દ્વિભાષીપણામાં વ્યક્તિ પહેલી ભાષા અથવા મૂળ ભાષાને ભૂલતી જાય અને બીજી ભાષા અપનાવે, જ્યારે બીજા પ્રકારમાં વ્યક્તિ પહેલી ભાષા જાળવી રાખે અને બીજી ભાષા સમાંતરે ચાલે. ગુજરાતીઓ પર પહેલી ભાષા ભૂલી જઈને અંગ્રેજી ભાષા અંગીકાર કરવાનો આરોપ છે. ડાયસ્પોરાની પહેલી પેઢી કદાચ મૂળ ભાષા જાળવી શકે છે, પરંતુ જ્યારે બીજી પેઢીનો સવાલ આવે ત્યારે મોટે ભાગે મૂળ ભાષા ભૂંસાતી જોવા મળે છે.

નવા દેશમાં વસવાટ કરવામાં જે તે દેશની સ્થાનિક પ્રજા દ્વારા નવાગંતુક વસાહતીઓનો સ્વીકાર થાય અને બધી જ પ્રજાઓ હળીમળીને સંવાદી સમાજનું ઘડતર કરે એ એક આદર્શ છે. પરંતુ આજે પણ દુનિયાભરમાં વંશવાદથી પ્રેરિત અનેક દુર્ઘટનાઓ ઘટે છે. વંશવાદી વૃત્તિનાં મૂળ કદાચ મનુષ્યની અન્ય કરતાં પોતાને ચડિયાતા માનવાની જરૂરિયાતમાં રહેલાં છે. પોતે બીજા કરતાં જુદો છે એનાથી એને સંતોષ નથી તેથી એ પોતાને બીજાથી ચડિયાતો ગણે છે અને એમાંથી એ અન્ય પ્રત્યે દુર્વ્યવહાર અને તિરસ્કારયુક્ત વર્તન કરે છે. આજે અનેક દેશોની સરકારોએ વંશવાદ વિરોધી કાયદાઓ ઘડ્યા છે, એનાથી વંશવાદી વર્તનના પ્રકાર બદલાયા છે, વંશવાદ હવે વધુ સૂક્ષ્મ સ્વરૂપે વ્યક્ત થાય છે અને તેથી સૂક્ષમ સ્વરૂપે એનો સામનો કરવાનો સમય આવ્યો છે. વંશવાદ બંને પક્ષે હોઈ શકે, અને જેમ જેમ ડાયસ્પોરા સંખ્યાની દૃષ્ટિએ વિસ્તરતો જાય છે એમએમ રીવર્સ રેસિઝમ એટલે કે અવળો વંશવાદ પ્રગટ થઇ રહ્યો છે. પોતાના વતનમાંથી દેશાંતર કરીને બીજા દેશમાં સ્થિર થયેલો જનસમૂહ ત્યાંની મૂળ વતની પ્રજા સાથે ભેદભાવયુક્ત વર્તન કરે એવા ઘણા કિસ્સા નોંધાઈ રહ્યા છે. ‘હું મારા ધંધામાં આપણા ગુજરાતીઓને/ભારતીયોને જ નોકરી આપું.’ અથવા એનાથી પણ આગળ જઈને ‘હું મારા ધંધામાં આપણી જ્ઞાતિના લોકોને જ નોકરી આપું’ આવી ઘટનાઓ એ આજની વાસ્તવિકતા છે. આજે પણ દેશ-વિદેશમાં પથરાયેલો ભારતીય ડાયસ્પોરા અનેક જાત-જ્ઞાતિ- ભાષા-રાજ્ય-ગામના આધારે રચાતાં મંડળો અને સંસ્થાઓમાં વિભાજીત છે એની સખેદ નોંધ લેવી જ પડે.

પહેલી પેઢીના દેશાંતરિતો પોતાનું મોટા ભાગનું જીવન પોતાની અસ્મિતા શોધવામાં અને પોતાના ચિત્તમાં એ અસ્મિતાને પ્રસ્થાપિત કરવામાં ગાળે છે. અસ્મિતાની શોધમાંથી ઘણી સમસ્યાઓ ઉદ્દભવે છે, જેનો અભ્યાસ સમાજશાસ્ત્રીઓ માટેનો અને મનોવિજ્ઞાનીઓ માટેનો વિષય છે. પરંતુ જગતનો છેલ્લાં પચીસ-પચાસ વર્ષનો ઇતિહાસ તપાસીશું તો જણાશે કે દુનિયામાં થયેલા મોટા ભાગના આતંકી હુમલાઓ પાછળ ઇમિગ્રન્ટસની બીજી પેઢી રહેલી છે. અસ્મિતાની કશ્મકશમાંથી સર્જાતી આંતરિક કટોકટીનું આ પરિણામ હોઈ શકે. તો બીજી તરફ બેવડી અસ્મિતાનો સ્વીકાર કરવાથી સકારાત્મક પરિણામો પણ આવી શકે જો આ દ્વૈતનો ઉપયોગ પ્રજાઓ વચ્ચે સંવાદ રચવામાં કરી શકીએ. વ્યક્તિમાત્રમાં plurality છે, એ હકીકતનો સ્વીકાર કરી શકીએ તો સમાજમાં પ્રવર્તતી વિવિધતા સાથે આપોઆપ તાલમેલ થઇ શકે અને જય જગતનો મંત્ર ચરિતાર્થ થાય, કારણ કે નાગરિક ધર્મ અને માનવ મૂલ્યો આખરે દેશ-કાળથી પર છે.

ફાધર વાલેસના પુસ્તક ‘ટુ કન્ટ્રીઝ, વન લાઈફ : એન એન્કાઉન્ટર ઓફ કલ્ચર્સ’માં એમણે નોંધેલી એક વાતથી સમાપન કરું છું. રૂડયાર્ડ કિપલિંગના ‘બેલડ ઓફ ધ ઇસ્ટ’ની જાણીતી પંક્તિ છે ‘East is East and West is West and never the twain shall meet’. એ વિષે ફાધર આ પુસ્તકમાં લખે છે કે આ પંક્તિને એના સંદર્ભ બહાર લેવાથી ઘણી ગેરસમજ સર્જાઈ છે. એ કાવ્યની ચાર પંક્તિઓ જોઈએ તો કિપલિંગ શું કહેવા માંગે છે સ્પષ્ટ થશે.

“Oh East is East, and West is West, and never the twain shall meet,
Till Earth and Sky stand presently at God’s great Judgement Seat;
But there is neither East nor West, Border nor Breed, nor Birth
When two strong men stand face to to face tho’ they come from the ends of the earth!”

દુનિયાના બે છેડે વસતી બે સક્ષમ વ્યક્તિઓ જ્યારે મળે ત્યારે જન્મ, જાત કે રાષ્ટ્રોની સીમાઓ નિરર્થક બને છે.

e.mail : [email protected]

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જ ‘જય જગત’” નામક અવકાશી બેઠકમાંની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)

Category :- Diaspora / Features

ઓપિનિયનની રજત જયંતી—2021 : “લિટલ મેગેઝીન”નો ચમત્કાર

ઓપિનિયન વિચાર પત્રને પચીસ વર્ષ પૂરાં થયાં એ વર્તમાન ગુજરાતી પત્રકાર જગતની એક અસાધારણ ઘટના તો છે જ, પરંતુ સાથે સાથે બૌદ્ધિક ગુજરાતી ડાયસ્પોરા વિશ્વનું પણ એક નોંધપાત્ર સીમાચિહ્ન છે. ગુજરાતી ભાષામાં કોઈ પણ સામયિક પચીસ વરસ સુધી એકધારું ચલાવવું એ જેવાતેવાનું કામ નથી. એમાં તો ભેખ લેવો પડે. ગાંઠનું ગોપીચંદન કરવું પડે અને અસાધારણ પરિશ્રમ કરવો પડે. આ ભગીરથ કામ વિપુલભાઈ અને કુંજબહેને આટલો લાંબો સમય નિષ્ઠાથી કર્યું છે અને હજી પણ કર્યે જાય છે તેને માટે આપણે સહુ એમનાં ઋણી છીએ.

આવા કપરા કામના ગુજરાતી પત્રકાર જગતમાં બહુ દાખલા નથી, પણ ઓપિનિયન મેગેઝીન મને અમેરિકાના I. F. Stone’s Weeklyની યાદ આપે છે. વર્ષો સુધી આ ભડવીર પત્રકારે એકલે હાથે આ વીકલી ચલાવીને અમેરિકન વિચારજગત પર એક અનોખી છાપ પાડી હતી. Time અને Newsweek જેવા mass circulation magazines આવી છાપ નહોતી પાડી શક્યા. આ છે લિટલ મેગેઝીનનો ચમત્કાર. 

ઓપિનિયનની આ રજતજ્યંતી સમયે વિપુલભાઈને અભિનન્દન. અને આશા રાખીએ કે ડાયસ્પોરા ગુજરાતી પત્રકાર જગતને એ પોતાની ડિજિટલ કલમથી સમૃદ્ધ કર્યા કરે.   

[શબ્દ સંખ્યા 173]

•••••

અમેરિકાનો ઇન્ડિયન ડાયસ્પોરા

ડાયસ્પોરાનો એટલે કે વિદેશગમન અને વિદેશવાસનો ઇતિહાસ બહુ મોટો છે. યહૂદી પ્રજાએ જે રીતે અસહિષ્ણુ અને ધર્માન્ધ ત્રાસવાદીઓથી બચવા પોતાનાં ઘરબાર, માલ મિલ્કત અને દેશ છોડીને રઝળવું પડ્યું તેની યાતનામાંથી ડાયસ્પોરાની વિભાવના શરૂ થઈ. એના મૂળમાં યહૂદીઓની સ્વદેશ પાછા જવાની ઝંખના હતી. યહૂદીઓ પર જે જુલમ થયો તે આજે ઓછા વત્તા પ્રમાણમાં બીજી અનેક પ્રજાઓ પર થઈ રહ્યો છે. આજે નિરાશ્રિતોની કોઈ કમી નથી કેમ કે ત્રાસવાદીઓની કોઈ કમી નથી. દુઃખની વાત એ છે કે ચોક્કસ આવી રહેલા ક્લાઈમેટ ચેન્જ, નવા પેન્ડેમિક્સ, અને ઠેર ઠેર દેખાતા સંકુચિત રાષ્ટ્રવાદ — નેશનાલિઝમને - કારણે આ નિરાશ્રિતો સંખ્યા વધતી જશે. 

બે વરસ પહેલા મિડલ ઇસ્ટમાંથી હજારો લોકો પહેર્યે કપડે નીકળી પડયા હતા. માઈલોના માઈલો સુધી બાળબચ્ચાંઓ સાથે ચાલીને આ નિરાશ્રિતોએ યુરોપનાં બારણાં ખખડાવ્યાં હતાં. તેવી જ રીતે આજે સેન્ટ્રલ અમેરિકામાંથી હજારો લોકો અસહ્ય હાડમારીઓ ભોગવીને પણ અમેરિકા આવી રહ્યા છે.  

વર્તમાન ટેક્નોલોજીએ વસુધૈવ કુટુંમ્બકમ્‌ની વૈદિક કલ્પનાને સાચી કરી બતાવી છે. કમ્યુનિકેશનના વિવિધ સાધનોએ તેમ જ એરટ્રાવેલની સગવડતાએ દુનિયાને નાની બનાવી દીધી છે. વર્લ્ડવાઈડ વેબને કારણે જગતનો કોઈ પણ ખૂણો હવે નથી અજાણ્યો કે નથી અંધારો.  કોરોના પેન્ડેમિક ભલે ચીનના એક પ્રાંતમાં શરૂ થયો, પણ તે ત્યાં અટક્યો નથી. આખી દુનિયામાં પ્રસર્યો છે.

જો ટેક્નોલોજીએ આંતરરાષ્ટ્રીય સરહદો તોડી છે, તો મનુષ્ય સહજ વહેમ, સ્વાર્થ અને પૂર્વગ્રહોનો લાભ લઈ સત્તાભૂખ્યા નેતાઓએ દેશેદેશના દરવાજા પણ બંધ કર્યા છે. આ કારણે દુનિયામાં હાલ તુરત 80 મિલિયન નિરાશ્રિતો ઘરબાર વગરના રઝળે છે. આવી હૃદયદાવક પરિસ્થિતિમાં એક જગત કે જય જગતની વાત કરવી યોગ્ય લાગતી નથી.

અમેરિકન ડાયસ્પોરાના મૂંઝવતા પ્રશ્નો

અમેરિકન ઇતિહાસમાં દુઃખે દાઝેલી અને ભૂખે ભાંગેલી ઈમિગ્રન્ટ પ્રજાઓનું જે ચિત્ર છે, તે ભારતીય ઈમિગ્રન્ટ પ્રજાનું ચિત્ર નથી. જે દશામાં દોઢસો-બસો વર્ષો પહેલા રશિયન, ઇટાલિયન, આઈરીશ લોકો અહીં આવ્યા હતા અને આજે અસંખ્ય હિસ્પાનિક લોકો આવી રહ્યા છે, તે દશામાં આ ભારતીયો નથી આવ્યા. અહીં આવનારા ભારતીયો મોટા ભાગે દેશમાં સાધનસંપન્ન હતા. એ કાંઈ દેશમાંથી ભાગીને નથી નીકળ્યા. એ તો સ્વેચ્છાએ અમેરિકા આવ્યા છે અને. અહીંના સુંવાળા જીવનથી ટેવાઈ ગયા છે. એમાંથી ભાગ્યે જ કોઈ પાછું જવાનું નામ લે છે.

અમેરિકાના લાંબા વસવાટ પછી આ ભારતીય ઈમિગ્રન્ટ્સને એક વસ્તુ સ્પષ્ટ થઈ છે કે આપણે હવે અહીં અમેરિકામાં જ રહેવાનું છે. દેશમાં તો વરસે બે વરસે આંટો મારવા જવાય એટલું જ, બાકી તો અમેરિકા જ આપણો દેશ અને એ જ આપણું ઘર. 1960 અને 1970ના ગાળામાં બહુ મોટી સંખ્યામાં જે ભારતીયો અહીં આવ્યા તે હવે નિવૃત્ત થવા લાગ્યા છે. તેમના છોકરાંઓને ઘરે છોકરાંઓ રમે છે. ફૂટબોલ, એમ.ટી.વી., આઈફોન, પીઝા અને કોકાકોલા ઉપર ઊછરેલ આ બીજી ને ત્રીજી પેઢી અંશેઅંશ અમેરિકન છે. અપૂર્વ કે સોના જેવાં એમનાં કર્ણપ્રિય નામ કે એમનો ઘઉંવર્ણો વાન જ ભારતીય છે, બાકી બીજી બધી દૃષ્ટિએ એ પ્રજા અમેરિકન છે.

પ્રશ્ન એ છે કે આ નવી પેઢીની અસ્મિતા કઈ? એમનું સામાજિક અને સાંસ્કૃતિક ભવિષ્ય કેવું હશે? એમના સંસ્કાર અને સંસ્કૃતિ ક્યાંનાં? એમનું ધર્માચરણ કેવું હશે? આખી દુનિયામાંથી આવેલી ભાતીગળ પ્રજાઓના વૈવિધ્યને જે રીતે અમેરિકન ભઠ્ઠી (મેલ્ટીંગ પૉટ) ધીમે ધીમે ઓગાળીને એકરસ કરી દે છે, તેવી જ દશા આપણી અહીં વસતી ભારતીય પ્રજાની થવાની છે? કે પછી આ પ્રજા ભારતની ભવ્ય સંસ્કૃતિનો વૈભવ અને વારસો જાળવી રાખીને પોતાની વિશિષ્ટતાનો ધ્વજ ફરકાવશે? વૃદ્ધ વડીલો સાથે એમનો સંબંધ કેવો હશે? આવા અનેક પ્રશ્નો અહીંના ભારતીયોના મનમાં ભારેલા અગ્નિની જેમ ભરાઈને પડ્યા છે.

ત્રણ તબક્કામાં ભારતીયોનું આગમન

અમેરિકામાં ભારતીયો ત્રણ તબક્કામાં આવ્યા. ૧૮૨૦થી માંડીને ૧૯૬૫ સુધીનો પહેલો તબક્કો.  ૧૯૬૫થી 1990 સુધીનો બીજો. ત્યાર પછી આજ સુધીનો ત્રીજો. પહેલા તબક્કામાં મોટા ભાગે પંજાબી ખેડિયા કામગારો આવેલા. ઓછા પગારે અને કેડતોડ કામ કરીને આ મજૂરો અમારી રોજગારી લઈ લેશે એવા ભયે હિન્દુસ્તાનીઓ અને અન્ય એશિયનો અમેરિકા ન આવી શકે એવા કાયદાઓ પસાર થયા.

૧૯૬૫માં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓમાં ધરખમ ફેરફારો થયા. ઇમિગ્રન્ટ્સ ક્યાંથી આવે છે, તેને બદલે તેની શી લાયકાત છે, એની શી આવડત છે એ વાત ઉપર ભાર મૂકવાનું નક્કી થયું. વધુમાં એ જો ડૉક્ટર, નર્સ, એન્જિનિયર, ફાર્મસિસ્ટ, પ્રૉફેસર, વગેરે હોય તો તો એને ખાસ આવવા દેવા જોઈએ. કારણ કે અમેરિકામાં આવા કુશળ લોકોની ખૂબ જરૂર છે. આમ 1965માં જ્યારે અમેરિકન ઈમિગ્રેશનનાં બારણાં ઊઘડ્યાં ત્યારે ઘણા પ્રોફેશનલ ભારતીયો આવ્યા. આ એમનો બીજો તબક્કો.

1990-2000ના ગાળામાં અમેરિકામાં “વાય-ટુ-કે” ટેક્નોલોજીનો અત્યંત જટિલ પ્રશ્ન ઊભો થયો. તેનો ઉકેલ કરવા માટે દેશમાંથી લાખોની સંખ્યામાં ટેક્નોલોજીના નિષ્ણાત લોકો લવાયા. આમ ભારતીય ઇમિગ્રેશનનો ત્રીજો તબ્બકો શરૂ થયો.

1965ના મોકળા કાયદાને કારણે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાંથી મોટા પ્રમાણમાં જે ઈમિગ્રન્ટ્સ આવ્યા તેમને અનુસરીને એમના કુટુંબો પણ આવ્યા. આ કારણે અમેરિકાના રંગ રોગાન એકાએક જ બદલાવા લાગ્યા. બિનગોરાઓની વસ્તી કૂદકે અને ભૂસકે વધવા માંડી. પરિણામે સેન્સસની ગણતરી મુજબ 2045માં અમેરિકામાં ગોરાઓની બહુમતિ નહીં રહે! 

આગવું સ્થાન

અમેરિકામાં અત્યારે ચારેક મિલિયન ભારતીયો વસે છે. વિકસિત દેશોનો વિચાર કરીએ તો વધુમાં વધુ વિદેશવાસી ભારતીયો (એન.આર.આઈ.) અમેરિકામાં છે.  અહીંની લગભગ 350  મિલિયનની વસ્તીમાં સંખ્યાની દૃષ્ટિએ અહીંના ભારતીયોનું પ્રમાણ બહુ જ ઓછું ગણાય, પણ પોતાના કૌશલ્ય, ખંત, અને ભણતરને કારણે એમણે અમેરિકન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ઍકાઉન્ટિંગથી માંડીને ઝૂઓલૉજી સુધીના અનેક ક્ષેત્રોમાં આપણા ભારતીયો અત્યારે અગત્યનું કામ કરી રહ્યા છે. ઘણાયને તો આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી ચૂકી છે. વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં આ ભારતીયોમાંથી ભવિષ્યના નોબેલ પ્રાઈઝના વિજેતાઓ નીકળશે તેવી સમર્થ એમની સિદ્ધિઓ છે. છેલ્લાં પચાસ વર્ષોમાં વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં જે જે ભારતીઓને નોબેલ પ્રાઈઝ મળેલું છે તે બધાએ એમનું અગત્યનું કામ મુખ્યત્વે અમેરિકામાં કરેલું છે.

આજે કોઈ પણ ક્ષેત્રનું પ્રોફેશનલ સામયિક ઉઘાડો તો તેમાં એકાદ ભારતીયનો મહત્ત્વનો લેખ તમને જરૂર જોવા મળે. અમેરિકામાં ભાગ્યે જ એવી હૉસ્પિટલ હશે કે એમાં ભારતીય ડૉક્ટરો ન હોય, કે કોરોના વાયરસની વિશેના ટી.વી. ઉપર આવતા ભાગ્યે જ કોઈ પ્રોગ્રામમાં ઇન્ડિયન ડોક્ટર ન હોય,  કે ભાગ્યે જ એવી કોઈ યુનિવર્સિટી હશે જેમાં ભારતીય પ્રૉફેસરો ન હોય. અહીંની મહત્ત્વની એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ કંપનીઓમાં ભારતીય એન્જિનિયરો મોટી સંખ્યામાં હોય જ. અમેરિકાની મોટેલોની ત્રીજા ભાગની આપણા વાણિજ્ય કુશળ પટેલ ભાઈઓએ કબજે કરી છે, તો ઘણી બધી નાની ફાર્મસીઓ પણ આપણા ભારતીયોના હાથમાં છે. વેપાર ધંધે હૂંશિયાર ભારતીય એન્જિનિયરોએ પોતાની નાની મોટી કન્સલ્ટિંગ કંપનીઓ ખોલી છે. ટી.વી., રેડિયો, એપલાયન્સ, ગ્રોસરી, ન્યૂઝસ્ટોલ, ધોબી, ઘરેણાં, સાડીઓ, આઈસ્ક્રીમ, કન્સ્ટ્રક્શન, ઇન્સ્યોરન્સ, રીઅલ એસ્ટેટ,  વગેરેના નાનામોટા ધંધાઓમાં ભારતીયો, મુખ્યત્વે ગુજરાતીઓ, ખૂબ આગળ આવ્યા છે. 

આ ભારતીયોની આર્થિક સિદ્ધિઓ એટલી તો નોંધપાત્ર છે કે ભણતર, આવક, મિલકત, અને સામાજિક માનસન્માનની દૃષ્ટિએ એમની ગણતરી અહીંના ટોપ વન પર્સન્ટમાં થાય છે. અહીં બે લાખથી યે વધુ ઇન્ડિયન મિલિયોનેર વસે છે. તો અમેરિકાના 400 અત્યંત ધનિકોમાં, —બિલિયોનેર્સમાં — નવ ભારતીય છે. આ લિસ્ટમાં બે તો ભારતીય મહિલાઓ છે! અત્યારે માસ્ટર કાર્ડ, માઈક્રોસોફ્ટ, આઇ.બી.એમ., હારમન ઇન્ટરનેશનલ અને ગૂગલ જેવી મહાન આંતરરાષ્ટ્રીય કંપનીઓના ચેરમેન ભારતીય ઇમિગ્રન્ટ્સ છે.

આ બધું પહેલી પેઢીની ઈમિગ્રન્ટ પ્રજાથી શક્ય બન્યું એ એક અસાધારણ ઘટના છે. વર્ષો સુધી અમેરિકામાં રહેલા કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીએ વિદેશવાસની વ્યથા વ્યક્ત કરતા લખેલું કે “ઉખડેલા નહીં આંબા ઊગે, ઘરે ઊગેલા આભે પૂગે.” પ્રથમ પેઢીના ભારતીયોની અમેરિકામાં થયેલી આ અસાધારણ ઉન્નતિ જોતાં એમ લાગે છે કે શ્રીધરાણીની નિરાશાજનક આગાહી અહીંના ભારતીય ઈમિગ્રન્ટ્સને લાગુ ન પડે!

પહેલી પેઢીની સામાજિક વ્યથા

આપણા ભારતીયો જો આર્થિક રીતે અહીં ઠરીઠામ થયા છે, તો સામાજિક દૃષ્ટિએ અકળામણ અનુભવે છે. અમેરિકામાં આવેલી બધી ઈમિગ્રન્ટ પ્રજાની પ્રથમ પેઢીની દશા ત્રિશંકુ જેવી હોય છે. ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, એમ પહેલી પેઢીની ઈમિગ્રન્ટ પ્રજા જન્મભૂમિની મમતા મૂકે નહીં અને અમેરિકાનું આકર્ષણ છોડે નહીં. અને જો અમેરિકા ન છોડી શકાતું હોય તો પેલી દરિયાપારની  જન્મભૂમિને કોઈ ચમત્કારથી અમેરિકા લાવી શકાય કે? પરદેશવાસની આ સામાજિક વ્યથાને કારણે આપણને ન્યૂ યૉર્કમાં ‘લિટલ ઈટલી’ કે માયામીમાં ‘લિટલ હવાના’ જોવા મળે છે. આ જ પ્રમાણે આજે શિકાગોમાં ડેવન એવન્યુ, ન્યૂ યોર્કમાં જેક્સન હાઈટ્સ અને ન્યૂ જર્સીમાં ઓક ટ્રી રોડ વગેરે “લિટલ ઇન્ડિયા” તરીકે ઓળખાય છે.

અમેરિકામાં ઉછરેલી પેઢી

જો કે પરદેશવાસનો આ જે તરફડાટ છે તે પહેલી પેઢીના ઈમિગ્રન્ટ ભારતીયોનો છે. અહીં ઊછરતાં એમનાં સંતાનો તો અંશેઅંશ અમેરિકન જ છે. આ બાળકો બ્લોટિંગ પેપરની જેમ એમની આજુબાજુના અમેરિકન વાતાવરણને આત્મસાત્ કરે છે. એમની ભાષા અને ઉચ્ચારો, ભાવ અને પ્રતિભાવ, વાતો અને વિચારો, સંસ્કારો અને સંસ્કૃતિ—એ બધું અમેરિકન છે. જ્યારથી એ બાળક ટી.વી. જોવાનું શરૂ કરે ત્યારથી જ એ ભારતીય મટીને અમેરિકન બનવાનું શરૂ કરે. ટી.વી.થી શરૂ થયેલું એનું અમેરિકનાઈઝેશન પાડોશ અને સ્કૂલમાં આગળ વધે છે. ખાસ કરીને તો સ્કૂલમાં જ ભારતીય કિશોરને એની અમેરિકન અસ્મિતા મળે છે. એ કિશોરને પૂછશો તો એ ગર્વથી પોતાનું અમેરિકન અસ્તિત્વ જાહેર કરશે.

ભારતીય માબાપોનાં આ અમેરિકન સંતાનોને ભારત સાથે બહુ લાગતુંવળગતું નથી. અમેરિકન અસ્મિતાનાં બાહ્ય લક્ષણો એમને જેટલાં સહજ છે, તેટલાં ભારતીય જીવનનાં પ્રતીકો એમને સહજ નથી. આ સંતાનો પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ વ્યક્ત કરવામાં પણ કોઈ સંકોચ નથી રાખતા.  લગ્નજીવન, પ્રણય, જાતીય સંબંધો, કૌટુંબિક સંબંધો, કારકિર્દી વગેરેના તેમના ખ્યાલો અને વિચારો બહુધા અમેરિકન જ છે, અને તે ભારતીય વિચારસરણીથી ઘણા જુદા પડે છે.

આનો અર્થ એ નથી કે આ પ્રજા સ્વચ્છંદી કે અવિવેકી છે. પ્રથમ પેઢીની લાક્ષણિકતાઓ એમનાં સંતાનોમાં પણ ઊતરી આવી છે. મોરનાં ઈંડાં કંઈ ચીતરવાં પડતાં નથી. આ અહીં ઉછરેલી પેઢીની સિદ્ધિઓ અસાધારણ છે. જેમ કે અત્યાર સુધીમાં લુઇઝિઆના અને સાઉથ કેરોલિનામાં બે ઇન્ડિયન્સ ગવર્નર થઈ ચૂક્યા છે. હાલ તુરત અમેરિકન કોંગ્રેસમાં ચાર ઇન્ડિયન અમેરિકન બેસે છે. તો જે એક સેનેટર તરીકે ચૂંટાયેલ હતાં તે કમલા હેરિસ આજે અમેરિકાના ઉપપ્રમુખ છે! અને ભવિષ્યમાં એ અમેરિકાના પ્રમુખ બનશે એવી શક્યતા છે. અત્યારના પ્રમુખ જોસેફ બાયડનના એડ્મીનિસ્ટ્રેશનમાં લગભગ પચાસેક ઇન્ડિયન અમેરિકન ઊંચી કક્ષાના હોદ્દાઓ સંભાળે છે. આ તો માત્ર વોશિંગટનની ફેડરલ ગવર્નમેન્ટની વાત થઈ. સ્ટેટ અને લોકલ ગવર્નમેન્ટમાં, યુનિવર્સિટીઓમાં, ફાઉન્ડેશનોમાં, સચિવાલયોમાં, જ્યુડિસરીમાં, સાહિત્ય, સંગીત અને અન્ય કલાક્ષેત્રે — આમ વિધવિધ જગ્યાઓએ બીજી પેઢીના ઇન્ડિયન અમેરિકોની સિદ્ધિઓ ખૂબ જ નોંધપાત્ર છે.

અમેરિકાનો મેલ્ટીંગ પ્લોટ

દેશમાંથી ઊછરીને અમેરિકામાં આવી વસેલા ભારતીયો પોતાનાં મૂળિયાં પકડી રાખે અને અમેરિકન ન બને તે સમજી શકાય છે, પણ તેઓ જ્યારે અહીં ઊછરતી પેઢીને ભારતીય બનાવવા મથે છે ત્યારે વિચિત્ર પરિસ્થિતિ ઊપજે છે. અમેરિકામાં ઊછરીને અમેરિકન ન થવું અને ભારતીય બની રહેવું તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે. આવા પ્રયત્નો જરૂર થયા છે, પણ એ પ્રયત્નો જોખમી નીવડ્યા છે.

સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે અમેરિકામાં વસતા ભારતીયોનું ભવિષ્ય શું ? અન્ય ઇમિગ્રન્ટ પ્રજાનો ઇતિહાસ એમ કહે છે કે અહીં વસતા ભારતીયોની ભવિષ્યની પેઢીઓ ભારતીય નહીં હોય પણ અમેરિકન હશે. એમના આચાર અને વિચાર, સંસ્કાર, અસ્તિત્વ અને અસ્મિતા એ બધું અમેરિકન જ હશે. એનો અર્થ એ નથી કે એ પેઢીઓ ભારતીય સંસ્કૃતિને ભૂલી જશે. આજે જે રીતે અહીંની અન્ય ઇમિગ્રન્ટ પ્રજા પોતાના પૂર્વજોનાં મૂળ — રૂટ્સ — શોધવા એમની જન્મભૂમિની યાત્રાએ જાય છે તેવી જ રીતે અહીં ઉછરેલા ભારતીયો પણ તેમના પૂવર્જોની સંસ્કૃતિ અને જીવન વિશે સંશોધન કરીને તેનું ગૌરવ કરશે.

દૂર દૂરથી વહી આવતી અનેક નદીઓ જેમ સમુદ્રને મળે છે તેમ દુનિયાને ખૂણેખૂણેથી અનેક પ્રજાઓ અમેરિકામાં આવીને વસે છે. નદીના મુખ આગળ સમુદ્રનાં પાણી ભલે નદીનો રંગ બતાવે પરંતુ જેમ જેમ સમુદ્રમાં દૂર જઈએ તેમ બધું એકરસ થાય છે. એ પાણી નદીનાં મટીને સમુદ્રનાં બને છે. પહેલી પેઢીના ભારતીય ઈમિગ્રન્ટ્સ આજે નદીના મુખ આગળનાં પાણી સમા છે એટલે એમના જુદા રંગો— એમની ભારતીયતા — હજી સ્પષ્ટ દેખાય છે. પણ એમની ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહાસમુદ્રમાં ક્યાં ય એકાકાર થઈ ગઈ હશે. અન્ય પ્રજાઓ આ રીતે જ ધીમે ધીમે અમેરિકન બની છે. અમેરિકનાઈઝેશનના આ ઐતિહાસિક સત્યને અહીં સ્થાયી થઈને વસતા ભારતીયોએ નાછૂટકે સ્વીકારવું જ પડશે.

[શબ્દ સંખ્યા 1731]

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જ ‘જય જગત’” નામક અવકાશી બેઠકમાંની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)

e.mail : [email protected]

Category :- Diaspora / Features