DIASPORA

ભાગ 2. બહુસાંસ્કૃતિક બનતું ઑસ્ટ્રેલિયા

આજે દુનિયાના અનેક દેશોનાં અઢળક લોકો માટે Dream country બનેલ ઑસ્ટ્રેલિયા સદીઓ પૂર્વે એના આદિમવાસીઓ માટે કેવી રીતે ઉપસ્યો હતો Dreamtime Storiesમાં, એ જાણ્યું આપણે આ લેખમાળાની પહેલી કડીમાં. એમાં આદિમવાસીઓની સાથે આપણે ય હિસ્સો બન્યાં, અંગ્રેજોએ બનાવેલ ઑસ્ટ્રેલિયાનો કે પછી એમણે બદલાવેલ ઑસ્ટ્રેલિયાના ઇતિહાસનો. એ ઇતિહાસ પાછળ રેડાતાં લોહીના છાંટા આપણને ઉડ્યા તો આગળ જતાં આદિમવાસીઓની ક્રાંતિએ આપણું શેર લોહી પણ ચડાવ્યું. પછી કઈ રીતે એ ક્રાંતિ સમજદારીથી શાંતિમાં અને સહકારમાં ફેરવાઈ, અને આદિમવાસીઓનું એ ઑસ્ટ્રેલિયા અંગ્રેજોના રંગે રંગાયું એ આખી સફરમાં આપણે સહયાત્રી બન્યાં. અંગ્રેજો માટે એ ઑસ્ટ્રેલિયા હવે એક આદર્શ રાજ્ય બનવા જઈ રહ્યું હતું. જાણે એક અંગ્રેજી રામરાજ્ય ! એ તો આપણે સમજ્યાં કે આદિમલોકો તો સૈકાઓથી અહીંની ભૂમિ પર આવી વસ્યાં હતાં, પણ આ ઑસ્ટ્રૅલિયાને યોજનાપૂર્વક પોતાનું બનાવનાર અંગ્રેજો સાથે, એ અણધાર્યા આગંતુકો સાથે વાત અટકી નહિ, ઊલટું એણે તો જાણે આખાં વિશ્વ માટે શ્રીગણેશ માંડ્યા દેશાંતરના. તો પછી શું પૂરું થયું અંગ્રેજી રામરાજ્યનું એમનું સ્વપ્ન? અને તો કઈ રીતે બન્યું આજનું બહુરંગી ઑસ્ટ્રૅલિયા? આ બધા સવાલોના જવાબ મેળવતાં પહેલાં આપણે કેમ નહિ એ જાણી લઈએ કે કોઈ પોતાનો દેશ કેમ અને કયા સંજોગોમાં છોડતાં હશે કે પછી એમને છોડવો પડતો હશે !

કૅનેડામાં જન્મેલા અમેરિકન કવિ માર્ક સ્ટ્રૅન્ડ સરસ કહે છે :

We all have reasons
for moving.
I move
to keep things whole.

આવાં કોઈ દેશાંતરનાં મૂળ તપાસીએ તો કેટલાંક ખાસ કારણો હાથ લાગે; જેમાં અમુક તમને દેશની બહાર ધકેલતાં હોય, જેમ કે જે તે પ્રદેશનું વાતાવરણ; દુષ્કાળ, અતિવૃષ્ટિ, પૂર, ભૂકંપ કે સુનામી જેવી કુદરતી આફતો, જે તે દેશની રાજકીય પરિસ્થિતિ, એટલે કે એ દેશમાં થયેલ અશાંતિ, આંતરવિગ્રહ કે શાસન પલટો, જેને લીધે લોકો જુલમોનો ભોગ બનતા હોય, તો અમુક કારણો તમને એ નવા દેશ તરફ સ્થળાંતર કરવા ખેંચતાં હોય, જેમ કે આર્થિક સદ્ધરતા માટે જે તે દેશમાં સારી નોકરીની અનુકૂળતા, ઉચ્ચ શિક્ષણ માટેની સાનુકૂળતા કે પછી જુદી કે બહેતર જીવનશૈલી માટે પહેલેથી જ તે દેશમાં સ્થાયી થયેલાં કુટુંબીજનો. આમાંના એક યા એકથી વધુ કારણસર લોકો પોતાનો દેશ છોડીને બીજા દેશમાં વસવાનો પ્રયાસ કરતાં હોય છે. ભલે, કેટલાંક કાયમી બીજે જઈ વસે છે, તો કેટલાંક થોડા સમય પૂરતાં સ્થળાંતર કરે છે. ચાલો, દેશાંતરની આ સમજને આપણે ઑસ્ટ્રૅલિયાના સંદર્ભમાં વિસ્તારવાનો પ્રયત્ન કરીએ.

ઑસ્ટ્રૅલિયાના આદિમવાસીઓની જેમ હવે આપણે પણ જાણી ગયાં છીએ કે એમના માટે અણધાર્યા આવી પડેલા અંગ્રેજો એમના પ્રદેશમાંથી ક્યારે ય ન જવા માટે આવી ગયા હતા. કાયમી દેશાંતરનાં એમનાં કારણો વિષે આપણે પહેલા લેખમાં વાત કરી ગયાં. એ લેખમાં જ આદિમવાસીઓની આંગળી પકડીને આપણે લગભગ વીસમી સદી પૂરી કરી. અત્યારે આપણી સરળતા માટે આદિમવાસીઓને આપણે મૂળ ઑસ્ટ્રૅલિયાવાસીઓ ગણી લઈએ, તો એમના પછી ઑસ્ટ્રૅલિયામાં વસી જવાની શરૂઆત કરનાર અંગ્રેજોની સાથોસાથ અન્ય પ્રજાનાં દેશાંતરને સમજવા, ચાલો, ટાઈમ-મશીનમાં બેસીને ફરીવાર જઈએ ઓગણીસમી સદીમાં. કેમ કે અઢારમી સદીના કેટલાક દશક તો આદિમવાસીઓનો સફાયો કરવામાં જોતજોતાંમાં વીતી ગયા હતા ને !

પોર્ટ જેકસન ખાતે લાંગરતો પહેલો નૌકા કાફલો

(Source : http://www.acmssearch.sl.nsw.gov.au/search/itemDetailPaged.cgi?itemID=845003)

હવે અંગ્રેજોનું ધ્યેય હતું આ પ્રદેશને નવું ઈંગ્લેન્ડ બનાવવાનું; આદિમવાસીઓનો કુદરત આધીન પ્રદેશ હતો એવું નહિ, પણ હવે એ બનવો જોઈએ એક સાવ નવો, શિષ્ટ દેશ. સ્વાભાવિક રીતે દેશ નવો વસી રહ્યો હોય ત્યારે બધું જ એકડેએકથી શરૂ કરવાનું થાય. પહેલાં તો એના માટે જોઈએ વસતિ ને પછી એમના વસવાટની વ્યવસ્થા; મકાન, રસ્તા, તળાવ, પુલ ને રેલગાડીના પાટા જેવું કેટલું ય. આ વ્યવસ્થા પાર પાડવા માટે લોકોનું દેશાંતર કરવાનું થયું. ઑસ્ટ્રૅલિયામાં રાજનીતિશાસ્ત્રના સંશોધક અને નિષ્ણાત બ્રિટિશ - ઑસ્ટ્રૅલિયન ડો. જેઈમ્સ જુપ્પ (Dr. James Jupp) દરિયાપાર થયેલાં આ દેશાંતરને મુખ્યત્વે ત્રણ વહેણ, ત્રણ પ્રવાહોમાં વહેંચે છે: ગુનેગારો, સહાય પર આવનારાં લોકો અને વ્યક્તિગત પસંદગીથી આવનારાં લોકો.

આપણે પહેલા લેખમાં વિગતે જાણ્યું એમ ઑસ્ટ્રૅલિયામાં સૌ પહેલાં ગુનેગારો આવ્યા હતા. આવનારા એ ગુનેગારોમાં વધુ સંખ્યા પુરુષોની હતી, એટલે એમને મહેનતનાં, શારીરિક શ્રમનાં કામમાં લગાડી દેવામાં આવ્યા હતા. પણ સમાજ વિકસાવવા હવે જરૂર હતી સારાં અને કુટુંબ જીવનમાં ગોઠવાઈ શકે એવાં લોકોની, એટલે શરૂઆત થઈ સરકારી સહાયની. આર્થિક નીચલા વર્ગનાં લોકોને ઈંગ્લેન્ડમાં મુશ્કેલી તો હતી જ, સાથે ત્યાં બેરોજગારી જેવી તકલીફો વધવા લાગી હતી. એવાં લોકો જો ઑસ્ટ્રૅલિયા આવી જાય તો અહીં બધી રીતે ખપમાં આવે ને ત્યાં ઈંગ્લેન્ડનું ભારણ ઘટે. આ તો બંને હાથમાં લાડુ જેવી વાત હતી.

ઓગણીસમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં ઈંગ્લેન્ડ અને અમેરિકામાં ઔદ્યોગિક ક્રાંતિના પાયા નંખાયા હતા, જેની અસર મુખ્યત્વે શહેરોને થઈ હતી. એ જ અરસામાં ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટ્લેન્ડના અમુક વિસ્તારો ગરીબીનો સામનો કરી રહ્યા હતા. અંગ્રેજ સરકાર લંડન આસપાસનાં નાનાં ગામો, પરગણાંઓમાં દેખા દીધેલાં આ દારિદ્રયને દૂર કરવાનો રસ્તો શોધી રહી હતી. એક તરફ જ્યાં આવાં લોકો માટે અમેરિકા અને કૅનેડાના દરવાજા લગભગ બંધ જેવા દેખાતા હતા, ત્યાં બીજી તરફ ઑસ્ટ્રેલિયામાં નવી વસી રહેલી એમની કૉલોનીમાં ખેડૂતો અને અન્ય શ્રમજીવીઓની જરૂર ઊભી થઈ હતી. આપણે આગળ વાત કરી એમ ઑસ્ટ્રેલિયામાં એ સમયે પુરુષોની સંખ્યા વધુ હોતાં જાતિની સાથોસાથ મતિ અને સંસ્કૃતિ સંતુલન જાળવવા સ્ત્રીઓને લાવવી પણ જરૂરી બની હતી. એટલે ખાસ કરીને આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ બાજુથી સ્ત્રીઓને ઑસ્ટ્રૅલિયા આવવા તૈયાર કરવામાં આવી. ઈંગ્લેન્ડમાં ઈ.સ. 1834માં નવો ગરીબી કાયદો Poor Law અમલમાં આવ્યો હતો, જેના ભાગરૂપે ગરીબોને બેઠા-બેઠ આપવામાં આવતી આર્થિક મદદને બદલે એ લોકોને કામે લગાડી પગભર બનાવવાનું  ઠરાવવામાં આવ્યું હતું. એટલે એ આસપાસના સમયગાળામાં વધુમાં વધુ શ્રમિકો અને કારીગરોને થોડી બ્રિટનની અને મોટા ભાગની ‘નવાં બ્રિટન’ની મદદ વડે એ નવાં બ્રિટન - ઑસ્ટ્રૅલિયા તરફ રવાના કરવામાં આવ્યા. આમ, ઈ.સ. 1831થી 1860ની વચ્ચે સરકારી કે ચર્ચની સહાય પર ઘણી મોટી સંખ્યામાં લોકોએ દેશાંતર કર્યું. આ બધા બીજાં વહેણમાં એટલે કે સહાય પર દેશાંતર કરનારા થયા. ‘સસેક્સ એડવર્ટાઇઝર’ નામનાં અખબાર માટે સાઉથ ઑસ્ટ્રૅલિયામાં કામ કરતા જે. હૅક. 23 જૂન, 1838નાં સસેક્સ એડવર્ટાઇઝરમાં નોંધે છે :

‘Ship loads of emigrants were constantly arriving, but such was the demand for labour that there was not a single individual who was not employed, and at  very high wages …’

ઑસ્ટ્રૅલિયામાં ઠલવાતાં વહાણ ભરી ભરીને આવતાં દેશાટની વસાહતીઓ

(Source : https://neoskosmos.com/en/143830/learning-from-regional-migration-success-stories/)

અને હજી તો ઑસ્ટ્રૅલિયાનું અસ્તિત્વ જુદા- જુદા પ્રદેશો તરીકેનું હતું. ઈ.સ. 1850માં બ્રિટિશ સરકારે ઑસ્ટ્રૅલિયન કોલોનીઝ ગવર્મેન્ટ એક્ટ પસાર કર્યો, જેના ભાગરૂપે એ પ્રદેશોને પોતાની રીતે શાસન ચલાવવાની સ્વતંત્રતા મળી. હવે રાજકીય પરિસ્થિતિ મુજબ એ દરેક પ્રદેશ વધુમાં વધુ લોકોને પોતાના તરફ આકર્ષવા ઘણા ખરા અંશે સ્વાયત્ત રીતે કામ કરતો થયો. આ જ અરસામાં, ઈ.સ.1880 આસપાસ ઑસ્ટ્રૅલિયાના ન્યુ સાઉથ વૅલ્સની કોલસાની ખાણો માટે અને કવીન્સલૅન્ડના દરિયા કિનારાના વિસ્તારો તરફ કામ માટે ઘણાં લોકોએ દેશાંતર કર્યું. જો કે એ પ્રવાહમાં આવનારાં લોકો આયર્લેન્ડને બદલે નોર્થ ઇંગ્લેન્ડ અને સેન્ટ્રલ સ્કોટલેન્ડનાં હતાં.

ઑસ્ટ્રૅલિયામાં સોનું મેળવવા સારુ ધસારો

(Source : https://www.nationalgeographic.org/thisday/feb12/australian-gold-rush-begins/)

ઓગણીસમી સદીનો આ મધ્યકાળ ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં સુવર્ણકાળ બની રહ્યો, ખરેખરો સુવર્ણકાળ. કઈ રીતે એ જાણવા ચાલો, આપણે ય ખાણિયા થઈએ. એ સમય હતો ઈ.સ. 1851નો જ્યારે અચાનક વિશ્વભરમાં જાહેર થયું કે ઑસ્ટ્રેલિયામાં સોનું મળી આવ્યું છે. આ ‘જાહેર’ શબ્દ વાપરવા પાછળનું મારું કારણ તમને સમજાવું, તો મૂળ વાત એમ હતી કે બ્રિટિશ કોલોની વસાવવા આવેલા પહેલા અંગ્રેજોમાંના એક ભૂસ્તરશાસ્ત્રીને ઈ.સ. 1841ના અરસામાં સિડનીના બ્લુ માઉન્ટેઇન્સ તરીકે ઓળખાતા વિસ્તારમાં સોનું દેખાયું હતું, જે ત્યારના ગવર્નરને ગુનેગારોથી ભરેલાં ઑસ્ટ્રેલિયામાં જાહેર કરવું સુરક્ષિત નહોતું લાગ્યું. પણ ઈ.સ.1848માં જ્યારે અમેરિકાનાં કેલિફોર્નિયા પાસે સોનું મળી આવવાના સમાચારે બ્રિટિશ કૉલોનીમાંથી હજારો લોકો ભાગ્ય અજમાવી જોવા ત્યાં સ્થળાંતર કરવા લાગ્યા, ત્યારે ઑસ્ટ્રેલિયાનું અર્થતંત્ર ખોરવાઈ પડ્યું. અને એટલે સત્તાધીશોને ઑસ્ટ્રેલિયામાં મળી આવેલાં સોનાંને જગજાહેર કરવું પડ્યું. ઈ.સ. 1851માં પહેલાં ન્યુ સાઉથ વૅલ્સ રાજ્યમાં, પછી વિક્ટોરિયામાં, ટાઝમેનિયામાં, નોર્ધન ટેરિટરીમાં અને પછી તો પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં એમ એક પછી એક સોનાની ખાણો મળતી આવી. ઑસ્ટ્રેલિયાની સમૃદ્ધિની આ તો માત્ર ઝલક જ હોય, એમ વધુમાં પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના દરિયામાં મોતી મળી આવ્યાં. ભલે, આદિમવાસીઓ તો સદીઓથી આ મોતીઓનો ખપજોગો વ્યવહાર કરતા હતા, પણ હવે એ અંગ્રેજોની નજરમાં આવી ગયું હતું. અને અંગ્રેજો એને છોડે? એમણે તો આગળ જતાં કવીન્સલૅન્ડમાં પદ્ધતિસરનો મોતી ઉદ્યોગ સ્થાપી દીધો. આ ઝવેરાતોએ ઑસ્ટ્રેલિયાની કિસ્મત ચમકાવી દીધી અને વિશ્વની આંખો. ને એ ચમકથી આકર્ષાઈને શરૂઆત થઈ વ્યક્તિગત પસંદગીથી આવનારાં લોકોની; એટલે કે દેશાંતરના ત્રીજા પ્રવાહની. મોતીના જાણકાર મરજીવાઓ આવ્યા હતા જાપાનથી, અને સોનું શોધવા લોકો આવ્યાં યુરોપ સિવાય અમેરિકા અને ચીનથી. જો કે એમાં સૌથી વધારે બિનઅંગ્રેજીઓ ચીનના હતા. ઈ.સ.1850થી 1860ના દસકામાં દેશાંતર કરી ઑસ્ટ્રેલિયા આવનારાં લોકોએ દેશની વસતિ સવાચાર લાખમાંથી ચારગણી વધારી અંદાજે સત્તર લાખ જેટલી કરી નાખી. સોનાની ખાણમાં કામ કરવા માટે માત્ર ચીનમાંથી જ વીસ હજાર તો બાંધેલા કારીગરો આવ્યા હતા. કેટલા ય ઉદ્યોગપતિઓ પણ આ દરમિયાન ઑસ્ટ્રેલિયાની સમૃદ્ધિ સર કરવા આવી પહોંચ્યા હતા. વિશ્વના નકશામાં ઑસ્ટ્રેલિયા રાતોરાત રાજાશાહી ઠાઠનું સરનામું બની ગયું હતું. પણ આ રાજાશાહી દરેકને ખુદ ભોગવી લેવી હતી, એટલે શરૂ થયા વાદ, વિવાદ ને વિખવાદ. યુરોપિયન મૂળના અને ચીનના કારીગરો વચ્ચેના ઝગડા મારામારી ને કાપાકાપી સુધી પહોંચી ગયા. ચીની કારીગરો એ પ્રદેશ છોડી શહેર આવી ગયા અને ત્યાં ઓછા પગારનાં શોષણ છતાં જે મળે એ કામ કરવા લાગ્યા. એમાં પણ શ્વેતોને પોતાનો નોકરી-ધંધો છીનવાતાં લાગ્યાં. સરકારને પણ અંગ્રેજી રામરાજ્યનું પોતાનું આદર્શ સ્વપ્ન ડોલતું લાગ્યું, એટલે સમાજમાં પ્રસરેલા ઊંચનીચના આંતરિક ભેદભાવને એમણે હવા આપી અને બીજ રોપાયાં વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પૉલિસી(White Australia Policy) - Australia for the Australiansનાં.

ઈમિગ્રેશન રિસ્ટૃિકશન એક્ટ, 1901

(Source : National Archives of Australia)

ઈ.સ. 1901ની પહેલી જાન્યુઆરીએ ઑસ્ટ્રેલિયાનું ફૅડરેશન સ્થપાયું, એટલે કે ત્યાર સુધી જે છ રાજ્યો - કવીન્સલેન્ડ, ન્યુ સાઉથ વૅલ્સ, વિક્ટોરિયા, ટાઝમેનિયા, સાઉથ ઑસ્ટ્રૅલિયા ને વૅસ્ટર્ન ઑસ્ટ્રૅલિયા જુદી-જુદી બ્રિટિશ કૉલોની હતાં, એ હવે રાજકીય બાબતોમાં એક સ્વતંત્ર દેશ અને આંતરિક રીતે એ દેશનાં સ્વાયત્ત રાજ્યો બન્યાં. સામાન્ય રીતે સ્વાયત્તતા કે સ્વતંત્રતા સાથે જોર- જુલ્મ, શોષણ કે બીજી કોઈપણ નકારાત્મક પરિસ્થિતિઓનો અંત આવતો હોય, પણ ઑસ્ટ્રેલિયાના સંદર્ભમાં એનાથી સાવ ઊંધું થયું. દેશ સ્વાયત્ત થયો, પણ વિચારધારા સંકોચાઈ. કેમ કે એ જ વર્ષની, ઈ.સ. 1901ની,  23મી ડિસેમ્બરે ‘શ્વેતો એ જ ઑસ્ટ્રેલિયન્સ’ એ આખી ભેદભાવ ભરેલી બાબતને ઈમિગ્રેશન રિસ્ટ્રિક્શન એક્ટ (Immigration Restriction Act) દ્વારા કાયદાકીય મહોર લાગી. આ કાયદો મુખ્યત્વે ચીની લોકોને નામે એશિયાનાં લોકોને બહાર રાખવા ઘડાયો હતો, પણ એમાં તમામ અ-શ્વેતોનો સમાવેશ થતો હતો. એટલે સુધી કે મૂળ જેમનો આ દેશ હતો એ આદિમવાસીઓને પણ ડાર્વિનને રવાડે ચડીને ‘લુપ્ત થતી જાતિ’ ગણીને નામશેષ કરવાનો આ પેંતરો હતો. ટૂંકમાં, સ્પષ્ટ રંગભેદ ઉપર આ કાયદો પસાર થયો. આનાથી વધુ હાસ્યાસ્પદ બીજું શું હોય કે આ એ જ ઑસ્ટ્રેલિયા દેશ કરી રહ્યો હતો જેણે વિશ્વ સમક્ષ લાયકાતવાળાં દરેકને સમાન તક અને સમાન હક્કો આપવાનાં, અને દરેક કારીગર માટેનો એક પ્રગતિશીલ અને આદર્શ સમાજ ઘડવાનાં બણગાં ફૂંક્યાં હતાં !

સૌથી પહેલાં તો એમણે નૈતિક અને બૌદ્ધિક દૃષ્ટિએ ‘શ્વેતોથી ઊતરતાં’(!) તમામને બહારનો રસ્તો દેખાડવાનું શરૂ કર્યું. જેમાં સોનું ખોદવા આવેલા ચીની મજૂરો તો હતા જ, સાથે કવીન્સલેન્ડમાં શેરડીનાં અને બીજાં ખેતરો પર કામ કરનાર મજૂરો પણ હતા. હોશિયાર તો અંગ્રેજો પહેલેથી જ, એટલે બીજાઓની જેમ ખેતીકામ માટેના એ મજૂરોને પણ દક્ષિણ પૅસિફિક ટાપુઓ પરથી બાંધી મુદ્દતના કરાર સાથે લાવ્યા હતા. એટલે રાતોરાત વહાણો ભરી-ભરીને એમને પાછા રવાના કર્યા. વર્ષો સુધી ઑસ્ટ્રેલિયામાં રહીને, એને ઘર માનીને લોકોએ પોતાનાં કુટુંબ વસાવ્યાં હતાં, એ તમામ વેરવિખેર થઈ ગયાં. એક રહી શક્યું ને બીજાંને જવું પડ્યું. પતિ, પત્ની, બાળકો ને એનાં માતાપિતા કાયમ માટે એકબીજાંથી છૂટાં પડી ગયાં. કેટલા ય માનવવંશનો દેશમાંથી સફાયો કરવાનો આ પ્રયત્ન હતો. હવે વાત હતી નવાંને આવતાં રોકવાની. એ માટે ઈમિગ્રેશન ઑફિસર્સને છૂટ દેવામાં આવી કે એમણે ઑસ્ટ્રૅલિયામાં દાખલ થવા ઇચ્છતા દરેકની 50 શબ્દોની ડિક્ટેશન ટેસ્ટ- શ્રુતલેખનની પરીક્ષા કરવી. અંગ્રેજો સિવાય બીજું કોઈ આ દેશમાં ન આવી શકે એ માટે તેમની યુરોપની કોઈ પણ ભાષામાં પરીક્ષા લેવાતી. અને આવનારો જો એશિયાનો કોઈ હોય, તો એ નિષ્ફળ ન થાય ત્યાં સુધી પરીક્ષા લેવાતી ! પરિણામ ધાર્યું જ આવ્યું; ઑસ્ટ્રેલિયાની વસતિની વ્યાખ્યા જ બદલાઈ ગઈ. મોતી કાઢવામાં નિષ્ણાત એવા જાપાનના ખલાસીઓ ને મરજીવાઓની દેશને ગરજ હતી, એ સિવાય તમામ અ-શ્વેતો માટે ઑસ્ટ્રેલિયાના દરવાજા બંધ થઈ ગયા. વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પૉલિસીના મુખ્ય શિલ્પીઓમાંના એક એવા ઍટર્ની જનરલ આલ્ફ્રેડ ડીકિને એમનાં એક જાણીતાં ભાષણમાં કહ્યું હતું કે, ‘આ ‘વ્હાઈટ ઑસ્ટ્રૅલિયા પૉલિસી’ એક એવી વ્યવહારકુશળ નીતિ છે, જે પારકાંઓને- ‘aliens’ને બહાર કાઢીને ઑસ્ટ્રેલિયાનું ચારિત્ર્ય જાળવશે, અને અહીંના સમાજમાં ન્યાયનું પુનઃ સ્થાપન કરશે.’ અને ‘aliens’ કહીને અ-શ્વેત એશિયનો જ નહિ, સાથે ‘પહેલા ઑસ્ટ્રેલિયન’ એવા આદિમવાસીઓની પણ બાદબાકી કરનાર ડીકિન ઑસ્ટ્રેલિયાના બીજા વડા પ્રધાન બન્યા!

પરિસ્થિતિ વૈશ્ચિક સ્તરે પણ ખાસ સારી નહોતી. એમાં પહેલું વિશ્વયુદ્ધ થયું. ઈ.સ.1914થી ઈ.સ. 1918 સુધી ચાલેલાં વિશ્વયુદ્ધે મોટા મોટા દેશોની પણ હાલત બગાડી નાખી. વિશ્વની ખોરવાયેલી શાંતિ પુનઃ સ્થાપિત કરવા ઈ.સ. 1919માં પૅરિસ ખાતે એક શાંતિ સભા યોજાઈ. લગભગ એક વર્ષ સુધી ચાલેલી આ Paris Peace Conferenceમાં પહેલું વિશ્વ યુદ્ધ જીતેલા શક્તિશાળી દેશો હારેલાં રાષ્ટ્રો માટે શાંતિ વ્યવસ્થા નિયત કરવા ભેગા થયા હતા. એમાં વૈશ્ચિક પ્રશ્નોને ઉકેલીને સુલેહ શાંતિ સ્થાપવા માટેનાં લીગ ઑફ નેશન્સ(League of Nations)ની રચના કરવાની હતી. અન્ય રાષ્ટ્રોની સાથે ત્યાં જાપાનની હાજરી પણ હતી. દસ્તાવેજી વાટાઘાટ દરમિયાન જાપાને જૂના ભેદભાવ ભૂલી પોતાને બીજાં અંગ્રેજી રાષ્ટ્રોની સમકક્ષ સ્વીકારવાની દરખાસ્ત મૂકી, ત્યારે સૌથી ઉપર ઊઠીને એને નકારી કાઢવામાં મુખ્ય હતા બિલી હ્યુઝ (William Morris (Billy) Hughes). ઑસ્ટ્રેલિયાના એ સમયના અને સાતમા વડા પ્રધાન બિલી હ્યુઝ જાપાન તરફ અસમાનતા દેખાડીને પોતાના શ્વેત દેશનો વિશેષ પ્રેમ મેળવવા માગતા હતા. પહેલાં વિશ્વયુદ્ધમાં એમણે ઑસ્ટ્રેલિયાનું સારું પ્રતિનિધિત્વ તો કર્યું જ હતું, હવે જાપાનને ઊતરતું દેખાડી, એનો તમામ રીતે અસ્વીકાર કરી એમણે વ્હાઈટ ઑસ્ટ્રૅલિયા પૉલિસીને વધુ સુરક્ષિત બનાવી. ભલે, પછી ઑસ્ટ્રેલિયાની રાજનીતિમાં એમનું સારું લગાડનાર આ પગલું જાપાનનાં મનમાં ઑસ્ટ્રેલિયા માટેનાં વેરનું કારણ જરૂર બન્યું.

પૅરિસ શાન્તિ પરિષદ [પૅરિસ પીસ કૉન્ફરન્સ] પછી ઑસ્ટ્રેલિયા પરત થયેલા બિલી હ્યુઝ

(Source: theaustralians.com.au)

એ જ અરસામાં, ઈ.સ. 1919માં, ઑસ્ટ્રેલિયામાં પ્લૅગ ફેલાયો. એવું માનવામાં આવે છે કે પહેલાં વિશ્વયુદ્ધમાંથી પાછા ફરેલા સૈનિકો આ રોગ પોતાની સાથે લાવ્યા હતા. જે બન્યું તે, પણ આ રોગે ઓછામાં ઓછાં સાડા અગિયાર હજાર લોકોનો ભોગ લીધો. હવે ઑસ્ટ્રેલિયાને પોતાનાં ગામડાં વિકસાવવાં હતાં, એટલે પોતાની ‘શ્વેત’ વસતિ વધારવા એમણે ફરી બ્રિટિશ સામ્રાજ્ય તરફ દૃષ્ટિ માંડી. એના ભાગરૂપે, બ્રિટિશ સરકારે પોતાનાં લશ્કરમાંથી નિવૃત્ત થયેલી વ્યક્તિઓને ઑસ્ટ્રેલિયા દેશાંતર માટે નિઃશુલ્ક સગવડ કરી આપી, અને કેટલાંકને ચર્ચે સહાય કરી. ચર્ચમાં ત્યારે કહેવામાં આવતું કે દેશાંતર કરવાથી વ્યક્તિનો ઉદ્ધાર થાય છે! એટલે એ સમયમાં ઇંગ્લેન્ડથી ઑસ્ટ્રેલિયા નોંધપાત્ર સ્થળાંતર થયું. અંદાજે સવા બે લાખ લોકો ‘Land of milk and honey’ કહેવાતા આ નવા દેશ તરફ આવ્યાં. જો કે આ વખતે પણ ગામડાંઓને બદલે શહેરમાંથી આવનારા અંગ્રેજોની સંખ્યા વધુ હતી. શહેરી અંગ્રેજો ગામડાંનાં જીવનથી ટેવાયેલા નહોતા કે નહોતો એમને ખેતીનો ખાસ અનુભવ. એટલે કેટલાક ઑસ્ટ્રેલિયાના ખડકાળ વિસ્તારમાં સફળતાથી ખેતી કરી શક્યા, ટકી શક્યા, પણ બીજા ઘણા એ પ્રતિકૂળ વાતાવરણ અને અતિશય શારીરિક શ્રમ સહન ન કરી શક્યા. ઑસ્ટ્રૅલિયા ઇંગ્લેન્ડ કરતાં સારું હોવાની એમની માનસિક પ્રતિમા ભાંગી પડતાં એમાંના મોટા ભાગના ઓસ્ટ્રેલિયાનાં શહેરોમાં અને કેટલાક ઇંગ્લેન્ડ પાછા ફર્યા.

વીસમી સદીનો બીજો દસકો જેમ અમેરિકા માટે સારો હતો એમ ઑસ્ટ્રેલિયાના ઉદ્યોગ-ધંધા માટે પણ ઉજાશવાળો હતો. પણ અચાનક અમેરિકાની શૅર બજાર પડી ભાંગતાં ત્યાં મહામંદી આવી પડી. અને એના પર આધારિત ઉદ્યોગપતિઓએ અન્ય દેશોમાં કરેલું રોકાણ ઉપાડી લીધું, એટલે સ્વાભાવિક રીતે આ મંદીએ વિશ્વના તમામ દેશોમાં દેખા દીધી. ઑસ્ટ્રેલિયા પણ એમાંથી બાકાત ન રહ્યું. ઇંગ્લેન્ડથી ઘણી આશાઓ સાથે આવી ગયેલાં લોકો આમે ય માંડ ગોઠવાયાં હતાં, ત્યાં મંદીને લીધે ઉદ્યોગો ભાંગી પડતાં બેરોજગારી વધી ગઈ. એવામાં ‘દુકાળમાં અધિક માસ’ની જેમ પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં સોનું ય ખાલી થવા માંડ્યું. ઈ.સ. 1930થી ઈ.સ. 1939ની વચ્ચે ઑસ્ટ્રેલિયાનો વિકાસ લગભગ અટકી પડ્યો. દેશની સરકાર અને એનાં અર્થતંત્ર પરથી દુનિયાનો ભરોસો ઊઠી ગયો. આ સમય એવો હતો કે જ્યારે ઑસ્ટ્રેલિયામાં જન્મદર ઘટી ગયો અને નવાં લોકોનું એ તરફનું દેશાંતરણ પણ ખોરવાઈ ગયું. 

આખી દુનિયા પરની પહેલાં વિશ્વ યુદ્ધની અસર હજુ પૂરેપૂરી ઓસરી નહોતી ને ત્યાં બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું. કોણ જાણે કેમ પણ વીસમી સદી જાણે વિશ્વયુદ્ધોની સદી બની ગઈ! દુનિયામાં દરેકને સત્તાની શક્તિ મેળવી લેવી હતી. એકબાજુ યુરૉપ લડી રહ્યું હતું, જર્મની યહૂદીઓના સંહારે ચડ્યું હતું, તો બીજી તરફ જાપાનને દક્ષિણપૂર્વી એશિયા સર કરવું હતું. અમેરિકા પોતાનાં એ લક્ષમાં આડખીલી ન બને, એ માટે જાપાને અચાનક અમેરિકાના પર્લ-હાર્બર પર પણ હુમલો કરી દીધો હતો. ઑસ્ટ્રેલિયા સ્વાભાવિક રીતે જ ઇંગ્લેન્ડ અને અમેરિકા બાજુથી લડી રહ્યું હતું. ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધ જેટલી ખાનાખરાબી કરે છે એટલી બીજી ક્યારે ય થતી નથી. અહીં પણ એવું જ બન્યું. યુરોપનાં યુદ્ધમાં લડી રહેલા ઑસ્ટ્રેલિયાના સૈનિકો તો મરી જ રહ્યા હતા, ત્યાં અચાનક ઓસ્ટ્રેલિયાના ઉત્તરપૂર્વી દરિયા કાંઠે, એનાં ડાર્વિન શહેર પર જાપાને એશિયા બાજુથી હુમલો કરી દીધો. ઑસ્ટ્રેલિયા પર ચડાઈ કરવાની જાપાનની કોઈ યોજના નહોતી, પણ ઑસ્ટ્રૅલિયાના દરિયાઈ કે હવાઈ માર્ગનો અથવા તો એમનાં સૈન્ય વિમાનો કે સામગ્રીનો પોતાના વિરોધીઓ ઉપયોગ ન કરી શકે, ખાસ કરીને અમેરિકા, એટલે એનાં સામર્થ્યને નબળું પાડવા આ હુમલો કરવામાં આવ્યો હતો. મને તો જો કે આમાં ક્યાંક ને ક્યાંક આપણે વાત કરી ગયાં એ Paris Peace Conferenceના પડઘા સંભળાયા. 

ઈ.સ. 1939થી ઈ.સ.1945 સુધી ચાલેલાં બીજાં વિશ્વ યુદ્ધે તમામ દેશોને એક યા બીજી રીતે અરીસો દેખાડી દીધો. જાપાનના અચાનક થયેલા હુમલાથી ઑસ્ટ્રેલિયાને પોતાનાં લશ્કરી બળ વિષે વિચાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. ઑસ્ટ્રેલિયામાં ત્યારે સોળમા વડાપ્રધાન તરીકે બેન ચીફલી હતા. એમની સરકારે પહેલા ઈમિગ્રેશન મિનિસ્ટર તરીકે આર્થર કોલવેલની નિમણૂંક કરી. આર્થર કોલવેલને લાગ્યું કે દેશની આર્થિક અને લશ્કરી શક્તિ વધારવા માટેનો એક માત્ર રસ્તો હોય તો એ છે દેશની વસતિ વધારવી, અને એમણે નારો આપ્યો, ‘Populate or perish.’ આ વિચારને ચરિતાર્થ કરવા એમણે ફરી બ્રિટિશ સરકાર સાથે ‘આસિસ્ટેડ માઈગ્રેશન પૅસેજ સ્કીમ’ની શરૂઆત કરી. આ સ્કીમના ભાગરૂપે કોઈ પણ બ્રિટિશ નાગરિક દસ પાઉન્ડ જેવી નજીવી ફી આપીને ઑસ્ટ્રેલિયા સ્થાયી થઈ શકતો હતો. ઑસ્ટ્રેલિયાના લોકોના Immigrant શબ્દના મશ્કરા ઉચ્ચાર Pomegranate પરથી આ દરમિયાન બ્રિટનથી ઑસ્ટ્રૅલિયા આવી વસનાર લોકો 10 Pound Poms કહેવાયા. જો કે આર્થર કોલવેલે આ Pommies માટે સારો શબ્દ શોધ્યો; New Australians. આમ, ઈ.સ.1945થી ઈ.સ.1972ની વચ્ચેના ગાળામાં આવાં દસ લાખથી ય વધુ ‘ન્યુ ઑસ્ટ્રેલિયન્સ’ ઑસ્ટ્રેલિયા આવ્યાં. જો કે બે એક વર્ષમાં બ્રિટનમાંથી ધારી સંખ્યા ન મળતાં, ઈ.સ. 1947માં આર્થર કોલવેલે ‘White’ની સમજણને થોડી વિસ્તારી ને માત્ર બ્રિટનને બદલે એને યુરૉપ ખંડ સુધી પહોંચાડી. પણ આપણે એ ભૂલવા જેવું નથી કે એમણે હજુ ‘શ્વેત’ રંગ સાથે તો સમાધાન નહોતું જ કર્યું. બદલાવ માત્ર એટલો હતો કે હવે બ્રિટન ઉપરાંત એમણે સાઉથ, નોર્થ, ઈસ્ટ ને સેન્ટ્રલ યુરોપના શરણાર્થીઓને લેવા શરૂ કર્યા. ઑસ્ટ્રેલિયાની નવી ઓળખના જાણે એ સમયે જ ક્યાંક ઊંડે ઊંડે પાયા નંખાયા.

અત્યાર સુધી આદિમવાસીઓ સિવાય માત્ર અંગ્રેજોને જોવા અને અંગ્રેજોની જ સાથે રહેવા ટેવાયેલી પ્રજાને આ વાત ગળે ઉતરાવવા આર્થર કોલવેલે એવી બાંહેધરી આપી હતી કે સરકાર દર એક બિનઅંગ્રેજ઼ સામે દસ અંગ્રેજ લોકોને દેશમાં લાવશે, જેથી એમનું ‘વ્હાઈટ યુટોપિયા’- White Utopia જેમ છે એમ જળવાઈ રહેશે. ઑસ્ટ્રેલિયાનાં લોકોનાં મનમાં રહેલું એ ‘શ્વેત-સુંદર’ ચિત્ર ખરડાય નહિ એ માટે આર્થર કોલવેલે એવી ગોઠવણ કરાવી હતી કે, યુરોપના શરણાર્થીઓને લઈને આવી પહોંચેલાં એ વહાણમાંથી સૌથી પહેલાં ઉત્તર-પૂર્વી યુરોપના બાલ્ટીક દેશની સ્ત્રીઓ ઊતરે. એ ‘beautiful balts’ના શ્વેત રંગ અને આકર્ષક દેખાવને લીધે લોકો એમને ઝડપથી સ્વીકારે. ભલે, એ તો માત્ર શરૂઆત હતી. હજી અંદાજે પોણા બે લાખ જેટલા આ નવા આગંતુકોએ ઑસ્ટ્રૅલિયા આવતાંવેંત એને આત્મસાત કરવાનું હતું, પૂરેપૂરું પચાવવાનું હતું. રંગ, રૂપ, વાણી, વર્તન ને વ્યવહારથી અંગ્રેજ બનવાનું હતું. અને એમાં પસંદગી જેવી કોઈ છૂટછાટ નહોતી. કોઈ વૃક્ષે જાણે કે પોતાની જમીનમાંથી ઉખડીને ક્યાંક બીજે રોપાવાનું જ નહિ, વિકસવાનું પણ હતું. બસ, એ જ રીતે એ લોકો ગોઠવાવા માટે, ઑસ્ટ્રેલિયાના અંગ્રેજી સમાજનો હિસ્સો બનવા માટે બનતું બધું જ કરવા લાગ્યાં. ઑસ્ટ્રેલિયાના નોબૅલ વિજેતા લેખક પેટ્રિક વ્હાઈટની નવલકથા ‘The Tree of Man’નાં પાત્ર ડૉલ કવિગ્લીનો એક સંવાદ આ લાગણીને બહુ સરસ રીતે વ્યક્ત કરે છે; ‘It’s funny the way you take root. You get to like people.’

આ તો વીસમી સદી અર્ધે પહોંચી હતી, પણ કહેવાતી આવી જ assimilation policy સરકારે અમલમાં મૂકી હતી વીસમી સદીની શરૂઆતમાં આદિમવાસીઓ સાથે. આ લેખમાળાની પહેલી કડીમાં મેં જેનો ઉલ્લેખ કર્યો હતો એ Stolen generationsની વાત પણ કૈંક આવી જ હતી. સરકારે આદિમવાસીઓનાં બાળકોને એમનાં માતાપિતા, કુટુંબીઓ અને સમાજથી ઝૂંટવી લઈને ચર્ચ કે એવી કોઈ કલ્યાણકારી(!) સંસ્થાને સોંપી દીધાં હતાં, જેથી એ લોકો અંગ્રેજી રીતભાત અને જીવનશૈલી ઝડપથી અપનાવી લે. આપણે ધારી લઈએ કે એ બાળકો ધીમે-ધીમે અંગ્રેજ જેવાં બની ગયાં, પણ પછી શું એ પાછાં પોતાનાં માતાપિતાને મળી શક્યાં ? આ પ્રશ્નનો જવાબ મોટે ભાગે નકારમાં આવે કેમ કે માહિતીના અભાવને લીધે દરેકનાં ઘરની કે ઘરનાંની ભાળ ન મળી શકી. આનું પરિણામ એ આવ્યું કે પેઢીઓની પેઢીઓ પોતાનાં કુટુંબથી હંમેશ માટે વિખૂટી પડી ગઈ. આ વર્તન બદલ ઑસ્ટ્રેલિયા સરકારે 26 મે, 1998ને National Sorry Day જાહેર કર્યો. જો કે એ માટે આદિમવાસીઓની ઔપચારિક ક્ષમાયાચના તો છેક 13 ફેબ્રુઆરી, 2008ના, કુટુંબોને તોડી પાડ્યાનાં લગભગ સો વર્ષે, ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન કેવિન રડે (Kevin Rudd) કરી.

વિખૂટી પડેલી પેઢીની ક્ષમા યાચતા તત્કાલીન વડા પ્રધાન કેવિન રડ

(Source: The Australian news paper)

ઈ.સ. 1940 આસપાસ, બીજાં  વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયેટ યુનિયન વચ્ચે રાજકીય અને આર્થિક અથડામણો થઈ, જે કૉલ્ડવૉર તરીકે ઓળખાઈ. એના પરિણામે દક્ષિણ એશિયાના દેશો સહિત અનેક દેશોમાં સામ્યવાદની પક્કડ વધી. એશિયા અને પૅસિફિકના કેટલાક દેશોને આ ‘Red Scare’ને વધતો ડામવો હતો, ઑસ્ટ્રૅલિયા અને કૅનેડા જેવા પશ્ચિમના દેશો સાથેના આંતરિક સંબંધો ગાઢ કરવા હતા અને પોતાના દેશોનો પણ આર્થિક વિકાસ કરવો હતો. આવા આશયથી ઈ.સ. 1951માં શ્રીલંકામાં કોલંબો પ્લાનની રચના થઈ. ઑસ્ટ્રૅલિયાને પોતાના દેશના મૂડીવાદી વિકાસથી લોકોને જાગૃત કરવામાં રસ હતો, એટલે કોલંબો પ્લાનના જે દેશો સભ્ય હતા, એના વિદ્યાર્થીઓ માટે ઑસ્ટ્રેલિયન સરકારે શિષ્યવૃત્તિની એક યોજના બહાર પાડી, જેના ભાગરૂપે એ લોકો ઑસ્ટ્રૅલિયામાં આવીને રહે, ત્યાંની ટેક્નોલોજી, અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, ને રાજનીતિ ભણે, અને સામ્યવાદથી ભિન્ન એવી પોતાની મુક્ત જીવનશૈલી અને વિચારધારા વિષે જે નવું જાણે એને પોતાના દેશમાં પાછાં ફરીને ઉપયોગમાં લાવે. અંદાજે વીસ હજાર વિદ્યાર્થીઓ આ દરમિયાન ઑસ્ટ્રેલિયા આવ્યા. એક રીતે જોઈએ તો ભલે, માર્યાદિત સમય પૂરતું, પણ આ પહેલું સત્તાવાર બિનઅંગ્રેજી સ્થળાંતર હતું. શરૂઆતમાં તો એશિયાના આ ‘ગરીબ’ અને ‘ઓછા ભણેલા’ દેખાતા વિદ્યાર્થીઓ શ્વેતોને પોતાના દેશ માટે ખતરો લાગ્યા, પણ ધીમે- ધીમે એમનાં ‘Rice and curry’-એ એમની છાપ બદલીને એકદમ સ્વાદિષ્ટ બનાવી દીધી, એટલે સુધી કે શ્વેતો પોતાનાં ઘરની બહાર પાટિયાં લગાવવા માંડ્યા કે; ‘Rooms available to Asian students only !’

ઑસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટૃીય વિદ્યાર્થીઓ, કોલમ્બો યોજના [The Colombo Plan]

(Source: Southerncrossings.com.au)

યુરૉપ સિવાયનાં લોકોનું બીજું નોંધપાત્ર દેશાંતર થયું ઈ.સ. 1949માં હૅરોલ્ડ હૉલ્ટના સમયમાં. ઈમિગ્રેશન મિનિસ્ટર તરીકે ત્યારે એમણે 800 જેટલા નોન-યુરોપિયન્સ શરણાર્થીઓને આ દેશમાં રહેવાની મંજૂરી આપીને એમનાથી આગળની સરકારની માત્ર શ્વેત તરફી નીતિને હળવી બનાવી. પોતાની આ ઉદારમતવાદી નીતિને એમણે ઑસ્ટ્રેલિયાના સત્તરમા વડા પ્રધાન તરીકે આગળ વધારી ઈ.સ. 1966માં. આ સમય ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં મુખ્ય બદલાવ લાવનારો બની રહ્યો કેમ કે હૉલ્ટ પ્રમુખ સ્થાને આવ્યા તે પહેલાં શ્વેતો અને અશ્વેતો માટે ઑસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટેના માપદંડો જુદા હતા. શ્વેતો માટે જે જરૂરી સમયગાળો પાંચ જ વર્ષ હતો, એ અન્યો માટે પંદર વર્ષનો હતો. હૅરોલ્ડ હૉલ્ટે દરેક માટે એને કાયદેસર પાંચ વર્ષનો એટલે કે સમાન કરી નાખ્યો. એટલું જ નહિ, એના સમયથી જ ઓસ્ટ્રેલિયા દેશાંતર માટેનું મૂલ્યાંકન વ્યક્તિનો રંગ, જાતિ કે રાષ્ટ્રીયતા નહિ, પણ એની યોગ્યતા, શૈક્ષણિક લાયકાત અને આ દેશમાં ગોઠવાવામાં અને દેશના વિકાસમાં ખપ લાગે એવાં એનાં કૌશલ્યો આધારિત થઈ ગયું. ‘વ્હાઇટ ઑસ્ટ્રેલિયા પૉલિસી’નાં આ વળતાં પાણી હતાં અને ‘સ્કિલ્ડ માઈગ્રેશન’નાં ચડતાં. લગભગ સાત સબળ દાયકાઓ પછી, છેવટે હવે શ્વેતરંગી ઑસ્ટ્રેલિયા બહુરંગી બનવાને પંથે હતું.

રેશિયલ ડિસ્ક્રીમિનેશન એક્ટ [Racial Discrimination Act]

(Source: https://castancentre.com/ )

હૉલ્ટ સરકારે ‘વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પૉલિસી’ને વેરવિખેર કરી, પણ ઈ.સ. 1973માં એને કાયદેસરની હાંકી કાઢી વિટલમ સરકારે. ઑસ્ટ્રેલિયાના એકવીસમા વડા પ્રધાન ગૌફ વિટલમની સરકારમાં મિનિસ્ટર ફોર ઈમિગ્રેશન હતા અલ ગ્રાસબી (Al Grassby). ઑસ્ટ્રેલિયામાં પ્રસરેલા વંશ અને જાતિના ભેદભાવના એ સખત વિરોધી હતા. પોતાના સમયમાં ‘વ્હાઈટ ઑસ્ટ્રેલિયા પૉલિસી’ને નાબૂદ કરી માનવ હક્કોને લગતા ઘણા સુધારા કરવાને લીધે તેઓ ‘Father of Australian multiculturalism’ કહેવાયા. આગળ જતાં, ઈ.સ.1975માં વિટલમ સરકારે Immigration Restriction Actને લગભગ ઊંધો વાળતો Racial Discrimination Act પસાર કર્યો, જેના ભાગરૂપે દેશનાં કોઈપણ પ્રકારનાં સત્તાવાર કામ માટે જાતીય ધોરણોનો ઉપયોગ ગેરકાયદેસર ઠરાવવાનું જાહેર થયું. ઈ.સ. 1978માં ફ્રેઝર સરકારે એને કાયદાની મહોર મારી દીધી. ઈ.સ. 1981માં સરકારે Special Humanitarian Assistance Programme (SHP) જાહેર કર્યો, જેના ભાગરૂપે એશિયાના શરણાર્થીઓને પણ ઑસ્ટ્રૅલિયામાં રક્ષણ મેળવવાની છૂટ અપાઈ.

વીસમી સદી વિશ્વયુદ્ધો ઉપરાંત અનેક દેશોના આંતરવિગ્રહ ને આંતરિક ઊથલપાથલની પણ સાક્ષી બની હતી. ક્યાંક સામ્યવાદ ફેણ ચડાવીને બેઠો હતો તો ક્યાંક કેટલાંક રાષ્ટ્રો સ્વાતંત્ર્ય ચળવળમાં વ્યસ્ત હતાં. કારણ એક હોય યા બીજું, શરણનું કોઈ નિવારણ નહોતું. ઈ.સ. 1975થી 1985 વચ્ચે, વિયેતનામ યુદ્ધને અંતે નેવું હજાર જેટલા શરણાર્થીઓ તો માત્ર વિયેતનામ, કંબોડિયા અને લાઓમાંથી જ ઑસ્ટ્રેલિયા આવ્યા. લગભગ એ જ ગાળામાં લેબેનન આંતરવિગ્રહના સોળ હજાર શરણાર્થીઓ પણ આ દેશમાં ઉમેરાયા. બાકી, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ, ઈરાક, અફઘાનિસ્તાન અને સુદાનથી લોકો હજી આજે પણ અહીં આવતા રહે છે. નહિ તો શું સાવેસાવ એકવિધ હતું એ ઑસ્ટ્રેલિયા આટલું અનેકવિધ બને !

આજે ઑસ્ટ્રેલિયામાં દેશાંતર માટે બે પદ્ધતિઓ અસ્તિત્વમાં છે; એક તો લાયકાત કે કૌટુંબિક કારણ અને બીજી શરણાર્થીઓ માટે માનવતાનાં ધોરણે રાજકીય આશ્રય. એનું પરિણામ એ આવ્યું છે કે અત્યારે વિશ્વના લગભગ તમામ દેશોનાં લોકો ઑસ્ટ્રેલિયામાં આવી વસ્યાં છે, જે પોતાની જુદી ભાષા, સંસ્કૃતિ અને આસ્તિકતાને અકબંધ રાખીને આનંદથી અહીં જીવે છે. અરે, વિશ્વમાં કદાચ સૌથી વધુ આંતરજ્ઞાતિ તો શું, આંતરસંસ્કૃતિ લગ્નો થતાં હોય તો એ ય ઑસ્ટ્રેલિયામાં છે!

જો કે આપણને વિચાર તો આવી જાય કે ક્યાં 1788ની એ સાલ, જ્યારે હજજારો આદિમવાસીઓનાં ઑસ્ટ્રેલિયામાં એ હજારેક શ્વેત આગંતુકોનું અણધાર્યું આવી ચડવું ! ક્યાં લગભગ સવા સદી પછીની 1901ની એ સાલ, જ્યારે તમામ અ-શ્વેતો તો શું મૂળ ઑસ્ટ્રેલિયન એવા આદિમવાસીઓની એ અઢીસો જાતિ સામે નાકનાં ટેરવાં ચડાવીને એમને બહારનો રસ્તો દેખાડી દેવો ! ને ક્યાં સવા બે સદી પછી, આ જ વર્ષ 2020નો ‘ઑસ્ટ્રૅલિયા દિવસ’(હા, આપણે પહેલા લેખમાં જાણ્યું એમ આ એ જ દિવસ જ્યારે આદિમવાસીઓની આ ભૂમિને અંગ્રેજોએ પોતાની જાહેર કરી દીધી હતી), જેને સત્કારવા ‘નવા ઑસ્ટ્રેલિયન્સ’ની એક નહિ, અનેક જાતિને લાલ જાજમ બિછાવી આવકાર અપાવો, અને એ એક જ દિવસે દસ દેશોનાં સત્યાવીસ હજાર લોકોને ઑસ્ટ્રેલિયાનું નાગરિકત્વ અપાવું ! ભલે, શ્વેતરંગી રંગાયેલ રાષ્ટ્રમાં આ બહુરંગી રંગોળી ફરી કેટલી મુશ્કેલીઓ વચ્ચે પૂરી શકાઈ, એ તો સાચું ‘ઉપરવાળા’ જ જાણે (બ્રિટન ઑસ્ટ્રેલિયાથી તો ઉપર જ ને) ! પણ આપણે જેટલું જાણ્યું એના પછી એટલું કહી શકીએ કે All’s well that ends well. જો કે અંત તો વ્હાઈટ ઑસ્ટ્રૅલિયા પૉલિસીનો થયો છે, આપણી લેખમાળાનો નહિ. ને આપણી આ લેખમાળાની, આ બહુરંગી ઑસ્ટ્રેલિયાની રંગોળી ભારતીય રંગ વિના પૂરી ય ક્યાંથી થાય ! બસ, તો લેખમાળાની ત્રીજી અને અંતિમ કડીમાં, આ બહુરંગી ઑસ્ટ્રેલિયામાં આપણે પૂરીશું ભાતીગળ ભારતીય રંગ ..

~~~~~~~~~~~~~

જેલમ હાર્દિક સિડની(ઓસ્ટ્રેલિયા)સ્થિત મીડિયા બ્રૉડકાસ્ટર છે.

e.mail : [email protected]

પ્રગટ : “ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક”; પુસ્તક 85, અંક 1; જાન્યુઆરી−માર્ચ 2020; પૃ. 23-35

Category :- Diaspora / Features

ભાગ 1. અણધાર્યા આગંતુકો

અફાટ રણ, અગાધ જંગલ અને પડછંદ પહાડોને એક સાથે લઈને દરિયાને ખોળે રમતો આજનો ભર્યો ભાદર્યો દેશ એટલે ઑસ્ટ્રેલિયા. દુનિયાના લગભગ તમામ દેશોની પ્રજા આજે જ્યાં આવી વસી છે કે પછી આવી વસવા માટે પ્રયત્નશીલ છે, એવાં ઓસ્ટ્રેલિયામાં ગુજરાતીઓ સહિત છએક લાખ જેટલાં તો ભારતીય મૂળનાં લોકો છે. ન્યુ સાઉથ વૅલ્સ, વિક્ટોરિયા, કવીન્સલૅન્ડ, વૅસ્ટર્ન ઑસ્ટ્રેલિયા, સાઉથ ઑસ્ટ્રેલિયા, ટાઝમેનિયા એ છ રાજ્યો અને નોર્ધર્ન ટેરિટરી ને ઑસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરી ધરાવતાં વિશાળ ઑસ્ટ્રેલિયામાં ગુજરાતીઓ આજે ઠેર ઠેર ફેલાયેલા છે. કેવી રીતે અને કેવા સંજોગોમાં એ બધા પહેલીવાર અહીં Down Under પહોંચ્યા એ જાણવા જેવું છે, અને આપણે એ જાણશું આ લેખો દ્વારા. એનો સંદર્ભ સમજવા માટે ઑસ્ટ્રેલિયાની ભૂમિ પર અંગ્રેજોના પહોંચ્યા પહેલાંની થોડી વાતથી માંડીને આજે મારા જેવા અનેક ગુજરાતીઓના અહીં સુખીસંપન્ન હોવા સુધીની વાત ત્રણ  લેખોમાં ગૂંથી લેશું. સદીઓની વાતની આ સાંકળમાં પહેલી કડી એટલે ‘ઓળી ઝોળી પીપળ પાન..કેમ પડ્યું ઑસ્ટ્રેલિયા નામ ..!’

વિશ્વના નકશામાં પૃથ્વીનો આ ભાગ ‘Terra Australis’ ‘Land of south’ તરીકે ઓળખાતો, જે લૅટિન ભાષાના ‘Australis’ એટલે કે ‘southern’ મૂળ પરથી આવ્યો છે. એને પ્રચલિત કર્યો ઈ.સ. 1804માં મૅથ્યુ ફલિન્ડર્સ નામના એક સંશોધકે, અને એ પછી, ઈ.સ.1807થી આ ખંડનું અને એમાંના એક દેશનું સત્તાવાર નામ પડી ગયું ઑસ્ટ્રેલિયા. એવું કહેવાય છે કે ઑસ્ટ્રેલિયાનાં વતની એવાં કાંગારું અને ઈમ્યુ ક્યારે ય ઊલટી દિશામાં, પાછળની બાજુએ નથી ચાલતાં, અને કદાચ એટલે જ હંમેશાં એક જ દિશામાં, માત્ર આગળ ગતિ કરતાં રાષ્ટ્રનાં પ્રતિક તરીકે ઑસ્ટ્રેલિયાએ એ બંનેને પોતાનાં રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપ્યો હશે. અંગ્રેજોએ પ્રથમવાર આ ભૂમિ પર પોતાનો ઝંડો ફરકાવ્યે આજકાલમાં હવે અઢી સો વર્ષ થશે. તો શું આ ‘Terra Australis’ અંગ્રેજોના આવ્યા પહેલાં શું ખરેખર ‘Terra Nullius (માલિકી વિહોણો વિસ્તાર)’ હતો?! ઉજ્જવળ ભવિષ્ય તરફ ગતિ કરતા આ દેશના વર્તમાન સુધી પહોંચવા આપણે કાંગારું અને ઈમ્યુથી જુદાં થઈને ઊલટી દિશામાં, આ દેશના ભૂતકાળમાં જવું પડશે. એ દિશામાં પરિવર્તનના પવનો ફૂંકાશે. એ પવન કેટલાંયને મૂળિયાં સમેત ઉખેડી ફેંકશે. અને પછી નંખાશે નવાં મૂળિયાં. શું જૂનું ઉખાડ્યા પછી જ નવું રોપાઈ શકાતું હશે ?! આવા પ્રશ્નોના જવાબ શોધવા મેં કેટલાંક પુસ્તકો ફંફોસ્યાં, થોડાંક માણસોને મૂંઝવ્યા, ઈન્ટરનેટને ગૂંચવ્યું ને એ બધા ખાંખાંખોળાને અંતે આદરી એક સફર. એ સફર પર આજે તમને સૌને સાથે જોડવાં છે. ઇતિહાસની મારી આજ સુધીની આવી વણખેડી સફરમાં આવતી મારી નાનીમોટી ક્ષતિઓને ક્ષમ્ય ગણશો. આપણી આ સફર આપણે શરૂ કરશું ઑસ્ટ્રેલિયાની આદિમસંસ્કૃતિ, કદાચ જૂનામાં જૂની ગણાતી માનવ-સંસ્કૃતિની સાથે, અને પછી કેટલાક મહત્ત્વના પડાવો પર અટકતાં-અટકતાં આગળ વધશું. એ પડાવોમાં વાત આવશે અંગ્રેજોના સારા - નરસા વ્યવહારોની અને એની સામે થનાર ઑસ્ટ્રેલિયાના કેટલાક આદિમવાસી શૂરવીરોની. તો ચાલો, મારીએ એક ડૂબકી ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં. બહાર નીકળશું ત્યારે હાથ ભલે ખાલી હશે, પણ હૈયાં જરૂર ભરેલાં હોવાનાં.

ઑસ્ટ્રેલિયામાં લગભગ સાઠેક હજાર વર્ષ પૂર્વે આદિમવાસીઓ આવ્યા હોવાનું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે એ સમયમાં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ- પૂર્વ ઍશિયા વચ્ચે દરિયો ઓછો અને જમીન વધારે હતી. એટલે ભારત અને આફ્રિકન મૂળના ઘણા આદિવાસીઓએ નાનાં- નાનાં હોડકાંઓમાં આ તરફ સ્થળાંતર કર્યું. ઑસ્ટ્રૅલિયા આવી વસેલા આ આદિમવાસીઓની એક બે નહિ, પણ અઢીસો જેટલી જુદી- જુદી જાતિ હતી. એટલું જ નહિ, એ બધી જાતિઓની સામાજિક અને સાંસ્કૃતિક સમજ પોતાની રીતે એટલી બધી સ્પષ્ટ હતી કે એમની જુદી ભાષા, જુદા રિવાજો, જુદાં ગીતો અને જુદા ઉત્સવો હતા. જો કે એ બધાંની આ પ્રદેશના ઉદ્દભવ વિષેની માન્યતા એક હતી. પારંપરિક રીતે તેઓ માનતાં કે સદીઓ પહેલાં અહીંની ભૂમિ સાવ સપાટ હતી, નદીઓ કે પહાડો વિનાની, એકદમ સમતલ. કોઈ અગમ જીવો, આમ તો એમના પૂર્વજો, એ મેદાનોમાંથી પસાર થયા અને એમના સ્પર્શથી ખડકો અને નદીઓ સર્જાયાં, અને એમણે જ છોડવાઓ, વૃક્ષો, પશુ- પંખીઓ અને મનુષ્યોની પણ રચના કરી. પૂર્વજોના એ યુગને ‘Dreaming’ કહેવાય છે અને જે સમયે એમણે આ સૃષ્ટિ સરજી એ સમય ‘Dreamtime’ તરીકે ઓળખાય છે. એ પૂર્વજોના સ્પર્શથી આકાર પામેલાં સ્થાનોને આ આદિમવાસીઓ ખૂબ પવિત્ર માનીને પૂજે છે, જેમાંનો એક એટલે વિશ્વભરના મુલાકાતીઓમાં જાણીતો બનેલો મધ્ય ઑસ્ટ્રેલિયામાં આવેલો ‘Uluru-ઉલુરુ’ ખડક. એમની ભૂમિનાં અસ્તિત્વની, સર્જનની આવી વાતો- ‘Dreamtime  stories’ દરેક જાતિના વડીલો પોતાની  આગલી પેઢીને જવાબદારી પૂર્વક કહે છે, જેથી એ પેઢી દર પેઢી સચવાઈ રહે. આ લોકો માટે એમની ભૂમિ એટલે સર્વસ્વ કેમ કે એ ભૂમિ જ એમને ખાવા માટે ફળ, ફૂલ, વનસ્પતિ, માછલીઓ અને પ્રાણીઓ આપે, પીવા માટે પાણી આપે, જરૂર પડ્યે ઋતુઓ સામે શરીર ઢાંકવા વલ્કલ ને ચર્મ આપે, તો રક્ષણ મેળવવા છાપરું પણ એ જ પૂરું પાડે. એટલે એ ધરતી પાસેથી જે કાંઈ જોઈએ તે જ, અને તે ય જરૂર પૂરતું જ લેવાનું. એમનું જીવન ટકાવનારી એ ભૂમિને જાળવવા માટેની એમની આવી તો કાળજી. કેવી આપણે ભણેલાંને ય શરમાવે એવી એ ગણેલાંઓની સ્પષ્ટ સમજ અને પ્રકૃતિ માટેની એમની દરકાર..!

ઉલુરુ ખડક નૉર્ધન ટેરિટેરી, ઍસ્ટૃેલિયા

પ્રકૃતિએ પણ એમને પુષ્કળ આપ્યું હતું; વિપુલ પ્રમાણમાં દરિયાઈ જીવો, ને સાથે વનસ્પતિજન્ય અને વન્ય સંપત્તિ. તો શું આદિમવાસીઓનો આ વિસ્તાર સીધો અંગ્રેજોની નજરમાં જ આવ્યો હતો? એવું કહેવાય છે કે લગભગ સત્તરમી સદીની શરૂઆતમાં ઈન્ડોનેશિયાના ખલાસીઓ દર ઉનાળે ‘દરિયાઈ કાકડી’ (Trepang) પકડવા ઉત્તર ઑસ્ટ્રેલિયાના દરિયા કિનારે આવતા અને એના બદલામાં ત્યાંના આદિમવાસીઓને તમાકુ અને ઝાડનાં પોલાં થડમાંથી બનાવેલાં હોડકાં આપતા. આ હતો ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓનો કદાચ પહેલો વેપાર. વિશ્વમાં બીજી તરફ, પંદરમી સદીમાં યુરોપિયનોમાં વહાણો હંકારીને વિશ્વ ખેડવાની હવા ચાલી હતી. તેઓ મસાલા, રેશમી કાપડ ને એવી બીજી મૂલ્યવાન વસ્તુઓની શોધમાં એશિયા તરફ પ્રવાસ કરી રહ્યા હતા. સત્તરમી સદીમાં એવા જ કેટલાક ડચ અને ફ્રૅન્ચ દરિયાખેડુઓ ઑસ્ટ્રેલિયાના જુદા- જુદા દરિયાકાંઠે થઈને નીકળ્યા હતા. કેટલાક સાથે આદિવાસીઓનો ભેટો થયો હતો તો કેટલાકને કોઈ નજરે ચડ્યા નહોતા. ઈ.સ. 1688માં વિલિયમ ડૅમ્પિયર નામનો અંગ્રેજ ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કાંઠે ઉતર્યો અને બે મહિના એણે અહીંની જમીન, વનસ્પતિ, પ્રાણીઓ અને માણસોના અભ્યાસમાં ગાળ્યા. એણે એનાં પુસ્તકમાં નોંધ્યું છે કે અહીંનાં લોકો એને ‘વિશ્વનાં સૌથી કંગાળ લોકો’ લાગ્યાં. ઑસ્ટ્રેલિયાની આવી છાપ સાથે એ અંગ્રેજ પરત થઈ ગયો હતો.   

પછી લગભગ એંસી વર્ષે, અઢારમી સદીના અંત તરફ, ઈ.સ. 1768માં, અંગ્રેજ સંશોધક, પ્રવાસી અને નકશાનો જાણકાર જૅમ્સ કૂક ઇંગ્લૅન્ડથી Endeavour નામનાં જહાજમાં દરિયાઈ સફરે નીકળ્યો. સાથે એનો વૈજ્ઞાનિક મિત્ર જૉસેફ બેન્ક્સ પણ હતો. આમ તો એમનો ઉદ્દેશ પૅસિફિક સમુદ્રમાં કોઈ વૈજ્ઞાનિક અવલોકન કરવાનો હતો, પણ અંતરંગ વાત એવી હતી કે ઈંગ્લૅન્ડની જેલો ત્યારે કેદીઓથી ઉભરાતી હતી, એટલે એમને ક્યાંક બીજે ખસેડવાની જરૂરિયાત ઊભી થઇ હતી. એને લીધે કિંગ જ્યોર્જ- ત્રીજા તરફથી કેપ્ટ્ન કૂકને કોઈ નવી જગ્યા શોધવાનું કહેવામાં આવ્યું હતું. જૅમ્સ કૂકે એ નવા દેશના મૂળ રહેવાસીઓની પરવાનગી લઈને ત્યાંની જમીનની માલિકી ઇંગ્લૅન્ડના રાજા માટે મેળવવાની હતી. વાત કેવી મજાની છે કે એમના જ કહેવા પ્રમાણે જો એ નવો વિસ્તાર ‘માનવ માલિકી વિહોણો’ હતો તો એની માલિકી આપોઆપ કિંગ જ્યોર્જની થઈ જાય. તો પછી પરવાનગી કોની લેવાની હતી?! ખેર, આપણે આગળ વધીએ.

ઈ.સ. 1770ના એપ્રિલ મહિનામાં ઑસ્ટ્રેલિયાના પૂર્વ વિસ્તારના વતનીઓ પોતાનાં રોજિંદાં કામોમાં પરોવાયેલા હતા ને અચાનક દૂર દરિયામાં એમની નજરે ચડ્યું Endeavour. એ આદિવાસીઓએ તો આવું જહાજ પહેલાં ક્યારે ય જોયેલું નહિ, એટલે એમને એ પાંખોવાળાં કોઈ મોટાં હોડકાં જેવું લાગ્યું. જાણે આજના જમાનામાં પોતાનાં આંગણામાં કોઈએ એક અવકાશી યાન ઉતરતું ભાળ્યું ! અજાણી વસ્તુ ને અજાણ્યા લોકોને આદિવાસીઓ ત્યાંથી ચાલ્યા જવાનો સંકેત કરવા લાગ્યા. જહાજ લાંગર્યા પછી જૅમ્સ કૂકે થોડા દિવસ નાની- મોટી ભેટો આપીને તેમનો સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા, એ દરમિયાન જૉસેફ બેન્ક્સ ત્યાંની જમીન, છોડવાઓ અને પ્રાણીસૃષ્ટિ તપાસવા લાગ્યો. કૅપ્ટન જૅમ્સ કૂકને આ પૂર્વ વિસ્તાર ડૅમ્પિયરે જોયેલા પશ્ચિમ વિસ્તાર જેટલો કંગાળ ન લાગ્યો. એટલે એમનાં સંશોધનને અંતે, ત્યાંના વતનીઓની નારાજગી છતાં, ઈ.સ.1770માં એણે ઑસ્ટ્રેલિયા ખંડના એ પૂર્વ કિનારાની ઈંગ્લૅન્ડના રાજા માટે પસંદગી કરી લીધી.

કૅપ્ટન જૅમ્સ કૂક (1728 - 1779)

ઈંગ્લૅન્ડ પહોંચી જૅમ્સ કૂક અને જૉસેફ બેન્ક્સે અંગ્રેજ સરકારને ઑસ્ટ્રૅલિયાનાં આજનાં સિડની શહેરના મધ્યભાગથી તેર કિલોમીટર દૂરનો બૉટની બૅ વિસ્તાર એમની નવી વસાહત સ્થાપવા યોગ્ય છે એવું જણાવ્યું. સમય પસાર થતો ગયો, ને ઈ.સ. 1787ના મે મહિનામાં, લગભગ સત્તર વર્ષે, ઇંગ્લેન્ડનાં પોર્ટ્સમથથી 11 અંગ્રેજી વહાણોનો પહેલો કાફલો ઉપડ્યો ‘દરિયાપારના દેશ’ તરફ. જે સ્પૅન, બ્રાઝિલ અને આફ્રિકા જેવા દેશોમાં અટકી, ખાધા-ખોરાકીનો પુરવઠો ભેગો કરી, અંદાજે આઠ મહિનાની દરિયાઈ સફર ખેડીને ઈ.સ.1788ની 24મી જાન્યુઆરીએ સિડનીનાં બૉટની બૅમાં લાંગર્યો. આ અગિયાર વહાણોમાં HMS Sirius ને HMS Supply એ બે સંરક્ષણ જહાજો હતાં, Golden Grove, Fishburn ને Borrowdale એ ત્રણ જરૂરી માલ-સામાનથી ભરેલાં હતાં, અને Alexander, Charlotte, Scarborough, Friendship, Prince of Wales અને Lady Penrhynમાં કેદીઓ હતા. લગભગ 1480થી ય વધુ સ્ત્રી, પુરુષો અને બાળકો સાથેનાં આ જહાજોમાં અંદાજે 778 તો કેદીઓ હતા. વહાણોના આ કાફલાના કમાન્ડર હતા કૅપ્ટન આર્થર ફિલિપ. આજે સિડની જેનું મુખ્ય શહેર છે એ ન્યુ સાઉથ વૅલ્સ રાજ્યના એ પહેલા ગવર્નર થયા. કમાન્ડર ફિલિપ એવી સૂચના સાથે ઈંગ્લેન્ડથી નીકળ્યા હતા કે તેમણે આ નવા વિસ્તારના મૂળ રહેવાસીઓ સાથે મૈત્રી કેળવવી અને એમનો વિશ્વાસ જીતી ને ત્યાં એક સુમેળભર્યું શાસન સ્થાપવું. એટલે આવી માનસિક પૂર્વ ભૂમિકા સાથે એમણે ન્યુ સાઉથ વૅલ્સની ધરતી પર પગ મૂક્યો.

સૌથી પહેલાં તો સિડનીમાં એમણે બોટની બૅને બદલે એની ઉત્તરે આવેલા પૉર્ટ જૅક્સન પાસેનું એક સ્થળ વસવાટ માટે પસંદ કર્યું, જ્યાં મીઠાં પાણીનું ઝરણું હતું. ત્યાં રહેતી ગાડિગલ જાતિ એને વૉરાને કહેતી અને ફિલિપે એને નામ આપ્યું સિડની કૉવ. વિશ્વભરના સહેલાણીઓમાં જાણીતા સિડની હાર્બરની દક્ષિણે આવેલાં એ સ્થાન પર  ઈ.સ. 1788ની 26મી જાન્યુઆરીએ ફિલિપે ગ્રેટ બ્રિટનનો ઝંડો ફરકાવી દીધો. ત્યારથી જ એ દિવસને ‘ઑસ્ટ્રેલિયા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાં આવતાંવેંત ફિલિપે નિર્ધારિત આયોજન મુજબ બધા પુરુષ કેદીઓને શ્રમનાં કામે લગાડ્યા; જેમ કે ઝાડ - પાન કાપી મકાનો માટે જમીન સાફ કરવી, જરૂર પડે ત્યાં સમથળ કરવી, મકાનો બાંધવાં, ખેતી માટે જમીન તૈયાર કરી ફળ, શાકભાજીની વાવણી કરવી, અને મહિલા કેદીઓએ આવેલાં અન્ય અંગ્રેજ કુટુંબોનાં ઘરકામ કરવાં.

આર્થર ફિલિપ, સિડની કોવ ખાતે, 26 જાન્યુઆરી 1788 [તૈલચિત્ર]

મૂળ સ્રોત : State Library of NSW

ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓ માટે પોતાના પ્રદેશને અચાનક કોઈ બહારનું આવીને પચાવી પાડે એવો આ ઘાટ થઇ ગયો. આવેલાં લોકોની ભાષા એમને ભલે નહોતી સમજાતી, પણ એમની સંખ્યા અને એમનાં વર્તન પરથી એમને એવું લાગવા માંડ્યું હતું કે પહેલાં આવી ગયેલી વિદેશી પ્રજાની જેમ આ લોકો પાછા જવા નથી આવ્યાં. પરિણામ સમજી શકાય એવું હતું, વિરોધ. આદિમવાસીઓએ એમના હાવભાવ, વાણી, વર્તન, જેટલી રીતે કરી શકાય તેમ આ અણગમતા આગંતુકોને ત્યાંથી ભગાડવાની કોશિશ કરવા માંડી.

આમ જોઈએ તો પરિસ્થિતિ બંને પક્ષે વિકટ હતી. એક પક્ષે હતી ઈંગ્લેન્ડથી આવેલી શ્વેત પ્રજા, જેમાં હતા જમાનાના ખાધેલા, વિશ્વના ઘણા દેશોમાં રાજ કરતા, ભણેલા, વ્યવહારુ, બોલ્યે- ચાલ્યે, પહેરે- ઓઢ્યે સંસ્કારી દેખાતા અંગ્રેજો, અને સામે હતી જન્મ સમયથી હતી એવી ને એવી સહજ, નિર્વસ્ત્ર, સ્વીકૃત સમજ પ્રમાણે અશિક્ષિત, અણઘડ, અવ્યવહારુ અને કુદરતે એમના માટે જ રચેલી સૃષ્ટિમાં ઋતુઓ મુજબ જીવનારી ઑસ્ટ્રૅલિયાની આદિજાતિ. બંને પ્રજાને એકબીજાને સ્વીકારવી અઘરી પડે એ સ્વાભાવિક હતું. અંગ્રેજો માટે આ કપડાં વિના ભટકતી, ઘર નહિ પણ તંબુઓમાં રહેતી અને ખેતી ન કરતી પ્રજા સમજની બહાર હતી, તો આદિવાસીઓને એ નહોતું સમજાતું કે આવાં રંગબિરંગી ચામડીવાળાં (અંગ્રેજોનાં કપડાં અને ટોપીને તેઓ એમના શરીરનો ભાગ જ માનતાં !) ને વિચિત્ર દેખાતાં લોકો પોતાની ભૂમિ પર કેમ રોકાઈ પડ્યાં હતાં અને પાછું મનફાવે એમ વર્તન કરતાં હતાં! 

બંને પ્રજા વચ્ચે ઘર્ષણ થવું સ્વાભાવિક હતું. પણ ગવર્નર આર્થર ફિલિપ એમના ઉદ્દેશને વળગી રહેવા પ્રયત્નશીલ હતા. એ પ્રયાસના ભાગરૂપે, આદિમવાસીઓને વિશેષ સમજવા માટે એમણે એમના જ બે યુવાનોને પોતાની તરફ આકર્ષવાની યુક્તિ અજમાવી, જે યુવાનો હતા કોલબી અને બેન્નેલોન્ગ (1764-1813). આ બંનેને ફિલિપે, આમ તો બંદી તરીકે જ, સિડની કૉવની પોતાની વસાહતમાં રાખ્યા. કોલબી તો ત્રણેક અઠવાડિયાંમાં ત્યાંથી ભાગી છૂટ્યો, પણ અંગ્રેજોની વચ્ચે રહેતાં- રહેતાં બેન્નેલોન્ગ એમની બોલી ને રીતભાતની નકલ કરવા લાગ્યો, ને એમ કરતાં-કરતાં આદિજાતિમાંથી એ ફિલિપનો પહેલો મિત્ર બન્યો. આ બેન્નેલોન્ગ મને ઑસ્ટ્રેલિયાને સર કરવાનાં અંગ્રેજોનાં પગલાંનું પહેલું ને મહત્ત્વનું પગથિયું લાગે છે, એટલે એની વાત આપણે થોડી વિગતે કરશું. બેન્નેલોન્ગને અંગ્રેજી ભાષા થોડી આવડવા લાગી હોવાને લીધે એ અંગ્રેજો અને પોતાનાં લોકો વચ્ચેનો સેતુ બન્યો. થોડા સમયમાં એને એનાં નવાં જીવન વચ્ચે પણ પોતાની સ્વતંત્રતા સાંભરી ને એક રાતે એ પણ ત્યાંથી પોતાની મૂળ વસાહત તરફ ભાગી છૂટ્યો. ફિલિપને એની જરૂરિયાત તો હતી જ , સાથે એના તરફ લાગણી પણ બંધાઈ ગઈ હતી. એટલે એણે એની શોધ કરવી ચાલુ કરી. પણ બેન્નેલોન્ગ તો પાછો ફરતાંવેંત પોતાના સમાજમાં ભળી ગયો હતો.

સ્થાનિક મૂળનિવાસીઓની એક વિધિ

મૂળ સ્રોત : State Library of NSW

ગળ મેં વાત કરી એમ ઑસ્ટ્રેલિયાની સદીઓ પુરાણી આ આદિજાતિ બાહ્ય રીતે જોતાં ભલે અણઘડ જણાતી હોય, પણ એમનો પણ સમાજ હતો, પરંપરા હતી, ભાષાઓ હતી, જીવન વ્યવસ્થા હતી, જીવનનીતિને લગતા કાયદાઓ હતા, રીત-રિવાજો હતાં, સંગીત, નૃત્ય ને ઉત્સવો હતાં, હાથે બનાવેલાં ખડકો પરનાં ચિત્રો હતાં. એમનો કોઈ નેતા નહોતો, પણ કુટુંબનાં વડીલોનું કહેણ સર્વોપરી ગણાતું. લગ્ન કોણે કઈ જાતિમાં કરાય એ બાબતે પણ સ્પષ્ટ ખ્યાલો હતા. પુરુષો માછલીઓ કે પંખી - પ્રાણીઓનો શિકાર કરતા ને સ્ત્રીઓ રસોઈ બનાવતી ને ફળ, શાકભાજી ઉછેરતી. વાવેલાં અનાજ કે શાકભાજી કોઈ એકની માલિકીનાં નહોતાં, એના પર બધાંનો સમાન હક્ક રહેતો. ૠતુઓ પ્રમાણે એ લોકો સ્થાન ફેર કરતાં. એકવાર જે જગ્યાએ સારું રહેવા, ખાવાનું મળ્યું હોય, ત્યાં આગલા વર્ષે સરળતાથી પહોંચી શકાય એટલે જુદી-જુદી નિશાનીઓ રાખી જતાં. કુદરતની વચ્ચે આટલું મહેનતવાળું જીવન ગાળનારાં અને ખાધે-પીધે સુખી ને સંતોષી એ આદિમવાસીઓ એ સમયના દરેક યુરોપિયન કરતાં વધારે સ્વસ્થ ને તંદુરસ્ત હતાં એવું ત્યાં આવીને રહેનાર યુરોપિયનોએ જ નોંધ્યું હતું.

બેન્નેલોન્ગનું ચિત્ર

મૂળ સ્રોત : State Library of NSW

આવા સમૃદ્ધ પ્રદેશને પોતાનો કરવા અંગ્રેજોએ જેમને કામે લગાડ્યા હતા એ મોટા ભાગના કેદીઓ હતા. એમની પરિસ્થિતિ પર થોડી નજર નાખીએ તો જણાશે કે એમાંના ઘણાખરા લોકો નાની ઉંમરના ને ગરીબ હતા અને બ્રૅડ ચોરવાના કે એવા તદ્દન સામાન્ય કહેવાય એવા અપરાધ માટે આટલી દૂર, આવી સાવ અજાણી જગ્યાએ સજા ભોગવવા લાવવામાં આવ્યા હતા. એમનાં મા-બાપ કે કુટુંબને કદાચ હવે એ લોકો આજીવન મળી શકવાના નહોતા. આવી માનસિક પરિસ્થિતિમાં એક તો તનતોડ શારીરિક શ્રમ અને તે પણ સાવ અપરિચિત વાતાવરણ અને લગભગ પશુઓ જેવાં દેખાતાં લોકોની વચ્ચે, એટલે ઘર્ષણ એ એમના વચ્ચે સતત ચાલતી પ્રક્રિયા થઈ ગયું હતું. આ અંગ્રેજ કેદીઓ સૂચના પ્રમાણે મકાન બાંધવા માટે જમીન ખાલી કરવા આદિવાસીઓનાં ઝૂંપડાં બાળી નાખે, એમનાં હોડકાં ચોરી જાય, તો સ્વાભાવિક રીતે આદિવાસીઓ તેમના પર હુમલા કરે. અંગ્રેજો બટેટા વાવે, તો આદિવાસીઓ રાતે આવીને એ લઇ જાય. એમના માટે તો કુદરતમાં બનતું બધું સૌનું જ હોય ને! એને લીધે હતાશ થયેલા ને ક્રોધે ભરાયેલા કેદીઓ ગોળીબાર કરે. આમ, બંને પક્ષે વેર વધતું ચાલ્યું હતું.

આ બાજુ ફિલિપને બેન્નેલોન્ગને ફરી મેળવવામાં રસ હતો. બેન્નેલોન્ગના એમને ત્યાંથી ગયાના થોડા મહિનાઓ પછી આદિવાસીઓની એક ઉજવણી દરમિયાન એને બેન્નેલોન્ગ દેખાયો. ફિલિપ એની નજીક જતો હતો એવામાં બેન્નેલોન્ગે એને અટકાવવા એને ઘાયલ કર્યો. તેમ છતાં ફિલિપ એની મિત્રતા ફરી મેળવવામાં સફળ રહ્યો. પણ આ પ્રકારના ફિલિપના ઘણા પ્રયત્નો છતાં એ પોતાના અને આદિવાસીઓ વચ્ચેના સંબંધ બહુ સુધારી શક્યો નહિ. એક તરફ ઑસ્ટ્રેલિયામાં અંગ્રેજોનું જીવનધોરણ તો નીચું ગયું જ હતું, એ ઉપરાંત, એમનો ખાધા- ખોરાકીનો પણ પ્રશ્ન થવા લાગ્યો હતો. ફિલિપને અપેક્ષા હતી એટલી ઝડપે એ પરિસ્થતિ પર કે પ્રદેશ પર કાબૂ ન મેળવી શક્યો, અને પોતાની પેટની કોઈ બીમારીથી પણ એ કંટાળ્યો હતો, એટલે આખરે થાકીને ઈ.સ. 1792માં એણે પોતાનું પદ છોડી દીધું. જતાં પહેલાં એ એક વાત સમજ્યો હતો કે જેમણે કેદી તરીકેની પોતાની સજા પૂરી કરી લીધી હોય એવાં મુક્ત લોકોને જો અહીં તક આપવામાં આવે તો અહીં ઝડપથી વિકાસ થઇ શકે. અને એના ભાગરૂપે એણે ખેતીના જાણકાર જૅમ્સ રુઝને જમીન આપી, જેમાં એણે પાછળથી ઘણી ફળદ્રુપ ખેતી વિકસાવી. આમ, ઈ.સ.1788થી 1792 સુધી ઑસ્ટ્રેલિયામાં અંગ્રેજ રાજ્ય સ્થાપવાનાં પાયાનાં પગલાં લઈ ફિલિપ ઇંગ્લેન્ડ પરત ફર્યો.

ઑસ્ટ્રેલિયાના આદિમ માણસોનાં જીવનમાં 1788માં અંગ્રેજોએ આવીને ઉથલપાથલ તો કરી જ નાખી હતી, ત્યાં 1789માં ઓચિંતો જ શીતળાનો રોગ ફાટી નીકળ્યો. એક એવી માન્યતા પણ છે કે એ રોગનાં જંતુઓ અંગ્રેજોની સાથે આવ્યાં હતાં, એટલે એની સામે લડવા અહીંના રહેવાસીઓનાં શરીરમાં પૂરતી રોગપ્રતિકારક શક્તિ નહોતી, પરિણામે આદિવાસીઓ ટપોટપ મરવા લાગ્યા. જે કેટલાક બચ્યા એ ભાગ્યા સિડની શહેર તરફ, જ્યાં એમણે પોતાનું જીવન ટકાવવા અંગ્રેજોની દયા પર રહેવું પડ્યું. ત્યાંથી શરૂઆત થઈ પોતાના જ દેશમાં આશ્રિત જેવાં, ભિખારી જેવાં એમનાં જીવનની. હવે આર્થર ફિલિપના ગયા પછી દેશનું સુકાન આવ્યું આર્મીના હાથમાં. એમની સમજ કે સારપ કાંઈપણ ફિલિપના જેવાં નહોતાં. એ તો અંધાધૂંધ રીતે આદિમવાસીઓને મારવા લાગ્યા. આમ, હિંસા અને યુદ્ધનાં રોપાયેલાં બીજ વટવૃક્ષ થઈ ગયાં. આવો સમય જ બળતાંમાં ઘી હોમવાનું કામ કરે છે.

ભારતના ઇતિહાસમાં જેમ ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ કે રાણી લક્ષ્મીબાઈ જેવાંઓએ વિરોધનો વાવટો ફરકાવ્યો, એવું જ ઑસ્ટ્રેલિયાના ઇતિહાસમાં પણ બન્યું. પૂર્વ ઑસ્ટ્રેલિયામાં અચાનક અંગ્રેજોના આવી જવાથી, અને પોતાના પ્રદેશમાં કાયમ માટે રહી પડવાની બાકીની ગતિવિધિથી જ જે કેટલાક આદિમવાસીઓ ક્રોધે ભરાયા હતા, એમાંથી પેમલ્વે (1750-1802) નામના એક આદિવાસીનો પિત્તો છટક્યો. આ વાત છે ઈ.સ. 1790ની, જ્યારે ગવર્નર આર્થર ફિલિપનો શિકાર સાથી જ્હોન મેકિનટાયર હાલતાં ને ચાલતાં આદિવાસી સ્ત્રીઓનું શોષણ કરતો. એનું વર્તન અસહ્ય બનવાથી પેમલ્વેએ એને ભાલો મારી દીધો અને થોડા સમયમાં મેકિનટાયર મૃત્યુ પામ્યો. ત્યારથી એને અને એના કેટલાક સાથીદારોને મારવા અંગ્રેજો પાછળ પડ્યા હતા, પણ એ બચતો ગયો. પછીનાં દસેક વર્ષો, ઈ.સ.1792થી ઈ.સ.1802માં તો એણે પોતાના આતંકથી અંગ્રેજોના નાકે દમ લાવી દીધો. એમની મિલિટરી છાવણીઓ પર હુમલા કર્યા, એમનાં પાલતુ પ્રાણીઓને માર્યાં, એમના પાક બાળી નાખ્યા ને એમની ચીજ-વસ્તુઓની ચોરી કરી. આ દરમિયાન એને કેટલી ય વખત ઈજાઓ પહોંચી, એ ઘવાયો, પણ દરેક વખતે ફરી બેઠો થઇ ગયો. જન્મથી જ એના ડાબા પગની ખોડને લીધે આપણે આગળ જેની વાત કરી ગયાં, એ કોલબી એને એમની જાતિનો ‘કાબેલ’ માણસ કહેતો. બધા આદિમવાસીઓ તો શું, અંગ્રેજો પણ એમ માનવા લાગ્યા હતા કે કોઈ ગોળી પેમલ્વેને મારી શકે એમ નહોતી ! ઈ.સ. 1802માં ગવર્નર ફિલિપ ગિડલી કિંગે એને જીવતો કે મરેલો પકડનાર માટે ઇનામ જાહેર કર્યું ને એની યુક્તિ કામ કરી ગઈ. અંદાજે 1802ના જૂન મહિનામાં એ ઠાર મરાયો. એ પછી એનું માથું વૈજ્ઞાનિક સર જૉસેફ બેન્ક્સને એના સંગ્રહ માટે ઈંગ્લેન્ડ મોકલી દેવામાં આવ્યું. જો કે લૉર્ડ હોબાર્ટે આ પછી ગવર્નર કિંગને લખેલા એક પત્રમાં ઑસ્ટ્રેલિયાના મૂળ વતનીઓ સાથેના એના આવા ક્રૂર વ્યવહાર માટે ઠપકો આપ્યો હતો. ગવર્નરે પણ પાછળથી પેમલ્વે માટે લખ્યું છે, ‘અંગ્રેજો માટે ભલે એ મોટો ઉપદ્રવ હતો, પણ હતો એ ખૂબ બહાદુર લડવૈયો, જેણે જીવતે જીવત તો ખરી જ, પરંતુ એના મૃત્યુ પછી પણ એનાં લોકોને પોતાની ભૂમિ માટે લડવાની પ્રેરણા આપી.’ એક યોદ્ધા માટે વિરોધીએ કરેલી આવી પ્રશંસાથી મોટું બીજું શું હોય ! આ અને આવા કેટલા ય વીરોનાં ચિત્રો ન મળી શકવાને લીધે આપણે એમના ચહેરા આપણી કલ્પનામાં જ ઉપસાવવા રહ્યા.

વિન્દ્રાડાઇનનું આલેખન

એના જેવો જ, બીજી એક વિરાજુરી (Wiradjuri) પ્રદેશની કોમનો યોદ્ધો હતો વિન્દ્રાડાઇન (Windradyne: 1800-1829). એની વાત કરતાં પહેલાં થોડો સંદર્ભ જાણી લઈએ. વિરાજુરી આજનાં ન્યુ સાઉથ વૅલ્સની મધ્ય-પશ્ચિમે આવેલો એક મોટો વિસ્તાર હતો. ઑસ્ટ્રેલિયામાં ગોઠવાઈ રહેલા અંગ્રેજોમાંથી કેટલાકને આસપાસ ફરીને નવો વિસ્તાર શોધવાનો વિચાર આવ્યો. આ શોધની ઈચ્છા પાછળ ફળદ્રુપ જમીનની અછત પણ કારણભૂત ખરી. એમની નજર હતી સિડનીની પશ્ચિમે આવેલી બ્લુ માઉન્ટેઇન્સ તરીકે ઓળખાતી પર્વતમાળા પર, જે આજે ઑસ્ટ્રેલિયાના મુલાકાતીઓનું ખૂબ માનીતું સ્થળ છે. એ વિસ્તાર સ્વાભાવિક રીતે ખૂબ ખડકાળ અને વિશાળ હતો. ઘણા પ્રયત્નોને અંતે આખરે ઈ.સ. 1813માં, યુરોપિયનોના ઑસ્ટ્રેલિયા આવ્યાનાં પચ્ચીસમે વર્ષે, ગ્રેગરી બ્લેક્સલેન્ડ, વિલિયમ લૉસન અને વિલિયમ વેન્ટવર્થ સફળતાપૂર્વક એ બ્લુ માઉન્ટેઇન્સ પાર કરી શક્યા. ત્યાંની જમીન એમની ધારણા મુજબ જ ઘણી ફળદ્રુપ હતી. એટલે વર્ષોથી ત્યાં વસતા વિન્દ્રાડાઇન જેવા આદિમવાસીઓનું જીવન ખેતી અને શિકાર ઉપર જ આધારિત હતું. પોતાના પ્રદેશમાં આવેલા નવા આગંતુકો સાથે પહેલાં તો વિન્દ્રાડાઇન મિત્રતાપૂર્ણ વર્તતો હતો. એમણે વિન્દ્રાડાઇન વિષે લખ્યું છે કે પોતાનાં કુટુંબ અને કોમ માટે ખૂબ ભાવવાળો વિન્દ્રાડાઇન જાણે ગ્રીક ગૉડ ઍપોલો હતો. એ એકદમ સુદૃઢ બાંધાવાળો અને ખૂબ દેખાવડો હતો. પોતાનાં લોકો માટે કાંઈ પણ કરી છૂટવા એ હંમેશાં તૈયાર રહેતો. સમય જતાં અંગ્રેજોએ હંમેશની જેમ એમની જમીન પચાવવા માંડી, એમના માટે પવિત્ર ગણાતાં વૃક્ષો કાપીને પોતાનાં રહેઠાણ બનાવવા લાગ્યા.

એવામાં સરકારમાં ફેરફાર થયા અને ઈ.સ. 1821માં ટોમસ બ્રિસબેઇન ગવર્નર બન્યા. આવતાંવેંત એમણે બ્લુ માઉન્ટેઇન્સ તરફની જમીનો ખેતી કરવા ઈચ્છતા અંગ્રેજોને આપવા માંડી, જેના પરિણામે ઘણાબધા લોકો એ વિસ્તારમાં વસવાટ કરવા આવી પહોંચ્યા. કેટલાક વખતથી વિન્દ્રાડાઇનને લાગવા તો માંડ્યું જ હતું કે આ લોકો અહીં હંમેશ માટે રહી જવા આવ્યા છે અને પોતાના પ્રદેશ પર માલિકી જતાવવા માંડ્યા છે. એટલે હવે એ અંગ્રેજો પર પદ્ધતિસરના હુમલા કરવા લાગ્યો. રાતે ટોળાંમાં જઈને છાપો મારે, એમનાં પશુઓ ઉપાડી જાય ને ખેતરો બાળી નાખે. એમના આવા હુમલાથી અંગ્રેજો આતંકિત થઇ ગયા અને એમની સામે બંદૂકો ચલાવવા લાગ્યા. એમણે આદિવાસી સ્ત્રીઓ ને બાળકોને પણ પોતાનાં નિશાન બનાવ્યાં, એટલે આ યુદ્ધે જોર પકડ્યું. એવામાં ઈ.સ. 1824ની શરૂઆતમાં, બાથર્સ્ટ ગામના એક અંગ્રેજ ખેડૂતે સંબંધો સુધારવાના નાતે થોડા આદિવાસીઓને પોતે ઉગાડેલા બટેટા આપ્યા. એ બટેટા બધાને એટલા ભાવ્યા કે એ લોકો તો બીજે દિવસે ત્યાં જઈને પોતાની રીતે બટેટા લેવા માંડ્યાં. આપણે આગળ વાત કરી ગયાં એમ એ લોકોમાં જમીન કે પાક ઉપર સૌનો સમાન અધિકાર રહેતો, એટલે એમને મન તો આ સહજ હતું, પણ પેલા ખેડૂતે ગુસ્સામાં આવીને એમના પર બંદૂક ચલાવી દીધી અને એમાં વિન્દ્રાડાઇનની પત્ની સહિત ઘણાં આદિવાસીઓ ઠાર મરાયાં. આ છેલ્લી ઘટના પછી તો વિન્દ્રાડાઇન અંગ્રેજોનો કટ્ટર વિરોધી થઇ ગયો. અંગ્રેજોના ગોળીબારનો બદલો લેવા એણે પણ કેટલાયને મારી નાખ્યા. હવે ગવર્નર બ્રિસબેઇનને પરિસ્થિતિ કાબૂ બહાર લાગતાં ઈ.સ. 1824ની 14મી ઑગસ્ટે બાથર્સ્ટમાં એણે લશ્કરી કાયદો - માર્શલ લૉ લાગુ પાડી દીધો. આ ભયંકર કાયદા મુજબ કોઈ પણ અંગ્રેજ ગમે ત્યારે ગમે તેટલા આદિવાસીઓને મારી શકે. આ ક્રૂરતામાંથી એમણે સ્ત્રીઓ અને બાળકોને પણ બાકાત ન રાખ્યાં. ઑસ્ટ્રેલિયાના ઇતિહાસનો આ એક કાળો ચહેરો હતો. એ દરમિયાન વિન્દ્રાડાઇનને પકડનાર માટે ગવર્નરે 500 એકર જમીનનું ઈનામ પણ જાહેર કર્યું હતું. વિન્દ્રાડાઇનને લાગ્યું કે પોતાની જાતિનો થઈ રહેલો આ સામૂહિક નરસંહાર અટકાવવાનો એક જ રસ્તો હતો ને એ શરણાગતિ સ્વીકારવી. ઈ.સ. 1824ના ડિસેમ્બરમાં વિન્દ્રાડાઇને સંખ્યાબંધ આદિવાસીઓ સાથે એ બ્લુ માઉન્ટેઇન્સથી લઈને પેરામેટા (આજનાં પશ્ચિમ સિડનીનું એક પરું) સુધીનું  ખૂબ લાબું અંતર કાપ્યું, ‘Peace’ લખેલી ટોપી પહેરીને ગવર્નરને મળ્યો, માર્શલ લૉ પાછો ખેંચાયો અને આ જાતિસંહાર અટક્યો. પોતાનાં લોકો, પોતાના પ્રદેશ માટે શરણે થનાર આ લડવૈયાની વીરતાને એનાં મૃત્યુ પછી ય શું લોકો ભૂલી શકે?

વિશ્વના અનેક દેશોમાં આ રીતે પોતાનું શાસન સ્થાપવા નીકળેલા ‘સેટલર્સ’ તરીકે જાણીતા અંગ્રેજોને તો આખા ઑસ્ટ્રેલિયા ખંડનો બધી જ રીતે લાભ લઇ લેવો હતો. દુનિયાભરના દરિયાખેડુઓ ઑસ્ટ્રેલિયાના ટાઝમેનિયા ટાપુ પર વ્હેલ માછલીનો શિકાર કરવા આવતા. વ્હેલની ચામડી અને એનાં માંસ ઉપરાંત એ લોકો ટાઝમેનિયાની સ્ત્રીઓનો સ્વાદ ચાખવા લાગ્યા હતા. આગળ બધે જ બનતું આવ્યું હતું એમ અહીં પણ એ લોકોએ દુર્વ્યવહાર ચાલુ કરી દીધો. વ્હેલ, કાંગારુનો શિકાર અને સ્ત્રીઓને ઉઠાવી જઈને એમના પર બળાત્કાર કરવો એ તો એમના માટે સામાન્ય બની ગયું હતું.  ત્યાંના આદિમવાસીઓની નારાજગી અને વિરોધે હવે સ્વબચાવ માટે હિંસાનું રૂપ લીધું, પણ આ લોકો સામે ટકવું સહેલું થોડું હતું! ઈ.સ. 1828માં ગવર્નર આર્થરે બાથર્સ્ટની જેમ અહીં પણ માર્શલ લૉ જાહેર કરી દીધો. ખૂનામરકી જાણે કોઈ રમત ન હોય! પરિણામ આવ્યું મૂળ રહેવાસીઓનો અંધાધૂંધ સંહાર. સૅટલર્સ અને આદિમવાસીઓ વચ્ચે ઈ.સ.1804થી ઈ.સ.1830માં થયેલું આ ઘર્ષણ ઑસ્ટ્રેલિયાનું ‘બ્લૅક વૉર’ કહેવાયું. આ બ્લૅક વૉર દરમિયાન જન્મ થયો ટ્રગાનિનીનો (1812-1876). મોટી થતાં સુધીમાં તો એની માતાનું ખલાસીઓએ અને કાકાનું સિપાહીઓએ ખૂન કરી નાખ્યું, બહેનને સીલ માછલીના શિકારીઓ ઉઠાવી ગયા, પોતાની સાથે બળાત્કાર થયો, એટલું જ નહિ  જેની સાથે પોતાનાં લગ્ન નક્કી થયાં હતાં એને પણ વેપારીઓએ મોતને ઘાટ ઉતારી દીધો. આ બધું થયા છતાં પણ ટ્રગાનિનીએ યુદ્ધ અટક્યા પછી થોડી સંખ્યામાં બચેલી પોતાની જાતિના લોકો અને સંસ્કૃતિનું રક્ષણ કરવાના ઈરાદાથી અંગ્રેજોને મદદ કરી. હિંસાથી બચેલા આદિવાસીઓને દુશ્મનોથી રક્ષણ આપવાનાં બહાને અંગ્રેજોએ મૂળ ટાપુથી દૂરના એક ફલિન્ડર્સ ટાપુ પર મોકલી દીધા. મૂળે કેદીઓને રાખવા માટેની એ જગ્યામાં એમને ગોંધી રખાયાં! પોતાની ભૂમિ છોડ્યાનાં દુઃખ, પીડા અને અભાવથી એમાંનાં કેટલાં ય મૃત્યુ પામ્યાં. વર્ષો સુધી કૈંક સારું બનવાની રાહ જોયા પછી, અંગ્રેજો દ્વારા પોતાને આપવામાં આવેલાં તમામ વચનો ખોટાં ઠર્યાંનાં દુઃખ સાથે ટ્રગાનિની ટાઝમેનિયાની રાજધાની હોબાર્ટમાં મૃત્યુ પામી.

ટૃગાનિની

મૂળ સ્રોત : Local history museum at Devonport, Tasmania

આ બધું બની રહ્યું હતું એ દરમિયાન, ઈ.સ. 1836માં ઉત્ક્રાંતિવાદનો જનક ચાર્લ્સ ડાર્વિન ટાઝમેનિયાની રાજ્યની રાજધાની હોબાર્ટ આવ્યો હતો, જેણે ભવિષ્ય ભાખ્યું હતું કે આવતાં ત્રીસ વર્ષમાં આ આદિમ માનવજાતિ એમની ભૂમિ પરથી નામશેષ થશે. ઐતિહાસિક અને ભૌગોલિક દૃષ્ટિએ તદ્દન અધૂરી બાતમીથી ફેલાયેલી આ વાતને અંગ્રેજોએ સર્વસ્વીકૃતિની મહોર મારી દીધી. ટ્રગાનિનીને સાવ ખોટી રીતે છેલ્લી ટાઝમેનિયન મૂળની વ્યક્તિ જાહેર કરી દીધી. વિજ્ઞાનને તો રસ જ હોય છે મૃત શરીરોમાં, અને એ માટે માનવતાનું વસ્ત્રાહરણ કરતાં પણ એ સંકોચ અનુભવતું નથી. ને એટલે, ટ્રગાનિનીને બીક હતી એ મુજબ એનાં મૃત્યુ પછી એનાં હાડપિંજરને લોકોમાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું હતું. છેક ઈ.સ.1976માં, એનાં મૃત્યુનાં સો વર્ષે, ટ્રગાનિનીની ઈચ્છા મુજબ એના અંતિમ સંસ્કાર કરી એનાં અસ્થિઓ વિસર્જિત કરવામાં આવ્યાં.

ઓગણીસમી સદી સમગ્ર ઑસ્ટ્રેલિયા માટે પરિવર્તનનો સમય હતો. નવો સમાજ વિકસી રહ્યો હતો. સ્વતંત્ર આદિમવાસીઓનું એ મુક્ત ઑસ્ટ્રેલિયા હવે અંગ્રેજોનું બની રહ્યું હતું. આ સદીના અંતભાગમાં ઑસ્ટ્રેલિયાનાં લગભગ તમામ રાજ્યોમાં આદિવાસીઓને પોતાના જેવા સભ્ય બનાવવા, એમનાં રોજિંદાં જીવન પર નજર રાખવા ઍબરિજિનલ પ્રોટેક્શન બૉર્ડ બનાવવામાં આવ્યાં. એમને રહેવા માટે જુદાં-જુદાં રિઝર્વ્સ, જમીનના કેટલાક ટુકડા ફાળવવામાં આવ્યા. એમાં એમને શિક્ષણ આપવા પાદરીઓ, મિશનરીઓ ગોઠવવામાં આવ્યા. આવાં પરિવર્તનો કેટલાકની જીત અને બાકીનાની હાર બનીને આવતાં હોય છે. પણ સમજદાર વ્યક્તિ પરિસ્થિતિ નાણીને, હાર ન માનીને એમાંથી રસ્તો કાઢે છે. એવો જ હતો આજનાં વિક્ટોરિયા વિસ્તારનો એક નેતા સાયમન વૉન્ગા (1821-1874). નાની ઉંમરે શિકાર દરમિયાન એને એકવાર પગમાં ઈજા થઇ. વિલિયમ ટૉમસ નામના એ સમયના આસિસ્ટન્ટ ઍબરિજિનલ પ્રોટેક્ટર એને સારવાર માટે પોતાને ત્યાં લઈ ગયા. વૉન્ગા એમની સાથે લાંબો સમય રહ્યો. એ ગાળામાં એણે એમને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ વિષે વાત કરી, ને પોતે પણ એમના રીત રિવાજો, વાણી-વર્તન શીખવા લાગ્યો. એ સમજી ગયો હતો કે ઑસ્ટ્રેલિયાના આદિમવાસીઓ માટે હવે આ શ્વેત લોકોને સ્વીકારવા અને એમની જીવનશૈલી અપનાવવી એ જ સારો રસ્તો છે. જો કે એને લાગ્યું કે અહીંનાં લોકો માટે થોડી પણ પોતાની માલિકીની જમીન હોવી જરૂરી છે, ને આ એનું જીવન ધ્યેય બની ગયું. એ ધ્યેય સુધી પહોંચવા એને સાથ મળ્યો જ્હોન ગ્રીનનો. જ્હોન ગ્રીન ધાર્મિક રીતે ચુસ્ત પણ એક શ્રદ્ધાળુ ખ્રિસ્તી હતા. બીજા કેટલાક પાદરીઓની જેમ ધર્માંતરણ એમનો મુખ્ય હેતુ નહોતો. એમને ઑસ્ટ્રેલિયાના મૂળ વતનીઓ માટે પ્રેમ હતો, એમની પરંપરાઓમાં એમને વિશ્વાસ હતો. એમની મદદથી વૉન્ગાએ આદિમવાસીઓને શિક્ષિત કરવાનું કામ કર્યું. વૉન્ગા એનાં લોકોને સમજાવતો કે આપણે હવે લડવા ઝગડવાને બદલે આ ‘white’ લોકોની જેમ રહેવાનું છે. જ્હોન ગ્રીન સાથેના વૉન્ગાના પ્રયાસોને પરિણામે એમને યારા નદી પાસેનો કેટલોક વિસ્તાર મળી ગયો, જે કોરંડર્ક રિઝર્વ (Coranderrk Reserve) તરીકે ઓળખાયો. થોડાં વર્ષો તો બધું સમુંસૂતરું ચાલ્યું, પણ પછી એમની જ જમીન ઉપર આદિમવાસીઓને મજૂરની જેમ રાખવા લાગ્યા. ધીમે-ધીમે તેમને ત્યાંથી કાઢી મૂકવાની વેતરણ ચાલી. એમનાં રક્ષણને નામે ચાલતાં પ્રોટેક્શન બૉર્ડ દ્વારા એમની સુરક્ષા સિવાયનાં જ કામ કરવામાં આવ્યાં. એમને આપેલા ઘણા વાયદાઓ તોડવામાં આવ્યા. ‘White’ લોકો જેવું જીવન અપનાવવા માટે બનતું બધું કરવા છતાં એમના દ્વારા થતા અન્યાયથી માનસિક રીતે ભાંગી ગયેલા વૉન્ગાનું ઈ.સ.1874માં મૃત્યુ થયું.

ટ્રગાનિની અને સાયમન વૉન્ગાની લડત કૈંક અંશે ગાંધીજી જેવી અહિંસક હતી, તો પેમલ્વે, વિન્દ્રાડાઇન જેવાઓએ હિંસાનો સાથ લેવો પડ્યો હતો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં જન્મેલો જંદમારા (Jandamarra: 1870-1897) ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ વિસ્તારનો એવો જ એક લડવૈયો હતો. યુરોપિયનો એને ‘પિજન’ - કબૂતર કહેતા કેમ કે તેઓ માનતા કે ખૂબ પ્રભાવક અને શક્તિશાળી જંદમારા ઊડી શકતો અને કાળો જાદુ પણ જાણતો. ઢોરોના નેસમાં મજૂરી કરતાં-કરતાં જંદમારાને સમજાયું કે આ વિદેશીઓ અમારા જ હાથે અમારાં લોકોને મરાવે છે. લડ્યો એ તો એમની સાથે એકલે હાથે, અને એવા તો એમને હંફાવ્યા કે છેવટે એને હરાવવા એમની જાતિના જ એક બળિયા માણસની મદદ લેવી પડી, ને એમ, એક આદિમવાસી યોદ્ધો એના જ એક સાથી દ્વારા હણાયો (હણાવાયો)!

અત્યાર સુધી આપણે વાત કરી એ એવા આદિવાસીઓ હતા જે અણધારી આવી પડેલી પરિસ્થિતિનો સામનો કરવા, એને ટાળવા એની સામે પોતાની રીતે ઝઝૂમ્યા. પછીની સદીમાં, એ સો વર્ષના ગાળામાં, આદિમવાસીઓની પેઢી પણ સમય સાથે બદલાઈ. આપણે હમણાં જેની વાત કરી ગયાં એ સાયમન વૉન્ગા એ બદલી રહેલી પેઢીનો હતો. જેને લાગ્યું કે આપણે ઓસ્ટ્રેલિયામાં રહેવું હશે તો સમજદારી અને ક્ષમતા કેળવીને મુખ્ય પ્રવાહમાં ભળવું પડશે, અંગ્રેજોને સ્વીકારવા પડશે. એવા પરિવર્તનશીલ માહોલમાં વિક્ટોરિયામાં આવેલાં કમરગંજા (Cummeragunja) રિઝર્વમાં જન્મ થયો ડગ્લાસ(ડગ) નિકોલ્સનો (1906-1988). ત્યાં રહેતાં અન્ય બાળકોની જેમ એને ખ્રિસ્તી મિશનરી દ્વારા સારું પ્રાથમિક શિક્ષણ મળ્યું અને માતાપિતા પાસેથી મળ્યા સારા સંસ્કાર અને પોતાની સંસ્કૃતિ માટેનું ગૌરવ. પોતે પૂરાં દસ વર્ષના પણ નહોતા થયા ને ઍબરિજિનલ પ્રોટેક્શન બૉર્ડવાળા એની મોટી બહેન હિલ્દાને બળજબરીથી એનાં કુટુંબથી વિખૂટી પાડીને લઈ ગયા. આવી પેઢીઓ ‘The Stolen Generations’ કહેવાઈ. ઑસ્ટ્રેલિયાના આદિમવાસીઓના ઇતિહાસના આ ખૂબ મહત્ત્વના અને દુઃખદ વળાંક વિષે આપણે પછીના લેખમાં વાત કરશું. અત્યારે ડગ નિકોલ્સની વાત આગળ વધારીએ, તો જે રીતે એ લોકોએ બહેનને એની માથી અળગી કરી, એ જોઈને ડગ સમજી ગયા હતા કે અન્યાય જોવાના એમના દિવસો શરૂ થઈ ગયા હતા. એ કહેતા કે આ લોકો આપણને મરઘાં જેટલું ખવડાવીને આપણી પાસેથી ગરૂડ બનવાની અપેક્ષા રાખે છે. ચૌદ વર્ષની ઉંમરે એમને પણ કામ શોધવા રિઝર્વમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. નાનપણથી જ સારા કસરતબાજ એવા ડગ એક સારા દોડવીર, કુસ્તીબાજ અને ફૂટબૉલર હતા. જાતિવાદ (Racism) જેવી અનેક મુસીબતોનો સામનો કરતાં- કરતાં આખરે તેઓ પોતાની મહેનત, કૌશલ્ય અને ધીરજથી વિક્ટોરિયા ફૂટબૉલ અસોસિએશનમાં સ્થાન પામ્યા, ખૂબ રમ્યા અને ઘણા ઈનામો જીત્યા. કદમાં નીચા હોવાને લીધે એમના વિષે એવું કહેવાતું કે એક ઠીંગુએ કદાવરોને પાછળ છોડી દીધા ! આ બધાં છતાં એમને અને એમનાં લોકોને થઈ રહેલા અન્યાય તરફ એ બેધ્યાન નહોતા. દેશના નવા આગંતુકો સાથે સુમેળ સાધવાને એ સમયની જરૂરિયાત ગણતા. એ કહેતા કે પિયાનોની કાળી કે ધોળી કળ દબાવવાથી એમાંથી અવાજ ચોક્કસ નીકળે, પણ સૂરીલાં સંગીત માટે તો એ બંને પ્રકારની કળને દબાવવી પડે. આમ, શ્વેત લોકો વચ્ચે આદિમવાસીઓનાં સ્થાન અને માન માટે પત્નીના સહકારથી તેઓ હકારાત્મક રીતે કાર્યરત થયા. પોતાના સમાજ માટે એમણે ખૂબ કામ કર્યું, સાથે ચર્ચના પાદરી પણ રહ્યા. દેશનાં અને એમનાં લોકોનાં હિતમાં એમનાં પ્રદાન બદલ એમને અનેક સન્માન અને હોદ્દાઓ મળ્યા. ઈ.સ. 1976માં તેઓ દક્ષિણ ઑસ્ટ્રેલિયાના ગવર્નર નિમાયા. આદિમવાસી જાતિમાંથી આવેલા એ સૌથી પહેલા ગવર્નર હતા. એમની આ નિમણૂક ઑસ્ટ્રેલિયાનાં જાહેર ક્ષેત્રમાં આદિમવાસીઓના સ્વીકારરૂપ બની રહી.

ડગ નિકોલ્સ

ડગ નિકોલ્સ કહેતા કે ઑસ્ટ્રેલિયાના મૂળ રહેવાસીઓ ક્ષુલ્લક કે તુચ્છ નથી, પણ તેઓ જે સ્થિતિમાં રહે છે એ તુચ્છ છે. આ તો ઑસ્ટ્રેલિયાના મૂળ, મુખ્ય ખંડ પર રહેનારની વાત હતી. હવે આપણે વાત કરશું ઑસ્ટ્રેલિયાના કવીન્સલૅન્ડ રાજ્યનો ભાગ ગણાતા ટોરિસ સ્ટ્રેઇટ આઈલેન્ડ(ટાપુ)ની અને એના વતની (આઈલૅન્ડર) ઍડવર્ડ કોઈકી માબોની (1936-1992). એડ્ડી માબો તરીકે વિશેષ ઓળખાતા એ બાળકની માતા એને જન્મ આપ્યાના થોડા દિવસોમાં જ દુનિયા છોડી ગઈ ને ત્યારથી એનો એના મામાનાં ઘરે ઉછેર થયો. માછલી પકડવી, ખેતી કરવી ને ભણવું એ એની દિનર્યા. શાળાના એક શિક્ષકે એને અંગ્રેજી ભાષાનું મહત્ત્વ જણાવી એના પર પ્રભુત્વ મેળવવા સમજાવ્યું, અને એડ્ડીએ એમની સલાહ પ્રમાણે કર્યું. થોડાં વર્ષોમાં કામ કરવા એ કવીન્સલેન્ડનાં ટાઉન્સવિલ શહેરમાં આવી વસ્યા. નેતૃત્વના ગુણની સાથે અંગ્રેજી સારું હોવાને લીધે તેઓ જુદી-જુદી દરેક નોકરીમાં આગળ પડતા રહ્યા અને લોકોના હક્કો માટે લડ્યા. ટાઉન્સવિલમાં એમણે ઍબરિજિનલ અને આઈલૅન્ડર લોકો માટેની જાહેર સ્વાસ્થ્ય સેવા શરૂ કરાવી. ઈ.સ. 1967માં તેઓ જૅમ્સ કૂક યુનિવર્સિટીમાં માળી તરીકે જોડાયા. ત્યાં નવરાશના સમયમાં એમણે ખૂબ વાંચ્યું. ઈ.સ.1972માં એમને પોતાને ઘેર પોતાના પિતાની તબિયત જોવા જવું હતું, પણ પોતાના ટાપુ પર પહોંચે એ પહેલાં જ શ્વેત લોકોએ એમને અને એમનાં કુટુંબને રોકી લીધું. રાજકારણમાં આગળ પડતા હોવાને લીધે સરકારને ડર હતો કે ટાપુની પરિસ્થિતિ જોઈને એના માટે પણ એ કોઈ ચળવળ ચલાવશે. આ ઘટનાના થોડાક જ સમયમાં એમનાથી દૂર એમના પિતાનું અવસાન થયું. આ ઘટનાએ એમનાં મન પર ઊંડો ઘા કર્યો.

એવાંમાં એકવાર જૅમ્સ કૂક યુનિવર્સિટીમાં નોકરી દરમિયાન બપોરના જમવાના સમયે ત્યાંના ઇતિહાસકારો લૂઝ અને રિનોલ્ડ્સ સાથેની વાતચીતમાં એમણે ટાપુ પરની પોતાની જમીનનો ઉલ્લેખ કર્યો. થોડી મૂંઝવણ પછી એ બંનેએ એડ્ડીનું ધ્યાન દોર્યું કે ટાપુ પરની એ જમીન એડ્ડીની નહિ પણ રાણીની માલિકીની છે. આ તદ્દન માની ન શકાય એવી વાત સાંભળીને એમને એટલો ધક્કો પહોંચ્યો કે ત્યારથી પોતાની જમીન પરના હક્ક માટે એમણે વિધિસરની લડત આદરી. શ્વેત લોકોના પ્રભાવ હેઠળ પોતાની મૂળ સંસ્કૃતિ ન ભૂલાય એટલે એમણે ‘બ્લૅક કમ્યુનિટી સ્કૂલ’ તો શરૂ કરી જ દીધી હતી, હવે આદિમવાસીઓના એમની જમીનના વારસાઈ હક્ક માટે એમણે ઠેરઠેર વ્યાખ્યાન આપવા માંડ્યાં. કેટલાક શિક્ષણવિદ્દ અને વકીલોએ એમને આ અંગે સરકાર સામે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવાની સલાહ આપી. એ મુજબ કરતાં, મે 1982થી શરૂ થયેલા આ કેસનો જૂન 1992માં એમની તરફેણમાં ચુકાદો આવ્યો. અહીંનાં લોકોમાં જમીનની માલિકી અંગે કોઈ કાયદો નહોતાં 18મી સદીમાં યુરોપિયનોએ આવતાંવેંત જેને ‘Terra Nullius’ (માલિક વિહોણી જમીન) જાહેર કરી હતી, એ લગભગ બસ્સો વર્ષે, આખરે 20મી સદીમાં, હજુ છવ્વીસ વર્ષ પહેલાં જ ઑસ્ટ્રેલિયાના મૂળ વતનીઓની જાહેર થઇ! આ ખૂબ ચર્ચાયેલા અને મહત્ત્વના કેસના ઘણા દાવેદારોમાંથી છેવટ સુધી લડનાર હતા એડ્ડી માબો. જો કે પોતાનાં લોકોના હક્કમાં આવેલા એ ચુકાદાને જોવા એ પોતે જીવતા ન રહ્યા, પણ આ ઐતિહાસિક કેસમાં એમનાં બહુમૂલ્ય પ્રદાનને લીધે આજે પણ એ કેસ ‘માબો કેસ’ તરીકે ઓળખાય છે.

પોતાના હક્કો માટેની આવી લડત તો સદીઓથી લડાતી આવી છે, અનેક પ્રકારે લડાતી આવી છે. ગઈકાલની એ દરેક લડાઈની આજ પર એક ચોક્કસ અસર હોય છે. ઑસ્ટ્રેલિયાના ઇતિહાસની આવી ક્ષણો અને આવા લડવૈયાઓ જ આજના ઑસ્ટ્રેલિયાના ઘડવૈયાઓ છે. જુઓ ને, આપણે જ લગભગ અઢીસો વર્ષની સફર એમની સાથે ખેડી આવ્યાં. આપણે પણ એમની સાથે જોઈ ઑસ્ટ્રેલિયાની બદલાતી સંસ્કૃતિ, સૂરત અને સીરત. ત્રણ કડીની લેખમાળાની આ પહેલી કડીમાં ઓસ્ટ્રેલિયાની પ્રાચીનતમ સંસ્કૃતિને આપણે શ્વેતરંગી બનતી જોઈ. ત્રીજી અને અંતિમ કડી એમાં ગરવો ગુજરાતી રંગ પૂરશે. પણ એ પહેલાં હવેની કડીમાં  જોઈશું કે કેમ પૂર્યા એ શ્વેતરંગી ઑસ્ટ્રેલિયામાં દેશ વિદેશથી આવેલાં લોકોએ આજના બહુસાંસ્કૃતિક રંગ ..!

~~~~~~~~~~~

જેલમ હાર્દિક સિડની(ઓસ્ટ્રેલિયા)સ્થિત મીડિયા બ્રૉડકાસ્ટર છે.

e.mail : [email protected]

પ્રગટ : “ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક”; પુસ્તક 84, અંક 3; જુલાઈ - સપ્ટેમ્બર 2019; પૃ. 45-59

Category :- Diaspora / Features