DIASPORA

વિદેશમાં વસતા ગુજરાતીઓની હલચલ-પ્રવૃત્તિઓ-પ્રયાસોના ખબરઅંતર આપણા સુધી કોઈક ને કોઈક પ્રકારે પહોંચતા રહે છે. તેમાં પણ "ઓપિનિયન" અને ‘ગુજરાતી લેક્સિકોન ડૉટ કૉમ’ જેવા મહાપ્રયાસો તેમના બુલંદ યોગદાનથી ગુજરાતી ડાયસ્પોરાની હાજરી વર્તાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ગુજરાતી ડાયસ્પોરા પોતાની વાત લઈને આપણી પાસે આવી રહ્યો છે. એના જ ભાગરૂપે આ વર્ષે બ્રિટનસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’, "ઓપિનિયન" અને ‘ગુજરાતી લેક્સિકોન ડૉટ કૉમ’ના સંયુક્ત ઉપક્રમે, અમદાવાદમાં, તારીખ ૧૦ જાન્યુઆરીએ, ગૂજરાત વિદ્યાપીઠના નવા સભાગૃહમાં, ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : દિશા અને દશા’ વિષય પર અડધા દિવસનો પરિસંવાદ ગોઠવવામાં આવ્યો હતો. વળી, ડાયસ્પોરાની પ્રવૃત્તિને વાંચતી કરવાના હેતુ વિષયને અનુરૂપ એવાં બે પુસ્તકોના વિમોચનનો કાર્યક્રમ પણ સાથે વણી લેવામાં આવ્યો હતો.

આ પ્રસંગે બ્રિટનના ગુજરાતી ડાયસ્પોરાના પ્રતિનિધિઓ કહેવાય તેવા વિપુલ કલ્યાણી ("ઓપિનિયન" તથા ગુજરાતી સાહિત્ય અકાદમી), રતિલાલ ચંદરયા (ચંદરયા ફાઉન્ડેશન), ભદ્રા વડગામા (પ્રમુખ - ગુજરાતી સાહિત્ય અકાદમી), દાઉદભાઈ ઘાંચી તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગર, વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાન્ત વખારિયા, ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ મંગુભાઈ ર. પટેલ,સમાજસેવિકા ઈલાબહેન પાઠક, ઇતિહાસવિદ્દ દંપતી શીરીન મહેતા અને મકરન્દ મહેતા તથા રઘુવીર ચૌધરી મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતાં. શ્રોતા તરીકે બ્રિટન અમેરિકાથી પચાસેક ડાયસ્પોરિકો તથા બીજા અનેક સ્થાનિક લોકો સાથે નારાયણભાઈ દેસાઈ પણ સહભાગી બન્યા હતા. કાર્યૐમના સંચાલનનો દોર વિપુલ કલ્યાણીએ સંભાળ્યો હતો.

ગૂજરાત વિદ્યાપીઠના જાણે કે ગણવેશમાં સજ્જ વિપુલભાઈએ બ્રિટનસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની વાતથી વિષયની માંડણી કરી હતી. ‘૧૨ ફેબ્રુઆરી, ૧૯૭૭ના સ્થપાયેલી અકાદમી ચોથા દસકામાં પ્રવેશી ચૂકી છે. સૈકાઓથી ગુજરાતી પ્રજા જાણે તેનો લાંબો દરિયાકિનારો તેને પડકારતો હોય તેમ દરિયાગમન કરતી રહી છે. અને આ દરિયાપાર વસેલા ડાયસ્પોરાના મિત્રોએ વારસાના વતન માટે કોઈ પણ એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઑવ્ અન્ડરસ્ટેન્ડીંગ શ સમજૌતા એક્સપ્રેસ) વગર ઘણું ઘણું કર્યું છે - તેમના આ પ્રયાસોની ઇતિહાસમાં કોઈ નોંધ નથી લેવાઈ, જે લેવાવી ઘટે.’

તેમની ટૂંકી પૂર્વ ભૂમિકા પછી, પરિસંવાદની અધિકૃત શરૂઆત કરતાં  પહેલાં જાણીતા સાહિત્યકાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ રઘુવીર ચૌધરીના હસ્તે બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું.   પ્રથમ પુસ્તક હતું ઇતિહાસવિદ્દ દંપતી શીરીન મહેતા અને મકરન્દ મહેતા કૃત  ‘બ્રિટનમાં  ગુજરાતી  ડાયસ્પોરા : ઐતિહાસિક  અને  સાંપ્રત પ્રવાહો’.    (પ્રકાશક : વિશ્વ ગુજરાતી સમાજ, મણિપ્રભુ, નવરંગ સ્કૂલ છ રસ્તા પાસે, અમદાવાદ - ૩૮૦ ૦૧૪, વિક્રતા : રંગવાર, યુનિવર્સિટી પ્લાઝા, દાદાસાહેબનાં પગલાં પાસે, નવરંગપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૯; પૃષ્ટ : ૧૬ + ૩૪૨; કિંમત : રૂ. ૨૨૦) આ પુસ્તક અંગે માહિતી સંશોધન માટે શીરીનબહેન અને મકરન્દભાઈએ લગભગ ત્રણેક મહિના લંડનમાં રહીને મહેનત કરી હતી અને તેમને તમામ પ્રકારનો ટેકો આપ્યો હતો "ઓપિનિયને", ‘ચંદરયા ફાઉન્ડેશને’ તથા ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ. બંને લેખકોએ પોતે તો માત્ર નિમિત્ત હોવાનું અને ખરેખરા ઇતિહાસના રચયિતાઓ તો અત્યારે અહીં મંચ પર અને શ્રોતાગણમાં બેઠેલા હોવાનું કહી આભાર વ્યક્ત કર્યો હતો. નાત-જાત-ધર્મ-કોમથી નિરપેક્ષ રહી, ગુજરાતી મુસ્લિમો સુદ્ધાંનાં કેસ સ્ટડી વણી લેતું આ પ્રકારનું આ કદાચ પહેલું પુસ્તક હશે.

આ પ્રસંગે બીજા જે પુસ્તકનું વિમોચન થયું તે હતું ‘વાર્તાની છાજલી’. "ઓપિનિયન"ના આંરભિક દાયકાના અંકોમાં છપાયેલી વાર્તાઓમાંથી ચૂંટેલી ૩૨ વાર્તાઓનો સંગ્રહ. વલ્લભભાઈ નાંઢા, રમણભાઈ પટેલ અને ઉપેન્દ્રભાઈ ગોરે તેનું સંપાદન કર્યું છે. (પ્રકાશક :  નવભારત સાહિત્ય મંદિર, શામળદાસ ગાંધી માર્ગ, મુંબઈ - ૪૦૦ ૦૦૨; પૃષ્ટ : ૧૬ + ૨૩૩; કિંમત રૂ. ૧૭૫).

આ અવસરે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુદર્શન આયંગરે ગુજરાતી ડાયસ્પોરાના જૂના સભ્ય ગણાય એવા મોહનદાસ ગાંધીને યાદ કરીને તેમણે મૂકેલી સ્વસ્થ અને જીવનદર્શક મૂડીને અનુસરવા - અપનાવવાની વાત મૂકી હતી. ‘ભવિષ્યની પેઢી પાસે ફક્ત ગૌરવવંતો ઇતિહાસ નહીં, પૂરતી છણાવટ આપતો હોય તેવો ઐતિહાસિક દસ્તાવેજ હોવો ઘટે’, એવું કહીને તેમણે ડાયસ્પોરાના ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહોના લેખનને બિરદાવ્યું હતું અને શુભકામનાઓ પાઠવી હતી. વળી સૌની સ્વાગતવિધિ જેમણે કરી તે વિપુલ કલ્યાણીનું સ્વાગત કરવું રહી ન જાય તે ધ્યાનમાં રાખી સુદર્શનભાઈએ વિપુલભાઈનું પણ નાના ગુચ્છથી સ્વાગત કર્યું હતું.

ત્યાર બાદ, પોતાના વ્યવસાયને લઈને લાંબું વક્તવ્ય માત્ર અંગ્રેજીમાં (હાઈકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષા જ માન્ય હોવાથી) અને તે પણ સવેતન જ કરવા ટેવાયેલા જાણીતા ધારાશાસ્ત્રી તથા ‘વિશ્વ ગુજરાતી સમાજ’ના પ્રમુખ કૃષ્ણકાન્ત વખારિયાએ નવા પરિવર્તનની ગતિ સાથે ઊભા થનારા પ્રશ્નો માટે - ભાષાની તેમ જ સમાજજીવનની દૃષ્ટિએ - ડાયસ્પોરાએ તેમ જ સ્થાનિક ગુજરાતવાસીઓએ તૈયાર થવાની બાબત વિશે ચર્ચા કરી. ‘માતૃભાષા પર પ્રેમ હોવો જોઈએ તે ખશં, પરંતુ છેવટે ભાષાની ઉપયોગિતા પર જ પૂરો આધાર રહે છે. ભાષા કેટલું જીવશે તેનો માપદંડ માત્ર તેની ઉપયોગિતા જ છે. આપણા ન હોય તેવા બીજા કેટલા ય ઉત્સવો આપણે ઉજવતા થઈ ગયા છીએ ત્યારે ભાષાની દૃષ્ટિએ - સમાજજીવનની દૃષ્ટિએ નવા નવા પ્રશ્નો ઊભા થશે જ અને એના માટે આપણે આ બધાનો સમન્વય કરીને જ આગળ વધવું પડશે.’

સમગ્ર વિશ્વમાં બેથી અઢી કરોડ ભારતીયો જુદે જુદે ઠેકાણે જઈને વસ્યા છે, તેમાંથી ૩૦થી ૪૦ લાખ જેટલા તો માત્ર ગુજરાતીઓ જ છે. આટલી મોટી સંખ્યા જ આ વિષયને અગત્યનો બનાવે છે. સહકારની ભાવના વધે તો બ્રિટનની જેમ ફિજીમાં ગુજરાતી ડાયસ્પોરા, કેનેડામાં ગુજરાતી ડાયસ્પોરા - એમ કેટલા ય ડાયસ્પોરા અભ્યાસો થઈ શકે, એવો મત મકરન્દ મહેતાએ રજૂ કર્યો હતો.

ત્યાર બાદ, વિપુલભાઈએ ૮૪ વર્ષના યુવાન રતિલાલ ચંદરયાને પોતાનું વક્તવ્ય રજૂ કરવા આમંશયા હતા. રતિલાલભાઈએ ખૂબ નિખાલસતાપૂર્વક પોતાની વાત કરી - ‘હું આફ્રિકામાં જન્મ્યો. ઇતિહાસકારોએ અમને ‘કુલી’ તરીકે ઓળખાણ આપી. જ્યાં જઈએ ત્યાં અમને ‘કુલી’ - ‘મજૂર’ - ‘બ્લડી ઇન્ડિયન્સ’ - ‘બ્લેક’ તરીકે સંબોધન થતું. મેં આ જાતે અનુભવ્યું છે. પછીથી, એક વાર મને વિપુલભાઈએ ‘ગુજરાતીપણાની શોધમાં’ નામનું પુસ્તક આપ્યું. એ પુસ્તક વાંચ્યા પછી પહેલીવાર મને થયું કે શાબાશ, તું ગુજરાતી છે !’ રતિલાલભાઈએ પોતાની માન્યતા પણ મક્કમપણે કહી - ‘અહીં ક્યાંક બોલાયું કે ગુજરાતી ભૂલાઈ ગઈ છે - એ હકીકત નથી. વીસ લાખ લોકોએ ‘ગુજરાતી લેક્સિકોન’ની સાઈટ જોઈ છે. એ પુરાવો છે કે લોકોને ભાષા માટે લગની છે, પ્રેમ છે.’ રતિલાલભાઈએ વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તેમના માટે આવું પુસ્તક લખાય તેવી શુભેચ્છા પ્રગટ કરી હતી.

આટલું વાતાવરણ બંધાયા પછી, વિપુલભાઈએ વિધિવત્ ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા - દિશા અને દશા’ પરિસંવાદની શરૂઆત કરી હતી.  પરિસંવાદના સૌથી પહેલાં વક્તા હતાં ભદ્રાબહેન વડગામા. તેઓ ઊંડા અભ્યાસુ છે, બ્રિટન સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રમુખ છે તથા વ્યવસાયે ગ્રંથપાલનું કાર્ય કરે છે. તેમણે વિગતવાર ઐતિહાસિક વિગતો ટાંકીને જુદા જુદા ક્ષેત્રે બ્રિટનમાં ગુજરાતીઓએ મેળવેલી સિદ્ધિઓની વાત કરી - રમતગમત સિવાય બીજું એક પણ એવું ક્ષેત્ર નથી જ્યાં ગુજરાતીઓએ કોઈ નોંધનીય ન કર્યું હોય ! તેમણે ગુજરાતીઓએ કરેલા સંઘર્ષની વાત પણ કરી અને છેલ્લે ‘તળ ગુજરાતી કરતાં અમારો ડાયસ્પોરિક ગુજરાતી લાંબા સમય સુધી ગુજરાતી બોલશે, વાંચશે, લખશે, સાંભળશે અને જીવશે’, તેવો બુલંદ વિશ્વાસ વ્યક્ત કર્યો.

એ પછીનાં વક્તા ‘અવાજ’નાં ઈલાબહેન પાઠકે પોતાની વાંકદેખી નજરનો હવાલો આપતાં પહેલાં જ સ્પષ્ટ કહી દીધું કે અત્યાર સુધી કહેવાયું છે તેનાથી કંઈક અલગ તેઓ કહેવા ધારે છે. તેમણે ડાયસ્પોરાની દશાને બ્રિટનમાં ગુજરાતી બહેનોની સ્થિતિના સંદર્ભે મૂલવી હતી. અલબત્ત, તેમણે ડાયસ્પોરાની સારી અને નરસી બ;ને બાબતોની ચર્ચા કરી હતી. ડાયસ્પોરાની સારી બાબતો ગણાવતાં તેમણે કહ્યું હતું - (૧) પરદેશમાં વસતા ગુજરાતીઓ બાળલગ્નો નથી કરાવતાં. (૨) પરદેશમાં છોકરીઓને ભણાવાય છે. અમુકતમુક કે ગણતરીની સ્ત્રીઓની સિદ્ધિની નહીં પરંતુ મોટા ભાગની સ્ત્રીઓની સ્થિતિ પરથી જ ડાયસ્પોરા સાચી દિશાનો અંદાજ કાઢી શકે. બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરાનો આડો છેદ લેવામાં આવે તો ત્યાં લગ્ન માટે હજી પણ નાત-જાત-ગામ જોવાય છે, બાળક હોય તો જ સ્ત્રીઓ પાસે પોતાના માટે સમય નથી - તેમનું એ માનસ બદલાય તેવું કોઈ વાતાવરણ સમાજ તરફથી પૂશં પડાયું નથી. પોતાની વાતના લંડનની મુલાકાત વખતના દાખલાઓ ટાંકીને ઈલાબહેને તેમાં સંશયને કોઈ સ્થાન રહેવા દીધું નહીં.

ઈલાબહેને સ્ત્રીઓનાં દુ:ખોના સંદર્ભે ડાયસ્પોરાને મૂલવ્યો તો તેમના પછી આવેલા વક્તા અને લેખક દાઉદભાઈ ઘાંચીએ કોઈ મજબૂરીથી નહીં પણ ઈરાદાપૂર્વક ડાયસ્પોરાનો ભાગ બનવા આવી રહેલા યુવાનો વિશે વાત કરી. પહેલાં અર્થોપાર્જન માટે અને આફ્રિકામાંથી તો ઈદી અમીનના ત્રાસના કારણે બ્રિટનમાં આવીને પોતાનો રસ્તો કાઢનારા ગુજરાતી ડાયસ્પોરાની એ પેઢી વિદાય લઈ રહી છે અને નવા જોમ, તરવરાટ અને ત્યાંની સંસ્કૃતિમાં ભળી જવાના ઉત્સાહ સાથે ઇમિગ્રેશન કરી રહેલા નવયુવાનોની પેઢી આવી રહી છે.

‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’ના લેખક-દંપતીમાંથી શીરીનબહેન મહેતાએ ૧૯૬૦ પછીના વિતીય સ્થળાંતરની વિગતવાર વાત કરી. આફ્રિકામાંથી બ્રિટનમાં સ્થળાંતરિત થયેલા ગુજરાતી પરિવારો અને તેમાં પણ વિશેષપણે સ્ત્રીઓના સંઘર્ષોની સામાન્ય રીતે બહુ નહીં જાણીતી એવી વાત પણ તેમણે ઉદાહરણ સાથે કરી. જેમ કે ત્યારે ખૂબ કડક બનાવી દેવાયેલા બ્રિટિશ કાયદા અનુસાર માત્ર મેઈન પાસપોર્ટ હોલ્ડરને અને તેનાં સોળ વર્ષથી નાનાં બાળકોને જ બ્રિટનમાં પ્રવેશ આપવામાં આવતો. એ અરસામાં યુગાન્ડાથી કેટલી ય સ્ત્રીઓ આ રીતે પોતાનાં બાળકો સાથે બ્રિટનમાં પ્રવેશ મેળવતી પણ પછી સંઘર્ષોનો એક આખો મહાસાગર તેણે પાર કરવાનો રહેતો. જુદી ભાષા, કાયદા વચ્ચે ઘર શોધવાથી માંડીને આજીવિકા રળવા સુધીનો. અલબત્ત, ત્યારે ત્યાં જ રહેતા કેટલા ય ગુજરાતી પરિવારોએ દાખવેલી સજ્જનતા અને મદદની પણ તેમણે વાત કરી.

મકરન્દભાઈ મહેતાએ  લાગણી - સંઘર્ષો - વતન માટે ઝુરાપાથી અલગ હટીને બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરામાંથી ગુજરાતી શીખવા જેવી બાબત તરફ અંગુલિનિર્દેશ કર્યો, ‘જેમ સ્ત્રીઓ સંદર્ભે અલગથી વાત થઈ તેમ દલિતની વાત પણ અલગથી કરવી જોઈએ. આપણા દલિત-કોળી-મોચી વગેરેએ ત્યાં જઈને વ્યાવસાયિક અને અન્ય શિક્ષણ મેળવીને ઘણી સારી સ્થિતિ પ્રાપ્ત કરી છે. આમ જોઈએ તો બ્રિટન એક તરફ સુધારાવાદી છે અને બીજી તરફ ત્યાં પણ ઉગ્ર રંગ/વંશીય ભેદભાવો છે. છતાં ત્યાં કંઈક એવું મલ્ટીકલચર છે જ્યાં આવું શકય બની શક્યું. ગુજરાત આ મલ્ટીકલચરમાંથી શીખે છે.’

આમ આ પરિસંવાદમાં, ‘ડાયસ્પોરા’ શબ્દનો ઉપયોગ કરવા - ન કરવાથી માંડીને જન્મના કારણે મળતા બ્રિટિશ નાગરિક હક સ્પષ્ટપણે ન બંધાતી બ્રિટિશ સરકારને કારણે ઊભી થતી અસલામતી જેવા ગંભીર મુદ્દાઓ, ગુજરાતી ડાયસ્પોરાને અને તમામ ગુજરાતીઓને હરખ થાય તેવી સિદ્ધિઓ - પ્રયાસો અને ક્યાંક ક્યાંક આત્મનિરીક્ષણ કરવાની તક આપતા અનેક મુદ્દાઓ વિશે કવિતાઓ અને ગઝલોની ઉક્તિઓ સંગાથે ચર્ચાઓ થઈ. બ્રિટનના ગુજરાતી ડાયસ્પોરાની વાત ઠીક ઠીક પહોંચી અને ગુજરાતી ડાયસ્પોરાને પણ કંઈક ભાથું મળ્યું.

વિપુલ કલ્યાણીએ શ્રોતાગણથી માંડીને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક, અને કુલસચિવ, લેક્લિસકોન જૂથ અને ચંદરયા ફાઉન્ડેશન એમ તમામનો આભાર માન્યો અને ‘ગુજરાત ઇતિહાસ પરિષદ’ના પ્રમુખ મંગુભાઈ પટેલે ‘અહીંથી જ્યાં સુધી તમામ સંતો-મહંતો-ઓલિયાઓ બ્રિટનમાં ચાલ્યા નહીં જાય ત્યાં સુધી બ્રિટનના ગુજરાતી ડાયસ્પોરાને કોઈ વાંધો આવવાનો નથી !’ એવા હળવા ગંભીર વ્યંગથી સમાપનવિધિ કરી. તેમણે ટાંકેલી કાવ્યપંક્તિઓ પૈકી એક હતી કવિ ‘ખય્યામે’ રચેલી  પંક્તિઓ :

અમે ગુજરાતનું નામ રોશન કરી લઈશું,

હોઈશું જ્યાં ત્યાં ગુજરાતનું સર્જન કરી લઈશું.

(સદ્દભાવ : "નિરીક્ષક", ૧૬.૦૧.૨૦૦૯; "ઓપિનિયન", ૨૬.૦૨.૨૦૦૯) 

Category :- Diaspora / Culture

એક લેખિકા, માનવશાસ્ત્રી, ઇતિહાસકાર, છબિકાર, ચિત્રકાર તેમ જ કર્મશીલ નામે સિન્થિયા સાલ્વાડૉરીનું રવિવાર, ૨૬ જૂન ૨૦૧૧ના રોજ લામૂ (કેન્યાનું બંદરી નગર) ખાતે અવસાન થયું. ઇસ્લામી પરંપરા આચ્છાદિત વિધિવિધાન અનુસાર, છેલ્લાં બે’ક વરસથી જ્યાં તે વસવાટ કરતા હતાં ત્યાં જ તેમનું શબ ત્રણ દિવસ બાદ તેમના કેટલાંક મિત્રોએ દફનાવેલું. તેમણે જ ખુદ પોતાનું જીવન ટૂંકાવી કાઢેલું તેનું કોઈ જ આશ્ચર્ય પરિચિતોને ઉપજતું નથી. તેમણે તે વિશે સતત વાત કર્યા જ કરેલી.

તેમના અવસાનને કારણે ન પૂરી શકાય તેવો ખાલીપો પેદા થયો છે. તે નિમકહલાલ મિત્ર હતાં, પત્રોના નિયમિત જવાબો વાળતાં, પૂછપરછ થાય ત્યારે પૂરતું માર્ગદર્શન પણ કરતાં, તમારા માટે કાળજી સંભાળ લે અને ચિંતા ય કરે. પોતાનાં લખાણ વાટે અન્યાયનો સામનો ય કરતાં અને જરૂરી સુધારવધારા ય કરતાં. પૂર્વીય કેન્યાના માર્સાબિટ અને મોયાલ જિલ્લાઓમાં, ગઈ સદીના નવમા દાયકા દરમિયાન, ઘટેલા માનવ અધિકારોના દુરુપયોગના દાખલાઓ બાબત, સંશોધન આધારિત દસ્તાવેજી પુસ્તક લખવા માટે ‘કેન્યા માનવ અધિકાર પંચ’ દ્વારા તેમને જવાબદારી સુપ્રત કરવામાં આવેલી અને તેમણે ‘ધ ફરગોટન પિપલ રિવિઝીટેડ‘ નામે દસ્તાવેજી પુસ્તક, સન ૨૦૦૦ વેળા, પ્રગટ કરેલું. ત્યારે તે આ ‘એન.એફ.આઈ.‘ વિસ્તારમાં જ રહેલાં. તેમણે લખેલું પણ ખરું, ‘ઇથિયોપિયન તથા કેન્યાની સરકારો, તથા પોલિસ તેમ જ લશ્કરી દળોની આલોચના કરવાને સારુ, મૂળે, આ પુસ્તક મેં તૈયાર કરેલું.’

સિન્થિયાની જીવનયાત્રા પર બે પુરુષોની જબ્બર અસર જોવાની સાંપડે છે. તેમના પિતા, માસ્સિમો (મેક્સ) સાલ્વાડૉરી, તથા તેમના જીવનસાથી અને સહકાર્ય એન્ડૃુ ફેડર્સ. તેણે ને એન્ડીએ આફ્રિકા ભરનો પ્રવાસ ખેડેલો (ઉત્તરમાં જ સાત ફેરે). ૧૯૭૦માં, સિન્થિયાએ છબિકાર તરીકે તથા એન્ડીએ લેખક તરીકે, ‘પેસ્ટોરલ ક્રાફ્ટસમેન, પિપલ્સ અૅન્ડ કલચર્સ ઑવ્ કેન્યા’ નામે માસાઈ અને તુર્કાના અંગે અગત્યનું કામ પ્રગટ કરેલું. સિન્થિયા છેલ્લી ઘડી લગી એન્ડી અંગે વાતો કર્યા કરતાં અને તેને (અને તેમનાં સંસ્મરણો માટે ય) વફાદાર રહેલાં, પરંતુ આપણામાંના અનેકોને કોઈ પણ જાતની જોયામળ્યાની પિછાણ ન હોવાને કારણે, એન્ડી અગમ્ય જ રહ્યા, કેમ કે તે વરસો પહેલાં અવસાન પામ્યા હતા.

સિન્થિયાનાપિતા મેક્સ સાલ્વાડૉરી એક રાજકીય વિચારક, રાજકીય અર્થશાસ્ત્રી ને ઇતિહાસકાર રૂપે જાણીતા હતા. તાનાશાહી પ્રત્યેના અણગમાથી તેમનું ઘડતર થયેલું. તેમના પ્રગતિશીલ વલણને લીધે ફાસીવાદ વિરોધી પ્રવૃત્તિને કારણે તેમ જ મુસ્સોલિનીના ધારદાર વિરોધને માટે તેમના પર ઇટલીમાં તવાઈ આવેલી અને તેમણે જેલવાસ ભોગવેલો. કોઈક દબાણ હેઠળ તેમને મુક્ત કરવામાં આવેલા - પરંતુ શાસને શરત જોડી હતી : તેમણે દેશવટો ભોગવવો. તે અને તેમની બ્રિટિશ પત્ની, જોઈસ વૂડફર્ડ પૉલેએ કેન્યામાં શરણાર્થી થવાનું નક્કી કર્યું. ત્યાં તેમણે ત્રણેક સાલ ખેતીવાડી કરી. ન્જૉરોની વાડીમાં સિન્થિયાનો જન્મ થયો તે પછી તેમણે તરત ત્યાંથી ચાલી જવાનું કર્યું.

તેમનાપિતા યુરોપ પરત થયા અને ત્યાંથી યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા ગયા અને ઇટલીમાંના ફાસીવાદ સામેની પોતાની લડાઈ તેમણે જારી રાખી. બ્રિટિશ જાસૂસ તંત્ર, એસ.ઓ.ઈ.માં ય તેમણે કામ કર્યું. વળી, તેમણે યુનિવર્સિટીઓમાં શિક્ષાકામ કર્યું અને લેખનકામ પણ કર્યું. સિન્થિયાએ લખ્યું છે : ‘મારાપિતા ઝાઝો સમય અમારી વચ્ચે નહોતા, છતાં તેમની રાજકીય પ્રવૃત્તિઓની મારા પર ધારી અસર થયેલી છે.’ ‘બહુ મોટા ગજાના તે ઇતિહાસકાર હતા. તેમની વિચારશક્તિ વિસ્મયકારી હતી અને ઉદારમતવાદની રાજનીતિ પ્રત્યેના અનુરાગને કારણે તેમને ઇતિહાસ માટે બહુ જ ઊંડો લગાવ હતો. તે ખરેખાત રાજકીય કર્મશીલ જ રહ્યા. અને એક બ્રિટિશ અધિકારી તરીકે તેમણે ઇટલીના પ્રતિકાર આંદોલનમાં મહત્ત્વનો ફાળો આપેલો. મારી માતાની દરમિયાનગીરી થઈ ન હોત, તો યુદ્ધ પછીના ઇટલીના રાજકારણમાં તેમણે સક્રિય ભાગ લીધો જ હોત. તેમને ખાતરી હતી કે મારી મા ઇટલીમાં ટકી નહીં શકે આથી ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે જ મોટા ભાગનો તેમણે સમય આપ્યો. મોટા ભાગનો સમય તેઓ અમેરિકામાં હતા. શિષ્ટ ગ્રીકથી માંડીને રોમન અને આધુનિક યુરોપીય ઇતિહાસ ભણાવતા રહ્યા. તેમણે પુસ્તકો લખ્યાં અને હજારો નહીં તો સેંકડો લેખો લખ્યા હતા. અને મારો ભાઈ તો વળી મોટરસાયકલિસ્ટ છે ! સેંકડો લેખો અને ત્રણ પુસ્તકો તો તેમના નામે બોલે છે. મને લાગે છે કે ક્લેમ (ક્લેમન્ટ સાલ્વાડૉરી) અને હું તો એમ જ માનતા રહેલાં કે જીવનનો વિકાસ આમ જ થાય - અને તેમણે પુસ્તકો જ લખ્યા છે. સહજપણે આ વિચાર પ્રકૃતિદત્ત આવ્યા જ કર્યો. જો કે એન્ડીને જ મારા અલ્પવિરામોથી વિષાદ ઉપજતો - અને તેણે જ મને સારું લખતા કરી છે.’

કેન્યા, યુરોપ તથા સાન તોમાસોમાં સિન્થિયાના ઉછેરનો ગાળો વ્યતિત થયેલો તેથી તેને કારણે અને કેલિફૉર્નિયાના બર્કલી ખાતે થયેલા અભ્યાસને કારણે સિન્થિયાનું વિશ્વ વિશાળ પટે ઉઘડયું છે. સન ૧૯૬૨માં, તે કેન્યા પાછા ફર્યાં. સદાયને માટે આ મુલક તેમનું ઘર બનવાનો હતો. વસવાટ માટેના વીસા તે સમય સમયે જ તાજા કરાવી લેતાં અને તેમણે ક્યારે ય નાગરિકપદ અંગીકાર કર્યું જ નહોતું. તેમણે ખુદ એક વાર કહેલું તેમ, ‘જુઓ ને આમ હું સીમા પર ખડી છું, હંમેશાં જિજ્ઞાસા પેદા કરે તેવી આ જગા. અને પાછું સ્વસ્થ. જિંદગીભર મને લાગ્યા જ કર્યું છે કે હું ક્યાં ય ‘હમ વતની‘ બનીને રહી નથી શકી; કેમ કે હું બાળકી હતી તેવા સમયે અમે સતતપણે વસવાટ બદલતા જ રહ્યા અને હું ‘બહારની’ હોઉં તેમ અનુભવતી રહી. આ બધા સમયે એક જ વસ્તુ સતત એક સરખી રહી : મને શાળાએ જવું ક્યારે ય ગમ્યું નથી. પરંતુ લાંબા અરસે જોવા જઈએ તો આ ‘બહારના’ હોવાના ભાવે મને મોટા પ્રમાણમાં સહાયતા કરી છે. કેટલાક કારણોને લીધે મને અમુકતમુક જગ્યા પસંદ પડી છે, મોટે ભાગે ઘોડેસ્વારીનું કારણ મુખ્ય આવે. લામૂ મને પસંદ આવ્યું છે તેની બિલાડીઓ તથા તેના ગધેડાઓ અને તેના ઇતિહાસ માટે. કોઈ પણ વ્યક્તિને ખાતર લગીર નહીં જ.’

આવું છતાં, સિન્થિયાનો કેન્યા સાથેનો સંબંધ દોઢસો વરસના પટે પથરાયેલો છે. તેમના જ શબ્દો પિછાનવા સમ છે : ‘મારી માતાના એક વડવા સન ૧૮૮૦ના અરસામાં લામૂ ખાતે પહેલા બ્રિટિશ વાઇસ-કૉન્સલ નિયુક્ત થયેલા. બીજા એક વડવા તે સ્પેક. આમ પૂર્વ આફ્રિકામાં મારાં મૂળિયાં છેક ૧૮૫૦ના અરસા સુધી જોવાં મળી શકે ! પ્રથમ પહેલાં મારા પરિવારમાં અૅન્ડી અને અમારા ઘોડાઓ હતા; એક પછી એક દરેકનું મૃત્યુ થયું. પરંતુ મારાં જન્મદત્ત કુટુંબીઓ, સાલ્વાડૉરીઓ તેમ જ પૉલેઓ, તો જગત ભરમાં પથરાયેલાં છે. તે વેળા નકશા પરે મોટા ભાગે ચોમેર ગુલાબી રંગ જ ભળાતો હતો. મારાં નાનીમા તેમ જ મારા દાદાના પરિવારોમાં બારબાર જણનું કુટુંબ હતું. પ્રયાસ કરું તો પણ હું તેમનાથી અળગી બની શકું જ નહીં.’

આમ, સિન્થિયાના આ વિવિધ વારસાઓને કારણે તેના જીવનના અનેક કમાડ ઉઘડી ગયા હતા. કેન્યા માંહેની વિવિધ સંસ્કૃિતઓ અંગે તેમના વિચારો, વિધવિધ સમસામયિકો માટે તેમના અનેક લેખો, અનેક પરિષદોમાંની તેમની રજૂઆતો, તેમની ઊંડી સંશોધનવૃત્તિ અને કાળજીપૂર્વકની ચોક્કસાઈ તેમ જ વિગતવાર અભ્યાસ અને તેને આધારે લેખનકામ તેમની ચોપાસના લોકોને સમજવાની તેમની તાલાવેલી અને લગાવ છત્તા કરે છે. માનવીય સંસ્કૃિતઓ તેમ જ તેમના પ્રત્યેના અન્યાયી નિરૂપણ માટે આ અસંતોષકારી જિજ્ઞાસા બને છે. તેમણે કેન્યાનો ઉપરતળે પ્રવાસ ખેડેલો, બહુધા તેમણે ક્ષેત્રકામ કરવાનું જ રાખેલું, અને તે પણ ખાસ કરીને ઉત્તરીય સીમા પ્રાંતો(નોર્ધન ફ્રન્ટીઅર ડિસ્ટૃીક્ટ)માં. તેમને આમ આ વિસ્તારોનું વળગણ બંધાયું હતું. માર્સાબિટ, ઇસીઓ, મોયાલ. તેમણે વળી, પોલ તાબલિનો સંગાથે રહીને ‘ગાબ્રા, કેમલ નૉમેડ્સ ઑવ્ નોર્ધન કેન્યા’ નામક તેમની ચોપડી મઠારી હતી અને તેનું મૂળ ઇટલીમાંથી ભાષાન્તર પણ કરેલું.

ક્યારેક તેમને માર્સાબિટથી ટપાલ મળતી તે સિવાય ભારે મુશ્કેલીઓ વચ્ચે તેમણે દક્ષિણ ઇથિયોપિયામાં છ વરસ પસાર કરેલાં. સન ૨૦૦૭ના આરંભ કાળમાં પ્રગટ થયેલા બોરાના સંસ્કૃિત બાબતના બહોળા શબ્દકોશ, ‘ધ આદા બોરાના’ માટે સુધારાવધારાનું કામ કરવા તેમ જ તેનું ચિત્રાંકન કરવાનું મહા કાર્ય તેમણે આ સમયે પાર પાડેલું. તે જ સમયગાળા વેળા વળી તેમણે માર્કો બાસીકૃત મૂળ ઇટાલિયન પુસ્તક, ‘ડિસિઝન્સ ઇન ધ શેડ; પોલિટિકલ એન્ડ જ્યુરિડીકલ પ્રોસેસીસ અમોન્ગ ધ ઓરમો-બોરાના’નું ભાષાન્તર જ માત્ર ન કર્યું, બલકે તેને સંપાદિત પણ કરેલું.

તેમણે કહ્યું હોત : ‘ઊંટ અને બકરાઓ વચ્ચે, ઉઘાડા આકાશ તળે અને ટમટમતા તારાઓ હેઠળ, ગાયના ચામડા પર સૂતા રહેવું એ પરમસુખ હતું. વળી કંઈ કેટલાં ગાબરા લગ્ન સમારંભોમાં હાજરી આપતી વેળા, ભૂતકાળમાં દરેક વિધિને ચોક્કસાઈપૂર્વક કચકડે મઢવાનું રાખેલું, જ્યારે આ ફેરે તો ખલીતામાંથી કેમેરા બહાર જ કાઢ્યો નહોતો, તેનો ય બડો મોટો આનંદ હતો. મારી પથારી પર હું બેઠી રહી અને ધ્યાનથી અવસર માણતી રહી, અને આગલી સાંજે બંને પક્ષની બાઈઓ વરરાજાના ‘કેમલ બોમા’ (ઊંટને સાંચવવાનો વાડો) ખાતે ઘાસપાલાનું ઘર એકાદ કલાકની મહેનતે ઊભું કરી આપ્યું હોય ત્યાં - કન્યા વિદાય સવારે પાંચ વાગ્યે થાય - નવવધૂને વળાવવા જાય ત્યાં લગી આખી રાત લગ્નગીતો માણતી રહી. અને પછી માર્સાબિટ ખાતે પાછી હું વળી હોત, અને ત્યાં, તે પછીના બે’ક અઠવાડિયાઓ, મને જે કંઈ નવી માહિતીવિગતો મળી હોય તેની ચકાસણી સારુ પસાર કર્યા હોત. અને ત્યાં હોવાને કારણે આનંદ માણતી રહી હોત - છો પછી તે ગામ ગંદું હોય, ધૂળિયું હોય અને સૂક્કુંભઠ્ઠ હોય.’

ઊડીને આંખે વળગે તેવી અલાયદી વેષભૂષા અને જોડાજોડ તેમની આર્થિક પ્રતિષ્ઠાને કારણે કેન્યાના હિંદીઓ હર હંમેશાં કેન્યામાં ભારે દેખીતી લઘુમતી રહેવા પામી છે. સન ૧૯૮૦ના અરસામાં, સિન્થિયાનું લક્ષ કેન્યાના હિંદીઓ પ્રતિ ખેંચાયું. તે અખંડ નક્કર સ્વરૂપનું જૂથ હતું જ નહીં, અને તેમ છતાં, તેમના ઇતિહાસ કેન્દ્રમાં રાખીને તેમ જ તેમની સંસ્કૃતિને લક્ષમાં રાખી અત્યારપૂર્વે બહુ જ થોડું લખાયું હતું. અને તેમણે ‘થ્રૂ ઑપન ડૉર્સ, અ વ્યૂ ઑવ્ એશિયન કલચર્સ ઇન કેન્યા’ નામક એક સમગ્ર વિષયને આવરી લેતો વિશ્વકોશ સમો ગ્રંથ આપ્યો. આ મહાકાય યોજના હતી, જેમાં વિધવિધ જૂથોના વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક અંગભૂતોને પૂર્વભૂમિકા સાથે સમાવી લેવામાં આવ્યાં છે. ઇતિહાસને અંકિત કરવા તેમણે કેન્યા ભરનો પ્રવાસ આદરેલો. ખુદ હિંદીઓએ કહેલી વાતોને તેમણે વિગતે નોંધી છે અને કોમને જે રીતે પોતાનો ઇતિહાસ સમજાયો છે તે રીતે તેની નોંધ આધારિત, તેમણે, ત્રણ ભાગમાં ‘વી કેમ ઇન ડાઉસ’ ગ્રંથની રચના કરેલી. તદુપરાંત, પારસી અને વોહરા કોમના બે ગુજરાતી રોજમેળ આધારિત ‘ટૂ ઇન્ડિયન ટૃાવેલર્સ ઇન ઇસ્ટ આફ્રિકા ૧૯૦૨-૧૯૦૫’ જેવું ભાતીગળ પુસ્તક તેમણે આપ્યું છે. આની બરોબરી કરી શકે તેવું અગત્યનું કામ તો તેમણે એ ય કરેલું, આપણામાંના અનેકોને તેમણે આપણા ઇતિહાસ તેમ જ આપણી વાતોને આધારે લખાણ કરવા પ્રોત્સાહિત કરેલાં. ગઈ સાલના ઉત્તરાર્ધમાં, શૈલા મૌલાદાદના સાથમાં રહીને કેન્યામાંના પંજાબી મુસ્લિમોના ઇતિહાસને આવરતું એક પુસ્તક, ‘સેટલર્સ ઇન અ ફૉરિન લૅન્ડ‘ સંપાદિત કરી આપેલું. ‘વી કેમ ઇન ડાઉસ’ની પરંપરામાં બેસે તેવું આ પુસ્તક બન્યું છે.

‘દિવાળીની શુભ કામનાઓ માટે આભાર,‘ તે વળી લખતાં, ‘પરંતુ ખેદજનક તો એ છે કે મેં હજુ મીણવાટ પ્રગટાવી પણ નથી. હા હું તમારી સાથે સહમત થાઉં છું કે આપણે જો સાંસ્કૃતિક પોત વચ્ચે ઓતપ્રોત બનતા ન હોઈએ તો એકલા એકલા અવસરની ઉજવણી કરવાની આવે ત્યારે તે ફીક્કી લાગે છે. વરસો સુધી હિંદી સંસ્કૃિત સાથે હું ઘનિષ્ટપણે ઓતપ્રોત રહી હોવાથી આ અને આવા બધા અવસરોનું મને ભારે મહત્ત્વ રહ્યું છે. અને મને તેની ખોટ સાલે જ છે. ધર્મશાસ્ત્ર માટે ઊંડે ઊંડે ઘર કરી ગયેલો મને અણગમો રહ્યા કર્યો છે, (આ જબ્બર વિરોધાભાસ છે, કેમ કે ‘ધર્મ’ શું છે તેની કેવી રીતે કોઈને સમજણ આવે ?) પરંતુ ક્રિયાકાંડ કે કર્મકાંડ માટે મને સદા ય રુચિ રહેવા પામી છે.’

કોઈ એક ધર્મ - હિન્દુ, યહૂદી, ઇસાઈ અથવા મુસ્લિમ - માટે તેમને વફાદારી નહોતી અને તેમ છતાં શીખ ગુરુદ્વારામાં તેમને કલાકો બેઠેલાં અમે ભાળ્યાં છે. ભાષા સમજાતી પણ ન હોય, તેમ છતાં, ધ્યાનપૂર્વક ગુરુવાણીનું તે રસપાન કરતાં રહ્યાં હોય. કે પછી કોઈ એક વૃક્ષ નીચે સૂફી વિધિવિધાનમાં ય ભાગ લેતાં જોવાનાં સાંપડે. તો વળી, અલેપ્પોના સંત સિમીઅન વિશે, કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વગર, લાંબું શીઘ્ર ભાષણ આપતાં ય જોવાં મળે.

અડિસ અબાબા ખાતેના તેમના પ્રકાશકે સિન્થિયાને ઇથિયોપિયામાંના સૂફીઓ અંગે એક પુસ્તક આપવા સમજાવેલાં. આ બાબતની વિગતમાહિતીઓ એકઠી કરવા માટે તેમ જ તેનું સંપાદનકામ કરવાને સારુ તેમણે વરસો ગાળ્યાં હતાં; આજ દિવસ સુધી આ હસ્તપ્રત છપાયા વિનાની જેમની તેમ પડી રહી છે. ‘ઇથિયોપિયાના સૂફીઓ અંગે લખવાને કારણે હું નિરર્થક બની બેઠી હોઉં તેમ મને લાગ્યા કરે છે,’ તેમ સિન્થિયાએ લખેલું. ‘હું દિલગીર છું કે મારા પિતા ‘ફરગોટન પિપલ રિવિઝીટેડ’ તથા ‘માજી’ નામે મારી ચોપડીઓ જોવાને હયાત રહ્યા નહીં. ‘માજી’ તો તેમને જ અર્પણ કરવામાં આવી છે. પરંતુ તેને મેં ઐતિહાસિક પરિમાણ આપ્યું છે તથા તેમાં સૂફીઓને સારુ રાજકીય દૃષ્ટિ ઊભી થવા દીધી છે. વળી, ‘મિલિટન્ટ સૂફી મૂવમેન્ટ્સ ઇન આફ્રિકા’ નામે એક પરિશિષ્ટ પણ તેમાં જોડેલું છે. તેમાં સોકોતોના દાન ફોડિયો, અલ્જિરિયામાંનાં અબ્દેલ કાદર, સુદાન માંહેનાં મહાડીઓ, સિરેનેશિયામાં પથરાયા સેનુસ્સીસો તેમ જ સોમાલિયાનાં આહલુ વાલ સુન્નાનો આમાં સમાવેશ કર્યો છે ! છેવટે, વરસો લગી, બીજાં બધાં લોકોની વારતાઓ અને વિગતોનાં પુસ્તકો કર્યાં પછી, મેં મારા વિશે ય એક પુસ્તક કર્યું છે - ‘એન્ટી-ફાસીસ્ટ્સ ઑન ધ ઈક્વેટર’. “ઑલ્ડ આફ્રિકા મેગેઝિન”ના એકાદા અંકમાં આ લખાણ પ્રગટ કરાયું હતું.’

લાંબા અરસા સુધીનો સમય તેમ જ તંતોતંતની વિગતમાહિતીઓ ઓરાવાને કારણે તૈયાર કરેલાં સર્જનકામમાં તેમની પૂર્વ મંજૂરી વગર જો કોઈ સંપાદક નાના અમથા સુધારા વધારા ય કરે તો તે સહજપણે છેડાઈ પડતાં. ‘ગ્લિમ્પસીસ ઑવ્ ધ જ્યૂસ ઇન કેન્યા’ પુસ્તક પ્રગટ થયું ત્યારે તે પોતાનું જ સર્જન છે તેમ સ્વીકારવાથી ય તે દૂર રહ્યાં. પોતાના એક મિત્રએ તેનાં ઘાટ ઘડામણ બદલી કાઢેલાં, તેવો તેમણે આરોપ કરેલો. આવું આવું છતાં, તેમણે કોઈ પણ જાતની શારીરિક તાણ અથવા વેદનાને વાચા આપવા દીધેલી નહીં. આનો સામનો કરવા ક્વચિત તેમણે બે’ક પેગ વ્હીસકીના લઈ, પેઈન કિલરનો આધાર લઈ અને ગરમ પાણીએ સ્નાન કરીને સહારો લીધો હોય તેમ પણ બને. બહુ જ જૂજ સાધનસાગ્રીઓ વચ્ચે તેમણે જીવન વ્યતિત કરેલું, તેમના વસવાટના સ્થાને રાચરચીલું ય ભાગ્યે જોવા પામીએ; જાણે કે તે કોઈ ઋષિ આત્મા ન હોય.

પોતાની કેડમાં સંધિવા થવાને લીધે, મોટે ભાગે, સિન્થિયા પોતાના નિવાસસ્થાનથી બહાર ભાગ્યે જ નીકળતાં. અને તે નિતંબ બદલવાના ઑપરેશનથી દૂર જ રહ્યાં. તેમણે પોતાની હરફર ઓછી કરી કાઢી હતી. પરંતુ તે સંબંધો ઓછા કરવામાં ક્યારે ય પડ્યા નહોતાં. વાદસંવાદથી તે સતત ભર્યાં જ રહ્યાં. કેન્યામાં લામૂ વિશેની બાબતો હોય, કે પછી, જગત ભરની બીજીત્રીજી રસની વાતચીત હોય અથવા ‘એન.એફ.ડી.’ વિસ્તારોમાં બૂરજી તથા બોરાના જાતિઓ વચ્ચેની મુશ્કેલીઓ હોય તેમ જ તેના ઉકેલ માટે સરકાર ક્યાં ક્યાં ટૂંકી પડે છે તેની વિગતો ય તેમાં સામેલ હોય. એક ક્ષણ તેમણે માણેલાં વાટા જાતિનાં લોકનૃત્યો માટે તે આનંદવિભોર બન્યાં હોય. બીજી ક્ષણે, માંડા ટાપુને, શેલા તેમ જ કિપુન્ગાની વિસ્તારોને રગદોડી પોતાના તરણહોજોમાં, ઘરોમાં અને હૉટેલોમાં તાજું મીઠું પાણી વાળી લેતાં અને સામી બાજુએ ગરીબ જનતા માટે કશું ય કાંઈ નહીં કરતા વિકાસકર્તાઓ (ડેવલપર્સ) તેમ જ વિમાને ચડીને ધસી આવતી પૈસાપાત્ર ટોળકીને તે ભાંડતાં જ રહેતાં હોય. તેમને અસાધારણ યાદશક્તિ હતી, અને તેની જોડાજોડ, બીજા લોકોની એવી જ કક્ષાની ઊંડી તેમ જ અસાધારણ યાદશક્તિ હોય તો તેને માટે તેમને પૂરો આદર રહેતો.

તેમણે ક્યારે ય મકાન ખરીદ્યું નહોતું. પરંતુ તેમની કને, શક્યતા અનુસાર, ચોક્કસપણે, ઘોડાઓ અને બિલાડીઓ રહેતાં. પોતાને જગ્યા ન હોય તો તે વિવિધ ભેરુબંધો અને મિત્રોને ત્યાં રાખતાં. તેમને પ્રાણીજગત માટે ભરપૂર પ્રેમ હતો. જીવનના બહુ આરંભ કાળે તે શાકાહારી બનેલાં. તે જણાવે છે તેમ, ‘એક સમે મારાપિતા ખેતર પરના એક ખેડૂત પરિવારને ભોજન માટે નિમંત્રી રહ્યા હતા.પિતાએ ભોજન રાંધવા માટેના વિવિધ પ્રકારના મિશ્રણ ઘટક દૃવ્યો આપ્યા; તે કુટુંબ ખુદ રસોઈ રાંધવાનું હતું. મરઘીનું માંસ (ચિકન) સાથે લઈ આવવાનું અમે તેમને સ્વાભાવિક કહી શક્યા નહીં, તેથી મારે મારી જિંદગીમાં પહેલી વાર, મરઘીને વધેરવાના વાડામાં જવાનું આવ્યું. મને ભારે કમકમાટી ઉપજી અને ત્યાં ને ત્યાં તત્કાળ હું શાકાહારી બની. મારાં માતા સાથે મારે બે’ક વખત આને સારુ ઝઘડા પણ થયેલા, ‘ના, મમ્મી, ના, પિત્રાઈ બહેન જેઇનનાં બાળકો માટે ય હેમ્બરગર સુધ્ધાં નહીં રાંધવાનું !‘ અને પછી તેમણે તેનો સ્વીકાર પણ કરેલો. ને તે પછી, સૌ કોઈ બરાબર ખુશીઆનંદમાં રહ્યાં.’

જ્યારે ઉત્તરમાંથી કે ઇથિયોપિયાથી પાછા ફરતાં તે નાયરોબીમાં હોય, તો તે મિત્રો સાથે રહેતાં. બહુ મોડે મોડે, નેવું વરસનાં જાન હેમસિંગનાં ફળિયામાં એકલ પંડે રહેતાં. આ લેખિકાએ પણ આરંભ સમયે, વીસ જેવડી ચોપડીઓ લખેલી. તેને એક જ શયનખંડ હતો અને રસોડાની કોઈ સોઈ હતી નહીં. પરિણામે, તેમને ગરમ ગરમ રસોઈથી વંચિત રહેવાનું બનતું. તે કહેતાં, ‘મને જાનને ત્યાં ફાવે છે. તે ખરેખર સગવડિયું છે. અને કેટકેટલી બિલાડીઓ ય છે. જૅકારાન્ડાનાં પુષ્પોથી આચ્છાદિત મારી બારીની બહાર મારી સુઝૂકી મૂકી હોય. જ્યારે જ્યારે તે ચલાવીને આવતી હોઉં છું ત્યારે એન્જિન તો હૂંફાળું જ હોય, ત્યારે ત્યારે એક કે બીજી બિલાડીએ તેના બૉનેટ પરે આસન જમાવી જ લીધું હોય. હવે હું મારી બારીની તદ્દન બહાર બરાબર મારી સુઝૂકી મૂકતી રહું છું, તેથી મને સધિયારો લાગ્યા કરે છે. જાનની છ બિલાડીઓમાંથી એક, લાલાશ પડતા પીળા રંગની ઑરલાન્ડો નસ્સલની બિલાડી તેની બૉનેટ પરે જ આસન જમાવી દે છે, … સરિત સેન્ટરની બરાબર પાછળ, નાની સરખી વનરાજી વચ્ચે, એક છૂટાં છવાયાં મહેમાન કક્ષના મારા નવાસવા કાતરિયામાં હું હોઉં તે વેળા પછી તે મને જોયા કરતી રહે. આ જગ્યા ખૂબ અનુકૂળ છે, પણ તે છે ભારે બંધિયાર. હા, જાનની મહેમાનગતિની હું ખૂબ ખૂબ તારીફ કરું છું, અને મને જાણ છે કે મારાં ત્યાં જવાથી તે રાજીપો અનુભવે છે, તેમ છતાં, હું એવી આશા સેવતી રહું છું કે આથી વધુ સુગમ કોઈક બીજી સગવડ મળી જાય તો બહુ સારું. પરંતુ તેની ઝાઝી ચિંતા મારે કરવી ન જોઈએ કેમ કે ટૂંકમાં હું લામૂ પરત ફરવાની જ છું.’

સિન્થિયાના આખરી બે વર્ષ તેમના એક મિત્ર, જન્મે અમેરિકી અને કેન્યાના જાણીતા કળાકાર, જૉની વેઇટના આવાસમાં આવ્યા મહેમાન કક્ષમાં જ વીતેલાં. ‘લામૂ સ્ક્રેપબૂક, સ્ટોરીસ ઑવ્ લામૂ’ પર તે બંનેએ કામ કરવાનું રાખેલું. આ પુસ્તકમાંનું લખાણ સિન્થિયાએ તૈયાર કરેલું અને તેમાંનાં રેખાચિત્રો જૉનીએ દોરેલાં. આ પુસ્તક પ્રકાશનની રાહ જોઈને બેઠું છે, તેને સારું કોઈક અનુદાન મેળવવાનું બાકી રહ્યું છે.

મોશી તથા મબાવા નામની બિલાડીઓથી ઘેરાઈને, લામૂમાં બેઠાં બેઠાં સિન્થિયાએ તેના બહોળા ચાહકો તથા મિત્રો સાથે સંબંધ જાળવી રાખેલો. તે વચ્ચે તેમનું લખવાનું સ્પષ્ટ ચાલું જ રહ્યું અને પ્રકાશનની જોગવાઈ થતાં તેને પ્રગટ પણ તે કરતાં રહ્યાં. લાગણીસભર તેમણે તેમની બિલાડી અંગે બોલવાનું રાખેલું - જાણે કે તે જ તેમના આવાસનો આત્મા ન હોય. અને જ્યારે પડોશીઓએ તેમને ઝેર પાઈ દીધેલું હોવાને કારણે, તેમનું અવસાન થયું, ત્યારે તે ભારે ભાંગી પડ્યાં હતાં. આટલું ઓછું હોય તેમ તેમના ઇથિયોપિયા માંહેના પ્રકાશક જોડે કોઈ પ્રકારનો પત્ર-સંદેશા વ્યવહાર આદિકાળથી હતો નહીં તેથી પણ તે સખત ધૂંધવાયેલાં રહેતાં. વળી, તેમનાં પુસ્તકોની છપાઈ માટે અનુદાનની શોધમાં સતત રહેવાનું બનતું તે પણ ઉમેરણમાં કારણ હોય; પણ તેમના પિતાએ જે રીતે પોતાની જિંદગી ટૂંકાવી કાઢેલી તેમ, સિન્થિયાએ પોતાની જીવનલીલા સંકેલી લેવાનો વિચાર કરી લીધેલો. ‘મારા પિતા માટે મને સતત આદર રહ્યો છે, પરંતુ પોતાના જીવનનો અંત લાવવા તેમણે જે રીતે જિંદગી ટૂંકાવી હતી તેથી તેમના પ્રત્યેનું મારું માન ક્યાં ય વિશેષ વધી જવા પામેલું. એ ઘટના વેળા સાક્ષી ભાવે હું ત્યાં હાજર જ હતી,’ આવું આવું તેમણે એકાદા ઇ.મૈલમાં લખાણ કર્યું હતું.

તે તીક્ષ્ણ હતાં; કેટલીક વખત તે બરછટ બની ગયાં હોય કે પછી કઠોર બની બેઠાં હોય તેમ લાગે, પરંતુ સિન્થિયાની દેણગી કાળજીયુક્ત ચોક્કસ રહી અને તેમનું માનસ સુસ્પષ્ટ રહ્યું. સિન્થિયાને મળવો જોઈતો સંપૂર્ણ સ્વીકાર ક્યારે ય થયો જ નહીં. અને તેમ છતાં, વિરાસતમાં તે આપણા માટે બહુ જ સરસ સંશોધનકામવાળો તેમ જ દસ્તાવેજી કામોનો ખજાનારૂપ મૂલ્યવાન વારસો મૂકી ગયાં છે. આપણે કેન્યામાં તેમની આ ઉદારતા બાબત સદાય ઋણી રહેવાનાં જ.

(સદ્દભાવ: http://www.pambazuka.org/en/category/obituary/74707

(‘ફ્રૉમ જેલમ ટુ તાના‘ જેવી સરસ મજાની ચોપડી આપનાર ને કેન્યા, ભારત અને ફ્રાન્સ વચ્ચે આવનજાવન કરતાં આ લેખિકા નાયરોબીમાં જન્મેલાં અને ભારતમાં રહી ઑડિસ્સી નૃત્યકળા હાંસલ કરી, જગ વિખ્યાત નૃત્યાંગના બન્યાં છે.)

© ભાવાનુવાદ : વિપુલ કલ્યાણી

e.mail : [email protected]

Category :- Diaspora / History