OPINION

મૂળ પંક્તિ આ છે, ’જિહવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે ...’ ને તે નરસિંહ મહેતાના ‘વૈષ્ણવજન ..’ની છે. એમાં વૈષ્ણવના લક્ષણો ગણાવતાં કહેવાયું છે કે સાચો વૈષ્ણવ જીભથી અસત્ય નથી બોલતો અને પારકાનું ધન કદી હાથમાં ઝાલતો નથી. એ વાત કહેવાને થોડા સૈકાઓ જ થયા છે, પણ એટલા સમયમાં ‘જિહવા થકી જે સત્ય ન બોલે, પર ધન બહુ ઝાલે હાથ રે ...’ કહેવાના દિવસો આવી ગયા છે. કોઈને આ પેરડી લાગે તો પણ તે સત્યથી જુદી નથી. આ એટલે કહેવાનું થાય છે કે સાચું હવે બહુ ખપતું નથી ને બીજાનું ધન મારીને જ લોકો હોજરી ભરી લે છે. એ ખરું કે એકલા સત્યવાદીઓ જ જગતમાં વસતા હતા એવું કોઈ કાળે ન હતું. દરેક સમયમાં સત્ય હતું તો અસત્ય પણ હતું જ. લુચ્ચાઈ, બદમાશી દરેક સમયમાં હતી જ. રામ હતો તો રાવણ પણ હતો ને યુધિષ્ઠિર હતો તો દુર્યોધન પણ હતો જ ! દરેક સમયમાં સારા ખરાબ માણસો રહ્યા જ છે, પણ માણસ વિકાસશીલ રહ્યો હોય ને એકવીસમી સદી સુધી આવ્યો હોય તો તે વધુ પરિપક્વ અને સત્યપ્રિય હોવો જોઈએ, પણ એવું ઓછું છે. તે વધુને વધુ દુષ્ટ અને ક્રૂર થતો આવ્યો છે. - કે એમ માનવાનું છે કે સમય જતાં અસત્ય જ સત્ય બનવાનું છે?

રામાયણ, મહાભારત પરથી યુદ્ધનો મહિમા ઘટવો જોઈતો હતો, પણ માણસ વધુ ને વધુ યુદ્ધખોર બનતો આવ્યો છે. અનીતિ, અહંકાર, અસત્ય, અનુકરણનો અગાઉ ન હતો એવો મહિમા આજે છે. શિક્ષણથી માણસ સુધરવો જોઈતો હતો, પણ અભણ કરતાં શિક્ષિત વધુ નિષ્ઠુર અને નિર્લજ્જ પુરવાર થતો આવ્યો છે. આ દેશને અભણ કરતાં શિક્ષિતોએ વધુ હાનિ પહોંચાડી છે. શિક્ષિત વધુ સ્વાર્થી, વધુ ભ્રષ્ટ અને વધુ લોભી બન્યો છે. જે હકનું નથી તે છીનવી લેવાની વૃત્તિ વધી છે, બલકે, જે છે તે તેનું જ છે ને હકનું જ છે તેવી સમજ ઘર કરી ગઈ છે. જો ખોટું જ સાચું થઈ ગયું હોય તો સત્યની, આદર્શની વાતો ભુલાવી જોઈએ, પણ એવું પણ નથી. આજે પણ ચોરી કરવી કે જૂઠું બોલવું પાપ છે એવું ભણાવાય છે. એટલે આદર્શ અને વ્યવહાર વચ્ચે અંતર છે. સારા ને સાચા માણસો છે જ, પણ તેની ટકાવારી નહિવત છે. સાચું તો એ છે કે ભ્રષ્ટ, લાલચુ અને મતલબી માણસોની ભીડ વધતી આવે છે.

સામાન્ય માણસ સ્વતંત્ર થઈને કૈં બહુ પામી ગયો નથી, બલકે, તેને નામે બીજા ઘણું પામી ગયા છે. આમ જોવા જઈએ તો આખો દેશ અનેક વર્ગોમાં વહેંચાઈ ગયો છે. એક વર્ગ છે તે જાતિ-વર્ગના દાખલા જ ગણ્યા કરે છે, બીજો એક, પક્ષીય રાજકારણ અને પ્રચાર, પ્રસારમાં જ જીવનની ઇતિશ્રી જુએ છે, તો એક વર્ગ ધર્મ-અધર્મ, હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદમાં જ વ્યસ્ત છે. એક વર્ગ સૌથી વધુ ધન ભેગું કરવામાં પડ્યો છે. વિશ્વના સૌથી વધુ ધનાઢ્ય લોકોમાં પોતાનો નંબર કયો છે ને તેનાથીય વધુ ઊંચાઈએ, એટલે કે પહેલાની ય ઉપર જવાય એમ છે કે કેમ એટલું જ લક્ષ્ય એનું હોય છે. એક વર્ગ છે જે ઓછી મહેનતે વધુને વધુ પૈસા કઇ રીતે બનાવી શકાય એની જ કોશિશમાં છે. એ ઘણુંખરું નોકરિયાત વર્ગ છે. એ સરકારી નોકરીઓમાં છે, પોલીસમાં છે, કોર્પોરેશનમાં છે, શિક્ષણમાં છે ... લગભગ બધે જ છે. એ કોઈનો હક મારે છે અથવા તો કોઈનો હક દબાવે છે. ભ્રષ્ટાચાર એ જ એને માટે શિષ્ટાચાર છે. પટાવાળાથી માંડીને પ્રધાન સુધીના ઘણા આમાં આવી જાય. એવું નથી કે આવો ભ્રષ્ટાચાર કરનાર પુરુષ જ છે, ના, એવું નથી. એમાં તો મહિલાઓ પણ હવે પુરુષ સમોવડી થઈ છે.

તાજો જ દાખલો પૂજા સિંઘલનો છે. આ દાખલો જ છે ને તે એક જ નથી. પૂજા સિંઘલ 2000ના બેચનાં આઇ.એ.એસ. છે. તેમની પાસે ઝારખંડ માઇનનું સચિવનું પદ પણ હતું. તેમને ત્યાંથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇ.ડી.) 19 કરોડ રૂપિયા રોકડા ઝડપ્યા છે. આવું કોઈ રાજકીય ઇશારે થયું હોય એમ બને. એમ કહેવાય છે કે કોઈ સત્તાધીશને ખાર ચડે તો તે દરોડા પડાવીને વેર વાળી શકે. આમ તો એની રહેમ નજરથી જ એક આઇ.એ.એસ. આટલે સુધી પહોંચે ને એ નજર બદલાઈ જાય તો છેવટે બદલો જ બાકી રહે. એ જે હોય તે, પણ પૂજા સિંઘલને ત્યાંથી 19 કરોડ રોકડા મળ્યા છે તે હકીકત છે. ઝારખંડ સરકારે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યાં છે. તેમના પતિ અભિષેક ઝાની પણ તેમની સાથે જ ધરપકડ થઈ છે. અભિષેકની ધરપકડ થવાનું કારણ પલ્સ હોસ્પિટલ છે જેમાં પત્ની પૂજા પણ જોડાયેલાં છે. પૂજા પર મનરેગા ભંડોળમાંથી ઉચાપતનો આરોપ છે.

પૂજા સિંઘલની જ વાત કરીએ તો એ ગરીબ નથી. આઇ.એ.એસ. કક્ષાની વ્યક્તિ છે. એ ઉપરાંત પણ બીજા હોદ્દા એમની પાસે હતા. એમના પતિની હોસ્પિટલ છે ને તે પણ ગરીબ નથી. હજારોનો પગાર હશે, છતાં એવી કઇ જરૂર આવી પડી કે કરોડો રૂપિયા ભેગા કરવા પડ્યા તે નથી સમજાતું? ને આ રૂપિયા પગારના તો નથી જ, આ અનેકના હક મારીને થયેલી કમાણી છે. આટલા પૈસા રાજકીય વગ વગર મેળવવાનું મુશ્કેલ છે. એ સાથે જ એમાં કોઈ રાજકારણીનો ટેકો કે હિસ્સો હોય એ પણ શક્ય છે. આવું જ રાજકારણીઓનું પણ છે. લાખેકથી ઓછો પગાર તો ભાગ્યે જ કોઈ રાજકારણીને હશે, છતાં અબજો રૂપિયાના કૌભાંડો એમને નામે ચડે છે. તો પણ એમની હોજરી ભરાતી નથી. અનેકનાં પેટ કાપીને આ લોકો પોતાનું પેટ ભરતાં રહે છે. ગરીબને પેટ જેવું ખાસ હોતું નથી. થાય છે એવું કે ગરીબનું પેટ સરકાર ભરે છે ને સરકારનું પેટ ઉદ્યોગપતિઓ ભરે છે ને ગળે ન ઊતરે એવી વાત એ છે કે ઉદ્યોગપતિઓનું પેટ મધ્યમવર્ગ ભરે છે. મધ્યમવર્ગ મોંઘવારીને નામે અને જુદા જુદા ટેક્સને નામે લૂંટાય છે ને એ બધું પાવડે પાવડે સરકાર પાસે ને અમીરો પાસે જાય છે. મધ્યમવર્ગ ખાવા માટે જ નહીં, ફોલી ખાવા માટે પણ હોય છે.

સાચું તો એ છે કે આ દેશમાં ગરીબો કરતાં અમીરો વધારે ભૂખ્યા છે. એ અમીરોથી ધરાતા નથી, એ ધરાય  છે સરકારી પ્રોજેક્ટસથી, એ પ્રોજેક્ટ્સ મેળવવા અબજો રૂપિયા સરકારના માણસોને ને અધિકારીઓને ધરવા પડે છે ને એ બધો બોજ સાધારણ જનતા પર પડે છે. આ જનતા પણ બહુ ધર્માત્મા નથી જ. તેને બે છેડા ભેગા કરતાં ખૂટે છે તો તે ‘ચાપાણી’ જેટલું પાપ તો કરે જ છે. તેનું પેટ બહુ મોટું નથી. તે નાનીમોટી નોકરીમાંથી ‘કટકી’ કાઢી લે છે. એનો બચાવ ન જ હોય, પણ જે લાખો રૂપિયા કાયદેસર રીતે કમાય છે તે કેમ કરોડો મારીને ય ધરાતા નથી, એ વીંધી નાખતો પ્રશ્ન છે. એક માણસને એકંદરે સારી રીતે જીવવા કેટલા રૂપિયા જોઈએ? રામના કેટલા જોઈએ ને હરામના કેટલા જોઈએ? એટલા ભેગા કર્યા પછી પણ આ લોકો ધરાતા નથી, કેમ? કુલ કેટલી પેઢીઓને હરામનું ખવડાવવું છે? આટલું ભેગું કર્યાં પછી પણ હજી વધુ ભેગું કરનારને તે શું કહેવું? એ લોકો ખાય છે તો અનાજ જ ! એ લગડી કે હીરા નથી ખાતાં. આટલા અબજો રૂપિયા છતાં એ ધરાતા નથી. સાથે રૂપિયો ય આવવાનો નથી, તો કોને માટે ભેગું થાય છે આ બધું? એ પેઢી માટે જે પોતાનું કમાઈ શકે એમ છે? માન્યું કે એમને માટે થોડું ભેગું થાય, પણ કેટલું? એટલું તો ન થાય ને કે એ પેઢી હરામનું ખાઈને જ મોટી થાય? એ તો જુઓ કે એ શું ઈચ્છે છે? એને બગાડવાની જવાબદારી પણ આ અમીરો શું કામ લેતા હશે, તે નથી ખબર ! બાપને પૈસે કેવળ અનાચાર જ કરે એટલી સગવડ ઊભી કરવાની જરૂર ખરી? હશે, થોડા એવા પણ હશે જે કશુંક સારું પણ કરતા જ હશે, પણ એવા કેટલા?

એની સામે એક સીધો સાદો વર્ગ છે, જે મહેનત મજૂરી કરીને કે નાની મોટી નોકરીઓ કરીને ઈમાનદારીથી, સચ્ચાઈથી, કોઈ આદર્શથી જીવવા માંગે છે. એને માટે આ ધરતી પર જગ્યા છે? એક માણસ સાચો છે ને તે સાચી રીતે રહેવા માંગે છે, તે કોઈને કનડવા માંગતો નથી. એને ક્યાંકથી કોઈ દાખલો કે પ્રમાણપત્ર જોઈએ છે, એ કાગળિયાં લેવાનું એને માટે સરળ છે? કોઈ પણ ઓફિસમાં એ જાય છે તો તેને તોડી ખાવા કેટલાં બધાં ગીધડાં તૈયાર બેઠાં હોય છે ! એ એટલો પૈસાદાર નથી કે આ બધાંનાં પેટ ભરી શકે ને એને નડતો સૌથી મોટો સવાલ એ છે કે એક નાનું સરખું કામ એણે કરાવવું છે ને જે કરે છે તેની એ ફરજમાં આવે છે, તો તેને માટે લાંચ તેણે શું કામ આપવાની? જો એ પૈસા નથી આપતો તો એને એટલા ધક્કા ખવડાવાય છે કે પેલી લાંચ તેને નાની લાગે, પણ એને પેલો સચ્ચાઈનો કીડો વળગેલો છે એટલે એ તો પૈસા નહીં જ આપે, તો એની હેરાનગતિ એટલી થાય છે કે એ આત્મહત્યા સુધી પહોંચી શકે. એક નાનું કામ કરાવવા માટે એક સાચા માણસે જીવ આપવો પડે એ બરાબર છે? કામ ખોટું હોય કે ખરું, પૈસા મોંએ નાખ્યા સિવાય કામ ન થાય એવી ઓફિસો હાથવગી છે. એક માણસ ઓફિસમાં આવે છે તો તેને ચારે બાજુથી આખી ઓફિસ ચાંચ મારી લેવા તત્પર હોય છે.

એના ઉપરી અધિકારીઓ તો નાનીમોટી રકમમાં પડતા જ નથી, એમની હોજરી વેપારીઓ, ઉદ્યોગપતિઓ કરોડોમાં ભરી આપે છે ને એના બદલામાં ક્યાંક કાચી ઇમારત બંધાય છે, ક્યાંક નબળો પુલ બને છે, ક્યાંક તરત જ બાંધવી પડે એવી સડકો બંધાય છે, ક્યાંક બેન્કો સૂઈ જાય એવું ધીરાણ થાય છે, કોઈ કરોડોમાં બેંકને નવડાવીને વિદેશ ભાગી જાય છે ને બીજી તરફ પગલાં લેવાયાં જ કરે છે ને કોઈનો વાળ પણ વાંકો થતો નથી. કોઈ કરોડોમાં ઉઠમણું કરીને અનેકને રડાવી જાય છે. એમ લાગે છે કે આખો દેશ ખાઈ જવાય એવી શક્તિવાળો એક ભયંકર રાક્ષસ દેશમાં ફરે છે ને તેનામાં પણ નાના મોટા રાક્ષસો છે. પેલો પ્રચંડ રાક્ષસ બેન્ક ખાય છે, પુલ ખાય છે, ખાણ ખાય છે, સ્કૂલો ખાય છે, કોન્ટ્રાક્ટ ખાય છે ને એનામાં રહેલા નાના નાના રાક્ષસો કોઈ મજૂરને ખાય છે, કોઈ માસ્તરને ખાય છે, કોઈ વિધવાને ખાય છે, કોઈ સિનિયર સિટીઝનને ખાય છે ... બધાં જ ખાય છે ને બધાં જ ભૂખ્યાં છે. એ ધરાતાં જ નથી. આખી પૃથ્વી ઓરી દો તો પણ તેમની ભૂખ મટતી નથી. આવામાં કોઈ એક સાધારણ માણસ તેની સચ્ચાઈથી જીવવા માંગે તો તે જીવે એટલી ભૂખ રાક્ષસની બાકી રહે કે કેમ? પ્રશ્ન એ છે.

000

e.mail : [email protected]

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 મે 2022

Category :- Opinion / Opinion

'ભારતમાં પ્રસાર માધ્યમો અને બિનસાંપ્રદાયિકતા’ : લેખક - ધર્મેશ ભટ્ટ : પ્રકાશક - નવભારત સાહિત્ય મંદિર, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨ : મૂલ્ય - રૂ.૨૫૦

બિનસાંપ્રદાયિકતાનો વિષય વિશ્વના તમામ દેશોમાં ભારતને વધારે લાગુ થાય છે. ધર્મ, જાતિ, ભાષાઓ અને પ્રાંતીય સાંસ્કૃતિક વૈવિધ્યને કારણે કુનેહપૂર્વક ઘડાયેલા બંધારણ હેઠળ લોકતાંત્રિક સરકાર રચાઈ હોવા છતાં સમતુલા જાળવવી અઘરી બને છે. કારણ કે મેકિયાવેલી સહિત અનેક રાજકીય વિચારકો કહે છે કે લોકશાહી, રાજાશાહી કે સમાજવાદી, સામ્યવાદી કોઈ પણ પ્રકારના શાસનને ભ્રષ્ટાચાર તથા સત્તાલોભની આંટીઘૂંટીઓથી મુક્ત રાખવું લગભગ અશક્ય હોય છે. લોકશાહીમાં સમાનતાનો મુદ્દો શિરમોર રહે છે. બંધારણ અને કાયદા હેઠળ જાતિ અને ધર્મ સહિત તમામ પ્રકારે સમાનતા જાળવવાનો મુદ્દો આધાર રૂપ બને છે. ભારતમાં એ સમાનતામાં બિનસાંપ્રદાયિકતા-ધર્મનિરપેક્ષતાનો મુખ્ય રૂપે સમાવેશ છે. લોકતાંત્રિક પ્રવાહોમાં પ્રસાર માધ્યમોનું મહત્ત્વ મધ્યવર્તી ધોરણે ગણી શકાય. બિનસાંપ્રદાયિકતા જાળવવામાં જમણેરીઓ, ડાબેરીઓ અને કૉન્ગ્રેસ ત્રણેય ઓછા વત્તા અંશે કંગાળ રહ્યા હોવાનું કહી શકાય. કારણ કે રાજકારણમાં પોતાનો વાવટો ઊંચો રાખવા માટે તેમને સાંપ્રદાયિક મુદ્દાના ખભાની પણ જરૂર રહે છે. પરંતુ આ સ્થિતિમાં અત્યાર સુધી ટેકનોલોજીના નવા આયામો સાથે ફુલતા ફાલતા રહેલા પ્રસાર માધ્યમોએ તેમનો ધંધાદારી વિકાસ કેટલો કર્યો તેનો અભ્યાસ મીડિયા મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્‌સ કે સર્વેક્ષણો કરનારી કંપનીઓ કરતી રહે છે. આ પ્રવાસ દરમ્યાન પ્રસાર માધ્યમો સમાજ પ્રત્યે નૈતિક ફરજો નિભાવવામાં કેટલા સફળ રહ્યા એ તપાસનો વિષય બને છે. તેથી પી.એચડી માટેના મહાનિબંધનો વિષય ‘ભારતીય પ્રસાર માધ્યમો અને બિનસાંપ્રદાયિકતા’ પસંદ કર્યો.

કથાકથન દ્વારા ઘટનાઓ વર્ણવતા નિયન્જરધલ અવસ્થાના માનવો, ખભે સમાચાર લખેલા પાટિયાં લઈને ફરતા મંખ વગેરે અવસ્થાઓમાંથી પસાર થતા પ્રસાર માધ્યમોને રાજાશાહીને ઉથલાવવા અને લોકતાંત્રિક કે સામ્યવાદી સરકારો સ્થાપવા સાથે સામાજિક સુધારાના અભિયાનોમાં સફળતાને આધારે મૂલવવામાં આવતા હતા. હવે તેમની મૂલવણી સરક્યુલેશન, રેવન્યુ, માર્કેટિંગ અને ટી.આર.પી.ને આધારે કરવામાં આવે છે. આ માપદંડોમાં ઉચ્ચાંક પ્રાપ્ત કરવા માટે પ્રસાર માધ્યમો મિશનથી માર્કેટિંગની દિશામાં બેફામ દોડ્યા. તેમાં નૈતિકતા તરફ બેધ્યાન બનવા સહિત અનેક બાબતોમાં ક્ષતિઓ-ત્રુટિઓ માધ્યમોના વ્યવહારમાં સામેલ થઈ. એક તરફી રજૂઆત, સ્પિનિંગ ઑફ ન્યૂઝ અને પેઇડ રાઇટઅપ, સુધીના અનેક દૂષણો, ઉપરાંત છેક બ્લેક મેઇલિંગ સુધીની મેલી મથરાવટીમાં પરોવાયેલા મીડિયા હાઉસિસ કે ફૂટકળિયાં છાપાં કે ચેનલોના કિસ્સા પણ સપાટી પર આવે છે.

મુદ્રણયંત્રની શોધ સાથે પ્રસાર માધ્યમોના વ્યાપની શરૂઆત થઈ હતી. સમાજ, રાજકારણ અને જનતાની ન્યૂઝ અને વ્યુઝની ભૂખ છપાયેલા શબ્દને વણદીઠેલી ભોમકાના પ્રવાસે લઈ ગઈ. ઔદ્યોગિકીકરણના દાયકાઓમાં મોટા ભાગના દેશોમાં રાજાશાહી, તાનાશાહી કે સામ્રાજ્યવાદી શક્તિઓ સામે લડતો, ક્રાંતિઓ ચાલતી હતી. દરેક દેશમાં આઝાદીની લડતના વિચારો સાથે ચાલતા અખબારો અને સામયિકો લોકપ્રિય હતા. રેડિયો સ્ટેશનોમાં ક્રાંતિના વિચારો પર આધારિત કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવતા હતા. આઝાદીની લડતો અને ક્રાંતિઓ પૂરી થયા પછી એ અખબારોમાં લોકરુચિનું પરિબળ અગ્રેસર બન્યું.  સમય વીતતાં પ્રસાર માધ્યમોમાં લોકરંજકતા અને રાજકારણનો પ્રભાવ વધતો ગયો. આવક માટે એડવર્ટાઈઝમેન્ટ અને કોર્પોરેટ કંપનીઓના પીઠબળનો મહિમા વધતાં તેની અસર પ્રસાર માધ્યમોના કવરેજ અને માળખાંકીય વ્યવસ્થાઓ પર પડી. રાજકીય પક્ષોની માલિકીના અખબારો અને ટી.વી. ચેનલો સ્થપાવા માંડ્યા.

મોગલોના આગમન વેળા બિનસાંપ્રદાયિકતાનો મુદ્દો જેટલો જ્વલંત નહોતો એટલો અંગ્રેજોના આગમન પછી સળગતો થયો હતો. ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 'આનંદ મઠ'માં  સંન્યાસી આંદોલનનો અહેવાલ લખ્યો એ એક રીતે ભારતના પત્રકારત્વમાં શરૂઆતથી બિનસાંપ્રદાયિકતાના વિષયનું મહત્ત્વ દર્શાવે છે. ૧૮૫૭નો બળવો એ વિષયને કેન્દ્રમાં મૂકે છે.

૧૯૩૧માં કાનપુરમાં રમખાણો થયા. એ રમખાણોની તપાસ માટે સમિતિ નિમવામાં આવી હતી. એ સમિતિએ નોંધ્યું કે કાઁગ્રેસમાં ગણેશ શંકર વિદ્યાર્થી અને ગાંધીજી  જેવા શુદ્ધ બિનસાંપ્રદાયિકો ભાગ્યે જ જોવા મળે છે. ત્યાર બાદ અંગ્રેજોના દુષ્પ્રચારથી દૂષિત જનમાનસને પગલે અલગ મુસ્લીમ રાષ્ટ્રની માગણી ઊભી થતાં દેશનું વિભાજન થયું દેશના વિભાજન વેળા અંગ્રેજોએ વાવેલાં કોમી વેરઝેરનાં બીજ કેવું રાક્ષસી રૂપ ધારણ કરી ચૂક્યાં હતાં, એ જોવા મળ્યું હતું. એ ગતિવિધિઓ અખબારોમાં આઝાદીની પ્રક્રિયાના ન્યુઝ-વ્યુઝ રૂપે નોંધાઈ. વિવિધ કારણોસર રાજકીય પક્ષો દ્વારા પ્રેરિત રમખાણો વધ્યાં.

૧૯૭૫ની કટોકટી, સુવર્ણ અમૃતસરમાં ઓપરેશન બ્લુ સ્ટાર, ૧૯૮૫ના શીખ વિરોધી રમખાણો, અયોધ્યા વિવાદ અને બાબરી મસ્જિદ ધ્વંસ, ૧૯૯૦ના દાયકામાં રામમંદિર માટેની રથયાત્રા અને ત્યાર પછીના પ્રસંગો, ૨૦૦૨માં ગુજરાતના રમખાણો બિનસાંપ્રદાયિકતા સંદર્ભે પ્રસાર માધ્યમોમાં કવરેજની  દૃષ્ટિએ અભ્યાસનો વિષય બને છે. રમખાણો તથા અન્ય વિશ્લેષણમાં પ્રસાર માધ્યમોના અમુક વર્ગો  નીરક્ષીર વિવેક ચૂકતા રહ્યાં હોવાનું પ્રેસ કાઉન્સિલ અને ક્યારેક અદાલતો પણ નોંધી ચૂકી છે. એ વિષય નાટકો અને ફિલ્મોમાં પણ પડઘાતો રહ્યો છે. આ પ્રકારના બહુવિધ મુદ્દાનું પૃથક્કરણ પુસ્તક 'ભારતમાં પ્રસાર માધ્યમો અને બિનસાંપ્રદાયિકતા'માં કરવામાં આવી છે. 

Email : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2022; પૃ. 13

Category :- Opinion / Opinion