OPINION

The Gujarat Lab

Keshav
31-07-2014

courtesy : "The Hindu", 31 July 2014

Category :- Opinion Online / Cartoon

દીકરી નહીં, વેવાઈની પુત્રવધૂ !

મેહુલ મંગુબહેન
30-07-2014

નજર લાગવામાં તો આ લખનાર માનતો નથી, પણ આજકાલ જે માહોલ બન્યો છે એના માટે 'શી ખબર કોની નજર લાગી ગઈ છે!' એવું પ્રચલિત ગુજરાતી વાક્ય જ નજરે ચડે છે. એક તરફ ગાઝા-ઇરાયેલની બબાલો, ફુગ્ગા ફૂટી જતા હોય એમ તૂટી પડતાં વિમાનો, વિધાનસભાઓમાં મારામારીઓ, સંસદમાં હંગામાઓ, કરુણ અકસ્માતો, બળાત્કારો-હત્યાઓ, હિટ એન્ડ રનના કેસ, મહારાષ્ટ્ર ભવનમાં રોટીઠૂસો કાંડ અને પાકિસ્તાની બહૂ સાનિયા મિર્ઝા સામે ફરી મંડાયેલો મોરચો. સાલુ, વરસાદ સિવાય એકેય સમાચાર આજકાલ જીવને ટાઢક આપે એવા આવતા જ નથી. અલબત્ત, કેટલાક સમાચારો નવા નથી પણ આગે સે ચલી આતી હૈ જેવા છે, જેમાં મોટે ભાગે એક જ પ્રકારની માનસિકતાને ઉન્નત શિખર લગી પહોંચાડવાનો મૂર્ખ પ્રયાસ કેટલાક લોકો કરે છે. આવા સમાચારમાં હાલ પૂરતું ટોચનું સ્થાન સાનિયાની ભારતીયતાનો વિવાદ ભોગવે છે.

સાનિયા મિર્ઝાના કેસમાંથી તે લઘુમતી સમુદાયની છે તે વાત સાવ કાઢી જ નાખીએ તો પણ તે અનેક એવા સવાલો ઊભા કરે છે જેનાં મૂળ દેશની પિતૃસત્તાક માનસિકતામાં છે. આપણે સાનિયા મિર્ઝા તેલંગણાની એમ્બેસેડર તરીકે યોગ્ય છે કે નહીં તેની વાતમાં પડયા વગર આખા વિવાદમાંથી નીપજતી સ્ત્રીવિરોધી માનસિકતા પર જ ફોકસ કરીએ. સાનિયા મિર્ઝા શરૂઆથી જ વિવાદોમાં રહી છે અથવા તો એમ કહો કે તેને વિવાદોમાં ઢસડવામાં આવી છે. પહેલાં કેટલાક મુસ્લિમ મૌલવીઓએ ટેનિસ રમતી વખતે પહેરાતાં તેનાં ટૂંકા કપડાં વિશે વાંધો ઉઠાવ્યો. આ વાતને ધર્મથી બહાર કાઢી 'છોકરીએ શું પહેરવું કે ન પહેરવું' તે નક્કી કરનારી પુરુષ માનસિકતા સાથે સીધી લેવાદેવા છે. ઇસ્લામની બુરખાપ્રથા હોય કે હિન્દુ ધર્મની પડદાપ્રથા છેવટે બેઉની કોશિશ તો એક જ છે. સાનિયા મિર્ઝાનું સ્કર્ટ તો જવા જ દો, આજે પણ દેશમાં એવી અગણિત છોકરીઓ-મહિલાઓ છે જેમને પોતે શું પહેરવું તે નક્કી કરવાનો અધિકાર જ નથી. જેમને ફરિજયાત લાજ કાઢવી પડે છે અને સાડી પહેરવી પડે છે. કેટલાક વીરબહાદુરો તો વળી, શિક્ષિકાઓ વગેરે માટે સાડી કે ફલાણાં-ઢીંકણાં પ્રકારનાં કપડાં ફરજિયાત એવા નિયમો પણ ઘડે છે. ઉફફફ!

સાનિયાના કેસનો લેટેસ્ટ વિવાદ પાકિસ્તાનની પુત્રવધૂવાળો છે. આ વિવાદ પણ જૂનો જ છે. તે ક્રિકેટર શોએબ સાથે પરણી તે વખતનો. હવે તેલંગણાએ તેને એમ્બેસેડર બનાવતાં અનેક મુદ્દા ઊભા કરી વિવાદને ફરી ચગાવવામાં આવ્યો છે. સાનિયાને લગતા સમાચારોમાં મુખ્ય સમાચાર ઉપરાંતના મુખ્ય સમાચાર તરીકે લોકોની કોમેન્ટ્સ ગણવી પડે. ઇન્ટરનેટ પર જોવા મળતી આ અનેક કોમેન્ટ્સ સામાજિક ચિંતાનો વિષય બને છે, કેમ કે એ ફરીફરીને પિતૃસત્તાક સમાજવ્યસ્થાને પોષે છે, મજબૂત કરે છે. લોકોની મૂર્ખ કોમેન્ટ્સ લખવા બેસીએ તો પાનાં ભરાઈ જાય. મૂળ દલીલ એ છે કે, "એણે પાકિસ્તાનીને શું કામ પરણવું જોઈતું હતું? ભારતમાં તેને કોઈ લાયક ન મળ્યું?" આ દલીલ સાવ જ વાહિયાત છે.

એક ઘડીક માટે સાનિયા મિર્ઝાને ભૂલી જઈએ. જરા આપણી આસપાસના ઘરપરિવારો પર નજર કરીએ. શહેરોમાં આવીને સ્થાયી થયેલા અને વૈચારિક રીતે આધુનિક એવા અપવાદોરૂપ પરિવારો સિવાય કોઈ છોકરીને પોતે કોને પરણવું કે ન પરણવું તે નક્કી કરવાનો અધિકાર છે? અલબત્ત, દેશનું બંધારણ તો તેને આવો અધિકાર આપે છે, પણ સમાજની માનસિકતા તેને આવો હક આપતી નથી અને તેમ કરતાં રોકે છે. "તારે એને જ શું કામ પરણવું છે, આપણી નાતમાં સારા છોકરાઓની કમી છે કાંઈ?" આવો ડાયલોગ ફિલ્મી લાગે તો પણ તે કોઈ પણ ધર્મના હોય એવા ભારતીય પરિવારો માટે અજાણ્યો નથી. છોકરીની મરજી હોય કે ન હોય તેના પર પસંદગી ઠોકી દેવામાં આવતી હોય છે. નાતમાં પરિવારોની સંખ્યા ઓછી હોય, સારા છોકરા ન મળતા હોય અને પસંદગીને અવકાશ ન હોય તો પણ લોકો એને જ વળગી રહે છે. દીકરીને પારકી થાપણની જેમ ઉછેરનારો અને માનનારો વર્ગ એટલો મોટો છે કે સાનિયા પાકિસ્તાની ક્રિકેટરને પરણે એમાં ય તેને લાગી આવે.

જો કે, વાત તે પરણી તેથી પણ આગળ જતી રહી છે. પહેલાં આપણે પિયર ઇટલી હોવાને લીધે સોનિયા ગાંધીને ગાળો આપતા હતા, હવે આપણે એ જ લાઇન પર સાસરું પાકિસ્તાન હોવાને લીધે સાનિયાને વગોવીએ છીએ. આપણે ખરેખર માનીએ છીએ શું? મહારાષ્ટ્ર કે પછી હૈદરાબાદમાં જન્મેલી સાનિયા 'દીકરી નહીં પણ વેવાઈની પુત્રવધૂ' એમ માનીએ છીએ? ના, બહુમતી સમાજ પિતૃસત્તાક સમાજ હોવા છતાં તે આવું માનતો નથી, પણ કેટલાક મૂર્ખ લોકોને લીધે સમાજ બદનામ થાય છે. આવા લોકોની થિયરી ખરેખર તો રાજકીય લાભ ખાટવાની જ હોય છે. સમાજમાં લોકો વચ્ચે 'તે આપણા કરતાં અલગ છે' એવી માનસિકતાનાં બીજ સતત રોપવામાં આવી રહ્યાં છે. આ જ માનસિકતાવાળા લોકો ગઈ કાલ લગી સોનિયાના કેસમાં 'તે અમારી પુત્રવધૂ નહીં પણ (ઇટલીની) વેવાઈની દીકરી' એવું ગીત ગાતાં હતા.

મામલો સાનિયા કે સોનિયાનો કે ઇસ્લામ-ક્રિશ્ચિનિટીનો નહીં પણ વારે વારે પલટી મારતી સામાજિકતાનો છે. 'બેટી કી ડોલી ઘર સે નિકલતી હૈ, અર્થી સસુરાલ સે' એવી આપણી સામાજિકતાને લીધે હજારો દીકરીઓ મુસીબતમાં પિયરની વાટ પકડવાને બદલે મોતને વ્હાલું કરતી હોય છે.

સાનિયાના કેસના વિવાદની આસપાસ બી.બી.સી.એ કરેલી એક ન્યૂઝ સ્ટોરી ધ્યાન ખેંચનારી છે. એક મહારાષ્ટ્રીયન હિન્દુ મહિલા ઇન્ટરનેટ થકી પાકિસ્તાની મુસ્લિમના પ્રેમમાં પડી. માંડ વિઝા મેળવી પરણી પણ ખરી. એક દીકરાની માતા બની. જો કે, થોડા જ વખતમાં તેનો પતિ હાર્ટએટેકમાં મૃત્યુ પામ્યો. તેના સાસરીવાળાઓએ અદ્દલ આપણી સામાજિક માન્યતાની જેમ જ તેનાં પગલાંને અપશુકનિયાળ ગણાવી કાઢી મૂકી. પરદેશમાં તે નોંધારી બની ગઈ. એક મસ્જિદના ઇમામને આની જાણ થઈ. તેમણે તેને આશરો આપ્યો. અમુક વરિષ્ઠ પાકિસ્તાની પોલીસ અધિકારીઓ સાથે વાત કરી. તેના માટે પૈસા ભેગા કર્યા અને તેને સલામત રીતે વતન મોકલી આપી. ચારે તરફ મચેલી રાજકીય સામાજિક અફરાતફરી વચ્ચે સત્ય તારવવું અને સમજવું અઘરું બની રહ્યું છે ત્યારે આવા અનેક કિસ્સાઓ આશા આપનારા છે અને આવા કિસ્સાઓ જ સમાજની ખરી વાત કરે છે. બાકી તો દેશપ્રેમ કે કુટુંબપ્રેમ કે સંસ્કૃિતપ્રેમ સાબિત કરવો કઈ રીતે? મહારાષ્ટ્ર સદનમાં બનેલી ઘટના પણ પોતાની વાત ઠોકી બેસાડવાની માનસિકતાનો જ પડઘો છે. સભ્યતાની એકે ય હદમાં નહીં માનનારા લોકોને એ નહીં સમજાય કે અશરફ નામના પેલા કર્મચારીએ ઉપવાસ કે રોજા ન રાખ્યા હોય તો પણ તેને બળજબરીથી કંઈ પણ ખવડાવવાની કોશિશ કરવી એ એક પ્રકારની હિંસા જ ગણાય.

e.mail : [email protected]

સૌજન્ય : ‘વિગતવાર’ નામે લેખકની કટાર, “સંદેશ”, 30 જુલાઈ 2014

Category :- Opinion Online / Opinion