OPINION

આ વરસના ઓગસ્ટના છેલ્લા દિવસોમાં, ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં, સ્વામીનારાયણ સંસ્થાના (બોચાસણ) મંદિરમાં, ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. સ્વયં પ્રમુખ સ્વામીજી પધાર્યા હતા. અને તે પ્રસંગે અમેરિકાના જુદા જુદા સ્ટેટમાંથી ભક્તોનાં ટોળાં ઉમટ્યાં. અમેરિકા તો અમેરિકા, આખા જગતમાંથી ભક્તોના ધાડાં રોબિન્સવિલ (ન્યૂ જર્સી) પર ઊતરી આવ્યાં.

આ મંદિર અમારા ઘરથી પાંચ કિલોમિટર દૂર છે. અમેરિકામાં તો દસ માણસનું પણ મોટું ટોળું ગણાય. તો આ તો વીસ હજાર જેવા હરિભક્તો પધાર્યા હતા. નવાઈની વાત એ હતી કે કોઈને જમ્યા સિવાય નહોતા જવા દેવાયા. જમવાનો મહિમા બીજા કોઈ પણ મંદિર કરતાં આ પંથના મંદિરોમાં સૌથી વધુ છે. ભૂખે ભજન ન હોય ગોપાલા – એ સિદ્ધાંતને લીધે મારા જેવા અભક્તો પણ ભગવાન માટે નહીં પણ રસરંજનના થાળનાં દર્શન માટે ઘુસી જાય છે. મારા જેવા અભક્તને જ્યારે જ્યારે ઇન્ડિયન ફુડની ઇચ્છા થાય છે, ત્યારે ત્યારે આ મંદિરની વિઝીટ મારી આવે છે. આ જ એક મંદિર છે કે જ્યાં અમે બન્ને, પતિપત્નીની જરૂરિયાત પૂરી થાય છે. એ ભજનગૃહમાં જાય છે. અને હું ભોજનગૃહમાં. પણ તેથી વધુ આનંદ એ વાતનો છે કે મારે એની સાથે નથી બેસવું પડતું. કહેવાય છે કે આ પંથના સાધુ સંતો સ્ત્રીઓથી અને તેમનાં દર્શનથી દૂર રહે છે. વિધિની વક્રતા એ છે કે સ્ત્રીઓ જ એ મંદિર તરફ વધુ દોડે છે. કદાચ ભગવાનને સ્ત્રી-દર્શનનો વાંધો ન હોય.

પંદર કરોડ ડોલરના ખર્ચે બંધાયેલા આ મંદિરમાં મારા જેવા મફતિયાનો આનંદ લૂંટાઈ ગયો છે. હવે અહીં રવિવારના મફતના જમવાના પૈસા પડશે. આ મંદિરના પરિસરમાં જાત જાતનાં બીજા સ્ટોલ્સ છે. અને અંદર મોલ જેવું લાગે. આપણને થાય કે આ બધો માલ વેચવા જ મંદિર બનાવ્યું  છે. ભગવાનનું તો બહાનું છે.

ત્રીસ ચાળીસ વરસ પહેલાં, મંદિર માટેનો આવો વીસ હજાર હરિભક્તોનો ધસારો કોઈની કલ્પનામાં પણ ન આવ્યો હોત !

સ્વામીનારાયણનું પહેલું મંદિર, અમેરિકામાં ક્વિન્સમાં બાઉની સ્ટ્રીટ પર, એક સામાન્ય ઘરમાં હતું, ત્યાં મારે ભારતથી આવેલા મિત્રને લઈ જવાના હતા. હું અને મારી પત્ની, હંસા એ ભાઈને લઈ ગયા હતાં. સાલ હશે ૧૯૭૪–૭૫. પ્રમુખ સ્વામીની પધરામણી થઈ હતી. બસો હરિભક્તો અને અમે હાજર હતાં. એ દિવસે એ સૌને એક કલાકમાં જમાડ્યા હતાં. ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું હતું અને ત્યારથી સ્વામીનારાયણ સંસ્થાના સ્વયંસેવકો માટે બહુ માન છે. જે નિષ્ઠાથી તેઓ કામ કરે છે એવી કર્તવ્યપરાયણતા મિલિટરીમાં જ જોવા મળે.

ત્યારે અમેરિકામાં એ એક જ સ્વામીનારાયણ મંદિર હતું. આજે હજાર કરતાં વધુ મંદિરો પ્રમુખ સ્વામીની આગેવાની હેઠળ આખા જગતમાં થયાં છે. અમેરિકાની લોકશાહીના તો કેટલાં વખાણ થાય ? અમે લોકો આવાં મંદિરોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વખતે અમેરિકન સેનેટર, કોંગ્રેસમેનને પકડી લાવીએ છીએ. અને એ લોકો અમારા વોટ લેવા આવા પ્રસંગોએ આવી જાય છે. મને આ પોલિટિશયનોના અને વેશ્યાના ધંધામાં કાંઈ ફેર નથી લાગતો. સ્વાર્થ માટે ગમે તે કરવા તૈયાર થાય.

આવા મંદિરોમાં એકેય ગોરો કે કાળો અમેરિકન દેખાતો નથી. કરોડોના ખર્ચે અમેરિકાની ધરતી પર મંદિરો બાંધીએ છીએ, પણ અમેરિકન પ્રજા માટે કેટલા પૈસા ખર્ચાતા હશે ? યાદ આવે છે. હોલિવુડની ફિલ્મ "ધ સિક્સથ સેન્સ"  બનાવનાર ઇન્ડિયન યુવાન ડાયરેક્ટર એમ. નાઈટ શ્યામલને ફિલ્મના નફામાંથી પંદર મિલિયન ડોલર, ફિલાડેલ્ફિયાના કાળા અમેરિકનોના સ્લમમાં ઘરો બંધાવવામાં ખર્ચ્યા. વાત એમ હતી કે એ ફિલ્મનું શુટિંગ ફિલાડેલ્ફિયાના એ સ્લમમાં થતું હતું. તેમની ગરીબાઈ જોઈને, આ યંગ ઇન્ડિયને પોતાના પૈસા અમેરિકા માટે ખર્ચ્યા. આવા વિચારો આવે તો આ ભૂમિ આપણને સ્વીકારે. આખો વખત દેશ પાસેથી લે લે કરીએ, અને દેશ માટે ન ખર્ચીએ તો પરિણામ આફ્રિકા જેવું આવે. − એક સર્વે મુજબ અમેરિકામાં ૪૭ ટકા ઘરોમાં ગન છે.

મને યાદ છે કે ૧૯૭૦માં, ન્યૂ યોર્કમાં જો ખોટ હતી તો તે મંદિરની અને બીજી ઇન્ડિયન ગ્રોસારી સ્ટોર્સની. જો ભૂખનો પ્રશ્ન ઉકલે તો ભગવાનના પ્રશ્નનું કાંઈ ઠેકાણું પડે. તેમાં ન્યૂ યોર્કના મેનહટન વિસ્તારમાં લેક્ઝિંગ્ટન એવન્યુ પર એક આર્મેનિયનનો ગ્રોસરી સ્ટોર્સ હતો. અને મંદિર માટે એક "હરે રામા, હરે કૃષ્ણા"વાળાઓનું સેકન્ડ એવન્યુ પર  ખાનગી ઘરમાં મંદિર હતું.

રસ્તા પરથી જ દાદર પર ચઢી ઉપર જવાનું હતું. એક વાર અમે ચાર પાંચ મિત્રો, મંદિર છે તો જોઈએ, એ ભાવથી ગયા હતા. ત્યાં ઉપર મોટા ગાદી તકિયા પર શ્રીલા પ્રભુપાદ આડા પડયા હતા, અને અમેરિકન યુવાન યુવતીઓ તેમના પગ પાસે બેઠાં હતાં. ગોરી છોકરીઓ સાડીમાં ખૂબ શોભતી હતી. અમે ત્યાં મહા પ્રસાદમ્ આરોગ્યો. કારણ કે અમે બધાં "સિંગલ" હતા અને રૂમ પર રેડીમેડ ફુડના ડબ્બા ખોલી ખોલીને ચણા, વટાણા, દાળ, ગરમ કરીને પાંઉ  રોટી સાથે ખાઈ લેતા. એટલે ભગવાનનો પ્રસાદ આરોગીને ભગવાનના આશીર્વાદ મેળવાય અને પેટ ભરાય. આમ બહાર મંદિરોમાં જમવાનો ચસ્કો મને વરસોથી લાગ્યો છે.

પછીથી એ મંદિર, બ્રુકલિનમાં હેનરી સ્ટ્રીટ પર ગયું. ઇન્ડિયાથી આવતા વિઝીટર્સને અને નવા સ્ટુડન્ટ્સને એ મંદિર જોવા લઈ જતા. આખા ન્યૂ યોર્કમાં એક માત્ર હિન્દુ મંદિર અને તે પણ અમેરિકનો ચલાવે એ વિચારે જ હિન્દુઓએ મરવું પડે. અને હિન્દુઓ હવે તો સારું કમાતા હતા. તેમાં ખાસ કરીને ગુજરાતીઓને ગરબા માટે કોઈ જગ્યા જોઈતી હતી. હવે ન્યૂ યોર્કમાં દેશીઓની − અમે અમેરિકાના ગુજરાતીઓ કોઈ પણ ઇન્ડિયનને માટે "દેશી" શબ્દ વાપરીએ છીએ − સંખ્યા વધવા માંડી હતી. (મારાં પત્ની પણ ઇન્ડિયાથી મારી મોટી દીકરી આશિનીને લઈને આવી ગયાં હતાં. અને અમે અમારો નવો સંસાર ન્યૂ યોર્કમાં ચાલુ કર્યો. મને બર્નાર્ડ સ્ક્રીન પ્રિન્ટીંગમાં સુપરવાઈઝર તરીકે નોકરી મળી ગઈ હતી. એટલે પૈસાની સગવડ થઈ ગઈ હતી. એટલે મનમાં શાંતિ હતી.)

૧૯૭૮ની આસપાસ ન્યૂ યોર્કના કરોના એરિયામાં ગીતા મંદિરની સ્થાપના થઈ. ભગવાનનું બહુ મહત્ત્વ નહોતું. પરંતુ ગરબા માટે જગ્યા મળી ગઈ. જ્યાં ત્રીસ ચાળીસ જણથી ગરબા ગવાતા હતા. બે વરસ પછી તે જગ્યા પણ નાની પડવા લાગી. એટલે મોટી જગ્યામાં કરોનામાં જ નવું મંદિર બન્યું. મંદિર બનાવનારા લોકો સ્માર્ટ હતા. તેમણે તે મંદિરમાં બધા ભગવાનો ગોઠવી દીધા. ગાયત્રીમાતા, હનુમાનજી, શંકર પાર્વતી, દુર્ગામાતા, રામ–સીતા, રાધા–કૃષ્ણ. જાણે કે ભગવાનોની પરિષદ ભરાઈ હોય તેમ. આપણા લોકોના સંસ્કાર જ એવા છે કે મંદિર વિના આપણું જીવન સૂનું સૂનું લાગે.

સેકન્ડ વર્લ્ડ વોર પછી યુરોપના મોટા શહેરો અને ટાઉનમા સૌથી પહેલાં બન્યા હોય તો તે ટાઉન હોલ. યુરોપના બધા દેશમાં જોઈશું તો ટાઉન મોટું હોય કે નાનું હોય, પરંતુ તેમાં ટાઉન સ્ક્વેર (ગામનો ચોક) અને એક ટાઉન હોલ જોવા મળશે. આ ટાઉન હોલમાં ગામની બધી જ સામૂહિક પ્રવૃત્તિ થતી હોય છે. તેમાં નાટકો, સંગીતના સાંસ્કૃિતક કાર્યક્રમો પણ થાય. અને સામાજિક મિટીંગો પણ થાય. હા, તેઓ પણ ચર્ચ બનાવે છે. પરંતુ તેની પહેલી જરૂરિયાત નથી ગણાતી.

૧૯૮૦ પછી તો ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીમાં બીજા બે રામ મંદિર થયાં. કોઈ માને ના પણ એક પટેલે અને એક બામણે મળીને એક ચર્ચનું જૂનું બિલ્ડીંગ ન્યૂ જર્સીમાં ખરીદી લીધું અને પહેલું ખાનગી મંદિર ચાલુ કર્યું. ફક્ત કમાણીના સાધન માટે જ. લોકો ગ્રોસરીની કે દૂધની દુકાન કાઢે તેમ આ લોકોએ ખાનગી મંદિર કાઢ્યું "ઓનલી ઈન અમેરિકા" − આવું ફક્ત અમેરિકામાં જ બને અને તે પણ ગુજરાતી જ કરે. અને એ લોકોએ એ મંદિર સામાજિક પ્રસંગોએ લોકોને ભાડે આપવા માંડ્યું. અને મંદિરનો બિઝનેસ ચાલુ કર્યો. આવા તો ઘણાં મંદિરો ચાલુ થયાં. આજે ન્યૂ યોર્ક ,ન્યૂ જર્સીમાં બધાં ભગવાનો અને માતાઓ વસ્યાં છે.

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

August 30th, 2014  

E mail- [email protected]

4 Pleasant Drive, Yardville NJ 08620 USA

Category :- Opinion Online / Opinion

'બ્લૂ' આ શબ્દ પડઘાય એટલે કેટલાંકના મનમાં આકાશ ફરી વળે અને કોઈના મનમાં જીન્સ! જેના મનમાં બ્લૂ રંગ સાથે જીન્સની કલ્પના આવે એ નક્કી કોઈ જુવાનિયો કે જુવાનડી હોવાનાં. જગતમાં જીન્સ એકમાત્ર એવી ચીજ હશે જે ફેશનજગતમાંથી ક્યારે ય આઉટ ઓફ ડેટ થતી નથી. ઢગલાબંધ ચીજો ફેશનના ફુલેકે ચઢીને પરવારી ગઈ પણ જીન્સ હજી ય બચ્ચનની જેમ અણનમ છે. જીન્સ જેમ જેમ જૂનું થતું જાય છે એમ એમ જવાન થતું જાય છે. જીન્સને કોઈ ઉંમર હોતી નથી, એટલે જ ઝભ્ભો-લેંઘો પહેરનારા જીન્સ પહેરે ત્યારે થોડા જવાન લાગે છે. ઘેર ઘેર માટીના ચૂલાની જેમ જીન્સ પણ હવે ઘેર ઘેર પહોંચી ગયાં છે.

૯૦ના દાયકામાં ચેનલો પર મ્યુિઝક વીડિયોની બહાર ઊઘડી હતી. દર બીજે દિવસે કોઈ ને કોઈ મ્યુિઝક આલબમ બહાર પડતાં હતાં. તમને કદાચ યાદ હોય તો એમાં પાકિસ્તાની ગાયક અલી હૈદરનું સોંગ 'પુરાની જીન્સ ઔર ગિટાર ..' જબરું હિટ ગયું હતું. લગભગ યુવાહૈયાની એન્થમ બની ગયું હતું. જીન્સની ખરી મજા હોસ્ટેલલાઇફ જીવનારા દોસ્તોને ખબર હોય છે. એક રૂમમાં ચાર દોસ્તો રહેતા હોય અને એક જીન્સ ચારે ય જણા પહેરતાં હોય. એ ચારેય દોસ્તો 'એક જીન્સિયા યાર' કહેવાય.

આમ તો મજૂરો માટે જ બનેલું જીન્સ જ્યારે ફેશન સ્ટેટમેન્ટ બની ગયું ત્યારે એ અમીરોનો ઇજારો બની ગયું હતું. જીન્સના દામ એટલા મોંઘા હતા કે આમ આદમી માટે જીન્સ ખરીદવું એ સપનું હતું. ત્યાર પછી ૮૦ના દાયકામાં થયેલી જીન્સક્રાન્તિના પ્રતાપે એના ભાવ આમ આદમીને પરવડે એવા થયા હતા. એ પછી કોમનમેન જીન્સવાળો કોટનમેન થયો. અલબત્ત, આજે પણ ખિસ્સાના ગાભા કાઢી નાખે એવા મસમોંઘા જીન્સ મળે જ છે, સાથોસાથ ખિસ્સાને ગમે એવા બ્રાન્ડેડ જીન્સ પણ મળે છે. ટૂંકમાં જીન્સ આજે સમાજમાં અમીર-ગરીબના વર્ગભેદ મિટાવતું વસ્ત્ર છે.

સમાજમાં કેટલીક વહુઓ સાસુ સામે બંડ પોકારવા ખાસ જીન્સ પહેરે છે. વહુને સાસુ સાથે ન બનતું હોય અને ખબર પડે કે સાસુનો આગ્રહ છે કે વહુએ જીન્સ ન પહેરવાં અને માત્ર સાડીમાં જ મહાલવું. આ નિયમ કમને નભાવી લેતી વહુઓ સાસુ સાથે વાંકું પડે ત્યારે ક્યારેક જીન્સ-ટી-શર્ટ પહેરીને પોતાનો ઝાંસીની રાણી બ્રાન્ડ મૂડ બતાવે છે.

સ્ત્રી અને પુરુષને તેમના ભેદ મિટાવીને માત્ર 'વ્યક્તિ'ની ફ્રેમમાં એકસરખાં બેસાડી દેવાનું કામ બાહ્યરૂપે જીન્સે કર્યું છે. તેથી સમાજમાં આજે સ્ત્રીને સ્ત્રી તરીકે કે પુરુષને પુરુષ તરીકે ન જોતાં માત્ર 'વ્યક્તિ'ની નજરે જોવાનો જે સમાન દૃષ્ટિકોણ વિકસ્યો છે એમાં જીન્સની પણ પાયારૂપ ભૂમિકા છે. જીન્સ વિશેના આવા પ્રસંગો લખવા બેસીએ તો તાકા ભરાય.

હવે થોડા અલગ ટ્રેક પર ...

સુરમઈ અખિયોં મેં ...., કા કરું સજની આયે ના બાલમ .., ગોરી તેરા ગાંવ બડા પ્યારા ... દક્ષિણના ગાયક યસુદાસનાં ગીતો સાંભળીએ એટલે કાનમાં જાણે મધ ઘોળાય. જો કે, યસુદાસે હમણાં જીન્સ પહેરવાના મામલે જે સ્ટેટમેન્ટ આપ્યું એનાથી તો કાનમાં ઝેર ઘોળાય. યસુદાસે કહ્યું હતું કે, "મહિલાઓએ જીન્સ પહેરીને અન્ય લોકો માટે સમસ્યારૂપ ન બનવું જોઈએ. જીન્સ જેવા પોષાક સામે આપણી સંસ્કૃિતનો વિરોધ રહ્યો છે. આપણી સંસ્કૃિતમાં સાદગી અને સૌમ્યતા મહિલાઓનો મહત્ત્વપૂર્ણ ગુણ છે એવું કહેવામાં આવ્યું છે."

યસુદાસ તમે તો ભારે કરી !

જીન્સ જેટલાં ફેશનમાં બારમાસી છે એટલાં જ ચર્ચા અને વિવાદમાં પણ બારમાસી છે. જીન્સને લઈને હંમેશાં ટીકા-ટિપ્પણી થતાં રહે છે. જીન્સને મુદ્દે વર્ષે બે-ચાર ઘટનાઓ કે વિવાદાસ્પદ નિવેદનો ર્સુિખયોમાં ચમકતાં જ રહે છે. આ વખતે યસુદાસે એને હવા આપી. આ ઓગસ્ટમાં ઉત્તર પ્રદેશની એક ગ્રામપંચાયતે ગામની યુવતીઓને જીન્સ પહેરવા પર પાબંદી મૂકી હતી. પંચાયતનો દાવો હતો કે જીન્સ જેવાં આપત્તિજનક કપડાં પહેરવાથી છેડતીના બનાવ વધે છે.

લખનૌ નજીકના બાગપત જિલ્લાના ધિકોલી ગામમાં તો વળી અજબનો કિસ્સો જોવા મળ્યો હતો. ત્યાંના ભારતીય કિસાન મોર્ચાએ એવો ફતવો જાહેર થયો હતો કે ગામમાં જો જાટ સમાજની યુવતી જીન્સ પહેરેલી જોવા મળશે તો ગામના સરપંચ પાસેથી વીસ હજાર રૂપિયા વસૂલવામાં આવશે. થયું એવું કે મોરચાએ પોતે અગાઉ યુવતીઓ જીન્સ ન પહેરે એ માટે હાકલ કરી હતી, પણ યુવતીઓએ હાકલ ગણકારી જ નહોતી, તેથી મોરચાએ સરપંચને માથે જવાબદારી ઝીંકી દીધી હતી.

ખાપ પંચાયતોને તો જીન્સ સાથે બાપે માર્યાં વેર છે. મુઝફ્ફરનગરની બત્રીસા ખાપ પંચાયતે ત્રણ વર્ષ અગાઉ ગામમાં યુવતીઓ પર જીન્સનો પ્રતિબંધ મૂક્યો હતો. કારણ દર્શાવતાં કહ્યું હતું કે યુવતીઓ જીન્સ પહેરે છે એને લીધે યુવકોના મન વિચલિત થાય છે. ખાપ પંચાયતે તો એવી એક સ્ક્વોડ પણ બનાવી હતી કે જે ગામમાં બાજનજર રાખે કે કોઈ કન્યા જીન્સ પહેરીને નીકળી તો નથી ને. મુઝફ્ફરનગરના જ દુધાહેડી ગામમાં તો જીન્સની હોળી પણ કરવામાં આવી હતી.

આવા સમાચારો વાંચીને હસવું આવે કે આપણે કેવા ભારતમાં જીવી રહ્યા છીએ? જીન્સનો પ્રતિબંધ અને એ પણ પાછો યુવતીઓ માટે જ. આવા ફતવા જાહેર કરનારાઓ હજી પણ પરંપરાયુગમાં જ જીવે છે અને અન્ય લોકોને પણ એમાં એ રીતે જ જીવવા ફરમાન કરે છે. જીન્સના વાંધાવિરોધથી તેમની માનસિકતા છતી થાય છે. આવા લોકોનું એક ટિપિકલ બહાનું હોય છે કે જીન્સને લીધે ભારતીય સંસ્કૃિત જોખમાય છે.

અરે ભાઈ ! ભારતીય સંસ્કૃિત કાંઈ લજામણીનાં ફૂલ જેવી છે જે જીન્સ માત્રથી દુભાઈ જાય? જીન્સથી છોકરાઓનાં મન વિચલિત થતાં હોય તો મંદિરોમાં કંડારાયેલી અપ્સરાઓની મૂર્તિઓ તો વધારે લલચાવનારી હોય છે. આપણાં સાંસ્કૃિતક મંદિરોમાં અપ્સરાની એકેય મૂર્તિ તમને એવી નહીં જડે જેણે નખશિખ કપડાં પહેર્યાં હોય. તમે બુરખા જડેલી અપ્સરાઓ જોઈ છે? આપણી અપ્સરાઓ શૃંગારરસના અંબારથી રસઝરતી હોય છે અને માંડ સમ ખાવા પૂરતાં કપડાં પહેર્યાં હોય છે, સોરી માત્ર આભૂષણ જ વીંટાળ્યાં હોય છે. એ પણ આપણી સંસ્કૃિત જ છે. વળી, જે યુગપુરુષો કે કલાકારોને લીધે સંસ્કૃિતને ઘાટ મળ્યો છે એ લોકોએ ક્યારે ય કોઈ સાંસ્કૃિતક આધિપત્યના દાવા નોંધાવ્યા નથી ત્યારે પંચાયતો ક્યારથી સંસ્કૃિતની ઠેકેદાર બની ગઈ?

ખાપ પંચાયતોને મૂળે વાંધો અલગ હોય છે. તેમને એમ હોય છે કે યુવતીઓ જીન્સ પહેરે એટલે આઝાદ મિજાજની થઈ ગઈ કહેવાય. જીન્સવાળી કન્યા કાબૂમાં કે મર્યાદામાં નથી એમ તેઓ માને છે. જે તેમના અહમને માફક નથી આવતું. જીન્સ તેમના અહમ્ પર ઘા કરે છે. ફતવો ભલે તેઓ સાંસ્કૃિતક ઠેકેદાર થઈને બહાર પાડે, પણ મૂળે ઘવાતો તેમનો પૌરુષિક ઇગો હોય છે. જે તેમને પંપાળવો હોય છે એના માટે તેઓ સંસ્કૃિતના ખભે બંદૂક મૂકે છે. ખાપ પંચાયતવાળાનો મૂળભૂત ઇરાદો એ હોય છે કે કન્યા કાબૂમાં જ રહેવી જોઈએ અને જીન્સ પંચાયતવાળાઓની એ અહમ્ સંતોષી વ્યવસ્થામાં કેમિકલ લોચો ઊભો કરે છે.

આવાં છૂટક બનાવો કે નિવેદનોને લીધે ન તો જીન્સ પહેરાતાં ઓછાં થયાં છે કે ન તો સંસ્કૃિતને ઊની આંચ આવી છે. જીન્સ પહેરો અને જલસા કરો. બાય ધ વે, તમે છેલ્લે ક્યારે તમારું જીન્સ ધોયું હતું!?

e.mail : [email protected]

ગુજરાત એટલે જીન્સનું ગુરુત્વકેન્દ્ર

ઉદ્યોગ સાહસિકતાને લીધે ગુજરાત કેટલા ય અર્થમાં કેડી કંડારનાર રહ્યું છે. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ માત્ર દોઢેક દાયકામાં નથી થયો કે ન તો કોઈ ચોક્કસ રાજકીય માહોલને કારણે થયો છે. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત હંમેશાં પ્રગતિકારક રહ્યું છે એનું શ્રેય રાજ્યના ઉદ્યોગસાહસિકોને જાય છે. ગુજરાતની દૂધક્રાંતિ તો જાણીતી છે, પણ ગુજરાતની જીન્સક્રાંતિ એટલી નથી જાણીતી. અમદાવાદ, રાજકોટ, અમેરિકા, લંડન, કરાંચી, લાહોર, કોલંબો કે કલકત્તામાં કોઈ સ્ટોરમાંથી તમે ઇન્ટરનેશનલ બ્રાન્ડનું જીન્સ ખરીદશો તો એ જીન્સ પર માર્કો ભલે વિદેશી બ્રાન્ડનો હોય, પણ એનું કાપડ તો અમદાવાદમાં જ તૈયાર થયું હશે. દુનિયાની મોટાભાગની ટોચની બ્રાન્ડ્સથી લઈને દેશમાં જીન્સની વિવિધ પહેરવેશ પ્રોડક્ટ બનાવતી અલગ અલગ કંપની પાસે ડેનિમ અમદાવાદમાંથી જાય છે, તેથી જીન્સનો જે દેશ-વિદેશમાં વ્યાપ છે કે જીન્સ આમ આદમીનો પહેરવેશ બની શક્યું છે. એમાં ગુજરાતનું અને ખાસ કરીને અમદાવાદનું સિંહપ્રદાન છે.

જીન્સ - એક ઇતિહાસિક કવિતા

દઇ પલાંઠી, આંખ મીચીને વાહ વાહ કરતાં
લ્યો ભણોજી જીનિયોલૉજી

પાઠ્યક્રમમાં બ્લૂ જીન્સનો સાર
Pre-requisive માણસનો અવતાર
 
પ્રસ્તાવના એ કે
જન્મ્યા એટલે shrink થવાનાં
Wrinkle ઢગલાબંધ પડવાની
અને અંતમાં fade થવાનું
 
આજ સુધી આખી દુનિયામાં કુલ બનેલાં
સવ્વા ત્રણ અબજ
જીન્સ પહેરતી Texan blondes
કલકત્તાની કામિનીઓ
કાઉબૉયઝ ને કંઇક દેશના પ્રેસિડન્ટો
હિપ્પીઓ ને હીરોલોગ
સોશ્યલાઈટ્સ અને સાક્ષર સારસ્વતો
 
હિસ્ટોરિકલ વાતોમાં લો મિક્સ કરો ભૈ કાવ્યોલૉજી
લ્યો ભણોજી જીનિયોલૉજી
 
જીનનો ઉદ્દભવ ક્યાંથી કેમ અને એની આ વાત
બ્લૂ જીન્સ પણ પશુપ્રાણીઓ માણસ જેવી અન્ય જીન્સની જાત

નિમ્સ નામના નાનકડા એક ફ્રેંચ ગામનું કપડું
કહેવાયું એ fabric de nims
de nimsમાંથી બની ગયું ડેનિમ !
 
ગામલોક પરસેવો પાડી જે પણ ગૂંથે કાંતે વણે
શહેરી લોકો પુસ્તકરૂપે ક્લાસરૂમમાં ભણે
 
ડેનિમ કપડું બદલી નાખતું ભલભલાની સાયકોલૉજી
લ્યો ભણોજી જીનિયોલૉજી
 
દુનિયા આખી જેને એના ફર્સ્ટ નામથી જાણે
કથા એ વીરની તમે સાંભળો હવે પરાણે
 
1829માં
લિવાઇ સ્ટ્રોસનાં જીન જન્મ્યાં ત્યાંથી બોલો શ્રી ૧ા
૧૮૫૩માં
૨૪ વરસે
બાપુ સાનફ્રાંસિસ્કો આવ્યા
સોનાની ખાણોને વેચ્યું
Contestoga wagons અને તંબુઓ માટે
કૅન્વાસનું કપડું
 
Should - a brought pants'
ખાણિયાઓએ કહ્યું,
‘Pants don't wear worth a hoot in the diggins’
ખાણિયાઓએ કહ્યામાં જ ઉમેર્યું.
 
કડકડતું કૅન્વાસ લઈ
દોડયો લિવાઈ દરજીની દુકાને
એમ બન્યું પહેલવહેલું જીન્સ પહેરવાને
ફ્રિસ્કોના એ ખાણગામમાં
'Those pants of Levi'sના
પડી રહ્યા હાકલા
બોલી રહ્યો દેકારો
લિવાઈના નામના થ્યા જયકારો
 
આ કાવ્યમાં નહીં ચાલે કોઇ ફેંકોલૉજી
લ્યો ભણોજી જીનિયોલૉજી
 
જીન માત્ર માણસનાં ગાત્ર
માણસ માત્ર જીનને પાત્ર
 
જન્મી ઉછરી રંગ બદલતાં બની જાય જેમ હૂબહૂ
કોપી ટુ કોપી એમ
માણસની જેમ
જીન જન્મ્યાંતાં brown, પણ બની ગયાં બ્લૂ
 
ક્વૅશ્ચન - બેસ્ચન હોય કાંઈ તો લ્યો લગાવો પૂછોલૉજી
લ્યો ભણોજી જીનિયોલૉજી
 
છોકરીઓની જેમ બને છે જીન્સ
અલગ અલગ બસ્સોને ચોવીસ સાઈઝોમાં
છોકરાઓની માફક
ગણીને ડેનિમની છે છવ્વીસ જાત
 
જીન્સ પહેરવામાં છોકરાઓ ટૉપ
છોકરીઓ બધી બેલ-બૉટમ
 
૧૮૫૦માં ઝિપર આવ્યાં
૧૮૭૩માં જીન્સ પર રિવેટ્સ
 
છોકરાઓને એક પૅર ઝિપર-ડાઉન જીન્સથી જ થાય ધરો
છોકરીને enough
એક જીન્સ અને એક જીન્સભેર તોફાની છોકરો 
આ પાઠ અહીં થાય પૂરો
ટૂંક સાર એટલો કે જીન્સ વિના માણસ અધૂરો
 
ઊઠો, કરો ખંખેરોલૉજી
લ્યો ભણી ર્યા જીનિયોલૉજી

(કવિ ચંદ્રકાંત શાહના કાવ્યસંગ્રહ 'બ્લૂ જીન્સ'માંથી સાભાર. પૃ. 09-13. આ આખા કાવ્યસંગ્રહમાં ચંદ્રકાંત શાહે જીન્સ કાવ્યો જ આપ્યાં છે. )

સૌજન્ય : ‘છપ્પનવખારી’ નામક લેખકની કટાર, “સંદેશ”, 15 અૉક્ટોબર 2014

http://www.sandesh.com/article.aspx?newsid=2998654

Category :- Opinion Online / Opinion