OPINION

‘સૉક્રેટિસ’

એસ. ડી. દેસાઈ
18-10-2014

સૉક્રેટિસ અને દર્શક, બંને સાદ્યંત ’કશુંક ભાળી ગયેલો માણસ - સૉક્રેટિસ, નાટકના કેન્દ્રમાં રહે છે. કેટલીક ખૂબીઓને કારણે નાટક સતત ગ્રીક રહે છે. સમગ્ર સમાજ અને રાજ્યવહીવટને અંગે હૃદય પ્રમાણિત ઉક્તિઓ વડે નાટક એના નાયકના અસ્તિત્વને ચોવીસ સો વર્ષ વીતવા છતાં ઉચ્ચ બૌદ્ધિક સ્તરે સાંપ્રત બને છે અને સાંપ્રતને પણ બાજુમાં હડસેલી દઈ સદાકાળનું રહે છે. પ્રતિભાસંપન્ન સર્જકોના જીવનમર્મને પ્રગટ કરતી, નાટક સહિતની, કલાકૃતિઓ ઍથેન્સની ભૂમિ જીવનથી અભિન્ન ગણી સ્વીકારતી. ’સૉક્રેટિસ’ જેવાં સત્ત્વશીલ સર્જનોનું સાતત્ય રહે, તો આજે આપણા સ્થાનિક સમાજની સાંસ્કૃિતક છબિનું પણ સંવર્ધન થતું રહે.

ઉત્કૃષ્ટ કાવ્ય કે નાટકનો શબ્દ મૌન માટે મોકળાશ છોડતો ચાલે. તેમ કબીરના નાટ્યસંનિવેશન ભાગરૂપે સ્તંભ, રાજમુદ્રા તથા ઘુવડ જેવાં પ્રતીકાત્મક ચિહ્નો અને દીવાલ પર છતથી ફરસ સુધી ઝૂલતા મુલાયમ પડદા, જગા રોક્યા વિના, સમૃદ્ધ પ્રાચીન ગ્રીક વાતાવરણ ઊભું કરે અને વચ્ચે અભિનયકક્ષમાં પાત્રસ્થિતિ તથા ગતિ માટેના ચડાવ-ઉતાર અને બે-ત્રણ કે પાંચ-સાત પાત્રો વચ્ચે ચાલતી રહેતી વૈચારિક સ્તરે નાટ્યાત્મક આંતરક્રિયા માટે જગાની મોકળાશ છોડે. વિપુલતામાંથી અનાવશ્યકને છોડીને ધાર્યું તાકવાની કલા. અગાઉ, ’અગ્નિકન્યા’માં તેણે વેદીના અગ્નિની ઝાંય અને મધુબનીનાં પ્રતીકો પ્રયોજેલાં.

પ્રેક્ષકો માટે અને જે-તે પાત્રમાં અનાયાસ પ્રવેશ કરી અભિનેતા તેની ભૂમિકા અનુભવે એ માટે પ્રશિષ્ટ ગ્રીક માહોલ પેદા કરવામાં મહત્ત્વનું પ્રદાન તાજેતરમાં જ નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં તાલીમ લઈ સમૃદ્ધ થયેલી - પોતે પાછી પારિતોષિકોથી સ્વીકૃતિ પામેલી અભિનેત્રી, નૃત્યાંગના અને (પિતાના અંશો સાથે) કલાકાર-અર્પિતા ધગતે આપ્યું છે. રંગ-સંયોજન, વિવિધતા અને ઔચિત્ય ધ્યાનમાં રાખીને પાત્રોને વેશભૂષા પણ આપી જાણી છે. જાણે સંશોધનદૃષ્ટિ સાથે કલ્પનાની પાંખે તત્કાલીન ગ્રીસની મુલાકાતે જઈ આવેલી!

આ બે અને વળી સંગીત (નીતિશ, ચિન્મય) તથા પ્રકાશ (કબીર, મૌલિક, નિસર્ગ) આયોજકોના સાથ વિના ઠંડું સામર્થ્ય ધરાવતા, મિતાક્ષરી અને સંનિષ્ઠ નાટ્ય-દિગ્દર્શક રાજુ બારોટ માટે પ્રેક્ષકોને સતત અજાયબી આપતા રહેતા, તંદુરસ્ત સમાજની ચિંતાનું સમથળ પ્રવાહે વહન કરતા અઢી કલાકના આ વિશાળકાય નાટકને મનોભૂમિ પરથી રંગમંચ પર નિપજાવવું કપરું બને. રાજુના સતત સાવધાનીભર્યા કલાસ્પર્શ સાથે સતત  જીવનપ્રવાહની જેમ આગળ વધતા નાટકનું ત્રીજું પ્રભાવક બળ એનું કોરસ છે, જેના વિના ગ્રીક નાટકની ઓળખ ઊભી ન થાય. ત્રણ આકર્ષક સંયોજનોમાં આખા રંગમંચ પર પથરાઈ જઈ, આછા અંધકારને ઓઢીને, એકચિત્ત પ્રેક્ષકોની કલ્પનાને ઉત્તેજિત કરતા રહી, બુલંદ સ્વરે એકી અવાજે ગાતાં સૌ (’તરજે થેટર’ના સંગે સૌ ગાઈ શકે!) નાટકની રોમહર્ષક પળોમાંની કેટલીકનું સર્જન કરે છે. કોરસો લખ્યાં ચિરાગે, ગવડાવ્યાં સુરીલકંઠી દિગ્દર્શકે.

જે ગુજરાતી શબ્દ દ્વારા નાટક એના નાયક અને વિચાર સાથે પ્રેક્ષકોને પહોંચે છે, તેનો મૂળ યશ તો વિરલ ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળી ’દર્શક’ને જાય, પરંતુ પૂરી સમજ સાથે, નાટકમાં મહેમાનોને અપાતા આસવની જેમ નવલકથામાંથી આસવી અને કાલવીને તેને નાટ્યદેહ આપ્યો છે નાહક ક્ષેત્રસંન્યાસ ધારણ કરી બેઠેલા ગુજરાતી રંગભૂમિના અગ્રગણ્ય આધુનિક નાટ્ય દિગ્દર્શક ભરત દવેએ. વીસેક વર્ષ પહેલાં પરિષદ પર આ નાટક પર એમણે વિશાળ વર્તુળમાં અભિનેતાઓને બેસાડીને વાચનનો આશાસ્પદ પ્રારંભ કર્યાનું સ્મરણ છે.

આ નાટક જોતાં-જોતાં સૉક્રેટિસના સાર્વત્રિક સ્વીકારપાત્ર, સચ્ચાઈથી રણકતાં ઉચ્ચારણો ઝીલીને સમગ્ર બ્રહ્માંડની રચનામાં રજકણ સમાન મનુષ્યજીવનની આભ ઊંચી ઉદાત્તતાનો ઇન્દ્રિયાતીત અનુભવ મળે છે, તે ગમે છે, સૌને ગમે છે. શબ્દ જીવનદર્શનને લઈને ચાલે ત્યારે સાહિત્ય બને અને રંગમંચ પરથી અભિનેતા એ શબ્દને એની અર્થપૂર્ણતા સાચવી રાખીને સામાન્ય પ્રેક્ષકને પહોંચાડે અને તેને અંદરથી હલબલાવી જાય, ત્યારે કલાત્મક નાટ્યઘટના બનતી હોવાનો રોમાંચક અહેસાસ થાય છે.

સામૂહિક અહંકાર અને સમાજ કોઈ એક વ્યક્તિ અથવા વિચારને સર્વોત્કૃષ્ટ માનીને ચાલતો થાય, તે સામે સૉક્રેટિસ લાલબત્તી ધરે છે. કહે છે, શેરીઓ વાળવાવાળા નીકળે તે પહેલાં તે ’લોકોના મનમાં ભરાયેલો કચરો વાળી નાંખવા’ નીકળી પડે છે. શું અજ્ઞ કે શું તજ્જ્ઞ, બધાના મનમાં ગૂંચવાડો. પ્રશ્નો કરીકરીને એ ગૂંચવાડો દૂર કરવાની સૉક્રેટિસને હઠ. આગળ જતાં તેજસ્વી છોકરી મીડિયાને તે સમજાવવાનો છે કે લોકશાહી ભોગવતા રહીને પણ લોકો દાસ હોય છે. સ્વાધીનતા ’બહારના અંકુશો જવાથી’ નહીં, ’સ્વયંશાસિત’ બનવાથી આવે છે.

સૉક્રેટિસને ઍથેન્સ વહાલું, કારણ કે તેમાં વિચાર અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય. જે પ્રજા વિચાર કરવા માત્રથી ડરે તે બહાદુર શાની? સમાજને સુદૃઢ અને સશક્ત બનાવનાર તો અદૃશ્યમાન આંતરિક તાકાત. સંસ્કારિતા (culture) અને સંસ્કૃિત (civilization) વચ્ચેનો ભેદ જાણનાર દર્શકનો સોક્રેટિસ હરીફ નગર સ્પાર્ટાના બાહ્ય ઝાકઝમાળ અને લશ્કરી દમામથી અંજાતો નથી. તે ક્રિશ્યસને સમજાવે છે કે સ્પાર્ટાનો વિનાશ થાય તો ’આકારપ્રકાર વિનાની ઈંટોનો ઢેર’ રહે.

આ બધી કથની પોથીમાં જ રહે, જો તે પ્રેક્ષકના કાનમાં પ્રતીતિની ઘંટડી ન વગાડે. ત્રીસ વર્ષ પહેલાં વહેતા મધુર અવાજથી મૃણાલની સાથે પ્રેક્ષકો પર પણ મુંજાલના પાત્રમાં મુનશીના શબ્દોથી કામણ કરનાર પ્રવીણ હીરપરા અહીં એક જ ડગલામાં ફરતા રહેતા શ્વેત દાઢીધારી મહાપુરુષ સૉક્રેટિસની ભૂમિકામાં છે. અવાજના ધ્વનિપ્રવાહમાં ગંભીર અર્થધ્વનિને આરોહ-અવરોહમાં ઓગાળી - સૉક્રેટિસ પેલી નાનકી જિજ્ઞાસુ મીડિયાને હેતે શબ્દોથી રમાડે છે તેમ - લાડથી કંપન સાથે મૂકી દેવાની આ અભિનેતા પાસે આવડત છે. માપસરની પદગતિ ખરી, હાથની સૂચક મુદ્રા પણ ખરી, પરંતુ મુંજાલ તરીકે કારાગારમાં પણ મોહક રાજવી અંગછટા દાખવવાનો અવકાશ હતો, એવો અહીં એને નથી અને મુખાભિનય તો દાઢી હેઠળ ઢંકાયેલો રહે છે!

પાશ્ચાત્ય સંગીતના  વિપરીત ધ્વનિવિન્યાસ (counterpoint)ની જેમ નાટકમાં, ઊલટા પ્રકારે, સૉક્રેટિસની વિનીત પદાવલિઓ વચ્ચે વખતોવખત દીપ્તિ જોશી અભિનીત પત્ની ઝેન્થપીની વિસંવાદી કટુ કટાક્ષવાણી સમજભર્યા સંયમથી પ્રગટે છે. અહીં પણ તારસપ્તકનો સ્વરારોહ-અવરોહ છે, સામાન્ય રીતે કાને હાથ મુકાવતો અનર્ગળ કર્કશ કકળાટ નથી. પાત્ર પણ સમતોલ. એક બાજુ, ’ક્યાં ગયો ...?  વાતો કરતો ઊભો હશે ચોકમાં ...’ તો બીજી બાજુ ‘એનામાં કંઈક જાદુ તો છે ...’.  એક બાજુ, ’રોજી એક મજૂર જેટલી ય નહીં ને મિજાજ જુઓ તો મોટા નવાબનો!’ અને બીજી બાજુ  ’... તમે મારા ભલાભોળા ઘરવાળાનું સત્યાનાશ વાળ્યું છે.’ હૈયાના હેત અને હૈયાવરાળનો સમન્વય!

આછા રતુંબડા પ્રકાશમાં રંગમચ પછીતે મધ્યમાં ઊભી રહી જે મોટા ધાતુપાત્રમાંથી નાનાં પાત્રોમાં આસવ કાઢીને સૉક્રેટિસ વગેરે મહેમાનોને સત્કારે છે, તે અર્ન(urn)ના જેવી ઊંચાઈ વૈભવી ભટ્ટની એસ્પેશ્યાની છે. જેવું એનું નીતરતું લાવણ્ય, તેવી જ એની ઊંચી બુદ્ધિમત્તા. મેધાવી અને વાક્ચતુર. ઊંચા દરજ્જાની એ કલાવંતીને થાનક યુરિપિડીઝ આવે, સૉક્રેટિસ પણ આવે. હરમ્મીપસ જેવાનાં તો નાટકો તેણે મઠારી પણ આપેલાં. બચાવમાં તે અદાલતમાં કહે છે કે તે ગૃહનારીઓને પુરુષોનું રંજન કરવાની કળા શીખવે છે, તેથી ’પુરુષો કલાવંતીઓ પાસે જાય નહીં.’ એસ્પેશ્યાના સર્વ ગુણો ચરિતાર્થ કરી વૈભવી ગરિમા સાથે પાત્ર પ્રગટાવે છે.

બહુવિધ જવાબદારીઓ સાથે રાજુ બારોટ નખશિખ પ્રામાણિક અડગ ઍથેન્સપ્રેમી પેરિક્લિસ છે. શ્વેત વસ્ત્રમાં સજ્જ, નાની વયે પ્રથમ રંગમંચ પ્રવેશે વીજ સરીખી દર્શકની મૌલિક મીડિયા તરીકે તારિકા ધ્યાન ખેંચે છે. આભિજાત્યનું તેજ ધરાવતા, સૉક્રેટિસના બાલમિત્ર ક્રિટો તરીકે ચિંતન નોખો ઊપસી આવે છે. સૉક્રેટિસની રાહે ચાલતો અપૉલડૉરસ (વૈશાખ) છે, રાજકારણના આટાપાટા ખેલતા વ્યવહારદક્ષ એનેટસ (નિસર્ગ) અને ક્લિયોન (હેમંત) છે, સ્પાર્ટાનો રાજા એજિસ (ધ્રુવ) છે, ખંધો આમતેમ ડોલતો સામાન્યજન મેનો છે. માત્ર પ્રવેશ કે નિષ્ઠાનો ચેપ વહોરી નેપથ્યે કામ કરનારાં કુહૂ જેવાં અનેક છે. એનએસડીનું હોય એવા પ્રેક્ષણીય નાટ્યપ્રયોગમાં સૌ પોતપોતાના સ્થાને આત્મવિશ્વાસ સાથે મજબૂત.

નાટકનું દીર્ઘ શીર્ષક થોડું ઉન્નતભ્રૂ અને તેનાં પાત્રો તથા ઘટનાઓ અપરિચિત ખરાં. નજરે પડતી ઘટનાઓને બદલે નાટકના કેન્દ્રમાં રહેલા ઐતિહાસિક મહાનાયક તથા સમગ્ર મુક્ત સમાજની ભીતર નિરંતર ચાલતા તુમુલ સંઘર્ષનું લયબદ્ધતા ન ગુમાવતું નાટક. ઇતિહાસ પર નજર ફેરવો. ચાહે તે સમય કે સ્થળ પસંદ કરો.  જીવનની પાયાની કરુણતા એ રહી છે કે તેમાં, બહુમતી ધરાવતાં ટોળાંઓના વર્ચસ્વ વચ્ચે, સમાજનું હિત હૈયે રાખી કામ કરતા સંપ્રજ્ઞનું ભૌતિક જીવન કરુણાન્ત રહ્યું છે. પ્રમિથ્યસનો તેજોમય અંશ ધરાવતો એનો વિચારઅગ્નિ જો કે બૂઝતો નથી. તંદુરસ્ત રંગભૂમિ તંદુરસ્ત સમાજની ઓળખ છે. કળા, સાહિત્ય અને શિક્ષણસંસ્થાઓ આ અને આ પ્રકારનાં નાટકોને પ્રોત્સાહિત કરવાની પહેલ કરે.                  

e.mail : [email protected]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2014, પૃ. 16-17

Category :- Opinion Online / Opinion

રોટલાની મંડાઈ, મોકાણ

ચંદુ મહેરિયા
18-10-2014

વર્ષ હતું ૧૯૮૪નું. અમારા ઘરના અનિવાર્ય સભ્ય એવા મિત્ર મહેશ પરમારને બૅંકમાં નોકરી મળી હતી. મહેસાણા જિલ્લાના એક નગરમાં એમનું પોસ્ટિંગ એટલે રોજ ટ્રેનથી અપડાઉન કરવાનું. પહેલા-બીજા દિવસે જ ખબર પડી કે એમના બૅંક મૅનેજર શાહસાહેબ પણ અમદાવાદથી ટ્રેનમાં જ અપડાઉન કરે છે, એટલે પછી તો રોજનો સંગાથ થયો. ટ્રેનમાં અપડાઉન કરનારાની નિરાળી દુનિયામાં મહેશભાઈ ધીમે - ધીમે ગોઠવાઈ રહ્યા હતા. પંદરેક દિવસ બાદ ટ્રેનમાં સાંજના પાછા વળતા શાહસાહેબે નાસ્તાનો ડબ્બો મહેશભાઈ સામે ધર્યો. એક ટુકડો ભાંગ્યો ને મહેશભાઈથી સહસા બોલી જવાયું : “સર, તમારા વાઇફ આટલી પાતળી રોટલી બનાવે છે?” મહેશભાઈની આ વાત સાંભળતાં ત્યાં બેઠેલાં-ઊભેલાં સૌ હસી પડ્યાં. શાહસાહેબે ફોડ પાડ્યો : “પરમાર આ રોટલી નથી, ખાખરા છે!”

રોજની જેમ રાત્રે જમીને મહેશભાઈ અમારા ઘરે આવ્યા અને ખાખરાવાળી વાત કરી. અમે સૌ પણ એ નવીન ખાદ્યપદાર્થ અંગે આશ્ચર્યચકિત હતા. આજે તો મહેશભાઈ બૅંક મૅનેજર છે અને પોતાના પૈસે મોંઘીદાટ હોટલોમાં લંચ કે ડિનર લઈ શકે છે પણ નરેન્દ્ર મોદી, જેને ગુજરાત ગૌરવ ગણે છે, તે ખાખરા વીસમી સદીના નવમા દાયકે અમદાવાદના રાજપુર વિસ્તારની દલિતોની ચાલી માટે અજનબી હતા! આજે પણ મારી ચાલીમાં બે-પાંચ ઘર જરૂર એવાં મળી આવશે કે જેમણે ખાખરા જોયા નહીં હોય અને પાંચપંદર ઘર એવાં પણ મળશે કે જેમણે ખાખરા ચાખ્યા નહીં હોય!

મારા બાળપણના અને કિશોરાવસ્થાના એ દિવસો અનાજના એક-એક દાણા માટે ભારે તલસાટના હતા. ‘બા’ (બાપાને અમે ‘બા’ કહેતા) અમદાવાદની મિલમાં મજૂરી કરે. એમના એકના પગારમાં પાંચ ભાઈ અને બે બહેનોનું વસ્તારી કુટુંબ નિભાવવું એ ભારે કપરું કામ હતું.

એ દિવસો અનાજની ભારે અછતના હતા. પીએલ ૪૮૦ના લાલ ઘઉંના રોટલા પણ સાહ્યબી હતી. અનાજની ત્યારે માપબંધી હતી. સસ્તા અનાજની દુકાને દિવસોના ધક્કા પછી થોડુંક અનાજ મળતું. બાજરી અને જુવારના રોટલા, કણકી અને જાડા ચોખાથી પેટનો ખાડો પૂરવો પડતો. મા સવારસવારમાં ભૂંસાની સગડી પર કલાડીમાં રોટલા બનાવે. અમને સૌ ભાંડુરાને એક-એક રોટલો આપી દેતી. અમે સૌ અમારાં ભાગનો રોટલો-શાક ખાઈ લેતાં અને વધેલો રોટલો ગોદડીઓ મૂકવાના ડામચિયાની પોતપોતાની ગોદડીમાં સંતાડી દેતા. ગંધાતી ગોદડી, ગંધાતો ડામચિયો અને એમાં સંતાડેલો ચોથિયું રોટલો, એ જ અમારી રોટલા- બૅંક. આજે આ યાદ કરતાં પણ સૂગ ચઢે છે. પણ એમ જ ડામચિયાના સેઇફ વૉલ્ટમાં સંતાડેલો-સાચવેલો રોટલો ખાતાં-ખાતાં બાળપણ વીત્યું છે.

ચાલીમાં થોડીક સ્ત્રીઓ અને મોટા ભાગના પુરુષો મિલમાં મજૂરી કરે. ત્રણ પાળીમાં મિલો ધમધમે. મિલના ભૂંગળે જીવન ધબકે. ‘બા’ને કાયમ સવારની પાળી. સવારના ૭થી સાંજના ૩-૩૦ સુધી એ કામે જાય. બપોરે ૧૧થી ૧૧-૩૦ની ખાવાની છુટ્ટી. એટલે નવ-સાડા નવે ‘બા’નું ટિફિન બની જાય. અમે બધા ભાઈઓ અનુકૂળતા પ્રમાણે મિલમાં ટિફિન આપવા જતાં. મારી નિશાળ બપોરની એટલે રોજ રાજપુરથી રખિયાલ ચાલતાં-ચાલતાં બાનું ટિફિન આપવા જતો. સવારે દસેક વાગે મિલનો ઝાંપો ખૂલે. બા તો એમના કામમાં હોય, એટલે જમવાની છાપરીમાં ટિફિન મૂકી દેવાનું. ક્યારેક ‘બા’ મળી જાય, તો મિલની કૅન્ટીનમાંથી પાંચ પૈસાની પૂરી લઈ આપતા. હું રોજ આ માટે ‘બા’ની રાહ જોતો. મિલમાં દલિતો-બિનદલિતો સાથે વૈતરું કરતાં પણ એમની જમવાની જગ્યાઓ નોખી-નોખી હતી. પછી મોટપણે સમજાયું હતું કે અમદાવાદની મિલોના મજૂરોમાં પેલી કાર્લમાર્ક્સવાળી મજદૂર એકતા કેમ નથી. ડૉ. આંબેડકર સાચું જ કહે છે કે જાતિપ્રથા શ્રમનું નહીં, શ્રમિકોનું વિભાજન છે.

મિલ અને રોટલા સાથે જોડાયેલું એક બીજું સાંભરણ પણ ક્યારે ય મનમાંથી ખસતું નથી. આજે સરકારી નોકરીના કારણે રોજ સાંજે ચારેક વાગે ચા પીવા જવાની મને ટેવ. પણ ઘણીવાર આ સમયે બાળપણની સ્મૃિતઓમાં ખોવાઈ જવાય છે અને મન અજંપ થઈ જાય છે, ચાનો ટેસ્ટ બગડી જાય છે. વાત જાણે એમ છે કે રોજ સાંજે સાડા ત્રણે ‘બા’ની મિલ છૂટે. ચાલતાં-ચાલતાં એ ઘરે આવે, ત્યારે ચાર-સવા ચાર વાગી રહે. આ સમયે અમે ઘેર હોઈએ, એ બધા ભાઈઓ બાપાની વાટ જોતા રાજપુર પોસ્ટઑફિસના ચકલે ઊભા રહી જઈએ. અને જેવા ‘બા’ ટોપી મિલે આવતા દેખાય કે એમની સામે દોટ મૂકીએ. એ દોટ બાને મળવાની, એમને વળગી પડવાની ખુશીની દોટ ન હોય. પણ એમના હાથમાં રહેલું ટિફિન કયો ભાઈ ખૂંચવી લે છે એની હોય. ‘બા’ ટિફિનમાં રોજ ચોથિયું રોટલો પાછો લાવે એ ખાવા મળે, એટલે રોજ મિલમાંથી એમના આવવાની રાહ જોવાની અને એ દેખાય કે તુરત સામે દોટ લગાવવાની!

એ વખતે શાળાઓમાં હજુ બાળકો જોગ બપોરાંની સરકારી યોજના અમલી નહોતી. હા, સ્કૂલ શરૂ થવાના ટાઇમે એકાદ પ્યાલો દૂધ જરૂર મળતું. મારી મ્યુિનસિપાલિટીની પ્રાઇમરી સ્કૂલ ઘરથી માંડ સો-બસો ડગલાં દૂર. વળી, એ દિવસોમાં આજના જેવાં દફ્તરો, લંચબૉક્સ અને વૉટરબૅગની ફૅશન પણ નહીં. એટલે રિસેસમાં ઘરે આવી જેવીતેવી ચા પીવાની, ડામચિયામાં સંતાડેલો રોટલો ખાવાનો અને પાછાપગલે સ્કૂલની વાટ પકડવાની. દૂરની ચાલીઓમાંથી આવતાં થોડાંક બાળકો સ્કૂલના ચોગાનમાં, બારીની બખોલમાં કે કલાસરૂમમાં બેસીને ઘરેથી લાવેલો કે સ્કૂલ બહાર ઊભેલી લારીમાંથી લીધેલો નાસ્તો ખાતાં. હું ભણવામાં પહેલા ધોરણથી જ બહુ હોંશિયાર, એટલે શિક્ષકો કદી મને એમનું કોઈ કામ ન ચીંધે પણ શિક્ષકોનો નાસ્તો લેવા જતા - ખાસ કરીને ગરમાગરમ ભજિયાં લેવા જતા અને એમાંથી એક બે કાઢી ખાતાં - સહાધ્યાયીઓની મને ઈર્ષ્યા આવતી અને એમની કાઢી ખાધેલાં ભજિયાંની વાતો સાંભળી મોમાં પાણી છૂટતું.

આજે તો રોગનું ઘર બની ગયેલા શરીરને સાચવવા જાતભાતની પરેજીઓ પાળવી પડે છે. એમાં તળેલું ખાવાની તો સખત મનાઈ. પણ બાળપણ-કિશોરાવસ્થાના એ દિવસોમાં તળેલું ખાવાની કેવી ચટપટી રહેતી! નાની વાટકી કે ટોયલીમાં એ વખતે તેલ લવાતું. જેઠીબાઈની ચાલીમાં નારણ શેઠની કરિયાણાની દુકાન. બપોરે શેઠ આરામ ફરમાવતા હોય, ત્યારે નોકર દુકાન સંભાળે. એ નોકર જરી નમતું જોખે, એટલે તેલ લેવા બપોરે જ જવાનું. એ દિવસોમાં પૂરી ખાવા માત્ર ને માત્ર શીતળાસાતમે મળે. નાગપાંચમની બપોરથી રાંધણછઠ્ઠની સાંજ સુધી સસ્તા અનાજની દુકાને લાઇનમાં ટિપાવાનું. જો સોયાબીન-પામોલીન તેલ અને મેંદો મળે તો રાંધણછઠ્ઠ થાય ને પૂરી ખવાય.

આટલા અભાવના દિવસોમાં પણ મા-બા મોટાભાઈને બહુ લાડ કરાવે. ઘરનો સૌથી મોટો દીકરો જ જાણે કુળદીપક - એટલે એને કેટલાક ખાસ પ્રિવિલેજ મળેલા. મોટાભાઈ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ભણે, એટલે પણ લાડકોડના હકદાર. રોજ સવારે મા નાસ્તામાં એમને તેલમાં રોટલો તળીને ખાવા આપે. મોટાભાઈ પાછા એવા કે એ રોટલાનો વચ્ચેનો ભાગ જ ખાય અને આજુબાજુની કોર પડી મૂકે. એમની આ ઉદારતા અમારા તો લાભમાં હતી. મા એ રોટલાની કોરવાળા ટુકડા અમને વહેંચી આપે. એ જ અમારો બ્રેકફાસ્ટ.

ચાલીઓમાં બ્રેકફાસ્ટ પણ કેવો? કેટલાક લોકો જ ચા સાથે લારીમાંથી વેચાતા લાવેલા બિસ્કુટ (ટોસ્ટ) કે તેના ટુકડા ખાતા. મોટા ભાગના લોકો રાતનું વધ્યું ઘટ્યું ખાતા. કોઈ રાતની વધેલી ખીચડીમાં ચા નાંખી ખાઈ લેતા. રાતના નોનવેજ પુલાવમાં ચા નાંખી ખાતા ને તેને બધા ‘ચામાં પુલાવ’ના નામે ખીજવતા. એક તો આખું ઘર ‘બંટીબાવટા’ તરીકે ઓળખાતું. એ ઘરના માસીએ, ‘ટંકે જે બંટી બાવટો મળે તે ખાઈ લેવું’ એમ કહ્યું હશે, એટલે એમનું ‘બંટીબાવટો’ એ નામ પડેલું. ભારોભાર ગરીબીમાં આમ જ રમૂજ ખોળી કઢાતી.

પૈસાના અભાવે શાળાના પ્રવાસમાં જવાનું કદી મારા નસીબમાં નહોતું. પણ ત્રીજા ધોરણમાં હતો, ત્યારે કરેલો એક પ્રવાસ મારો યાદગાર પ્રવાસ બની રહ્યો છે. એ પ્રવાસની પ્રત્યેક ક્ષણ આંખોમાં આજે ય અકબંધ છે. અમદાવાદના કાંકરિયા-ચંડોળા તળાવ અને ગાંધીઆશ્રમના પ્રવાસે અમને લઈ ગયેલા. એ પ્રવાસમાં વિદ્યાર્થીઓએ ઘરેથી નાસ્તો લાવવાનો હતો. મને મોટીબહેને બટાકાનું શાક અને પૂરી બનાવી આપેલાં. પિત્તળના એક ડોલચામાં નાસ્તો લઈને પ્રવાસે નીકળેલા. કાંકરિયા કે બીજું કશું જોવાને બદલે ઝટપટ નાસ્તો પતાવવાની ચટપટી થયા કરતી હતી. બપોરે અમે ગાંધીઆશ્રમ પહોંચ્યા. શિક્ષકોએ અમને મોટા વર્તુળમાં બેસાડી, પ્રાર્થના કરી પોતપોતાનો નાસ્તો કરી લેવા સૂચના આપી. હજુ હું માંડ મારું ડોલચું ખોલું છું, ત્યાં તો મારા નાસ્તા પર એક કાગડો ચરકી ગયો ને કા-કા કરતો ઊડી ગયો. મારી બધી ય પૂરીઓ બગડી ગઈ ને હું રડવા માંડ્યો. આસપાસ બેઠેલા બધા છોકરા હસી પડ્યા. થોડાકે મારી દયા ખાધી ને મને કંઈક ખાવા આપ્યું. આજે પણ વૃક્ષાચ્છાદિત ગાંધીઆશ્રમની શીતળતામાં જવાનું થાય છે, ત્યારે એક બળતરા થયા કરે છે. ગાંધીઆશ્રમમાં ગાંધીને નહીં, હું પેલા કાગડાને શોધ્યા કરું છું.

અમદાવાદની ચાલીઓમાં વસતી દલિત શ્રમિક પ્રજાનો માંસાહાર એ એમનો શોખ નહીં, મજબૂરી હશે. વસ્તારી કુટુંબને શાકભાજી કરતાં વધુ પાણી ખમી ખાતું મટન વધુ પોસાતું હતું. દાળ-ભાત તો અમારા માટે સમૃદ્ધોનું ભાણું. બચપણમાં દાળ-ભાત ખાધાના બહુ ઓછા પ્રસંગો બન્યા છે. હા, જ્યારે શાકભાજીના પૈસા ખૂટી પડે, ત્યારે મા એકલા રોટલા ટીપી કાઢે ને અમે ગોમતીપુર ગામની ઉમિયાશંકરની લૉજથી વેચાતી દાળ લઈ આવી ટંક પૂરી કરતા. એ દાળમાં નાંખેલા કોકમ કે સીંગદાણાની ખૂશ્બુથી મન ભલે તરબતર થતું, પણ ગોમતીપુર ગામના બિનદલિત સહાધ્યાયી અમે વેચાતી દાળ દુકાનેથી લાવીને ખાઈએ છીએ એ જાણી જશેની શરમથી લપાતા-છૂપાતા દુકાને જતા એ ડરને યાદ કરતાં આજે ય શરીરમાંથી એક લખુંલખું પસાર થઈ જાય છે.

લૉજ યાદ કરતાં જ કાળા મામાનો દીકરો યાદ આવે છે. એમનું નામ બાબુ. એમના એક હાથે જરી ખોડ એટલે મા અને અમે બધા એમને ‘બબલો ઠૂંઠિયો’ તરીકે ઓળખીએ. મામા નાની ઉંમરે વિધુર થયેલા, એટલે માએ એમના દીકરાઓની સારસંભાળ રાખેલી. બાબુ સરસપુરની એક લૉજમાં કામ કરે. એક વાર લૉજની ઊકળતા તેલની કઢાઈમાં એમનો પગ પડી ગયેલો ને આખો પગ દાઝી ગયેલો, ત્યારે માએ દિવસો સુધી એમની સારસંભાળ રાખેલી. અમારા ઘર પ્રત્યે, મા પ્રત્યે એમને વિશેષ ભાવ. બાબુનું મુખ્ય કામ તો સાઇકલ પર રોજના ઘરાકોને ટિફિન પહોંચાડવાનું. આ ટિફિન પહોંચાડતાં પહોંચાડતાં ઘણીવાર બાબુ અમારા ઘરે ટિફિનો સહિત આવી પહોંચતા. રોજનો ‘બબલો ઠૂંઠિયો’ એ દિવસે ‘બાબુભાઈ’ બની જતા. ટિફિનમાં વધેલો-ઘટેલો ખોરાક એ અમને આપી દેતા. આ વધેલાં-ઘટેલાં-એંઠાં-જૂઠાં દાળ-ભાત-રોટલી-પૂરી-ફરસાણ મળતાં, ત્યારે તો જાણે દિવાળી થઈ જતી!

રોટલાના ટુકડા માટે જ્યાં જીભ તડપતી હોય, ત્યાં ચૉકલેટનો સ્વાદ તો ક્યાંથી નસીબ હોય? પણ હા, મને ચૉકલેટના બદલામાં પૈસા અને એ પૈસેથી લોટ લાવ્યાનું યાદ છે. ચાલીમાં અમારા ઘરને અડીને અમારું એક છાપરું હતું. (કાચા ઝૂંપડાને ચાલીઓમાં છાપરું કહેવાતું.) તુલસીભાઈ નામના અમારા એક ભાડૂઆત. તે અમદાવાદ મ્યુિનસિપાલિટી ટ્રાન્સપોર્ટની ટૂરિસ્ટ બસના કૅરટેકર. અમદાવાદ-દર્શન કરાવતાં - કરાવતાં પ્રવાસીઓને ચૉકલેટ આપવાનું એમનું કામ. એટલે એ ઘણી મોંઘી ચૉકલેટો ઘેર લાવતા. અમે એમનું નાનું-મોટું ટાપું કરીએ તો બદલામાં એ અમને ચૉકલેટ આપતા. આવી ચૉકલેટો એ જમાનામાં રાજપુરની દુકાનોમાં પણ નહોતી મળતી. ચાલીમાં જેમ અભાવોમાં જીવતાં ઘર હતાં તેમ છનાછનીમાં જીવતાં ઘર પણ હતાં. આવું જ એક ઘર મારા બાળગોઠિયા પૂનમનું. હુષ્ટપુષ્ટ ગોળમટોળ શરીરને લીધે અમે એને ‘પૂનમ મદનિયું’ કહેતાં. એના દાદા અને પિતા બહુ પૈસાવાળા. એટલે પૂનમને પણ વાપરવા ઘણા પૈસા મળતું. હું તુલસીભાઈએ મને આપેલી ચૉકલેટ જેમ મીઠી-મીઠી વાતો કરી, ચૉકલેટના વખાણ કરી, ફોસલાવીને પૂનમને વેચી દેતો. એની પાસેથી ચૉકલેટના જે પૈસા મળતાં એમાંથી ઘર માટે કશુંક ખાવાનું લઈ લેતો.

શહેરમાં કચરો વીણતાં બાળકોમાં ઘણીવાર હું મારી છાયા શોધું છું. વૅકેશનમાં કે નવરાશના દિવસોમાં હું પણ ખભે થેલી ભેરવી ક્યારેક ભાઈબંધો ભેળો વીણવા જતો. કચરો નહીં, હાડકાં. રાજપુરની દલિત વસ્તીમાં છૂટથી માંસ ખવાતું અને એના હાડકાં કૂતરાંએ ચૂસી ખાધા પછી ઠેરઠેર પડી રહેતાં. એ હાડકાં અમે વીણતાં, થેલીમાં ભેગાં કરતાં ને સંતરામ કૉલોનીની બહાર પતરાવાળી હાડકાંની દુકાને વેચી એમાંથી બે પૈસા રળી લેતાં.

હાડકાં ઉપરથી જ એક હસવાવાળી વાત યાદ આવી. ૧૯૮૧નાં અનામતવિરોધી રમખાણો લાંબો સમય ચાલ્યાં. કરફ્યુને કારણે રાજપુરમાં રહેવું મુશ્કેલ બન્યું અને સરકારી નોકરી અનિવાર્ય, એટલે અમે મણિનગરના અમારા નાનકડા રૉહાઉસમાં કામચલાઉ રહેવા ગયા. અમારી એ સોસાયટીમાં મિશ્ર વસ્તી. વળી, લગભગ બધા શાકાહારી. અમને મટન ખાધે ઘણા દિવસો વીતી ગયેલા એટલે એક દિવસ તો હિંમત કરીને છુપાવીને મટન લઈ આવ્યા. છાનુંછપનું રાંધી ખાધું પણ હાડકાનું શું કરવું ? રાત્રે મોડેથી કોથળીમાં ભરીને સોસાયટી બહાર દૂર ફેંકી આવીશું, એમ કરીને હાથમાં કોથળી લઈ નીકળ્યા. સોસાયટીના નાકે જ એક યુવાન એના પેટડૉગ સાથે સામે મળ્યો. અમે કંઈક વિચારીએ એ પહેલાં તો કૂતરાએ હાડકાંની કોથળી પર તરાપ મારી ને સોસાયટીના નાકે જ જબરું જોણું થયું.

રોટલાના એક કણ-કણ માટેનો અભાવ અને અછતના એ દિવસો સાથે જ એવી ક્ષણો પણ યાદ છે કે જ્યારે પેટ પર હાથ ફેરવીએ એટલું ધરાઈને ખાધું હોય. આ જ રાજપુરમાં મચ્છી પણ વેચાવા આવતી અને શિયાળામાં ‘લીલું લસણ’ પણ વેચાતું. ઘણાં ઘરોમાં ઉનાળામાં કેરીનાં અથાણાં અને શિયાળાનાં વસાણાં પણ બનતાં ! કેરીનો રસ ખાવો-ખવડાવવો એ તો એક રિવાજ થઈ ગયેલો. અમારી ચાલીઓમાં ખાસ કરીને મહેસાણાના વણકરોમાં કુંવાસીને રસ-રોટલા ખાવા બોલાવવાનો રિવાજ તો આજે ય ચાલુ છે!

એક પછી એક ભાઈઓને અનામતના પ્રતાપે સરકારી નોકરીઓ મળતી રહી અને કુટુંબ બે-પાંદડે થતું રહ્યું. આજે ગરીબીને યાદ કરવી કે એને વિશે બોલવું-લખવું એ જરી શરમજનક બાબત ગણાતી થઈ છે. રાજપુરની ચાલી છૂટતી રહી છે અને અમદાવાદ-ગાંધીનગરના નવા આવાસોમાં એકદમ નિરાંતની સુંવાળવી જિંદગી બસર થઈ રહી છે. આઠ દાયકા વળોટી ચૂકેલી ‘મા’ને રોજ નાસ્તામાં ‘વાણિયારોટી’ કહેતાં ખાખરા જ ખાવા ગમે છે. સો-બસોની ચૉકલેટ કે આઇસ્ક્રીમ ભચ્ચર ભચ્ચર ચાવી જતાં ભત્રીજા-ભાણિયાંને ફાટ્યા ડોબે જોયા કરું છું. અને મને મારી બાળપણની-કિશોરાવસ્થાની-યુવાવસ્થાની કુપોષિત કૃશ કાયા રહીરહીને સાંભરે છે. કાલાહાંડીનાં કુપોષિત બાળકોની તસ્વીરો મને હંમેશાં મારી જ તસ્વીરો લાગી છે. મારું શરીર એટલું તો દૂબળું હતું કે જાણે હાડકાંનો માળો કે ખેતરે ટિંગાડેલો ચાડિયો. બાળપણમાં ઘણીવાર મારા અંતર્ગોળ પેટ પર તાંસળી મૂકી મેં એને છાતી સમતળ કરવા નિષ્ફળ પ્રયાસો કર્યા છે. આજે તો મારું અંતર્ગોળ પેટ ખાસ્સું બહિર્ગોળ થઈ ગયું છે. કુટુંબીજનોને અને મિત્રોને મારા બહિર્ગોળ થતાં જતાં પેટની ખાસ્સી ફિકર છે, પણ હું એ વિશે સાવ જ બેફિકર છું. કેમ કે....

[‘સાર્થક જલસો’ના દિવાળી અંકમાંથી સાભાર]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2014, પૃ. 07 - 09

Category :- Opinion Online / Literature