OPINION

માણસનો પર્યાય શોધી રહેલી ટેક્નોલોજી ન પાલવે !

ત્રીજો પ્રવાહ : ગાંધી યંત્રવિરોધી નહોતા, માણસને બેકાર બનાવે એવા યંત્રોના વિરુદ્ધમાં હતા

બધા એ વાતનો સ્વીકાર છે કે, ભારત પાસે વિશ્વના, ચીન, અમેરિકા કે જર્મની પાસે નથી, તે છે. વિશાળ યુવાન જનસંખ્યા. ચીનની જનસંખ્યા ભારત કરતાં વધુ છે, પણ ત્યાંની જનતાની ઉંમર સરેરાશ ઊંચી છે. જ્યારે ભારત પાસે વિશ્વના સૌથી વધુ યુવાન જનતા છે. જેને અર્થશાસ્ત્રની પરિભાષામાં Demograhic Divdend ‘વસ્તીજન્ય ફાયદો’ કહેવાય છે. કુદરતે ચાર હાથે આપેલા આ ફાયદાનો લાભ લેવાનો સહુથી ઉત્તમ માર્ગ છે - પૂરતી રોજગારી ઊભી કરવાનો. ઉદ્યોગો આવશે તો રોજગારી લાવશે.

ઉદ્યોગો લાવવા વિશાળ મૂડી જોઈશે. ભારત હજુ વિકાસશીલ દેશ છે એટલે મૂડી રોકાણ ઊભુ કરવું પડશે. આ માટે ભારતના વડાપ્રધાન જાપાન જઈ આવ્યા. હમણાં જ વધુમાં જાહેર કરાયું કે જાપાન ગુજરાતને મેટ્રો માટે નાણાં આપશે. પણ સવાલ એફ.ડી.આઈ.થી નથી ઉકેલતો. એ તો ઉકલે કેટલી વધુ રોજગારી ઊભી થઈ છે એનાથી! આ વસ્તીજન્ય ફાયદો મેળવવા એવું રોકાણ કરવું પડે, જે રોજગારીમાં ઝડપી વધારો કરી શકે!

એટલે કે ઓછા મૂડી રોકાણ છતાં વધુ રોજગારી. હવે નજર નાંખીએ, આપણી રોજીની જરૂરિયાત પર. આધારભૂત ગણતરી જણાવે છે કે, 2012-17 વચ્ચે ભારતે દર વરસે ખેતી સિવાયના ક્ષેત્રમાં 170 લાખ રોજગારી પેદા કરવી પડશે. એટલે કે પાંચ વરસમાં (2012-17) વચ્ચે નવી સાડા આઠ કરોડ રોજગારી ઊભી કરવી પડે! આ વધારાને રોકી કે મોડો કરી શકાતો નથી. હવે, આપણે હકીકત પણ સમજી લઈએ. ગુજરાતમાં અખબારોમાં બે ઉદ્યોગો વિષે હમણાં સમાચારો ચમક્યા છે.બેચરાજી પાસે વિઠ્ઠલાપુર નજીક મુખ્યપ્રધાનશ્રીએ વરસે બાર લાખ સ્કૂટરનું ઉત્પાદન કરનારા હોન્ડા કંપનીના પ્લાન્ટનું ખાતમુર્હૂત કર્યું છે.

જેમાં રૂ. 1,100 કરોડનું રોકાણ થનાર છે. પરિણામે 3,000 વ્યક્તિને સીધી રોજગારી મળશે. એનો અર્થ એ થયો કે રૂ. એક કરોડ આઠ લાખના રોકાણે ત્રણ વ્યક્તિને રોજી મળશે. ગુજરાતના મુખ્ય પ્રધાને આજ સમયમાં ઝઘડિયામાં અમેરિકાની અબોટ કંપનીના ગ્રીન ફીલ ન્યુટ્રીશન મેન્યુફેકચરીંગ પ્લાન્ટનું લોકાપર્ણ કર્યું છે. આ પ્લાન્ટ પણ રૂ. 450 કરોડના રોકાણથી 400 વ્યક્તિને રોજગારી આપશે એટલે કે રૂ. 1.25 કરોડના રોકાણે એક વ્યક્તિને રોજી મળશે. હવે ભારતને દર વરસે 120 લાખને રોજી આપવી હોય તો રૂ. 1.25 કરોડના હિસાબે રૂ. 150 લાખ કરોડ જોઈએ.

નિષ્ણાતો કહે છે કે વિશ્વમાં અત્યાર સુધીમાં ત્રણ ટેકનોલોજી એવી આવી છે જેણે વિશ્વની પ્રગતિ અને સમૃદ્ધિમાં મુખ્ય હિસ્સો આપ્યો છે. પહેલી ટેકનોલોજી દુનિયામાં 18મી સદીના અંતમાં આવી જે ‘ઔદ્યોગિક ક્રાંતિ’ તરીકે જાણીતી છે. જ્યારે વરાળથી ચાલતા યંત્રો અમલમાં આવ્યા, ત્યાર પછીના 100 વરસ પછી બીજી ટેકનોલોજી વીજળીની આવી. જ્યારે ઘોડાથી દોડાવાતા વાહનો ગાયબ થઈ ગયા. હાથશાળોનો યુગ સમાપ્ત થઈ ગયો.

આ બે ટેકનોલોજીના કારણે નવાં આર્થિક માળખાં, કારખાનાં અમલમાં આવ્યાં. ટેકનોલોજીના આ બે પ્રવાહથી સમાજમાં રોજગારીના પ્રકારમાં અનિચ્છનીય ફેરફાર ન થયા. પણ વિશ્વમાં વીજળીના શોધક એડિસન પછી ત્રીજો પ્રવાહ કમ્પ્યૂટર અને કમ્પ્યૂટર આધારિત, એની ચીપ આધારિત સંદેશા વ્યવહારે, વિશ્વને બદલાવવાનું શરૂ કર્યું છે. 1950 સુધીમાં ઈન્ટીગ્રેટેડ સર્કિટ આવી પછી સ્માર્ટ ફોન આવ્યા અને પછી તો સુપર કમ્પ્યૂટરની શક્તિને વટાવી શકે એવી પ્રોસેસિંગ શક્તિ આવી.

તાજેતરમાં એરીક બ્રિન્જાલ્ફસન અને એન્ડ્રયુ મેકફીના પુસ્તક ‘Race against Machine’ જણાવે છે કે, આજે કમ્પ્યૂટરની અસરકારકતા 43 ગણી વધી ગઈ છે. હવે તો અશક્ય મનાતા ક્ષેત્રોમાં વિજ્ઞાન સફળ થવા માંડ્યું છે. હવે ડ્રાઈવર વગરની મોટરકાર અને પાયલોટ વગરના ડ્રોનનો ઉપયોગ શરૂ થયો છે. પહેલા જે ભાષાઓ બોલાવી કે સમજવી અઘરી ગણાતી હતી, એપલે એવી શોધ સફળ બનાવી છે કે ઈ-મેઈલ કોઈ પણ ભાષાનું ડિકટેશન લઈ શકે. ગુગલની ભાષાંતર શક્તિ ચોક્કસ અને પલકવારમાં ટાઈપ કરી તમારા હાથમાં એની પ્રત મૂકી શકે છે.

આ ત્રીજો પ્રવાહ તો વિકાસ, રોજગારીને નામશેષ કરી રહ્યો છે. વિશ્વના અર્થશાસ્ત્રીઓ માને છે કે, લગભગ 700 પ્રકારના ધંધા રોજગારને અસર કરશે. ટૂંકમાં વિકાસશીલ દેશો આ ત્રીજા રસ્તે આગળ વધશે તો મૂડીરોકાણ વધુ અને રોજગારીક્રમ એ પ્રક્રિયા ભયજનક સ્તરે પહોંચી જશે. એટલે ભારતે આજના વિશ્વમાં વિકાસ સાધવો હશે, કરોડોને રાતોરાત રોજગારી આપવી હોય તો મૂડીરોકાણ અને આવી રહેલી ટેકનોલોજીની પસંદગી ભારતની જરૂર મુજબની હોવી જોઈએ.

જે પહેલી અને બીજી ટેકનોલોજીથી સમૃદ્ધ બની ગયા છે એનું આંખમીંચી અનુકરણ કરીશું તો અબજો ખર્વોના મૂડી રોકાણ પછી પણ ટેકનોલોજીની આંધળી પસંદગી બરબાદી લાવશે. ગાંધી યંત્રવિરોધી નહોતા, માણસને બેકાર બનાવે એવા યંત્રોના વિરુદ્ધમાં હતા. વિશ્વમાં આ ટેકનિકક્રાંતિના ત્રીજા પ્રવાહની વિશદ્દ ચર્ચા અને વિચારણા ચાલી રહી છે ત્યારે ભારતે સમજવું પડશે કે, વરાળ કે વીજળીએ ઘોડાનો પર્યાય આપ્યો હતો. હવે ટેકનોલોજીનો આ ત્રીજો પ્રવાહ માણસનો પર્યાય વિકસાવી રહ્યો છે ત્યારે વિચારીને આગળ વધીએ.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, Oct. 23, 2014

Category :- Opinion Online / Opinion

અર્ધ વર્તુળાકાર ક્ષેત્રમાં, ઘટ્ટ વૃક્ષોથી ભરપૂર, લીલીછમ પ્રકૃતિની વચ્ચે ન્યુજર્સીના રોબીન્સવિલે ગામના છેવાડે, બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા, વિશ્વના સૌથી વિશાળ મંદિરની રચના થઈ રહી છે. ૨૦૦૯માં મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, અને આયોજન મુજબ, ૨૦૧૭-૨૦૨૦માં તે પૂરી રીતે પૂર્ણ થઈ જવાની આયોજકોને અપેક્ષા છે. ઓગસ્ટ ૨૦૧૪માં સંસ્થાના જ્યોતિર્ધર અને પ્રમુખ સંત પ્રમુખસ્વામીના હસ્તે મુખ્ય મંદિરનું ઉદ્દઘાટન થયું. આ પ્રસંગે અનુપમ મંદિર જોવાની ઉત્કંઠા અને સંપ્રદાયના પ્રમુખ પ્રમુખસ્વામીની ઉપસ્થિતિને લીધે સ્વામીનારાયણ સંપ્રદાયના હજારો અનુયાયીઓ અને હિંદુ ભાવકોનો જાણે પારાવાર હેલે ચઢ્યો.

નિરાંતે મંદિર જોઈ શકાય તે માટે ૧૧.૦૯.૨૦૧૪ના દિવસે અમે આ ૧૬૨ એકરના વિશાળ પરિસરમાં પ્રવેશ કર્યો, ત્યારે તેના પ્રવેશદ્વારથી જ ઉત્તમ વ્યવસ્થાના દર્શન થયાં. પાનખરનાં પગરણ પડી ચૂક્યાં છે. પરિસરને ઘેરતાં લીલાછમ વૃક્ષોની વચ્ચે પીળચટ્ટા પર્ણો પહેરી ઊભેલાં વૃક્ષો પર, સૂર્યના કોકરવર્ણ કિરણો નયનરમ્ય રંગોળી રચતાં હતાં. મુખ્ય મંદિરના પ્રવેશદ્વારની સામે મનુષ્ય રચિત નાનકડાં સરોવરમાં કૃત્રિમ કમલદલમાં નાનકડી દેવડી અને તેની બન્ને બાજુએ અભિષેક કરતાં ફુવારાઓ મન પ્રસન્ન કરી દે છે. હજુ નિર્માણનું કામ ચાલુ જ છે. માણસો ઠેર ઠેર કામ કરતાં દેખાય છે. ભારતથી આવેલાં કારીગરો સાથે સેવા આપતાં સ્વયંસેવકો સર્વત્ર દેખાય છે. આધુનિક મશીનોની હારો પણ દેખાય છે.

મંદિરમાં પ્રવેશ સમયે કર્ણને ગમે તેવાં મંજુલ સ્વર કોઈ ખૂણેથી વહેતાં હતાં. થયું કે આયોજકોએ તેવી વ્યવસ્થા ગોઠવી હશે. સ્થિર ઊભાં રહી શબ્દો પકડવા કોશિષ કરી. ‘મારી નાડ તમારે હાથ હરિ! સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુપદ આપજો રે.’ હાથમાં હથિયાર સાથે આરસ કંડારતા કારીગરના ગળામાંથી એ સૂરો આવતાં હતાં. શબ્દો કદાચ જુદા હશે પણ ભાવ સમર્પણનો જ સૂરમાં વહેતો હતો. સમર્પણમાં સોંપી દેવાની નીડરતા છે અને તેમાંથી નિષ્પન્ન શ્રદ્ધા શ્રદ્ધાળુઓ માટે સંકટ સમયની સાંકળ છે. આ મંદિરો એટલે શ્રદ્ધાસ્થાનકો. અને આ શ્રદ્ધાસ્થાનકો આપણી સંસ્કૃિતને સાચવતા સેતુઓ છે.

આ જ સંસ્થા દ્વારા સ્થાપિત દિલ્હી અને ગાંધીનગરનાં અક્ષરધામ મંદિરો જોયાં છે. યુ.કે. લંડનમાં નીસડન ગામનું મંદિર પણ જોયું છે. સ્થાપત્યોની દૃષ્ટિએ તે બધાં જ ઉત્તમ સ્થાપત્યો છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર તેમની રચના થઈ છે. નીસડન મંદિરમાં પણ ઇટાલી વગેરે દેશોમાંથી આરસની નિકાસ ભારતમાં કરી અને તેમાં ગુજરાત-રાજસ્થાનના શ્રેષ્ઠ સલાટો પાસે મૂર્તિવિધાન તેમ જ અન્ય કોતરણી કરાવી તે સામગ્રી લંડન મોકલવામાં આવી. નકશાઓ મુજબ મંદિર રચના માટે જરૂરી ગોઠવણી માટે દરેક શિલ્પને અનુક્રમના આંકડાઓ આપવામાં આવેલાં. આ મંદિરોના સ્થળના વાતાવરણને પણ ગણતરીમાં લેવામાં આવ્યાં છે અને તે મુજબ શિલ્પોની સામગ્રીની કસોટી કરવામાં આવી છે. નીસડન મંદિરમાં થયેલ યોગ્ય પ્રકારના, ઋતુઓને અનુરૂપ લાકડા અને તેની કોતરણી વગેરેમાં યોગ્ય કારીગરોના ઉપયોગને લીધે સંપૂર્ણ મંદિર સંસ્કૃિતની ઓળખ બની ગયું છે. સ્તંભોની રચના માટે મૂકેલાં શિલ્પો તેની કોતરણીના કસબથી મનોહારી છે. વિશેષતા એ છે કે એ શિલ્પોની રચના એટલી કાળજીપૂર્વક થઈ છે કે તેને એક ઉપર એક ગોઠવતાં વચ્ચે સાંધામાં જવલ્લે જ સિમેન્ટનું પુરાણ કરવું પડ્યું છે.   

ભારતના પુરાતત્વ વિભાગ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી થયેલા સર્વેક્ષણ મુજબ આપણા જૂનામાં જૂનાં મંદિર-સ્થાપત્યોની આયુ વધુમાં વધુ ૨૦૦૦ વર્ષની છે. આધાર વિહિન લોકવાયકાઓમાં ઘણી વખત અતિશયોક્તિ થતી રહી છે અને અમુક મંદિરોની આયુ વધુ હોવાની હોડ થતી હોય છે. સ્થાપત્યોના વિકાસક્રમમાં મધ્યકાલીન યુગ, ભારત સહિત, સમગ્ર વિશ્વમાં સુવર્ણયુગ ગણી શકાય. આ સમયમાં નવી રચનારીતિ અને તેમાં ઉન્મેષ જોવા મળે છે. આ મંદિરમાં એ સુવર્ણકાળ અને પછીના સમયના ઉન્મેષનો પણ સમન્વય દેખાય છે. પ્રાકૃતિક તત્ત્વો અને માનવીય અભિગમ બન્નેનો સુમેળ તે શિલ્પશાસ્ત્રો. અગ્નિ, જળ, વાયુ, ભૂમિ અને આકાશ તે પાંચ પ્રાકૃતિક તત્ત્વો સ્થાપત્યો-બાંધકામ માટે મહત્ત્વના અને આધારરૂપ તત્ત્વો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તે જીવનઘડતરનાં આધાર તત્ત્વો છે અને મંદિર સ્થાપત્યોની રચના માટેના તે મૂલાધાર તત્ત્વો છે. વાસ્તુિવદ્યા માટે જેને એક પ્રમાણગ્રંથ ગણવામાં આવે છે તે પ્રાચીનગ્રંથ ‘માનસાર’ની વ્યાખ્યા મુજબ “જ્યાં દેવ, મનુષ્ય, પશુ અને પંખી વસે છે તે સંબંધિત શાસ્ત્ર તે વાસ્તુશાસ્ત્ર.” આ શાસ્ત્રો અંગે વિસ્તૃત ચર્ચા અહીં અપ્રસ્તુત છે, પરંતુ તેમાં વપરાતાં થોડાં શબ્દો જોઈએ.

વાસ્તુ : ઘર, જમીન, વસવાટ માટે આ શબ્દનો પ્રયોગ થાય છે. પ્રચલિત રીતે આપણે ગૃહપ્રવેશ કે ઘરના પાયા નાખવા માટેની પ્રક્રિયા માટે આ શબ્દ વાપરીએ છીએ.

સ્થપિત : એટલે કે જે સ્થાયી છે તે –જમીન, જગ્યા, ઘર, મકાન, સ્થળ, બાંધકામ વગેરે માટે વપરાય છે.

સ્થાપત્ય : રચના, કૌશલ, યોજના પુર:સર બાંધકામ, કસબ, કારીગીરી, નિર્માણ વગેરે માટે વપરાય છે.   

સ્થપતિ :  મુખ્ય વડો, મુખ્ય કારીગર, નિર્માણ નિયામક વગેરે અને પ્રચલિત રૂપે આપણે અંગ્રેજી શબ્દ ‘આર્કિટેક્ટ’નો પ્રયોગ કરીએ છીએ. 

શિલ્પ :  ઘાટ, આકાર વગેરે. આ શબ્દ પથ્થર, માટી કે ધાતુઓમાં ઘાટ કે કોતરણી કરવામાં આવે તે સઘળાને શિલ્પ  કહેવામાં આવે છે.

સ્થાપત્ય સમજવા કર્મ, પ્રજ્ઞા, શીલ અને શૈલીની સંયુક્ત પ્રક્રિયા જાણવી જોઈએ. આમ કરવાથી સ્થાપત્યનું યોગ્ય મૂલ્યાંકન શક્ય બને.

સ્થાપત્ય નિર્માણની પ્રક્રિયામાં સ્થપતિ અને તેની સાથે કામ કરનારનું વિશેષ મહત્ત્વ છે. તે વાસ્તુકલાનો મુખ્ય પુરુષ અથવા સ્થાનાધિપતિ ગણાય છે. જે વેદવિદ્દ્, શાસ્ત્રપારંગત અને વાસ્તુક્લાનો જાણકાર હોવો જોઈએ. અન્ય મહત્ત્વના ત્રણ શિલ્પીઓ સ્થપતિની આજ્ઞા અને માર્ગદર્શન મુજબ કાર્ય કરે છે. ૧.  સૂત્રજ્ઞ અથવા સૂત્રગ્રાહી : જે  વાસ્તુિવદ્યાનો સંપૂર્ણ જાણકાર તેમ જ રેખાજ્ઞ-નકશા દોરી જાણનાર હોવો જોઈએ. ૨. વર્ધકી-માનકર્મજ્ઞ : એટલે માપ-પરિમાણનો જાણકાર, વિવેકમતિ-એટલે કે સારાસારનો વિચાર કરી નિર્ણય લે અને ચિત્રકર્મજ્ઞ-ચિત્રકલાનો જાણકાર હોવો જોઈએ; અને ૩. તક્ષક :  આ કારીગર-સલાટ-સુથારનો વિભાગ સંભાળે છે. તે પણ શિલ્પ અને તેને લગતા શાસ્ત્રોમાં નિપુણ હોવો જોઈએ.

ન્યુજર્સીના મંદિર નિર્માણમાં પુરાતન અને આધુનિક શિલ્પશાસ્ત્રનો સમન્વય થયો છે. આ નિર્માણ માટે જે લોકોએ કામ કર્યું છે તેઓનાં નામ અને કામના ક્ષેત્ર અંગે માહિતી પૂછતાં જાણવા મળ્યું કે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થામાં વિજ્ઞાનથી માંડી કલાના ક્ષેત્રમાં જાણકારી ધરાવતાં અને તેમાં નિષ્ણાત અનુયાયીઓની જાણે કે એક સેના છે. સંસ્થાની સેવા માટે તત્પર આ સેવકસેનાની નિષ્ઠા અદ્દભુત છે. અહીં રોબીન્સવિલે સ્વામીનારાયણ મંદિરના બાંધકામ અને શિલ્પનિર્માણ કાર્ય માટે આવાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ સેવા આપી છે. લંડન-નીસડનમાં આજ સંસ્થાના મંદિર માટે અનેક પેઢીઓથી મંદિર નિર્માણના કાર્યમાં વ્યસ્ત સોમપુરા પરિવારના એક સ્થપતિ ચંદ્રકાંત સોમપુરાએ સેવા આપેલી.

અમેરિકાના સતત પરિવર્તિત હવામાનને લક્ષ્યમાં રાખી રોબીન્સવિલેના મુખ્ય મંદિરને ચારે તરફથી અને શિખરની ઉપરથી ઈંટ-સિમેન્ટની ઊંચી દિવાલો અને છતથી રક્ષિત કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ પ્રકારના હવામાનની અસર અંદરના મંદિર પર પડે નહીં. નિર્માણકર્તાઓનો દાવો છે કે આનાથી આવતાં હજાર વર્ષથી વધુ આ મંદિર અખંડિત ટકી રહેશે. મુખ્ય મંદિરની બહારની દિવાલ અને તેને રક્ષણ આપતી દિવાલો વચ્ચે પ્રદક્ષિણા પથની રચના થયેલી છે. બહારની દિવાલોની બહારના ભાગને પણ રક્ષણ મળે અને સાથે સાથે સુંદર દર્શન મળે તે માટે નવગ્રહ દેવડીઓની રચના કરી છે. સાથે સાથે ઉપયોગ અને સુવિધા માટે અન્ય સભાગૃહો, સાંસ્કૃિતક કાર્યો માટેના તેમ જ શૈક્ષણિક પ્રવૃત્તિ માટેના વિશાળ ઓરડાઓ વગેરેની ખૂબ જ વિચારપૂર્વક રચના કરવામાં આવી છે. નિર્માણકર્તાઓ આને માત્ર ધર્મ નહીં પરંતુ ભારતીય સંસ્કૃિતના વાહક સાધન તરીકેની પરિકલ્પના કહે છે તે સાર્થક લાગે.

બહારની સંરક્ષક દિવાલોમાં બનેલું ભવ્ય પ્રવેશદ્વાર, તેમાં સુંદર સ્થાપત્યના નમૂના સમા સ્તંભો, તેમાં કોરેલાં શિલ્પો અને ભવ્ય તોરણ દ્વારા ભાવકોને આવકારે છે અને મુખ્ય મંદિરના વિશાળ સભાગૃહમાં લઈ જાય છે. આ સુંદર સભાગૃહના સૌન્દર્યનું નિરીક્ષણ કરવા ભાવકની આંખો રોકાય તે પહેલાં જ મુખ્ય મંદિરનું અનુપમ પ્રવેશદ્વાર અને તેમાંથી થતું ધવલ સૌન્દર્યથી નીતરતું સ્થાપત્ય દર્શન. ભાવકો અને સ્થાપત્ય દર્શનની ભાવના લઈ આવેલાં દરેક માટે એક અનોખો અનુભવ. મન અને વાણી ઘડીભર માટે વિભોર થઈ જાય. આંખો અજબ બની સ્થિર થઈ જાય. પલકારો મારવાની નાનકડી ક્ષણ પણ અકારી લાગે તેવું આ અદ્દભુત દર્શન. અમાપ માનવશક્તિનું આ ઉત્તમ ઉદાહરણ છે. મંદિરના ગૃહમંડપથી ગર્ભમંડપ સુધીની યાત્રા એટલે આનંદ સમાધિની અનુભૂતિ. મંદિર નિર્માણ માટે વાસ્તુશાસ્ત્રનો આ જ ઉદ્દેશ હતો. ચાર ધર્મો અને પાંચ મહાભૂત તત્ત્વો સાથે જીવનનું અનુસંધાન પામતી પ્રક્રિયા.

આખું મંદિર ઈટાલિયન આરસથી બાંધવામાં આવ્યું છે. આ આરસને ભારતના સલાટો અને કારીગરોએ કોતર્યાં છે. ૧૩૪ ફૂટ લાંબા અને ૮૭ ફૂટ પહોળા મંદિરમાં ૧૦૮ સ્તંભોની રચના કરવામાં આવી છે. ૧૦૦૦ જેટલાં ભાવકો દર્શનનો લાભ લઈ શકે તેવાં વિશાળ સભાગૃહમાં અનુકુળ પ્રકાશ અને વાતાયનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. સામે શિખરબંધી ત્રણ ગર્ભગૃહની રચના કરવામાં આવી છે તેમાં ભક્તો ભાવની અનુભૂતિ કરે તેવી અત્યંત સુંદર દેવ પ્રતિમાઓનું પ્રતિષ્ઠાન થયું છે. ભૂતળ(ફ્લોર)માં રંગબેરંગી આરસને નયનરમ્ય ગોઠવણીપૂર્વક જડવામાં આવ્યાં છે. સ્તંભોના કણકણ પર અનેકવિધ પ્રતિમાઓ કોતરવામાં આવી છે. છત (શિલિંગ) અને શિખરો પર થયેલું કોતરકામ આંખોના નેજવે થાક લાગે પરંતુ જોયા જ કરવાનું મન થાય તેવું સુંદર છે. ગુરુપ્રતિમા અને સાત્ત્વિક ભાવના પ્રતીક સમા કમળ અને કમળદળની રચના જોઈ ભારતના કળાકર્મીઓને નમન કરવાનું મન થાય. ગર્ભગૃહની દિવાલો અને પ્રદક્ષિણાપથ પર હાથી અને આપણા રાષ્ટ્રીય પક્ષી મોરના શિલ્પોનું વૈવિધ્ય વર્ણનાતીત છે તે માટે એટલું જ કહી શકાય કે તે તો માત્ર ‘જોવું અને માણવું.’ મંદિરની વિશેષતા જ એ છે કે તે ભવ્ય છે પરંતુ તેમાંથી નીતરતી સાત્ત્વિકતા આંખને ઠારે છે, અજાયબ થવાય છે તે મનને શાંતિપ્રદેશમાં લઈ જાય છે. અહીં ભાવકને ભક્તિનો અને સ્થાપત્ય દર્શને આવેલને નમ્રતાનો અનુભવ થાય છે. માનવને મળેલી શક્તિ અહીં પ્રભુતા પામે છે. આ મંદિરના નિર્માણનું કાર્ય પૂરું થયું નથી. મંદિર નિર્માણ માટે રાજસ્થાન-ગુજરાતના ૨૦૦૦થી વધુ સલાટો અને કારીગરોએ કામ કર્યું છે. ૨૦૨૦ની આજુબાજુ જયારે તે પૂર્ણ થશે ત્યારે કદાચ તે વિશ્વની એક વધુ અજાયબીમાં સ્થાન પામે તેવી શક્યતા વિચારી શકાય.  

આ સંસ્થાના પૂજનીય પ્રમુખસ્વામી મહારાજે ૧૯૪૦થી આ સંસ્થાનો પદભાર સંભાળ્યો છે ત્યારથી આજ સુધીના પોતાના કાર્યકાળ દરમિયાન ૭૧૩થી પણ વધુ મંદિરોના નિર્માણ માટે પ્રેરણા આપી છે. વિશ્વના મોટામાં મોટાં મંદિરો બનાવવાનો અને લોકોને તે અર્પણ કરવાનો કીર્તિમાન-વિક્રમ સ્થાપેલ છે તેની નોંધ ‘ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ‘માં લેવાણી છે. ભૌતિક નિર્માણથી આધિભૌતિક ભાવ તરફની આ ગતિની નોંધ માત્ર ઇતિહાસની આંકણીમાં સમાપ્ત નહીં રહે, પરંતુ તેની દૂરગામી અસર સંપૂર્ણ માનવસમાજના માનસ ઘડતરમાં આવનારી સદીઓ સુધી પ્રસરતી રહેશે અને ભારતીય સંસ્કૃિત ઉત્તમ વારસાનું પ્રતીક બની રહેશે તેવું સંસ્થાનું માનવું છે. અબાલવૃદ્ધ દરેકના વિકાસ માટે આ સંસ્થાની પ્રવૃત્તિઓ માત્ર એક સંપ્રદાયથી વિશેષ માનવીય મૂલ્યોનાં વિકાસનું મહત્ત્વનું કારણ બની રહેશે.  

૩ વિવેક, વિદ્યા વિનય વિવેક સોસાયટી, ૧૮૫ એસ.વી.રોડ, વિલેપાર્લે (પશ્ચિમ) મુંબઈ-૪૦૦ ૦૫૬

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion