OPINION

શબ્દ અને અપશબ્દ

‘ભભાઈ’ ભરત પાઠક
29-11-2014

અમદાવાદ શહેરમાં આજે જે રિલીફ રોડ કહેવાય છે, ત્યાં “મોહનલાલ હેમચંદ ઝવેરી – મ્યુિનસિપલ પ્રાથમિક શાળા” આવેલી છે. હું તેમાં ભણેલો. આ વાત ચોથા ધોરણના વર્ગમાં હતો ત્યારની છે.

એ વર્ગ શાળાના હેડમાસ્તર લેતા હતા. ગૌર વર્ણના, ઉજળા સરખા, ગોળમટોળ, સફેદ ઝભ્ભો અને ધોતિયું પહેરેલા એ ‘સાહેબ’ મને હજુ નજરે તરવરે છે. તેઓ ભણાવતા સરસ અને ભાગ્યે જ ગુસ્સો કરતા. સોટી તો નહોતા જ રાખતા; આંગળીઓ પર ફૂટપટ્ટી પણ ન મારતા.

તે દિવસે પણ એવું જ કરેલું એમણે. તેમણે દાખલા ગણવા આપેલા અને અમે વિદ્યાર્થીઓ પોતપોતાની સ્લેટમાં મોઢું નાખીને ગણવામાં પડ્યા હતા. તેમાં બે છોકરા વચ્ચે કશીક ચણભણ થઈ અને તે સાહેબના કાને પડી. તેમણે ઘાંટો પડ્યા વગર દ્રઢ અવાજે પૂછ્યું : “શું છે? કેમ અવાજ કરો છો? દાખલા ગણવામાં ધ્યાન આપો જોઈએ!”

એકાદ મિનિટની શાંતિ પછી એ જ છોકરાઓના અવાજ ફરી મોટા થયા. સાહેબે હવે નામ દઈને પૂછ્યું: “કેમ ભીખુ, શાની કચકચ ચાલે છે?”

ભીખુ નીચું જોઈ ગયો. એની પાસે બેઠેલો રમેશ બોલી ઊઠ્યો: “સાહેબ, આ કનુએ ભીખુને કોણી મારી’તી”. સાહેબે કનુને પૂછ્યું, “આ રમેશ સાચું કહે છે?” કનુ મૂંગો રહ્યો.

સાહેબે કનુને પોતાના ટેબલ પાસે બોલાવ્યો. “તેં ભીખુને કોણી મારેલી ને?” કનુએ રીસભર્યા સાદે કહ્યું, “સાહેબ, એણે મને ગાળ દીધી!”

સાહેબ હજુ તો “એમ?” એટલું બોલે ત્યાં કનુએ સાહેબના કાનમાં જ કહી દીધું કે ભીખુએ કઈ ગાળ દીધેલી.

સાહેબ કહે, “એણે દીધી તો દીધી; પણ તેં લીધી શું કામ? અને અહીં આવીને પછી તે મને દીધી ! જા; બેસી જા. દાખલામાં ધ્યાન આપો, જોઉં ..” અને ભીખુને પણ કહ્યું: “ભીખુ, આવી ગાળ તારા મોઢામાં આવે એટલે પહેલું તો તારું મોઢું ગંધાતું થયું ને? ચાલ, તું પણ દાખલામાં ધ્યાન આપ તો !”

આ બધો વખત સાહેબ નારાજ હતા પણ ગુસ્સે ન હતા તે મને બરાબર યાદ રહી ગયું છે. એ અમારા હેડમાસ્તરનું નામ યાદ નથી રહ્યું; પણ એમની ધીરજ અને એમણે સમજાવેલી વાત તો કાયમ યાદ રહી ગઈ છે.

ગાળ વિશેની તેમની શિખામણ કે તેમની ધીરજ, બંને શીખવા યોગ્ય હતાં – જે હું કંઈક અંશે શીખવા મથતો પણ રહ્યો છું – તેમ છતાં તે ઉપરાંતનું પણ હું તે દિવસથી શીખી ગયો હોઈશ તેમ મને મોટો થયા પછી સમજાયું છે. આજે તેની જ વાત કરવી છે.

અમારા ઘરમાં “સાલો / સાલી” પણ ન બોલાય એવી ગાળ ગણાતી. અમે રિસાઈએ ત્યારે બહુ બહુ તો “ગધેડા” “ચાંપલા” જેવી ગાળ દેતા. ગાળની સાથે તે દેવા માટેનો જે અવાજ, જે લહેકો, જે કાકુ આપણે કાને પડતા હોય છે તેનું મહત્ત્વ મને લગભગ તે જ કાળે, એટલે કે દસ વર્ષની ઉંમરે જ ધ્યાનમાં બેસી ગયું હતું. નિશાળે જતાં આવતાં રસ્તાની કોરાણે આવેલી દુકાનો પરનાં પાટિયાં ઉપર શેઠ દલીચંદ કે શેઠ શંકરલાલ લખ્યું હોય તે વાંચીને મને થતું કે કોઈને ગાળ દેતા હોઈએ એવા અવાજે, “જા જા હવે, દલીચંદ!” કહીએ તો કેવું? એકાદ વાર આવો પ્રયોગ કરેલો ત્યારે સામેનો છોકરો એકાદ ક્ષણ ગૂંચવાઈ ગયેલો; પણ પોતાને કશીક મોટી ગાળ દેવાઈ છે એમ માની લઈને એવો મારવા દોડેલો કે મને ભાગવું ભારે પડી ગયેલું. શબ્દની - એટલે કે અવાજની સુધ્ધા – શક્તિનો આ ત્રીજો પાઠ મને મળેલો.

એ પછી તો “ગાળ” ગણાતા શબ્દો ઉચ્ચારવાની જરૂર જ ના રહી. મને યાદ છે, કોલેજ કાળમાં એક છોકરાને બધા જ પ્રકારની અને બધી કક્ષાની ગાળો આવડતી અને તે સહેજ બોલાચાલી થાય તો ય હંમેશાં મોટી મોટી જ દેતો. એક દિવસ હું એના વાંકમાં આવી ગયો હોઈશ તે એણે મને એક મોટી ગાળ દીધી.

અમારા હેડમાસ્તરે શીખવ્યા મુજબ મેં તે “લીધી” તો નહીં જ પણ સામે કશી દીધી પણ નહીં. માત્ર એની સામે તાકીને એટલું જ કહ્યું કે, “તું એમ ના સમજતો કે ગાળો બધી તને જ આવડે છે; મને આવડે છે તેમાંની એકાદ પણ તને ચોપડાવીશ ને, તો તારા કાનના કીડા ખરી પડતાં વાર નહીં લાગે!!” એ મારી સામે જોઈ રહ્યો. કદાચ પોતાને આવડતી હોય તેમાંની કે તે સિવાયની કઈ ગાળ મારા મનમાં હશે તે વિચારમાં પડ્યો હોઈ શકે. એણે શું વિચાર્યું હશે તે તો કેમ જાણવા મળે; પણ એ એવું જ કંઈક વિચારે અને એ રીતે એક કે વધારે ગાળ લેતો થાય એટલો જ મારો ઈરાદો હતો. અને હા, મારું મોઢું ગંધાતું ન થાય એ તો મારે ધ્યાન રાખવાનું હતું જ ને?

મજૂર વિસ્તારમાં ઉછરેલો હોઈને હું “અપશબ્દ”ની તાકાતથી પરિચિત તો હતો; પરંતુ એના સૂક્ષ્મ અને દૂરગામી આંદોલનો અને ઠંડી શક્તિથી વાકેફ થવા લાગ્યો તેમાં મારા સાહેબે અજાણતાં જ જે ભાગ ભજવ્યો તે માટે હું તેમનો સદાયનો ઋણી છું.

સૌજન્ય : https://bhabhai.wordpress.com/2014/11/25/એમણે-મને-શીખવ્યું-કે-૩/

Category :- Opinion Online / Opinion

દરેક નવી ચૂંટાયેલી સરકાર તેના મતદારોને એક યા બીજાં વચનો આપે છે તો એમાં બી.જે.પી.ની સરકાર કેમ પાછી પડે? આધુનિકતા અને વ્યાપારને પોતાનો જીવન મંત્ર બનાવનાર રાજકીય પક્ષ પાસે બીજી શી અપેક્ષા રાખી શકાય?

આમ તો સરકારની આવી પ્રતિજ્ઞાથી લોકોને હરખ થાય તે સ્વાભાવિક છે. મારા જેવા અદકપાંસળિયાને એવા પ્રશ્નો સતાવે કે ભાઈ, ભારતને 100 સ્માર્ટ સિટીથી સજાવાશે તો બાકીનાં સાડા છ લાખ ગમાર ગામડાઓમાં રહેતી 83 કરોડ પ્રજા કેવી રીતે રહેશે? વધુ વિચારતાં ખ્યાલ આવ્યો કે લોકો શહેરો ભણી દોટ એટલે મૂકે છે કે ત્યાં એમને ધંધા-રોજગારીની તકો મળે છે. શહેરોમાં પાકા રસ્તા હોય, વીજળીના દીવા ઝગમગતા હોય, થિયેટરમાં ફિલ્મ જોવા મળે, રેસ્ટોરાંમાં જમવા જવાય, મજાનાં સ્કુટર કે ગાડીમાં ફરવા મળે અને જો નસીબ પાધરું હોય તો દેશમાં અને વિદેશમાં ય ‘હોલીડે’માં પણ જવાનું થાય.

હવે કોઈ પણ નાના કે મોટા નગર-શહેરમાં જઈને જોઈએ તો ખ્યાલ આવશે કે ત્યાં વસતી પ્રજા વાહનોના સ્પેર પાર્ટ્સ બનાવવા કે વેચવાનો ધંધો કરે અથવા તેને રિપેર કરવાનો વ્યવસાય આદરે, ફર્નીચર, ઘર વપરાશની વસ્તુઓ, ટેલિવીઝન, મોબાઈલ અને કમ્પ્યુટર જેવાં આધુનિક રમકડાંના વેચાણ-રિપેરનો વેપાર તો કૂદકે ને ભૂસકે વધવા લાગ્યો છે. હા, શાળા-કોલેજો જેવી શિક્ષણ સંસ્થાઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે અનાજ, શાક-ભાજી અને કપડાંના વેપારની હાજરી શહેરોમાં અનિવાર્ય બને છે.

મજાની વાત એ છે કે અનાજ ઊગાડતો કે ફળ-શાકભાજીની વાડીઓમાં મહેનત કરતો ખેડૂત પોતાનાં સંતાનોને પેટે પાટા બાંધીને ભણાવે (અને તે પણ શક્ય હોય તો અંગ્રેજી માધ્યમની શાળામાં) જેથી કરીને તેના સંતાનોને આવી મજૂરી ન કરવી પડે અને શહેરમાં ‘સાયબ’ જેવી નોકરી મળે, કેમ કે તેમાં પૈસો અને પ્રતિષ્ઠા મળે એમ માનવામાં આવે છે. એ ખેડૂત પોતાનું ખેતર કે વાડી જે ખેડૂત પોતે કે તેનાં છોકરાં ગામડું છોડીને શહેર ભણી દોટ ન મૂકી શક્યા હોય તેવા ભૂમિ વિહોણા મજૂરોને સોંપી દે અને પોતે ખેતર-વાડીના રોકાણના બદલામાં પાકના વેચાણમાંથી નફાનો મોટો ભાગ રાખી, બાકીનો તેના ભાગીદારોને આપીને બાપીકા ધંધાથી ધીમે ધીમે અળગો થતો જાય છે. એવા પણ કિસ્સા જોવા-સાંભળવા મળે છે કે બાપીકા ખેતરમાં સિંચાઈની સગવડ ઓછી થઇ ગઈ હોય ને પંચાયત પાસે મદદ માગવા ગયા હોય ત્યારે પાર વગરનાં ફોર્મ ભરીને તુમારશાહીમાં તેમની અરજી અટકી પડે ત્યારે બે-પાંચ લાખની લાંચ આપવાની તાકાત ન હોવાને કારણે ખેતીનો વ્યસાય સમૂળગો છોડીને ટેક્સી કે ભારે ટ્રક ચલાવવાની નોકરીમાં જોતરાવું પડે. આવી જ હાલત મોટા ભાગના ગ્રામોદ્યોગની થઈ છે. ગામડાના મોચી, લુહાર, સુતાર, વણકર અને દરજી વતન છોડી નજીકના શહેરમાં બાટા શૂઝની કંપની, ફર્નીચર બનાવતી મોટી કંપની (વિદેશી માલિકીની પણ હોઈ શકે), તોતિંગ કાપડ મિલ કે કપડાં સીવતી મહાકાય ફેકટરીમાં ‘નોકરી’ મેળવવા દોડે છે.

પશ્ચિમના એટલે કે જેને આપણે ધનાઢ્ય અને પૂર્ણ વિકસિત દેશો તરીકે ઓળખીએ છીએ તેમણે પોતાના દેશની વિકાસનો રાહ કેવી રીતે કંડાર્યો તે જાણવું રસપ્રદ થઈ પડશે. એક તો એવા દેશોમાં જ્યાં કાચો માલ પેદા થતો હોય કે આયાત કરી શકાતો હોય તે ગામ કે નાના શહેરમાં કે તેની આસપાસ નાનાં મોટાં મશીનો લઈ જઈને ઉત્પાદન શરૂ કર્યું જેથી સ્થાનિક મજ્દૂરોને રોજી મળી, એટલું જ નહીં પણ તેમની શક્તિનો ઓછા ખર્ચે ઉપયોગ પણ થયો. આપણે તો મહમ્મદ માઉન્ટન પાસે જાય તેની બદલે માઉન્ટનને મહમ્મદ પાસે લાવ્યા એટલે કે કારીગરો અને ઉત્પાદક ક્ષમતા ધરાવનારા મજૂરોને પોતાની ધરીમાંથી ખસેડીને જ્યાં મશીનોના ઢગલા ખડકી મુક્યા ત્યાં હડસેલી મુક્યા.

વળી, એક બીજી નોંધપાત્ર વાત એ શીખવા જેવી છે કે વિકસિત દેશોમાં કહેવાતા ગામડાઓ પાકા રસ્તાઓથી જોડાયેલા છે અને ગામમાં પણ ચોવીસ કલાક પાણી પૂરવઠો, વીજળી, તમામ જરૂરતો પૂરી પાડતી માર્કેટ્સ, ભૂગર્ભ ગટરો અને બીજી તમામ આધુનિક સુવિધાઓ કે જે નાનાં શહેરોમાં ઉપલબ્ધ હોય તે ભલે નાના પાયા પર પણ ગામડાંમાં મળે તેવી જોગવાઈ કરી. ભારતે પોતાના ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની બાબતમાં બિલકુલ અવગણના કરી તે તો સહુ સ્વીકારશે. એવું જ શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી સેવાઓની બાબતમાં કહી શકાય. ભારત જેની સાથે હોડમાં ઉતર્યું છે એ G 20 દેશોની સરકારોએ જેનાં પૂતળાં બનાવીને આપણે પૂજીએ છીએ એવા મહાન આર્ષદ્રષ્ટાઓના વિચારો જાણ્યે અજાણ્યે પણ અમલમાં મૂક્યા અને ખુદ આપણે તેને નેવે મૂકી દીધા.    

કોઈ ઈમારતમાં જેમ પાયો ખોદવો પડે તેમ દેશની ઈમારતનો પાયો તેની સ્વાસ્થ્ય અને આરોગ્યની વ્યવસ્થા છે. પછી પાયાની ઈંટ સમાણી શિક્ષણ પદ્ધતિ અને ત્યાર બાદ દીવાલો રૂપી આવાસ, રોજગારીની તકો, ઉદ્યોગ-ધંધાઓ, વાહન અને સંદેશ વ્યવહાર અને વ્યાપાર વાણિજ્યનું ચણતર થાય. છેવટ છત ઉપર મોટા અને ભારે ઉદ્યોગો, આધુનિક ટેકનોલોજી અને આંતરરાષ્ટ્રીય વેપારથી ઈમારાત પૂરી થયેલી ગણાય. ભારત દેશના ઘડવૈયાઓ સ્વતંત્રતા પછી ‘વિકાસ’ કરવાની ધૂનમાં છત પહેલાં બનાવવા લાગ્યા જેને કારણે છત નબળી દીવાલો પર મહા મુશ્કેલીથી ટકી રહી અને પાયાની ઈંટ અને પાયો તો ખોદાયા વિનાના જ રહી ગયા. હવે ભૂલ સમજાઈ એટલે નીચેથી ઈમારત બાંધવાનું શરૂ કરી રહ્યા છે પણ કરુણતા તો એ છે કે હજુ પણ ગામડાંઓ ભાંગીને શહેરો બનાવવાથી જ ઉધ્ધાર થશે એમ માનવામાં આવે છે.

આ 100 સ્માર્ટ સિટી બનાવવાની યોજના અંતર્ગત નવાં શહેરો બનાવવાની  નેમ નથી પણ જે શહેરો આડેધડ વિકસ્યાં છે તેમને સુવ્યવસ્થિત કરવાનો આશય છે જે બધી રીતે આવકાર્ય છે. એવાં રૂપાળાં શહેરોમાં રહેનારાઓ અને તેની સાથે વેપાર વાણીજ્ય કરનારા સહુની એવી ઈચ્છા રહેશે કે એ શહેરોમાં રસ્તાઓ, ભૂગર્ભ પાણી અને ગટરનું આયોજન થાય અને જાહેર સ્વચ્છતાને અગ્રતાક્રમ અપાય. હવે બે અને ચાર પૈડાનાં વાહનો જો શહેરી જીવનનો અનિવાર્ય હિસ્સો બન્યો જ છે (જો કે તેનાથી થતા પ્રદૂષણનો સ્વાદ ચાખવા મળ્યો છે તેથી બી.અર.ટી. નામની જાહેર બસ સેવા અસ્તિત્વમાં લાવવી પડી છે) તો વાહન વ્યવહારના તમામ નિયમોનું ચુસ્ત પણે પાલન થાય અને તેના રહેવાસીઓને કબૂતરખાના જેવાં ઘોલકા નહીં પરંતુ માનવ અધિકારનું રક્ષણ કરતા હોય તેવા માલિકીના આવાસો પૂરા પાડવામાં આવે તેવી અપેક્ષા વધુ પડતી નથી. ગામડાની ચોખ્ખી હવા-ઉજાસવાળી સ્વતંત્ર જિંદગી છોડીને અતિ ગીચ વસતીમાં રહેવાની ફરજ પડી છે તેવા લોકો માટે પૂરતા બાગ-બગીચા અને ફરવાનાં સ્થળોની જોગવાઈ કરવાથી તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને તો લાંબે ગાળે દેશને જ ફાયદો થાય. ગ્રામ્ય જીવનની એક બીજી દેણ તે માનવ માનવ વચ્ચેના પ્રેમભર્યા અનૌપચારિક અને હુંફાળા સંબંધો છે જે શહેરી જીવનના ધમાલિયા અને એક બીજાની ઓળખ વિનાના જીવનમાં ગાયબ થઈ જાય છે, તેથી શહેરોમાં નાનાં નાનાં સંકુલોમાં રહેવાસ અને પરસ્પરને જોડતી સામૂહિક પ્રવૃત્તિઓ કરવાની જોગવાઈ જ શહેર નિવાસીઓને બેદર્દ અને સ્વાર્થી બનાવતા અટકાવશે અને જીવનને હરિયાળું બનાવશે.

જો ગ્રામ્ય જીવનની ખૂબીઓને શહેરની સગવડો સાથે સમન્વિત કરવામાં આવે તો સ્માર્ટ સિટીનો પ્રકલ્પ આવકાર્ય બનશે, બાકી જો શહેરોને સ્માર્ટ બનાવવા પાછળ કેટલાક ધનાઢયો કે ઉદ્યોગપતિઓના સ્થાપિત હિતો પોષવાની ગણતરી હશે તો સરવાળે ગામડાંઓમાં રોજી રોટીની તકો ગુમાવવાને કારણે લાચાર થઈને આવેલ લોકોનું જીવન ઘાણીના બળદ જેવું દિશાહીન, બુદ્ધિહીન અને રસવિહીન જીવન જીવતા એક મતદારનું થઈ જશે જે બિલકુલ ઇચ્છનીય નહીં રહે. આપણે પ્રાર્થના કરીએ કે 100 સ્માર્ટ સિટીના આયોજન અને સુધારણા માટે તેમાં રહેનારનું હિત સચવાય અને શહેરી નાગરિકોનો અવાજ સાંભળવામાં આવે.   

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion