OPINION

ગુજરાતી સાહિત્યમાં ઘણાં બધાં પારિતોષિકો અપાય છે. કોઈક કાળે ઓછાં પારિતોષિકોની ફરિયાદ રહેતી હોય તો ભલે, પરંતુ હવે એવું નથી, એવું સર્વ કોઈ સ્વીકારશે. સ્થિતિ એટલી બદલાઈ છે કે આજે સાહિત્યમાં ગુણવત્તા ભૂતકાળના પ્રમાણમાં તો ઘટી જ છે અને પારિતોષિકોની સંખ્યા વધતી ગઈ છે. આજે સાહિત્યકારો પોતાનાં પુસ્તકોની સંખ્યાના જોરે મોટા હોવાનો દાવો કરે છે, તો બીજા કેટલાંક ઓછાં પુસ્તકો હોવા છતાં વધુ પારિતોષિકો મેળવ્યાનો દાવો પણ કરી શકે તેવી સ્થિતિ છે. મનમાં સવાલ એ થાય છે કે આવી સ્થિતિ સારી કહેવાય ખરી ?

બીજો વિચાર ‘કર્મશીલતા’નો આવે છે. ઘણા બધા સાહિત્યકારોને કર્મશીલ પણ ગણાવાય છે. ક્યારેક પોતે પણ કર્મશીલ હોવાનું સ્વીકારી લે છે અથવા એવો દાવો કરતા થઈ જાય છે. એક તરફ સમાજમાં કામો વધી પડ્યાં છે અને કામ કરનારા ઓછા છે. જેટલા લોકો લેખન તરફ વળે છે, તેટલા પ્રમાણમાં સામાજિક કાર્ય તરફ સ્વેચ્છાએ વળતા હોય એવું ઝાઝું દેખાતું નથી. કામો જરૂર થાય છે, પરંતુ આપણો દેશ અને સમાજ અને તેના પ્રશ્નો એવા તો સંકુલ અને મસમોટા છે કે ગમે તેટલું ગંજાવર કામ થયું હોય અને થતું હોય તો પણ નાનું દીસે છે. આવી પરિસ્થિતિમાં પત્રકાર કે લેખક પોતાને કર્મશીલ ગણાવે, ત્યારે થોડું વરવું લાગે છે, જેમાં ઝટ સંમત થવાનું મન થતું નથી.

ફિલોસૉફર સાર્ત્રે તો કહેલું કે ‘વિચાર એ પણ કાર્ય છે.’ પણ, પછી પ્રશ્ન એ થવાનો : કયો વિચાર અને કેવો વિચાર ? સાર્ત્રની કક્ષાએથી જે કક્ષાની વાત થઈ હોય, તેનો દલીલ તરીકે આપણી ક્ષુલ્લક વાતમાં કોઈ સહારો લે, ત્યારે મનોમન હસવું આવી જાય છે. સાર્ત્રની કક્ષાનો વિચાર કરનારા, કહીએ તો વિનોબા જેવા, આપણે ત્યાં બીજાઓ છે ખરા ? હોય તો પણ કેટલા ઓછા.

સાહિત્યને સમાજ સાથે નાભિનાળનો સંબંધ હોવાનું સ્વીકારવા છતાં બધા સાહિત્યકારોને સામાજિક નામના ખાનામાં ખતવી શકાય ખરા ? જે અર્થ અને જે સંદર્ભમાં ઈશ્વર પેટલીકર કે પન્નાલાલ કે દિલીપ રાણપુરા કે જૉસેફ મેકવાનને સામાજિક સાહિત્યકાર લેખાવી શકાય તે અર્થમાં બીજાને ગણાવી શકાય ખરા ?

આવા કંઈક વિચારો મનમાં ઘમસાણ યુદ્ધ જમાવી બેઠા હતા જ્યારે વર્ષ ૨૦૧૦નું સચ્ચિદાનંદ સન્માન ચંદ્રકાંત શેઠને, ૨૦૧૧નું રતિલાલ બોરીસાગરને અને ૨૦૧૨નું લાભશંકર પુરોહિતને તા. ૭ જૂન, ૨૦૧૪ના રોજ ચિત્રકૂટધામ, મહુવા ખાતે આદરણીય મોરારિબાપુના હસ્તે ગુજરાતી સાહિત્યના પ્રમુખ ધીરુભાઈ પરીખની હાજરીમાં અપાઈ રહ્યું હતું.

પેટલાદના દંતાલી ખાતે નિવાસ કરતા સ્વામી સચ્ચિદાનંદે સાહિત્ય પરિષદને જ્યારે આ સન્માન માટે જે કંઈ રકમ આપી હશે, ત્યારે સાહિત્ય અને સમાજ વચ્ચેના સંબંધો ગાઢ હોય અને એવું સાહિત્ય લખતા હોય તેવાને તે અપાય એવો જ વિચાર હશેને ? એટલે તો ગુજરાતી સાહિત્ય પરિષદ જેમને આ સન્માન આપે છે, તે બધાને ‘કર્મશીલ’ ગણાવવાનો પુરુષાર્થ કરે છે !

શરૂઆત ૧૯૯૭માં ભોગીલાલ ગાંધીને આ સન્માન આપવાથી થયેલી. પછી તે નિરંજન ભગત(૧૯૯૯)ને પણ અપાયું. ગુણવંત શાહ(૨૦૦૧)ને પણ અપાયું. ધીરુભાઈ પરીખ(૨૦૦૪)ને અપાયું. અત્યાર સુધીમાં કુલ સોળ સાહિત્યકારોને અપાયું. એમાં નથી જૉસેફ મેકવાન, નથી દિલીપ રાણપુરા કે નથી ધ્રુવ ભટ્ટ !

ગુજરાતી સાહિત્ય પરિષદ શતાયુ બની છે, તેનું આપણે ગૌરવ લઈએ તે સારુ છે. પરંતુ જે રીતે આ સન્માન જેમને અપાય છે, તે બાબતે ચર્ચાવિચારણા પણ ન કરીએ તો તે વાજબી નથી. સચ્ચિદાનંદ સન્માન માટેની કોઈ નિર્ણાયક-સમિતિ નથી. સન્માન પ્રતિવર્ષ એક સાહિત્યકારને અપાય છે. પરિષદના ટ્રસ્ટીમંડળના સભ્ય રઘુવીર ચૌધરીએ જાહેર સમારંભમાં એવું કહ્યું કે ટ્રસ્ટીઓ વાતચીત કરીને, પ્રમુખની સંમતિથી આ નિર્ણય લે છે. આને બહુ સંયત રીતે કુલડીમાં ગોળ ભંગાતો હોવાનું કહી શકાય ? સમાજમાં પારદર્શકતાની ઝંખના વધી છે. અગાઉ ચાલ્યું એવું હવે ચાલવાનું કે ચલાવવાનું નથી. લોકશાહી સરકારો માહિતી અધિકાર આર.ટી.આઈ. સુધી પહોંચી ગઈ છે, ત્યારે આપણે નિર્ણાયક-સમિતિઓ પણ ન રચીએ અને તે જાહેર ન કરીએ, તો તે કેટલું યોગ્ય કહેવાય ? સવાલ કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાનો નથી. સવાલ વિશ્વસનીયતાનો, જવાબદારીનો અને પારદર્શિતાનો છે. આ લઘુતમ અપેક્ષા છે.

સમાજમાં અને સાહિત્યમાં જે કંઈ ચાલી રહ્યું છે, તેને તટસ્થતાથી મૂલવવાનું વલણ સમાજમાં ઓછું થતું જાય છે એ ખરી ચિંતાનો વિષય છે. પછી બધાંને ફાવતું થઈ જતું હોય છે. મૂલ્યનાં ધોરણો જળવાય તે માટેની કડક પરીક્ષા અને આલોચના ન થાય તે કેમ ચાલે ? આપણે ત્યાં વિચારપત્રો છે પણ તેમાં પૂર્વગ્રહ અને વ્યક્તિલક્ષી વિચારણાઓ પ્રવેશી જાય છે, જે ચર્ચાના સ્તરને દોદળું અને નકામું બનાવી મૂકે છે. સાહિત્યનાં સામયિકો પણ ડઝનબંધી છે. તેમને કદાચ આવા વિષયોમાં પદાર્પણ કરવા જેવું પણ લાગતું નથી. જે કંઈ સર્જન થયું તે છપાવવામાં અને આવી મળે તે છાપવામાં બધા રત છે ... ઑલ ઇઝ વેલની આલબેલ પોકારી શકાય તેમ તો નથી જ નથી.

મિત્રો, થોડી વધુ ગંભીરતાથી ન વિચારીએ ?

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ. 15-16

Category :- Opinion Online / Literature

વીતેલા સપ્તાહમાં અમેરિકાનાં એક ડઝનથી વધારે મુખ્ય શહેરોનો માહોલ ઉગ્ર બન્યો હતો. એમાં ય, ફર્ગ્યુસન ઉપરાંત ઓકલેન્ડ, કેલિર્ફોિિનયા વગેરે જગ્યાએ રમખાણો ફાટી નીકળ્યાંહતાં. આ રમખાણો પાછળનું કારણ હતું, ફર્ગ્યુસનના ૧૮ વર્ષીય અશ્વેત તરુણ માઇકલ બ્રાઉનનું કમોત. ૯ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ એક પોલીસે માઇકલ પર માત્ર શંકાના આધારે ધડાધડ બાર ગોળીઓ છોડીને તેને ઠાર માર્યો હતો અને એ કેસમાં કોર્ટે પોલીસ અધિકારીને નિર્દોષ છોડી મૂકતાં ફર્ગ્યુસનના લોકો અકળાયા હતા અને આક્રોશની આગ સમગ્ર અમેરિકામાં ફેલાઈ ગઈ. અમેરિકાએ આજે ભલે એક અશ્વેતને રાષ્ટ્રપ્રમુખ બનાવ્યા છે, છતાં વંશીય ભેદભાવમાંથી અમેરિકા સાવ બહાર આવી ગયું નથી, તેનો આ તાજો પુરાવો છે. જો કે, આજે એક સકારાત્મક વાત કરવી છે અને એ પણ એક ઐતિહાસિક સંઘર્ષની. કાલે એટલે કે પહેલી ડિસેમ્બરે એ ઘટનાને ૬૦મું વર્ષ બેસશે.

આ ઘટના છે, અલબામાના મોન્ટગોમરી શહેરની. ૧ ડિસેમ્બર, ૧૯૫૫ની સાંજે શહેરના લોકો નોકરી-ધંધા પરથી પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા. એક સિટી બસમાં ૪૨-૪૩ વર્ષનાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં દરજીકામ કરતાં એક અશ્વેત બહેન ચડયાં અને ગોરાઓ માટે આરક્ષિત રાખેલી સીટ ખાલી હોવાથી બેસી ગયાં. આગળ જતાં ગોરા મુસાફરો બસમાં ચડયા પણ જગ્યા નહોતી. બસના ડ્રાઇવરે ગોરાઓ માટે આરક્ષિત રાખેલી બેઠકોમાં બેસી ગયેલા અશ્વેત લોકોને તિરસ્કારપૂર્વક સીટ ખાલી કરીને બસની પાછળની તરફ ચાલ્યા જવાનું કહ્યું. અન્ય અશ્વેત મુસાફરો ઊભા થઈને બસની પાછળ ગયા પણ પેલા બહેન ઊભાં ન થયાં, એ જોઈને ડ્રાઇવર અકળાયો અને બસ ઊભી રાખીને બહેનને ધમકાવવા લાગ્યો. જો કે, પેલા બહેને તો નમ્રતાપૂર્વક કહી દીધું કે હું સીટ પરથી ઊભી નહીં થાઉં ! ધૂંઆપૂંઆ થયેલો ડ્રાઇવર બસમાંથી ઊતરીને પોલીસવાળાને લઈ આવ્યો, જેમણે પેલાં બહેનને પકડીને જેલમાં લઈ ગયાં.

બહેનને થોડા કલાકોમાં જામીન તો મળી ગયા, પણ પાંચમી ડિસેમ્બરે તેમના પર કેસ શરૂ થવાનો હતો. આ ઘટનાએ શહેરના અશ્વેત લોકોને ભેદભાવયુક્ત વ્યવસ્થા અને કાયદા સામે સંઘર્ષ કરવા સાબદા કર્યા. પાંચમી ડિસેમ્બરે એક તરફ પેલાં માનુની પર કેસ ચાલ્યો અને બીજી તરફ સિટી બસના બહિષ્કાર સાથે શરૂ થયું નાગરિક અધિકાર આંદોલન. કોર્ટે જિમ ક્રો લો નામના અશ્વેત લોકો સાથે ભેદભાવ કરતા કાયદા અંતર્ગત સજા અને દંડ ફટકાર્યો, પણ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. એક તરફ સુપ્રીમમાં કોર્ટ ચાલ્યો અને બીજી તરફ બસનો બહિષ્કાર, જેનું નેતૃત્વ ગાંધીજીના અહિંસક વિચારોમાં માનનારા માર્ટિન લ્યુથર કિંગને સોંપવામાં આવ્યું હતું. મોન્ટગોમરીમાં વસતાં ૧૭,૦૦૦ આફ્રિકન-અમેરિકન લોકોએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ લગભગ એક વર્ષ સુધી બસનો બહિષ્કાર ચાલું રાખ્યો.

આખરે સુપ્રીમ કોર્ટે ભેદભાવયુક્ત કાયદો ગેરબંધારણીય હોવાનો ચુકાદો આપ્યો અને અશ્વેત લોકો સાથેની ભેદભાવપૂર્વ વ્યવસ્થા નાબૂદ કરવામાં આવી. ભેદભાવમુક્ત સિટી બસમાં સૌથી પહેલાં પેલા બહેનને બેસાડવામાં આવ્યાં, જેમણે અન્યાય સામે નમ્ર છતાં મક્કમપણે વ્યક્તિગત જંગ છેડી હતી. એ ગૌરવવંતા-ગૌરવદાતા મહિલાનું નામ છે - રોઝા પાર્ક્સ, જેમને અમેરિકામાં 'મધર ઓફ ધ સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ' તરીકે આજે પણ સન્માનવામાં આવે છે અને યુએસ કેપિટલના સ્ટેચ્યુટરી હોલમાં તેમની પૂર્ણકદની પ્રતીમા ઊભી કરવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં નાગરિક આંદોલન ક્ષેત્રે રોઝા પાર્ક્સ એક પ્રભાવી અને પ્રેરણાદાયી નામ છે, જેમને નેલ્સન મંડેલા પણ પોતાના 'હીરો' ગણતા હતા.

રોઝા પાર્ક્સના એક નાનકડા અને સહજ પગલાંએ અશ્વેત લોકોને થતાં અન્યાય વિરુદ્ધના સંઘર્ષને ચિનગારી પૂરી પાડી હતી, જે માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં ઐતિહાસિક અહિંસક આંદોલન બન્યું હતું. બસ બહિષ્કાર સમયે કિંગના ઘર પર બોમ્બ ફેંકાયો હતો અને છતાં કિંગે અશ્વેત લોકોને હિંસાનો સામનો અહિંસાથી કરવા સમજાવ્યા હતા. આજે ફરી અમેરિકામાં અશ્વેત લોકો અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે રોઝા પાર્ક્સ અને માર્ટિન લ્યુથર કિંગના સંઘર્ષ અને સંદેશને યાદ કરી લેવાનો તકાજો ઊભો થયો છે.        

e.mail : [email protected]

સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કટાર, “સંદેશ”, 3૦ નવેમ્બર 2014 

Category :- Opinion Online / Opinion