OPINION

ત્રણ દિવસ અંધાપો જતો રહે તો ....

હેલન કેલર [અનુવાદ : જયંત મેઘાણી]
18-01-2015


મને હંમેશાં લાગ્યું છે કે દરેક માણસને મોટી ઉંમરે થોડા દિવસ અંધાપો અને બહેરાશ મળે તો એ એક દૈવી આશીર્વાદ નીવડે. આંખોમાં અંધકાર હોય એ પરિસ્થિતિ એને ચક્ષુઓનું મૂલ્ય સમજાવે; મૌન થકી તેને ધ્વનિનો આનંદ સમજાય. મારા દેખતા મિત્રો ખરેખર શું જુએ છે તેનો મેં અવારનવાર ખ્યાલ મેળવ્યો છે. થોડા દિવસ પહેલાં મારાં એક મિત્ર વનમાં ફરી આવેલાં. એમને મેં પૂછ્યું, “જંગલમાં શું શું જોવા મળ્યું?” તો કહે, “ખાસ તો કાંઇ નહીં.” 
         

મેં મારી જાતને પ્રશ્ન કર્યો, ‘અરે, એક કલાક જંગલમાં લટાર મારીએ તો કશું નોંધપાત્ર જોવા ન મળે એ તે કેવી વાત?’ આંખો વિનાની હું અપરંપાર મજાની વસ્તુઓને માત્ર સ્પર્શ વડે અનુભવી શકું છું : પાંદડાંના નાજુક આકાર પામી શકું છું, સરસ મજાના વૃક્ષની મુલાયમ છાલ પર હાથ ફેરવી શકું છું, અથવા કોઈ ઝાડની ખરબચડી છાલને સ્પર્શ થકી પારખી શકું છું. શિયાળો પૂરો થાય, વસંત હજુ બેસતી હોય અને ઝાડની ડાળો ઉપર હાથ ફેરવીને નવી કૂંપળ ફૂટી કે નહીં એ ‘જોઈ’ શકું છું. અને, બહુ નસીબદાર હોઉં તો, કોઈ નાના ઝાડની ડાળને અડીને પંખીઓના કલશોરનાં સ્પંદનો પામી શકું. 
         

કદીક મારું હૃદય આ બધી વસ્તુઓને ખરેખર જોવા માટે આર્તસ્વર કાઢી બેસે છે. સ્પર્શમાત્રથી હું આટલો બધો આનંદ મેળવું છું, તો એ બધું સાચેસાચ નજરે જોઈ શકું તો કેટલા અધિક સૌંદર્યનું પાન કરી શકું!  અને પછી કલ્પનાના ઘોડે ચડું : જો ત્રણ દિવસ માટે મારો અંધાપો જતો રહેવાનો હોય તો હું શું શું જોઈ લેવા ઝંખું? 
         

એ અણમૂલ ત્રણ દિવસને ત્રણ હિસ્સામાં વહેંચું. પહેલા દિવસે શું કરું? સ્નેહ અને સોબત આપીને મારા જીવનને મધુર બનાવનાર લોકોને પ્રત્યક્ષ જોવા ઇચ્છું.  આંખને આત્માની બારી કહી છે, પણ મને ખબર નથી કે મિત્રના હૃદયને તેના વડે કઈ રીતે નીરખી શકાય. હું તો કોઈ ચહેરાને મારી આંગળીઓનાં ટેરવાં વડે જ ‘જોઈ’ શકું છું. સ્પર્શ થકી જ હાસ્ય, હતાશા અને બીજી અનેક અનુભૂતિઓને હું પામી શકું છું. મિત્રોને એમના ચહેરાના સ્પર્શ થકી પારખી શકું છું. ઓહો, તમે સહુ તો કેટલી સરળતાથી, બહેતર રીતે અને તત્ક્ષણ કોઈના ચહેરાના મરોડોને, એમના સ્નાયુઓનાં સ્પંદનોને, હસ્તમુદ્રાઓને જોઈ શકો છો! પણ તમને દૃષ્ટિનો ઉપયોગ બીજાના અંતર-વૈભવને નિહાળવા માટે કરવાનો વિચાર આવ્યો છે? મોટા ભાગના લોકો માત્ર ચહેરાના બાહ્યાકારને જોઈ લેવામાં ઇતિશ્રી માનતા નથી?

ઉદાહરણ આપું : તમારા પાંચેક મિત્રોના ચહેરાનું ઝીણવટભર્યું વર્ણન કરી શકો? મેં પ્રયોગ કર્યો :  મેં કેટલાક પુરુષોને એમની પત્નીઓની આંખોનો રંગ પૂછી જોયો છે, પણ થોડા ઝંખવાઈને એમણે કહ્યું છે કે એમને તેનો બરાબર ખ્યાલ નથી. 
                    
         

ઓહ, મને ત્રણ જ દિવસ આંખો પાછી મળે તો શું શું જોઉં?

પહેલો દિવસ તો ભરચક હશે. મારા બધા પ્યારા મિત્રોને બોલાવું, એમના ચહેરાઓને લાંબા સમય સુધી નીરખી રહું, અને એમના બાહ્ય સૌંદર્યની રેખાઓને મારા અંતરમાં અંકિત કરી લઉં. મારી નજરને કોઈ શિશુચહેરા પર સ્થિર થવા દઉં અને મોટપણે નઠારા જીવનાનુભવોથી ખરડાઈ જાય એ પૂર્વેના તેના વિસ્મિત-નિર્મળ સૌંદર્યને મારા અંત:સ્તલમાં ઉતારી લઉં. જેનું પઠન જ મેં સાંભળ્યું છે અને જેમણે માનવહૃદયનાં ગહન જળમાં મને ઝબોળી છે એ પુસ્તકોના મારે પ્રત્યક્ષ દર્શન કરવાં છે. અને મારા વફાદાર શ્વાન-મિત્રોની ઇતબાર-ઝરતી આંખોમાં મારે નજર પરોવવી છે.

નમતી સાંજે વનાંચલમાં જરી ઊતરીને પ્રકૃતિની સુંદરતા મારી આંખોમાં આંજી લેવી છે. અને પછી ભવ્યાતિભવ્ય સૂર્યાસ્ત જોવા પામું એવી મારી પ્રાર્થના છે. માનું છું કે એ રાત્રે મારી આંખો મટકું નહીં મારી શકે.

બીજો દિવસ : પ્રભાતના પ્રથમ કિરણ સાથે મારે જાગવું છે અને રાત્રિનાં અંધારાં  દિવસના ઉજાસમાં પલટાઈ જાય છે એ ઘટનાનું રોમહર્ષણ માણવું છે. સૂરજ આ પૃથિવીને નીંદરમાંથી ઢંઢોળે છે એ પ્રકાશ-પર્વની ભવ્ય ક્ષણનું દર્શન કરવું છે.  
          

આજે મારે આ જગતના વર્તમાન અને અતીતની ઉતાવળી ઝાંખી કરવી છે. મનુષ્યની પ્રગતિનું કૂચદૃષ્ય જોવા માટે મારે સંગ્રહસ્થાનોમાં જવું છે. ત્યાં મારી આંખો જોશે સૃષ્ટિનો સંક્ષિપ્ત ઇતિહાસ : પ્રાણીઓ અને માનવીની જૂજવી જાતિઓ તેના તળપદ વાતાવરણમાં કેવી રીતે વસી હશે તેનાં ચિત્રો મને જોવા મળશે. સાધારણ કદના પણ અતિ શક્તિવંત મગજવાળા મનુષ્યે પ્રાણીજગત ઉપર વિજય મેળવ્યો એ પહેલાં જે મહાકાય પ્રાણીઓ વિચર્યાં હશે તેના દેહ-નમૂના મારે જોવા છે. 
         

એ પછી મારે કલાના સંગ્રહાલયમાં પહોંચવું છે. સ્પર્શેન્દ્રિય થકી પ્રાચીન નાઈલ-ભૂમિનાં દેવ-દેવીઓની પ્રતિમાઓને હું પિછાની શકી છું, ગ્રીસ અને રોમની સંસ્કૃિતઓનો પરિચય મેળવ્યો છે, મહાકવિ હોમરના દાઢીએ શોભતા ચહેરાની હું ચાહક છું – એમને પણ અંધાપાનો અનુભવ હતો ને! 
         

એટલે, આજે બીજા દિવસે માનવીની કલાસિદ્ધિ વાટે તેના આતમ સુધી પહોંચવું છે. સ્પર્શથી જે અનેક બાબતો મેં અનુભવી છે એ હવે ચક્ષુઓથી આતમમાં ઉતારવી છે. માનવીની ચિત્રકલાનું ભવ્ય જગત મારી સમક્ષ થશે. પણ હું તો કલાનું સાવ ઉપરછલ્લું દર્શન જ પામી શકીશ એ જાણું છું, કારણ કે કલાની ઊંડી સમજ પામવા અર્થે તો દૃષ્ટિને કેળવવાની હોય છે. રેખાઓ, રંગો અને આકૃતિઓનાં સંયોજનો સમજવા માટે કેટલું શીખવું પડે! મારે આંખો હોત તો હું આવા મુગ્ધકર પરિશીલનની દિશા પકડત. 
         

મારા આ બીજા દિવસની રાતે હું કોઈ નાટક કે ફિલ્મ જોવા જાત. ઓહો, હૅમ્લેટના ચહેરાને અને બીજાં પાત્રોને એ જૂના એલિઝાબેથ-કાળના પરિધાનમાં નિહાળવાં છે. સ્પર્શથી પામી શકાય એટલું જરીક જ તાલતત્ત્વ અત્યારે હું માણી શકું છું. કોઈ નૃત્યકારની નમણી અંગભંગિઓ હું અલ્પ જ સમજી શકું છું, ભલે હું તાલના આનંદને ક્યારેક મંચ ઉપર રમતાં આંદોલનો મારફત ઝીલી શકતી હોઉં. મંચ ઉપરનાં ચલન જગતનાં શ્રેષ્ઠ દૃષ્યો હશે એ હું સમજું છું. આરસની પ્રતિમાઓ પર અંગુલિઓ પસવારીને હું થોડું પ્રતિમા-દર્શન કરી શકતી હોઉં, એ સ્થિર જણસનું સંવેદન મને સૌંદર્યનો અનુભવ આપી શકતું હોય, તો કોઈ ચલનવતી દૃષ્યાવલીને જીવતી આંખે જોવાની અનુભૂતિ કેટલી ઉત્કૃષ્ટ હશે!       
         

વળતી સવારે, ફરી પાછી હું નવલ ઉષાનાં સૌંદર્યોને, નિત્યનૂતન આનંદને સત્કારવા સજ્જ હોઈશ. આજે આ ત્રીજા દિવસે હું જગતના કર્મપરાયણ માનવ-સંસારને જોવા તત્પર રહીશ; એ માટે નગર તરફ પ્રયાણ કરીશ. 
         

પહેલા તો હું ન્યૂયોર્ક નગરના ધમધમતા મહામાર્ગને ખૂણે ઊભી રહું. મારે નગરજનોની રોજિંદી જીવન-ઘટમાળ જરીક જોવી છે. માણસોના મુખમલકાટ જોઇને હું ખુશ થાઉં. એમના મુખારવિંદ પર આત્મવિશ્વાસ ચિતરાયેલો નીરખીને મારા અંતરમાં ગૌરવનો સંચાર થાય. અને પીડન જોવા પામું છું ત્યારે કરુણાનો ભાવ થાય. 
         

કલ્પનામાં રાચું છું : નગરના રાજમાર્ગ પર હું ટહેલું છું. મારે કોઈ અમુક વસ્તુઓ જોવી નથી; બસ, નજરને મોકળી મેલીને રંગોની વિસ્તરતી સૃષ્ટિ નિહાળું છું. ખાતરી છે કે વિધવિધ રંગોનાં પરિધાનમાં શોભતાં સ્ત્રીવૃંદો નીરખતાં મારી આંખો કદી ન થાકે. પણ મારે આંખો હોત તો હું પણ બીજી સ્ત્રીઓ જેવી જ હોત – પોષાકોનાં અવનવાં રીતિઓ અને રંગો ધારણ કરીને સમુદાયમાં રંગોની રેલમછેલ વહેવરાવવાનું મને ગમત. 
         

રાજમાર્ગ પરથી હું નગરયાત્રાએ નીકળી પડત :  ઝૂંપડપટ્ટીઓમાં, કારખાનાઓમાં, બાળ-ક્રીડાંગણોમાં પહોંચત. અને વિદેશીઓના જ્યાં વસવાટ હોય એવા વિસ્તારોનાં ઘરોમાં જઈને એમની જીવનરીતિની ઓળખ પામત. મારે માનવ-સમાજને બરાબર સમજવો છે તેથી હું હંમેશા લોકોનાં સુખ-દુ:ખને બરાબર પિછાનવા ચિત્તની બારી ઉઘાડી રાખું છું. 
         

દેખતી જિંદગીનો ત્રીજો ને છેલ્લો દિવસ હવે અસ્ત થવાનો હશે. આ આખરી પ્રહરમાં કેટલી ય ગંભીર પ્રવૃત્તિઓ કરવામાં મને રસ છે ખરો, પણ ના, જીવ, આજે છેલ્લી સંધ્યાએ પણ મારે તો કોઈ નાટક જોવા જતા રહેવું છે : મારે જોવું છે કોઈ ખડખડાટ હાસ્ય-છોળો ઉડાડનાર નાટક, કારણ કે માનવપ્રકૃતિમાં નર્મમર્મના લસરકા કેવા ઉપયોગી છે એ પણ મારે સમજવું છે.  
         

મધરાત : ફરી પાછી શાશ્વત અંધકારામાં હું સમાઈ જવાની છું. એ નાનકડા ત્રણ દિવસમાં મારે જોવું હોય એ બધું તો ક્યાંથી જોઈ શકી હોઉં? જ્યારે પૂર્ણ અંધકાર મારા વિશ્વ પર છવાશે ત્યારે જ મને સમજાશે કે કેટલું બધું અણદીઠું રહી ગયું!  
         

જો જાણો કે અંધાપો તમને આંબી જવાનો છે તો તમે મારા જેવું જ સમયપત્રક બનાવો એવું નથી. પણ તમારે ભાગે એવી નિયતિ આવે તો તમે આંખોનો કદી ન કર્યો હોય એવો ઉપયોગ કરી લેવા ઇચ્છશો. તમે સૃષ્ટિમાં જે કાંઈ નિહાળ્યું હશે એ તમને પ્રિય થઈ પડશે. તમારી ચોપાસ જે વસ્તુઓ પથરાયેલી છે એ બધી ચક્ષુઓમાં ઉતારી લેવા તમે તત્પર રહેશો. અને ત્યારે, છેવટે, તમે સૃષ્ટિને ખરેખર નીરખશો, સૌંદર્યની એક નવી જ દુનિયા તમારી સમક્ષ ખૂલી જશે. 
         

હું અંધ નારી બીજું તો શું કહું, પણ જે લોકો દૃષ્ટિનું વરદાન પામ્યાં છે એમને એક સૂચન કરું : આવતી કાલે અંધાપો આવવાનો છે એમ માનીને તમારાં નેત્રોનો ઉપયોગ કરજો. અને, અન્ય ઇન્દ્રિયોની બાબતમાં પણ એવું જ કરજો : ગીતો સાંભળજો, પંખીગાન સુણજો, અનેક વાદ્યોના લહેરાતા સમૂહ-સ્વરોને કાનમાં ભરી લેજો – એમ માનીને કે આવતીકાલે જ તમે શ્રવણેન્દ્રિય ગુમાવવાના છો. દરેક પદાર્થને એમ સમજીને સ્પર્શી લેજો કે તમે સ્પર્શનું સંવેદન ખોઈ બેસવાના છો. હરએક પુષ્પના પરિમલનું પાન એ રીતે કરી લેજો કે જાણે ગંધ તમારા નાસિકાદ્વારે પછી આવી શકવાની નથી. પ્રિય સ્વાદ માણી લેજો – કદાચ સ્વાદેન્દ્રિય દગો દેવાની હોય. સર્વ ઇન્દ્રિયોને મહત્તમ માણજો, આનંદનો પ્રત્યેક આહ્‌લાદ ગ્રહી લેજો. પ્રકૃતિએ નિર્મેલાં સૌંદર્ય અને આનંદનાં સકલ નિમિત્તો સેવી લેજો, પણ સર્વ ઇન્દ્રિયોમાં ચક્ષુ એ સહુથી વધુ આનંદદાયક છે એવું માનજો.

[‘રીડર્સ ડાયજેસ્ટ’, મે 2002]

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

A Glimpse in Past

-
04-12-2014

Category :- Opinion Online / Photo Stories