OPINION

શિક્ષણની અને અધ્યાપનની દૃષ્ટિએ હું વિજ્ઞાનનો અભ્યાસી કહેવાઉં. મેં કોઈ વિધિવત્‌ સાહિત્યનું શિક્ષણ મેળવ્યું નથી, એટલે સાહિત્ય વિશે હું જે કાંઈ શીખ્યો છું, તેનો એક સ્રોત તો વિવિધ સાહિત્યના અનુશીલનનો રહ્યો છે અને બીજો જે અત્યંત અગત્યનો સ્રોત છે, તે મારા સદ્દ‌ભાગ્યે ગુજરાત ભારતના કેટલાક પ્રમુખ સાહિત્યસર્જકોના સંપર્કમાંથી પ્રાપ્ત થયેલો છે. આવા જે સાહિત્યસર્જકો, જેમની પાસેથી મને કાંઈ શીખવા મળ્યું છે તેમાં એક અગત્યનું નામ છે, દર્શક.

કેટલાક દસકાઓ પહેલાંની વાત છે. અમદાવાદમાં એક સાહિત્યકારમિત્રને ત્યાં હું એક રવિવારે બપોર પછીના ચાના સમયે ગયો હતો. દર્શક પણ ત્યાં હતા. દેશવિદેશની સામાજિક-રાજકીય પરિસ્થિતિ વિશે ચર્ચાનો દોર ચાલતો હતો. ત્યારે હજુ દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિથી ચાલતી હકૂમત હતી. ભેદભાવ અને ધિક્કારના પાયા પર ચાલતી કોઈ હકૂમત ઇતિહાસમાં ઝાઝું ટકી નથી જાણી એવો સૂર દર્શકનો હતો. સંજોગોવશાત્‌ મારા થેલામાં ત્યારે મારી પાસે કમ્પ્યુટર નહોતું પણ થેલો તો હતો. દક્ષિણ આફ્રિકા વિશેની સુપ્રસિદ્ધ નવલકથા  Cry the Beloved Countryના લેખક એલન પેટનનું એક પુસ્તક હતું. દર્શકે એ વાંચવાની ઇચ્છા બતાવી અને વાંચવા માટે લઈ ગયા. અભ્યાસ માટેનો એક ગ્રંથ હોય એવી દૃષ્ટિથી એ પુસ્તક એમણે લીધું હતું. નોંધપાત્ર વાત એ છે કે ત્યારે દર્શક એક સિદ્ધહસ્ત નવલકથાકાર તરીકે પ્રતિષ્ઠિત હતા. અન્ય કારીગરે તૈયાર કરેલી જણસને કોઈ કારીગર ઝીણવટથી જોવા માટે કેમ લઈ જાય, એવી જિજ્ઞાસાથી, દૂરના કોઈ ખૂણેથી સામાજિક રાજકીય વિષમતા સામે માનવતાનો બોધ કરતી એ કૃતિને દર્શક લઈ ગયા હતા. સારો કલમકાર ગમે તેટલો પીઢ હોય પણ નવો કસબ શીખવાની પળ ઝડપી લેતો હોય છે. તેવા કલાકારનું નામ દેતાં દર્શકનું ચિત્ર મારા માનસપટ પર આજે દેખાય છે.

એક બીજું સ્મૃિતચિત્ર. બોસ્ટન પાસેના એક ગામમાં ઘેર અમે સાંજે નિરાંતે બેઠા છીએ. હજુ સાંજના વાળુને થોડી વાર છે. દેશવિદેશના સમાજનીતિના, રાજનીતિના, તત્ત્વદર્શનના એમ વિવિધ વિષયો ઉપર અમે વાતો કરતા હતા. તે વખતે એમના સાથે લોકભારતીમાંથી અન્ય એક અધ્યાપક અને બીજા પણ એક ગ્રામસેવામાં કાર્ય કરતા મોટા ગજાના સમાજસેવક હતા, તે પણ આવ્યા હતા. ત્યાં દર્શકે જોયું કે બેઠકખંડમાં બે કન્યાઓ, બહેનો, હમણાં જ આવી છે. ત્યારે એ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં હશે. એટલે દર્શકે બીજી બધી વાત સમેટી લઈને એ બે દીકરીઓને પાસે બોલાવી પૂછ્યું. “વારતા સાંભળવી છે ?” એવું કયું બાળક હોય કે વારતા સાંભળવાની ના કહે. દર્શકે વારતા કહેવાનું શરૂ કર્યું. જાણે ગામને ચોતરે હકડેઠઠ દરબાર જામ્યો હોય અને કોઈ મેઘાણી કોઈ ગઢવીની કે ચારણની સૌરાષ્ટ્રની રસભીની બાનીથી શ્રોતાઓને ભીંજવતા હોય એમ વારતા ચાલી. નાનામોટા બધાએ મંત્રમુગ્ધ થઈને વારતા માણી. અને એમની વાણીનો જાદુ તો એવો હતો કે લગભગ વારતા અડધે સુધી આવી ત્યાં સુધી ક્યાંક સાંભળેલી હોય એવી લાગતી, એ વારતા હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસનની વારતાનું દર્શકે કરેલું શીઘ્ર રૂપાંતર છે, એ વાત મારા ધ્યાનમાં આવી નહોતી. સાહિત્યનો રસ દેશવિદેશનાં, વયનાં કે શિક્ષણનાં, ભૂગોળનાં કે ઇતિહાસનાં બધાં વિઘ્નો બોટીને કેવી સહજ રીતે વક્તા-શ્રોતાઓ વચ્ચે સેતુ સ્થાપી શકે છે, એનું આબેહૂબ જીવંત દૃષ્ટાંત એટલે દર્શક એમ કહી શકાય.

આપણે ઘણી વાર સાહિત્યના કે સંગીતના કાર્યક્રમોમાં જઈએ છીએ, ત્યારે જો શ્રોતાઓની હાજરી ઓછી હોય, તો કલાકારને ગોઠતું નથી હોતું. કહેવાય છે કે કલાકાર બરાબર ખીલતા નથી. પરંતુ એક પ્રસંગે ચારપાંચ શ્રોતાઓ સમક્ષ દર્શકે ‘અંતિમ અધ્યાય’નું નાટ્યપઠન કર્યું હતું, જાણે પ્રેક્ષકગૃહમાં સેંકડોની મેદની સમક્ષ વાંચતા હોય તેમ. તે દૃશ્ય વર્ષો પછી પણ હજુ મને બરાબર યાદ છે. વળી, બીજી એક વાર એમણે ‘કુરુક્ષેત્ર’ની હસ્તપ્રતમાંથી શરૂઆતનું પ્રકરણ વાંચ્યું હતું, ત્યારે તો વક્તાને ગણતાં ય ત્રણ જ શ્રોતાઓ હતા. પણ દર્શકે રસ એવો જમાવ્યો હતો જાણે વક્તા અને શ્રોતા સૌ કુરુક્ષેત્રની ભૂમિ પર પહોંચી ગયા હોઈએ. સાહિત્યના આહ્લાદનો આધાર શ્રોતાઓની સંખ્યા ઉપર નહીં, પરંતુ કૃતિના રસના અનુભૂતિ ઉપર હોય છે, એ વાત મને ત્યારે દર્શક પાસેથી શીખવા મળી હતી.

બોસ્ટન આવ્યા હતા, ત્યારેની એક બીજી વાત છે. થોડેક દૂર આવેલા લોવેલ શહેરમાં સાંજે એમનું પ્રવચન હતું. બેત્રણ દિવસથી અમારે વાત ચાલતી હતી, એમને ઇચ્છા હતી કે અબ્રાહમ લિંકન ઉપર એક ઐતિહાસિક નવલકથા લખવી. એમના માર્ગદર્શન મુજબ પુસ્તકાલયમાં પણ લિંકન વિશેનાં વિવિધ પ્રકારનાં પુસ્તકો, જીવનચરિત્રો, અમેરિકી આંતરવિગ્રહ વિશેના ઐતિહાસિક દસ્તાવેજો વગેરે વિશે અમે તપાસ કરી રાખી હતી. પછી બપોરે વહેલા નીકળી અમે હાર્વર્ડ વિશ્વવિદ્યાલય પાસેના ચોકમાં આવેલી પુસ્તકોની દુકાનોમાં જવાનો કાર્યક્રમ કર્યો. ત્યાં ચારેક મુખ્ય દુકાનો છે, એમાં અમે ફર્યા. કોઈ અનુસ્નાતક કક્ષાનો વિદ્યાર્થી હોય એટલા ઉત્સાહ અને જિજ્ઞાસાથી એમણે પુસ્તકો જોયાં અને ખરીદ્યાં. પ્રવચન માટે મોડા પડીશું એમ ઘડિયાળ બતાવી, માંડ એમને પુસ્તકભંડારમાંથી બહાર કાઢ્યા. ત્યાર પછીના થોડા દિવસો દરમિયાન એમની સૂચના મુજબ લિંકન વિશેનાં જે પુસ્તકો ભેગાં કર્યાં હતાં, તેનાથી ટપાલીનો સૌથી મોટો એવો એક થેલો ભરાઈ ગયો હતો. એક સિદ્ધહસ્ત નવલકથાકાર એમની પાકટવયે ઐતિહાસિક નવલકથા લખવા બેસે છે ત્યારે જાણે પહેલી જ વાર ઐતિહાસિક નવલકથા લખવાની હોય તેમ ચીવટ અને ચકાસણીપૂર્વક સંશોધન કરવાની એમની લગની હતી. આવા આજીવન અભ્યાસી હતા દર્શક.

એક દિવસની વાત છે. બોસ્ટન અને કૅમ્બ્રિજ નગરો વચ્ચે થઈ વહેતી ચાર્લ્સ નદી પર થઈને આવતો શીતમધુર પવન બપોર પછીના હૂંફાળા તડકામાં આહ્લાદક લાગતો હતો. કૅમ્બ્રિજમાં આવેલા હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં હજુ હમણાં જ પ્રવચન આપી આવેલા એવા, ખાદીનાં શ્વેત વસ્ત્રોમાં સજ્જ એક અતિથિ, આઇન્સ્ટાઇનશાઇ વિખરાયેલા કેશકલાપ સાથે નદીકિનારે આવેલી સંસ્થા માસાચુસેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્‌નોલૉજી, એમ.આઈ.ટી.,ની ભવ્ય ઇમારતનાં પગથિયાં ચઢતા હતા. સવારથી શરૂ થયેલા કાર્યક્રમને લીધે ચહેરા પર ક્યાંક થાકની રેખા જણાય ન જણાય, ત્યાં તો ઉચ્ચશિક્ષણના વિષય ઉપરના પ્રવચન વિશે વાતચીત થાય અને તે ચર્ચાના તેજમાં જાણે આ દિવસનો તો શું કેટલાં ય વર્ષોનો થાક અંગ ઉપરથી ઓગળી જતો હોય એમ લાગે. કોઈ વિદ્યાર્થી પ્રથમ સત્રમાં અન્ય સહાધ્યાયીઓ સાથે જે ઉષ્માથી વાત કરતો હોય, એવા એમની ચર્ચાના દોર અને દમામ હતા.

આમ તો અમે એ સંસ્થાની ફક્ત મુલાકાત માટે આવ્યા હતા. સાથે હાર્વર્ડના એક પ્રાધ્યાપક હતા જે આ સંસ્થાના જુદા-જુદા વિભાગોમાં અમને લઈ જવાના હતા. કાર્યક્રમ પ્રમાણે બધું જોતાં જોતાં અમે એક પ્રયોગશાળાના વિભાગમાં આવી પહોંચ્યા. એકબે અધ્યાપકો અને એમના સ્નાતક કક્ષાના આઠદસ વિદ્યાર્થીઓ એ દિવસના પ્રયોગોનું એમનું કાર્ય પૂરું કરી ઘેર જવાની તૈયારી કરતા હતા. ત્યાં આ અતિથિની ઓળખ કરાવવામાં આવી. આ અતિથિની ભારતમાં આવેલી શિક્ષણસંસ્થા વિશે, વિદેશી હકૂમત સામેના એમના સંગ્રામ વિશે, એમના સાહિત્યસર્જન વિશે, મિતાક્ષરી પરિચય અપાયો. ત્યાં તો એક વિદ્યાર્થીએ અતિથિને કંઈક વક્તવ્ય આપવા વિનંતી કરી અને બીજા બધા વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ એમાં સાદ પુરાવ્યો. અને એ અતિથિએ આ મતલબનું કહ્યું કે, “મારું પોતાનું લખાણ તો મોટે ભાગે નવલકથા અને નિબંધના સ્વરૂપનું હોય છે, એટલે એમાંથી તો અત્યારે હું શું કહી શકું ? પરંતુ અમારા એક અગ્રગણ્ય કવિ છે નામે સુન્દરમ્‌, જો આપ સૌની સંમતિ હોય તો એમના એક કાવ્યનું પઠન કરી શકું. પ્રથમ હું એને અમારી ભાષામાં કહીશ અને પછી સાથે અંગ્રેજીમાં એનું ભાષાંતર આપતા જઈશું.” આ બધી વાતો અત્યાર સુધી અંગ્રેજીમાં થતી હતી. અધ્પાપકો અને વિદ્યાર્થીઓ બધા અમેરિકી હતા.

વક્તાએ કાવ્યપઠન શરૂ કર્યું.

બુદ્ધનાં ચક્ષુ

ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુતણાં,
ઊગ્યાં ને ખીલ્યાં ત્યાં કિરણકણી આછેરી પ્રગટી,
પ્રભા ત્યાં ફેલાઈ જગત પર દિવ્યા મુદ તણી,
હસી સૃષ્ટિ હાસે, દલ કમલનાં ફુલ્લ બનિયાં.

પ્રભો ! જન્મેજન્મે કર ધરી કંઈ શસ્ત્ર ઊતર્યાં,
નખાગ્રે, દંતાગ્રે, દમન કરિયું શબ્દછળથી,
સજ્યું કે કોદણ્ડ, ગ્રહી પરશુ, ચક્રે ચિત્ત ધર્યું,
તમે આ જન્મે તો નયનરસ લેઈ અવતર્યા.

આમ કવિ સુન્દરમ્‌ના આ કાવ્યની પંક્તિઓ એક પછી એક આવતી જાય અને સાથે-સાથે એનું અંગ્રેજી ગદ્યમાં ભાષાંતર થતું જાય. એમની આજુબાજુ વીંટળાઈને વર્તુળમાં ઊભેલા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ગુજરાતી પઠન દરમિયાન પણ લયલીન થતા જતા હતા.

હવે ના મીંચાશે નયન કદીયે જે ઊઘડિયાં,
દયાની ગંગા આ પરમ તપ અંતે ઊતરી, તે
અખંડા વહેતી રહો કઠણ તપના સિંચન થકી,
વહો ખંડેખંડે, પ્રતિ ઉર વહો તપ્ત જગતે.

કાવ્ય પૂરું થયું. હજુ જાણે બધા કાવ્યની અસર નીચે હતા. વિશ્વની એક આગલી હરોળની યંત્રજ્ઞાન અને ઇજનેરી વિજ્ઞાનની પ્રમુખ શિક્ષણ-સંસ્થામાં, પદાર્થવિજ્ઞાનની પ્રયોગશાળામાં આકસ્મિક રીતે અતિથિ તરીકે જઈ ચઢતાં આગ્રહ થતાં, ગુજરાતી કાવ્યપઠન કરી ગુજરાતી કાવ્યરસ દ્વારા ભારતીય સંસ્કૃિતની ઝલક આપી સુશિક્ષિત એવા અમેરિકી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર એ અતિથિ હતા દર્શક.

એ એક શ્રેષ્ઠ આચાર્યોમાંના એક હતા, કારણકે એ સદૈવ જિજ્ઞાસુ સાધક હતા. એ સિદ્ધહસ્ત શબ્દશિલ્પી હતા, કારણકે પ્રત્યેક કૃતિ સાથે જાણે એક નવોદિત સર્જક હતા.

દર્શક વિદેશી હકૂમત સામે સ્વાતંત્ર્ય માટે ઝૂઝનારા જોદ્ધા હતા. તો રાજકીય સ્વાતંત્ર્ય મળ્યાથી ભયોભયો નથી થઈ જતું, એ તો સંવર્ધિત સ્વરાજ માટેનું પહેલું સોપાન માત્ર છે, એવી સ્પષ્ટ સમજ ધરાવતા સૈનિક સંયોજક પણ હતા. વતનથી હજારો જોજન દૂર એ પોતાની માતૃભાષાનો શબ્દ ભૂલ્યા નહોતા. પરંતુ એ શબ્દ જોજનો સુધી સંભળાય, સંભળાવી શકાય, એવો હોવો જોઈએ, એ વિશે પણ તેઓ અનાયાસે જ વિવેકશીલ હતા. પદાર્થવિજ્ઞાન પાસે પૂર્ણવિરામ મૂકી ઊભા રહે એવા એ ભૌતિકવાદી નહોતા. સાથે જ દેવલોક સામે મીટ માંડવામાં માટીનાં  માનવીઓની ઉપેક્ષા ખમી લે એવા પરલોકવાદી પણ એ નહોતા જ. બલકે, એમનાં અનેક પાત્રો સાક્ષી પૂરે છે કે નરનારીનાં હૃદયોની અનેકવિધ ભાષાના એ ભાષ્યકાર હતા, માનવ્યના મીમાંસક હતા.

એ હાડોહાડ ગુજરાતી હતા અને એટલે જ નખશિખ ભારતીય હતા અને એમની ભારતીયતા વિશ્વતોમુખી હતી. એ પોતાનું ગુજરાતીપણું કે ભારતીય હોવાપણું ભૂંસીને વૈશ્વિક થવા મથતા માણસ નહોતા. એ કોઈ વૈશ્વિક નામનું મહોરું પહેરી ઊભેલા માણસ નહોતા, પરંતુ માનવનું વિકાસશીલ અને વિકસિત હોવું એ જ સાચા અર્થમાં ભારતીય હોવું એ સૂઝ એમના વ્યક્તિત્વને વૈશ્વિક પરિમાણ આપતી હતી. એ ઇતિહાસવિદ્દ હતા. પરંપરાના અભ્યાસી હતા, અને આધુનિક હતા. એમની આધુનિકતા ઓળખવી ઘણી વાર મુશ્કેલ હતી. અને અભિવ્યક્તિના સ્તરે અદ્યતન કલાવિધાનના માપદંડથી માપી જોતાં કેટલાકને મતે વિવાદક્ષમ પણ હતી. અભિવ્યક્તિના સ્તરે કદાચ કેટલાક અંશે એમ હશે, પરંતુ વ્યક્તિત્વના સ્તરે એમની આધુનિકતા મૂલગામી હતી. એ પાંદડે પાણી પાયેલી આધુનિકતા નહોતી. એ ઊછીની કે અનુવાદિત આધુનિકતા નહોતી, પરંતુ અંતર્ગત અને સંવાદી આધુનિકતા હતી.

એમણે તત્ત્વનું જ્ઞાન કોઈ ટીપણાંમાંથી નહીં, પરંતુ લોકસમુદાય સંગાથે સૌની વ્યથાકથામાં સાથે રહીને ટીપાઈ-ટીપાઈને મેળવેલું તત્ત્વજ્ઞાન હતું. એમણે એમની પ્રજ્ઞા ઊંચા શાસ્ત્રાર્થના એકદંડી મહેલમાં રહીને નહીં, પરંતુ પ્રજા સાથે પગદંડીએ ચાલીને પ્રાપ્ત કરી હતી. એમની પીઠ કોઈ અનુગમ, અધિપતિ, મત, મઠ, પ્રચાર કે પંથનો પરોણો સહન કરે એવી નહોતી. એ પ્રથાના નહીં - પછી એ પૂર્વીય હોય કે પશ્ચિમી હોય - પરંતુ પરીક્ષણના હિમાયતી હતા. પૂર્વીય અંધશ્રદ્ધા ત્યજી પશ્ચિમી અંધશ્રદ્ધાના અંગીકારને પ્રગતિ માનવા એ તૈયાર નહોતા. એ કંઠીબદ્ધ આધુનિક નહોતા, મુક્તકંઠી કર્મશીલ વિચારક હતા. એ નવનવોન્મેષી હતા, એ અર્થમાં આધુનિક હતા. એ સર્જક, શિક્ષક, સામાજિક સમાલોચક, એમ ઘણું બધું હતા, ઘણાં પારિતોષિકોથી વિભૂષિત હતા. પરંતુ સૌથી મહત્ત્વની એમની ઓળખ તો એ હતી કે દર્શક પ્રજાસત્તાક નૂતન ભારતના એક પરમ નાગરિક હતા.

બોસ્ટન, અમેરિકા

૧. તા. ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ના ઍક્ટન, માસાચુસેટ, અમેરિકામાં પલ્લવીબહેન ગાંધી સંયોજિત “દર્શક-જન્મશતાબ્દી સાહિત્ય- મિલન”માં અતિથિવિશેષ મનસુખ સલ્લાના મુખ્ય પ્રવચન પહેલાં આપેલા પ્રાસંગિક વક્તવ્યની નોંધને આધારે.

૨. આમાંના કેટલાક અંશો સપ્ટેમ્બર ૨૦૦૧ના ‘નિરીક્ષક’માં દર્શકને અપાયેલી સ્મરણાંજલિમાં પૂર્વે પ્રકાશિત થયા હતા.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ. 10-11

Category :- Opinion Online / Literature

ગુજરાતી કવિતા

નરોત્તમ પલાણ
01-12-2014

આજકાલ ગુજરાતી કવિતાના રંગઢંગ જોવા જેવા છે. ‘કવિતા’, ‘કવિલોક’ અને હમણાં-હમણાં આપણા યુવા કવિમિત્ર અંકિત ત્રિવેદીના તંત્રીપણા હેઠળ ‘શબ્દાલય’ જેવાં ત્રણ-ત્રણ સ્વતંત્ર સામયિકો માત્ર કવિતા-સામગ્રી લઈને જ પ્રગટ થાય છે. કેવું લાગે છે આ બધામાંથી પસાર થતાં ? ગામડાની ગાય-બળદ પ્રધાન ખેતીનો જેને અનુભવ હશે તે જાણતા હશે કે બળદને ક્યારેક છેરણું થઈ જતું હોય છે. હાલતાં-ચાલતાં આડું-અવળું એનું છેરણું સતત ચાલુ જ રહે ! રસ્તો, રાહદારી અને ખેડૂત બધા એનાથી દુઃખી-દુઃખી થઈ જાય ! આજકાલ કવિતાની હાલત પણ કંઈક આવી છે. અમારા જેવા સુપર સિનિયર કવિતા-ચાહકો, જે-તે સામયિકનો નવો અંક વાંચીને ફોનટૉક કરે, ચર્ચા ચાલે કે આનું કારણ શું ? નિદાન એવું થાય કે ‘અનુભવ’ હોય, તો ઝાડો બંધાયને ? અંકિત જેવા ઉત્સાહી જુવાનિયાઓ નવાં-નવાં પાત્રો લઈને ફર્યા કરે, પણ કંઈક ‘આકાર’ હોય, તો કારી ફાવેને ? અરે, શેરડીના સાંઠાની જેમ જેના દરેક કટકે કાફિયા હોય એવી ગઝલ જેવી ગઝલ પણ આકારવિહીન ? એમાં ય (કદાચ શ્રી-શ્રી-શ્રી ની અસરથી) આપણી કવયિત્રીઓ તો ગુરુમહિમાની ગઝલો પણ ગાવા લાગી છે !

‘કવિતા’નો ૨૮૩મો અંક ‘દીપોત્સવી-પર્વની દીપમાળા’ લઈને આવ્યો છે. અગાઉ જેને કવિતાનો ‘શયદા ઍવૉર્ડ’ મળી ચૂક્યો છે, તે મુંબઈના ચર્મરોગ-નિષ્ણાત ડૉ. હેમેન શાહને ૨૦૧૩નો કવિશ્રી હરીન્દ્ર દવે ઍવૉર્ડ મળે છે. ડૉ. હેમેનને ધન્યવાદ અને હા, ‘ગુજરાતી કવિતામાં વૈદ્યો અને ડૉક્ટરોનો ફાળો’ આવો વિષય પીએચ.ડી. માટે વિચારી શકાય.

આ વખતે માત્ર કવયિત્રીઓની રચનાઓથી જ દિવાળી અંક બન્યો છે. ‘લેખાં-જોખાં’ સાથે ‘હું’ ને માફકસર (લક્ષ્મી ડોબરિયા) કંડારવામાં આ કવયિત્રીઓ પ્રમાણમાં સભાન જણાય છે, પરંતુ અંકની આગળ-પાછળનું કવિતા સંદર્ભેનું ગદ્ય ચિંતાનો વિષય લાગે છે. ‘કવિતા લખે તે કવિ, એમાં સ્ત્રીપુરુષના ભેદ ન હોય.’ આવું કહ્યા પછી તુરત ‘પુરુષ કવિની કવિતા અને સ્ત્રી-કવિની કવિતા માણવા માટે જુદી માનસિકતા અને જુદી સંવેદના હોવી જરૂરી છે. - કવિતાને અપેક્ષિત ઋજુતા, કોમળતા, મુલાયમતા અને મખમલી અનુભૂતિઓ સ્ત્રી કવિ પાસેથી જ મળી શકે અથવા સહજતાથી કે સારી રીતે આવી શકે !’ (રમેશ પુરોહિત) વગેરે વિધાનોમાં ‘કવિતા’, ‘સમજ’ કે ‘ગદ્ય’ કંઈ સચવાતાં લાગતાં નથી. ‘સૌંદર્યની પાર રસળતું સૌંદર્ય’ એટલે શું ? આ જાતના ‘કવિતાઈ ગદ્ય’ પાછળ તર્કસંગત કોઈ વિચારશ્રેણી હોતી નથી, તેમ જ અહીં વિશેષ દુઃખદ તો એ છે કે હજુ આજે પણ આપણે કવયિત્રીઓને ‘મુગ્ધ’ માનીએ છીએ !

ખેર, અમારી પેઢીને તો નિરંજન ભગત જેને ‘ગુજરાતીમાં ગ્રીક’ કહે છે તે બ.ક.ઠા. યાદ આવી જાય ! તેમણે સુન્દરમ્‌ની ‘વત્સલનાં નયનો’ને ગુજરાતી ભાષાની સૌથી સુંદર, નાજુક, ઋજુ કોમળ રચના ગણાવેલ છે. ‘આપણી કવિતા સમૃદ્ધિ’ના ઉત્તરાર્ધમાં આ આપણી કવિતા‘સમૃદ્ધિ છે, કવિ સમૃદ્ધિ નથી. એમાં કોઈ કવિને પ્રસન્ન કરવાનો કે કોઈ કવિને અપ્રસન્ન કરવાનો ઇરાદો હોઈ ન શકે.’ (ચંદ્રકાન્ત ટોપીવાળા) ‘કવિતા’ના આ અંકમાં કવયિત્રીઓને પ્રસન્ન કરવાનો ઇરાદો જણાય છે.

સંદીપ ભાટિયાએ તૈયાર કરેલું ‘કવિતા’નું મુખપૃષ્ઠ અને સુપ્રસિદ્ધ ચિત્રકાર રવિ વર્મા ઉપર કેતન મહેતાએ તૈયાર કરેલ ફિલ્મ ‘રંગ રસિયા’ જોતાં એમ લાગે છે કે ‘કવિલોક’ અને ‘શબ્દાલય’માં રહેતી ‘કવિતા’એ ઘર બદલ્યું છે કે શું ? સંદીપે રાધાકૃષ્ણની ઝૂલતી ધાતુમૂર્તિના બંને છેડામાં ‘મને રાણી તરીકે માન આપતો વર હું પસંદ કરતી નથી, જે મને ‘સ્ત્રી’ તરીકે ચાહતો ન હોય’ એવું ભર્યું-ભર્યું વાક્ય મૂકીને કવિતા રચી છે.

- પોરબંદર

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2014, પૃ. 15

Category :- Opinion Online / Literature