OPINION

ડલાસ અને ફોર્ટવર્થના મહાનગરોને વીંધીને સોંસરવા જતા, એટલેંટિક અને પેસિફિક મહાસાગરોને જોડતા, રાષ્ટ્રની અર્થવ્યવસ્થાની ધોરી નસ જેવા, ઈન્ટર-સ્ટેટ હાઈવે (આઈ-૨૦) ઉપરથી મારી ગાડી કલાકના ૬૦ માઈલની ઝડપે પૂરપાટ પસાર થઈ રહી છે. આ રશ અવર છે. મારી આજુબાજુ રસ્તાની ચાર લેનો મારા જેવી જ અસંખ્ય ગાડીઓ, વાનો અને ખટારાઓથી ભરચક ભરેલી છે. વાહનોની વચ્ચે બહુ જ ઓછી જગ્યા છે. ગાડીઓનો સતત પ્રવાહ ધસમસી રહ્યો છે.  સામેની દિશાની ચાર લેનોની પણ આ જ પરિસ્થિતિ છે. મને એમ પ્રતીતિ થઈ રહી છે કે, હું દેશની ધોરી નસ જેવા આ હાઈવેમાંથી વહી રહેલા, અને દેશના આર્થિક વ્યવહારને ધમધમતું રાખતા, કરોડો રક્તકણો જેવો એક રક્તકણ છું. ગતિનો પ્રાણવાયુ અને પેટ્રોલનું ઈંધણ મને ફુલાવીને ટેટા જેવો બનાવી રહ્યાં છે. સતત ધસમસતા મારા જેવા આ બધા રક્તકણો, તેમ જ ટ્રેનો, જેટ પ્લેનો અને મહાકાય સ્ટીમરોમાં વહી રહેલા, આવા જ અનેક રક્તકણો રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને ધમધમતી રાખી રહ્યાં છે. વિશ્વના આ સૌથી સમૃદ્ધ દેશ જેવા તગડા બનવા, દુનિયાના પ્રત્યેક રાષ્ટ્રે હોડ બકી છે. આખું માનવજગત એક ન અટકાવી શકાય તેવી દોડમાં પ્રવૃત્ત છે, અને પ્રત્યેક ક્ષણે આ દોડ જેટની ઝડપે, સતત વર્ધમાન થતી રહે છે. આ મૂશકદોડનો કોઈ અંત નજર સમક્ષ દેખાતો નથી. બધાં વિનાશની, સર્વનાશની દુર્ગમ ખીણ તરફ, પ્રચંડ ગતિએ, એકશ્વાસે, ધસમસી રહ્યાં છે. કોઈને બ્રેક લગાવવાની ફુરસદ, ઇચ્છા કે સમય નથી.

ત્યાં જ આવી વિચારધારામાં મારા ખિન્ન માનસમાં સત્યનો એક ઝબકારો થાય છે કે, હું એક એક્ઝિટ ચૂકી ગયો છું; અને ખોટો એક્ઝિટ  લઈ પૂર્વ (!) દિશામાં જવાને બદલે પશ્ચિમ (!) તરફ ધસી રહ્યો છું !

***********

મારા આખા શરીરે પરસેવો વળી ગયો છે. હું મારી પથારીમાં સાવ શબવત્ પડેલો છું. એક બિભિશણ દુઃસ્વપ્ન હમણાં જ પસાર થઈ ગયું છે. એ સ્વપ્ન ચાલીસ વરસ પછીના આ જ આઈ-૨૦ હાઈવેનું હતું. આખો રસ્તો સવારના આઠ વાગે ભેંકાર, ખાલી પડેલો હતો. એની ઉપરથી સમ ખાવા બરાબર, એક પણ વાહન ચાલી રહ્યું નહોતું. એની ઉપર ઠેકઠેકાણે વનરાજીએ સામ્રાજ્ય જમાવી દીધું હતું. વિતેલી અર્થવ્યવસ્થાના મહાઅજગર જેવો આ હાઈવે શબની જેમ સડતો પડેલો જણાતો હતો. દુર્દશાની અસંખ્ય કીડીઓ તેના દેહનું ભક્ષણ કરી રહી હતી. બધી જ રેલવે લાઈનો, બધા જ મહાસાગરો અને સમસ્ત આકાશમાં ક્યાં ય એક પણ વાહન સરકી રહ્યું ન હતું. આખી દુનિયામાંથી પેટ્રોલિયમનું છેલ્લું ટીપું અને કોલસાનો છેલ્લો ટુકડો વપરાઈ ગયાને પણ પાંચ વર્ષ  વીતી ગયાં હતાં. છેલ્લા વિશ્વયુદ્ધમાં તોડી નાંખવામાં આવેલા બંધોને કારણે બધાં જળાશયો પણ ખાલી પડેલાં હતાં. થોડા વરસો પહેલાં, પાણી અને શક્તિસ્રોતો માટે ખેલાયેલા, ત્રીજા વિશ્વયુદ્ધમાં નેવું ટકાથી ય વધારે માનવજાત નાશ પામી ચૂકી હતી.    

અણુયુદ્ધના કારણે પેદા થયેલી ગરમીથી પીગળેલા ધ્રુવીય બરફે વિશ્વનાં બધાં જ બંદરોને પાણી નીચે ગરકાવ કરી દીધાં હતાં. બધી સલ્તનતો તહસ નહસ બની ચૂકી હતી. જગતની બધી અર્થવ્યવસ્થા, અરે ! આખું સમાજજીવન ભાંગીને ભુક્કો બની ગયાં હતાં. મારા જેવાં ગણ્યાંગાંઠ્યાં કોક’જ દુર્ભાગી માનવજીવો આમતેમ ખોરાક અને પાણી માટે જંગલોમાં વલવલતાં, આથડતાં હતાં. જુના શહેરના બહુમાળી મકાનોના બધાં ખંડેરો ભયાવહ વનરાજીમાં અરણ્યરૂદન કરી રહ્યાં હતાં. સમસ્ત માનવજીવન ખોડંગાતું, કણસતું, આક્રંદતું ગુફાજીવન તરફ મંથર ગતિએ, કીડીવેગે સરકી રહ્યું હતું. આજુબાજુના જંગલનો ભાગ બની ચુકેલા આઈ - ૨૦ ઉપર હું ભુખ્યો અને તરસ્યો, નિર્વીર્ય અને નિષ્પ્રાણ, હતપ્રભ અને હતાશ ઊભેલો હતો. કઈ ઘડીએ, કોઈ રાની જાનવર આવીને મારો કોળિયો કરી જશે, તેના ભયથી હું થરથરી રહ્યો હતો. મારું આખું શરીર આ ભર શિયાળામાં પણ પસીને રેબઝેબ બની ગયેલું હતું. અને મારા ખોટા એક્ઝિટે મને ક્યાંથી ક્યાં લાવી મુક્યો; તેની મરણપોક પાડીને હું ઝબકીને જાગી જાઉં છું.

***********

બાથરૂમમાંથી પાછો આવી હું પથારીમાં સૂઈ ગયો છું. પેલી દુર્દમ દશા તો એક સ્વપ્ન જ હતું, તેની પ્રતીતિ થતાં હું ફરી પાછો નિદ્રાદેવીને શરણે જાઉં છું. ઘસઘસાટ ઊંઘની વચ્ચે એક નવું પરોઢ ઊગી નીકળે છે. હું ફરી પાછો એવા જ રશ અવરમાં, એ જ આઈ-૨૦ હાઈવે પરથી, મારી હાઈપાવર બેટરીથી સંચાલિત નાનકડી ગાડીમાં પૂરપાટ પસાર થઈ રહ્યો છું. પણ હવે પહેલાં જેવો ધમધમાટ નથી. હવે શહેરમાં ગણીગાંઠી અને નાનકડી ઓફિસો જ છે. સૌ પોતાના ઘેરથી જ ઈન્ટરનેટ પર કામ કરી લે છે. જીવનજરૂરી બધી વસ્તુઓ હવે તેમને ઈ-ઓર્ડર પ્રમાણે ઘેર પહોંચાડવામાં આવે છે. માત્ર શોખની વસ્તુઓ માટે જ લોકો માર્કેટમાં જાય છે. અથવા આનંદપ્રમોદ માટે કે મિત્રો અને સંબંધીઓને મળવા જવા, મારી જેમ ગાડીઓ વાપરે છે. અને તે ગાડીઓ પણ સ્વયંસંચાલિત વીજળીના રેલ સ્ટેશનો પર જ પાર્ક કરવામાં આવેલી હોય છે. મોટા ભાગની યાતાયાત, સ્વયંસંચાલિત, અત્યાધુનિક અસંખ્ય સંખ્યાની બુલેટ ટ્રેનો વડે જ થાય છે. બધાં કારખાનાં રોબોટો ચલાવે છે. બધા સામાનની આપલે પણ સ્વયંસંચાલિત સ્ટોરોમાં રોબોટો જ સંભાળે છે. હાઈવે પર ચાલી રહેલા મોટા ભાગનાં વાહનોમાં આવા રોબોટ ચાલકો જ છે ! મારા જેવા કો’ક જ સહેલાણીઓ અથવા ઈલેક્ટ્રોનિક સાધનો, મહાકાય પાવરહાઉસો કે કારખાનાંઓના તાત્કાલિક મરામતકામ માટે જતાં સ્ત્રીપુરુષો જ ગાડીઓમાં બેઠેલાં છે. બાકીનું બધું રોજિંદું ઉત્પાદન અને મરામતકામ તો રોબોટો જ સંભાળે છે. આખા વિશ્વની શક્તિની જરૂરિયાતો માટે હવે કરોડો ‘ટોકોમેકો’ (*) સુસજ્જ છે. તેમાં પેદા થતી વીજળી આખા વિશ્વની હજારો વર્ષોની જરૂરિયાત માટે પર્યાપ્ત છે. સૂર્યના નાનકડા સંતાન જેવા આ આદિત્યોએ આખા ય વિશ્વની રૂખ બદલી નાંખી છે. બધો વ્યવહાર તેમના થકી પેદા થતી વીજળી વડે ચાલે છે. સમુદ્રના પાણીમાંથી આ જ વીજળી અમર્યાદિત જથ્થામાં શુદ્ધ પાણી પણ બનાવી દે છે. પ્રદૂષણ એ ભૂતકાળની, અને બિનજરૂરી ઘટના બની ચૂકી છે. પાણી અને શક્તિનાં સ્રોતો માટેના દેશ દેશ વચ્ચેના ઝગડા અને ભીષણ યુદ્ધો ભૂતકાળની ઘટનાઓ બની ચૂકી છે. માનવજાતના એક જ ઝંડા નીચે સમસ્ત વિશ્વ એક જ રાષ્ટ્ર  બની ચુક્યું છે.      

અને એ આશાભર્યા વિસ્ફોટના પ્રતાપથી પેદા થયેલી વીજળીથી જ તો અત્યારે મારી આ ગાડી ચાલી રહી છે. માનવજાતની બધી દુર્વૃત્તિઓ, દર્પ, ઈર્ષ્યા, સામર્થ્ય માટેની દોડ અને ખેંચાખેંચી પણ ભૂતકાળની બાબતો બની ચુક્યાં છે. મારી ગાડીના રેડિયો પરથી મંગળના ગ્રહ પરથી પ્રસારિત થઈ રહેલી, મધુરી ગુજરાતી ગઝલોની સૂરાવલીઓ મારા ચિત્તને દિવ્ય આનંદ આપી રહી છે.

આ નવા એક્ઝિટે તો મને મહામાનવજાતિનો એક અંશ બનાવ્યો છે.

***********

અને નવી આશાના સુપ્રભાતમાં, હું આળસ મરડીને, પ્રસન્નચિત્તે, આઈ-૨૦ હાઈવે પરની પહેલી સત્ય ઘટના અને પછીનાં બે સ્વપ્નોને મારા નોટબુક કોમ્પ્યુટરમાં ‘ફોન્ટબદ્ધ’ કરવા માઉસની પહેલી ‘ક્લિક’ લગાવવાનો એ્ક્ઝિટ લેવા પ્રયાણ કરું  છું !

(*) ટોકોમેક – ફ્યુઝન પાવર બનાવતી યાંત્રિક વ્યવસ્થા

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

લિપિનો ઇતિહાસ

વિજય જોશી
12-05-2013

પ્રાચીન કાળમાં, ઇજિપ્તની હાઇરોગ્લીફ્સ, મેસેપોટેમિયાની ચુનીફોર્મ, ચીનની લોગોગ્રામ કે વેલીની માટીની ટીકડીઓ પર લખેલી લિપિ વાપરીને, મનુષ્ય એક બીજાના સંપર્કમાં રહેતો હતો. પણ આ બધા પ્રકાર સામાન્ય જનસમુદાયને ઉપલબ્ધ ન હતા. પણ લગભગ ૪૦૦૦ વર્ષ પહેલાં, જયારે અક્ષરને ચિન્હને બદલે નાદ, (અક્ષરનાદ) અવાજ આપવામાં આવ્યો, ત્યારથી અક્ષરોએ એમનો ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું.

અક્ષરો એ ભાષાનાં વસ્ત્રો છે, આભૂષણો છે. ભાષાએ વસ્ત્રો પહેરવાનું ક્યારે શરૂ કર્યું, એની તપાસ કરીએ. ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આપણે અહીં મૂળાક્ષરો અને લિપિ વિષેના સંશોધનની ચર્ચા કરીએ છીએ. બોલીની ભાષા દરેક દેશમાં ઘણી પ્રાચીન છે. વેદ અને ઉપનિષદો તો હજારો વર્ષોથી બોલતા હતા, પણ એ લખવાની ક્રિયા ઘણી મોડી ચાલુ થઈ.

ચક્ર અને અગ્નિની શોધ જેટલી જ મહત્ત્વની શોધ મૂળાક્ષરોની છે. અક્ષરોને સહેલાઈથી તદ્દન જુદી ભાષામાં અપનાવી શકાય છે કારણ કે મૂળાક્ષરોનો મૂળ અવાજ બદલ્યા વગર, એ જ અવાજ અને અક્ષરને, નવી ભાષામાં થોડા ફેરફાર કરી અપનાવવાં સહેલાં છે. આઝરબેજાન, તર્કીમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન − આ ત્રણ દેશો, સેંકડો વર્ષથી અરબી લિપિ વાપરતા હતા, પણ ૧૯૪૦ પછી, સોવિયેટ યુનિયનના નિયંત્રણ હેઠળ સિરાલીક લિપિ વાપરવાનો કાયદો આવ્યો, અને હવે, સ્વાતંત્ર મળ્યા બાદ, રોમન લિપિના અક્ષરોમાં એ જ ભાષા હવે લખાય છે ! ત્રણે ય દેશો ભાષાને બદલ્યા વગર, ફક્ત લિપિ બદલી શક્યા, એ મૂળાક્ષારોની કમાલ છે.

ચીન દેશની લિપિને લોગોગ્રામ કહેવાય છે, જેમાં એક ચિન્હ એક અક્ષર નહીં, પણ એક શબ્દ છે. એટલે એક ચિન્હ ફક્ત એ શબ્દ માટે જ વાપરી શકાય. ચીની ભાષામાં સાદા દૈનંદિન વ્યવહાર માટે, ૬,૦૦૦ ચિન્હો કંઠસ્થ કરવા પડે છે. અને પ્રભુત્વ મેળવી વિદ્વાન બનવા માટે, ૩૦ થી ૪૦,૦૦૦ ચિન્હોને આત્મસાત્ કરવા પડે છે.

જો ગુજરાતી ભાષાને ચીની લિપિમાં લખવી હોય, તો કેટલું અઘરું કામ થાય, એનો વિચાર કરીએ. આપણે ગુજરાતીમાં કમળનો “ક” બોલીને શીખીએ છીએ, પણ એને બદલે જો આપણે કલમના ચિત્રને જ “ક” કહીએ, તો એ "ક" લખવા માટે ચીની ભાષામાં કમળનું ચિત્ર દોરવું પડશે; અને એ ચિત્રથી ફક્ત "ક" જ લખી શકાશે. જયારે અક્ષરોમાંથી શબ્દો અને નવા અર્થો ઘણી સહેલાઈથી અને સરળતાથી બની શકે છે. બહુ થોડા અક્ષરો વાપરીને, અનેક શબ્દો, ઘણી સરળતાથી બનાવી શકાય છે.

અંગ્રેજી અક્ષરોથી સહેલાઈથી ગુજરાતી લખી શકાય - અક્ષરોના અવાજનો ઉપયોગ કરીને – gujarati lipi n avadati hoy to pan gujaratima lakhi shakay -

તો ચાલો, આપણે એ તપાસીએ કે ક્યારે, કઈ જગ્યાએ, કેવી રીતે અક્ષરોનો જન્મ થયો અને બોલવાનું શરૂ કર્યું .

એક અગ્રેજી પુરાતત્વ નિષ્ણાત ઇજિપ્ત દેશના સાઈનાઈ રણમાં પ્રાચીન અવશેષોનો અભ્યાસ કરતા હતા, ત્યારે એમને એક પત્થરની શિલા નજરમાં આવી, જેના પર લીસોટા મારેલા હતા. ભાષાતજ્જ્ઞ ન હોવાને લીધે, એમણે શિલાના ફોટા લીધા અને એ વિભાગનું વર્ણન લખી, બધા દસ્તાવેજ સાથે, પથ્થરની શિલા લંડન મ્યુિઝયમને આપ્યા. શિલાનું કાર્બન ડેટિંગ કરવાથી ખબર પડી કે આ શિલા લગભગ ૪000 વર્ષ જૂની હતી.

ઘણાં વરસો બાદ, જ્યારે અમેરિકાની યેલ યુનિવર્સિટીના બે ભાષાતજ્જ્ઞ સંશોધકો લંડન મ્યુિઝયમ ગયા હતા, ત્યારે તેમણે આ બધા દસ્તાવેજો અને શિલા જોયાં. બાદ અમેરિકા આવીને ફોટા અને દસ્તાવેજોનો અભ્યાસ શરૂ કર્યો. વધુ સંશોધન કરતાં એમના ધ્યાનમાં આવ્યું કે જે લીસોટા જેવું દેખાય છે, તે દુનિયાના પહેલા ચાર મૂળાક્ષરો છે. એમણે યેલ યુનિવર્સીટી પાસેથી બે વર્ષની રજા લઈને ઇજિપ્ત દેશના સાઈનાઈ રણમાં જવાનું નક્કી કર્યું.

ઇજિપ્ત દેશના સાઈનાઈ રણમાં, ઇજિપ્તમાં ૪૫૦૦ વર્ષો પહેલાં સમ્રાટ ફેરોનું સામ્રાજ્ય હતું. અને બધા દસ્તાવેજોનું લખાણ હાઇરોગ્લીફ લિપિમાં થતું. આ લિપિને શીખવાનો અને લખવાનો અધિકાર ફક્ત પંડિતો અને ઉચ્ચ વર્ગના લોકોને જ હતો. દરેક અક્ષરને ચિત્ર દ્વારા ચિન્હ આપવામાં આવતું. અનેક ચિન્હો ભેગા કરવાથી શબ્દ અને વાક્યો બનતા. તે લખવાનું કામ બહુ અઘરું હતું. સામાન્ય પ્રજાને હાઈરોગ્લીફ લિપિ શીખવાની મનાઈ હતી. એટલે એક બીજા સાથે વહેવાર ફક્ત બોલીને જ થઈ શકતો.

આ સમસ્યાને લીધે, સામાન્ય નાગરિકોએ (સિમેટીક લોકો) મૂળાક્ષરોની શોધ કરી. અા દુનિયાની પહેલી બારાખડી હતી. જુદા જુદા પથ્થરોના લીસોટાઓનો અભ્યાસ કરતાં સંશોધકોને કુલ ૨૬ અક્ષરો મળ્યા. આ સંશોધનથી એ પણ સમજાયું કે આ ફક્ત લીસોટા ન હતા, પણ સંદેશ હતા. ઇજિપ્તનું લશ્કર આ રસ્તાનો ઉપયોગ કરતું, ત્યારે એક બીજાને સંદેશા આ રીતે લખવામાં આવતા.

આવી રીતે, ફક્ત આ ૨૬ અક્ષરોનો જ ઉપયોગ કરી, અક્ષરોની માત્ર જગ્યા બદલીને, નવા શબ્દો બનાવવાની કલ્પના અદ્દભુત જ ગણાય. દુનિયાના દરેક ખૂણામાં (ચીન, જાપાન અને કોરિયા સિવાય) આનો સ્વીકાર થવાનું કારણ એટલું જ કે આ અક્ષરોને કોઈ ચિન્હ નથી. વિશ્વના જુદા જુદા ભાગના લોકોએ, પોતાની ભાષાના અવાજ આપીને, આ લિપિને પોતાની ભાષા લખવા માટે શરૂઆત કરી.

આ શોધ કોઈ વિદ્વાન માણસે નહિ પણ, ઇ. પૂર્વ ૧૮૦૦માં, ઇજિપ્તના લશ્કરમાં કામ કરતા સૈનિકો અને અન્ય સામાન્ય પ્રજાજનોએ કરેલો છે. દુનિયાની આ પ્રથમ લેખિત બારાખડી હતી.

ઇતિહાસ જણાવે છે કે ઘણી વખત, સંશોધન અને શોધ, નિષ્ણાત વિદ્વાન નહિ પણ શોખ ખાતર અભ્યાસ કરનારા સામાન્ય નાગરિકો કરતા આવ્યા છે.

જરાક અાડ વાતે જોઈ, સંસ્કૃત ભાષાનો દાખલો લઈએ. ૧૮મી સદીમાં જજ તરીકે કલકત્તા આવેલા ડો. જોન્સે સંસ્કૃતનો અભ્યાસ કરી, વેદોનું ભાષાંતર અંગ્રેજીમાં કરી, આખી દુનિયાને ભારતનો પ્રાચીન ઇતિહાસ અને એની ભવ્યતા બતાવી આપી. અંગ્રેજો ભારતીયોને જંગલી, અભણ અને અસભ્ય ગણાતા હતા, પણ ભારતના પ્રાચીન ધર્મગ્રંથોનું વાચન કરીને એમને ખબર પડી કે પશ્ચિમના ઇતિહાસ જેટલો જ પ્રભાવશાળી ભારતનો પ્રાચીન ઇતિહાસ પણ છે. ગ્રીક, લેટિન, ઈરાની વગેરે ભાષાનો પણ એમને શોખ હતો. તેના પરથી એમના ધ્યાનમાં આવ્યું કે આ બધી ભાષાઓમાં ઘણા શબ્દોના અર્થમાં સામ્ય છે. એમણે જ ઇન્ડો-યુરોપિયન ભાષાનો સિદ્ધાંત સાબિત કર્યો. બીજું ઉદાહરણ એટલે ૧૮૩૭માં, ભારતમાં પુરાતત્વના નિષ્ણાત તરીકે ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી પ્રીન્સેપ આવેલા. એમણે બ્રાહ્મી લિપિનો અભ્યાસ કરી, અક્ષરોને અર્થ આપ્યો.

વારુ, બારાખડી રૂપે અક્ષરોને ઉપયોગમાં લઈ, શબ્દ બનાવવાની શરૂઆત પણ આ જ સમયમાં થઈ. અક્ષરોને જુદી જુદી જગ્યાએ મુકીને, નવા શબ્દો બનાવી, શબ્દોને અર્થ આપવાની એક અદ્દભુત કલ્પના હતી. તે વખતના સોનેરી ત્રિકોણમાં (અત્યારનું ઇઝરાઈલ, સીરિયા, લેબેનાન, જોર્ડન વગેરે ભાગ - આ ભાગને સોનેરી ત્રિકોણ કહેવાનું કારણ કે આજના રણ પ્રદેશથી તદ્દન જુદો ઘટ્ટ જંગલવાળો આ પ્રદેશ એ વખતમાં હતો.) સિમેટીક લોકો પછી - ફોનીશિયન લોકો - જે બહુ સમૃદ્ધ વેપારી હતા, એમણે આ લિપિને પોતાની ભાષામાં અપનાવી. ત્યાર પછી, બીજા દેશના લોકોએ પણ, જે લોકો સમૃદ્ધ છે, એ જે લિપિ વાપરે છે, એ લિપિ ખરેખર ઘણી સારી હશે, એમ માની દરેક દેશે પોતપોતાની ભાષામાં આ લિપિ અપનાવી. હજારો વર્ષોમાં મૂળાક્ષરોના આકાર બદલાતા ગયા. કોઈ કોઈ દેશોએ પોતાની ભાષાના ઉચ્ચારો પ્રમાણે થોડા નવા અક્ષરો બારાખડીમાં ઉમેર્યા.

ફોનેશિયન લોકોના વંશજો આજે પણ લેબેનાનમાં રહે છે એ ડી.એન.એ. પરથી સિદ્ધ થયું છે.

આમાંથી જ જ્યુઈશ (યહૂદી) લોકોએ હિબ્રુ, ગ્રીક લોકોએ ગ્રીક, રોમન લોકોએ રોમન બારાખડી, અને અનેક સદીઓ પછી, આમાંથી જ આજની અગ્રેજી બારાખડી અને લિપિ બની. ભારત ખંડમાં બ્રાહ્મી લિપિ તૈયાર થઈ, જેમાંથી પાલી, દેવનાગરી, ગુજરાતી, વગેરે લિપિઓનો જન્મ થયો. આપણી ગુજરાતી લિપિ અને અંગ્રેજી લિપિ બંનેનું પિયર એક જ ગામમાં ઇજિપ્તમાં હશે, એવું કોઈના સ્વપ્ને પણ આવવું અશક્ય લાગે છે.

ભારતનું દુર્ભાગ્ય એ છે કે પ્રાચીન વેદકાલીન સંસ્કૃતિનું લેખિત સાહિત્યનું મૂળ લખાણ ઉપલબ્ધ નથી. આવું થવાના ઘણાં કારણો છે. વેદોને શ્રુતિ અને સ્મૃિત કહેવામાં આવે છે. વેદો લખાયા નથી, સંભળાયા છે. એને કંઠસ્થ કરવામાં આવ્યા અને એનું વારંવાર રટણ કરી, તેને કંઠસ્થ અને આત્મસાત કરવામાં આવ્યા. આનું કારણ કદાચ લખવા માટે લિપિનો અભાવ પણ હોઈ શકે.

બીજું કારણ એટલે બહુ જ થોડા ચિન્હો, જે કદાચ લિપિ હોઈ શકે, એવા મોહન-જો-દડો અને હડપ્પાના અવશેષોમાંથી મળ્યા છે. ઘણા વિદ્વાનોએ આ લિપિનો અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે અસફળ રહ્યો છે. આ સંસ્કૃિત એક મોટું રહસ્ય છે. સમ્રાટ અશોકના શિલાલેખ પ્રાકૃત ભાષામાં, બ્રાહ્મી લિપિમાં જ લખાયા છે. સમ્રાટ અશોકે બુદ્ધ ધર્મ સ્વીકાર્યા પહેલાનું વેદિક કે હિંદુ ધર્મનું કોઈ પણ લખાણ ઉપલબ્ધ નથી, એ પણ એક મોટું રહસ્ય છે. ઈંદસ વેલીની લિપિમાંથી બ્રાહ્મી લિપિ બની હોય, એ શક્ય લાગતું નથી. કારણ કે એ લિપિમાં અને સમ્રાટ અશોકના શિલાલેખોની બ્રાહ્મી લિપિ વચ્ચે ૧૫૦૦ વર્ષનો સમય વીતેલો છે. મૂળાક્ષરો વિષે અત્યાર સુધી જે સંશોધન થયું છે એના પરથી એવું લાગે છે કે કદાચ ભારત ખંડમાં મૂળાક્ષરોથી લખવાની શરૂઆત લગભગ ઈ પૂર્વ ૪૦૦થી પ્રાકૃત ભાષામાં શરૂ થઈ.

સંસ્કૃત ભાષાનો વિરોધાભાસ એ છે કે સંસ્કૃત ભાષામાંથી બનેલી પ્રાકૃત ભાષાના િલખિત દસ્તાવેજો સંસ્કૃત ભાષામાં લખેલા દસ્તાવેજો કરતાં પહેલાં લખાયાં. આનું કારણ એ છે કે બ્રાહ્મી મૂળાક્ષરો જયારે ભારત સુધી પહોચ્યા, ત્યારે સંસ્કૃતનું સ્થાન પ્રાકૃત ભાષાએ લીધું હતું. બ્રાહ્મી લિપિ આવી તે પહેલાં ઇસ્વીસન પૂર્વે ૧૫૦૦થી વેદિક સંસ્કૃત ભાષા બોલાતી હતી, પણ લિપિના અભાવે કંઠસ્થ કરી બોલવાની પ્રણાલિકા ચાલુ થઈ.

વિચાર કરો, મિત્રો, કે જો ઈંડસ વેલીની લિપિ, જે ઇસ્વીસન પૂર્વ 3૦૦૦ વર્ષ જૂની છે, તેનો નાશ થયો ન હોત, અથવા ભારતમાં પણ લિપિની શરૂઆત જ્યુઈશ લોકોની હિબ્રુની જેમ ઇસ્વીસન પૂર્વ ૧૦૦૦થી થઈ હોત, તો ભારતનું કેટલું સુભાગ્ય હોત કે સંસ્કૃત ભાષાના બધા મહાગ્રંથો આજે આપણને સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ હોત. ધર્મના નામે કેટલા યુદ્ધો થયા છે, અને થતા રહે છે; પણ વિચાર કરો તો ખબર પડશે કે જ્યુઈશ લોકોની લિપિ હિબ્રુ, મુસ્લિમ લોકોના કુરાનની લિપિ અરબી કે ઉર્દૂ, ખ્રિસ્ટી લોકોના બાઈબલની લિપિ અરમૈક કે ભારતના ગ્રંથોની લિપિ બ્રાહ્મી, આ બધાનું મૂળ એક જ સેમેટિક મૂળાક્ષરો છે.

આ લેખ લખવામાં ડેવિડ સાક્સના પુસ્તક ‘Letter Perfect’નો આધાર લીધેલો છે, અને ઉપરાંત, મેં મારું સ્વતંત્ર સંશોધન પણ કરેલું છે. ભાષાના ઉગમનો અને પ્રસારનો કોઠો આપ્યો છે તે સાક્સના પુસ્તકમાંથી સાભાર લીધેલો છે.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion