OPINION

કબૂતરોનું ઘૂ .. ઘૂ ... ઘૂ ...

કામિની સંઘવી
17-06-2013

‘ચકલાં ઉંદર ચૂં ચૂં ચૂં કબૂતરોનું ઘૂ ઘૂ ...’ બાળમંદિરમાં આ કવિતા ભણી, ત્યારે ખબર ન હતી કે મારે એક દિવસ આ ઘૂ ઘૂ કરનારા, એટલે કે ભોળાભટ્ટ પારેવડાં, સાથે પનારો પડવાનો છે. પહેલાં જ કહી દઉં છું પારેવડાંને જરા પણ ભોળા માનવાની ભૂલ કરવા જેવી નથી. એકદમ મસ્તીખોર, ટીખળી અને સમૂહમાં હોય ત્યારે બઘડાટી બોલાવી દે તેવા છે. હા, થોડા નહીં પણ પૂરા ડરપોક, પણ ભોળા તો નહીં જ અને નહીં. વર્ષો હું માનવનિર્મિત નગરમાં રહી છું. ત્યાંના  નાનકડાં નયનરમ્ય રસ્તા, તે આસ્ફાલ્ટની સડકોની આજુબાજુ માર્ગ સુશોભન અર્થે લાલન–પાલન કરીને ઉગાડેલા વૃક્ષો. મોહનથાળના ચોસલા હોય તેવા રૂપકડાં ઘરોના ચોખંડે વળી પાછા ઘાસના મેદાન અને મેદાનની આગળપાછળ વૃક્ષો. વળી, દરેક ઘરના આંગણામાં મકાન નિવાસીની પસંદગીના ફૂલ–છોડ અને ઝાડ–પાન. તેમાં વડ, લીમડો, પીપળા જેવાં દેશી ઘટાદાર વૃક્ષો અને પામ ટ્રી, બોટલ બ્રશ, ગુલમોર જેવાં આછેરા પાનવાળાં વિદેશી વૃક્ષો પણ ખરાં. આંબો, ચીકુ, નાળિયેરથી લઈને ફણસ ઈવન જાબું, દેશી–વિદેશી આમલી જેવાં ફળાઉ ઝાડ. હવે કહો જોઈએ, આવા નગરમાં તો પંખીડાને મજા જ પડી જાય ને. એટલે મારા નગરમાં કબૂતર, કાબર, ચકલાં, હોલા, કાગડાં જેવા ઘર આંગણાના પક્ષીઓ નેપથ્યે અને બુલબુલ, કાળોકોશી, દૈયડ, દરજીડો, પીળક, ચાષ, કલકલિયો વગેરે રંગીન ઝાડી–જંગલના પક્ષીઓનો જ દબદબો. આમ પણ જે સહેલાઈથી મળે તેની માનવ મનને કિંમત શું ? એટલે મારે મન કબૂતરની કિંમત કોડીની !

સમયે કરવટ બદલી, ને મારે તે હર્યુ–ભર્યુ ઘર આંગણું છોડી, ને બિલ્ડિંગ મઢયે મહાનગરે રહેવા આવવાનું થયું. અને તે પણ અવનીને છોડીને ઊંચે આભમાં. હવે ક્યાંથી કાઢવું તે આંગણું ને તે વૃક્ષ–વેલી–વિંહગનો અસબાબ ! ઊંચી ઊંચી ઈમારતોમાં બીજાં પક્ષી ન રહે, પણ કબૂતર તો મજેથી રહે. જાણે ઘરનું સભ્ય. આમ તદ્દન બીકણ બાયલું. જરા નજીક જાવ ત્યાં તો ફરરરર દઈને ઉડે. મને મારા નગરનાં ફૂલછોડ–પંખીઓનો વિરહ અકળાવે. તે હું કબૂતર સાથે દોસ્તી કરવા પ્રયત્ન કરું. પણ મારા તે હર્યા–ભર્યા આંગણા અને રંગીન પંખીડાંને ભૂલવા મારી વેંત એકની અગાસીમાં થોડાં કૂંડા મુકીને તેમાં નાના ફૂલ છોડ જેવા કે ગુલાબ, મોગરાં, જાસૂદ, બારમાસી વગેરે ઉછેરવાં મથું ને પેલી ભોળા (છ્ટ) પારેવાની ટોળી, ચોરની જેમ મારી ગેરહાજરીમાં, આવીને તે ફૂલછોડના જરાક વેંત જેટલાં કૂમળા છોડને પણ ખૂંચવી જાય. અરે, તુલસીને પણ ન છોડે. ઓફિસફૂલનાં ડાળખાં જેવાં નાનકડાં તૃણ તો તેને બહુ વહાલાં. જરાક બિચારા કૂંડામાં ડોકા કાઢે ત્યાં તરત જ તેનો શિરચ્છેદ થયો જ સમજવો. હવે આવા કબૂતરાને હું ભોળા તો કેમ કહું ? અને દોસ્ત પણ શે બનાવું ? મને તો આ પારેવડાં ગયા ભવના વેરી–દુશ્મન લાગે. હવે તમે જ કહો, લોક ગમે તેટલાં પારેવડાને ભોળા કહે પણ હું તો કેમ કહી શકું ? નવા ફૂલછોડ વાવું ત્યારે બે–ચાર દિવસ તેની ચોકી કરવામાં જ જાય. પણ જરાક આઘીપાછી થઈ નથી, ને કબૂતરની ટોળી સરરરર કરતી આવે, ને બધું ખેદાન–મેદાન કરી દે. અગાસીમાં કશું તડકે સુકવવા મુકંુ કે તરત જ દૂર પાળી પર હારમાં ગોઠવાઈ જાય. મારી આમન્યા રાખે. પણ હું અંદર જાઉં તેવા જ બધાં જયાફત ઊડાવવા હાજર. હવે અગાસીને ઝીણી જાળી નાંખીને તો બંધ કરાય નહીં ! તો પછી તે આકાશિકા ન રહે ને ! આ કબૂતરનું શું કરવુ,ં તે મારા માટે યક્ષ નહીં, પણ ફૂલ છોડ બચાવ પ્રશ્ન થઈ પડ્યો.

મારાં ફલેટની અટ્ટાલિકામાંથી સામેનું બિલ્ડિંગ દેખાય. બિલ્ડિંગની અગાશીમાં પાણીની ટાંકી તેટલી ભિનાશ. તે સિવાય બાકીની અગાશી કોરી કટ્ટ. કોણ જાણે તે બિલ્ડીંગનો વોચમેન કાયમ બપોરે પાણી ચડાવવા મોટર ચાલુ કરે ને પછી ટાંકી ભરાઈ જઈ ને પાણી છલકાય છતાં મોટર બંધ કરે નહીં. પાણી નિરર્થ આગાશીમાં વહી જાય. તે પાણીના વ્યયથી મારો જીવ કોચવાય. આટલાં પાણીમાં તો કેટલાં પંખીડાને ઝાડ પાણી–પાણી થાય ?  એક વખત એમ જ બપોરે ગેલેરીમાં ઊભી વિંહંગાલોકન કરતી હતી, ને સામેના બિલ્ડીંગની પાણીની ટાંકી છલકાઈ. વોચમેનને શોધવા નજર કરી, પણ તે તો કુંભકર્ણનો અવતાર તે તેને તો પાણીનો અવાજ ક્યાંથી સંભળાય ? પાણી વહી જતું હતું, ને મારો જીવ પણ. ત્યાં તો ફરર ફરર પાંખો ફેલાવતી મારી કબૂતરની ટોળી આવી પહોંચી. પાણીનો દદૂડો જ્યાં પડતો હતો, તેથી થોડે દૂર પારેવડાં બેઠાં. ઠંડી જલશીકરોથી પાંખો ભીંજવવા લાગ્યાં. કેટલાંક હતા દારાસિંઘ જેવા હિમતબાજ તે દદૂડાની નજીક જઈને હિંમતભેર તે નાનકડાં જળપ્રવાહ નીચે ઊભા રહી તે ધોધનાં વારિ ઝીલ્યાં. તો કેટલાંકે દેખાદેખીમાં હિંમતભેર સ્વિમિંગ પૂલમાં ઝંપલાવી તો દીધું પણ પછી થયું હશે,‘ યે અપને બસ કી બાંત નહીં,’ તેથી ભીંજાયા ન ભીંજાયા ને તરત બહાર. કેટલાંક ગભરુંએ પહેલેથી જ શરણાગતિ સ્વીકારી લીધી હોય તેમ દૂર ઊભા ઊભા જ ઠંડા જળની મજા લેવા માંડી. તો કેટલાંકે પાંખો ફફડાવીને પ્રિયા કે પ્રિયતમને પણ પાણી તરબોળ કર્યાં. મસ્તીએ ચડેલી તે કબૂતરોની ટોળી જોઈને મારો તેમના પ્રત્યેનો બધો રોષ પેલાં અત્યાર સુધી નિરર્થ વહી જતાં પાણી સાથે અર્થ સભર વહી ગયો. કબૂતરોનો પાણી સાથેનો રોમાન્સ મને વગર ભીંજ્યે ભીંજવી ગયો.

ત્યારથી પાણીની ટાંકી છલકાય છે, તો હું વોચમેન પર ગુસ્સો નથી કરતી, કારણ તે નિરર્થ પાણીને અર્થ મળી ગયો છે. અને મને હવે આ કબૂતરો પ્રત્યે પ્રેમ તો નથી થયો, પણ તેમને સ્વીકારતી થઈ છું. આખરે તે પણ મારા જેવાં સજીવ જ ને ! કુદરતે તેમના જે માટે નિરમ્યું તે જીવી જાણે છે, મારી જેમ જ વળી.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion

કોઈ વ્યક્તિને રોલમોડેલ બનાવી લેવાની બ્રહ્મચર્ય-વૃત્તિ એ ચિત્તનું દમન છે. વ્યક્તિ સાથે પરિસ્થિતિ અને સ્થાનનું સંયોજન વ્યક્તિએ-વ્યક્તિએ અલગ-અલગ પરિણામ લાવે છે. ગાંધીજી જેવું આચરણ કરવાથી ગાંધીજી નથી બનાતું, માત્ર નકલચી બનાય છે. જીવનચર્યા અને વિચારો એ આંતરિક સૂક્ષ્મ ગતિનાં માત્ર દ્રશ્યમાન પરિણામો છે. તેથી, બાહ્ય સ્વરૂપની ઉઠાંતરીમાં મૂળ સત્ત્વ હંમેશાં બાકાત રહી જતું હોય છે. મહાત્માઓની જીવનશૈલીની નકલખોરીથી જીવનને ઉન્નત બનાવવાનાં લોજિક બતાવતા દંભીઓથી ચેતવું રહ્યું. લોજિક એ આપણે બનાવેલાં ગણિતનાં આપણે જ બેસાડેલાં જવાબો જેવું પૂર્ણાનુમાન છે. જગત બે-ને-બે-ચાર-નાં હિસાબે ચાલતું નથી. સમય સાથે હિસાબો બદલાય છે અને વિચારોની ધારની તીવ્રતા બદલાય છે. બીજાનાં વિચારો સાથે સહમત થવું એ એક વાત છે, અને બીજાનાં વિચારોમાંથી સિદ્ધાંતો ઉપજાવી કાઢવાં, અને તેના નશામાં આજીવન ડૂબેલાં રહી, રેડીમેઇડ માસ્ક પહેરીને જીવનભર પેરોડીઓ કર્યા કરવી, એ ઘસાયા વગરની અક્કલની કેસેટ ચોટી જવા જેવી વાત છે.

અધ્યાત્મ-ખોજની પ્રબળ ઝંખનાને કારણે ગાંધીજી જીવનભર વિવિધ ધર્મોને સમજવાના યથાર્થ પ્રયત્નો કરતા રહ્યા અને તેમાંથી પોતાને ગમતી બાબતોને જીવનમાં વણી લેવાના પ્રયોગો કર્યા. આમ છતાં એમણે જે કર્યું એ એમની મતિ પ્રમાણે કર્યું. પોતે ઘણું વેઠીને પોતે નક્કી કરેલા રસ્તે ચાલતા રહ્યા. સત્યની શોધ, સત્યાગ્રહ અને અહિંસા એ એમની આંતરિક અધ્યાત્મિક તૃષ્ણાનાં પરિણામ સ્વરૂપે ખીલેલાં ફૂલ હતાં. તેથી તેમના ઉપરછલ્લા વિચારો ને ગ્રહણ કરી લેવાથી એક્ચ્યુલી કશું ગ્રહણ થતું નથી ... ! પરંતુ આવી બાબતની ખાદીની કેદમાં આજીવન કારાવાસ ભોગવતાં ચંપક ટાઈપ ફન્ની ‘ગાંધીવાદીઓ’ને સમજ ન જ હોય એ સમજી શકાય .. !

ગાંધીજી હયાત હોય તો તેઓ ટેકનોલોજીનો કેટલાં પ્રમાણમાં ઉપયોગ કરે ? સ્માર્ટફોનનાં જમાનામાં પહેલાં તો આવો કોઇ પ્રશ્ન મનમાં ઉદ્દભવે એ જ અલ્પબુદ્ધિની નિશાની છે. પણ એકવીસમી સદીમાં પણ આ પ્રશ્ન અમુક ‘ગાંધીવાદીઓ’ને ગલોટિયા ખવરાવી દે છે ... ! જો ગરીબ લોકો કમ્પ્યુટર ચલાવવા લાગે તો ગાંધીજીના વિચારોની કરુણ હત્યા થઈ જાય કેમ કે રેંટિયાથી જ જીવનને ઉમદા બનાવી શકાય, એ જાતની તેમની સમજ હોય છે. રેંટિયા-ગતિથી ચાલતી તેમની માઈક્રો-મતિ ભૌતિકવાદને લગતી કોઈ પણ બાબતથી કલ્પિત અસમંજસમાં ડૂબી જાય છે.

ગાંધીજી બિહારનાં ચંપારણમાં થોડો સમય રહેલાં, અને ત્યાંના લોકોની ગરીબી જોઈને વ્યાકુળ બનેલા. ત્યાની કોઈ સ્ત્રી પાસે એક જ સાડી હતી અને તેથી તેના માટે નહાવાનું મુશ્કેલ થઈ પડતું. રેંટિયાનાં આવિષ્કારનાં વિચારનું આ હતું ઉદ્દભવ બિંદુ. અને કારણ એ હતું કે ગરીબ લોકો જો વસ્ત્રો ખરીદી ન શકે તો એમણે એમની જરૂરિયાત પુરતા સ્વાવલંબી બની જવું જોઇએ. પણ અત્યારનાં સમયમાં રેંટિયો સંપૂર્ણ અસ્થાને છે, કારણ કે બજારમાં તૈયાર કપડાંના અનેક સોંઘા વિકલ્પો ઉપલબ્ધ થઈ ગયા છે. આ જ રીતે, ખાદી જ પહેરવી એ પ્રકારની જડસુ-વૃત્તિ પણ ‘ગાંધીવાદીઓ’ની નાદાનિયત બતાવે છે.

ભાવનગર ખાતે ધૂળ ખાતા ગાંધી-સ્મૃિત મ્યુિઝયમ અને બાર્ટન મ્યુિઝયમને ખંડેર હાલત ભોગવતા જોઇએ ત્યારે એમના ટ્રસ્ટીઓની ગતિ અને મતિ બંને અંગે શંકા જન્મી આવે છે. નાની-નાની વાતોમાં સિદ્ધાંતના હાકલા-પડકારા કરનારા ગાંધીવાદીઓ ખાદીનો ચૂસ્ત બંદોબસ્ત ઠોકવા સિવાયની બધી જ બાબતોમાં નીરસ જણાય છે. થોડા વખત પહેલા મારા પિતાશ્રીએ આ મ્યુિઝયમની મુલાકાત દરમ્યાન બીડીનાં અસંખ્ય ઠુંઠા મ્યુિઝયમની ફ્લોર પર પડેલા જોયા, અને સદ્દભાવનાથી તેને વીણી, બહાર ચોકીદારને શરમાવવા ખાતર જઈને પૂછ્યું કે આ બીડીનાં ઠુંઠા ક્યાં નાખવા ? (મીન્ઝ કે કચરા-પેટી ક્યાં છે ?) પરંતુ ‘ગાંધીવાદ’ના તાવમાં ખંડેર બનેલા તંત્રનાં સિપાહીભાઈએ શરમાવા ને બદલે ટટ્ટાર અને તીખી મુદ્રા ધારણ કરી કહ્યું કે ગમે ત્યાં બહાર નાખી દ્યો ને, સાહેબ ... ! વ્યાકુળ મનને ઉધારી ઉપર આંચકી લીધેલાં અને કાટ ખાઈ ગયેલાં સિદ્ધાંતોનાં રેંટિયા ઉપર ગમે તેટલું ધમરોળી લ્યો, પણ યોગ્ય ઉકેલ તો આવા ઘનચક્કરો પાસે ક્યાંથી અપેક્ષિત હોય જ .. !

*તા.ક.

આ માત્ર ‘અમુક’ ગાંધીવાદી વર્ગની વાત છે. બાકી ગાંધીવાદના ઓજસ હેઠળ ઉછરેલી લોકભારતી (સણોસરા) જેવી સ્માર્ટ સંસ્થાઓ તેમની શિક્ષણ-પદ્ધતિ અને વૈજ્ઞાનિક અભિગમ પ્રત્યે અચૂક આદર જન્માવે એવી છે. તેથી આ અંગે કોઈ ગેરસમજણને સ્થાન ન આપવું.

https://www.facebook.com/nihar.meghani?ref=ts&fref=ts

Category :- Opinion Online / Opinion