OPINION

માફ કરજો, હું કોઈ 'વાદી' નથી, ભારતનો સામાન્ય પ્રજાજન છું. કોઈ રાજકારણીના વખાણ કે ટીકા કરી શકું, એટલો આલોચક પણ નથી. સામાન્ય ગુજરાતી બ્લોગર છું. (http://bestbonding.wordpress.com

રાજકારણને લગતી જેટલી ચર્ચા થાય છે, તે બધામાં ૨૦૦૨ના કોમી રમખાણોની વાત થાય છે, પણ ગોધરા કાંડનો ઉલ્લેખ પણ થતો નથી, કેમ ? એ ડબામાં સેવકો હતા કે સામાન્ય પ્રજા, હિંદુ હતા કે મુસ્લિમ એનાથી ફરક પડતો નથી, સૌ માનવો હતા અને તેમની સાથે જે થયું તે ૨૦૦૨ના રમખાણોની જેમ જ ટીકાપાત્ર છે.

બીજેપી આવે કે કોંગ્રેસ, સામાન્ય પ્રજા 'સામાન્ય' રહે છે. અને ચૂંટણીમાં પણ ક્યાંથી રસ લઈ શકે ? એની રોજિંદી મુશ્કેલીઓમાંથી બે-ચાર દિવસ પણ, કોઈ રાહત આપે તો ત્યાં દોડી જવાની છે. લાંબુ વિચારવાની ક્ષમતા જ હણાઈ ગઈ છે. ભારતને ગુલામીની ટેવ પડી ગઈ છે. અંગ્રેજો હોય, મોદી હોય કે સોનિયા ગાંધી હોય કે કોઈ પણ હોય.

ભારતની બહાર રહેલાઓ ભારતની પ્રજાને અન્ય ટીકાઓ કરવા કરતાં ઉન્નત મસ્તકે જીવવામાં મદદ કરી શકે તેવું થવું જોઈએ. મોટાભાગના એન.આર.આઈ. ભારતીયોને ઉતારી પાડવા સિવાય કંઈ કરતા નથી. પોતાની ગાડીઓ 'મોટર વે' પર દોડાવીને ગુજરાતમાં 'સારા રસ્તા' મળે તેની ટીકા કરે છે, ત્યારે દિલમાં દુઃખે છે.

ફરીથી, કંઈ દુઃખ થાય તેવું જો લખાયું હોય તો ક્ષમા માગું છું.

e.mail : [email protected]

Category :- Opinion Online / User Feedback

તાજેતરમાં બી.બી.સી. ઉપર ‘The Toughest place to be’ નામની ધારાવાહી દસ્તાવેજી કાર્યક્રમ જોઉં છું.

આ દેશના જુદા જુદા ખૂણાઓમાં કામ કરતા પ્લમર, માછીમાર, ટેક્સી, ટ્રૈન અને બસ ડ્રાઈવર, પશુપાલક, પારામેડીક, મીડવાઇફ, અને બિનમેનને મનીલા-ફિલીપાઈન્સ, ગ્વાટેમાલા સિટી (દુનિયામાં સહુથી વધુ ખૂનના ગુનાઓ માટે કુખ્યાત શહેર), મોનોર્વિયા, સિએરા લિયોન, જકાર્તા અને બ્રાઝિલના જંગલો જેવા મુશ્કેલ ગણાતા પ્રદેશોમાં, દસ દિવસ માટે કામ કરવા મોકલેલા, તેનું ચિત્રણ આ ધારાવાહી દસ્તાવેજી કાર્યક્રમમાં કરેલું છે.

આમ તો ટેિલવિઝન ઉપર સમાચાર જુઓ તો નેતાઓની આંગળી પકડીને દુનિયાના મોટા ભાગની રાજધાનીઓ અને જોવાલાયક સ્થળો જોઈ શકાય, તે પણ વગર પૈસે ! પણ આ કામદારો-કર્મચારીઓ સાથે સાચુકલા લોકો અને ખરું અસ્તિત્વ ધરાવનાર જગ્યાઓની નગ્ન વાસ્તવિકતા જોવાથી ઘણી માહિતી મળી.

ઉપર કહ્યા તે સ્થળોની યાદી જોતાં, નોંધ લઈ શકાય કે આ કાર્યક્રમના આયોજકોએ સહેતુ ગરીબી અને અભાવમાં જીવતા લોકોના જીવનને કચકડામાં કંડારવાનો નિર્ણય લીધો છે. સાથે સાથે એ પણ વિચાર આવે કે ભલા, મોટા ભાગના શહેરો-ગામ પૃથ્વીના પૂર્વ ગોળાર્ધમાં અને/અથવા દક્ષિણ ગોળાર્ધમાં જ કેમ છે ? ખેર, એ વાત બાજુ પર મૂકીએ.

આ બંને ધારાવાહીના કાર્યક્રમો જોતા તારણ નીકળ્યું કે એ સ્થળો સાથે આ દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિનો વિરોધાભાસ સ્પષ્ટ થાય છે, અને એટલે જ ત્યાં જઈ આવેલાં ભાઈ/બહેનોને પોતે અહીં કેટલા નસીબદાર છે એનો અહેસાસ થાય છે. પોતાને નડતી તકલીફો માટે ફરિયાદ કરવાની બંધ કરે છે અને બીજા કમભાગી લોકોનો વિચાર કરતાં થાય છે.

બધા કાર્યક્રમોમાં એક વિશેષ વાત એ પણ જોઈ શકાઈ કે જ્યાં જ્યાં ગયા, ત્યાં સખત ગરીબી હતી, લોકો પાસે કામ કરવાનાં સાધનો અત્યંત નિમ્ન કક્ષાના, રહેવા માટે ઘર નાના અને અપૂરતી સગવડવાળા, બાળકો માટે શિક્ષણ અને રમત-ગમતની સગવડોનો સદંતર અભાવ, ખાવા માટે ભાગ્યે જ એકાદ બે વસ્તુ મળે તો મળે નહીં તો ઉપવાસ પણ થાય, અને મૂળભૂત જરૂરિયાતો પણ સંતોષી ન શકે તેવી અર્થવ્યવસ્થામાં લોકો જીવે છે. બસ, રિક્સા, ટ્રક, ફાયર એન્જિન કે એમ્બ્યુલન્સ એવી સાધારણ સગવડવાળા વપરાય છે કે જો રસ્તામાં અટકે, તો રીપેર કરવાની કે બીજું વાહન મેળવવાની કોઈ શક્યતા ન મળે. તેમ જંગલ હોય કે શહેર, રસ્તાઓ અતિ સાંકડા, સલામતીની વ્યવસ્થા વિનાના અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા ડ્રાઈવરોથી ખીચોખીચ ભરેલા જોવા મળ્યા.

આપણે જાણીએ છીએ કે ઘણા દેશોમાં લોકશાહી નામની જ છે, બાકી તુમારશાહી, ભ્રષ્ટાચાર, લાંચ-રુશ્વત અને ગુનાખોરીની બોલબાલા હોય, ત્યાં સામાન્ય પ્રજાજનનું જીવન અતિ દુષ્કર હોય છે. એ કાર્યક્રમમાં ફિલ્મ કરેલ દરેક સ્થળે મોટા શહેરોમાં એક તરફ અતિ આધુનિક બંગલાઓ, શોપિંગ સેન્ટર્સ અને ઓફિસના ભભકાદાર મકાનો હોય છે, તો બરાબર તેની છાયામાં ઝૂંપડપટ્ટીઓ, ગંધાતી નાલીઓ, કચરાના ઢગલા અને વર્ણન ન કરી શકાય તેવી અવ્યવસ્થા જોવા મળે છે. સરકાર સફાઈ કામદારો, ફાયરમેન, મીડવાઈફ કે પારામેડીકને પૂરતા સાધનો આપવાની દરકાર નથી કરતી. ટેક્સી કે બસ ડ્રાઈવર પોતાના વાહન ખરીદી ન શકે, ભાડે ચલાવે અને માથાડૂબ દેવામાં મરવાને વાંકે જીવે. બળુકા દેશોના મોટા ટ્રોલર આવીને માછલીઓ પકડી જાય, એટલે નાના માછીમારો ભૂખે મરે, છતાં ત્યાંની સરકાર કોઈ પગલાં ન ભરે. સતત દુષ્કાળની પરિસ્થિતિને કારણે કેટલીક જગ્યાએ તો ચારણના અભાવને કારણે કેટલાક ભરવાડોને પોતાના પશુધનને સાચવવા શસ્ત્રોનો ઉપયોગ કરવો પડે છે.

બી.બી.સી.ના આ કાર્યક્રમને કારણે જે તે દેશની સરકારોની ફજેતી થઈ, તેમની આંખ ઉઘડી અને કેટલાક સુખદ ફેરફારો થયા એ જોઇને ખુશી થાય. વળી જે કારીગરો/કર્મચારીઓ વિદેશ ગયા, તેમણે અહીં આવીને ભંડોળ એકઠું કર્યું, જેનાથી ભલે થોડા લોકોને પણ તાત્કાલિક રાહત થઈ, એ પણ ઇચ્છિત પરિણામ આવ્યું.

જોવાની વાત એ છે કે આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ભાઈ/બહેનો ગરીબીનું વરવું રૂપ, અસમાનતાની ઊંડી ખાઈ, સરકરી અને ખાનગી સંગઠનોની બેદરકારી અને એ લોકોની કમ્મરતોડ મહેનત જોઈને આંસુથી ભીંજાયા વિના ન રહી શક્યા. એ લોકોને લાગ્યું કે બીજા દેશમાં રહેતા તેમના સહ ભાગીઓ અને તેમના પોતાના કામમાં ઘણું સામ્ય છે, તેને માટે જોઈતી કુશળતા અને મહેનત લગભગ સરખી છે, પણ તેમાંથી મળતા વળતરમાં જમીન-આસમાનનો ફર્ક છે. લગભગ અકિંચનની દશામાં રહેવા છતાં એ બધા લોકો ખૂબ ખુશ રહે છે, એકબીજાને પ્રેમ કરતાં ધરાતા નથી, તે આ બ્રિટિશ લોકોને ખોબે ખોબે પ્રેમ આપ્યો. માત્ર નોકરિયાત કે મજૂર જ નહીં પણ તેનું આખું કુટુંબ, પડોશે અને ગામના લોકો પણ આદર અને પ્રેમ આપતા હતા. દરેક કામમાં હાથ કે નાના સાધનોનો ઉપયોગ કરવો, સખ્ત ગરમીમાં દિવસ રાત જોયા વગર કામ કરવું, અતિ દુર્ગંધભર્યા રસ્તા, મકાનો, ગલીઓમાં રહેવું એ તેમને માટે સહજ હતું, જ્યારે આ મહેમાનો માટે અકલ્પ્ય પરિસ્થિતિનો સામનો કરવો અઘરો સાબિત થયો. તેમને બીજા માટે અનુકંપા જાગી, અજાણ્યા લોકોને પોતાના ‘ભાઈ’ માનવા લાગ્યા, અને તેમના માટે ઘસાઈ છૂટવાના પ્રયત્નો કરવા લાગ્યા. ગરીબી માણસને નિકટ લાવે.

આ કાર્યક્રમ જોયા પછી સમજાયું કે સહુથી મુશ્કેલ જગ્યા મનીલા, ગ્વાટેમાલા સિટી, મોનોર્વિયા, સિએરા લિયોન, જકાર્તા કે બ્રાઝિલના જંગલો નથી, પરંતુ શિક્ષણ, મકાન અને કામ કરવાનાં સાધનોનો અભાવ અને તેને કારણે ઊભી થતી ગરીબી એ સૌથી મુશ્કેલ રહેવાની જગ્યા છે.    

આસાન જગ્યાએ રહેતા લોકોની ફરજ છે કે પોતાના રોટલામાંથી એક ટુકડો બીજાને આપે, અને સખ્ત મહેનતુ પ્રજાને ગરીબીની ઊંડી ગર્તામાંથી બહાર કાઢવા પોતાનો હાથ લંબાવે.

e.mail : [email protected]

Category :- Opinion Online / Opinion