OPINION

આજે [06 ઍપ્રિલ 2020] વેલિંગબરૉસ્થિત ‘બિદ્દ એન્ટરપ્રાઈઝ’ના ભીખુભાઈ શાહ પાસેથી જાણવા મળ્યું કે મુંબઈમાં ધનજીભાઈ શાહનું નિધન થયું છે. સાંભળી દુ:ખ થયું પણ સાથેસાથે જે રીતે ધનજીભાઈએ એમના જીવન દરમિયાન ગુજરાતી સાહિત્યનાં પ્રકાશનો પ્રસિદ્ધ કરી દેશપરદેશનાં ગુજરાતીઓને વાંચતાં કર્યાં એ જોતાં આપણે તેમના જીવનની સાર્થકતા માટે ઉજવણી કરવી જોઈએ, એમ માની એમને મેં મનોમન અંજલિ આપી. એમની કાર્યનિષ્ઠાને લીધે ‘નવભારત સાહિત્ય મંદિરે’ નામના મેળવી.

વોન્ડ્ઝવર્થની એથ્નિક માઈનોરિટિઝ લાઈબ્રેરીમાં ૨૫ વર્ષ કામ કર્યું, તે દરમિયાન જે રીતે ગુજરાતી પુસ્તકોનો સંગ્રહ હું સ્થાપી શકી હતી, તેનો યશફાળો મોટે ભાગે ધનજીભાઈને જાય છે. અમારા બ્રિટનના ‘સપ્લાયર’ બિદ્દ બધાં જ ગુજરાતી પુસ્તકો નવભારત દ્વારા મંગાવતા, અને મારાં વાચકોની એકેએક માગ પૂરી પાડવા માટે શાંતિભાઈ શાહને ધનજભાઈનો સંપૂર્ણ સહકાર મળતો. હરકિસન મહેતા જ્યારે અમારી લાઈબ્રેરીની મુલાકાતે આવ્યા હતા, ત્યારે એમણે કહ્યું હતું, “આટલો સુંદર ગુજરાતી પુસ્તકસંગ્રહ મેં ભારતની લાઈબ્રેરીમાં પણ નથી જોયો”. અને આનો જશ હું ખરેખર ધનજીભાઈની કાર્યક્ષમતાને આપું છું. એ નવભારતનાં જ નહીં પણ બીજા પ્રકાશકોનાં ઉત્તમ પુસ્તકોનો સંગ્રહ અમારી લાઈબ્રેરીઓ માટે ચૂંટીચૂંટીને મોકલતા.

ધનજીભાઈ પણ મારી લાઈબ્રેરીમાં આવી ગયા હતા અને તેમને નવભારતનાં પ્રકાશનોને લંડનનાં ગુજરાતીઓને પ્રેમથી વાંચતાં જોઈ આનંદ થયો જ હશે. વળી જ્યારે એમને જાણવા મળ્યું કે મારાં વંશજનો કચ્છ મુંદ્રાનાં છે ત્યારે અમારા બન્ને વચ્ચેની આત્મિયતા થોડી વધુ ગાઢ બની હતી. આવી આ ઉમદા વ્યક્તિને મારા કોટિ કોટિ પ્રણામ.

પ્રભુ તેમના આત્માને ચીર શાંતિ બક્ષે.

— ભદ્રા વડગામા

•••••••

જાણીતા ગુજરાતી પ્રકાશક ‘નવભારત સાહિત્ય મંદિર’ના સ્થાપક ધનજીભાઇ શાહનું ગઇકાલે (05 ઍપ્રિલ 2020) જ મુંબઇમાં દુઃખદ નિધન થયું. ગુજરાતી સાહિત્યજગતના અનેક પ્રતિષ્ઠિત અને જાણીતા લેખકોના પુસ્તકોને ગુજરાતીઓના ઘેરઘેર પહોંચાડવામાં ધનજીભાઇનું યોગદાન અણમોલ અને ચિરંજીવ છે. “ચિત્રલેખા” પરિવાર પણ આ ક્ષણે શોકની લાગણી અનુભવે છે અને એમને શ્રદ્ધાંજલિ પાઠવે છે.

“ચિત્રલેખા”ના વર્ષ 2017ના વાર્ષિક અંકની સાથે પ્રકાશિત થયેલી ગૌરવવંતા ગુજરાતીઓની યાદીમાં પણ એમનો સમાવેશ થયો હતો. એ અંકમાં એમના વિશે લખાયેલો આ લેખ એમને શ્રદ્ધાંજલિરૂપે અહીં પુનઃ પ્રકાશિત કરીએ છીએ.

-----------------------------------------------------------

વર્ષ ૧૯૬૦ની વાત છે. માંડ એસ.એસ.સી. સુધી ભણેલો ધનજી શાહ નામનો એક કચ્છી માડુ હાથમાં ફક્ત 200 રૂપિયાની મૂડી લઈને મુંબઈમાં પગ મૂકે છે. ત્રીજા ધોરણમાં સાથે ભણતા બાળગોઠિયા ખુશાલભાઈ વોરાને મળે છે. ખુશાલભાઈનું લોખંડબજારમાં સારું કામ છે, પણ એમણે જોયું કે આ મિત્ર તો અમદાવાદમાં પુસ્તક પ્રકાશકને ત્યાં કામ કરવાનો અનુભવ ધરાવે છે. લોખંડબજારમાં એની ચાંચ કેમ ડૂબશે?  છેવટે એ પોતે જ સલાહ આપે છે કે, તને પુસ્તકની લે-વેચનો અનુભવ છે તો એ જ કામ કર. ધંધો ચાલુ કરવા ખુશાલભાઈ થોડીક મૂડીની પણ મદદ કરે છે અને એમાંથી કાલબાદેવીમાં ભાડાની જગ્યા લઈને આ યુવાન પુસ્તકની દુનિયામાં પાંખ ફફડાવે છે.

કટ ટુ ૨૦૧૭.

ગુજરાતી પુસ્તક પ્રકાશનની દુનિયામાં આજે ધનજીભાઈ શાહ અને એમણે સ્થાપેલા ‘નવભારત સાહિત્ય મંદિર’નું નામ બહુ જાણીતું છે. લોકપ્રિય નવલકથાકાર રસિક મહેતાની નવલકથા પ્રણયપ્રકાશના પ્રકાશનથી શરૂ કર્યા પછી આજ સુધીમાં નવભારત દ્વારા એમણે લગભગ પ,૦૦૦થી વધારે પુસ્તકો ગુજરાતી વાચકોને આપ્યા છે. ચંદ્રકાન્ત બક્ષી, પ્રિયકાન્ત પરીખ, ચુનીલાલ મડિયા, મોહનલાલ મહેતા, કુન્દનિકા કાપડિયા, મકરંદ દવે, કાન્તિ ભટ્ટ, તારક મહેતા અને અશ્વિની ભટ્ટ જેવાં લેખકોને પુસ્તકસ્વરૂપે દેશ-વિદેશમાં વાચકોના ઘર સુધી પહોંચાડ્યાં છે.

પિતા પ્રેમચંદભાઈ તો મુંદ્રામાં વાસણની ફેરી કરતા. બહોળો પરિવાર એટલે ધનજીભાઈ અમદાવાદ આવીને પરિવારના જ વડીલો એવા શંભુભાઈ અને ગોવિંદભાઈ સાથે એમની પ્રકાશન સંસ્થા ‘ગુર્જર પ્રકાશન’માં જોડાયા. પુસ્તકની દુનિયાનો આ પહેલો પરિચય. ગુર્જરમાં એ દિવસોમાં ધૂમકેતુ, ગુણવંતરાય આચાર્ય જેવા લેખકો આવતા. એમને નજીકથી જોયા. પુસ્તકોનું વેચાણ કેમ થાય એ શીખ્ચા. ૧૯૬૦માં મુંબઈ આવ્યા ત્યારે શરૂઆતમાં જૂનાં પુસ્તકો ખરીદીને અમદાવાદ વેચવા મોકલતા. સંઘર્ષના એ દિવસમાં સવારે નવ વાગ્યે ઘરેથી થેલામાં પુસ્તકો નાંખીને નીકળતા. સ્કૂલોમાં જાય અને વેચે. જૂના પ્રકાશકો પાસેથી વેચાણનું ઓછું કમિશન મળે તો ય પુસ્તકોનું વેચાણ વધારવા અથાગ મહેનત કરતા. “ચિત્રલેખા”માં એની અવરજવર એટલે મધુરીબહેનને મળે. વજુભાઈનાં પુસ્તકો ય વેચ્યા. “ચિત્રલેખા”ના જિતુભાઈ મહેતા અને વિજયગુપ્ત મૌર્ય જેવા લેખકોનાં પુસ્તકો ય છાપ્યા. બક્ષી અને મડિયા જેવા લોકપ્રિય લેખકો નવભારતમાં આવ્યા અને મહેનતકશ ધનજીભાઇનો ધંધો જામતો ગયો.

વણિકના દીકરાને આમે ય ધંધો કરતા શીખવાડવું ન પડે. આફ્રિકન દેશોમાં વસતા ગુજરાતીઓના નામ-સરનામાં મેળવીને એ સામેથી ઓર્ડર વિના પુસ્તક મોકલી આપે. મોટાભાગે ગુજરાતીઓ બિલ ય મોકલી આપે! વેપારની સૂઝ જબરી. ૧૯૬૭માં દરિયાઈ માર્ગે પુસ્તકો મોકલી શકવાની મંજૂરી મળતા અને એક્સપોર્ટ પર છૂટછાટ મળતા ધનજીભાઇએ જહાજમાં પેટીઓ ભરીને પુસ્તકો મોકલવાનું શરૂ કર્યું. એક વખત પુસ્તકોના વેચાણ માટે લંડન ગયા. ત્યાંની લાઇબ્રેરીમાં સંચાલક ભદ્રાબહેન મુંદ્રાના ગુજરાતી હતાં. પરિચય થયો તો જાણવા મળ્યું કે એ તો બાળપણમાં સ્કૂલમાં સાથે હતાં! એ પછી લંડનની લાઇબ્રેરીમાં ય નવભારતના પુસ્તકો વંચાતા થઈ ગયા.

મુંબઈમાં મધુરીબહેન શાહ મ્યુનિસિપલ સ્કૂલોમાં ઓર્ડર અપાવતા. સુરેશ દલાલે પણ ખૂબ સહકાર આપ્યો. સામે ધનજીભાઈએ પોતાના સરળ સ્વભાવ અને ચબરાક વાણિયાબુદ્ધિથી બક્ષી જેવા તેજતરાર લેખકને પણ નવભારતમાં સાચવી રાખ્યા! સુરેશ દલાલ લખે છે, 'નવભારતમાં છપાયેલા પુસ્તકોના અક્ષરમાંથી ધનજીભાઈની અદશ્ય છાપ ઉપસે છે.’

અલગ અલગ સ્વભાવ અને પ્રકૃતિ ધરાવતા લેખકોને એકસાથે સાચવી રાખવામાં અને એમને અક્ષરદેહે લાખો વાચકો સુધી પહોંચાડવામાં ધનજીભાઈ સફળ થયા છે. ક્યારે ય કોઈના પ્રત્યે કડવાશ રાખી નથી. બલકે, જીવનમાં થયેલા ખરાબ અનુભવોને ભૂલી જઈને ફક્ત સારા પ્રસંગો જ યાદ રાખ્યા છે. અથાગ મહેનત પછી પણ એ નમ્રતાથી કહે છે, ભાગ્ય ચડિયાતું હોય તો જ પુરુષાર્થને સાથ મળે છે.

થેલામાં પુસ્તકો રાખીને વેચવાથી શરૂ થયેલી એમની આ સફર આજે ગુજરાતી સાહિત્યની અણમોલ થાપણ સર્જી ચૂકી છે.

(તસવીર : પ્રજ્ઞેશ વ્યાસ)

કેતન ત્રિવેદી, સંપાદક : http://chitralekha.com

https://chitralekha.com/news/gujarat/navbharat-sahitya-mandir-dhanjibhai-shah/

Category :- Opinion / Opinion

કટોકટીની ક્ષણો

ધનજીભાઈ શાહ
07-04-2020

સંપાદક તરીકે સુરેશભાઈ દલાલની એક ખૂબી એ હતી કે તેઓ માત્ર નીવડેલા લેખકો પાસે જ ન લખાવતા. જેમણે કોઈ દિવસ હાથમાં કલમ પકડી ન હોય તેમની પાસે પણ લખાવીને તેમના લેખ પોતાના સંપાદનોમાં મૂકતા. તેમના એક સંપાદન માટે ‘નવભારત સાહિત્ય મંદિર’ના ધનજીભાઈ શાહે લેખ લખ્યો હતો એટલું યાદ હતું, પણ કયા પુસ્તક માટે લખેલો તે યાદ આવતું નહોતું. ગઈ કાલે બપોરે મિત્ર અપૂર્વ આશરને આ લેખ શોધી આપવા વિનંતી કરી, અને આજે સવારે તો તેમણે સંપાદન ‘મારી કટોકટીની ક્ષણો’માં પ્રગટ થયેલો ધનજીભાઈનો લેખ મોકલી આપ્યો. પુસ્તકમાં લેખ સાથે ધનજીભાઈનો જે ફોટો છાપ્યો હતો તે જ અહીં મૂક્યો છે. અપૂર્વ આશરના સૌજન્યથી અહીં એ લેખ તથા ફોટો રજૂ કર્યા છે.

— દીપક મહેતા

ખુવાર થઈ જવાનો અણધાર્યો પ્રસંગ આવી ગયો. કમ્પાલા—યુગાન્ડાથી એક સજ્જન પુત્ર અને પિતા મળવા આવ્યા. તેમણે કહ્યું, લંડનમાં બુકશૉપ કરવી છે, તેના માટે બધાનો માલ તમે અપાવો.

લોભ અને લાલચ બહુ ખરાબ ટેવ છે. તેમાં રંગાયા અને શરત કરી કે 33 ટકા ઍરચાર્જીસ ત્યાં તમારે ભરવા પડે. બૅન્ક બૅલેન્સ બધા વાપરી, બધો માલ ભેગો કરી રવાના કરી દીધો. આઠ દિવસ પછી ફોન આવ્યો કે અમે આ ધંધો કરવાનો વિચાર માંડી વાળ્યો છે, તો તમે માલ પાછો મંગાવવાની વ્યવસ્થા કરી લેશો. હું ખૂબ હતાશ થયો. રાત્રિની ઊંઘ પણ ઊડી ગઈ. હવે શું કરવું? ઘરમાં સાવ સૂનમૂન થઈ ગયો. મોઢું એકદમ સુકાઈ ગયું. હવે શું કરવું? રિઝર્વ બૅન્કના કાયદા પણ એ સમયે ખૂબ કડક હતા. આટલી રકમ આપણા વતી કોણ ભરે?

નૈરોબીના એક ભાઈ થોડુંઘણું કામ કરતા હતા. તેમણે હિંમત આપી કે મારા મોટા ભાઈ નૈરોબીથી લંડન ગયા છે. તે તમને મદદ કરશે. પરદેશ જવાનો ક્યારે ય વિચાર પણ ન આવે. બધું તૈયાર કરવામાં મિત્ર ચંદ્રકાંત બક્ષી એટલે કે, બકુલ બક્ષીને મળો. એ ગૅરંટીની સહી કરી આપશે તો તમારું બધું તૈયાર થઈ જશે.

પરદેશ જવાની તૈયારી કરી. મિત્ર સ્લેટ ઉપર ‘નવભારત સાહિત્ય મંદિર’ લખ્યું હતું તેમને ઘેર લઈ ગયા. માલ છોડાવી કચ્છના એક પટેલની દુકાન જે સ્વામીનારાયણ મંદિરની નજીક હતી ત્યાં પુસ્તકો ગોઠવી દીધાં અને રકમ નફા સાથે મળતી ગઈ.

પરિવાર અંગે ગુર્જરમાં શંભુભાઈ અને ગોવિંદભાઈએ મને ખૂબ સાચવ્યો અને હંમેશાં આર્થિક જોગવાઈ પણ કરી આપી. મેં વિચાર કર્યો કે હું કઈ રીતે આ દેવું ચૂકવીશ? તેથી અમદાવાદ છોડી મુંબઈમાં નવું સાહસ કરવાની હિંમત કરીને બે મહિના મુંબઈ આવી પહોંચ્યો.

બે જોડી કપડાં અને બસો રૂપિયા રોકડા હતા. છેવટે થેલી લઈ શાળાના જૂનાં પુસ્તકો ખરીદી અમદાવાદ મોકલવા શરૂ કર્યાં અને તેમાં સફળતા મળી ગઈ. ખર્ચો નીકળી ગયો એટલે હિંમત પણ આવી ગઈ. પછી અણધાર્યાં નસીબ ખૂલ્યાં. બાળપણમાં ત્રીજી ગુજરાતી સાથે ભણતા મિત્ર ખુશાલને મળવા ગયો. કંઈક ધંધો કરાવી આપ તો મુંબઈમાં રહી શકાય. મિત્રે ઊલટો ઠપકો આપ્યો : દસ વરસના અનુભવથી જે ધંધો વિકસાવ્યો છે તે ધંધો કરવો જોઈએ.

આ પ્રમાણેની સલાહ બધા આપતા હતા. બીજા દિવસે મિત્ર પાસે ફરી વાત કરી, પાંચ હજાર જેવી રકમ જો વ્યાજે મળે તો જ હું ધંધો આગળ જમાવી શકું. નસીબ સાથ આપતું હતું. તેણે પાંચ હજારની બે હૂંડી અપાવી. ધંધામાં નવું સાહસ કર્યું અને નસીબે પણ યારી આપી. મુંબઈમાં સફળતા મળી ગઈ. ગુજરાતી પુસ્તકો વેચવાં હોય તો પ્રિન્સેસ સ્ટ્રીટ બજારમાં મોટા મહારથીઓની લાઇનમાં બેસવું જોઈએ. સીધાં પગથિયાં ન ચડવાં અને એક બાંકડા ઉપર ‘નવભારત સાહિત્ય મંદિર’નું બૉર્ડ લગાવી કામ શરૂ કર્યું. બે વર્ષમાં જ નસીબ ચમકી ગયું. એક દરજીની દુકાનમાં આગળનો ભાગ ભાડે મળી ગયો.

ગુર્જરના ભાઈઓની સચ્ચાઈ અને પ્રામાણિકતાનો પાઠ શીખ્યો હતો તેથી સારા પ્રકાશક થવાનો નિર્ણય કર્યો. અમદાવાદમાં ઓળખીતા મિત્ર પ્રેસવાળા ભાઈ પાસે ગયો અને એમણે હિંમત આપી. એક શરત મૂકી. મારી ઉઘરાણી બે લેખકમાં રહી ગઈ છે, તે વસૂલ કરી આપ તો હું તારા પ્રકાશનની બધી જવાબદારી અદા કરી લઉં.

મૂંઝવણ થઈ કે રસ્તો કેમ મળે? બંને લેખકો પાસે જઈ વાત કરી તો કહ્યું કે વાત સાચી છે, પરંતુ પુસ્તકો વેચાયાં નથી. તમને થોડા થોડા આપું તો વસૂલ કરી લે. મને સારો કીમિયો મળી ગયો અને બે મહિનામાં તો પૈસા આવી ગયા અને આપણે પ્રકાશકની લાઇનમાં આવી નવા નવા લેખકોની શોધ કરી પુસ્તકો છાપી બજારમાં મૂકતાં ગયા. બધાને નવાઈ લાગે કે આ શું થયું હશે? સાહસ કરવાની વૃત્તિ અને નુકસાન થાય તો પણ હિંમત હાર્યા વગર આગળ વધવું એવું નક્કી કર્યું. આફ્રિકા, મોમ્બાસા, દારેસલામ, નૈરોબી વગેરે વેપારીઓને જાણ્યા-પિછાણ્યા વગર ઉધાર માલ મોકલતો ગયો. એ વેપારીઓ પણ વિચારમાં પડી ગયા અને નવાં નવાં પુસ્તકો ઝડપથી મળતાં હોવાથી તેમની સાથે ગાઢ સંબંધ થઈ ગયો અને ધંધામાં વૃદ્ધિ થવા લાગી.

નસીબનું પાંદડું આગળ વધ્યું. 1967માં રિઝર્વ બૅન્કનો કાયદો આવ્યો કે સ્ટીમર રસ્તે મોમ્બાસા, દારેસલામ માલ મોકલી શકાય અને ફરી મારી હિંમત કામે લાગી ગઈ. આ કાયદાનો ચાલુ પ્રકાશકોમાંથી કોઈને ખ્યાલ ન આવ્યો અને બધાને મારી બિઝનેસ પ્રતિભાની નવાઈ લાગી ગઈ.

એક વરસ પછી અણધાર્યા એક ભાઈએ મારો ઍક્સપૉર્ટનો આંકડો વાંચ્યો અને 11 વાગ્યે દુકાને મળવા આવ્યા. તેમણે કહ્યું, જો તમારા ઍક્સપૉર્ટના કાગળો બધા બરાબર હશે તો તમને લાઇસન્સ મળે અને કેન્દ્ર સરકારની 8 ટકા સબસિડી મળે અને પચીસ ટકા લાઇસન્સ મળે.

નસીબ જોર કરતું હતું, એક વરસના બધા કાગળો વ્યવસ્થિત મળી ગયા અને એ ભાઈએ અરજી કરી. મને સબસિડી અપાવી અને લાઇસન્સ પણ અપાવ્યું. લાઇસન્સ પ્રીમિયમ બહુ મળતું હતું પણ તે નફો પચાવતા આવડ્યો તેથી પુસ્તકો રાખવા ગોડાઉન અને ભાઈને માટે રહેવાનું ઘર પણ ઝડપથી મળી ગયું.

Category :- Opinion / Opinion