OPINION

મૂડીવાદની માયાજાળ

ભરત શાં. શાહ
24-09-2015

મૂડીવાદના સાચા સ્વરૂપને ન સમજવાથી અનેક અનર્થોના ભોગ બનવાનો વખત આવે છે. તેનું સ્વરૂપ છેતરામણી મયાજાળને લીધે આસાનીથી જોઈ શકાય તેમ નથી. વળી, અમેરિકન મૂડીવાદીઓ અહીંના રૂઢિચુસ્ત પક્ષો તથા ક્રિશ્ચિયન ચર્ચના સહકારથી ભાતભાતના ભ્રામક દાવાઓ અને દલીલો રજૂ કર્યે રાખે છે, તે ખોટી સાબિત થયા પછી પણ, સત્યનું મોં સુવર્ણના પાત્રથી ઢંકાયેલું જ રહે છે. આ લેખકે પોતે મૂડીવાદનાં ફળો ચાખ્યાં છે, તેથી મૂડીવાદનો આંધળો વિરોધ તો તે ન કરે. આ ટચૂકડા લેખમાં હું આજનો મૂડીવાદ તેના મૂળ સ્વરૂપથી ભ્રષ્ટ થયો છે, તે ખુદ અમેરિકાના હિતમાં પણ નથી, અને વિશ્વભરમાં તેની નિકાસ કરવાથી તે આખી દુનિયાને તેની ગુલામ બનાવી દઈ શકે તેમ છે, એ ત્રણ મુદ્દાઓનું પ્રતિપાદન કરવા પ્રયત્ન કરીશ.

ફ્યૂડલ અર્થવ્યવસ્થાના રક્ષણ માટે અસ્તિત્વમાં આવેલ કૅપિટાલિસ્ટ પદ્ધતિ અમેરિકાના જમીનદાર સ્થાપકોએ સ્વાભાવિક રીતે જ અપનાવી લીધી. સ્વાતંત્ર્યનાં ઘોષણાપત્રમાંથી ગુલામી નાબૂદ કરવાની વાત ઉડાવી દઈને કાળી પ્રજાનાં શોષણ અને ભવિષ્યનાં આંતરવિગ્રહનાં બીજ રોપ્યાં, અમેરિકાના ઉત્તરનાં રાજ્યોએ મશીનો અપનાવ્યાં, જ્યારે દક્ષિણનાં રાજ્યોએ કાળી પ્રજાના લોહી ઉપર સમૃદ્ધિનું ચણતર કર્યું. જે મશીનોએ ગુલામોની મુક્તિનો માર્ગ સરળ કરી આપ્યો, તે જ મશીનો આગળ જતાં બેકારીનું કારણ બન્યાં. મુક્તિના ફિરસ્તાઓ તરીકે પ્રવેશેલાં મશીનોએ પ્રજાના અતિ નાના ખંડ માટે મુક્તિ અને પ્રચંડ બહુમતી માટે એ લઘુમતીની કદમબોસી સરજી આપી.

આજે અમેરિકાની વસ્તીના એક ટકા લોકો પાસે અર્ધા ઉપરની સંપત્તિ છે. એ લોકો પૈસા વેરીને તેમને અનુકૂળ કાયદાઓ પસાર કરાવી શકે છે. ચૂંટણીમાં બંને પક્ષોને લાખો ડૉલર્સ આપીને મન ફાવતાં પરિણામ લાવી શકે છે. બેમાંથી ગમે તે જીતે પણ તે ભલું તો મૂડીવાદીઓનું જ કરે, તમારું કે મારું નહીં. આપણું કામ તો તેમનાં અઘટિત કૃત્યો ઉપર સમર્થનની મહોર મારી આપવાનું જ. કેટલા ય મતદારોએ પોતાના મત આપવાનું બંધ કરી દીધું છે. અહીંના ૯૯ ટકા લોકો તેમની માંગણી રજૂ કરવા માટે મોરચો કાઢે છે, અને નિષ્ફળ ચળવળો કરે છે, અને એક ટકાવાળાઓની પોલીસ તેમની ધરપકડ કરે છે. આ લોકશાહી છે કે લોકોના મોં ઉપર ચોપડેલી કાળી શ્યાહી છે? અમેરિકા લોકશાહીની અને મુક્ત અર્થતંત્રની નિકાસ કરવાની વાતો કરે છે, પણ હકીકતમાં તો તેને દેશનિકાલ કરવા બરોબર જ છે.

યંત્રયુગને પરિણામે ઉત્પાદન વધ્યું, તેથી કાચા માલની અને નવાં બજારોની શોધમાં ઇંગ્લૅન્ડ વગેરેએ સંસ્થાનો સ્થાપ્યાં. ભારતને તો તેનાં ફળ યાદ હોવાં જ જોઈએ. જે મહાકાય કંપનીઓને કાઢવા માટે આપણે આઝાદીની ચળવળ કરી, તેમને પાછા બોલાવવા આપણે આજે મથી રહ્યા છીએ. અલબત્ત, પ્રગતિ જરૂર થાય છે, પણ તે આપણી નહીં, કંપનીઓની જ. એ કંપનીઓ અમેરિકાની શક્તિશાળી સરકારને પણ વશ રહેતી નથી, એટલું જ નહીં પણ તેને ખિસ્સામાં રાખે છે, તે કંપનીઓ ભારતની સરકારને બદલશે? એક-એક કંપનીનું અંદાજપત્ર ભારતના અંદાજપત્ર કરતાં મોટું છે. અમેરિકાની કૉંગ્રેસ અને સેનેટ ખરીદી લેનારને ભારતની સંસદ ખરીદતા શું તકલીફ પડશે? આ સંસ્થાનવાદનો આર્થિક પુનર્જન્મ છે.

અમેરિકાના મુઠ્ઠીભર મૂડીવાદીઓએ બાકીના ૯૯ ટકા અમેરિકાને તેમનું સંસ્થાન બનાવી દીધું છે અને હવે સમસ્ત વિશ્વ તરફ ડોળો માંડ્યો છે. આ છટકામાં તેમને અમેરિકાની સરકારનો પણ સાથ છે. વિશ્વબૅંક, ઇત્યાદિ તેમનાં હથિયારો છે. મધ્યપૂર્વમાં અમેરિકાએ સરમુખત્યારશાહીની જ તરફેણ કરી છે, લોકશાહીની નહીં જ. કઠપૂતળી જેવા સરમુખત્યારો પાસેથી ગમે તે કરાવી લેવાય, લોકોના વિરોધની પરવા કર્યા વિના. લોકશાહી સરકારો સાથે બિરાદરીનો દેખાવ કરીને તેમને પણ ધૂંસરીએ જોતરી શકાય. જોહુકમીથી આ સરકારો પાસેથી કરમુક્તિ, પર્યાવરણ કાયદાઓમાંથી બાકાતી, સસ્તા કે મફતના ભાવે કાચો માલ વગેરે મેળવી શકાય અને મોંઘાદાટ તથા બિનજરૂરી માલ માથે મારી શકાય. ખેડૂતોની જમીનો પાણીના ભાવે પડાવી લેવાય કે પૂરા ભાવે લેવાય, પણ ત્યાં કામ કરતાં ખેતમજૂરોનું શું થાય તે જોવાની જવાબદારી કોઈની નહીં. આપઘાત સિવાય કોઈ ઉપાય તેમના માટે બાકી ન જ રહે.

શિક્ષણ પણ ખાનગી કરી નખાય, જેથી સસ્તી કે મફતની શાળાઓમાં બાળકોને ન મોકલી શકતાં માબાપ, પોતાનાં બાળકોને મોંઘીદાટ, વિદેશી માધ્યમની શાળાઓમાં મોકલી શકે. ભલેને બાળક, માબાપ કે શિક્ષક કોઈને અંગ્રેજી આવડતું ન હોય. કૉપીરાઇટના અને એવા બીજા કાયદાઓ દ્વારા રોજબરોજની વસ્તુઓ, જેવી કે લીમડો, અને અરડૂશી પણ કબજે કરી દેવાય. વળી, બહારનું કાપડ આવતું હોય, તો તેનો માર્ગ ખુલ્લો રાખવા માટે સ્થાનિક ઉત્પાદન ઉપર નિયંત્રણ મૂકાવી શકાય. જો કે દેખીતી પ્રગતિ તો અપાર થાય.

મૂડીવાદ (કૅપિટાલિસ્ટ) વ્યવસ્થા ‘અમેરિકન છે, સર્વશ્રેષ્ઠ છે, લોકશાહી પદ્ધતિ છે, સૌના ઉદ્ધારની તેમાં તક રહેલી છે, ઇત્યાદિ બણગાં ફૂંકાય છે. તેની વિરુદ્ધ જે કંઈ છે તે બધું ‘સામ્યવાદી’ છે કે ‘સમાજવાદી’ છે, તેવી ઘોષણા કરાય છે. ‘ગાંધીજી વગેરેના વિચારો જુનવાણી અને પ્રગતિવિરોધી છે,’ તેમ એ વિચારોના અભ્યાસ વિના પણ કહી શકાય છે. મૂડીવાદ અમેરિકાને પણ સંસ્થાન બનાવે છે, તેની લોકશાહીને ઘોળીને પી જાય છે, માત્ર ગણતરીના થોડા લોકોનું તેમાં ભલું થાય છે, તે આપણે જોયું, છતાં ય એની એ જ વાતો જોરશોરથી થાય છે. તેમ કરવાથી કીટભ્રમર ન્યાયે અસત્ય પણ સત્ય બની જાય છે.

મૂડીવાદી વ્યવસ્થા લોકશાહી નથી, એટલું જ નહીં, તે સદંતર લોકદ્રોહી વ્યવસ્થા છે, તે અમેરિકામાં પણ કોઈને સમજાતું નથી, કારણ કે સૌએ માલેતુજાર થવું છે, અને તેથી જ કદાચ, તે ‘અમેરિકન વ્યવસ્થા છે’, તેમ છાતી ફુલાવીને તેઓ કહેતા ફરે છે. લોકો સાથે તેને શોષણ કરવા સિવાય કંઈ જ સંબંધ નથી. લોકોની સરકાર પરત્વે તેને અપાર ઘૃણા છે. મૂડીવાદી સિદ્ધાંત છે કે બજારોમાં મુક્ત રીતે હરીફાઈ થવી જોઈએ, અને સરકારે તેમાં જરા પણ દખલ ન કરવી જોઈએ. સગવડભરી રીતે એ ભૂલી જવાય છે કે મોટીમસ કંપનીઓ ઇજારાશાહી જ ભોગવે છે, અને ઇજારાશાહીને હરીફાઈ સાથે ડાંગે માર્યા વેર સિવાય બીજો કોઈ સંબંધ નથી. સરકારના અવરોધોનો અસ્વીકાર કરીને તો મૂડીવાદ સાર્વભૌમત્વનો જ છેદ ઉડાવી દે છે. સરકાર વિના કાયદાનું પાલન કોણ કરાવશે? કાયદો અને વ્યવસ્થા સિવાય મૂડીવાદ પોતે પણ કેટલી ક્ષણ ટકી શકશે? કાયદાનું રક્ષણ કરવાની સરકારને છુટ્ટી છે, એટલું જ નહીં, તેની ફરજ છે.

‘સરકાર પૈસાનો દુર્વ્યય કરે છે, નિરર્થક નોકરીની જગ્યાઓ ઊભી કરે છે, ગરીબોને વેલફેરના પૈસા આપી તેમને આળસુ બનાવે છે, નફાકારક કામો તો ખાનગી ક્ષેત્ર કરતાં બિનઅસરકારક રીતે કરે છે,’ ઇત્યાદિ કાગારોળ તો ચાલુ જ હોય છે. સરકારને કરવેરા વધારવા દેવા સામે તેને વિરોધ છે, પૈસાદાર ઉપર તો નહીં જ. ગરીબોને રાહત આપવા સામે તેને એથી પણ વધારે મોટો વાંધો છે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે સરકારનાં બધાં કામો નફાકારક નથી હોતાં, જે કામ બીજું કોઈ ન કરે કે ન કરી શકે તે બધાં કામ સરકાર કરે છે. રાહતનાં, દયાનાં, આપદ્ગ્રસ્તોને સહાયનાં, જાહેર સુખાકારીનાં, સુધરાઈનાં, લશ્કરને લગતાં, આ સૌ કામ કરવાં એ તો ખોટનો જ ધંધો છે.

મૂડીવાદીઓ નફાકારક કામો સરકાર પાસેથી પડાવી લેવા માંગે છે, ખોટનાં કામોમાં તેને રસ ન હોય તે સમજી શકાય. પણ એ કામો કોઈએ તો કરવાં જોઈએ એ વાત તેના મગજમાં તે ઉતારવા માંગતા નથી. પોસ્ટઑફિસ પાસેથી પાર્સલનો ધંધો ખાનગી કંપનીને અપાવી દીધો, પણ દેશના ખૂણે ને ખાંચરે પહોંચાડવામાં તેમને રસ નથી. વીમાકંપનીઓ પૈસા ચૂકવતી હોય તેવા દર્દીઓને ખાનગી હૉસ્પિટલોમાં ડૉક્ટરો, ઑપરેશન થિયેટર, ફાર્મસી, લૅબોરેટરી, બધાં અગલ-અલગ બિલ કરે, જ્યારે સરકારી હૉસ્પિટલમાં એ બધો ય ખર્ચ એક જ, અને પ્રમાણમાં ઘણા નાના બિલમાંથી નીકળે, સરકારી નોકરો કંગાળ હાલતમાં કામ કરે અને ઉપરથી વગોવાય.

ધંધાના વિકાસનો આધાર નવાં બજારો, નવી-નવી પેદાશો, અને સર્જનાત્મક તરકીબો ઉપર આધાર રાખે છે. હવેની કંપનીઓને આમાંથી કશાયની પડી નથી. તે તો અર્ધા કર્મચારીઓને છૂટા કરી નાખી, બાકીના પાસેથી ડબલ કામ કરાવવામાં માને છે. આમ, થોડા કર્મચારીઓ વડે એટલું જ કામ લેવાથી તેમની ઉત્પાદનક્ષમતામાં ૧૦૦ ટકા વધારો થાય છે, તેના શૅરના ભાવો વધે છે, શૅરહૉલ્ડરો રાજી થાય છે, અને આ સિદ્ધિ બદલ તેના વડા અફસરને જબ્બર પગારવધારો અને બોનસ મળે છે, ધંધામાં કશોય ફરક પડ્યા વિના. બાકી રહેલા કર્મચારીઓ જો ચૂં કે ચાં કરે તો તેમને તેમનું કામકાજ ભારતમાં કે બીજે ક્યાંક મોકલી દેવાની ધમકી અપાય છે. બીજી બાજુ, ‘ભારત આપણી ભૌગોલિક કામગીરી પચાવી પાડે છે.’ તેવી પોક મુકાય છે.

જેમની નોકરી જાય છે, તે ઘેર જઈને તેના માળી, ઘાટી, ધોબી, વગેરેને રજા આપી દે છે. જેઓની નોકરી બચી ગઈ છે, તે પણ ડરીને ખર્ચો ઓછો કરે છે. એક જણની નોકરી જવાથી દસ જણ બજારમાં ખરીદી કરતાં બંધ થઈ જાય છે. દસ ટકા બેકારી થાય ત્યારે સોએ સો ટકા ઘરાકો અદૃશ્ય થઈ જાય છે, એટલે પછી, ‘લોકો પૈસા ખરચતા નથી.’ એવાં રોદણાં શરૂ થાય છે. મૂડીવાદીઓ પોતાને ‘નોકરી આપનારા’ કહેવરાવે છે, પણ ખપતના અભાવથી કોઈને નોકરી આપવાની પોતાની લાચારી દર્શાવે છે. સરકાર નોકરીઓ ઊભી કરે, તો તેને ખમાતું નથી. તદુપરાંત પ્રજાના પૈસા બચાવવા માટે એ લોકો બેકારીભથ્થું બંધ કરવાની હિમાયત કરે છે. બેકાર માણસને મરવા સિવાય બીજો રસ્તો જ રહેતો નથી. ગરીબી નાબૂદ કરવાનો અફલાતૂન ઉપાય છે, ગરીબોને મારી નાખવાનો.

ન કરે નારાયણ અને જો કોઈ બૅન્ક કે વીમાકંપની મુશ્કેલીમાં આવી પડે, તો સરકારે ખડાપગે તેમને ઉગારી લેવા તત્પર રહેવું જોઈએ. જો બેકાર લોકો ઘરની લોનના હપતા ન ભરી શકે અને બૅન્ક નાદાર થવાનો વારો આવે તો સરકારે ઘરમાલિકને મદદ ન કરાય પણ બૅન્કને તો બચાવવી જ પડે. સરકારને ખાધ પડે તો પૈસાદારો ઉપર કર વધારો ન લદાય, પણ માતા-બાળકેન્દ્રો બંધ કરવાં જોઈએ. વળી, તમાકુથી દર વર્ષે ૨,૫૦,૦૦૦ લોકો મરી જતા હોય તો પણ તમાકુના ઉત્પાદકોને રાહત આપવી જ પડે.

આ છે આધુનિક મૂડીવાદ અને તેની માયાજાળ. એ નિર્દય અને પાશવી છે. તેને પોતાના સિવાય કોઈની પડી નથી. એ નથી અમેરિકાના હિતમાં કે નથી દુનિયાના ભલામાં, એને બધા જ હકો જોઈએ છે, પણ એકેય જવાબદારી સ્વીકારવામાં તેને રસ નથી. તેને નથી પડી પર્યાવરણની કે લોકોના અધિકારોની કે લોકશાહીની.આર્થિક સંસ્થાનવાદનું એ છડીદાર છે.                                                                   

ન્યૂયોર્ક

e.mail : [email protected]

(મૂડીવાદ ઉપર લેખકના બે પુસ્તકો બહાર પડ્યાં છે, Capitalsim and Colonization of America અને Slave Ship Earth : The Ultimate Triumph of Capitalism. બંને પુસ્તકો ઉપર પ્રાપ્ય છે.)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2015; પૃ. 02-03

Category :- Opinion Online / Opinion

ચન્દ્રકાન્ત ટોપીવાળાનો આતમરામ

સંજય શ્રીપાદ ભાવે
23-09-2015

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ચન્દ્રકાન્ત ટોપીવાળાના વિવેચનના વિભાજિત પટ પરના ઘણાં પુસ્તકો અભ્યાસીને પણ અઘરાં કે નિરસ જણાય છે. પણ ‘મારો આતમરામ’ (2009) નામનો તેમના ‘અંગત લેખનોનો સંચય’ પ્રસન્ન કરી દેનારો છે. વળી આ વિદ્વાન અધ્યાપક-સમીક્ષક-કવિ એ જીવનનો આનંદ માણનારા એક બહુરુચિસંપન્ન વ્યક્તિ કેવી રીતે છે તે પણ આ પુસ્તક બતાવે છે. ‘પારકૃતિત્વ’, ‘વાનરવૈયાકરણ’,‘ગણવર્તી’,‘ગલતા’,‘અનુગ્ર પરંપરા’, ‘યુરિ લોત્મનનો સંકેતમંડળનો ખ્યાલ’ જેવા નાનાવિધ  દુર્બોધ શબ્દપ્રયોગો તેમની લેખિની ઠેર ઠેર સહજ રીતે પ્રક્ષેપે છે. એટલે તેમની કલમ જ્યારે પ્રાઇમસ, કોગળા, કંટોલા, હથોડી, માખી, કરોળિયા, લાલચુડી, ઇડલી, થેલી, કરચલી જેવી વૈખરીમાં વિહાર કરે છે ત્યારે વાચકને મરમાળા રસિક ‘ચં.ટો.’ દેખાય છે. સરેરાશ ત્રણ પાનાં ધરાવતાં સિત્તેર લખાણોનાં પાર્શ્વ પ્રકાશને બહાર પાડેલા પુસ્તકના ‘અંતરંગ’માં લેખક કહે છે : ‘મારા ગદ્યની આ બીજી બાજુ છે. સૈદ્ધાન્તિક વિવેચન અને પ્રત્યક્ષવિવેચનમાં શિસ્તબદ્ધ, ઠાવકું અને ચુસ્ત રહેલું ગદ્ય અહીં હળવા વિનોદવ્યંગ અને રમતિયાળ વળાંકોમાં ઊતરી પડ્યું છે.’ આ ગદ્યાંશ જુઓ :  ‘આમ તો મારો પ્રભાતનો નિત્યક્રમ શાકથી જ શરૂ થાય છે. એ જ મારું પ્રભાતિયું કામ. શાકને જોવું, સ્પર્શવું, ચૂંટવું, સમારવું, કાપવું – બધાના ભાગ્યમાં નથી. મોગરીની એક એક સેરને તપાસી કૂણી કૂણી જુદી પાડી એને ઝીણી મોળવી ... વિખરાતી રજ સાથે ફ્લાવરના ફોડવા તૈયાર કરવા .. ટીંડોળાને ઊભા કે આડા ગોળ સમારવાની મીઠી મૂંઝવણમાં પડવું ...’  આહારવિદ્યા, રાંધણકલા અને સ્વાદેન્દ્રીય પરનાં રસદાર નિબંધો છે. ઘ્રાણેન્દ્રિયની તકલીફને લઈને તે ‘નાસિકાકાંડ’ લખે છે : ‘છેવટે નાકલીટી તાણી ડૉક્ટર પાસે પહોંચ્યાં. નસકોરામાં ચીપિયા નખાવ્યા.’ સોમરસેટ મૉમને યાદ કરીને લેખક ‘નાણું છઠ્ઠી ઇન્દ્રિય’ વિશે લખે છે. નાનામોટા પ્રસંગો-અનુભવોથી દુરારાધ્ય વિવેચકના વ્યક્તિત્વના રંગો અને માન્યતાઓ ઊઘડતાં જાય છે. ‘પોતાને વિશ્વાસનો અનુભવ થતો રહે તે માટે ટાઈ’ પહેરે છે. ઊંચા સ્ટૂલ , ચકડોળ અને કૂતરાંથી ડરે છે. પણ લખે છે : ‘મને મૃત્યુનો ભય નથી રહ્યો અને ઈશ્વર છેવટે તો નથી જ (મારે માટે) એટલે મને ઈશ્વરનો ભય નથી રહ્યો.’ વળી તે એમ પણ કહે છે : ‘દરેક જીવ અનન્ય છે. દરેક જીવમાં મારે જીવવું છે. મને મોક્ષ નથી જોઈતો.’ અન્યત્ર લખે છે : ‘તમે હાક મારશો એટલે બધું કામ પડતું મેલીને હું ફિલ્મ જોવા તમારી સાથે નીકળીશ’, અથવા ‘મન અનાયાસ માછલીની જેમ ટીવી તરંગોમાં બેએક કલાક ખુશહાલ તર્યા કરે છે.’ લખાવેલી પ્રસ્તાવના તેમને ‘બેહૂદી ચીજ’ લાગે છે. પોતાની આવી વાતો ઉપરાંત લેખક બાળપણનાં સંભારણાં, લયભંડોળ, વાચનનો ઢોળ, મુંબઈનું શિક્ષણ અને મહાનગરમાંથી દેશવટો, આચાર્ય તરીકેનું કામ વગેરે વિશે પણ લખે છે. દીકરી-દૌહિત્રીઓનાં સ્નેહચિત્રો છે. નાના ભાઈ ચૈતન્ય, કલાકાર નિમેષ દેસાઈ, વિવેચક કૃષ્ણરાયન, ‘ખોળી લાવેલા’ હિબ્રૂ કવિ યહૂદા અમિચાઈ, મિત્ર જયંત ગાડીત અને ‘રૂપેરી અવાજ’ના સ્વામી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટને લેખકે અલગ અલગ નિબંધોમાં સરસ રીતે યાદ કર્યા છે. ‘રીંછસત્ર’ અને મરાઠી સંતકવિ વિશેનો ‘ચોખોબા જડ્યો’ બહુ જ વાચનીય છે. સાતેક લેખો ખુદનાં સર્જન-વિવેચનની કેફિયત પ્રકારના છે. શહેરના બગીચા, માખી, ઊંઘ, ખંડેર, ટ્રેન, પક્ષી દર્શન ‘ટ્રાયમ્ફ ઑફ ધ વિલ’ ફિલ્મ જેવા વિષયો પર ઉત્તમ લલિત નિબંધો મળે છે. જો કે એકંદરે પહેલા ચોંત્રીસેક નિબંધો ઓછા ‘સાહિત્યિક’ વધુ દુન્યવી, અને એટલે વધુ વાચનીય જણાય છે. અલબત્ત વિચાર અને અભિવ્યક્તિમાં ક્યાં ય  કનિષ્ઠતા (મિડિયોક્રિટી) નથી, સુબોધ ગુણવત્તા છે. 

પુસ્તકોમાં રાચનારા આતમરામનું બીજું ઓછું જાણીતું અને અપ્રાપ્ય પુસ્તક એટલે ‘રચનાવલી’. બુક અબાઉટ બુક્સ પ્રકારના આ પુસ્તકમાં ટોપીવાળાએ જુદી જુદી ભાષાઓના સાહિત્યના બસો અઢાર પુસ્તકોમાંથી દરેકનો સરેરાશ આઠસો શબ્દોમાં પ્રાથમિક પરિચય આપ્યો છે. તેમાં ત્રીજા ભાગની ગુજરાતી સહિત્યકૃતિઓમાં અઢાર મધ્યકાલીન અને પછીની ‘અર્વાચીન આધુનિક’ સમયની છે. સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ સહિત ચૌદ ભારતીય ભાષાઓનાં પુસ્તકો એમાં છે. વિશ્વસાહિત્યની વીસ શાખાઓનાં પુસ્તકો વિશે પણ અહીં છે. ‘અઘરું બહુ લખ્યું હવે સહેલું લખો’ એ મતલબની રસિકોની વિનંતીથી આ એક ઠીક લોકભોગ્ય ઉપક્રમ થયો છે.

‘રચનાવલી’(પાર્શ્વ, 2000)માં સામાજિક-રાજકીય નિસબત ધરાવતી કેટલીક સાહિત્યકૃતિઓ છે. તેમાં દલપતરામની ‘હુન્નરખાનની ચડાઈ’, મેઘાણીની ‘યુગવંદના’ અને બ.ક. ઠાકોરની ‘હિટલર’ રચના છે. સંસ્કાર (યુ.આર. અનંતમૂર્તિ), રણાંગણ (વિશ્રામ બેડેકર), ઈંધણ (હમીદ દલવાઈ) ઉઠાવગીર (લક્ષ્મણ માને),ધ કલર પર્પલ (ઍલિસ વૉકર), સર્વાયવલ ઇન આઉત્સવિત્સ (પ્રિમો લેવી), ધ ટ્રાયલ (ફ્રાન્ઝ કાફ્કા), કૅન્ટો જનરલ (પાબ્લો નેરુદા) જેવી કૃતિઓ પણ છે. તે બધામાં, એક યા બીજી રીતે, સ્વાતંત્ર્ય-સમતા-બંધુતાનાં મૂલ્યોના પુરસ્કારની અને એકાધિકારવાદના વિરોધની અભિવ્યક્તિ છે. તો વળી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેની લડત વળી બીજાં કયાં મૂલ્યો માટે હોય ?

એંશીની ઉંમરે આ લડતમાં ઝૂકાવનારા  ચન્દ્રકાન્ત ટોપીવાળાને અભિનંદન અને શુભેચ્છા !

20 સપ્ટેમ્બર 2015

+++++

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 23 સપ્ટેમ્બર 2015

e.mail : [email protected]

Category :- Opinion Online / Literature