OPINION

અન્યનું તો એક વાંકું

સ્વાતિ મેઢ
14-11-2015

એક વાર ભૂચર, નભચર, જળચર જીવોની સભા મળી હતી. બહુ બધી ચર્ચાઓ કરવાની હતી. ચર્ચાઓ ચાલી, સૌ પોતપોતાની વાત પોતપોતાની ભાષામાં બોલતા હતા. કોઈ શું કહે છે, એ સમજાતું ન હતું. ગોકીરા, દેકારા, હોકારા, પડકારા થતા હતા. ન મુદ્દો સમજાય, ન વિષય. આ સભામાં શિયાળ હાજર હતું. એ એક ન્યૂઝ ચેનલ વતી મિટિંગનો રિપોર્ટ આપવાનું હતું. હોકારા, પડકારા, ગોકીરા-દેકારા વચ્ચે કાંઈ ન સમજાય તેનો વાંધો નથી. અહેવાલ તો એમેય લખી નખાય. શિયાળને પૂરો કૉન્ફિડન્સ હતો. પણ સમય તો પસાર કરવો પડેને ? એણે સમય પસાર કરવા નિરીક્ષણ કરવાનું રાખ્યું. મીડિયા પર્સન પાસે જ્યારે બીજું કાંઈ કરવાનું ન હોય, ત્યારે એ નિરીક્ષણો કરે. ઘણાં નિરીક્ષણો કામનાં હોય, ઘણાં જ્ઞાનવર્ધક હોય અને ઘણાં મનોરંજક હોય. આમ શિયાળ નિરીક્ષણો કરતું હતું. એનું ધ્યાન ગયું કે સભામાં ઘણાં બધાં પશુપંખીઓનાં અંગો વાંકાં હતાં. હાથીની સૂંઢ, પોપટની ચાંચ, કૂતરાની પૂંછડી, બગલાની ડોક, ભેંસનાં શીંગડાં, વાઘના નખ, ઊંટનાં તો અઢારેય અંગ વાંકાં હતાં.

શિયાળે આ નોંધ્યું અને બીજા દિવસે મિટિંગના અહેવાલ સાથે પોતાનાં આ વિશિષ્ટ નિરીક્ષણો પણ રજૂ કર્યાં. એનો બૉસ તો ખુશ થઈ ગયો. નિરીક્ષણો બાબતે એને ખાસ બિરદાવવામાં આવ્યું. એને માટે નિરીક્ષણ-પત્રકારની ખાસ જગ્યા બનાવવામાં આવી. લો, વટ પડી ગયો.

એમ તો સજીવ જગતમાં બીજા ય નિરીક્ષણકારો હતા. બધા બહુ જ બુદ્ધિ ચલાવીને જ્ઞાનવર્ધક નિરીક્ષણો કરતા. પણ શિયાળભાઈનાં નિરીક્ષણો જ્ઞાન આપે કે ન આપે ગમ્મત આપતાં, એટલે શિયાળનો વટ ઘણો.

પણ એમ શિયાળનો વટ પડે તે બીજાને કેમ ગમે ? શિયાળનાં નિરીક્ષણોના પ્રસારણ સામે કોઈ-કોઈ લોકોએ વિરોધ નોંધાવ્યા, કોઈ- કોઈને બહુ ખોટું લાગ્યું, કોઈ-કોઈને આ સમગ્ર નિરીક્ષણ ભેદભાવપ્રેરક અને પૂર્વગ્રહપૂર્ણ લાગ્યું. એના ય દેકારા થયા પછી બધું થાળે પડી ગયું.

થોડા વખત પછી વાઘને વિચાર આવ્યો. જો આપણે આટલા બધા જીવો વાંકાં અંગવાળા હોઈએ તો ભેગા થઈને કંઈક કરીએ તો કેવું ? વાઘે પોપટને વાત કરી, પોપટે ભેંસને કહ્યું, ભેંસે બગલાને કહ્યું, બગલાએ કૂતરાને કહ્યું, કૂતરાએ હાથીને વાત પહોંચાડી, હાથીએ ઊંટને જણાવ્યું. ઊંટે સૂચવ્યું, ‘એક વાર આપણે બધાં મિટિંગ કરીએ’. આ સૂચન બધા સુધી એ જ માર્ગે પાછું પહોંચ્યું. બધાં સંમત થયાં અને વાંકાં અંગોવાળાં પશુઓની એક મિટિંગ મળી. આ મિટિંગમાં પહેલો વિરોધ ભેંસે નોંધાવ્યો, ‘શિયાળે આપણને વાંકાં અંગવાળાં કહીને આપણી ટીકા કરી છે. આપણે વિરોધ નોંધાવવો જોઈએ.’

‘વિરોધ તો કર્યોને આપણે !’ વાઘે કહ્યું.

‘હજી જોરદાર વિરોધ કરવો જોઈએ’, કૂતરાએ કહ્યુંઃ ‘આખા જંગલમાં હું ફરી વળું.’

‘તમે બધાં કહો તો હું એને પાઠ ભણાવી દઉં. આ સૂંઢ વાંકી કરીને ...’ હાથીએ ઉશ્કેરાટથી કહ્યું.

ભૂચરો કાંઈ કેટલુંય બોલ્યાં. શિયાળ હાજર હોત તો એને આખા દિવસની સ્ટોરી મળી રહેત. પણ આ ખાનગી મિટિંગ હતી. વાંકાં અંગવાળાં પશુઓ જ હાજર હતાં. આ બધી વાતો થતી હતી, ત્યારે ઊંટ મોઢું ફુલાવી, હોઠ લંબાવીને ઊઠ-બેસ કરતું હતું. જેટલી વાર એ ઊઠે કે બેસે એટલી વાર મિટિંગ ખળભળી ઊઠે, પણ ઊંટ તો વાંકાં અંગવાળાં પશુઓનું શિરમોર. એની ઊઠબેઠ તો ચલાવી જ લેવી જોઈએ.

ચર્ચાઓ થતી હતી, ત્યારે બગલો અને પોપટ બંને મૌન હતા. બગલો એના ધ્યાનમાં બેઠેલો, પોપટ એના ચિંતનમાં. જો કે બે ય બધી વાતો સાંભળતા હતા.

ઉશ્કેરાટ શાંત થયો એટલે બગલાએ પોપટને કહ્યું, ‘તમે કંઈક કહો પોપટજી, મને બોલવાનું નહીં ફાવે’. પોપટને તો જોઈતું’તું ને બગલે કીધું ! એ બોલ્યો, ‘જુઓ ભાઈઓ અને ભગિનીઓ, આપણને શિયાળે કશું કહ્યું એમાં આટલું ખોટું લગાડવાનું ન હોય. એણે સત્ય નિરીક્ષણ કર્યું છે.’

‘એટલે? સત્ય નિરીક્ષણ કર્યું એટલે ? આવું ખોટું લાગે તેવું કહેવાનું ? મીડિયામાં ?’

‘મીડિયા પર્સન તો મીડિયામાં જ કહેને ?’ બગલો ધીરેથી બોલ્યો.

‘ખબર છે અમને, તમે અને શિયાળ તો હમનિવાલા છો.’

‘એ ખોટી વાત છે,’ બગલો બોલ્યો : ‘એ દિવસે તો અમે બંનેએ સહકાર કરેલો. એનું ભોજનપાત્ર મેં લીધેલું. કારણ કે એ મને અનુકૂળ હતું. મારું ભોજનપાત્ર એમને આપેલું, કારણ કે એમને અનુકૂળ હતું. આ તો પરસ્પર સહાય હતી. અમે એક પાત્રમાં નહોતા જમ્યા, વાનગીઓ ય જુદી-જુદી હતી મિત્રો,’ બગલાએ સ્પષ્ટ જણાવ્યું.

‘તો ય તમે સાથે બેસીને જમ્યા કે નહીં?’ ભેંસે સવાલ કર્યો.

‘અમને બંનેને ભૂખ લાગી હતી, પણ સાથે જમવાથી શું છે?’ બગલાએે દલીલ કરી.

‘તો પણ, તો પણ ન ચાલે’, કૂતરો બોલ્યો.

‘તમે ય કૂતરાભાઈ, ઉકરડે ખાવા જાઓ ત્યારે કેટલાં બધાં સાથે હોય છે. ગાયો, કૂકડીઓ, બકરીઓ, ઉંદરડીઓ ... હીહીહી, બધી જ અમારી જાતની’, ભેંસે કહ્યું.

‘મા, હું એ બધાંને ભસું છું.’ કૂતરાએ કહ્યું.

‘તો ય નથી જતી. તો તમે હમનિવાલા નહીં?’ બગલો બોલ્યો.

‘ને પાછી બધીય ...’ ભેંસે વળી ઠઠ્ઠો કર્યો. કૂતરો ખિજાયો, જોરથી ભસવા માંડ્યો, દેકારો વધી પડ્યો.

વાઘે હુંકાર કર્યો. ‘વ્યક્તિગત વાતો બંધ કરો’.

વાઘના હુંકારથી વળી ધમાલ થવા જતી જ હતી, ત્યાં ભેંસે કહ્યું, ‘વાઘભાઈને શબ્દોની થોડી તંગી છે. એમની વાત બરાબર છે.’

‘ઓકે-ઓકે, શાંતિ-શાંતિ,’ પોપટે કહ્યું. બધાં શાંત થઈ ગયાં.

‘વ્યક્તિગત સંબંધો અને ક્ષમતાઓની મર્યાદાઓની વાતો માટે આપણે બીજી મિટિંગ ગોઠવીશું. અત્યારે આજનો પ્રશ્ન ચર્ચીએ તો કેવું ?’ પોપટે પેલી ચર્ચાનું સમાપન કરાવ્યું.

ઊંટ જરા આમતેમ ડોલ્યું. એ સ્થિર થયું, પછી મિટિંગ આગળ ચાલી.

‘તો વિચારો ભાઈઓ, ભગિનીઓ, શિયાળે આપણા વર્ગની ટીકા કરી, થોડી હાંસી ઉડાવી. આપણો વિરોધ કર્યો. એણે સત્ય નિરીક્ષણ કર્યું. આપણને ન ગમ્યું. જે થયું તે થયંુ. હવે આગળ શું કરવાનું?’ પોપટે દોર સંભાળી લીધો.

‘શું કરાય? કંઈ ન કરાય, રહેવા દોને!’ ઊંટ બોલ્યું.

‘કંઈક તો કરાય. તમે કહો તો હું મારી રીતથી આ પ્રશ્ન ઉકેલું,’ વાઘે પ્રસ્તાવ મૂક્યો.

‘એમ તો મને ય આવડે-મારી રીત, પણ તમારી રીતની બધાંને ખબર છે, બીક લાગે એવી છે,’ ભેંસે કહ્યું.

‘એવું કરી શકીએ’, કૂતરો બોલ્યો, ‘આપણે આપણા જૂથને વિસ્તારીએ, સમસ્ત ક્ષેત્રમાં.’

‘એ તો કઈ રીતે થાય? પ્રભુ પરમાત્માએ આપણને આટલાંને જ આવાં બનાવ્યાં છે,’ બગલો નિરાશ થઈને બોલ્યો.

‘વાંકા અંગ આપણાં, આપણી સંખ્યા ઓછી, કબૂલ. પણ આ ક્ષેત્રમાં વાંકી રીતવાળાં કેટલાં છે, ખબર છે? એ બધાંને આપણે આપણી સાથે ભેળવી શકીએ.’ કૂતરો બોલ્યો.

‘દાખલા તરીકે?’ ઊંટે સવાલ કર્યો. એની દૃષ્ટિએ તો એના સિવાય બધાં સીધાં જ હતાં.

‘દાખલા તરીકે, કાગને, વાંકી નજરે જુએ, કરચલો વાંકી ચાલ ચાલે. કીડીઓ વાંકીચૂકી રસ્તો કાઢે, માછલી પાણીમાં પૂંછડી હલાવતી આખેઆખી વાંકીચૂંકી થતી ફર્યાં કરે. અરે, વિચારવા બેસો તો ...’ કૂતરાએ વિવરણ કર્યું.

‘હાઆઆઆ, તો એમને ય જૂથમાં સામેલ કરીએ, ચાલો,’ બગલો ઉત્સાહિત થયો. એ બહાને માછલીઓ સાથે સંબંધો સુધરશે, કરચલા સાથે ય સારાસારી રહેશે, એ વાતે એનું ધ્યાન તૂટી ગયું.

વાઘ બોલ્યો, ‘સૌએ પોતપોતાની આવડતથી પાર્ટીમાં સભ્યો વધારવાના.’

‘જે વધારે લાવે એને ઇન્સેિન્ટવ મળે?’ હાથીએ પૂછ્યું. ‘મળશે મળશે. પાંચ લાડવા વધારે મળશે.’ ભેંસ ટોળમાં બોલી, હાથીએ જોરથી સૂંઢ ઉછાળી. બધાં આઘાં ખસી ગયા, ઊંટ સિવાય. આમે ય તે એને ઊઠવા-બેસવાની મુશ્કેલી.

‘પાર્ટીના સભ્યો વધારવાના, ઇન્સેિન્ટવ મળશે’. વાઘે મુખ્ય નેતા તરીકે જાહેરાત કરી.

આ જાહેરાત સાંભળીને સમૂહસ્વર ગુંજ્યો. દેકારો નહીં, માત્ર સમૂહઘોષ. બધાં એક જ શબ્દ બોલ્યાં : ‘ઓ.કે’. ઇન્સેિન્ટવની વાત હોય ત્યારે બધે જ આવું થાય.

મિટિંગ વિખરાઈ. સૌ કામે લાગ્યાં. જંગલ, વગડો, સીમ, પાદર, ગામ, શહેર, ગલીઓ, ગૂંચીઓ, જળમાં, સ્થળમાં જૂથ વિસ્તરી ગયું. આમે ય તે સકળસૃષ્ટિમાં સૌનું કંઈક ને કંઈક વાંકું હોય જ. આવો ભાઈઓ, આવો ભગિનીઓ, સૌ એક થઈએ.

ફરી પાર્ટીની સામાન્ય સભા મળી. સૌ ભૂચરો, જળચરો, નભચરો ભેગાં થયાં. ચર્ચાઓ થઈ, પ્રસ્તાવો મુકાયા, નિર્ણયો થયા, ઠરાવો થયા, નિમણૂકો થઈ.

પાર્ટીના પ્રવક્તા તરીકે શિયાળની નિમણૂક થઈ. એના જેવો અનુભવ બીજા કોનો? મીડિયા ચેનલ છોડીને શિયાળે પાર્ટીનું પ્રવક્તાપદ સ્વીકાર્યું. એમાં સહાયક તરીકે કાગડાની નિમણૂક થઈ.

રંગેચંગે પાર્ટીના શ્રીગણેશ થયા. ઉજવણી કરી કરીને સૌનાં ધ્યાનમાં આવ્યું, વાંદરાને પાર્ટીમાં કોઈએ જોડ્યો નહીં.

‘રહેવા દોને, એ અળવીતરી જાત. કેટલું બનાવે, કેટલું બગાડે?’

સર્વસંમતિ એમાં પણ સધાઈ.

આ ઉપરાંત, બીજી એક વાતે પણ સર્વસંમતિ છે. મનુષ્યને પણ પાર્ટીમાં ન લેવો કારણ? એ તો સીધોસટાક ઊભે છે, ફરે છે, ચાલે છે. વાંકાજીવ પાર્ટીમાં એ ક્યાંથી હોય?

લે, કર્ય વાત. સીધાસટાક મનુષ્ય જેવું વાંકું કોઈ નથી. ખબર નથી કોઈને ? ખબર છે, તો ય નહીં કે પછી એટલે જ નહીં?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2015; પૃ. 17-18

Category :- Opinion Online / Short Stories

જે દિવસે નાણાપ્રધાન અરુણ જેટલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈચારિક અસહિષ્ણુતાના સૌથી વધુ શિકાર બન્યા છે તેવું કહ્યું તેના બીજા જ દિવસે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરીએ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ દેશમાં ફેલાઈ રહેલી અસહિષ્ણુતા પર તેમનું મૌન તોડવું જોઈએ અને પ્રતિક્રિયા આપવી જોઈએ.

‘મોદીને અસહિષ્ણુતાના શિકાર ગણાવવા સૌથી ખતરનાક બાબત છે, કારણ કે તે મોદીને બદલો લેવા (‘વેરની વસૂલાત’ માટે) નક્કર આધાર આપશે’, તેવી ચેતવણી પણ શૌરીએ આપી હતી.

‘ઇન્ડિયા ટૂડે’ ટેલીવિઝનના વરિષ્ઠ પત્રકાર કરણ થાપરને આપેલી મુલાકાતમાં અરુણ શૌરીએ તેમના એક મિત્રના અભિપ્રાયને ટાંકી કહ્યું હતું કે, जब इलेकशन शुरु हुए, तो हमारे दो प्रोविन्श्यल पोलिटिश्यन्स थे लालु यादव और नीतिशकुमार और वह युगपुरुष थे, वर्ल्ड फेमस लीडर नरेन्द्र मोदी अब जो इलेकश्न हुआ है उस से नरेन्द्र मोदी साहब अपने आप को लालु के स्तर पर ले आये हैं और नीतिशकुमारजी स्टेट्समेन लगते है।

અહીં આ મુલાકાતની વિગતો રજૂ કરી છે, જેમાં અરુણ શૌરીએ વડાપ્રધાન મોદીના મૌનને ઇરાદાપૂર્વકનું ગણાવ્યું હતું અને ઝનૂની તત્ત્વોને પ્રોત્સાહન આપતું હતું, તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે લેખકો, વૈજ્ઞાનિકોને ભાજપવિરોધી ગણાવવા બદલ એનડીએ સરકારના પ્રધાનોની પણ ટીકા કરી છે.  એટલું જ નહીં, મોદી વડાપ્રધાન તરીકેની નૈતિક જવાબદારી અદા કરવામાં નિષ્ફળ નીવડ્યા છે, તેવો મત વ્યક્ત કર્યો છે. તેમના કહેવા મુજબ, બિહારની ચૂંટણીસભાઓમાં મોદીએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો તે વડાપ્રધાનપદની ગરિમાને શોભે તેવો નહોતો.

••••••••••••••••

કરણ થાપર : આજે આપણી સાથે ઇન્ડિયન ઍક્સ્પ્રેસના ભૂતપૂર્વ એડિટર, પ્રસિદ્ધ લેખક અને અટલબિહારી વાજપેયીની એનડીએ સરકારના ભૂતપૂર્વ પ્રધાન અરુણ શૌરી છે. ગૌમાંસ પર પ્રતિબંધ, દાદરી હત્યાકાંડ, કર્ણાટકમાં અગ્રણી બુદ્ધિજીવી અને હરિયાણામાં દલિત બાળકોની હત્યા, મુંબઈમાં સુધીન્દ્ર કુલકર્ણી સાથે અસહિષ્ણુ વ્યવહાર, ગુલામ અલીના કાર્યક્રમોનો વિરોધ જેવી ઘટનાઓને પગલે દેશમાં ઘણાં લોકોનું માનવું છે કે દેશમાં અસહિષ્ણુતાનો માહોલ વધી રહ્યો છે. અરુણ, તમે આ અર્થઘટન સાથ સંમત છો કે પછી તેમાં તમને અતિશયોક્તિ હોય તેવું લાગે છે?

અરુણ શૌરી : આ તમામ કાંડ કે પ્રકરણ તો હકીકત જ છે. દેશમાં આ તમામ બનાવો એક પછી એક બની રહ્યા છે. લોકો આ સાચું અર્થઘટન કરી રહ્યાં છે, ત્યારે સરકાર કોઈ પ્રતિક્રિયા આપતી નથી. એટલે સ્થિતિ વધારે ચિંતાજનક છે.

થાપર : તમે અસહિષ્ણુતાના આ પ્રસાર માટે કયાં પરિબળોને જવાબદાર માનો છો?

શૌરી : પહેલી વાત એ છે કે આવી ઘટનાઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. તેનું મૂળભૂત કારણ ભારત સરકાર મજબૂત લાગતી નથી, પણ નબળી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની વાત કરુ છું. બદમાશો કે ગુંડાઓની ટોળકી કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ સાથે મન ફાવે તેમ વર્તી શકે છે અને હજુ સુધી આવી એક પણ વ્યક્તિને પકડવામાં આવી નથી, એટલે આ પ્રકારના લોકોને વધુ ને વધુ પ્રોત્સાહન મળ્યું છે. દરેક નાનું સામાજિક સંગઠન અને રાજકીય પક્ષો પોતાના કાર્યકર્તાઓમાં બાહુબલીઓને સામેલ કરવાનું શરૂ કરે છે, જેથી તેઓ ચૂંટણી સિવાય પણ ઇચ્છે ત્યારે તેમનો ઉપયોગ કરી શકે. આ પ્રકારના વાતાવરણમાં ઉપરોક્ત ઘટનાઓ બને છે અને તેમને પ્રોત્સાહન મળે છે.

થાપર : ઘણાં લોકોનું માનવું છે કે મે, ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને પહેલી વખત ૨૮૨ બેઠકો સાથે સંપૂર્ણ બહુમતી મળવાથી અન્યથા કોરાણે જણાતાં તત્ત્વોને મોકળું મેદાન કે પ્રોત્સાહન મળ્યું છે. તેઓ હવે સજામાંથી મુક્તિ મેળવીને તેમનું વલણ સાચું હોવાનું સાબિત કરી રહ્યા છે. આ પ્રકારનો તર્ક વધી રહ્યો છે. તેના વિશે તમે શું માનો છે?

શૌરી : એ અતિ મહત્ત્વપૂર્ણ તર્ક કે ધારણા છે, જેના પર મોદીએ વિચાર કરવો જોઈએ. એક શાસક પોતાના ચારિત્ર્યથી ઓળખાય છે, શાસકની આસપાસ રહેતી વ્યક્તિઓનાં ચારિત્ર્ય અને શાસકના હાથમાં સત્તાનાં સૂત્રો હોવાથી જે પ્રકારની વ્યક્તિઓને પ્રોત્સાહન મળે છે, તેમનાં કાર્યો પરથી શાસકની છાપ ઊભી થાય છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન જે વાતો કહેવાઈ હતી તેમાંથી આ હિંસ્ર પરિબળોએ પ્રેરણા મેળવી હતી, તેમાં શંકાને સ્થાને નથી. મોદીએ પોતે તેમના ચૂંટણીનાં ભાષણોમાં માંસના મુદ્દાને ઉછાળ્યો હતો, પિન્ક રેવૉલ્યુશન (ગુલાબી ક્રાંતિ) વિશે વાતો થાય છે. એટલે આ તત્ત્વો પોરસાયાં હતાં અને તેના પગલે એક વાતાવરણ ઊભું થયું છે. છેવાડે જણાતા હિંસ્ર તત્ત્વો જ નહીં, ભાજપની ભગિની સંસ્થાઓ જ નહીં, પણ મોદી સરકારના સાંસદો, તેમના પોતાના પ્રધાનો, સોશિયલ મીડિયા પર કથિત ‘ભક્તો’ને મોકળું મેદાન મળી ગયું છે. તેમણે આ ભક્તોને તેમના ઘરે આમંત્રણ આપ્યું હતું અને તેમના માટે રિસેપ્શન રાખ્યું હતું. મારા બે પત્રકારમિત્રોએ મને જણાવ્યું હતું કે, તેમણે સોશિયલ મીડિયા પર છાશવારે ઝેર ઓકતા એક માણસને એમાં જોયો હતો. હવે તમે જ કહો આ પ્રકારનાં તત્ત્વોને પ્રોત્સાહન નહીં મળે?

થાપર : તમે કહો છો કે દાદરી હત્યાકાંડ એ ચૂંટણી અગાઉનાં ભાષણોનું પરિણામ છે?

શૌરી : ના, મારા કહેવાનું વધારે પડતું કે થોડું અયોગ્ય અર્થઘટન થયું છે. ઉદાહરણ તરીકે, માંસના મુદ્દે મેં કહ્યું હતું કે તેમણે ભાષણોમાં જે સાંભળ્યું હતું, તેની સાથે-સાથે દાદરી હત્યાકાંડને જોડી શકાશે.

થાપર : તેમને તેના દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને મોદી સાથે નિકટતા ધરાવતા લોકોએ ઉશ્કેરણીજનક બાબતો કહી હતી અને વડાપ્રધાને તેમને અટકાવવા કશું કહ્યું નથી તે પણ એક હકીકત છેને?

શૌરી : ચોક્કસ, અને હવે આ બધું યોજનાપૂર્વક કરવામાં આવ્યું હોય તેવી શંકા જન્મે છે. એક બનાવ બને છે કે તેને ઊભો કરવામાં આવે છે, પછી દર બીજા દિવસે તેના પર નિવેદનો આપીને મુદ્દાને સળગતો રાખવામાં આવે છે. ત્રણ, ચાર અઠવાડિયાં પસાર થાય છે. મોદીએ કેમ મૌન ધારણ કર્યું છે, તેના પર લોકો ભાતભાતના તર્ક કરે છે. અને છેવટે મોદી (અજબ જેવી) ગૂઢ (ડેલ્ફિક) પ્રતિક્રિયા આપે છે - જેમ કે, માતૃપ્રેમ, રાષ્ટ્રપ્રેમ સારી બાબત છે!

થાપર : એટલે દેશમાં અત્યારે ફેલાઈ રહેલી અસહિષ્ણુતા અને ચૂંટણીના પ્રચાર દરમિયાન આપણે સાંભળેલા ભાષણો, વડાપ્રધાનના મૌન અને વડાપ્રધાનની આસપાસ રહેલા લોકો અને તેમની બધાની કથની વાસ્તવિક સંબંધ વચ્ચે છે - અને આ તમામ બાબતો અત્યાર સુધી જે કંઈ થયું છે, તેની સાથે સંબંધિત છે?

શૌરી : એટલું જ નહીં, મહેશ શર્મા સાંસ્કૃિતક પ્રધાન છે. પણ તેમણે કલામ વિશે શું કહ્યું છે તેનો વિચાર કરો. (મહેશ શર્માએ ઑક્ટોબર મહિનાના અંતે કહ્યું હતું કે, કલામ મુસ્લિમ હોવા છતાં પણ રાષ્ટ્રવાદી અને માનવતાવાદી હતા.) આટલું થવા છતાં મોદી સરકાર ડૉ. કલામ જે સરકારી બંગલામાં રહેતા હતા, તે બંગલો આ માણસને આપે છે. પછી આ જ રીતે મોદી સરકારમાં પ્રગતિ થશે, તેવી પ્રેરણા અન્ય લોકોને તેવો વિચાર આવે તે સ્વાભાવિક છે. આ પ્રકારનું વલણ લોકોના ચહેરા પર થૂંકવા જેવું છે. ઇટાલીમાં એક વાક્ય છે - મે ને ફ્રેગો (me ne frego) એટલે મને કોઈની પરવા નથી. મારો કહેવાનો અર્થ એ નથી કે મોદીનો, અભિગમ મુસોલિની જેવો છે, પણ એવું એક અનુમાન છે કે આ પ્રકારનો અભિગમ મુસોલિની જેવા જ અંત તરફ દોરી જશે. મહેરબાની કરીને એવું બિલકુલ સમજતા નહીં કે હું મોદીને મુસોલિની સાથે સરખાવી રહ્યો છું. પણ મહેશ શર્માનું પ્રકરણ ખરેખર પ્રતીકાત્મક (રીતે બોલકું) છે.

થાપર : અત્યારે ૪૦૦થી વધારે લેખકો, કલાકારો, ફિલ્મનિર્માતાઓએ તેમના ઍવૉર્ડ પરત કર્યા છે કે અસહિષ્ણુતાનો વિરોધ કરતાં નિવેદનો કર્યા છે. તમે તેને યોગ્ય ગણો છો?

શૌરી : ચોક્કસ. તેઓ ગાંધીચીંધ્યા માર્ગે વિરોધ કરી રહ્યા છે. હું તમારા આંકડાને આ જ પ્રકારના પરિપ્રેક્ષ્યમાં મૂકીશ. ૧૯૨૧માં અસહકાર આંદોલન થયું હતું. તેમાં ગાંધીજીના નેતૃત્વમાં કૉંગ્રેસે લોકોને અપીલ કરી હતી - જેઓ અંગ્રેજોએ આપેલા ખિતાબો કે ઇલકાબો ધરાવતા હોય, તેમણે તે પરત કરી દેવા જોઈએ. ઑગસ્ટ, ૧૯૨૧માં ૫,૧૮૬ લોકો વિવિધ ખિતાબ ધરાવતા હતા. તમને ખબર છે કે કેટલી વ્યક્તિઓએ તેમના ખિતાબ પરત કર્યા હતા? ૨૪. અત્યારે ગાંધી નથી અને તેમ છતાં તમે કહો છો કે ૪૦૦ લોકોને તેમનો વિરોધ વ્યક્ત કરવાની અને જાહેરમાં ચેતવણી આપવાની ફરજ પડી છે.

થાપર : બીજી તરફ ભાજપ આ વિરોધીઓની ફક્ત ચાર અલગ-અલગ સ્તરે જ ટીકા કરતો નથી, પણ તેમના વિરોધને વખોડે છે. તેની શરૂઆત કરતા અરુણ જેટલીએ કહ્યું હતું કે, આ વિરોધ બનાવટી છે. વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે તેમણે કહ્યું હતું કે, તેઓ ગાંડાતૂર, જાણે હડકવા હાલી નીકળ્યો હોય તેવા ભાજપવિરોધી ઝનૂની કે આક્રમક તત્ત્વો છે. આ અંગે તમારે શું માનવું છે?

શૌરી : હડકાયા, આક્રમક? આ લોકોનો વિરોધ તો ગાંધીવાદી છે, સૌમ્ય છે, નરમ છે. તેનો અર્થ એ થયો કે તમે આક્રમકતા કે ઝૂનની તત્ત્વોથી પીડિત છો. ભારતના સૌથી વધુ પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોમાંના એક પ્રોફેસર સીએનઆર રાવને ભારતરત્ન મળેલો છે. તેઓ ઝનૂની કે ભાજપવિરોધી છે? નારાયણમૂર્તિ ભાજપવિરોધી કે ઝનૂની છે? છેલ્લાં ૮ વર્ષથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સના વડા ડૉ. બલરામે એટલી નમ્રતાપૂર્વક વિનંતી કરી છે કે તમારે અતિ ધ્યાનપૂર્વક સાંભળવું પડે. તેઓ ઝનૂની છે? ડૉ. ભાર્ગવ આક્રમક છે? જે લોકો બુદ્ધિજીવીઓ વિશે બેફામ બોલી રહ્યાં છે, તેમને ખબર પણ નથી કે તેઓ વૈજ્ઞાનિકોને ઓળખતા પણ નથી. તેમણે (બેફામ બોલનારાઓએ) ૨૦ વર્ષમાં સમ ખાવા પૂરતું એક પુસ્તક પણ વાંચ્યું નથી.

થાપર : હકીકતમાં બૌદ્ધિકોની આ યાદીમાં એડ્‌મિરલ રામદાસ, રઘુરામ રાજનને સામેલ કરી શકાય?

શૌરી : હા, તેઓ દિલ્હી આઇઆઇટીના પદવીદાન સમારંભમાં બોલ્યા છે. શું તમે એવું કહી શકશો કે તેમને ભાજપવિરોધી હડકવા ઊપડ્યો છે?

થાપર : ભાજપે બીજી ટીકા એ મુદ્દે કરી છે કે તેમણે કટોકટી, ૧૯૮૪ના રમખાણ અને શીખોની સામૂહિક હત્યા, ડૉ. મનમોહન સિંઘના નેતૃત્વમાં કૌભાંડોનો વિરોધ કર્યો નહોતો. તેઓ દંભી છે અને અત્યારે તેમને વિરોધ કરવાનો કોઈ અધિકાર નથી?

શૌરી : તમે આ ત્રણ-ચાર મુદ્દે મારા વિશે આવું કહી ન શકો. તેમની ટીકા નયનતારા સહગલના કેસમાં ખોટી છે. કટોકટી દરમિયાન જેપી(જયપ્રકાશ નારાયણ)એ ‘સિટીઝન્સ ફોર ડેમોક્રેસી’ ઍન્ડ પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ’ની રચના કરી હતી અને નયનતારા તેનો એક મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ હતાં. પણ તમે તે બાબતને ધ્યાનમાં લેતા નથી અને તેની વાત ઇરાદાપૂર્વક કરતા નથી.

થાપર : દેશમાં ફેલાઈ રહેલી અસહિષ્ણુતા સામેનો બીજા શબ્દોમાં કહીએ તો લેખકો, કલાકારો અને બુદ્ધિજીવીઓનો વિરોધ યોગ્ય છે. બીજું, નયનતારા સહગલને લઈને જે વ્યક્તિગત વિવાદ થયો હતો, તેમાં પણ લોકોએ નયનતારા સહગલને આપેલું સમર્થન ઉચિત છે. તેમણે એક વિરોધને માન્યતા આપવા બધી બાબતોનો વિરોધ કરવો જરૂરી નથી. સાચું ને?

શૌરી : ચોક્કસ. બધા કટોકટીનો વિરોધ કરે તેવું મને સ્વાભાવિક રીતે ગમશે. તે મુદ્દે અને એ સમયે તેમણે શું કહ્યું છે, તેના પર આપણે વિચાર કરવો જોઈએ. પણ ઇરાદાઓને લઈને શંકા ન કરવી જોઈએ અને એ સમયે તેમણે શું કર્યું હતું, તેમના નાનાએ-દાદાએ કોને ટેકો આપ્યો હતો, કોનો વિરોધ કર્યો હતો - તેના ઇતિહાસમાં ન પડવું જોઈએ. 

થાપર : ભાજપ ત્રીજું કારણ એવું આપે છે કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે આ પ્રકારના લોકોને આશ્રય મળ્યો હતો. પણ હવે તેઓ હતાશ થઈ ગયા છે અને અસંતુષ્ટ છે?

શૌરી : આ બકવાસ છે, નરી મૂર્ખતા છે. હકીકતમાં આ લોકો ભાજપ પાસેથી કશું ઇચ્છતા નથી. તેઓ તેને લાંચ નહીં આપી શકે. તેમાંથી મોટા ભાગનાને આ ઝનૂની તત્ત્વો ડરાવી-ધમકાવી શકે તેમ નથી, એટલે આ બૌદ્ધિકો પોતાના કાબૂમાં નથી, અને અતિવાદીઓને આ બાબત જ ખૂંચે છે. જ્યાં સુધી આ બૌદ્ધિકોએ તેમની સામે મોરચો માંડ્યો નહોતો, ત્યાં સુધી તેમને કોઈ સમસ્યા નહોતી અને તેમને કૉંગ્રેસે છત્રછાયા પૂરી પાડી હતી, તેવું જણાતું નહોતું. પણ બૌદ્ધિકોએ મોરચો માંડ્યો એટલે એકાએક તેમના ભૂતકાળને યાદ કરવામાં આવ્યો. જ્યાં સુધી આ બૌદ્ધિકોએ વિરોધ કર્યો નહોતો કે અસહિષ્ણુતા વિરુદ્ધ કશું બોલ્યા નહોતા ત્યાં સુધી અતિવાદીઓએ તેમનો ભૂતકાળ શા માટે યાદ કર્યો નહોતો?

આ બુદ્ધિજીવીઓ, કલાકારો અને લેખકોએ લાભ ગુમાવ્યો નથી. તેઓ દેશનો અંતરાત્મા છે. જે સંવેદના હું અને તમે ગુમાવી ચૂક્યા છીએ, તેને આ લોકોએ અનુભવી છે. આ જ કારણે આપણી સંસ્કૃિતમાં લેખકો, સર્જકોનો આદર થતો હતો, આપણે વૈજ્ઞાનિકોના આભારી છીએ. આ બુદ્ધિજીવીઓની યાદીમાં વૈજ્ઞાનિકો આપણા અંતરિક્ષ-કાર્યક્રમ, આપણા ગણિત માટે જવાબદાર છે. અને તમે કહો છો કે તેઓ ભાજપવિરોધી કે ઝનૂની તત્ત્વો છે?

થાપર : ઉદાહરણ તરીકે ભાજપ ચોથું કારણ એ આપે છે કે દાદરી હત્યાકાંડ માટે રાજ્ય સરકાર (અખિલેશ યાદવની સરકાર) જવાબદાર છે?

શૌરી : ચોક્કસ, રાજ્ય સરકાર પણ જવાબદાર છે … અને પછી એ જ તર્ક, એ જ દલીલ દિલ્હીમાં પણ લાગુ પડે. હવે દિલ્હી-પોલીસ કોના તાબા હેઠળ છે? કેન્દ્ર સરકારના તાબા હેઠળ છેને? દિલ્હી- છાશવારે બળાત્કાર થઈ રહ્યા છે. તો આપણે કહી શકીએ કે દિલ્હીમાં બળાત્કારોની ઘટનાઓ માટે એકલી કેન્દ્ર સરકાર જવાબદાર છે?…. હકીકતમાં આ એકબીજા પર દોષારોપણ કરવાની ગંદી રાજકીય રમતમાં નાગરિકોએ જ સહન કરવું પડે છે.

થાપર : વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા વિશે તમે શું માનો છે?

શૌરી : વડાપ્રધાન એ હોમિયોપથી વિભાગનો સેક્શન ઓફિસર નથી. તે કોઈ સરકારી વિભાગના વડા પણ નથી. તે વડાપ્રધાન છે. તેમણે દેશને સાચા માર્ગે દોરવો જોઈએ, નૈતિકતા પ્રદર્શિત કરવી જોઈએ. તેમણે નૈતિક માપદંડો, ધારાધારણો સ્થાપિત કરવાં જોઈએ. આ દ્રષ્ટિએ જોઈએ તો તેઓ કોઈ પણ અને દરેક બાબતે પ્રતિક્રિયા ન આપી શકે, પણ આ બધાં કાંડ કે પ્રકરણો સામાન્ય બાબત છે? હકીકત એ છે કે તેમણે દેશ માટે મહત્ત્વપૂર્ણ દરેક બાબતે બોલવું જોઈએ. હું તમને અને તમારા દર્શકોને વડાપ્રધાનની દરેકેદરેક ટ્‌વીટ જોવાની વિનંતી કરું છું. તેમણે ડેવિડ કેમરોનને જન્મદિવસે શુભેચ્છા આપી છે, મોદી કુર્તા પર ટ્‌વીટ કર્યું છે, મક્કામાં નાસભાગમાં હાજીઓનાં મૃત્યુ પર ખેદ પ્રકટ કર્યો છે, અંકારામાં વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકો પર દુઃખ વ્યક્ત કર્યું છે અને આ બધું વિના વિલંબે. એટલું જ નહીં ૨૮ સપ્ટેમ્બરના રોજ દાદરીમાં હત્યાકાંડ થયો (ત્યારે મૌન પાળ્યું છે) અને તેના બીજા જ દિવસે ૨૯ સપ્ટેમ્બરના રોજ તેમણે ટ્‌વીટ કરીને મહેશ શર્માને જન્મદિવસની શુભેચ્છા આપી છે. ૩૦મી સપ્ટેમ્બરના રોજ નાગાલૅન્ડના રાજ્યપાલને જન્મદિવસની શુભેચ્છા આપી છે...

અનુવાદક : કેયૂર કોટક

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2015; પૃ. 03-05

Category :- Opinion Online / Opinion