OPINION

કહીં યે વો તો નહીં ?

રજની શાહ (અાર.પી.)
17-08-2014

એક મહિનાથી શહેર આખામાં સ્નૉ-બરફનાં તોફાનો થયાં. દેશભરમાં ઍરપોર્ટ પર હજ્જારો ફ્લાઇટસ બંધ. શહેરના રસ્તા પર આડીઅવળી અકસ્માતમાં ફસાયેલી મોટરો, બસો, ટેક્સીઓ બધી ફીટાંશ કરેલી બોર્ડગેમની બાજીના કૂટા જેવી દેખાતી હતી. ચિંતા ફક્ત એક જ હતી કે બસ હવે મારા ઘરની લાઇટ ના જાય.

પણ જો ખરેખર લાઇટ જાય તો ?

તો. ઓ ગૉડ ! ઘરમાં શું શું થઈ શકે તે વિચારો મારા દીમાગમાં ફ્લેશ થવા માંડ્યા. આ ગરમ હવા જે મારા બેઝમેન્ટમાંથી આવે છે તે સંપૂર્ણ બંધ થશે. તો પાછાં ત્રણ ચાર પડ થાય તેવાં કપડાં, બબ્બે જોડ મોજાં, બન્ને હાથે અને પગે, અરુણાચલના નક્સલવાદીઓ જેવી કાનટોપી - એ બધા વાઘા પહેરવા પડશે. ફ્રીઝરમાંથી આઇસ્ક્રીમના રેલા થઈને ઊતરશે, પછી એ ફીણાતાં ફીણાતાં બધા કીચનના સેન્ટરમાં જમા થશે. કોઇને ફોન નહીં કરવાનો, રખે ને ફોનની બેટરીનો ચાર્જ જતો રહે. ઇન કેસ, જીવ નીકળતો હોય તો 911 ડાયલ કરવા બચાવવો પડશે. ગરાજનું ઇલેક્ટૃિક ડોર નહીં ઊઘડે. ડૃાઇવ વે ઉપર ચાર ફૂટનો સ્નો પડ્યો છે તેનું શું કરીશું ? ગેરકાયદે ઘૂસી આવેલા મેક્સિકન છોકરાઓ બચાડા એ સ્નો સાફ કરવા તો આવશે પણ મારો ડોરબેલ જ કેવી રીતે વગાડશે? નો ઇલેક્ટૃિસિટી ! નાઇટ આઉટ ઇન ધિસ પંચવટી કે અશોકવાટિકા ? આ ઘર સુધી ઍમ્બ્યુલંસ કેવી રીતે આવી શકશે? શું મારે મારા બેડમાં જ લોન્લી લોન્લી મરવાનું ?

શું સાચે જ મારે બહાદુર શાહ ‘ઝફર’ ની જેમ દાઢી વધારીને મરચલા થઈને આ ગાવું પડશે ?

         ઉમ્રે દરાઝ માંગ કે લાયે થે ચાર દિન,  
         દો આરઝૂ મેં કટ ગયે, દો ઇંતઝાર મેં.

ઉંમરને કારણે હશે કદાચ કે હવે કાળજું મારું એટલું નાજુક થઈ ગયું છે કે આ જરા સી આહટ હોતી હૈ યે બારણાકી, ને થાય છે કે ,

        કહીં યે વો તો નહીં ?

આ વો એટલે કોણ ? વો એટલે પેલો રીત સરમનો બરછીધારી મહા મૂછ્છાળો ખુલ્લા બદનવાળો, બાંવડાં પર કડાં પહેરેલો ચિઠ્ઠીનો ચાકર યમ. યસ યમ ઉર્ફે જમ. યસ. ધી ડેથ !  બીજું કોણ ? મારું મોત. મોત. ને મોત જ. એ આવશે ને  કોઈ અજાણ પળે એનાં હાથમાં આઈ-પૅડ લઇને મને કહેશે,

‘આરપી ? કમ વીથ મી. નો.નો. પાસપોર્ટની કે વીસા કાર્ડની આવશ્યકતા નથી. ચલો પહેરેલે કપડે જ..’

*

મારો એક મિત્ર છે દેસાઈ કરીને. એનો હંમેશાં ફોન આવે, ‘બોલ, સામે એક સાઉથ ઇંડિયન નવો રહેવા આવ્યો.

તે સવારે ઊઠ્યો ને ન્હાવા ગયો ને બહાર નીકળ્યો તો એને એકદમ પરસેવો થયો. એટલે એ બેડમાં જરા ટેંપરરી આડો પડયો. હવે તે જ વખતે ઘરમાં ફોન વાગ્યો. તો વાઇફ એ રૂમમાં ગઈ ને એઝ યુઝ્વલ તડૂકી,

‘ફોન નથી લેતા ? ઈંડિયાનો નંબર છે.’

‘ડૉન્ટ નો .. સારું નથી લાગતું. જો આ મારા બોડી પર પરસેવો પરસેવો .. !’

‘એ તો તમે ઊકળતા પાણીએ શાવર લો છો એટલે. વાઇફનું એ નિદાન સાંભળે તે પહેલાં એ માણસ મરી ગયો. બોલ.’

દેસાઈને આવા તો અનેક ભેદભરમી િકસ્સાઓ મ્હોંઢે છે. ‘પેલો પંચાલ .. તું ઓળખે એને. એની વાઇફને ચા વગર ના ચાલે માટે. ચા વગર એને નંબર બે .. થાય જ નહીં, ઊતરે જ નહીં. એટલે એના માટે પંચાલ માઇનસ ટેન ડિગરી વેધરમાં દૂધ લેવા ગયો. ટ્રાફિકમાં રસ્તો ક્રોસ કરવા ગયો ને ત્યાંને ત્યાં જ ખલાસ !’

‘ઍક્સિડેન્ટ ?’ મેં પૂછેલું.

‘ના. છાતીમાં પેસ મેકરનો વાયર તૂટી ગયો .. તે હાર્ટ બંધ પડી ગયું.’ દેસાઈએ મને હિચકોકની સિફતથી કહ્યું.

*

બહાદુર શાહ જેવો ઇંતઝાર મારાથી હવે વેઠાતો નથી. પાછું મારે તો બીજું પણ એક ઑબ્સેશન છે. યૉર્સ ટૃલીને યાને કે મારે યાર મરણનો મોભો જોઈએ છે. અંદરખાનેથી મારી એવી ઈચ્છા ખરી કે હું કોઈ હોસ્પિટલના આઇ.સી.યુ.માં હોઉં ને સાહેબ ! મારા નાકમાં ઑક્સિજનની ટોટી હોય, કોણી આગળ ગ્લુકોઝની ટ્યૂબ હોય, વચ્ચે લંબગોળ નલિકાની અંદર ક્રમશ: ભરાતું હોય તેવું ક્લિયર ડૃીપ હોય અને પછી એ ડૃીપ ટેરવે લટકી લટકીને ટપકે. આઇ ડોન્ટ લાઇક નમાલું મોત ઇન માય હાઉસ. મારું મોત એવું જટિલ હોવું જોઈએ કે સમસ્ત વિશ્વના મહાબલી ડૉક્ટરો અંદરોઅંદર એક બીજાને પૂછે,

‘ડૉક્ટર ! તમને શું લાગે છે ?’ બધા એક જ વાક્ય મહાપતિને પૂછે છે,

‘આઇ ડૉન્ટ નો ... બ્લડ ટેસ્ટ, કેટ સ્કેન, એમારાઈ, બાયોપ્સીઝ અને બધી જાતની સ્કોપીઝ ઑલ નોર્મલ છે.’

બધું નોર્મલ હોય ને હું મરું તો જ ભડવીર ગણાઉં. સૃષ્ટિનાં અન્ય પ્રાણીઓ જેમ મને ઑર્ડિનરી મોત ના ખપે. મોત પછીનું પણ મારું સ્ટેટસ હોવું જોઈએ. મારું બોડી કોલ્ડ સ્ટોરેજમાં લઈ જવાય અને પછી એક ભવ્ય ફ્યૂનરલ હોમમાં વ્યૂઈંગ થાય. સફેદ કડક કોલરની વચ્ચોવચ્ચ લાલ બૉ ટાઈ ને ટક્સીડો પહેરીને મને સૂવડાવ્યો હોય ને હું ઠાવકો લાગતો હોઉં. બે-ચાર જણ મારા વિષે બોલે, પાછળ પાવર પોઇન્ટથી મારી જીવન ઝરમરની સ્લાઇડઝ બતાવે. લોકો તે વખતે સિસકારા બોલાવે,

‘માય ગૉડ, લૂક એટ હીમ, તે જમાનામાં એ કેવો પ્રિન્સ જેવો દેખાતો’તો. શર્ટનું સૌથી ઉપલું બટન પણ એ વાસતો!’

મને એવો અભરખો પણ ખરો કે મારી થોડી વિડીઑ ક્લિપ્સ પણ બતાવે. તે વખતે લોકો ચડીચૂપ બેઠા હોય. પાછળ ચર્ચના ઘંટ વાગતા હોય. વાટિકનની બારીમાંથી ધુમાડો નીકળતો હોય.

એવો સિનેમાસ્કોપ નઝારો મારે જોઈએ. મારી બાયોગ્રાફીની ડી.વી.ડી. પણ સાહિત્ય અકાદમી-ફકાદમી તરફથી બહાર પડે. જેમાં તમારે લોકોએ મારી લાઇફનું કશું પણ છુપાવવાનું નહીં, કારણ મરી ગયા પછી સર્વે પાપ ધોવાઈ જાય છે. એટલે એમાં પેલો પ્રસંગ પણ ટાંકજો :

સેવન્ટીઝમાં એક ગુજરાતી નટી મિસ કુંજબાલાને મેં મારા વરદ હસ્તે અમારા ફલાણા સમાજ ઑફ નોર્થ અમેરિકા તરફથી એક પ્લૅક આપેલી. ત્યારે ગ્રુપ ફોટો પડાવેલો. તેમાં મારો જમણો હાથ મિસ કુંજબાલાના સ્લીવલેસ જમણા ખભા પર હતો અને મેં મારી એ હથેળીની આંગળીઓ કોકડું વાળીને એના મસૃણ શોલ્ડર પર મારી પકડ લીધેલી. ત્યાં ઊભેલા ભોળા લોકોને એમાં કશું પાપ દેખાયેલું નહીં. પણ એ િવડીઑ ક્લિપને વારંવાર જો જો કરવાથી મારી પત્ની અનસૂયા ‘હર્ટ’ થયેલી. પછી તો એણે એની એ જ ક્લિપ સ્લો મોશનમાં હજાર વાર જોઈ હશે. એકવાર તો મને એવો શક પણ પડ્યો કે એણે દેશભરની અન્ય નામાંકિત સ્ત્રી લીડરોને પણ એ વિડીઅૉ મોકલી છે ને એ બધી મારા મગજનું પૃથક્કરણ કરી રહી છે. એક હાઈ સોસાયટીની નાજુક સ્ત્રી મારા એ ધૃષ્ટ ચાળાને ટકી શકી. એ નેજા હેઠળ અનસૂયાને કોઇ રાષ્ટ્રીય ઍવોર્ડ પણ મળ્યો. એના ફોટા સાથે પેપરમાં કોલમો લખાઈ. એમાં વાચકોએ એને ઝાંસીની રાણી કરતાં ય વધારે બોલ્ડ છે, એમ કહેલું. (ઝાંસીની રાણી પાસે તલવાર હતી, ઘોડો હતો, બખ્તર હતું. બિચારી અનસૂયા પાસે તો ફોન પણ નહતો.)

મેં પત્નીને જોકમાં કહ્યું, ‘હની ! એ ઍવોર્ડમાં મારો હાથ છે. તું મને એક સિંપલ થેંક્યુ કહીશ તો ચાલશે.!’ તો એણે મારી એ કોમેંટ કોઈ પીટક્લાસના મિલ મજદૂરના મહુડાના દારૂ જેવી ચીપ લાગી માટે ફગાવી દીધી.

હવે એવી ગિન્નાયેલી પત્ની આ સ્નો સ્ટૉર્મમાં મારી રૂમમાં છે. હું ખાટલે પડ્યો છું ને એકલો છું. ધારો કે એ મને અત્યારે કુંજબાલા કેસની શિક્ષા કરે તો? અહીં આ ડાક બંગલામાં છે કોઈ એને રોકનાર ? માટે જ આઈ વોન્ટ માય મોત ઇન આઇ.સી.યુ. મારા અગ્નિસંસ્કારનો પણ એક ફેસ્ટીવલ થવો જોઈએ હોલિકા જેવો. એના ફોટા ફેસબુકમાં જવા જોઈએ. કમસે કમ એ દસ બાર કરોડ લોકો જુએ. તો મારો આ જન્મારો પણ વસૂલ થયો ગણાશે.

સુજ્ઞ વાચકને રેફરંસ તરીકે કહું કે આપણાં સર્વોત્તમ લેખકો (નર્મદથી શરૂ કરો તે સુરેશ જોષી સુધી) અને કવિઓ (દલપતરામથી સિતાંશું ), ગઝલકારો (બાલાશંકર સે ચિનુ મોદી તક) કે વિવેચકો (નવલરામથી ટોપીવાલાને લઈ લો) એ બધાની સારી કે કચરો બધી જ કૃતિઓ ભેગી કરીએ અને ધારો કે પ્રજાજનોને ફરજિયાત રાત-દિવસ વંચાવડાવીએ (અલબત્ત, મફત ડિનરની કૂપનો આપીને) તો પણ મારા બાર કરોડના રેકોર્ડને ક્યારે ય આંબી નહીં શકે. ચેલેંજ.

તમને હવે લાગશે કે મેં મારું કાળજું મજબૂત કર્યું છે. ઉપર મુજબ ફેસબુકનો દાખલો મેં ટાંક્યો ને મારો જન્મારો કેવો વસૂલ થયો ગણાશે એમ પણ ફુલાઈને લખ્યું. છતાં સિક્રેટ કહું ? જેવી આ પંક્તિ સાંભળુ છું :

જરા સી આહટ હોતી હૈ, કે દિલ સોચતા હૈ,
કહીં યે વો તો નહીં ?

કે પાછી પગમાં કંપારી છૂટે છે. શું યમ પોતે હવે ફેન્સી વિગ પહેરીને મારી સામે માશૂકાના રૂપે આવીને છળકપટથી મને ઊપાડી જશે ? આ બારણાની સામે તાકીને બેઠો છું .. રખે એ આવે, અજવાળાં પહેરીને ઊભા શ્વાસ.

March 30, 2014

***

e-mail:   [email protected]

Category :- Opinion Online / Literature

કૃષ્ણ અને કવિતાનો સંબંધ આપણી ભાષામાં નરસિંહ મહેતા જેટલો જૂનો તો છે જ. પરફોર્મિંગ આર્ટસનાં મુખ્ય મધ્યકાલીન સ્વરૂપ આખ્યાન અને ભવાઈ પણ કૃષ્ણના રંગે રંગાયાં હતાં. આપણાં લોકગીતોને તો કૃષ્ણ વિના ચાલે જ નહિ. ઓગણીસમી સદીમાં રંગભૂમિની શરૂઆત થઈ ત્યારે પણ બીજી પૌરાણિક કથાઓની સાથે કૃષ્ણકથા પણ રંગમંચ પરથી રજૂ થવા લાગી. પણ આ બધાંની સરખામણીમાં આપણી ભાષાની નવલકથાનો કૃષ્ણકથા સાથે ઘણો મોડો સંબંધ બંધાયો. હકીકતમાં પુરાણકથાઓ તરફ જ આપણા નવલકથાકારોનું ધ્યાન બહુ મોડું ગયું. ૧૮૬૬માં નંદશંકર મહેતાએ ઐતિહાસિક નવલકથા ‘કરણઘેલો’થી ગુજરાતી નવલકથાનો આરંભ કર્યો અને પહેલી સામાજિક નવલકથા મહીપતરામ રૂપરામ નીલકંઠની ‘સાસુ વહુની લડાઈ’ પણ તેના પછી એ જ વર્ષે પ્રગટ થઈ. તે પછી કેટલાક વખત સુધી આપણી નવલકથા ઐતિહાસિક અને સામાજિક એવી બે જ ધારાઓમાં વહેતી રહી. આજે આપણને નવાઈ લાગે પણ પહેલી પૌરાણિક નવલકથા આપણને છેક ૧૯૧૫માં મળે છે – મણિલાલ જીવરામ ગાંધીની ‘અભિમન્યુનું યુદ્ધગમન અને ઉત્તરાની વિનવણી.’ તેમાં એક પાત્ર તરીકે કૃષ્ણ રજૂ થયા છે. તે પછી કૃષ્ણને લગતી બીજી નવલકથા મળે છે છેક ૧૯૪૦માં, ‘રાધા-કૃષ્ણ : દર્શાદર્શ મેળ.’ લેખક છે કનૈયાલાલ ચંદુલાલ લલ્લુભાઈ.

પણ ગુજરાતી નવલકથામાં કૃષ્ણનું અવતરણ વાજતે ગાજતે થયું તે તો બીજા કનૈયાલાલને હાથે, ૧૯૬૩માં. એ વર્ષે કનૈયાલાલ મુનશીની નવલકથા ‘કૃષ્ણાવતાર’નો પહેલો ભાગ બહાર પડ્યો. અલબત્ત, આ અવતરણ સીધું ગુજરાતીમાં નહિ પણ વાયા અંગ્રેજી થયું હતું. મુનશી જેવો ગુજરાતી ભાષાનો પ્રસિદ્ધ અને સિદ્ધ નવલકથાકાર કૃષ્ણ વિશેની નવલકથા લખે, પણ તે ગુજરાતીમાં નહિ, અંગ્રેજીમાં એમ કેમ? ગુજરાતી ‘કૃષ્ણાવતાર’ અંગ્રેજીમાંથી અનુવાદ થઈને આપણી પાસે આવી છે, અને તે અનુવાદ પણ મુનશીએ પોતે નથી કર્યો, બીજા પાસે કરાવ્યો છે. આ અંગે મુનશીએ ૧૯૬૨ના ઓક્ટોબરની પહેલી તારીખે લખાયેલા ‘કુલપતિનો પત્ર’માં આ પ્રમાણે ખુલાસો આપ્યો છે : ‘મેં સહેતુકપણે અંગ્રેજી માધ્યમનો જ સ્વીકાર કર્યો. મારે શ્રી કૃષ્ણ વિશેની વાત સમગ્ર ભારતને ઉદ્દેશીને કરવી હતી અને અર્ધા લાખથી પણ વધુ ફેલાવો ધરાવતાં ભવનનાં સામયિકો મને ઓછામાં ઓછા એથી ત્રણ ગણા વાચકો સુધી પહોંચવામાં તો સહાયક થઇ શકે જ.’

વાચકોના મોટા સમૂહ સુધી પહોંચવામાં મુનશીને સફળતા મળી હશે, પણ કૃષ્ણાવતારનો ગુજરાતી અનુવાદ વાંચતાં સૌથી પહેલી ખોટ વર્તાય છે તે મુનશીની ભાષાની મોહક ભભકની. અનુવાદક ગમે તેટલો સુસજ્જ હોય, મુનશીની ભાષાની છાયા અનુવાદમાં ઝીલવાનું કામ લગભગ અશક્ય ગણાય. એક વિચાર એ આવે કે મુનશીએ પોતે આ નવલકથા પહેલાં ગુજરાતીમાં જ લખીને પછી તેનો અંગ્રેજી અનુવાદ કરાવવાનો રસ્તો કેમ નહિ લીધો હોય? મુનશી અત્યંત વિચક્ષણ અને વ્યવહારદક્ષ હતા. એ જાણતા જ હોય કે ગુજરાતીનો અંગ્રેજી અનુવાદ કરવાનું કામ ઘણું વધુ મુશ્કેલ બની શકે. અને તેમના પોતાના અંગ્રેજી પરના પ્રભુત્ત્વ અંગે તો બે મત હોઈ શકે જ નહિ. આજ સુધીમાં જેમનાં મોટી સંખ્યામાં અંગ્રેજીમાં પુસ્તકો પ્રગટ થયાં હોય, અને હજી સુધી વંચાતાં હોય, તેવા માત્ર બે જ ગુજરાતી લેખકો છે. પહેલા મુનશી, અને બીજા કૃષ્ણલાલ શ્રીધરાણી. અને છતાં અંગ્રેજીમાં નવલકથા લખવાથી જે મર્યાદાઓ આવે તેનો મુનશીને પૂરેપૂરો ખ્યાલ છે. લખે છે : ‘અંગ્રેજી ભાષામાં આ પહેલી જ નવલકથા મેં લખી છે. અત્યાર સુધીની મારી નવલકથાઓ મૂળ ગુજરાતીમાં લખાતી. જો મેં આ સર્જન પણ મારી માતૃભાષામાં કર્યું હોત તો સાહિત્યિક દૃષ્ટિએ એ વધુ ઉત્તમ નીવડત. કારણ કે અંગ્રેજી તો આખરે પરભાષા છે, એમાં લખતાં હંમેશા મુશ્કેલી અનુભવાય છે.’

આ નવલકથા માટે મુનશીએ આપણા પ્રશિષ્ટ ગ્રંથોનો પૂરતો અભ્યાસ કર્યો છે અને કૃષ્ણના પાત્રની તથા તેમની સાથે સંકળાયેલાં બીજાં અનેક પાત્રોની વ્યક્તિત્વરેખા જાણવાનો અને નાણવાનો પ્રયત્ન કર્યો છે. મુનશી માને છે કે કૃષ્ણ એ પુરાણકારોની કલ્પના નથી, પણ એક ઐતિહાસિક પાત્ર છે. તેમના જીવન કાળ દરમ્યાન જ કૃષ્ણ લોકોત્તર પુરુષ ગણાયા હતા અને દેવની જેમ પૂજાયા હતા. પણ મુનશી તેમને માનવ માને છે એટલે કૃષ્ણની સાથે સંકળાયેલા ચમત્કારોને તેમણે પોતાની નવલકથામાંથી કાં ગાળી નાખ્યા છે, કાં ચમત્કારનો તાર્કિક ખુલાસો આપવાનો પ્રયત્ન કર્યો છે.

કૃષ્ણાવતાર એ મુનશીની છેલ્લી (અને મૃત્યુને કારણે અધૂરી રહેલી) નવલકથા છે. ‘પ્રચંડ મનોઘટનાશાલી’ વ્યક્તિઓ માટે અદમ્ય આકર્ષણ ધરાવનાર મુનશીને કૃષ્ણ જેવું પાત્ર ન આકર્ષે તો જ નવાઈ. કૃષ્ણ માટેનું આકર્ષણ તેમને બાળપણથી મળ્યું છે. મુનશી કહે છે : ‘બચપણથી જ મને કૃષ્ણ માટે ગજબનું આકર્ષણ હતું, જેવું પરશુરામ અને રામ માટે હતું તેવું જ.’ પહેલો પરિચય થયો માતાને મુખેથી સાંભળેલી કથાઓ દ્વારા અને પછી ગાગરિયા માણ ભટ્ટો પાસેથી સાંભળેલાં આખ્યાનો દ્વારા. ગુજરાતી ઉપરાંત સંસ્કૃત, હિન્દી, વ્રજ ભાષાના કૃષ્ણ વિષયક સાહિત્યનો પરિચય વધતો ગયો. કૃષ્ણ અંગેના મુનશીના અભ્યાસ અને આદરનું પ્રતિબિંબ આ નવલકથામાં ઝીલાયું છે. ૧૯૬૩ના ડિસેમ્બરમાં ગુજરાતી કૃષ્ણાવતારનો ‘મોહક વાંસળી’ નામનો પહેલો ખંડ પ્રગટ થયો. ત્યાર બાદ બીજો ખંડ ‘સમ્રાટનો પ્રકોપ’, ૧૯૬૬માં, ત્રીજો ખંડ ‘પાંચ પાંડવો’ ૧૯૬૮માં, ચોથો ખંડ ‘ભીમનું કથાનક’ ૧૯૬૯માં, પાંચમો ખંડ ‘સત્યભામાનું કથાનક’ ૧૯૭૦માં, છઠ્ઠો ખંડ ‘મહામુનિ વ્યાસનું કથાનક’ ૧૯૭૨માં અને સાતમો ખંડ ‘યુધિષ્ઠિરનું કથાનક’ ૧૯૭૪માં પ્રગટ થયો. ‘કુરુક્ષેત્રનું કથાનક’ નામનો આઠમો ખંડ લખવાની શરૂઆત મુનશીએ કરેલી પણ તેનું ૧૩મું પ્રકરણ લખાયા પછી થોડાક દિવસોમાં, ૧૯૭૧ના ફેબ્રુઆરીની આઠમી તારીખે, મુનશીનું અવસાન થતાં આ નવલકથા અધૂરી રહી. પણ જેટલી લખાઈ છે તેટલી પણ ડિમાઈ કરતાં મોટા કદનાં સાડા સત્તર સો પાનાં જેટલી થવા જાય છે. અને હજી તો યુધિષ્ઠિરની દ્યુતમાં થતી હારના પ્રસંગ સુધી જ લેખક પહોંચ્યા છે. આ ગતિએ જો નવલકથા આગળ વધી હોત તો ઓછામાં ઓછાં બીજાં આટલાં જ પાનાં તો લખાયાં જ હોત. ૧૮૮૭માં મુનશીની જન્મ શતાબ્દી નિમિત્તે ૧૯૮૬માં મુનશીનાં બીજાં પુસ્તકોની સાથોસાથ આ નવલકથાની પણ ‘શતાબ્દી આવૃત્તિ’ પ્રગટ થઈ ત્યારે મૂળના બધા ખંડોને ત્રણ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યા. પ્રસ્તાવના એ પુસ્તકનું એક અવિભાજ્ય અંગ છે એ હજી આપણા અભ્યાસીઓનેય સમજાયું નથી, ત્યાં પ્રકાશકોને તો ક્યાંથી સમજાય? મૂળ સાત ભાગ સાથે મુનશીએ લખેલી પ્રસ્તાવનાઓ આ ‘શતાબ્દી આવૃત્તિ’માંથી દૂર કરવામાં આવી અને સાતમા ખંડ માટે મુનશીએ લખેલી પ્રસ્તાવના જ ત્રણે પુસ્તકમાં છાપવામાં આવી. પણ આમ થવાથી મુનશીનો દૃષ્ટિકોણ અને અભિગમ સમજવા માટેનું એક મહત્ત્વનું સાધન આપણા હાથમાંથી સરી ગયું.

‘કૃષ્ણાવતાર’ મુનશીની સૌથી વધુ લાંબી અને સૌથી વધુ મહત્ત્વાકાંક્ષી નવલકથા છે. પણ મુનશીની અગાઉની નવલકથાઓ વાંચતાં જે રોમાંચ થતો તે આ નવલકથા વાચતાં ઝાઝો થતો નથી. આ માટે ભાષા ઉપરાંત બીજું કારણ એ છે કે પાત્રો અને પ્રસંગો આપણી નજર સમક્ષ ખડા થઈ જતા હોય એવો અનુભવ અહીં ઓછો જ થાય છે. અગાઉ બનેલા પ્રસંગો જાણે નેરેટર દ્વારા કહેવાઈ જતા હોય એવો અનુભવ વધારે તો થાય છે. આ નવલકથાના પહેલા ખંડનું અવલોકન “ગ્રંથ”માં કરતાં યશવંત દોશીએ લખ્યું હતું તેમ ‘ક્રિકેટની રનિંગ કોમેન્ટરી જેવી લાગવી જોઈતી કથા અહીં બીજા દિવસના છાપાના અહેવાલ જેવી લાગે છે.’

અને છતાં એ પણ હકીકત છે કે આજ સુધી આ નવલકથા સારા પ્રમાણમાં વાચક-પ્રિય રહી છે. એટલું જ નહિ, તેના પછી કૃષ્ણને કેન્દ્રમાં રાખીને લખાયેલી ઘણી બધી નવલકથાઓ આપણને મળી છે. ‘કૃષ્ણાવતાર’નો ગુજરાતી અનુવાદ કરનાર હરીન્દ્ર દવેએ તેનાથી પ્રેરાઈને ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ લખી. આ ઉપરાંત પન્નાલાલ પટેલ, રઘુવીર ચૌધરી, મકરંદ દવે, દિનકર જોશી અને બીજા લેખકોએ પણ કૃષ્ણ વિષયક નવલકથાઓ લખી. તો કાજલ ઓઝા-વૈદ્યે ‘કૃષ્ણાયન’માં કૃષ્ણના જીવન સાથે સંકળાયેલી સ્ત્રીઓની દૃષ્ટિએ કૃષ્ણને નીરખવા અને નીરૂપવાનો સબળ પ્રયત્ન કર્યો. આમ, કનૈયાલાલ મુનશીએ  ‘કૃષ્ણાવતાર’ દ્વારા ગુજરાતી નવલકથામાં કૃષ્ણનું અવતરણ કર્યા પછી બીજા નવલકથાકારોએ પોતપોતાની રીતે કૃષ્ણકથાનો ઓચ્છવ ઉજવ્યો છે.   

XXX XXX XXX

સૌજન્ય : દીપક મહેતા સંપાદિત ‘ગ્રંથયાત્રા’ કટાર, “ગુજરાતમિત્ર”, 17 અૉગસ્ટ 2014

Category :- Opinion Online / Literature