OPINION

આજે આપણને છાપેલું લખાણ વાંચવાની એવી ટેવ પડી ગઈ છે કે આપણે ત્યાં મુદ્રણ આવ્યું તે પહેલાંની સ્થિતિની કલ્પના કરવાનું પણ આજે આપણે માટે મુશ્કેલ છે. પણ ૧૭૯૭ પહેલાં ગુજરાતી મુદ્રણની સગવડ જ નહોતી. એટલું જ નહીં, ૧૭૯૭માં ગુજરાતી મુદ્રણની શરૂઆત થઈ તે પણ આજના ગુજરાત રાજ્યમાં આવેલા કોઈ સ્થળે નહીં. એ વખતે ગુજરાતીભાષી, મરાઠીભાષી અને બીજા કેટલાક પ્રદેશોનો સમાવેશ મુંબઈ ઇલાકામાં થતો હતો અને બોમ્બે પ્રેસિડન્સી તરીકે ઓળખાતા આ ઇલાકાનું પાટનગર હતું બોમ્બે, આજનું મુંબઈ.

ત્યાં ૧૭૯૨માં બોમ્બે કુરિયર નામનું અંગ્રેજી અખબાર શરૂ થયું. એ બોમ્બે કુરિયરના ૧૭૯૭ના જાન્યુઆરી ૨૯ના અંકમાં પહેલીવાર ગુજરાતીમાં લખાયેલો મજકૂર મુદ્રિત રૂપે પ્રગટ થયો. એ લખાણ હતું એક સરકારી જાહેર ખબરનું. આ લખાણ છાપવા માટેનાં ગુજરાતી બીબાં બનાવ્યાં હતાં બહેરામજી છાપગરે. ૧૭૫૪ના અરસામાં સુરતમાં તેમનો જન્મ. ૧૭૯૦માં મુંબઈ આવી લુક ઍશબર્નરના બોમ્બે કુરિયરના પ્રેસમાં કમ્પોઝિટર તરીકે જોડાયા. એમણે આ પહેલો ગુજરાતી મજકૂર છાપવા માટેનાં બીબાં બનાવ્યાં. આ પહેલા મુદ્રિત લખાણમાં ગુજરાતી અક્ષરો પર હિંદી - મરાઠીની જેમ શિરોરેખા જોવા મળે છે પણ એ જ વર્ષના જુલાઈ ૨૨ના અંકમાં છપાયેલી બીજી એક સરકારી જાહેર ખબરમાં અક્ષરો પરની શિરોરેખા દૂર થયેલી જોવા મળે છે. આગલી જાહેર ખબર કરતાં આ બીજી જાહેર ખબરમાં વપરાયેલાં બીબાંના અક્ષરો વધુ સુડોળ બન્યા છે. શિરોરેખા વગરના આ અક્ષરો મહાજન લિપિ તરીકે ઓળખાયા અને ત્યારથી આજ સુધી ગુજરાતી મુદ્રણ માટે આ લિપિ જ વાપરવામાં આવે છે.

અલબત્ત, વખત જતાં તેમાં કેટલાક ફેરફાર થયા છે. ગુજરાતી અક્ષરોનાં આ પહેલ વહેલાં બીબાં બહેરામજી છાપગરે જ બનાવેલાં એમ ખાતરીપૂર્વક કઇ રીતે કહી શકાય ? ૧૮૦૪ના માર્ચની પાંચમી તારીખે બહેરામજીનું અવસાન થયું ત્યારે જે મૃત્યુનોંધ છપાયેલી તે પારસી પ્રકાશ (પુસ્તક ૧, પાનું ૯૭) આ પ્રમાણે હતી.: “બહેરામજી જીજીભાઈ છાપગર. ઉંમર વરસ ૫૦. એવણ સુરતથી ઇ.સ. ૧૭૯૦ને આશરે શેઠ નસરવાનજી જમશેદજી દાંતારાની સાથે મુંબઈ આવ્યા હતા અને અત્તરેનું બોમ્બે કુરિયર પતર કે જે મિ. લુક ઍશબરનરની માલિકીમાં હતું તેમાં કમ્પોઝિટર તરીકે રહયા હતા. મિ.ઍશબરનરે એવણ પાસે ગુજરાતી બીબાં પણ મુંબઈમાં ઓટાવ્યાં હતાં. આથી પારસીઓમાં પહેલવહેલા અંગ્રેજી કંપોઝિટર તથા ગુજરાતી બીંબા ઓટનાર તરીકે એવણ જણાયેલા છે.” (ભાષા જોડણી મૂળ પ્રમાણે)

મુંબઈના જે બોમ્બે કુરિયર પ્રેસમાં ૧૭૯૭માં પહેલીવાર ગુજરાતી મજકૂર છપાયો તે જ પ્રેસમાં છપાઈને ૧૮૦૮માં પહેલુંવહેલું ગુજરાતી પુસ્તક બહાર પડયું. એ પુસ્તકનું લાંબુલચક નામ હતું : ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાર્ટસ ઑફ ધ ગુજરાતી મરહટ્ટ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજિસ.’ નામ જ સૂચવે છે તેમ આ પુસ્તક ત્રિભાષી હતું. આ પુસ્તકમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં છે તે બહેરામજીએ બનાવેલાં તે જ બીબાં હોય તેમ અક્ષરો સરખાવી જોતાં લાગે છે. અલબત્ત, બહેરામજીનું તો ૧૮૦૪માં અવસાન થયેલું. એટલે આ પુસ્તકનો ગુજરાતી મજકૂર તેમણે કમ્પોઝ કર્યો ન હોય. આ પુસ્તક તે મુંબઈમાં છપાયેલું પહેલું મરાઠી પુસ્તક પણ છે. તેના લેખક હતા એક અંગ્રેજ ડૉ.રોબર્ટ ડ્રમન્ડ. વ્યવસાયે સરકારી સર્જન. આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની પુરોગામી સંસ્થા લિટરરી સોસાયટી ઑફ બોમ્બેની ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ સ્થાપના થઈ ત્યારના તેના સ્થાપકોમાંના એક હતા ડૉ. ડ્રમન્ડ. આ પુસ્તક પ્રગટ થયું તે પછીના વર્ષે તેઓ સ્વદેશ જવા મુંબઈથી રવાના થયા. પણ તેમનું વહાણ અધવચ્ચે ડૂબી જતાં ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખે ‘લોસ્ટ એટ સી’ એવી નોંધ સાથે બોમ્બે આર્મીના નોકરિયાતોની યાદીમાંથી તેમનું નામ દૂર કરવામાં આવ્યું.

(વધુ હવે પછી ક્યારેક)

સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 14 જુલાઈ 2014

Category :- Opinion Online / Literature

એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો.

એક દિવસ પોપટને એની મા કહે - ભાઈ, કમાવા જા ને !

પોપટ તો ‘ઠીક’ કહી કમાવા ચાલ્યો. ચાલતાં ચાલતાં ખૂબ દૂર ગયો ત્યાં એક મોટું સરોવર આવ્યું. સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો.

આંબે કાચી અને પાકી ઘણી બધી કેરીઓ આવેલી. પોપટ કેરીઓ ખાય, આંબાડાળે હીંચકે ને ટહૂકા કરે. ત્યાંથી એક ગાયોનો ગોવાળ નીકળ્યો. પોપટ ગાયોના ગોવાળને કહે -

એ ભાઈ ગાયોના ગોવાળ, ગાયોના ગોવાળ ! મારી માને એટલું કહેજે 

પોપટ ભૂખ્યો નથી 
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ 
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય 
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે

ગોવાળ કહે - બાપુ ! આ ગાયો રેઢી મૂકીને હું તે તારી બાને કહેવા ક્યાં જાઉં ? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે તો એક ગાય લીધી ને આંબાના થડે બાંધી દીધી.

થોડીક વાર થઈ ત્યાં તો ત્યાંથી ભેંશોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંશોના ગોવાળને કહે -

એ ભાઈ ભેંશોના ગોવાળ, ભાઈ ભેંશોના ગોવાળ ! મારી માને એટલું કહેજે

પોપટ ભૂખ્યો નથી 
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ 
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય 
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કરે

ભેંશોનો ગોવાળ કહે - બાપુ ! મારાથી તો કહેવા નહિ જવાય. તારે જોઈએ તો આમાંથી એક પાડિયાળી ભેંશ લઈ લે. પોપટે તો એક સારી મજાની ભેંશ લીધી ને આંબાના થડે બાંધી.

થોડીક વાર થઈ તો ત્યાંથી બકરાંનો ગોવાળ નીકળ્યો. પોપટ બકરાંના ગોવાળને કહે -

એ ભાઈ બકરાંના ગોવાળ, બકરાંના ગોવાળ ! મારી માને એટલું કહેજે

પોપટ ભૂખ્યો નથી 
પોપટ તરસ્યો નથી
પોપટ આંબાની ડાળ 
પોપટ સરોવરની પાળ
પોપટ કાચી કેરી ખાય 
પોપટ પાકી કેરી ખાય
પોપટ ટહૂકા કર

બકરાંનો ગોવાળ કહે - અરે બાપુ ! આ બકરાં રેઢા મૂકીને મારાથી તારી માને કહેવા નહિ જવાય. તારે જોઈએ તો બે-ચાર બકરાં લઈ લે. પોપટે તો બે-ચાર રૂપાળાં બકરાં લઈ લીધાં ને આંબાના થડે બાંધી દીધાં.

વળી ત્યાંથી ઘેટાંનો ગોવાળ નીકળ્યો. ઘેટાંના ગોવાળે પોપટને ચાર-પાંચ ઘેટાં આપ્યા.

પછી તો ત્યાંથી ઘોડાનો ગોવાળ, હાથીનો ગોવાળ અને સાંઢિયાનો ગોવાળ એક પછી એક નીકળ્યા. ઘોડાના ગોવાળે પોપટને એક ઘોડો આપ્યો. હાથીના ગોવાળે પોપટને એક હાથી આપ્યો. સાંઢિયાના ગોવાળે પોપટને એક સાંઢિયો આપ્યો.

પછી પોપટ તો ગાય, ભેંશ, બકરાં, ઘેટાં, ઘોડો, હાથી ને સાંઢિયો બધાંયને લઈને એક મોટા શહેરમાં આવ્યો. બધાંયને વેચી નાખ્યા એટલે એને તો ઘણાં બધા રૂપિયા મળ્યા. થોડાક રૂપિયાનું એણે સોનુ-રૂપું લીધું ને તેના ઘરેણાં ઘડાવ્યાં.

પછી એણે ઘરેણાં નાકમાં, કાનમાં ને ચાંચમાં પહેર્યા; બીજા રૂપિયાને પાંખમાં અને ચાંચમાં ભર્યા. પછી પોપટભાઈ ઘર ભણી ચાલ્યા. આવતાં આવતાં મોડી રાત થઈ ગઈ. ઘરનાં બધાં ઊંઘી ગયાં હતાં. પોપટે તો સાંકળ ખખડાવી માને સાદ કરીને કહ્યું -

મા, મા ! 
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો 
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો 
પોપટભાઈ પાંખ ખંખેરે.

મા બિચારી આખો દિવસ ઘરનું કામ કરી કરીને ખૂબ થાકી ગઈ હતી. કોણ આવ્યું છે તે એને બરાબર સમજાયું નહિ. એને થયું અત્યારે કોઈ ચોરબોર આવ્યો હશે ને ખોટું ખોટું બોલતો હશે. એણે તો બારણાં ઉઘાડ્યાં નહિ. પછી પોપટ કાકીને ઘેર ગયો. કાકીને ઘેર જઈને કહે -

કાકી, કાકી ! 
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો 
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો 
પોપટભાઈ પાંખ ખંખેરે.

કાકીએ તો સૂતાં સૂતાં જ સંભળાવી દીધું - અત્યારે અડધી રાતે કોઈ બારણાં ઉઘાડતું નથી. આવવું હોય તો સવારે આવજે. પછી પોપટ પોતાની બહેનના ઘેર ગયો. જઈને કહે -

બહેન, બહેન ! 
બારણાં ઉઘાડો
પાથરણાં પથરાવો 
ઢોલીડા ઢળાવો
શરણાઈઓ વગડાવો 
પોપટભાઈ પાંખ ખંખેરે.

બહેન કહે - અત્યારે કાળી રાતે તે મારો ભાઈ ક્યાંથી હોય ? ભાગી જા ! તું તો કોઈ ચોર લાગે છે. પછી પોપટ તો માસી, ફોઈબા વગેરે ઘણાં સગાંવહાલાંને ઘેર ગયો પણ કોઈએ બારણાં ઉઘાડ્યાં નહિ.

છેવટે પોપટ એની મોટીબાને ત્યાં ગયો. એની મોટીબા એને ખૂબ વહાલ કરતાં હતા.

મોટીબાએ તો તરત પોપટનો સાદ ઓળખ્યો. તે કહે - આવી ગયો, મારા દીકરા ! આ આવી; લે બારણાં ઉઘાડું છું, બાપુ ! પછી બારણાં ઉઘાડ્યાં એટલે પોપટભાઈ અંદર આવ્યા અને મોટીબાને પગે લાગ્યા. મોટીબાએ એના દુખણાં લીધાં.

પછી તો મોટીબાએ પોપટ માટે પાથરણાં પથરાવ્યાં, ઢોલીડાં ઢળાવ્યાં ને ઉપર સુંવાળા સુંવાળા ગાદલાં પથરાવ્યાં. પછી કહે - દીકરા ! જરા અહીં બેસજે, હોં. હમણાં શરણાઈવાળાને બોલાવું છું. મોટીબા તરત ત્રણ ચાર શરણાઈવાળાને બોલાવી લાવ્યા. શરણાઈયું પૂઉંઉંઉં કરતી વાગવા માંડી.

પોપટભાઈ તો ખુશ ખુશ થઈ ગયા ને પાંખમાંથી ને ચાંચમાંથી રૂપિયા ખંખેરવા લાગ્યા. થોડી વારમાં તો આખું ઘર રૂપિયાથી ભરાઈ ગયું. પોપટભાઈ આટલા બધાં રૂપિયા કમાઈને આવ્યા એ જોઈ મોટીબા પણ ખૂબ રાજી થયા.

શરણાઈ સાંભળતાં સાંભળતાં પોપટભાઈને ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને મોટીબાએ પોપટભાઈની માને બોલાવી પોપટભાઈના રૂપિયા - ઘરેણાં એને આપી દીધા અને પોપટભાઈને જવાનું મન નહોતું તો પણ પરાણે માની સાથે એના ઘેર મોકલાવી દીધા.

સૌજન્ય : http://mavjibhai.com/balvarta/popat.htm

Category :- Opinion Online / Short Stories