OPINION

અમદાવાદમાં દર વર્ષે શાસ્ત્રીય સંગીતના મહોત્સવ સપ્તકનું આયોજન કરવામાં આવે છે. સપ્તકમાં દેશના જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા અચૂક હાજરી આપે છે. સપ્તકમાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાને સાંભળવા માટે શાસ્ત્રીય સંગીતના જાણકાર, નહીં જાણતા હોય તેવા અને શાસ્ત્રીય સંગીતની સમજણ પડે છે, તેવો દંભ કરતા શ્રોતાઓની ભીડ જામે છે. વર્ષ 1980ના દાયકામાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળીને શિવ-હરિના નામે બોલિવૂડની જાણીતી ફિલ્મોમાં યાદગાર સંગીત આપી ચૂક્યા છે. મોટા ભાગે યશ ચોપરાની ફિલ્મોમાં સંગીત આપનાર શિવ-હરિની જોડીએ કમ્પોઝ કરેલાં ગીતો આજે પણ તેટલાં જ પોપ્યુલર છે કે જેટલાં તે સમયે હતાં. શિવ-હરિએ જે બોલિવૂડ ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમાં 'સિલસિલા' (1981), 'ફાસલે' (1985), 'વિજય' (1988), 'ચાંદની' (1989), 'લમ્હે' (1991), 'પરંપરા' (1993), 'ડર' (1993) વગેરેનો સમાવેશ થાય છે. તો ચાલો જાણીએ શિવ-હરિની ફિલ્મ સંગીતની સફર વિશે.

શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની જોડીએ વર્ષ 1965માં 'જબ જબ ફૂલ ખીલે'થી ફિલ્મી ગીતો પર સાથે કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ, ઐતિહાસિક રીતે ફિલ્મ સંગીતમાં શિવકુમાર શર્માનું આગમન હરિપ્રસાદ ચૌરસિયા કરતાં પહેલાં થઈ ગયું હતું. શિવકુમાર શર્મા પાસે વર્ષ 1955માં વી. શાંતારામની હિન્દી ફિલ્મ 'જનક જનક પાયલ બાજે'માં સંતૂર વગાડનાર પહેલા સંગીતકાર તરીકેનું સન્માન છે. શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા ખૂબ સારા મિત્રો છે, અને તેમણે સાથે મળીને દુનિયાભરમાં શાસ્ત્રીય સંગીતના કૉન્સર્ટ કર્યા છે. અસંખ્ય ફિલ્મોના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પણ તેઓનું યોગદાન રહ્યું હતું. તેમણે પોતપોતાના કૌશલ્યમાં પ્રવીણતા પ્રાપ્ત કરી હતી. હરિપ્રસાદ ચૌરસિયાના જણાવ્યા મુજબ મેં અને શિવકુમાર શર્માએ મુંબઈના રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એક સાથે ખૂબ સારો સમય પસાર કર્યો છે, અમારી ઘણી સારી મિત્રતા હતી. કારણકે હરિપ્રસાદ ચૌરસિયાએ પિતાની ઈચ્છા વિરુદ્ધ સંગીતકાર બનવા માટે પોતાની નોકરી અને અલાહાબાદનું પોતાનું ઘર છોડ્યું હતું. જ્યારે, શિવકુમાર શર્માએ પણ પિતાની ઈચ્છા વિરુદ્ધ જમ્મુમાં પોતાનું ઘર અને નોકરીનો એક પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો.

ફિલ્મમેકર યશ ચોપરા તેમના મિત્ર હતા અને તેઓ બી.આર. ચોપરા સાથે કામ કરવાના સમયથી એક બીજાને જાણતા હતા. રાજકમલ સ્ટુડિયોમાં 'વક્ત' અને 'હમરાઝ' જેવી ફિલ્મોનાં ગીતોના રેકોર્ડિંગ દરમિયાન શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા, યશ ચોપરા સાથે ફ્રી ટાઈમમાં ચર્ચા કરતા હતા. યશ ચોપરાએ જ્યારે પોતાનું પ્રોડક્શન હાઉસ તૈયાર કર્યું, ત્યારે તેમણે ફિલ્મોના બેકગ્રાઉન્ડ સંગીત માટે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો. જેમાં ફિલ્મ 'કભી કભી' અને 'ત્રિશૂળ'ના બેકગ્રાઉન્ડ સંગીતનો સમાવેશ થાય છે. પણ, જ્યારે યશ ચોપરાએ શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાના 'Call of the Valley' નામના આલબમનું સંગીત સાંભળ્યું ત્યારે તેમણે એવો નિર્ણય લીધો કે હવે મારી ફિલ્મોમાં સંગીત પણ શિવ-હરિ(શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયા)ની જોડી આપશે. યશ ચોપરાએ આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે હું શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાને લાંબા સમયથી જાણતો હતો અને તેઓ મારી શરૂઆતની ફિલ્મોના બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ભાગ હતા. તેઓ મહાન સંગીતકાર છે, તેમનું સંગીત મધુર અને મૌલિક છે.

સૂરજીત સિંહ લિખિત પુસ્તક 'બાંસુરી સમ્રાટ હરિપ્રસાદ ચૌરસિયા'માં જણાવ્યા અનુસાર ફિલ્મમેકર યશ ચોપરાએ સૌપ્રથમ ફિલ્મ 'કાલા પથ્થર'ના નિર્માણ દરમિયાન હરિપ્રસાદ ચૌરસિયાનો સંપર્ક કર્યો હતો. આ ફિલ્મનું સંગીત રાજેશ રોશન આપી રહ્યા હતા અને તેનાં કેટલાંક ગીતો પણ રેકોર્ડ થઈ ચૂક્યા હતા. કેટલાંક કારણોસર તે ફિલ્મ પર કામ બંધ થઈ ગયું અને બાકીના સાઉન્ડટ્રેક તૈયાર કરવાનો પ્રસ્તાવ હરિપ્રસાદ ચૌરસિયાને આપવામાં આવ્યો. પણ, તેમણે ના પાડી કારણ કે આ નૈતિક રીતે આ યોગ્ય નહોતું. રાજેશ રોશન પણ મિત્ર હતા અને તેમના સંગીતમાં અમે કામ કર્યું હતું, માટે અમે સંબંધ ખરાબ કરવા નહોતા માગતા. યશ ચોપરાએ જ્યારે 'સિલસિલા' (1981) ફિલ્મનું નિર્માણ કર્યું ત્યારે તેમણે સંગીતકાર તરીકે શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાની પસંદગી કરી. આ ફિલ્મમાં શશિ કપૂર, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા જેવા લોકપ્રિય કલાકાર હતા. આ ફિલ્મમાં શિવકુમાર શર્મા અને હરિપ્રસાદ ચૌરસિયાએ શિવ-હરિના નામે યાદગાર સંગીતની રચના કરી અને પોતાની પ્રતિભા સાબિત કરી. આ ફિલ્મથી જાવેદ અખ્તરે પહેલી વખત ગીતકાર તરીકે શરૂઆત કરી હતી. હરિપ્રસાદ ચૌરસિયા એવું ઈચ્છતા હતા કે સંગીતકારના નામની ક્રેડિટમાં શિવકુમાર શર્માનું નામ પહેલું આવે કારણ કે શિવકુમાર શર્માનો જન્મ તારીખ 13 જાન્યુઆરી, 1938ના રોજ થયો હતો જ્યારે હરિપ્રસાદ ચૌરસિયાનો જન્મ તારીખ 1 જુલાઈ, 1938ના રોજ થયો હતો. આમ, શિવકુમાર શર્મા ઉંમરમાં હરિપ્રસાદ ચૌરસિયા કરતાં કેટલાક મહિના મોટા હતા. આ સિવાય હરિપ્રસાદ ચૌરસિયાના મોટાભાઈ કે જેમનું યુવાનીમાં મોત થયું હતું તેમનું નામ પણ શિવ પ્રસાદ હતું. આ રીતે ભાવનાત્મક કારણોસર પણ તેમની જોડીનું નામ શિવ-હરિ રાખવામાં આવ્યું.

શિવ-હરિને મ્યુઝિક આપવામાં યશ ચોપરાએ સંપૂર્ણ આઝાદી આપી હતી. લતા મંગેશકરે પણ શિવ-હરિ સાથે કામ કરવા પર કહ્યું હતું કે તેમની સાથે કામ કરવાનો આનંદ આવ્યો કારણ કે તેમના સંગીતનો આધાર શાસ્ત્રીય સંગીત છે કે જેનું સંગીત મૌલિક છે. 'સિલસિલા' ફિલ્મમાં અમિતાભ બચ્ચને પણ પહેલી વખત ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. મ્યુઝિક ડિરેક્ટર તરીકે પ્રથમ પ્રયાસમાં જ શિવ-હરિએ ખૂબ સારું કામ કર્યું. 'સિલસિલા'ના મ્યુઝિક દરમિયાન જ શિવ-હરિને કુલ સાત જેટલા ફિલ્મમેકરે પોતાની ફિલ્મમાં મ્યુઝિક આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો. પરંતુ, શિવ-હરિએ કોઈ પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. કારણ કે તેઓ શોખથી ફિલ્મ મ્યુઝિક આપતા હતા અને તેવું પણ ઈચ્છતા હતા તે તેમના શાસ્ત્રીય સંગીત પર તેની કોઈ અસર પડવી જોઈએ નહીં. તે સમયે ઘણાં લોકો જાણતા નહોતા કે આ શિવ-હરિ કોણ છે. શું તે એક વ્યક્તિ છે કે બે વ્યક્તિ? તેઓ કોણ છે? કોઈ અનુભવ વિના આટલું મધુર સંગીત કેવી રીતે આપી શકે છે? જ્યારે 'સિલસિલા' ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ખબર પડી કે શિવ-હરિ તો જાણીતા સંતૂરવાદક શિવકુમાર શર્મા અને વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયા છે. યશ ચોપરાની 'સિલસિલા'માં સંગીત આપ્યા બાદ શિવ-હરિએ યશ ચોપરાની અન્ય ફિલ્મો જેવી કે 'ફાસલે' (1985), 'વિજય' (1988), 'ચાંદની' (1989), 'લમ્હે' (1991) અને 'ડર'(1993)માં યાદગાર સંગીત આપ્યું. 'સિલસિલા' (1981), 'ચાંદની' (1989) અને 'ડર'(1993)માં સંગીત આપવા બદલ શિવ-હરિને બેસ્ટ મ્યુઝિકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. વર્ષ 1993માં અચાનક શિવ-હરિએ મ્યુઝિક ડિરેક્ટર તરીકેનું કામ બંધ કર્યું. હરિપ્રસાદ ચૌરસિયાએ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે અમે યશ ચોપરાનો આભાર વ્યક્ત કરીએ છીએ કારણ કે તેમણે અમને (શિવ-હરિ) સંગીતકાર તરીકેની તક આપી, કોઈ પણ ભારતીય શાસ્ત્રીય સંગીતકારે સિનેમામાં આટલું સંગીત નહીં આપ્યું હોય કે જેટલું અમે (શિવ-હરિ) આપ્યું. ફિલ્મ સંગીત અમારો શોખ હતો પણ શાસ્ત્રીય સંગીતની કિંમત પર ફિલ્મ મ્યુઝિક ચાલુ રાખવું શક્ય નહોતું. શાસ્ત્રીય સંગીત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને પ્રેમ ઘણો વિશેષ છે.

બાદમાં વાંસળીવાદક હરિપ્રસાદ ચૌરસિયાના ભત્રીજા રાકેશ ચૌરસિયાએ ફિલ્મ સંગીતમાં આગળ વધવાનું શરૂ કર્યું. હરિપ્રસાદ ચૌરસિયા તેમના ભત્રીજા રાકેશ ચૌરસિયાને લક્ષ્મીકાંત-પ્યારેલાલ સહિતના સંગીતકાર પાસે લઈ ગયા અને કહ્યું કે હવે મારી જગ્યાએ આ વાંસળી વગાડશે, અને કહ્યું કે પોતાના ગુરુની જગ્યાએ વાંસળી વગાડવી સન્માનની વાત છે અને આ એક મોટી જવાબદારી પણ છે. રાકેશ ચૌરસિયાએ 'ત્રિમૂર્તિ', 'મિ. ઈન્ડિયા', 'તેજાબ', 'પરિંદા', 'હમ દિલ દે ચુકે સનમ' અને 'દેવદાસ' જેવી ફિલ્મોના મ્યુઝિકમાં વાંસળી વગાડી.

(લેખક iamgujarat.comમાં પત્રકાર છે.)

e.mail : [email protected]

[પ્રગટ : ‘ગુલમહોર’ પૂર્તિ, “નવગુજરાત સમય”, 19 ફેબ્રુઆરી 2020]

Category :- Opinion / Opinion

હૈયાને દરબાર

સૂરનો કલરવ રોજ સવારે
અંતરમાં પડઘાવે,
અતીતના અંધારા છેદે
કોણ કિરણ પ્રસરાવે,
મુજને સાદ દઈ એ જગાવે.

શીમળાનાં વૃક્ષોથી સરકે
આંગણ આવી અટકે,
આસપાસની કળીઓ માંહે
સૌરભ થઈને મહેકે,
તૃણ તૃણ સ્પંદ થઇ એ પધારે.

શબ્દોના સથવારે આવે,
મૌનમાં નાદ ભરે,
શ્વાસ બની સરગમમાં રણકે
લીલયા કોણ કરે ?
પળ આવે ને પળ જવડાવે.

•   ગીત : કનુ સૂચક ‘શીલ’    •   સંગીત : મોહન બલસારા    •   ગાયક : રવીન્દ્ર સાઠે

-------------------

વિલેપાર્લેમાં થોડાં વર્ષો પહેલાં સાહિત્યરસિક સ્વજનને ઘરે સુગમ સંગીતની બેઠક હતી. એક સુરીલું ગીત પુરુષ ગાયકના કંઠમાં ગવાઈ રહ્યું હતું, સૂરનો કલરવ રોજ સવારે અંતરમાં પડઘાવે ....! ગીતના શબ્દો અને સ્વરાંકન સાંભળીને ગીત સાથે દ્રશ્ય આંખ સામે ફરવા માંડ્યું.

જાણે વહેલી સવારનો સમય છે. પ્રકૃતિ એની તાજગી ફેલાવી રહી છે. સૂર્યોદય સાથે ગાઢ વૃક્ષોમાંથી સરી આવતો પવન પર્ણોમાં મર્મરધ્વનિ કરે છે અને મનમાં પરમ શાંતિ છવાઈ જાય છે. સ્વચ્છ આકાશમાં ઊડતાં પંખીઓના ટહુકા માનવ મનમાં મીઠું સંગીત સર્જે છે અને કોઈક સાદ દઈને જગાડે છે ત્યારે વિચાર આવે છે કે એ કોણ છે જે આ બધી લીલા કરે છે! ફૂલ અને કળીઓમાં મહેક કોણ પ્રસરાવે છે? શ્વાસ બની સરગમમાં કોણ રણકે છે? સમગ્ર સંસારનો દોરી સંચાર કોણ કરી રહ્યું છે?

ગીત પૂરું થાય છે પણ મનમાં સૂરનો કલરવ ગુંજી રહ્યો છે. એ બેઠકમાં રાગ દરબારી પર આધારિત આ ગીતના ગાયક એ બીજું કોઈ નહીં, આપણા જાણીતા સાહિત્યકાર, લેખક કનુભાઈ સૂચક હતા અને ગીત સ્વરબદ્ધ કરનાર સુગમ સંગીતનું જૂનું અને જાણીતું નામ મોહન બલસારા. કનુભાઇ તન્મય થઈને જે રીતે ગાતા હતા એ જોઈને જ લાગે કે સૂરના કલરવમાં એ અંતરધ્યાન થઈ ગયા હતા.

કેટલીક વ્યક્તિઓની આભા એવી હોય કે જોતાં જ અંજાઈ જવાય. મુંબઈના કાશી કહેવાતા વિલેપાર્લેમાં વિદ્યા-વિનય-વિવેક નામની સોસાયટીનું નામ કદાચ કનુભાઇ-સુશીલાબહેન જેવાં સૌહાર્દપૂર્ણ યુગલના સૌજન્યપૂર્ણ વ્યવહાર પરથી જ પડ્યું હોવું જોઈએ. વિદ્યા-વિનય-વિવેકનો ત્રિવેણી સંગમ જેમનામાં છે એ લેખક-કવિ-સાહિત્યકાર કનુભાઈ સૂચકનું નામ સાહિત્ય પ્રેમી મુંબઇગરા માટે અજાણ્યું નથી. ગુજરાતી ભાષા બચાવોની બૂમરેંગ કરવાને બદલે મૂકપણે તેઓ સાહિત્યની ધૂણી ધખાવીને અલગારી ફકીરની જેમ વર્ષોથી સાહિત્યની સેવા કર્યે જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ‘સાહિત્ય સંસદ-સાંતાક્રુઝ’ નામની સંસ્થા દ્વારા સાહિત્ય સરવાણી જેમણે શરૂ કરી હતી, એ રામપ્રસાદ બક્ષીનો વારસો અત્યારે કનુભાઈ સંભાળી રહ્યા છે. દર ગુરુવારે ગુજરાતી સાહિત્યની બેઠક યોજીને, નવોદિત-વરિષ્ઠ સાહિત્યકારો-કવિઓને નિમંત્રીને શુદ્ધ સાહિત્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. કનુભાઇ આમ તો વ્યવસાયે આર્કિટેક્ટ. ‘શિલ્પ સમીપે’ નામનું રસપ્રદ પુસ્તક તેમણે લખ્યું છે, પરંતુ જીવ કવિનો ય ખરો. એમની ઉત્તમ કવિતાઓના સંગ્રહ ‘ખોજ’ તથા ‘સૂરનો કલરવ’ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. કનુભાઈ સરસ ગાઈ શકે છે એ કદાચ ઘણાને ખબર નહીં હોય! આ ગીત એમના જ કંઠે સાંભળવું એ લહાવો છે. કનુભાઇ એકાદ પંક્તિ ભૂલી જાય તો એમનાં સુસંસ્કૃત (કારણ કે એમણે ૬૫ વર્ષની વયે સંસ્કૃત વિષયમાં પીએચ.ડી. કર્યું છે) પત્ની સુશીલાબહેન તરત યાદ કરાવે અને પછી બન્ને સજોડે સૂરના કલરવમાં ડૂબી જાય.

આ ગીત જેમણે સ્વરબદ્ધ કર્યું છે એ સંગીતકાર મોહન બલસારાનો પરિચય કનુભાઇ સૂચકને ઘરે જ થયો હતો. એમનું નિરાભિમાન અને સાદગી સ્પર્શી ગયેલાં. સાક્ષાત્‌ સંસ્કારમૂર્તિ લાગે. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ઘેલછા કે પૈસાની લાલસા વિના વર્ષો સુધી સુગમ સંગીતના વર્ગો લીધા હતા અને જિંદગીમાં ક્યારે ય ગાયું ન હોય એવી બહેનોને ગાતી કરી એ એમની સૌથી મોટી સિદ્ધિ. એમની ગેરહયાતિમાં આજે ય એ બહેનો મોહનભાઈનું ઋણ યાદ કરે છે. તેઓ વાયોલીન ખૂબ સારું વગાડતા. લતા મંગેશકરથી લઈને કેટલા ય કલાકારો સાથે એમણે વાયોલીન સંગત કરી હતી. એ વખતના રણજિત સ્ટુડિયોમાં મ્યુઝિશયન તરીકે એક માત્ર મોહનભાઈ હતા. મોહનભાઈએ મકરંદ દવે, રમેશ પારેખ, હરીન્દ્ર દવે, મહેશ શાહ, મેઘબિન્દુ તથા કનુભાઈ સૂચક સહિત ઘણા કવિઓનાં ગીતો સ્વરબદ્ધ કર્યાં છે, પરંતુ સૂરનો કલરવ એમને પોતાને પણ અંગત રીતે ખૂબ ગમતું હતું કારણ કે પ્રકૃતિ અને પરમાત્માનું અજબ જોડાણ તેઓ આ ગીતમાં અનુભવતા હતા.

કનુભાઇ સૂચક આ ગીત વિશે કહે છે કે, "ગીત એક સવારે અચાનક પાંચ જ મિનિટમાં લખાઈ ગયું હતું. મારી દ્રષ્ટિએ પ્રકૃતિ અને પ્રભુ ભિન્ન નથી. એ જ વાત આમાં છે. નવમા ધોરણથી હું કવિતા લખતો. ગુલાબદાસ બ્રોકર તથા જશવંત મહેતાએ આગ્રહ અને યોગ્ય સૂચનો ન કર્યાં હોત તો કદાચ ક્યારે ય કાવ્યસંગ્રહ બહાર ન પાડ્યા હોત. હવે જો કે કવિતા સૂકાઈ ગઈ છે. ઉંમર થતા લોજિકલ વધારે થતાં જઈએ અને ઈમોશન્સ ઓછાં થતાં જાય એમ પણ બને. પણ, કવિતાનો પ્રકાર મને ખૂબ ગમે છે. આખા ગીતમાં ફિલોસોફી છે, છતાં એ પ્રકૃતિ ગીત લાગે છે. સુષુપ્તાવસ્થામાં હોઈએ ત્યારે આપણને કોઈ ઢંઢોળી નથી જગાડતું પણ હળવે હાથે જગાડે છે. આ જાગૃત કરવાનું કામ ઈશ્વર સિવાય કોણ કરે? માણસ ગમે તેટલો તાર્કિક હોય પણ એના મનમાં એ કુતૂહલ તો છે જ કે આખી દુનિયા કોણ ચલાવે છે. આ કુતૂહલ આ ગીતમાં વ્યક્ત થયું છે. અમારા હિમાલય પ્રવાસ દરમ્યાન આવી જ પંક્તિ મને સૂઝી હતી ;

પળની ઝાલર મધ્ય રણકતા કોના આ ધબકાર,
લીલી ચાદર ઓઢી પ્રહરી, ઊભા અંતરિયાળ,
અમે તો આવ્યા હરિને દ્વાર ...!

સૂરનો કલરવ ગીત સાંભળવાની તક મેળવી લેજો. સીડીમાં રવીન્દ્ર સાઠેના અવાજમાં રેકોર્ડ થયું છે. ગીતના સ્વરનો ગુંજારવ મન-હૃદયને જરૂર પરિતૃપ્ત કરશે.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 ફેબ્રુઆરી 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=622367

------------------------
 

Category :- Opinion / Opinion