OPINION

મન્તવ્ય-જ્યોત—5

સુમન શાહ
16-05-2022

જ્યોત ૫ : ગદ્ય અને પદ્ય :

સાહિત્યને ‘ગદ્ય’ અને ‘પદ્ય’ એમ બે વિભાગમાં જોવામાં આવે છે. ‘ગદ્ય-પદ્ય’ એવો સંમિશ્ર પ્રકાર પણ છે.

વિશ્વમાં “પંચતન્ત્ર” કથાસાહિત્યનું પ્રાચીનમાં પ્રાચીન દૃષ્ટાન્ત છે. એમાં વિશ્વમાં પહેલી વાર પશુ-પક્ષીઓ પાત્રો રૂપે સરજાયાં છે. એ પાત્રોમાં મનુષ્યજીવોના ગુણઅવગુણ સંભરવામાં આવ્યા છે. 

“પંચતન્ત્ર” સંસ્કૃતમાં રચાયું છે, પાંચ ભાગમાં છે અને એમાં ૮૪ કથાઓ છે. લાગે કે કથાઓ બાળકો માટે છે પણ પ્રત્યેક કથા દેશ-વિદેશના આબાલવૃદ્ધ સૌ માટે છે. આ કથાઓના લગભગ બધી જ ભારતીય ભાષાઓમાં અનુવાદો થયા છે. અને લગીર પાઠભેદ સાથેનાં અવાન્તર રૂપો પણ સરજાયાં છે. એવાં જ ૨૦૦-થી પણ વધુ અવાન્તર રૂપો સાથે “પંચતન્ત્ર” વિશ્વની ૫૦-થી પણ વધુ ભાષાઓમાં પ્હૉંચી ગયું છે.

“પંચતન્ત્ર”-ની કથાઓનાં ચિત્રો કે ચલચિત્રો થાય એ સારી વાત છે પરન્તુ કરણીય તો એ છે કે એ કથાઓ કથનકલાની રીતેભાતે રજૂ થાય.

એ કથાઓ ગદ્યમાં કહેવાઇ છે પરન્તુ તેમાંથી સ્ફુરતાં નીતિબોધ કે શીખામણનાં વચનો પદ્યમાં છે.

વૈદિક સંસ્કૃતમાં રચાયેલી વિશ્વખ્યાત કૃતિ “ઋગ્વેદ” ઇન્ડો-યુરોપીયન ભાષાવિશેષમાં પ્રાચીનતમ ગણાય છે. “ઋગ્વેદ”-ને પામવા સૌ પહેલાં પાઠપઠનવિદ્યાનું જ્ઞાન હોવું અનિવાર્ય છે.

એમાં, ઋગ્વેદ-સંહિતા, ૧૦ મણ્ડલો અને ૧,૦૨૮ સૂક્તો છે તેમ જ આશરે ૧૦,૫૨૨ મન્ત્રો છે અને તે પદ્યમાં છે.

“સાર્થ જોડણીકોશ” ગદ્યની જાણે વ્યાખ્યા કરે છે - ‘જે ગવાય નહીં તે ગદ્ય’; ’પદ્યથી ઊલટું’ તે ગદ્ય. તો વળી, પદ્યને ‘છંદબદ્ધ શબ્દરચના’ કહે છે, સંસ્કૃત અર્થને અનુસરીને પદ્યને ‘કાવ્ય’ પણ કહે છે.

ધ્યાન રહે કે કોશે આપેલા એ બધા અર્થસંકેત ભ્રામક છે. જેમ કે, ગદ્યકૃતિને પણ ગાઈ શકાય છે. જેમ કે, છન્દોબદ્ધ ન હોય છતાં તેને પદ્ય તો કહી જ શકાય છે. જેમ કે, પદ્ય હોય પણ તે કૃતિ, કાવ્ય ન પણ હોય.

ગદ્યમાં લખાયેલું સાહિત્ય, જે ભાષામાં લખાયું હોય તે ભાષાના વાક્યાન્વય વગેરે વ્યાકરણને અનુસરે છે. દાખલા તરીકે, ‘રામ વનમાં વિલાપ કરે છે’. એટલે, કહી શકાય કે ભાષાનો શાસ્ત્રસમ્મત પણ સર્વસામાન્ય વપરાશ જેમાં થાય છે, તે ગદ્ય છે.

પદ્યમાં લખાયેલું સાહિત્ય, વ્યાકરણ તો સાચવે જ છે પણ શબ્દના અથવા પદોના ક્રમમાં યથાશક્ય છૂટ લે છે. દાખલા તરીકે, કશી ભૂલ વિના કહી શકાય છે, ‘કરે છે વિલાપ રામ વનમાં’; ‘રામ વિલાપ કરે છે વનમાં’; ’વનમાં કરે છે રામ વિલાપ’.

પરન્તુ ‘છે રામ કરે વિલાપ માં વન’ એમ નથી કહી શકાતું. એમાં અન્વયનો નાશ છે. એ ગુજરાતી ભાષાનું વાક્ય નથી.

ગદ્યરચનાની સરખામણીએ પદ્યરચનામાં લયતત્ત્વ દાખલ થાય છે, એ ગેય પણ બને છે.

ગુજરાતીના સારા કહેવાતા એકથી વધુ અધ્યાપકોને મેં ‘પધ્ય’ ‘ગધ્ય’ બોલતા સાંભળ્યા છે.

એને દુરાચાર કહેવાય.

એક પ્રશ્ન કરવો જરૂરી છે : સમકાલિક સર્જકો ગદ્ય-પદ્યના સંમિશ્ર પ્રકારમાં કેમ નથી જતા? ગદ્યરચનામાં પદ્યનું અને પદ્યરચનામાં ગદ્યનું સંમિશ્રણ કેમ કરાતું નથી?

વિચારવું ...

= = =

(May 15, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Category :- Opinion / Opinion

મૂળ પંક્તિ આ છે, ’જિહવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે ...’ ને તે નરસિંહ મહેતાના ‘વૈષ્ણવજન ..’ની છે. એમાં વૈષ્ણવના લક્ષણો ગણાવતાં કહેવાયું છે કે સાચો વૈષ્ણવ જીભથી અસત્ય નથી બોલતો અને પારકાનું ધન કદી હાથમાં ઝાલતો નથી. એ વાત કહેવાને થોડા સૈકાઓ જ થયા છે, પણ એટલા સમયમાં ‘જિહવા થકી જે સત્ય ન બોલે, પર ધન બહુ ઝાલે હાથ રે ...’ કહેવાના દિવસો આવી ગયા છે. કોઈને આ પેરડી લાગે તો પણ તે સત્યથી જુદી નથી. આ એટલે કહેવાનું થાય છે કે સાચું હવે બહુ ખપતું નથી ને બીજાનું ધન મારીને જ લોકો હોજરી ભરી લે છે. એ ખરું કે એકલા સત્યવાદીઓ જ જગતમાં વસતા હતા એવું કોઈ કાળે ન હતું. દરેક સમયમાં સત્ય હતું તો અસત્ય પણ હતું જ. લુચ્ચાઈ, બદમાશી દરેક સમયમાં હતી જ. રામ હતો તો રાવણ પણ હતો ને યુધિષ્ઠિર હતો તો દુર્યોધન પણ હતો જ ! દરેક સમયમાં સારા ખરાબ માણસો રહ્યા જ છે, પણ માણસ વિકાસશીલ રહ્યો હોય ને એકવીસમી સદી સુધી આવ્યો હોય તો તે વધુ પરિપક્વ અને સત્યપ્રિય હોવો જોઈએ, પણ એવું ઓછું છે. તે વધુને વધુ દુષ્ટ અને ક્રૂર થતો આવ્યો છે. - કે એમ માનવાનું છે કે સમય જતાં અસત્ય જ સત્ય બનવાનું છે?

રામાયણ, મહાભારત પરથી યુદ્ધનો મહિમા ઘટવો જોઈતો હતો, પણ માણસ વધુ ને વધુ યુદ્ધખોર બનતો આવ્યો છે. અનીતિ, અહંકાર, અસત્ય, અનુકરણનો અગાઉ ન હતો એવો મહિમા આજે છે. શિક્ષણથી માણસ સુધરવો જોઈતો હતો, પણ અભણ કરતાં શિક્ષિત વધુ નિષ્ઠુર અને નિર્લજ્જ પુરવાર થતો આવ્યો છે. આ દેશને અભણ કરતાં શિક્ષિતોએ વધુ હાનિ પહોંચાડી છે. શિક્ષિત વધુ સ્વાર્થી, વધુ ભ્રષ્ટ અને વધુ લોભી બન્યો છે. જે હકનું નથી તે છીનવી લેવાની વૃત્તિ વધી છે, બલકે, જે છે તે તેનું જ છે ને હકનું જ છે તેવી સમજ ઘર કરી ગઈ છે. જો ખોટું જ સાચું થઈ ગયું હોય તો સત્યની, આદર્શની વાતો ભુલાવી જોઈએ, પણ એવું પણ નથી. આજે પણ ચોરી કરવી કે જૂઠું બોલવું પાપ છે એવું ભણાવાય છે. એટલે આદર્શ અને વ્યવહાર વચ્ચે અંતર છે. સારા ને સાચા માણસો છે જ, પણ તેની ટકાવારી નહિવત છે. સાચું તો એ છે કે ભ્રષ્ટ, લાલચુ અને મતલબી માણસોની ભીડ વધતી આવે છે.

સામાન્ય માણસ સ્વતંત્ર થઈને કૈં બહુ પામી ગયો નથી, બલકે, તેને નામે બીજા ઘણું પામી ગયા છે. આમ જોવા જઈએ તો આખો દેશ અનેક વર્ગોમાં વહેંચાઈ ગયો છે. એક વર્ગ છે તે જાતિ-વર્ગના દાખલા જ ગણ્યા કરે છે, બીજો એક, પક્ષીય રાજકારણ અને પ્રચાર, પ્રસારમાં જ જીવનની ઇતિશ્રી જુએ છે, તો એક વર્ગ ધર્મ-અધર્મ, હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદમાં જ વ્યસ્ત છે. એક વર્ગ સૌથી વધુ ધન ભેગું કરવામાં પડ્યો છે. વિશ્વના સૌથી વધુ ધનાઢ્ય લોકોમાં પોતાનો નંબર કયો છે ને તેનાથીય વધુ ઊંચાઈએ, એટલે કે પહેલાની ય ઉપર જવાય એમ છે કે કેમ એટલું જ લક્ષ્ય એનું હોય છે. એક વર્ગ છે જે ઓછી મહેનતે વધુને વધુ પૈસા કઇ રીતે બનાવી શકાય એની જ કોશિશમાં છે. એ ઘણુંખરું નોકરિયાત વર્ગ છે. એ સરકારી નોકરીઓમાં છે, પોલીસમાં છે, કોર્પોરેશનમાં છે, શિક્ષણમાં છે ... લગભગ બધે જ છે. એ કોઈનો હક મારે છે અથવા તો કોઈનો હક દબાવે છે. ભ્રષ્ટાચાર એ જ એને માટે શિષ્ટાચાર છે. પટાવાળાથી માંડીને પ્રધાન સુધીના ઘણા આમાં આવી જાય. એવું નથી કે આવો ભ્રષ્ટાચાર કરનાર પુરુષ જ છે, ના, એવું નથી. એમાં તો મહિલાઓ પણ હવે પુરુષ સમોવડી થઈ છે.

તાજો જ દાખલો પૂજા સિંઘલનો છે. આ દાખલો જ છે ને તે એક જ નથી. પૂજા સિંઘલ 2000ના બેચનાં આઇ.એ.એસ. છે. તેમની પાસે ઝારખંડ માઇનનું સચિવનું પદ પણ હતું. તેમને ત્યાંથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇ.ડી.) 19 કરોડ રૂપિયા રોકડા ઝડપ્યા છે. આવું કોઈ રાજકીય ઇશારે થયું હોય એમ બને. એમ કહેવાય છે કે કોઈ સત્તાધીશને ખાર ચડે તો તે દરોડા પડાવીને વેર વાળી શકે. આમ તો એની રહેમ નજરથી જ એક આઇ.એ.એસ. આટલે સુધી પહોંચે ને એ નજર બદલાઈ જાય તો છેવટે બદલો જ બાકી રહે. એ જે હોય તે, પણ પૂજા સિંઘલને ત્યાંથી 19 કરોડ રોકડા મળ્યા છે તે હકીકત છે. ઝારખંડ સરકારે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યાં છે. તેમના પતિ અભિષેક ઝાની પણ તેમની સાથે જ ધરપકડ થઈ છે. અભિષેકની ધરપકડ થવાનું કારણ પલ્સ હોસ્પિટલ છે જેમાં પત્ની પૂજા પણ જોડાયેલાં છે. પૂજા પર મનરેગા ભંડોળમાંથી ઉચાપતનો આરોપ છે.

પૂજા સિંઘલની જ વાત કરીએ તો એ ગરીબ નથી. આઇ.એ.એસ. કક્ષાની વ્યક્તિ છે. એ ઉપરાંત પણ બીજા હોદ્દા એમની પાસે હતા. એમના પતિની હોસ્પિટલ છે ને તે પણ ગરીબ નથી. હજારોનો પગાર હશે, છતાં એવી કઇ જરૂર આવી પડી કે કરોડો રૂપિયા ભેગા કરવા પડ્યા તે નથી સમજાતું? ને આ રૂપિયા પગારના તો નથી જ, આ અનેકના હક મારીને થયેલી કમાણી છે. આટલા પૈસા રાજકીય વગ વગર મેળવવાનું મુશ્કેલ છે. એ સાથે જ એમાં કોઈ રાજકારણીનો ટેકો કે હિસ્સો હોય એ પણ શક્ય છે. આવું જ રાજકારણીઓનું પણ છે. લાખેકથી ઓછો પગાર તો ભાગ્યે જ કોઈ રાજકારણીને હશે, છતાં અબજો રૂપિયાના કૌભાંડો એમને નામે ચડે છે. તો પણ એમની હોજરી ભરાતી નથી. અનેકનાં પેટ કાપીને આ લોકો પોતાનું પેટ ભરતાં રહે છે. ગરીબને પેટ જેવું ખાસ હોતું નથી. થાય છે એવું કે ગરીબનું પેટ સરકાર ભરે છે ને સરકારનું પેટ ઉદ્યોગપતિઓ ભરે છે ને ગળે ન ઊતરે એવી વાત એ છે કે ઉદ્યોગપતિઓનું પેટ મધ્યમવર્ગ ભરે છે. મધ્યમવર્ગ મોંઘવારીને નામે અને જુદા જુદા ટેક્સને નામે લૂંટાય છે ને એ બધું પાવડે પાવડે સરકાર પાસે ને અમીરો પાસે જાય છે. મધ્યમવર્ગ ખાવા માટે જ નહીં, ફોલી ખાવા માટે પણ હોય છે.

સાચું તો એ છે કે આ દેશમાં ગરીબો કરતાં અમીરો વધારે ભૂખ્યા છે. એ અમીરોથી ધરાતા નથી, એ ધરાય  છે સરકારી પ્રોજેક્ટસથી, એ પ્રોજેક્ટ્સ મેળવવા અબજો રૂપિયા સરકારના માણસોને ને અધિકારીઓને ધરવા પડે છે ને એ બધો બોજ સાધારણ જનતા પર પડે છે. આ જનતા પણ બહુ ધર્માત્મા નથી જ. તેને બે છેડા ભેગા કરતાં ખૂટે છે તો તે ‘ચાપાણી’ જેટલું પાપ તો કરે જ છે. તેનું પેટ બહુ મોટું નથી. તે નાનીમોટી નોકરીમાંથી ‘કટકી’ કાઢી લે છે. એનો બચાવ ન જ હોય, પણ જે લાખો રૂપિયા કાયદેસર રીતે કમાય છે તે કેમ કરોડો મારીને ય ધરાતા નથી, એ વીંધી નાખતો પ્રશ્ન છે. એક માણસને એકંદરે સારી રીતે જીવવા કેટલા રૂપિયા જોઈએ? રામના કેટલા જોઈએ ને હરામના કેટલા જોઈએ? એટલા ભેગા કર્યા પછી પણ આ લોકો ધરાતા નથી, કેમ? કુલ કેટલી પેઢીઓને હરામનું ખવડાવવું છે? આટલું ભેગું કર્યાં પછી પણ હજી વધુ ભેગું કરનારને તે શું કહેવું? એ લોકો ખાય છે તો અનાજ જ ! એ લગડી કે હીરા નથી ખાતાં. આટલા અબજો રૂપિયા છતાં એ ધરાતા નથી. સાથે રૂપિયો ય આવવાનો નથી, તો કોને માટે ભેગું થાય છે આ બધું? એ પેઢી માટે જે પોતાનું કમાઈ શકે એમ છે? માન્યું કે એમને માટે થોડું ભેગું થાય, પણ કેટલું? એટલું તો ન થાય ને કે એ પેઢી હરામનું ખાઈને જ મોટી થાય? એ તો જુઓ કે એ શું ઈચ્છે છે? એને બગાડવાની જવાબદારી પણ આ અમીરો શું કામ લેતા હશે, તે નથી ખબર ! બાપને પૈસે કેવળ અનાચાર જ કરે એટલી સગવડ ઊભી કરવાની જરૂર ખરી? હશે, થોડા એવા પણ હશે જે કશુંક સારું પણ કરતા જ હશે, પણ એવા કેટલા?

એની સામે એક સીધો સાદો વર્ગ છે, જે મહેનત મજૂરી કરીને કે નાની મોટી નોકરીઓ કરીને ઈમાનદારીથી, સચ્ચાઈથી, કોઈ આદર્શથી જીવવા માંગે છે. એને માટે આ ધરતી પર જગ્યા છે? એક માણસ સાચો છે ને તે સાચી રીતે રહેવા માંગે છે, તે કોઈને કનડવા માંગતો નથી. એને ક્યાંકથી કોઈ દાખલો કે પ્રમાણપત્ર જોઈએ છે, એ કાગળિયાં લેવાનું એને માટે સરળ છે? કોઈ પણ ઓફિસમાં એ જાય છે તો તેને તોડી ખાવા કેટલાં બધાં ગીધડાં તૈયાર બેઠાં હોય છે ! એ એટલો પૈસાદાર નથી કે આ બધાંનાં પેટ ભરી શકે ને એને નડતો સૌથી મોટો સવાલ એ છે કે એક નાનું સરખું કામ એણે કરાવવું છે ને જે કરે છે તેની એ ફરજમાં આવે છે, તો તેને માટે લાંચ તેણે શું કામ આપવાની? જો એ પૈસા નથી આપતો તો એને એટલા ધક્કા ખવડાવાય છે કે પેલી લાંચ તેને નાની લાગે, પણ એને પેલો સચ્ચાઈનો કીડો વળગેલો છે એટલે એ તો પૈસા નહીં જ આપે, તો એની હેરાનગતિ એટલી થાય છે કે એ આત્મહત્યા સુધી પહોંચી શકે. એક નાનું કામ કરાવવા માટે એક સાચા માણસે જીવ આપવો પડે એ બરાબર છે? કામ ખોટું હોય કે ખરું, પૈસા મોંએ નાખ્યા સિવાય કામ ન થાય એવી ઓફિસો હાથવગી છે. એક માણસ ઓફિસમાં આવે છે તો તેને ચારે બાજુથી આખી ઓફિસ ચાંચ મારી લેવા તત્પર હોય છે.

એના ઉપરી અધિકારીઓ તો નાનીમોટી રકમમાં પડતા જ નથી, એમની હોજરી વેપારીઓ, ઉદ્યોગપતિઓ કરોડોમાં ભરી આપે છે ને એના બદલામાં ક્યાંક કાચી ઇમારત બંધાય છે, ક્યાંક નબળો પુલ બને છે, ક્યાંક તરત જ બાંધવી પડે એવી સડકો બંધાય છે, ક્યાંક બેન્કો સૂઈ જાય એવું ધીરાણ થાય છે, કોઈ કરોડોમાં બેંકને નવડાવીને વિદેશ ભાગી જાય છે ને બીજી તરફ પગલાં લેવાયાં જ કરે છે ને કોઈનો વાળ પણ વાંકો થતો નથી. કોઈ કરોડોમાં ઉઠમણું કરીને અનેકને રડાવી જાય છે. એમ લાગે છે કે આખો દેશ ખાઈ જવાય એવી શક્તિવાળો એક ભયંકર રાક્ષસ દેશમાં ફરે છે ને તેનામાં પણ નાના મોટા રાક્ષસો છે. પેલો પ્રચંડ રાક્ષસ બેન્ક ખાય છે, પુલ ખાય છે, ખાણ ખાય છે, સ્કૂલો ખાય છે, કોન્ટ્રાક્ટ ખાય છે ને એનામાં રહેલા નાના નાના રાક્ષસો કોઈ મજૂરને ખાય છે, કોઈ માસ્તરને ખાય છે, કોઈ વિધવાને ખાય છે, કોઈ સિનિયર સિટીઝનને ખાય છે ... બધાં જ ખાય છે ને બધાં જ ભૂખ્યાં છે. એ ધરાતાં જ નથી. આખી પૃથ્વી ઓરી દો તો પણ તેમની ભૂખ મટતી નથી. આવામાં કોઈ એક સાધારણ માણસ તેની સચ્ચાઈથી જીવવા માંગે તો તે જીવે એટલી ભૂખ રાક્ષસની બાકી રહે કે કેમ? પ્રશ્ન એ છે.

000

e.mail : [email protected]

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 મે 2022

Category :- Opinion / Opinion