OPINION ONLINE

વા ફોટા જોઈને કાં’થી યાદ આવે એ પાણીડાંનાં ગીતો?
કે આજ અમે પાણીડે ગ્યા’તાં સઈઅર મોરી ને જોયો સાયબો!
લખાઈ જાય છે જનમથી જ છઠ્ઠીના લેખમાં
કે મેલ કરવત પાણીડાં ને પાણીડાં!
કાં’તો નાનકાં ભઈલાને હાચવો કે નાનકી બેનડીને,
કાં’તો ઈંધણાં વીણવા જાવ ને કાં’તા પાણીડે !
ને કાં’તો દાદા-દાદીને દવાખાને લેઈ જાવ.
આ પીંછાટિયાએ કોઈ ’દિ તેલ ભાળ્યું નથી.
ને નવાં કપડાં કોને કે’વાય તે જાણે મારી બલારાત!
તમે માનો કે એખલો બાપો જ છાંટોપાણી કરે ને
માઈ કોરી રે’ય?
અરે, મારો એ બાપ માઈ છાંટોપાણી કરે ને
તો જ છોડે ની’ તો એને હારી પેઠે ઢીબે
ને હું વાત કરું?
દાદા-દાદી નિરાંતે જુએ પણ અરફ ની’કાડે.
એક દા’ડો નિહારે ગેઈલી,
બાજુવારી લેઈ ગયેલી ને પછી થોડા દાડા વધારે ગેઈ
ને લખતાંવાચતાં હીખી,
નિહારમાં નિબંધ લખવા કે’યું કે
તમારી દિનચર્યા લખો -
ને મેં તો આ બધું લઈખું
એટલે મે’તી તો રડવા લાગી!
પૂછે કે તું હાચ્ચે ઘેરે આટલું કામ કરે કે?
મેં કેયું કે ની’ કરું ને તો માઈબાપને ઢીબેડી કાઢતા વાર ની’ લાગે.
પણ લઈખું તે હારું કયરું, મે’તીને ખબર પડી એટલે
માઈ નિહાર ની’ મોકલતી ઉતી તે મે’તીએ હમજાવી એટલે
મને નિહાર જવાનું મલતું છે
ને  હા......સ
કે એટલે વાર તો છૂટી એ ઘરથી.
જો કે નિહારમાં બી’ બધું કાંઈ હારું ની’મલે!
અમારી પાહે જ નિહારમાં કચરા વરાવે
ને સંડાસ બી’ સાફ કરાવે!
એમ કે’ય રે સ્વાવલંબન ને આત્મનિર્ભરતા!
આટલા ભારીન શબ્દમાં હમજ તો ની’ પડે
પણ મે’તી કે’ય કે ૨૦૨૦નો
નારો છે કે આક્મનિરભર બનો એટલે.......
બનવાનું!
તિયારે તો થાય કે જો બધે હરખું જ ઓય તો
હારું કાં ઓહે?

૮/૭/૨૦૨૦.

[આ તસવીર સૌમ્યા દ્વારા લેવાયેલી છે, એવું તસવીરમાં દેખાય છે તે જાણ ખાતર.]

Category :- Opinion / Photo Stories

નાગરિકતા કે વીઝા જે તે દેશની આંતરિક બાબત છે. પરંતુ મિત્ર દેશો પર તેની પ્રતિકૂળ અસર પડનારી હોય તેવી નેપાળની નાગરિકતા અને અમેરિકાના કાર્યવીઝાની બાબતે પુનર્વિચારની આવશ્યકતા છે.

ભારતને અડીને આવેલા પાડોશી દેશ નેપાળની સામ્યવાદી સરકારે તેના નાગરિકતા કાયદામાં સુધારો કર્યો છે. સુદૂર વસેલા મિત્ર દેશ અમેરિકાની સરકારે એચ-૧ બી અને અન્ય કાર્ય વીઝા આ વરસના અંત સુધી સ્થગિત કરી દીધા છે. આ બંને નિર્ણયો ભારત પર અસર કરનારા છે.

નેપાળના બંધારણના અનુચ્છેદ ૧૧(૬)માં લગ્નથી નાગરિકતાની જોગવાઈ છે. નેપાળના ૨૦૦૬ના નાગરિકતા કાયદામાં ૨૦૧૫માં કરેલા સુધારા પછી તાજેતરમાં મહત્ત્વનો સુધારો થવાનો છે. અત્યાર સુધી નેપાળી પુરુષ સાથે લગ્ન કરનારી વિદેશી સ્ત્રીને તે મૂળ દેશની નાગરિકતા પરત કરે કે તરત જ નેપાળની નાગરિકતા આપવામાં આવતી હતી. પરંતુ હવે સરકાર નાગરિકતા કાયદામાં સુધારો કરીને નેપાળી પુરુષ સાથે લગ્ન કરનારી વિદેશી સ્ત્રીઓને દુનિયાના અન્ય દેશોની જેમ સાત વરસ બાદ નેપાળની નાગરિકતા અપાશે. ભારતના કાલપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા એ ત્રણ સ્થળોને પોતાના દેશના નકશામાં દર્શાવતો બંધારણ સુધારો કર્યા બાદ નેપાળનો નાગરિકતા કાયદામાં સુધારાનો આ નિર્ણય ભારતને પરેશાન કરનારો છે.

નેપાળ અને ભારત વચ્ચે સદીઓથી રોટીબેટીના વ્યવહારો ચાલે છે. સીમાવર્તી રાજ્યો બિહાર, ઉત્તરપ્રદેશ ,ઉત્તરાખંડના લોકોના નેપાળ સાથે આપસી અને આંતરદેશીય લગ્નોના સંબંધો છે. નેપાળના તરાઈ કે જમીની પ્રદેશોમાં દર ચોથા નેપાળી ઘરે એક ભારતીય મહિલા લગ્નથી જોડાયેલી જોવા મળે છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ અને બીજે નેપાળીઓ મોટી સંખ્યામાં આવીને વસ્યા છે. બંને દેશો વચ્ચે સામાજિક, ધાર્મિક, ભાષાઈ, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો છે. ભારત અને નેપાળ વચ્ચે ખુલ્લી અને મિત્રવત સીમાએથી બંને દેશોના નાગરિકો વિના રોકટોક અવરજવર કરતા રહે છે. આપસી સોહાર્દ અને સામાજિક-સાંસ્કૃતિક તાણાવાણા આટલા ગાઢ હોય ત્યારે નાગરિકતા કાયદામાં સુધારો નેપાળમાં લગ્ન કરનાર ભારતીય સ્ત્રીઓના નાગરિક અધિકારો છીનવી લેશે.

ભારતના ત્રણ સ્થળોને નેપાળનો ભાગ ગણાવતો બંધારણ સુધારો નેપાળની સંસદે લગભગ સર્વાનુમતિએ પસાર કર્યો છે. પરંતુ નાગરિકતા કાયદામાં સુધારાનો વિરોધ નેપાળના વિપક્ષો અને તરાઈમાં વસેલા ભારતીય મૂળના મધેશી લોકો કરી રહ્યા છે. સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના મેદાની પ્રદેશના સમર્થકો અને સાંસદો ઉપરાંત નેપાળી કાઁગ્રેસ અને જનતા સમાજવાદી પાર્ટી જેવા વિપક્ષો પણ વિરોધમાં છે. ભારતમાં પણ લગ્ન કરનાર વિદેશી સ્ત્રીઓને સાત વરસ બાદ નાગરિકતા આપવામાં આવે છે, એટલે નેપાળનો નાગરિકતા કાયદા સુધારો ભારતીય કાયદાને અનુરૂપ છે એમ નેપાળના સત્તાપક્ષનું કહેવું છે. પરંતુ ભારતનો નાગરિકતા કાયદો નેપાળની બાબતમાં આ નિયમમાં અપવાદ કરે છે તે હકીકત ભૂલાવી દેવાય છે. આ સુધારો મહિલાઓના નાગરિક હકોનું ઉલ્લંઘન કરે છે અને બંને દેશોના લોકોની ભાવનાઓ પર અસર કરે છે

મોદીમિત્ર અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧ બી અને બીજા વીઝા સ્થગિત કરીને સામી ચૂંટણીએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. અમેરિકામાં જે પ્રતિભાની ખોટ હોય તે પૂરી કરવા એચ-૧બી અને બીજા બિન પ્રવાસી કાર્યવીઝા આપવામાં આવે છે. ચાર વરસ પૂર્વે અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પનો ચૂંટણી નારો ‘અમેરિકી ફસ્ટ’નો હતો. પરંતુ બીજી ટર્મ માટે ચૂંટણી લડી રહેલા ટ્રમ્પના ખાતે ખાસ મોટી ઉપલબ્ધિઓ નથી. તેમની લોકપ્રિયતા પણ ઘટી રહી છે ત્યારે તેમણે કોરોનાકાળમાં વધેલી બેરોજગારીનો ઉપાય એચ-૧બી વીઝા રોકવામાં જોયો છે. ૨૪મી જૂનથી અમલી બનેલા આ નિર્ણય અંગે વ્હાઈટ હાઉસનું સત્તાવાર બયાન કહે છે કે, ‘અમેરિકા યોગ્યતા આધારિત ઈમીગ્રેશન પોલિસી તરફ આગળ વધી રહ્યું છે. આ નિર્ણય અધિક કુશળ લોકોને પ્રાથમિકતા અને અમેરિકી નાગરિકોને નોકરીઓમાં સુરક્ષા આપશે.’

વિદેશોની ઉત્કૃષ્ઠ પ્રતિભાઓને આકર્ષિત કરવા એચ-૧બી વીઝા આપવામાં આવે છે. આ વીઝા અમેરિકી કંપનીઓને વિદેશી પ્રતિભાઓને નિયુક્ત કરવાની અનુમતિ આપે છે. ત્રણ વરસ માટેના એચ-૧બી વીઝા છ વરસ સુધી લંબાવી શકાય છે. આ વીઝા પતિપત્ની અને બાળકો માટેના હોય છે અને આ વીઝાધારક પાંચ વરસે અમેરિકામાં કાયમી વસવાટ માટે અરજી કરી શકે છે. એટલે ભારત સહિતના વિદેશીઓ માટે તેનું ખૂબ મહત્ત્વ છે. વાર્ષિક ૮૫,૦૦૦ એચ-૧બી વીઝા માટે એટલા બધા લોકોની માંગણી હોય છે કે દર વરસે તે લોટરીથી ફાળવવામાં આવે છે. ગતવરસે ત્રણગણા લોકોએ અરજી કરી હતી. મુખ્યત્વ ભારતીય આઈ.ટી. ક્ષેત્રના વ્યવસાયિકોની અમેરિકામાં ભારે માંગ હોય છે. અમેરિકામાં વરસે ૭૦ ટકા ભારતીયોને એચ-૧બી વીઝા ફાળવવામાં આવે છે. આજના અમેરિકાના પ્રત્યેક ચાર એચ-૧બી વીઝાધારકમાં ત્રણ ભારતીય છે. એટલે અમેરિકામાં કાયમી વસવાટ અને બહેતર જીવનની તલાશ કરતા ભારતીયો માટે  ટ્રમ્પનો નિર્ણય ભારે નિરાશા જન્માવનારો છે.

એચ-૧બી વીઝાનો અમેરિકીઓ વિરોધ કરતા હોય છે તેનાં વાજબી કારણો પણ છે. પ્રતિભાની ખોટના નામે કંપનીઓ ઓછા પગારે, દેશમાં હયાત પ્રતિભાની અવગણના કરીને, વિદેશીઓને નોકરીઓએ રાખે, તેનો વિરોધ છે. અમેરિકા વસવાના આ આસાન રસ્તાને કારણે  વિદેશીઓ ઓછા પગારની નોકરીઓ સ્વીકારે છે અને સ્થાનિક લોકોને બેકાર બનવું પડે છે. હાલના નિર્ણયથી ૫.૨૫ લાખ અમેરિકીઓને નોકરી મળશે એવો ટ્રમ્પ શાસનનો દાવો છે. તેનાથી ૧૯૪૦ પછી દેશમાં પ્રવર્તતી ભારે બેરોજગારી થોડી હળવી થશે. પ્રેસિડન્ટ ટ્રમ્પનો આ નિર્ણય આર્થિક કરતાં રાજકીય વધારે છે. તે ચૂંટણીમાં ફાયદા માટે લેવાયો છે. પરંતુ અમેરિકી કંપનીઓએ જ તેનો વિરોધ કર્યો છે. વીઝા મોકૂફીનો આ નિર્ણય અમેરિકી અર્થતંત્રને નબળું પાડશે અને આર્થિક સુધારની પ્રક્રિયાને અસર કરશે તેમ નિષ્ણાતોનું માનવું છે. આ નિર્ણય માત્ર છ મહિના માટે જ છે એટલે તે ભારતીયો પર ખાસ બૂરી અસર નહીં કરે, એવું આશ્વાસન લેવાય છે. પણ જેમ  એચ-૧બી વીઝાની સંખ્યા ઘટાડી છે તેમ મોકૂફીનો નિર્ણય પણ લંબાવી શકાય છે. આ નિર્ણયથી ૨,૨૦,૦૦૦ કુશળ વિદેશી કામદારો અમેરિકા જઈ શકશે નહીં તેવું અનુમાન છે. કોરોનાને કારણે જ્યારે વિદેશયાત્રાઓ બંધ છે અને તમામ વીઝાપ્રક્રિયા સ્થગિત છે ત્યારે વિદેશીઓ પર તેની બહુ અસર પડશે નહીં તેમ પણ કહેવાય છે.

નેપાળનો નાગરિકતા કાયદો કે અમેરિકાની વીઝાનીતિ જે તે દેશની આંતરિક બાબતો છે પરંતુ તે નજીકના મિત્રદેશોને અસર કરનારી હોય તો તે વિશે ગંભીરતાથી પુનર્વિચાર કરવો જોઈએ.

e.mail : [email protected]

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 08 જુલાઈ 2020

Category :- Opinion / Opinion