OPINION ONLINE

વિવેચન કરવાનો અધિકાર કોનો? (1)

ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે. મારા ઘરે ગુજરાતી સાહિત્યનાં એક અધ્યાપકબહેન આવેલાં. અલકમલકની વાતો ચાલેલી. મને એકાએક કહેવા લાગ્યાં : સુમનભાઈ, તમે નામાંકિત સાહિત્યકાર છો, મારાથી વિવેચક થવાય? મારે થવું છે, શું કરવું જોઈએ? મેં કહ્યું : હું પોતે હજી વિવેચન શીખી રહ્યો છું, તમને શું કહી શકું? : થોડું પણ કહો : મેં કહેલું કે મને જેટલું આવડે છે એને આધારે બે વાત કરું. પછી મેં એમને જે કંઈ કહ્યું હશે તે બધું અત્યારે યાદ નથી.

પણ અમારી વાતોનો સારરૂપ મુ્દ્દો એ હતો કે - વિવેચકપદવાંચ્છુએ શું કરવું જોઇએ.

વિવેચક શી રીતે થવાય. વિવેચન કોણ કરી શકે. ટૂંકમાં, વિવેચન કરવાનો અધિકાર કોનો?

એ બહેન વિવેચક ન થયાં, કાવ્યો કરે છે, વિભાગીય અધ્યક્ષ થયાં, હવે કદાચ નિવૃત્ત છે. હું નમ્રતાપૂર્વક કહું કે વ્યક્તિ અધ્યક્ષ હોય કે પ્રમુખ, મહેનતુ વિદ્યાર્થી હોય કે સાહિત્યનો કોઈ અઠંગ વાચક, સામયિકનો દુરારાધ્ય અથવા પરમ સરળ તન્ત્રી હોય કે સમ્પાદક, વિવેચન ન કરી શકે.

મારે વિવેચક થવું છે .... I want to be a critic ...  

Pic courtesy : Reedsy

એ ત્રીસ વર્ષના મારા વિદ્યાવ્યાસંગને પ્રતાપે મારું મન્તવ્ય બંધાયું છે કે એ જ અધ્યક્ષ, એ જ પ્રમુખ, એ જ વિદ્યાર્થી, એ જ વાચક, એ જ તન્ત્રી કે સમ્પાદક વિવેચન જરૂર કરી શકે, કરી શકે અને કરી જ શકે - જો એની પાસે નીચે દર્શાવેલી ૧૧ વસ્તુઓ હોય :

૧ :

ધારો કે એ ચન્દ્રકાન્ત બક્ષીકૃત ‘આકાર’ નવલકથાનું વિવેચન કરવા ચાહે છે. સૌ પહેલાં એણે એ કૃતિનું શબ્દ શબ્દમાં વાચન કર્યું હોવું જોઈશે - જેને સઘન વાચન, નિકટવર્તી વાચન કે ક્લોઝ રીડિન્ગ કહેવાય છે. એવું વાચન ભાવનમાં પરિણમે અને કૃતિનો રસાનુભવ કે કલાનુભવ શક્ય બને. રસાનુભવ વિવેચનની પૂર્વશરત છે.

નવલકથા કેટલી મોટી છે, બધું ક્યારે વાંચી રહીશ, એવા મનોભાવથી ઉપર ઉપરથી જોઈ જાય કે ગગડાવી જાય, તે ન ચાલે.

‘આકાર’ વિશે બીજા વિવેચકે લખેલું વિવેચન વાંચીને પોતાનું ઠઠાડી કાઢે, તે પણ ન ચાલે.

૨ :

એની પાસે બક્ષીની અન્ય નવલકથાઓનો ઠીક ઠીક પરિચય હોવો જોઈશે. ‘અન્ય’-નો અર્થ એ કે ‘આકાર’ પૂર્વેની અને તે પછીની.

૩ :

એને નવલકથાના સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિની પાકી સૈદ્ધાન્તિક જાણ હોવી જોઈશે. એ પણ ખરું કે એને લઘુનવલ કે મહાનવલના સિદ્ધાન્તોની પણ જાણ હોવી જોઈશે. એ સાહિત્યવિશ્વના ત્રણ મુખ્ય ઉપખણ્ડ અને તેમની વચ્ચેના ભેદ જાણતો હોવો જોઈશે - ડ્રામેટિક પોએટ્રી - નૅરેટિવ પોએટ્રી - લિરિકલ પોએટ્રી. ‘પોએટ્રી’-નો અહીં અર્થ લેવાનો છે, સાહિત્ય. 

૪ :

એની પાસે વિશ્વ-નવલકથાના ઇતિહાસની આછીપાતળી પણ ઐતિહાસિક રૂપરેખા હોય, તો સારું થશે.

પરન્તુ એની પાસે ગુજરાતી સાહિત્યના સમગ્ર ઇતિહાસનું અને ગુજરાતી નવલકથાના વિશિષ્ટ ઇતિહાસનું સાદ્યન્ત જ્ઞાન નહીં હોય, તે નહીં જ ચાલે. એને ખબર પડવી જોઈશે કે બક્ષી પૂર્વે ગુજરાતી નવલકથા કેવા સ્વરૂપે હતી, એટલું જ નહીં, એને એ પણ ખબર હોવી જોઈશે કે બક્ષી પછી ગુજરાતી નવલકથા કેવા સ્વરૂપે બદલાઈ હતી.

૫ :

કથાસાર આપી દેવો કે ઘટનાઓની અને પાત્રોની પરિસ્થતિઓની પોતાના શબ્દોમાં વાતો લખી નાખવી, તે વિવેચન નથી.

નવલકથા એક સર્જન કહેવાય. એમાં બધું સરસ રીતે ગૂંથાયું હોય. વિવેચન કરનારને એ આખી ગૂંથણી ઉકેલતાં આવડવું જોઈશે. ઉકેલાયું હોય એટલે મહત્ત્વના એકમો એના ધ્યાનમાં આવ્યા હોય. એ એકમો એકમેકને શી રીતે પ્રભાવિત કરે છે એ બધું એ સરસ રીતે કહી શકવો જોઈશે.

યાદ રાખો કે સર્જન સંશ્લેષણ છે, વિવેચન વિશ્લેષણ છે. યાદ એ પણ રાખો કે સર્જન કાળજીભર્યું સંશ્લેષણ છે, વિવેચન પણ કાળજીભર્યું વિશ્લેષણ છે.

વિવેચકે કૃતિ નામના પંખીનાં પીછાં જોવાનાં ને તપાસવાનાં જરૂર પણ યાદ એ રાખવાનું કે એણે એવી ફૅંદાફૅંદી નથી કરવાની કે પંખી બચારું મરી જાય !

૬ :

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, રસમીમાંસા, પ્લેટો-ઍરિસ્ટોટલથી માંડીને ટી.ઍસ. એલિયટ અને ‘નવ્ય વિવેચન’ લગીની પશ્ચિમની સાહિત્યમીમાંસાનો - બન્ને પરમ્પરાઓનો - એ અભ્યાસુ હોવો જોઈશે. કેમ કે એ સમૃદ્ધ પરમ્પરાઓએ જ વિવેચનપદાર્થને વિધ વિધે ઓળખાવ્યો છે. વિવેચકપદવાંચ્છુની એ પ્રાથમિક શાળાઓ છે.

૭ :

એણે પોતાની ભાષાના નીવડેલા વિવેચકોને વાંચ્યા હોવા જોઈશે. એણે વિશ્વખ્યાત વિવેચકોને વાંચ્યા હોય તો ઉપકાર થશે.

૮ :

એની પાસે વિવેચનને માટેના શબ્દોનું ભંડોળ હોવું જોઈશે. એ ભંડોળ અથવા વૉકેબ્યુલરી સામાન્યપણે બે પ્રકારની છે : મૅટાફોરિકલ અને મૅથડોલૉજિકલ. નવલકથાની ચર્ચા કરતી વખતે ‘જન્મ’ ‘ઉછેર’ ‘વિકાસ’ ‘નાભિશ્વાસ’ ‘મરણ’ જેવા શબ્દો પ્રયોજીએ છીએ, તે મૅટાફોરિકલ. મૅથડોલૉજિકલ આપણે ત્યાં ખાસ વિકસી નથી, છતાં, આપણે કથાવસ્તુની સંરચના, તેનું સ્થાપત્ય, તેનું શિલ્પ એમ જાણ્યે-અજાણ્યે પ્રયોજીએ છીએ ખરા.

૯ :

એણે સાહિત્યવિવેચનની પરિભાષામાં લખવું જોઈશે. પારિભાષિક સંજ્ઞાઓ દૂધમાં સાકર ભળે એમ એના લેખનમાં ભળીને એકરસ થઈ ગઈ હોય તો ખૂબ આવકાર્ય ગણાશે. પણ પરિભાષા વિનાનું લેખન નિ:સામાન્ય હોય છે, એની એણે ફૉમ રહેવી જોઇશે.

૧૦ :

એના લેખનમાં ગુજરાતી ભાષાની જોડણી સચવાઈ હોય, વાક્યરચનાઓમાં પસંદગી-ધરી અને અન્વય-ધરીનું સામંજસ્ય હોય, વાક્યો વાક્યતન્ત્રનું માન રાખતાં હોય, શબ્દો શબ્દાર્થશાસ્ત્ર અનુસારના હોય, એ બધી અનિવાર્યતા છે. એ કોઈ ગુજરાતી જાણતો સામાન્ય નાગરિક નથી કે જેમતેમ લખી પાડે તે નભી જાય.

વિવેચકો પ્રત્યક્ષપણે સાહિત્યકલાના અને પરોક્ષપણે પોતાની માતૃભાષાના રખેવાળ હોય છે.

૧૧ :

એના એ મહત્ત્વાકાંક્ષી લેખનમાં ચાર વાનાં વરતાવાં જોઈશે : વર્ણન, અર્થઘટન, સમજૂતી અને મૂલ્યાંકન. એથી એના લેખનને વિવેચનનનો માભો મળશે. એકલું વર્ણન કે એકલી સમજૂતી, વિવેચન નથી. માત્ર અર્થઘટન કે માત્ર મૂલ્યાંકન તો, શક્ય જ નથી. આ ચારેય વાનાં લેખનમાં ક્રમે ક્રમે દેખા દે છે. ક્યારેક એકાદ દીર્ઘ ફકરામાં ચારેય સમ્મિલિત પણ જોવા મળે છે.

આ ૧૧ વસ્તુઓ નવલકથા ઉપરાન્ત, પ્રકાર અનુસાર, કવિતા ટૂંકીવાર્તા નિબન્ધ નાટક વગેરે બધા જ સાહિત્યપ્રકારોને લાગુ પડે છે.

આ ૧૧ વસ્તુઓ પાયાની છે. વિવેચનની ઇમારત એ પર ઊભી હોય છે. છતાં, અપવાદ રૂપે કશાકમાં લગીર છૂટછાટ લેવાઇ હોય, તો ચાલી શકે છે. પણ એટલી મોટી છૂટ નહીં લઈ શકાય કે ઇમારત વિકસે એ પહેલાં જ ધબૂસ થઈ જાય.

તાત્પર્ય, વિવેચકપદવાંચ્છુએ આ ૧૧ વસ્તુઓના આગ્રહી બનવું. જાત જોડે રાખેલો એ આગ્રહ એના અધિકારને દૃઢથી સુદઢ કરશે.  

= = =

(October 8, 2021: USA)

સૂચના :

1. આ FB પેજ પર રજૂ થતાં મારાં કાવ્યો, અનુવાદો કે લેખો કૉપિરાઇટથી રક્ષિત છે, તેની સૌએ નૉંધ લેવી. પોતાનું નામ જાહેર કર્યા વિના આમાંનું કશું પણ Share કરનાર સામે યોગ્ય કારવાઈ કરાશે.

2. સૂચના : આ લેખમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે, તેની મિત્રો નૉંધ લેશે.

Category :- Opinion / Literature

એક તરફ સત્તાશીલ રાજકારણમાં પ્રવેશવાને વડા પ્રધાનને બે દાયકા થયા છે ને એનું ઉજવણું ચાલી રહ્યું છે તો ઉત્તર પ્રદેશનાં લખીમપુરમાં 8 જીવો અકુદરતી રીતે ગયાં એનું ઉઠમણું ચાલે છે.

કોણ જાણે કેમ, પણ ચૂંટણીઓ આવે છે તેમ તેમ લોકશાહીને લોહીનો નશો ચડે છે. લોકશાહીમાં ચૂંટણી લોહિયાળ થવાની હવે નવાઈ નથી. ચૂંટણીનો ઉદ્દેશ તો લોહી રેડવાનો ન જ હોય, પણ સત્તા હાંસલ કરવાનો એ માર્ગ છે અને સત્તા હવે સંપત્તિનું વરદાન લઈને આવે છે એટલે સત્તાવાંછુંઓ કોઈ પણ રીતે ચૂંટણી જીતવા મરી ફીટે છે. બે પક્ષો પડી જાય છે. જે સત્તામાં છે તે કોઈ પણ રીતે સત્તા ટકાવી રાખવા ચૂંટણી લડે છે ને જે સત્તામાં નથી તે કોઈ પણ ભોગે સત્તામાં આવવા ચૂંટણી લડે છે. એમાં સેવા ગૌણ છે ને સત્તા કેન્દ્રમાં છે. આમ બધું શાંતિપૂર્ણ અને અહિંસક રીતે ચાલવાનો દાવો થતો રહે છે, પણ પરિણામ ઘણુંખરું અશાંતિપૂર્ણ અને હિંસક આવતું હોય છે. પરિણામ કેવું લાવવું એ પ્રજાના હાથમાં છે, એવું કહેવાય છે, પણ સત્તા ને રાજકીય પરિબળોની કોઈ ભૂમિકા ન હોય એવું ઓછું જ બને છે. આ બધું પ્રજાને નામે ને પ્રજાના હિતમાં થતું હોવાનું કહેવાય છે, પણ જાણનારા જાણે છે કે પ્રજાનું મૂલ્ય મતદાનની સાથે જ પૂરું થઈ જતું હોય છે.

એમ પણ લાગે છે કે હાલની લોકશાહી નબળા વિપક્ષ પર નિર્ભર છે. આગળ જતાં વિપક્ષ જ ન રહે એમ બને. વિપક્ષ વધુ નબળો પડે એ રીતે, પૈસા વેરીને તોડાય તો વિરોધ જ ન રહે એમ બને. આવનારાં વર્ષોમાં વિશ્વને વિપક્ષ વિનાની લોકશાહીનું ઉદાહરણ ભારત પૂરું પાડે તો નવાઈ નહીં. લોકશાહીના ચાહકોએ છેલ્લાં થોડાં વર્ષોના અનુભવ પરથી એ શીખવાની જરૂર છે કે કોઈ પણ પક્ષને પ્રચંડ બહુમતી ન આપવી. પ્રજાએ કાઁગ્રેસના અને ભા.જ.પ.ના કિસ્સામાં એ અનુભવ્યું છે કે કોઈ પણ પક્ષને પ્રચંડ બહુમતી મળે છે તો તે ફાટીને ધુમાડે જાય છે. એ કાઁગ્રેસનાં મામલામાં સાચું છે એટલું જ ભા.જ.પ.ના મામલામાં પણ સાચું છે. પ્રજાએ એ પણ ધ્યાને લેવાનું રહે છે કે મિશ્ર સરકાર કે ભાગીદારી સરકાર પણ ખાસ સફળ રહેતી નથી. એ મોટે ભાગે તૂટે છે ને એ જ ચૂંટણીનાં તાયફાઓની તક ફરી ઊભી કરે છે. જો કે, કેવી સરકાર બનશે એ દરેક વખતે પ્રજાના હાથમાં હોતું નથી, પણ સરકારો ચોંકેલી કે સાવધ રાખવી હોય તો મતદાન ખોબલે ખોબલે કરીને પણ, એ સ્થિતિ ઊભી રાખવી કે કોઈ પણ પક્ષ પ્રચંડ બહુમતીનો ભોગ ન બને. જો એ ભોગ બનશે તો પ્રજાનો ભોગ લેશે એ નક્કી છે.

કોઈ પણ પક્ષને પ્રચંડ બહુમતી મળે છે તો શરૂઆતમાં પ્રજાપ્રિય થવાના પ્રયત્નો સત્તાધીશો કરતા હોય છે. જ્યારે એમ લાગે કે પ્રજા પૂરેપૂરી કાબૂમાં છે તો મગમાંથી પગ નીકળવા માંડે છે. કોઈ પૂછનાર નથી એવું લાગે છે તો મોંઘવારી વધવા માંડે છે. ઉદ્યોગપતિઓએ ચૂંટણી જીતવા આપેલું ફંડ વસૂલવાનો સમય આવે છે. ગેસ, પેટ્રોલ, તેલ, કઠોળ, દૂધ ... ને એમ બધું જ મોંઘું થવા માંડે છે. આ બધું ક્યાં સુધી મોંઘું થશે એવું પણ કોઈ પૂછનાર રહેતું ન હોય તો કોઈ પણ સરકાર મનમાની કરે એમાં એનો વાંક કાઢી ન શકાય. એવું એ ન કરે તો મૂરખ ગણાય. સરકારનો અત્યારનો સમય મનમાની કરવાનો છે. આવું હોય તો સરકાર કે સત્તાધારી પક્ષ બહુ જ લોભી થઈ જાય છે. ક્યાંક પણ પક્ષને કે સરકારને પોતાની લોકપ્રિયતામાં ગાબડું પડતું લાગે છે તો મરવા જેવી ફાળ પડે છે. જે પણ પગલાં ભરાય છે એમાં બધું મોટું મોટું પોતાને નામે ચડાવીને ઘણું બધું વિકસ્યું હોવાનું ચિત્ર ઉપસાવાય છે ને કોઈ પણ સ્થિતિમાં પ્રજા દર્શન કરતી બંધ ન થાય એ માટે દેખાડાઓ ચાલુ રખાય છે. દુનિયામાં ને દેશમાં સર્વત્ર પોતાનું વર્ચસ્વ રહે એ માટેના પ્રયત્નો કરવામાં સરકાર કે પક્ષ કોઈ કસર છોડતાં નથી. એમાં ક્યાં ય, કોઈ કાંગરો પણ ખેરવે છે તો કોઈ પણ પગલું લેતાં પક્ષને કે સરકારને જરા જેટલો પણ સંકોચ થતો નથી.

ગયા નવેમ્બરમાં કેન્દ્ર સરકાર ત્રણ કિસાન કાનૂન લાવી જેનો ખેડૂતોને વાંધો પડ્યો ને એમણે એ કાનૂન રદ્દ કરવા આંદોલન ઉપાડયું. એ નિમિત્તે હિંસા, તોડફોડ પણ થઈ. આ કાયદા ઘડતી વખતે જેને માટે કાયદા ઘડાયા તેમને વિશ્વાસમાં લેવાનું સરકારે મુનાસિબ ન માન્યું. ખેડૂતોને લાગે છે કે આ કાયદા ઉદ્યોગપતિઓના હિતમાં ઘડાયા છે ને એમાં ખેડૂતને ગુલામી સિવાય કૈં હાથમાં આવે એમ નથી. ખેડૂતો વાત કરવા તૈયાર છે ને સરકાર પણ વાત કરવા તૈયાર છે, પણ વાત એટલે થતી નથી, કારણ સરકાર કાયદા રદ્દ કરવા તૈયાર નથી ને ખેડૂતો તે રદ્દ થવા જ જોઈએ એવી જીદ પકડીને બેઠા છે. એમાં ફેબ્રુઆરી, 2022માં ઉત્તર પ્રદેશની ચૂંટણી છે ને ખેડૂતો ગાંઠતા નથી એટલે સરકારને ફાળ પડે છે કે ઉત્તર પ્રદેશમાં હારવાનું તો નહીં થાય ને !

બીજી તરફ ખેડૂતો મચક આપતા નથી એટલે કોઈ પણ રીતે ખેડૂતોનું આંદોલન કચડવાના પ્રયત્નો ચાલે છે.  ખેડૂતોને દેશદ્રોહી કે ખાલિસ્તાનવાદી ગણાવીને તેમનો જુસ્સો તોડવાના પ્રયત્નો પણ થાય છે ને તેના જ એક ભાગ રૂપે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ ખેડૂતોને બહુ ગાળો ભાંડી. એનો વિરોધ કરવા કિસાનો લખીમપુર ખેરીમાં ભેગા થયા ત્યારે ચાર ખેડૂતોને જીપથી કચડી નાખવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ તીવ્ર ગતિથી પોતાની ગાડી, આગળ જઈ રહેલા ખેડૂતો પર ચડાવી દીધી અને ચાર ખેડૂતોને મારી નાખ્યા. એ પછી ઉશ્કેરાયેલા ખેડૂતોએ એ ગાડીને ફૂંકી મારી ને એમાં જે અંધાધૂંધી થઈ એમાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો ને એમાં બીજા ચારેકનાં મોત થયાં. આશિષ મિશ્રા ઘટના સ્થળેથી છટકી જવામાં સફળ થયો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી, પણ આરોપીની તે હજી ધરપકડ કરી શકી નથી તે સૂચક છે. પિતા કેન્દ્રમાં મંત્રી છે એટલે કોઈ પોતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે એવા તોરમાં પુત્રે હત્યાકાંડ સર્જ્યો છે ને એમાં તથ્ય પણ એટલે લાગે છે કે મંત્રી પિતાએ પુત્રને બચાવવા એવું પણ ચલાવ્યું છે કે ઘટના સમયે પુત્ર તો કોઈ અખાડામાં હાજર હતો. ખેડૂતોએ મંત્રી પિતાનું રાજીનામું માંગ્યું છે, પણ ગૃહ મંત્રી અમિત શાહે મંત્રીશ્રીને અભયદાન આપ્યું છે એટલે રાજીનામું તો ભૂલી જવાનું જ રહે છે. પુત્રને બચાવવાનું પણ સ્પષ્ટ જ છે એટલે એને પણ કશું થાય એમ લાગતું નથી. ઘટનાની આસપાસ વડા પ્રધાન પણ લખનૌ હતા, ત્યાંથી લખીમપુર દૂર ન હતું, પણ તેમણે ત્યાં જવાનું સ્વીકાર્યું નથી, એટલું જ નહીં, ઉત્તર પ્રદેશ સરકારે એ બાબતે પણ કાળજી લીધી કે અન્ય પક્ષના નેતાઓ પણ ઘટના સ્થળ સુધી ન પહોંચે. જરૂર પડી તો નેતાઓને પરાણે રોકવામાં આવ્યા.

એક તરફ તાલિબાનો છે જે કોઈને પણ મારીને જાહેરમાં લટકાવી દઈને ધાક જમાવે છે, બીજી બાજુ ભા.જ.પ.ની સરકાર છે જે ખેડૂતોનું આંદોલન તોડવા તેમની પર ગાડી ચડાવી દઈને મોતને ઘાટ ઉતારીને ભય ઊભો કરવા માંગે છે. બીજો સિનારિયો એવો છે કે વિપક્ષો પીડિતોને મળવા પડાપડી કરે છે. એમને કૈં પીડિતોને માટે બહુ વહી જાય છે એવું નથી, પણ એમણે પણ ચૂંટણી લડવી છે ને આમ કરવાથી જો મત ખેંચાઈ આવતા હોય તો એ બધા કૈં પણ કરવા તૈયાર છે. એ જ કારણ છે કે ઉત્તર પ્રદેશની સરકાર કરતાં વધારે સહાય એમણે પીડિતોને કરી છે. ઉત્તર પ્રદેશે 45 લાખની અને પંજાબ, છત્તીસગઢે 50-50 લાખની સહાય પીડિતોને જાહેર કરી છે. જોઈએ ઉત્તર પ્રદેશની પ્રજા આ ખેલને કેવી રીતે લે છે તે ! મૃતકોને નામે વળતર આપીને છૂટી જવાનો કે મતને નામે મદદ કરવાનો આખો ઉપક્રમ વિચાર માંગે છે. ઉત્તર પ્રદેશની સરકારે લખીમપુરમાં થયેલા હત્યાકાંડ પછી હિંસાને વકરવા નથી દીધી તેની નોધ લેવી પડે, પણ હત્યારાને પકડીને તેને સજા કરાવવાનું સહેલું નથી. સહેલું એટલે નથી કારણ, હત્યારાનો પિતા કેન્દ્રમાં મંત્રી છે અને તેના પર કેન્દ્રના ચાર હાથ છે.

એમ લાગે છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણી હજી ઘણા ખેલ દેખાડશે ને તેમ તેમ ઘણાંની માનસિકતા છતી થતી જશે, પણ લખીમપુરની ઘટનાએ નૈતિક્તાનો પૂરેપૂરો છેદ ઉરાડ્યો છે એ નક્કી છે. ક્યાં ય કોઈ સારપ બચી નથી. ઘણા ચહેરાઓ પરથી નકાબ જ નથી ઊતર્યો, ચામડી પણ ઊતરી ગઈ છે. એક જ ન્યાય બચ્યો છે - મારે તેની તલવાર. કોઈ પણ રીતે ચૂંટણીમાં જીત એ જ એક માત્ર લક્ષ્ય તમામ પક્ષો ને સરકારોનું રહ્યું છે. જીતવા માટે જ બધું થાય છે ને જીતવા માટે કોઈ પણ રીતિ, નીતિ મહત્ત્વની નથી. મહત્ત્વની છે જીત. એ કઈ રીતે જીતાય તેનું મહત્ત્વ નથી, જીતાય તે મહત્ત્વનું છે. જરૂરી છે જીત. જીતે તે સિકંદર, બાકીના બંદર. એ કેવો મોટો ચમત્કાર છે કે કોઈ કાળે ન હતા એટલા બંદરો વચ્ચે આપણે જીવવાનું આવ્યું છે.

મેરા ભારત મહાન ...

000

e.mail : [email protected]

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ઑક્ટોબર 2021

Category :- Opinion / Opinion