ચિપકો આંદોલન તરીકે દેશવિદેશમાં પ્રચલિત બનેલા વૃક્ષોને બચાવવાનાં અનોખા અભિયાનને કારણે આપણને પર્યાવરણ મિનિસ્ટ્રી મળી. પર્યાવરણ સંવર્ધનનો કાયદો પણ આ આંદોલનની જ દેણ છે. એક અભણ આદિવાસી મહિલાની દૂરંદેશી અને દૃઢતાની જબરદસ્ત દાસ્તાન પ્રસ્તુત છે અહીં.
હિમાલયના ગઢવાલ વિસ્તારમાં આવેલા લાઠા નામના ગામમાં આદિવાસી પરિવારમાં ગૌરાદેવીનો જન્મ થયેલો. પહાડી મહિલાઓ ઘરમાં ચૂલો પેટાવવા માટે બળતણ તરીકે ઝાડની ડાળખીઓ અને પાંદડાંઓ ભેગાં કરવા જંગલમાં જતી. બાળપણમાં પોતાની માતા સાથે જંગલમાં જમીન પર પડેલી સૂકાં ઝાડની ડાળખીઓ અને પાંદડાંઓ વીણતી મમ્મીને જોઈને ગૌરાએ પ્રશ્ન પૂછેલો, ‘શું કામ આપણે જમીન પર પડેલી આ ડાળખીઓ વીણીએ છીએ? એના કરતાં આ ઝાડને જ કાપી લઈએ તો?’
ત્યારે તેમની માતાએ સમજાવ્યું હતું, ‘બેટા, આ ઝાડ છેને એનાં મૂળિયાં હાથ જેવાં હોય છે, જેણે આપણી જમીનને પકડી રાખી છે. વધુ વરસાદ પડે કે પહાડ પીગળીને ત્યાંથી પાણીનો ધોધ આવે ત્યારે એ પાણીને પણ સાચવી લે છે અને સાથે જ માટીને પણ પકડી રાખે છે. જો કોઈ આ ઝાડને કાપી લે તો આપણે પાણી સાથે વહી જઈએ.’
માતા પાસેથી સમજેલી આ વાત ગૌરાદેવીના મનમાં એવી ઠસી ગઈ કે તેમણે એક ઐતિહાસિક આંદોલનને જન્મ આપ્યો. ૧૧ વર્ષની ઉંમરે લગ્ન કરીને રેણી ગામમાં રહેવા આવેલી ગૌરાનો જીવનસંઘર્ષ ચાલુ હતો. પતિનું બાવીસ વર્ષની ઉંમરે અવસાન થયું હતું અને એક બાળકની જવાબદારી તેમના માથે હતી. છતાં નાનપણના સંસ્કારો કામ કરી રહ્યા હતા અને તેઓ પોતાની સાથે સમાજના કલ્યાણ માટે કામ કરી રહ્યાં હતાં. એવામાં એક ઘટના બની.
બન્યું એવું કે ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ પછી સૈનિકોને સરહદ પર આવાગમન માટે સરળતા રહે એટલા માટે એક માર્ગ બનાવવાનું સરકારે નક્કી કર્યું. એ માર્ગ બનાવવા અંતર્ગત જ હિમાલયનો બૉર્ડર-વિસ્તાર ગણાતા ચમૌલી જિલ્લાના રેણી ગામ અને એની નજીક આવેલાં જંગલોનાં લગભગ ૨,૪૫૦ વૃક્ષો કાપવાની તૈયારી વનવિભાગે કરી લીધી હતી. આમાં કેટલાક તકવાદી લોકોએ પોતાના અંગત લાભ માટે પણ વૃક્ષો અને એનાં લાકડાંઓનો ઉપયોગ કરવા આ કાર્ય પાર પડે એવા પ્રયત્નો કર્યા હતા. આના વિરોધમાં ગઢવાલ વિસ્તારના કેટલાક સમાજસેવકો કાર્ય કરી રહ્યા હતા. એવામાં ૧૯૭૦ના ગાળામાં અલકનંદા નદીમાં પૂર આવતાં પહાડી લોકોએ ભારે વિપદાનો સામનો કર્યો હતો. આ પૂરમાં અસરગ્રસ્ત લોકોની મદદ કરવામાં વિવિધ સામાજિક કાર્યકરોમાં ગૌરાદેવીની વિશેષ ભૂમિકા હતી. પહાડી ગામોમાં રહેતા પરિવારોની તકલીફો દૂર કરવા માટે એક મહિલા સંગઠન રચવામાં આવ્યું હતું, જેમાં ગૌરાદેવી પ્રમુખ તરીકે ચૂંટાયાં હતાં. (પહાડી પ્રદેશોમાં પરિવાર સાચવવાની સાથે બહારનું કામ કરીને આર્થિક મદદ કરવામાં પણ મહિલાઓની વિશેષ ભૂમિકા હોય છે, એટલે જ તેમના જીવન સાથેના સંકળાયેલા પ્રશ્નોના સમાધાન માટે પણ મહિલાઓ વિશેષ સક્રિય હોય છે).
પૂરથી પોતાના પ્રદેશનું રક્ષણ કરવું હશે તો વૃક્ષોનું હોવું જરૂરી બનશે, એ વાત ચાંદી પ્રસાદ ભટ્ટ, ગોવિંદ સિંહ રાવત જેવા કેટલાક સામાજિક કાર્યકરો સારી રીતે જાણતા હતા. ગૌરાદેવી પણ આ બાબતમાં ગંભીર હતાં. ૧૯૭૪ની ૨૪ માર્ચે રેણી અને આસપાસનાં ગામોના પહાડી લોકોએ ભેગા થઈને વૃક્ષો કાપવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવા એક રૅલી પણ કાઢી હતી. સ્થાનિક લોકો દ્વારા વૃક્ષોને કાપવાનો વિરોધ થઈ રહ્યો હોવા છતાં સરકારે પાકા પાયે તૈયારી કરીને એ લોકો સાથે વાટાઘાટના પ્રયત્નો આદરી દીધા હતા. જમીનના બદલામાં તેમને સારું વળતર આપવામાં આવશે એવી લાલચો અને વાતચીતોના નામે એ લોકોને ભોળવવાનું સંપૂર્ણ પ્લાનિંગ પણ કરી લીધું હતું.
દિવસ હતો ૧૯૭૪ની ૨૬ માર્ચનો. રેણી ગામના પુરુષો સરકાર દ્વારા જમીન માટે આપવામાં આવનારા વળતરને લેવા માટે ચામોલી ગામે જતા રહ્યા હતા. ત્યાંના સામાજિક કાર્યકરો સાથે વાતચીત કરવા માટે તેમને રેણી નજીક આવેલા ગામમાં બોલાવી દેવામાં આવ્યા હતા. ગામમાં મહિલાઓ અને બાળકો જ હતાં. એ સમયે વનવિભાગના કેટલાક અધિકારીઓ મોટી-મોટી ટ્રક લઈને દેવદારનાં વૃક્ષોથી ભરચક જંગલો કાપવા માટે પહોંચી ગયા હતા. આ બધી જ હિલચાલ પર એક નાનકડી બાળકીની નજર ગઈ અને તેણે આંખેદેખ્યો અહેવાલ ગૌરાદેવીને સંભળાવ્યો. આ હિલચાલ વિશે જાણીને ગૌરાદેવી ઍક્શનમાં આવી ગયાં. બધી જ મહિલાઓ અને બાળકોને લઈને તેમણે જંગલ તરફ દોટ મૂકી. મજૂરો ઝાડ કાપવાના પોતાના કામે લાગે એ પહેલાં જંગલોમાં જઈને ઝાડનું રક્ષાકવચ બનીને તેમની સામે ઊભાં રહી ગયાં. ગૌરાદેવી કહી રહ્યાં હતાં, ‘ભાઈ, આ જંગલો અમારા પિયર સમાન છે. અહીંથી અમને જડીબુટ્ટીઓ, તાપણા માટેનાં લાકડાંઓ, ફળો અને શાકભાજી મળે છે. આને કાપવાથી તો પૂર આવશે.’
વન-અધિકારીઓ માટે આ એન્ટ્રી અણધારી હતી. જંગલો ન કાપવા માટે આ મહિલાઓએ અધિકારીઓને ભલામણ કરી તો અધિકારીઓએ દમદાટી કરીને તેમને ભગાડવાના પ્રયત્નો કર્યા, તેમની સામે બંદૂક તાકીને તેમને ડરાવવાની કોશિશ કરી, અપશબ્દો બોલીને અને તેમના પર થૂંકીને તેમને ડગાવવાના પ્રયત્ન કર્યા; પણ ગૌરાદેવી અને તેમની સાથે રહેલી મહિલાઓ અને બાળકો નીડર રહ્યાં.
એક પછી એક બધી જ મહિલાઓ જંગલમાં વિખેરાઈ ગઈ અને વૃક્ષોને ભેટીને ઊભી રહી ગઈ : ‘વૃક્ષને કાપતાં પહેલાં તમારે અમને કાપવાં પડશે.’ આટલો મક્કમ નિર્ધાર અને મહિલાઓની આ અડગતા જોઈને વન-અધિકારીઓએ હથિયાર નાખીને ત્યાંથી ચાલતી પકડવી પડી. વૃક્ષોને ચોંટીને, ચીપકીને તેમને બચાવનારી આ મહિલાઓનું અનોખું આંદોલન દેશભરમાં જ નહીં, આખા વિશ્વના લોકોમાં નોટિસેબલ બન્યું. વૃક્ષોને બચાવવાનો આ અહિંસાવાદી પ્રયાસ અખબારોની હેડલાઇન બન્યો. ‘ચિપકો આંદોલન’ને કારણે ગૌરાદેવી અને તેમની સાથે જોડાયેલી લગભગ બાવીસ મહિલાઓને વિશ્વના તમામ લોકોએ બિરદાવ્યાં. દેશવિદેશના પર્યાવરણપ્રેમીઓએ આ દિશામાં ધ્યાન આપીને સરકારના કાન પણ આમળ્યા અને એનું સૌથી મોટું દેખીતું પરિણામ એ આવ્યું કે સરકારે એની તપાસ માટે એક ખાસ સમિતિની રચના કરી. ડૉ. વીરેન્દ્ર કુમાર નામના શખ્સની અધ્યક્ષતા હેઠળ રચાયેલી આ સમિતિની તપાસમાં ખબર પડી કે રેણી ગામનાં જંગલોની સાથે આજુબાજુમાં આવેલી અલકનંદા નદી અને એમાં મળનારી અન્ય તમામ નદીઓ તથા કુંવારી પર્વતમાળાનાં જંગલોની સુરક્ષા પર્યાવરણીય દૃષ્ટિથી ખૂબ જ આવશ્યક છે. તપાસના આ રિપોર્ટ પછી સરકારે આ વિસ્તારનાં વૃક્ષોને પંદર વર્ષ સુધી ન કાપવાનો આદેશ આપ્યો.
ચિપકો આંદોલને આપણા દેશને પર્યાવરણ વિભાગ આપ્યો અને આગળ જતાં એમાંથી પર્યાવરણ મિનિસ્ટ્રીની પણ રચના થઈ. આ એક આંદોલન ફૉરેસ્ટ કન્ઝર્વેશન ઍક્ટને જન્મ આપવામાં પણ નિમિત્ત બન્યું. કલ્પના તો કરો કે એક સાવ અભણ અને આદિવાસી મહિલાની દૃઢ ઇચ્છાશક્તિ અને લડી લેવાની નીડરતા કેટલી કારગત નીવડી. ઉત્તરાખંડ ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારત સુધી આ આંદોલન પહોંચ્યું હતું અને દરેકે વૃક્ષને બચાવવા માટે આ પેંતરો અજમાવ્યો હતો. કન્નડમાં ચિપકોને એપ્પિકો કહેવાય છે એટલે કર્ણાટકમાં ચિપકો આંદોલનથી પ્રેરિત એપ્પિકો આંદોલન પ્રચલિત બન્યું હતું.
દુ:ખની વાત એ છે કે એ સંદેશ લાંબો સમય ટક્યો નહીં. સમયમર્યાદા પૂરી થતાં વૃક્ષો કાપવાનો સિલસિલો અકબંધ રહ્યો અને કદાચ એના પરિણામરૂપ જ ૨૦૧૩માં ઉત્તરાખંડમાં પૂર આવ્યું અને એણે લગભગ સાડાચાર હજાર ગામડાંઓમાં તબાહી મચાવી તથા લગભગ છ હજાર લોકોનો જીવ લીધો. આ પૂરને કારણે થયેલી તબાહીને રોકી શકાઈ હોત, જો ગૌરાદેવીની દૂરંદેશી પર સરકાર અને વનવિભાગ કાયમ રહ્યું હોત અને ત્યાં આવેલાં જંગલોનો ખાતમો ન બોલાવ્યો હોત. દર વર્ષે વિશ્વના તમામ દેશો ભેગા થઈને ગ્લોબલ વૉર્મિંગ માટે ચિંતાઓ દર્શાવે છે, પર્યાવરણના સંવર્ધનની વાતો કરે છે અને અંદરખાને ડેવલપમેન્ટના નામે જંગલોનો ખાતમો બોલાવી રહ્યા છે. આજે પણ તેઓ ઇચ્છે તો આ પહાડી મહિલાની વાતને સમજીને સ્વીકારે તો અનેક કુદરતી આફતોથી લોકોને બચાવી શકાય એમ છે. આજે નવરાત્રિના પહેલા દિવસે પર્યાવરણ અને પ્રકૃતિ માટે પોતાના જીવની પરવા કર્યા વિના જંગે ચડેલાં ગૌરાદેવીને હૃદયપૂર્વક શત શત પ્રણામ.
રાજસ્થાની મહિલાના પરાક્રમને પણ જાણીએ :
ખૂબ ઓછા લોકો જાણે છે કે ગૌરાદેવી જેવું જ આંદોલન સત્તરમી સદીમાં એક રાજસ્થાની મહિલાએ કર્યું હતું. લગભગ ૨૬૦ વર્ષ પહેલાં જોધપુરના રાજાએ પોતાના મહેલ માટે લાકડું લાવવાનો આદેશ આપ્યો અને રાજાના અધિકારીઓ મેવાડના ખેજડીનાં વૃક્ષો ધરાવતા જંગલને કાપવા પહોંચ્યા ત્યારે બિશ્નોઈ સમુદાયનાં અમૃતાદેવી નામનાં મહિલાના નેતૃત્વ હેઠળ મહિલાઓ ઝાડને ચોંટીને ઊભી રહી ગઈ. ‘સર સાંટે રુખ રહે તો ભી સસ્તો જાણ’ (વૃક્ષને બચાવવા માથું કપાવું પડે તો પણ એને સસ્તું ગણજો) એવા નારા સાથે એ મહિલાએ લોકોનો જુસ્સો જગાડીને પોતાનો વિરોધ અને મક્કમતા દર્શાવ્યાં હતાં. લગભગ ૮૪ ગામની સેંકડો મહિલાઓ વૃક્ષોને કાપવાના વિરોધમાં આડે આવી. અમૃતાદેવી સહિત લગભગ ૩૬૩ મહિલાઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી. એ પછી તો આખો બિશ્નોઈ સમુદાય આ કાર્યમાં જોડાઈ ગયો હતો. આજે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સરકારના વનવિભાગ દ્વારા વનસંવર્ધન માટે કામ કરતા લોકોને અમૃતાદેવી બિશ્નોઈ સ્મૃિત અવૉર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
સૌજન્ય ‘ધ ગ્રેટ નારી’, “ગુજરાતી મિડ-ડે”, 20 સપ્ટેમ્બર 2017