દિવાળી પહેલાં ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી થવાની હતી, પરંતુ ચૂંટણીપંચે તેને આપવામાં આવેલા આદેશને અનુસરીને ચારમાંથી બે રાજ્યોની ચૂંટણી પાછળ ધકેલી છે. જમ્મુ અને કાશ્મીરમાં અને હરિયાણામાં સપ્ટેમ્બર મહિનામાં ચૂંટણી યોજાશે અને ચોથી ઓકટોબરે પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એ પછી ચૂંટણી યોજાશે. ચૂંટણીપંચ બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ સ્વતંત્ર લોકતાંત્રિક સંસ્થા નથી, પણ કેન્દ્ર સરકારની ગુલામ છે એ હવે જગજાહેર છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને અને શરદ પવારની રાષ્ટ્રવાદી કાઁગ્રેસને જે રીતે ચૂંટણીપંચે અન્યાય કર્યો હતો એ જોઇને આખો દેશ ચોંકી ગયો હતો. જે પક્ષ છોડીને ગયા તેને અસ્સલ સાચા પક્ષ તરીકેની માન્યતા આપી હતી અને નામ તેમ જ ચૂંટણીનાં નિશાન આપી દીધાં હતાં. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીમાં ચૂંટણીપંચની જે ભૂમિકા હતી એ તો તમે જાણો જ છો. ટૂંકમાં ચૂંટણીપંચ મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાનું નથી, બલકે તેની વિરુદ્ધમાં કામ કરવાનું છે અને એવી વિપરીત સ્થિતિમાં આ દેશમાં લોકતંત્રને બચાવવાનું છે.
ચૂંટણીપંચે બચાવ કર્યો છે કે મહારાષ્ટ્રમાં વરસાદ બહુ પડ્યો છે અને ઉપરાઉપર તહેવારો આવી રહ્યા છે એટલે ચૂંટણી પાછળ ધકેલી છે. આ બહાનું ગળે ઉતરે છે? આવું પાંગળું બહાનું તો જવાહરલાલ નેહરુના યુગમાં પણ ચૂંટણીપંચે નહોતું આપ્યું, જ્યારે દેશનો વિકાસ નહોતો થયો. રસ્તા નહોતા, નદીઓ પર પુલ નહોતા, સંદેશવ્યવહારનાં સાધનો નહોતા, વગેરે. કંગાળ દેશ એ સમયે લોકસભાની અને લગભગ આખા દેશનાં રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે યોજી શકતો હતો અને આજે વિશ્વગુરુ ચાર રાજ્યમાં ચૂંટણી યોજવા અસમર્થ છે! આપણને તો કહેવામાં આવે છે કે ૨૦૧૪ પછીનાં ભારતને જોવા વિકસિત દેશોના લોકો પણ જાણે કે તાજમહેલ જોવા આવતા હોય એમ વિસ્મય સાથે આવે છે કે જેથી ટૂંકા સમયમાં વિકાસ કેમ કરાય તેની શીખ મળે. ચૂંટણીપંચને પૂછવું જોઈએ કે મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી એક વરસથી કેમ નથી યોજવામાં આવતી? શું મહારાષ્ટ્રમાં એક વરસથી વરસાદ પડી રહ્યો છે અને તહેવારો ઉજવાઈ રહ્યા છે?
મહારાષ્ટ્રમાં અને ઝારખંડમાં ચૂંટણી પાછળ ધકેલવાનું કારણ એ છે કે અત્યારે ચૂંટણી જીતવાની કોઈ અનુકૂળતા નથી અને બી.જે.પી.ના શાસકો અનુકૂળતા શોધી રહ્યા છે, અનુકૂળતા પેદા કરવા માગે છે. ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચામાં ફૂટ પડાવીને અનુકૂળતા પેદા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં આ ખેલ રચીને હાથ દાઝ્યા હોવા છતાં એ જ ખેલ ઝારખંડમાં રચવામાં આવી રહ્યો છે. જો મહારાષ્ટ્રમાં શિવસેના અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસમાં વિભાજન ન કરાવ્યું હોત તો મહારાષ્ટ્રમાં લોકસભાનું પરિણામ જૂદું આવ્યું હોત. આજે મહારાષ્ટ્રમાં સ્થિતિ એવી છે કે પોતાના પક્ષ સાથે ગદ્દારી કરનારા નેતાઓ ગદ્દારીની કિંમત માગે છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિધાનસભાની કુલ ૨૮૮ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૧૨૫ બેઠકો માગે છે અને અજીત પવાર ૮૦ બેઠકો માગે છે. બી.જે.પી. પોતાના માટે ઓછામાં ઓછી ૧૬૦થી ૧૮૦ બેઠકો રાખવા માગે છે. સામે મહારાષ્ટ્ર વિધાનસભાની ૪૦૦ બેઠકો હોય તો પણ ઓછી પડે.
એકનાથ શિંદે અને અજીત પવારને લોકસભાની ચૂંટણીનાં પરિણામ જોઇને સમજાઈ ગયું છે કે પક્ષ તોડવા માટે જનતાનો રોષ એકલા અમારી સામે નથી, બી.જે.પી. સામે પણ છે એટલે બી.જે.પી. ૨૦૧૯ની માફક છાતી તાણીને દાદાગીરી કરી શકે એમ નથી. બેઠકોની ફાળવણીમાં જ શિંદે-પવાર બી.જે.પી.નું નાક કાપવા માગે છે જે રીતે લોકસભાની ચૂંટણી વખતે બી.જે.પી.એ તેમનું કાપ્યું હતું. ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તમે તમારા પક્ષ સાથે કરેલી ગદ્દારીને કારણે જનતા તમારાથી નારાજ છે એટલે તમને વધુ બેઠકો ફાળવવાથી યુતિને નુકસાન થશે. હવે એ બે જણા કહે છે કે જનતાનો ગુસ્સો તમારી સામે પણ છે એટલે વિધાનસભાની ચૂંટણી અમારી મદદ વિના લડી શકો એમ નથી. બી.જે.પી. ઈચ્છે છે કે ૨૦૧૯માં બી.જે.પી.એ જેટલી બેઠકો લડી હતી તેનાથી વધુ બેઠકો આજ લડે પણ લડી શકે એમ નથી. જેને ખરીદવામાં આવ્યા હતા એ છાતી પર ચડી ગયા છે. આ સિવાય ચૂંટણી પાછળ ધકેલવાનું હજુ એક કારણ છે અને એ છે, બી.જે.પી.માં આંતરિક સાઠમારી. દેવેન્દ્ર ફડનવીસ હવે એ દેવેન્દ્ર ફડનવીસ નથી રહ્યા જે ૨૦૨૨ પહેલાં હતા.
સુજ્ઞ વાચકોને કદાચ મનોમન થતું હશે કે એકના એક નુસખા દરેક વખતે કેમ અપનાવવામાં આવે છે? ચૂંટણીપંચ પાસેથી અનુકૂળ આવે એ રીતની તારીખો લીધી. ગોદી મીડિયાઓએ સર્વે કરીને પરિણામ આપવાનું શરૂ કરી દીધું છે કે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બી.જે.પી.નો વિજય થવાનો છે. ઝારખંડમાં શાસક પક્ષને તોડવામાં આવી રહ્યો છે. આ સિવાય હિંદુ-મુસ્લિમ અથડામણો, વગેરે વગેરે. આ જ તો સમસ્યા છે તાનાશાહીની. તાનાશાહીમાં કલ્પનાશીલતા હોતી નથી. અંચઈ કરો, છીનવી લો, ડરાવો અને ખરીદો. આ ચાર સ્તંભ ઉપર તાનાશાહીનો મહેલ ઊભો હોય છે. દુર્ભાગ્યે જનતા ધારવામાં આવે છે એટલી બેવકૂફ હોતી નથી. એકનો એક ખેલ એકના એક સ્વરૂપમાં વારંવાર જોવા મળે તો તેમને પણ સમજાય જાય કે આ બધું રાષ્ટ્ર માટે નથી કરવામાં આવતું, પોતાની સત્તા માટે કરવામાં આવે છે. સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાઈટીઝ(સી.એસ.ડી.એસ.)ના લોકસભાની ચૂંટણીપૂર્વેના સર્વેક્ષણમાં માત્ર ૧૧ ટકા હિંદુઓએ કહ્યું હતું કે ભારત દેશ એકલા હિંદુઓ માટેનો છે અને ૭૨ ટકા મતદાતાઓએ કહ્યું હતું કે ચૂંટણીપંચ તટસ્થ નથી. એ અહેવાલ ચોંકાવનારો હતો. પ્રચંડ તાકાત ધરાવનારાં ગોદી મીડિયા એક તરફ અને સી.એસ.ડી.એસ. જેવી નાનકડી સંસ્થા એક તરફ. ટી.વી. ચેનલો પર જઇને શાસક પક્ષની તરફેણમાં ઘોંઘાટ કરનારા મહાન રાજકીય નિરીક્ષકો એક તરફ અને બે પગ, ઉઘાડું મસ્તિષ્ક અને પ્રમાણિકતા ધરાવનારા યોગેન્દ્ર યાદવ એક તરફ. ખેલ ઊઘાડો પડી જાય એ પછી તેને વારંવાર નહીં ભજવવો જોઈએ, પણ આગળ કહ્યું એમ તાનાશાહીની સમસ્યા જ એ છે કે તેની પાસે કલ્પનાશીલતા જ હોતી નથી. અંચઈ કરો, છીનવી લો, ડરાવો અને ખરીદો. કોલંબસની મુસાફરી અહીં પૂરી.
લોકસભાની ચૂંટણી વખતે ખોળે લીધેલા ચૂંટણીપંચે ચૂંટણી દસ તબક્કામાં લંબાવી આપી હતી કે જેથી નરેન્દ્ર મોદી નિરાંતે પ્રચાર કરી શકે. બન્યું એવું કે નેરેટિવ વિનાના નરેન્દ્ર મોદી માટે એ નિરાંત સજારૂપ બની ગઈ અને રાહુલ ગાંધીએ નેરેટિવ સાથે એ નિરાંતનો લાભ લીધો. આ વખતે પણ એવું જ બનવાનું છે. હરિયાણાની ચૂંટણી પતાવીને રાહુલ ગાંધી અને બીજા નેતાઓ મહારાષ્ટ્ર અને હરિયાણા પર ધ્યાન કેન્દ્રિત કરશે. જે નુસખા પરિણામ આપતાં બંધ થઈ રહ્યા છે તેને વારંવાર અપનાવવાથી શો લાભ!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 ઑગસ્ટ 2024