અમારાં મિત્ર, શશીબહેન પટેલ કનેથી દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારની એક કહેવત સાંભળ્યા કરી છે : ‘ભરવાડો બારે દિવસનો સૂતકારો; સાત ગાભણી, સાત દૂઝણી ને અલખિયાંનો પાર નહીં.’
ખેર ! … ડાયસ્પોરાની ગુજરી જામેલી છે; હાક વાગતાં જે કોઈ ડોકાયા તે સૌ વરણાગિયા હાટડી માંડીને બેઠા છે; તેડાગર ફૂલેકે ચડેલા છે; કીડિયારું ઊભરાઈ રહ્યું છે; ટૂંકામાં, વેપલો જોરમાં છે !
વારુ, … દેશપરદેશ છવાઈ ગુજરાતી અાલમમાં કોઈપણ શુભ પ્રસંગે રાંદલ તેડવાનો ચાલ છે. આઠ દિવસ સુધી આનંદમંગળ વર્તે છે. રાંદલને રાજી કરવા અને તેના પૂર્વ પ્રસંગની યાદ આપી, તેની સરસાઈ બતાવવા, રાંદલનો ઘોડો ખૂંદવા માટે રાંદલની ભૂઇને બોલાવાય છે.
રાંદલ એટલે રન્નાદેવી, રન્નાદે, સૂર્યની પત્ની. સૂર્યની પૂજા આખા ભારતવર્ષમાં વ્યાપ્ત થઈ છે. ભગવદ્દગોમંડળ વિગતે નોંધે છે તે અનુસાર, સૂર્યની પૂજા માટે સાક્ષાત્ સૂર્યનાં દર્શન કરવાને બદલે તેનાં મૂર્ત સ્વરૂપનાં દર્શન કરવાની વૃત્તિ બંધાઈ અને તેનાં ધીરેધીરે મંદિરો બંધાયાં. તેમાં સાકાર દેવ તરીકે સૂર્યની પૂજા થવા માંડી. પછી કાલાંતરે સૂર્યને પૂજે અને તેની સ્ત્રીને ન પૂજે, એ અયોગ્ય લાગવાથી સૂર્યની સ્ત્રીની પૂજા સ્ત્રીઓએ કરવા માંડી. એ સૂર્યની સ્ત્રી તે રન્નાદે કે રાંદલ. રન્નાદે એટલે માતા. ગુજરાતમાં સીમંત પ્રસંગે માતાની સ્થાપના થાય છે, એટલે કે સાત જાતનાં ધાન્ય વાવી જવારા ઉગાડવામાં આવે છે. બાજોઠ ઉપર તેમની સ્થાપના કરી કેળના સ્તંભની માંડવી બનાવી તેને વસ્ત્રોથી આચ્છાદિત કરવામાં આવે છે. … કહે છે કે રાંદલની ભૂઇ સાધારણ રીતે સુતાર, કુંભાર કે એવાં વસવાયા જાતની હોય છે. ઘણીવાર તો તે વાળંદ પણ હોય છે. ઘણીવાર રાંદલ સાથે જાગ તેડે છે. જાગ તેડવાનો ભપકો જુદો છે. તેમાં સૂર્યદેવની પૂજા વધારે શાસ્ત્રીય રીતે કરવામાં આવે છે. રાંદલ તેડવાનું એક મોટું કારણ રાંદલને ખુશ કરવાં એ છે, પણ તેથી વધુ સૂર્યદેવને ખુશ કરવા એ છે.
હવે, દોસ્ત મારા, અા યાયાવરી પંખીઅોની નાત ચણવા અાવે, તેવાકમાં, ચોમેર ડાયસ્પોરી માતાના જાગ તેડવાનાં ટાણાં મંડાયાં જો. અને ભૂઇઅોએ, અને વળી તેને સ્થાને ભૂવાઅોએ પણ, ઘોડો ખૂંદવાની ભભક, અહીંતહીં, જોમભેર, મારી જ જાણવી.
… પરંતુ, ભઈલા, ધીરા ખમી પૂછીએ કે અા ‘ડાયસ્પોરા સાહિત્ય’, ભલા, કઈ બલા છે ? ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા−૫’ના, પૃષ્ટ 335-343 પર પથરાયા, परिशिष्ट-३માં, ધીરુભાઈ ઠાકર નોંધે છે :
‘ડાયસ્પોરિક સાહિત્ય ગુજરાતી સાહિત્યના મુખ્ય પ્રવાહની શાખા જ છે. એનું સર્જન ગુજરાતી સાહિત્યનાં સ્વીકૃત અને પરંપરાને અવલંબીને થાય છે. તેની રચના વિદેશી સમાજની વચ્ચે થતી હોવાને કારણે વિષય વિદેશમાંનાં અનુભવ-અવલોકનો હોય અને વિદેશસ્થિત વ્યક્તિના જીવનનો સંસ્કારઘટ્ટ કે વિદેશની ધરતી પર વસીને વિદેશી સમાજની તાસીર દર્શાવે, તેની વિશિષ્ટતાને સ્વાનુભવ દ્વારા ઉપસાવી અાપે તે ડાયસ્પોરિક સાહિત્ય એમ વ્યાખ્યા બાંધી શકાય. પણ સામાન્ય રીતે વિદેશમાં વસતા લેખકોનાં તમામ લખાણોને ડાયસ્પોરિક સાહિત્ય ગણવામાં અાવે છે. એમ ડાયસ્પોરિક કેવળ સ્થળવાચક નહીં પણ ગુણવાચક શબ્દ છે, વિદેશીય સમાજનો સંસ્કાર દર્શાવતી પરિભાષા છે એમ સમજવું જોઈએ.’
‘શૂન્ય’ પાલનપુરી ગાય છે તેમ, ‘હિમ્મત બોલી અલ્લાબેલી / સાત સમન્દર તરવા ચાલી / જ્યારે કોઈ નાવ અકેલી’ની જેમ, દોરીલોટોખલીતો લઈને સૈકા, બે સૈકાથી દેશાવર ગયેલા અાપણા લોકોને વાચા અાપતું ગુજરાતી સાહિત્ય અાફ્રિકે તેમ જ અાથમણી કોરે અાવેલા મોટામસ્સ દેશોમાં સર્જાતું રહ્યું છે. ધીરુભાઈ કહે છે તેમ, ‘પણ સામાન્ય રીતે વિદેશમાં વસતા લેખકોનાં તમામ લખાણોને ડાયસ્પોરિક સાહિત્ય ગણવામાં અાવે છે.’ − અા લગીર યોગ્ય નથી. તેમનું તમામ સાહિત્ય ડાયસ્પોરિક નથી જ નથી. ગુજરાતી ડાયસ્પોરિક ક્ષેત્રોમાં ફક્ત વસવાટ કરવાને કારણે પોતાનું સર્જાતું તમામ સાહિત્ય ડાયસ્પોરિક બનતું નથી તે તેનો પાયાનો એક નિયમ છે.
મનુભાઈ પંચોળી ‘દર્શકે’ ‘ઇતિહાસ અને કેળવણી’માં નોંધ્યું છે તેમ, ‘કાટવાળા વાસણમાં દૂધ જમાવીએ તો તે દહીંથી ઝેર ચડે છે. તેવું અંદરની અવિદ્યાને દૂર કર્યા પહેલાં મેળવેલી સિદ્ધિ વિષે પણ બનતું દેખાયું છે.’ માટે પ્રથમ પહેલાં, ડાયસ્પોરિક સાહિત્ય બાબત અા કહેવાતી અવિદ્યાને દૂર કરીએ.
ઇન્ટરનેટી જ્ઞાનકોશ વિકિપીડિયાના જણાવ્યા મુજબ, અમેરિકાના એક જાણીતા રાજ્યનીતિશાસ્ત્રના પ્રાધ્યાપક, વિલિયમ સેફ્રાને, 1991માં પ્રકાશિત એક લેખ વાટે, વિવિધ સ્થળાંતરિત સમુદાયોથી ડાયસ્પોરિક સમુદાયના તફાવત બાબત છએક મુદ્દાઅોની છણાવટ કરી છે. These included criteria that the group maintains a myth or collective memory of their homeland; they regard their ancestral homeland as their true home, to which they will eventually return; being committed to the restoration or maintenance of that homeland; and they relate ‘personally or vicariously’ to the homeland to a point where it shapes their identity. સેફ્રાનની વ્યાખ્યાઓ યહૂદી ડાયસ્પોરાના વિચારથી પ્રભાવિત હોવા છતાં, તેમણે અા સંજ્ઞાના વિસ્તરતા ઉપયોગનો સ્વીકાર કર્યો છે.
બીજી તરફ, 2005ના અરસામાં, અમેરિકાના એક સમાજશાસ્ત્રી રોજર્સ બ્રુબેકરે ડાયસ્પોરા નામક સંજ્ઞાના થતાં વિસ્તરણની રજૂઅાત કરી છે. He suggests that one element of this expansion in use ‘involves the application of the term diaspora to an ever-broadening set of cases: essentially to any and every nameable population category that is to some extent dispersed in space’. Brubaker has used the WorldCat database to show that 17 out of the 18 books on diaspora published between 1900 and 1910 were on the Jewish diaspora. The majority of works in the 1960s were also about the Jewish diaspora, but in 2002 only two out of 20 books sampled (out of a total of 253) were about the Jewish case, with a total of eight different diasporas covered.
‘નમસ્કાર – અાફ્રિકાના’ નામક જૂથની વેબપેઇજ પર ડાયસ્પોરા અંગે અાવી મતલબનો ફકરો જોવા મળે છે : The term diaspora refers to the movement of any population sharing common ethnic identity who were either forced to leave or voluntarily left their settled territory, and became residents in areas often far remote from the former. Diasporic cultural development often assumes a different course from that of the population in the original place of settlement. It tends to vary in culture, traditions and other factors between remotely separated communities. The last vestiges of cultural affiliation in a diaspora is often found in community resistance to language change and in maintenance of traditional religious practice.
ખેર ! … ‘બુદ્ધિધન છે કેવાં સાચા ?’, નામે એક લેખમાં, શૈલેષ ટેવાણી, “નાંદીકાર”ના માર્ચ, 2010ના અંકમાં, નોંધે છે : ‘સાચો નાટ્યકાર જીવનના દરેક પ્રહરે, દરેક પ્રસંગે નાટકને ખાતો-પીતો હોય છે. એ વાંચે છે, પચાવે છે, જુએ છે, પચાવે છે. અનુભવે છે. ને એમાંથી અભિવ્યક્ત થવા મથતું સઘળું હૃદયમાં સંઘરતો, સંવિત્્માં ઊતારતો, સાચવતો રહે છે. કઈ ક્ષણે, કયા ચોઘડિયે, કયા નિમિત્તે અને કઈ કથા-પાત્ર રૂપે એ નાટકને અાકાર અાપશે તે કદાચ, જાણતો નથી; કદાચ, ઊંડે ઊંડે જાણે છે કે પોતે ક્યારેક અાવું અાવું રચી કાઢશે !’
ડાયસ્પોરા બાબત, ગુજરાતી ડાયસ્પોરા અંગે, ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્ય વિશે અાપણી માદરી જબાનના વિદ્વાનો અા કેડાના સાચેસાચ ભોમિયા બની જાય તે દિવસના સહજ સ્વાભાવિક અોરતા જ હોય. પરંતુ અાજે અાપણા ક્ષેત્રમાં તેનો અભાવ છે અને ક્યાંક ક્યાંક અધૂરિયાઅો પોતાની અધૂરપો ઢાંકવા ખાબકી લીધા દીધા કરે છે. અા અાપણી કમનસીબી છે.
રાજકોટમાં અબીહાલ ‘ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય : વલણો અને વહેણો’ નામે એક પરિસંવાદનું અાયોજ થયેલું. મોટીમસ્સ તાસમાં પથરાયા ચૂરમાંના લાડવા પર ખસખસ ભભરાવીએ તેમ નામોનો ય અહીં છંટકાવ થયેલો. તેની ત્રીજી બેઠકનું અધ્યક્ષપદ મારે જાળવવાનું હતું તેમ વાંચી હું દિગ્મૂઢ હતો. હું તો વિલાયતમાં છું. કોઈએ અા પરિસંવાદ મિષે મને અાગોતરી પડપૂછ કરી નથી અને અાજ લગી અધિકૃત અામંત્રણ સુધ્ધાં પણ મોકલાયું નથી ! … યોજના અને વ્યવસ્થાને નામે અા બધી લોલેલોલ … કેન્દ્રીય ‘સાહિત્ય અકાદેમી’ પાસેથી કોઈક લાગો લેવાનો અહીં બેત હોય તો ય નવાઈ નહીં !
પહેલે ઝાટકે થયું કે નોતરેલા સમૂહમાં અને શ્રોતાવર્ગમાં કેવી છાપ પેદા થઈ હોય ? ‘પેલા’ હાજરી માટેના પ્રમાણપત્રને સારુ હાજર કરાયેલા ‘બચાઇડા’ શ્રોતાવર્ગને તો કદાચ ઝાઝી ગતાગમ ન ય હોય, પરંતુ બાકીસાકી ? વિવેક બૃહસ્પતિની ધજાપતાકા લઈને અહીંતહીં જાતરાએ નીકળી પડતા અાયોજકો અને ભાષણિયાઅોને માટે કદાચ નવાઈ ન પણ હોય ! યાયાવરી પંખીની જમાતને શું લાગ્યું હોય ? … કોણ જાણે ? … કોણ કહેશે ? … અાપણો તો સંસ્કૃત સમાજ કહેવાય છે, ત્યારે અા અાવો તે કેવો ‘વિવેક’ ?
નાનાભાઈ ભટ્ટે ‘ગૃહપતિને’ નામક ચોપડીમાં લખ્યું છે : ‘માખણિયો એ માત્ર છાત્રાલયની નહીં પણ અાખા જગતની વિભૂિત છે. જ્યાં જ્યાં મનુષ્યની નબળાઈ છે, જ્યાં જ્યાં કાન કાચા છે, જ્યાં જ્યાં અાંખે અંધાપો છે, જ્યાં જ્યાં હલકા સ્વાર્થ અને રાગદ્વેષ ભર્યા છે, જ્યાં જ્યાં હૈયાં છીછરાં છે, ત્યાં ત્યાં માખણિયો જન્મ્યા વિના રહેતો જ નથી. અાવા માખણિયા લોકોએ મોટાં મોટાં રાજ્યો ઊથલાવી પાડ્યાં છે, પ્રજાઅોના કલ્યાણમાર્ગોનો અવરોધ કર્યો છે, મોટા મોટા અાશ્રમોમાં ઝેર વાવ્યાં છે, સંસ્કારી કુટુંબોમાં ચીરા પડ્યા છે અને હજી અાજે પણ જગતમાં શું શું કરી રહ્યા છે.’
અાપણા અા વણખેડાયેલા ક્ષેત્રમાં ય અાવી ‘વિભૂતિઅો’ની કોઈ કમી નથી. અમાસની ઘોર અંધારી રાતે ય, વળી, અામતેમ દેખા દેતી જોવા મળી પણ જાય ! … જેવા અાપણા નસીબ ! … અને તેમ છતાં, અા મુદ્દે વિચારલક્ષી વાદ-સંવાદ જ અાવશ્યક છે, વ્યક્તિલક્ષી નહીં.
ભારતના લોકો વિદેશોમાં પૈસા કમાવાના મામલામાં તો આગળ છે જ, ભારતમાં રહેનાર પોતાના પરિવારના લોકોને પણ તેનો ફાયદો પહોંચાડવામાં તેઓ પાછળ નથી. 2010-11ના વર્ષ દરમ્યાન વિદેશોમાં વસી રહેલા ભારતના લોકોએ દેશમાં 56 અબજ ડોલરની રકમ મોકલી છે. આ તેનાથી અગાઉના વર્ષની સરખામણીમાં બે અબજ ડોલર વધુ છે. પ્રવાસી ભારતીય મામલાઓના મંત્રી વાયલાર રવિએ જાતે આ વાતની માહિતી આપી. તેમણે કહ્યું કે દેશમાં 2010-11માં 55.9 અબજ ડોલરના મનીઓર્ડર (વિદેશમાં વસેલા ભારતીયો દ્વારા મોકલવામાં આવેલા નાણાં) મોકલ્યા છે. દેશમાં 2009-10માં 53.9 અબજ ડોલરનું રેમિટેંસ આવ્યું હતું, જ્યારે 2008-09માં આ રકમ 46.9 અબજ ડોલરની રહી હતી. વિશ્વ બેન્કે આની પહેલાં જ આ વર્ષમાં જ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે પ્રવાસી ભારતીયો દ્વારા 2010-11માં 55 અબજ ડોલરની રકમ મોકલાવે તેવી આશા છે.
પરદેશે વસી જમાતનું ધન અામ ફરી ફરી લોહચૂંબક સાબિત બને છે. અને દરેક ક્ષેત્રમાં, અાવી અાવી અસર અાજે અનુભવવા મળે છે. તો સાહિત્ય ક્ષેત્ર કોરુંકટ્ટ કેમ કરી રહી જાય ? શાસનથી માંડી ખાનગી ક્ષેત્ર પણ અા સારુ સ્વાભાવિક બાકાત નથી. અા સમજાય છે, કેટલેક અંશે અાવકાર્ય પણ છે. પરંતુ અા ચાલ એકમાર્ગી અાજ સુધી રહ્યો છે. જગતભરમાં પથરાઈ ગુજરાતી જમાતને શો લાભ મળ્યો ? શો મળે ? ઉત્તમ વહેંચવાનું બનતું હોય તેવો અનુભવ નથી; જે કંઈ જોવા પામીએ છીએ તે કૂતરાને જાણે કે ચાનકી ધરતાં હોય કે પછી કોઈક ‘ધરમકરમ’ના ભાવમાં કીડિયારું પૂરવાના ઘાટ હોય, તેમ દીસે છે !
લંડનથી અમદાવાદનું અંતર 6,840.11 કિલોમિટર યાને કે 4,250.36 માઈલનું છે. વિમાન વાટે 8 કલાક, 49 મિનિટનું જ છેટું છે. અમેિરકાથી હવે વારસાનું વતન પંદરવીસ કલાકને અંતરે જ પડે છે. સમાજનો કેટલોક વર્ગ બે પાંદડે સુખી બનતો ગયો છે. પરિણામે અાવનજાવન સહેલીસટ્ટ બની છે.
થોડા સમય પહેલાં, અમેિરકાનિવાસી સાહિત્યકાર અને જાણીતા શહેરી નટવર ગાંધીનો એક લેખ ‘ગુજરાતી ડાયસ્પોરા લેખન – સ્વતંત્રતાની હાકલ’ નવેમ્બર 2010ના “અોપિનિયન”માં અગ્રલેખ રૂપે પ્રગટ કરેલો. અા અને અાવા સંદર્ભોમાં, તેમાંની મોટા ભાગની બાબતો અાજે ય પ્રસ્તુત છે.
નટવરભાઈના મત મુજબ, ગુજરાતી ડાયસ્પોરી જગતના ‘ગુજરાતી લેખકોએ હવે અવસ્થાવાન બનવું જોઈએ અને પોતા પર જ અાધાર રાખવો જોઈએ. પોતાના મૂળ વતનનાં કોઈક પ્રમાણપત્રની તેમણે અાશા અપેક્ષા રાખવી નહીં જોઈએ કેમ કે તેવાં તેવાં ઉછીનાં સઘળાં પ્રમાણપત્રોની કિંમત સહજ સ્વાભાવિક કોડીની પણ ઠરતી નથી. તેમની અહીંની સાહિત્યિક પ્રવૃત્તિઅોની સરાહના મેળવવા સબબ ભારત ભણી સતત ગોઠવાયેલી તેમની નજર ઊઠાવી લઈ, તેમણે તેમની અા સાહિત્યિક સાંકળ તોડી કાઢવી જોઈએ. તેમના અા વસવાટી જીવનમાં જાતભાતની રસિક વાતો ભરી પડી છે. તે વિશેનાં લખાણો તેમણે કરવાં જોઈએ. અા બધા અનુભવોને બોલતા કરવા જોઈએ. …
નટવર ગાંધીનો અાખરી ફકરો ભારે સૂચક છે : ‘સાહિત્યિક સંસ્થાઅોએ તેમ જ અકાદમીઅોએ અહીંનાં વાતાવરણને સાનુકૂળ સાહિત્યલેખન થાય તે માટે સક્રિયપણે લાગી પડવું જોઈએ. અહીંના વાતાવરણને ધ્યાનમાં લઈને પુસ્તક પ્રકાશનનાં તેમ જ સામિયક પ્રગટ કરવાંનાં કામ હાથ લેવાં જોઈએ. વતનથી લેખકો તેમ જ કવિઅોને જંગી ખરચ કરીને મહેમાન તરીકે તેડાવવાને ઠેકાણે, તેમણે જેમનો અવાજ ક્યાં ય સંભળાતો નથી તેવાં તેવાં સ્થાનિક ગુજરાતી લેખકો અને કવિઅોની સભાબેઠકો રાષ્ટૃીય સ્તરે ભરવી જોઈએ. તદુપરાંત, અહીં સર્જાતાં ગુજરાતી સાહિત્યને કેન્દ્રમાં રાખવાનું ગુજરાતી લેખકોએ અને સાહિત્યિક સંસ્થાઅોએ કામ કરવું રહે છે. બે સદી પહેલાં, એમરસને જે પ્રકારે અમેરિકી સાહિત્યનો અોચ્છવ કરી જાણેલો, તેવી જ રીતે, ચાલો, અાપણે ય અાપણાં વાતાવરણની છાપવાળાં અમેરિકી ગુજરાતી સાહિત્યને વધાવી જાણીએ.’
ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યજગતમાં કામ પાડતા, અહીંના અને તહીંના, તમામે તેનું ફેરવાચન કરવાની અને તે સઘળી બાબતો ધ્યાનમાં લેવાની તાતી જરૂર છે.
વાંચક દોસ્ત, અન્ય કોઈક સંદર્ભે, ઉમાશંકર જોશીએ, એકદા, કહેલું : ‘કેટલા બધા માણસો એવા છે જેઓ માત્ર ચૂપચાપ વાંચે છે. તેઓ કહેવા આવવાના નથી કે આ બરાબર લખ્યું છે કે બરાબર લખ્યું નથી; પણ બેઠાબેઠા એ આપણો તોલ કરે છે. એ લોકો સંકોચથી પોતાનો અભિપ્રાય પ્રગટ કરવાના નથી. પણ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે કાંઈ બોલ્યા, જે કાંઈ લખ્યું તે બધાનું જેઓમાં જોવાની શક્તિ છે તેવા વિચક્ષણ માણસો અવલોકન કરી રહ્યા છે. આપણી તેમની પ્રત્યે જવાબદારી છે.’
અાવી અાવી જવાબદારીઅો અાપણા અા ડાયસ્પોરા વીરોમાં ય ઉતરજો. ગુજરાતી સાહિત્ય ઘણી બધી રીતે અાજે એક એવા ચોખંભે અાવીને ખડું છે, જ્યાંથી તે અાગળ ધપે તેને સારુ કોઈક મુઠ્ઠી ઊંચેરા અને દૂરંદેશ અાગેવાનની મનીષા છે. ઉર્દૂ જબાનના એક ઊંચેરા શાયર, જોશ મલીહાબાદી (5 ડિસેમ્બર 1894 – 22 ફેબ્રુઅારી 1982)નો એક શેર અાથીસ્તો સાભરે છે :
ऐ ख़ुदा हिन्दोस्ताँ को बख़्श ऐसे आदमी
जिनके सर में मग़ज़ हो और मग़ज़ में ताबिन्दगी
એ પરવરદિગાર ! હિન્દુસ્તાનને એવા તું માણસો દે કે જેને શિરમાં દિમાગ હોય, અને વળી, જેને ય પોતીકું નૂર હોય.
અા પરવરદિગારને અાપણી પ્રાર્થના હજો : અા ક્ષેત્રે ય ‘એવા તું માણસો દે કે જેને શિરમાં દિમાગ હોય, અને વળી, જેને ય પોતીકું નૂર હોય.’
પાનબીડું :
26 જૂન 2010ના “દિવ્ય ભાસ્કર”માં, પ્રકાશ ન. શાહે ‘હમારી જમીન સે હટ જાઅો’ નામે મજેદાર એક સાપ્તાહિકી લેખ અાપ્યો હતો. લેખમાં છેલ્લે ફકરે અાવું ય લખાણ હતું :
કદાચ, આ મછંદરોને નવા ગોરખની જરૂર છે, જે એમને ઝંઝેડી (લોકશાહી રાહે ઝૂડીને) જગાડે કે તમે શું કરી રહ્યા છો. … અને ત્યારે સાંભરી આવે છે (સચ્ચિદાન્દ હીરાનન્દ વાત્સયાયન) ‘અજ્ઞેય’ની આપાત્કાલીન કાવ્ય પંક્તિઓ :
હમ ન પીઠ્ઠૂ હૈ, ન પક્ષધર હૈ
હમ હમ હૈં ઔર હમેં
સફાઈ ચાહિયે, સાફ હવા ચાહિયે
ઔર આત્મસન્માન ચાહિયે જિસ કી લીક
હમ ડાલ રહે હૈ.
હમારી જમીન સે
હટ જાઓ.
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
સૌજન્ય : “ઓપિનિયન”, 26 ફેબ્રુઆરી 2012; પૃ. 01-03